સમાંતર ભાગ - ૨૧
આગળના ભાગમાં આપણે જોયું કે ઝલકના એક આઈડિયાથી નૈનેશ અને નમ્રતાના સબંધમાં એક અલગ જ જીવંતતા આવે છે. તો ઝલકે અત્યાર સુધી દિલમાં છૂપાવીને રાખેલી વાત એ નૈનેશ જોડે શેર કરે છે, જેમાં બાળપણના તૂટેલા સપનાથી લઈને મલ્હાર દવે સુધીની વાત હોય છે. બે દિવસના અબોલાના અંતે રાજ ઝલક જોડે ખૂલીને વાત કરે છે જેમાં કામિનીના અમદાવાદ આવ્યા પછી એ કેવી રીતે એને મદદ કરે છે અને એના માટે એને કઈ વાત છુપાવવી પડી હોય છે એના ખુલાસા કરે છે. રાજની વાત સાંભળીને સ્તબ્ધ બનેલી ઝલક રડતાં રડતાં જ ઊંઘી જાય છે હવે આગળ...
*****
રાતે કેટલીય વાર ઝલક ઝબકીને જગી જાય છે. રોજ સવારે ઊઠીને સ્ફૂર્તિ સાથે કામ વળગતી ઝલકને આજે અધૂરી ઊંઘ અને તૂટેલા વિશ્વાસ સાથે ઉઠવાની ઈચ્છા જ નહતી થતી. એના મનનો સઘળો ભાર એના તન પર આવી ગયો હોય એવો થાક એના શરીરને વર્તાતો હોય છે. એ થોડી વધારે વાર પથારીમાં પડ્યા રહેવાનું નક્કી કરે છે.
તો રાજ પણ ક્યારનો જાગીને એમ જ પડી રહ્યો હોય છે. રાતે ઊંઘમાં જ હીબકાં ભરતી ઝલકને જોઈને એના મનમાં ઝલકની સતત ચિંતા થતી હતી. એને ચૂપ કરવા જ્યારે એણે એના માથે હાથ ફેરવ્યો તો જોયું કે ઝલકનું શરીર સહેજ ગરમ હતું. એને ઈચ્છા થઈ આવી કે ઝલકને પોતાના આલિંગનમાં લઈ લે અને એની જોડે વાત કરે, પણ એનો અપરાધભાવ એને આમ કરતાં અટકાવી રહ્યો હતો. કંઇક વિચારીને એ ઊભો થયો અને રસોડામાં ગયો. ઘરમાં હજી બધા ઊંઘતા જ હતા એટલે એણે જાતે જ બધા માટે ચા બનાવવાનું નક્કી કર્યું. હજી એ ચાની તપેલી ચઢાવે જ છે અને ઝલક રસોડામાં આવે છે.
"તમે રૂટિન પતાવવા લાગો, હું મૂકું છું ચા." ભાવવિહિન અવાજે ઝલક બોલી.
"તને ઠીક નથી આજે, રાતે પણ તને સહેજ તાવ જેવું હતું. આજે તું કોફીની જગ્યાએ ચા જ પી, સારું લાગશે એનાથી. હું મસ્ત આદુ વાળી ચા બનાવું, ત્યાં સુધી તું આરામ કર થોડી વાર." ચિંતાના સ્વરમાં રાજે કહ્યું...
રાજની વાત અવગણીને ઝલક રસોડાના બીજા કામમાં વળગી. ચા પીધા પછી એને ખરેખર થોડું સારું લાગતું હતું. એ ફટાફટ પોતાના રોજિંદા કામમાં વળગી ગઈ. અને બપોર પડવાની રાહ જોવા લાગી.
બીજી બાજુ ઝલક જોડે ચેટ પત્યા પછી પણ નૈનેશના વિચારોમાં ઝલકે જ સ્થાન રોકી રાખ્યું હતું. રાતે પણ બે ત્રણ વાર એની ઊંઘમાં એજ વિચારે એને ખલેલ પહોંચ્યો હતો. એક બાજુ એને લાગી રહ્યું હતું કે ઝલકને એની જરૂર છે તો બીજી બાજુ એને મુંઝવણ થતી હતી કે કેમ કોઈ અજાણી સ્ત્રી આ હદે એના વિચારોમાં સ્થાન લેતી જાય છે. એને એવું લાગી રહ્યું હતું કે કદાચ જવાબદારી પૂરી કરવાના ચક્કરમાં એણે એના જે શોખને સીમિત કરી દીધા હતા એજ શોખને ઝલકના આવવાથી નવજીવન મળી રહ્યું હતું. ગઝલ તો એ વર્ષોથી સાંભળતો પણ હવે નવેસરથી એ એના શબ્દોમાં, એના ભાવમાં ડૂબી રહ્યો હતો. એને એક એવો દોસ્ત મળી ગયો હતો જેને એ નમ્રતામાં શોધતો રહ્યો. જોકે એ જાણતો હતો કે નમ્રતાનો પણ એમાં કોઈ વાંક નહતો, એ એને ક્યારે રોકતી નહતી પણ ક્યારેય ઉત્સાહભેર ભાગ પણ નહતી લેતી અને એટલે જ પછી એણે એવા કોઈ પ્રોગ્રામમાં એકલા જવાનું ચાલુ કરી દીધું હતું.
"હજી તો એક જ વાગ્યો છે." ઑફિસમાં પોતાની ખુરશીની બરાબર સામેની દીવાલ પર લાગેલી એક સિમ્પલ પણ ક્લાસી વોલ કલોકમાં ટાઈમ જોતા નૈનેશ સ્વગત જ બોલ્યો...
વહેલું કામ પતાવીને આડી પડેલી ઝલકની નજર પણ વારેઘડીએ મોબાઈલમાં ટાઈમ જોવામાં જતી હતી. આમને આમ દોઢ વાગી ગયા અને એનાથી ના રહેવાયું એટલે એણે નૈનેશને મેસેજ કર્યો, "કેમ છો દોસ્ત.!?"
નૈનેશે હજી ટિફિન ખોલીને ખાવાનું શરૂ જ કર્યું હતું ને ઝલકનો મેસેજ એના કોમ્પ્યુટરની સ્ક્રીન પર ઝળક્યો. એ હજી કંઈ વિચારે એ પહેલાં બીજો મેસેજ આવ્યો, "સોરી દોસ્ત, જાણું છું તમારા લંચનો સમય છે પણ હું રોકી ના શકી મને મેસેજ કરતાં."
નૈનેશે એના રાઇટ હેન્ડથી ખાવાનું ચાલુ રાખીને લેફ્ટ હેન્ડથી જ ટાઈપ કર્યું, "અરે... એમાં શું સોરી.! મને દસ મિનિટ આપો હું જમી લઉં."
ઝલક : હા, શાંતિથી...
આ દસ મિનિટમાં નૈનેશે પોતાનું જમવાનું પણ પતાવી દીધું અને સામેથી નમ્રતાને ફોન કરીને એની જોડે વાત પણ કરી દીધી. નમ્રતાએ મજાકમાં સામેથી ફોન કરવાનું કારણ પૂછ્યું પણ ખરું જેને નૈનેશે કામનું બહાનું ધરીને ટાળી દીધું. અને એણે ઝલકને કેમ છો દોસ્તનો રિપ્લાય આપતો મેસેજ કર્યો, "મઝા.. મઝા.. તમે કેમ છો.!?"
ઝલક : બસ એમ જ છું, જેવી અને જ્યાં કાલે હતી. પણ પહેલા મને એ કહો કે તમે મને bff કહેવાની ના કેમ પાડી.
નૈનેશ : હમઉમ્ર હોવા છતાં પણ આપણી સફર તમેથી ચાલુ થઈને તમે સુધી જ રહી છે. જ્યારે તમે મને તું કહેશો અને નામથી બોલાવશો ત્યારે હું સમજીશ કે આપણે bff છીએ. (સ્માઈલી મૂકતા નૈનેશે લખ્યું.)
ઝલક : તું કહું કે તમે, મને તો તમારામાં મારા bff જ દેખાય છે. મળ્યાં ત્યારથી તમે મને એવો સાથ આપ્યો છે. બાકી સંબોધન શું હોય એનો મને ખાસ ફેર નથી પડતો.
નૈનેશ : તમે તમારી જગ્યાએ સાચા જ છો, સંબોધન શું હોય એનાથી બહુ ફેર ના પડવો જોઈએ આમ તો. પણ આપણે લગભગ સરખી ઉંમરના છીએ તો તુકારે બોલાવવામાં વાંધો ના આવવો જોઈએ. એટલીસ્ટ પ્રયત્ન તો કરી જ શકાયને ઝલક.!? મેં તો નક્કી જ કર્યું છે હું તમને ઝલક કહીશ.
ઝલક : સાચી વાત છે તારી નૈનેશ, પ્રયત્ન તો કરી જ શકાય.
નૈનેશ : હા તો હવે તમે પણ bff કહી શકો છો પણ એ પ્રસંગોપાત જ, બાકી નૈનેશ જ ગમશે મને.
"તમેથી તું સુધીની આ સફર છે,
દોસ્તીમાં અમુક હક તો અફર છે.!
આપી જાય વણમાંગેલો સાથ પણ,
એ મિત્રોમાં દોસ્તી ભાવ પ્રખર છે.!"
ઝલક એની સ્ટાઇલથી રચના લખી જવાબ આપે છે.
નૈનેશ : અરે વાહ.! તો હવેથી પાક્કું તમે, ના.. સોરી, તું મને નૈનેશ કહીશ અને હું તને ઝલક. હવે બોલ bff તું કેમ આજે આટલી બેચેન લાગે છે.!?
ઝલક : આજે તો મારે મલ્હારની વાત પૂરી કરવી જ છે. જ્યાં સુધી એ પૂરી નહીં થાય ત્યાં સુધી મને ચેન નહીં મળે. તને સમય તો છે ને આજે.??
નૈનેશ : જો એ વાત તને આટલી બેચેન કરે છે તો મારા માટે એજ પ્રાથમિકતા રહેશે. કામ delay કરી શકાય એવું છે એટલે don't worry. તારે જે પણ કહેવું હોય જ્યાં સુધી કહેવું હોય તું કહી શકે છે.
ઝલક : કાલે તને કહ્યું કે અમે કેવી રીતે મળ્યા અને મિત્રો બન્યા. અમારા શોખે અમને વધુ નજીક કર્યા. જેમ જેમ હું મલ્હારને ઓળખવા લાગી એમ એમ હું અજાણપણે એનાથી આકર્ષાતી ગઈ. કૉલેજના બીજું વર્ષ હજી તો ચાલુ જ થયું કહેવાય અને હું લગભગ એના પ્રેમમાં પડી ગઈ હતી. મલ્હાર આ વાતથી અજાણ એની જ દુનિયામાં ખોવાયેલો રહેતો હતો. એના માટે આમ તો દરેક મિત્રો સરખા જ હતા પણ અમારો ગઝલનો શોખ અમને બંનેને વધુ જોડી રાખતો હતો. ઘણી વાર અમે શેરો શાયરીની જુગલબંધી પણ કરતા અને એક એવો જ વરસાદી દિવસ હતો અને અમારી વચ્ચે ગઝલના શેરની જુગલબંધી ચાલતી હતી. મલ્હાર માટે તો એ બાકીના દિવસની જેમ ફક્ત જુગલબંધી જ હતી પણ મારા મનમાં કંઇક અલગ ચાલતું હતું, જોકે બહુ વખત સુધી એ અજાણ ના રહી શક્યો મારા ભાવથી.
"अपने होंठों पर सजाना चाहता हूँ,
आ तुझे मैं गुनगुनाना चाहता हूँ..
कोई आँसू तेरे दामन पर गिराकर,
बूँद को मोती बनाना चाहता हूँ.."
જ્યારે એની આંખોમાં જોઈને મેં ગઝલનો આ શેર કહ્યો ત્યારે એ રીતસરનો ચોંકી ગયો હતો. એ તરત જ મારા દિલના ભાવ સમજી ગયો હતો અને જવાબમાં એજ શેર કહ્યો હતો જે તેં આપણી પહેલી ઓનલાઇન મુલાકાતમાં લખ્યો હતો.
"ऐ नए दोस्त मैं समझूँगा तुझे भी अपना,
पहले माज़ी का कोई ज़ख़्म तो भर जाने दे.."
એની આંખો એ વખતે એકદમ ભાવશૂન્ય અને બરફ જેવી થીજી ગયેલી હતી. મારી સાથે હોવા છતાં પણ મારાથી એ કેટલોય દૂર હોય એવું લાગ્યું હતું મને.! પણ એણે તરત એની જાતને સંભાળી લીધી અને જ્યારે મારી આંખોમાં ધસી આવેલા આંસુ જોયા ત્યારે મારો હાથ પકડીને એની આંખ અને સ્પર્શથી જ મને સધિયારો આપ્યો જેમાં એ સંબંધનો સ્પષ્ટ અસ્વિકાર દેખાઈ આવતો હતો. બે દિવસ સુધી હું પછી કૉલેજ નહતી ગઈ. ત્રીજા દિવસે જ્યારે ગઈ ત્યારે પણ એની સામે જવાનું ટાળ્યું હતું. એક અઠવાડિયા સુધી આવું ચાલ્યું પછી લંચ બ્રેકમા એ સીધો મારા ક્લાસમાં જ આવી ગયો અને મારો હાથ પકડીને મને અમારી રોજની બેઠક પર લઈ ગયો. એણે મને એક કાગળ આપ્યો અને આગ્રહ કર્યો એ વખતે જ વાંચવાનો. એ વાંચીને હું કંઇજ કહેવાની અવસ્થામાં નહતી રહી એટલી હેતબાઈ ગઈ હતી.
ઝલક આજે પણ એ સ્થિતિમાંથી પસાર થતી હોય એમ સજ્જડ થઈ જાય છે. લગભગ એક મિનિટ થઈ ગઈ હોય છે અને ઝલકનો બીજો મેસેજ નથી આવતો એટલે નૈનેશ સામેથી મેસેજ કરીને પૂછે છે, "એવું તો શું લખ્યું હતું એ કાગળમાં.!?"
ઝલક જાણે તંદ્રામાંથી બહાર આવી હોય એમ લખે છે, "એના પ્રેમ વિશે. એના સૌથી પહેલા અને કદાચ છેલ્લા પણ.. એના બાળપણના પ્રેમ વિશે."
નૈનેશ : ઓહ.!!
ઝલક : કૃષ્ણા નામ હતું એનું. બંનેના ઘર એકબીજાની બાજુમાં જ હતાં અને ઘરોબો પણ ઘણો એટલે કહી શકાય કે બંને સાથે જ મોટા થયા હતાં. એકબીજાની પસંદ - નાપસંદ કે ઝીણામાં ઝીણી વિગતથી માહિતગાર હતાં. મેં જ્યારે આખો પત્ર વાંચી લીધો ત્યારે મલ્હારે એના વૉલેટમાંથી કાઢીને એનો ફોટો પણ બતાવ્યો હતો.
મોટી મોટી ધ્યાનાકર્ષક આંખો, શ્યામ પણ ચમકતી ત્વચા, કાળા વાળ અને મનમોહક સ્મિત... લાગે જાણે એના આવા રૂપના લીધે જ એનું નામ કૃષ્ણા રાખવામાં આવ્યું હશે. ઉંમરમાં મલ્હારથી એક વર્ષ નાની હતી એ એટલે મારા જેટલી જ. એ બંનેના મન બાળપણમાં જ મળી ગયા હતાં અને બંનેના પરિવારને પણ આ સંબંધ સ્વીકાર્ય હતો. પણ નિયતિને કદાચ એ સ્વીકાર્ય નહતું.
નિયતિએ કંઈ અલગ જ વિચારી રાખ્યું હતું અને બારમા ધોરણની પરીક્ષા આપ્યા પછી કૃષ્ણાની તબિયત નરમ ગરમ રહેવા લાગી. વારે વારે એ તાવમાં સપડાવવા લાગી એટલે એના બધા રીપોર્ટસ કઢાવવામાં આવ્યા તો એમાં આવ્યું કે એને ત્રીજા સ્ટેજનું બ્લડ કેન્સર હતું.
કૃષ્ણાના સારા થવાના ચાન્સીસ ઘણા ઓછા હતાં તો પણ તાબડતોડ એની ટ્રીટમેન્ટ ચાલુ કરવામાં આવી. ટ્રીટમેન્ટના લીધે દિવસે ને દિવસે એના શરીરમાં એકદમ નબળાઈ આવતી ગઈ. એના શરીરમાં હવે કેન્સરની અસહ્ય ટ્રીટમેન્ટ સહન કરવાની શક્તિ નહતી રહી. બધાએ ધીમે ધીમે લગભગ સત્ય સ્વીકારી જ લીધું હતું અને હવે બધાનું એક જ લક્ષ્ય હતું કે કૃષ્ણાને બને એટલી ખુશ રાખવી અને બાકીની જિંદગી બને એટલી શાંતિથી અને પીડામુક્ત આપવી. જ્યારે મલ્હારે મને પત્ર આપ્યો ત્યારે એનું કેન્સર લાસ્ટ સ્ટેજમાં પહોચી ગયુ હતું ને એ એટલી અશક્ત થઈ ગઈ હતી કે એનું જીવન એક રૂમ પૂરતું જ સીમિત થઈ ગયું હતું.
નૈનેશ આ બધું વાંચીને પહેલા તો એકદમ સ્તબ્ધ થઈ ગયો અને પછી એના મનમાં તરત ઝબકારો થયો અને એણે અમૃતા પ્રિતમની કવિતાની એ પંક્તિ લખી જે ઝલક સ્ટેજ પર બોલી હતી.
"मैं तुझे फिर मिलूँगी
कहाँ कैसे पता नहीं
मैं तुझे फिर मिलूँगी!!"
ઝલક : હા, આ કવિતા જ્યારે જ્યારે મલ્હાર હતાશ થઈ જતો ત્યારે ત્યારે કૃષ્ણા એને સંભળાવતી. મલ્હારના દિલની એકદમ નજીક હતી આ કવિતા, અને એટલે જ જ્યારે મેં આ કવિતા સ્ટેજ પર બોલવાનું નક્કી કર્યું ત્યારે મલ્હારે મને અંગત રસ લઈને તૈયારી કરાવી. હવે મને ખબર પડી રહી હતી કે કેમ મલ્હારની આંખોમાં ઉદાસી આવીને ઉભી રહેતી હતી પણ કૃષ્ણાને આપેલા વચન ખાતર એ ખુશ રહેતો, એવો જ બનીને રહેતો જેવો એ હતો. અસીમ દર્દ દિલમાં છુપાવીને સહજ રહેવા પ્રયત્ન કરતો અને એમાં સફળ પણ થતો. હું ઘણી વાર મજાકમાં એને ગઝલની એજ પંક્તિ સંભળાવતી જેના લીધે પહેલી વાર આપણે ખૂબ લાંબી ચેટ કરી હતી.
"तुम इतना जो मुस्कुरा रहे हो
क्या गम है जिसको छुपा रहे हो?"
પણ હવે મને હવે મારા બધા સવાલોના જવાબ એ પત્રથી મળી ગયા હતા. હું રડી રહી હતી... ના, મારા માટે નહીં, મલ્હાર માટે... કૃષ્ણા માટે... મન થતું હતું કે એને ભેટીને રડું તો કદાચ એનું પણ દર્દ હલકુ થાય પણ હું એમ ના કરી શકી.
પછી તો થોડા જ સમયમાં કૃષ્ણાની તબિયત એકદમ બગડી ગઈ. એ એકદમ પથારીવશ જ થઈ ગઈ, અને પંદર દિવસમાં તો એનું મૃત્યુ થઈ ગયું. એ પંદર દિવસ મલ્હાર સતત એની જોડે ને જોડે જ રહેતો, કૉલેજ આવતો પણ એક બે લેક્ચર ભરીને કામનું બહાનું બતાવીને જતો રહેતો.
અમારા મિત્ર મંડળમાં મારા સિવાય બધા અજાણ જ હતા આ વાતથી. જ્યારે કૃષ્ણાના મૃત્યુની વિધિ પતાવીને એણે પાછી કૉલેજ ચાલુ કરી ત્યારે બધાની સામે એજ મલ્હાર હતો જેને બધા જાણતા હતાં, પણ અમે જ્યારે અમારી બેઠેકે એકલા મળ્યા ત્યારે એ મને વળગીને ધ્રુસકે ને ધ્રુસકે રડ્યો હતો. બસ એ છેલ્લી વાર એને એ રીતે રડતાં જોયો, પછી તો ધીમે ધીમે એનામાં ઘણા બદલાવ આવતા ગયા. B.A. પતાવીને એણે કૉલેજ છોડી દીધી અને કોઈ અંતરિયાળ વિસ્તારમાં પોતાના ખર્ચે બાળકો માટે એક નાની સ્કૂલ બનાવીને કાયમ માટે ત્યાં જતો રહ્યો.
નૈનેશ : એ પછી તમે મળ્યા છો એને.? કે કોઈ બીજી રીતે કોન્ટેક્ટ.?
ઝલક : ના, એના જતા પહેલા અમે મળ્યા હતાં અમારી બેઠકે. ત્યારે એણે મારી જોડેથી પ્રોમિસ લીધું હતું એને ભૂલી જવાનું. અને ક્યારેય પણ જીવનમાં કોઈ પણ રીતે એને મળવાનો પ્રયત્ન નહીં કરવાનો. અને કરું પણ કેવી રીતે એણે એ જગ્યાનું નામ જ નહતું આપ્યું જ્યાં એ જવાનો હતો.
નૈનેશ : એના કોઈ બીજા ફ્રેન્ડ કે તમારા કોઈ કોમન ફ્રેન્ડને પણ નહતી ખબર.?
ઝલક : હતીને ખબર એના બેસ્ટ ફ્રેન્ડને. જો મલ્હાર ઈચ્છતો હોત કે હું એના સંપર્કમાં રહુ તો એણે મને જાણકારી આપી જ હોત, પણ એવું કશું નહતું એટલે મેં પણ નિયતિ જોડે સમાધાન કરી લીધું અને મારું બધું ધ્યાન ભણવામાં કેન્દ્રિત કર્યું. M.A કરીને ટીચર બનવું હતું મારે પણ પછી શું અને કેવી રીતે થયું એતો મેં તમને કહ્યું જ છે.
નૈનેશ : તમે જે કર્યું એ બરાબર જ હતું. મૃગજળ પાછળ ભાગવાનો આમ પણ કોઈ અર્થ નહતો અને પરિવારની ખુશી પણ મહત્વની હોય.
"હા..." ઝલકે જવાબ આપ્યો.
નૈનેશ : તો એનો અર્થ એમ થાય ને કે અજાણતાં જ હું તને તારા ભૂતકાળમાં લઈ ગયો.!
ઝલક : હા, તમારા શોખ, તમારો કંઈ પણ પૂછ્યા વિના સાથ આપવનો સ્વભાવ અને સૌથી મહત્વના તો આપણી મુલાકાત અને મિત્રતા માટે નિમિત્ત બનેલા ગઝલના એજ શેર જે મારા જીવનની કોઈ ખાસ ઘટનાના સાક્ષી રહ્યા હતાં.
નૈનેશ : ઓકે એ વાત તો સમજ્યા પણ હવે તારે bff નથી કહેવાનું, દોસ્ત જ બરાબર છે. (કંઇક વિચારીને નૈનેશે લખ્યું.)
ઝલક : કેમ.!? મારી કોઈ ભૂલ થઈ.!? (મુંઝાઈ જતા ઝલક પૂછે છે.)
નૈનેશ : હા, બહુ મોટી.
ઝલક : આમ ઉખાણા ના કરો.! શું ભૂલ થઈ એ બતાવો. (ઝલક એકદમ બેબાકળી થઈ જાય છે.)
નૈનેશ : આપણે નક્કી કર્યું હતું એકબીજાને તું કહેવાનું અને તેં ફરી મને તમે કહ્યું. હા.. હા.. હા.. (વાતાવરણને હળવું કરવાના આશયથી નૈનેશે લખ્યું.)
ઝલક : શું યાર.! ગભરાવી જ દીધી મને તો.!
નૈનેશ જવાબમાં ખાલી સ્માઈલી મોકલે છે. અને પછી તરત બીજો મેસેજ કરે છે, "આપણા મિત્ર બન્યા પછી મને પણ હંમેશા વિચાર આવતો કે એવું શું છે જે આપણને જોડી જાય છે. બહુ વિચાર્યા પછી મને જે કારણ મળ્યા એમાં એક છે તારો મારા ઉપર મૂકેલો અતૂટ વિશ્વાસ, જે આપણી મૈત્રીને પાક્કું બનાવવા માટે નિમિત્ત બન્યો. અને બીજું અને મહત્વનું કારણ એ કે કદાચ મને તારામાં એક એવી મિત્ર મળી જે હું નમ્રતામાં શોધતો હતો. હું કાયમ ઈચ્છતો કે એ મને મારા શોખમાં સાથ આપે પણ ક્યારેક સમયનો અભાવ કે ક્યારેક કંઈ બીજું. જોકે એનો જરાય વાંક નથી, બે અલગ માણસના શોખ મળતા આવે એ આશા રાખવી વધુ પડતી જ છે.! પણ જ્યારે કોઈ આપણા જેવા શોખ વાળો મિત્ર મળી જાય તો મઝા પડી જાય."
ઝલક : તેં આપ્યો એના શોખમાં કે એના કોઈ કામમાં એનો સાથ.? તું થોડાઘણા અંશે પણ એનો એવો મિત્ર બન્યો.?
નૈનેશ વિચારમાં પડી જાય છે. અને પછી જવાબ આપે છે, "પહેલા આપતો હતો, પણ હમણાંથી ઓછો... એ બધું જાતે જ મેનેજ કરી લે છે."
ઝલક પહેલા તો જવાબમાં ખાલી સ્માઈલી મોકલે છે. અને પછી લખે છે, "આપણી ઉંમરમાં લગભગ આવું જ બનતું હોય છે. પતિ પત્ની એકબીજાને સહજ લેવા માંડે અને એટલેજ સંબંધમાં એકધારા પણું આવી જાય. સંવાદનો અભાવ પણ આમાં ભાગ ભજવી જાય અમુકવાર. (અને એના મનમાં એના લગ્નજીવનમાં અત્યારે ચાલતી ઘટના આવી જાય છે. એ નવેસરથી કંઇક વિચારે છે અને એક નિર્ણય લે છે.)
ઝલકની વાત વાંચીને નૈનેશ પણ વિચારમાં પડી જાય છે અને નક્કી કરે છે કે એ હવેથી નમ્રતાનો મિત્ર બનીને જ રહેશે.
*****
ઝલકે કયો નિર્ણય લીધો હશે.?
શું નૈનેશ અને નમ્રતાના જીવનમાં આવેલું એકધારા પણું દૂર થશે.?
ઝલક અને રાજના જીવનમાં આગળ શું થયું હશે.?
એ બધા સવાલોના જવાબ મેળવવા વાંચતા રહો સમાંતર.
©શેફાલી શાહ
*****
વાર્તા વાંચીને યોગ્ય પ્રતિભાવ આપવા વિનંતી...
તમે ઈન્સ્ટાગ્રામમાં પણ મને ફોલો કરી શકો છો.
Insta - : shabdone_sarname_
જય જીનેન્દ્ર...
શેફાલી શાહ