Jaane ajaane - 66 in Gujarati Fiction Stories by Bhoomi Shah books and stories PDF | જાણે-અજાણે (66)

Featured Books
Categories
Share

જાણે-અજાણે (66)

"જ્યાં સુધી મારાં પ્રશ્નોનું નિરાકરણ નહીં થાય ત્યાં સુધી મને સંતોષ નહી મળે. અને કઈ વાતનો ભરોસો કરું?.. વેધને મળે સમય જ કેટલો થયો છે!... અને બિચારી વંદિતા તો અમેં વેધને ઓળખીએ છીએ એમ વિચારીને જ મળવાં તૈયાર થઈ હતી. તેણે અમારી પર વિશ્વાસ કર્યો હતો તો અમારી જ જવાબદારી આવે કે હું તેને કોઈ મુસીબતમાં ના ફસાવવા દઉં. એકવાર મને મન થાય છે કે હું વેધ પર ભરોસો કરું પણ જેમણે પોતાનાં જીવનમાં એટલાં વિશ્વાસઘાત જોયાં હોય તે કેવી રીતે બીજાં પર ભરોસો કરી શકે!... અને હવે મને મનમાં આવ્યું છે તો હું એકવાર તો જરૂર તપાસ કરીશ." અમી પોતાની સાથે જ વાતો કરવાં લાગી. તેને આજુબાજુનું કશું ભાન ના રહ્યું. ક્યાં ઉભી છે, શું કરે છે, કોણ બોલાવે છે તે દરેક વાતથી તેનો સંબંધ જાણે તૂટી ચુક્યો હોય અને પોતે જ પોતામાં ગોથા ખાતી, થોડું ડરતી, ફરતી, ગભરાતી અને પોતાને જ શાંત્વના આપતી અમીનાં મનમાં માત્ર તેનાં પ્રશ્નો જ મહત્વ ધરાવવાં લાગ્યા. નિયતિએ આ વાત જોઈ લીધી. નિયતિને એ તો દેખાવાં લાગ્યું કે કોઈક વાત અમીને હેરાન કરે છે પણ તે શું છે તે માત્ર અમી જ કહી શકે એટલે એકલતાનો અવસર શોધી નિયતિએ અમીને પોતાની પાસે બેસાડી શાંતિથી પુછ્યું. " શું હું તારી બહેન છું?.." નિયતિનો એક પ્રશ્ન અને અમીને અંદર સુધી ધક્કો વાગી ગયો " શા માટે આવો પ્રશ્ન પુછવાની જરૂર પડી?.. મારાથી કોઈ ભૂલ થઈ ગઈ? " અમીએ ઉતાવળથી પુછ્યું. " ના... તારાંથી કોઈ ભૂલ નથી થઈ પણ મને લાગે છે કે મારાંથી જરૂર કોઈ ભૂલ થઈ રહી છે." નિયતિએ અમીને કહ્યું.

" શું ભૂલ દીદી?...મને તો નથી લાગતું. " અમીએ નિયતિની વાત તરત નકારી કહ્યું. નિયતિએ આ વાતને જોઈ ફરીથી પુછ્યું " તો પછી હવે તું મને કશું કહેતી કેમ નથી?... પેલા દિવસ પણ તારે કશુંક કહેવું હતું અને અચાનક તેં વાત બદલી દીધી. અને આજે પણ મને તું ક્યાંક ખોવાયેલી જ જાણાય રહી હતી. શું ચાલી રહ્યું છે?.... જો હું જાણું છું કે ઘણાં દિવસથી મારાંથી કે બીજાં કોઈથી તારી પર ધ્યાન નથી અપાય રહ્યું. બધાનું ધ્યાન વંદિતા પર આવી ગયું છે. મને ખબર છે કે તને લાગતું હશે કે તું એકલી પડી ગઈ છું. પણ એવું કશું નથી ... તારી બધી વાત મારાં માટે જરૂરી છે. એટલે પુછું છું કશું હોય તો કહી દે મને. " નિયતિ ઘણાં પ્યારથી અને વ્હાલથી અમીને સમજાવવાં લાગી. પણ છતાં અમી તો પોતાનામાં જ ફસાયેલી હતી. " જો મેં દીદીને સીધુ સીધું પુછી લીધું વેધ વિશે તો તે ગભરાઈ જશે અને જો મારો શક ખોટો નિકળ્યો તો નિયતિદીદી જ ફસાય જશે બધા વચ્ચે. ઉપરથી હમણાં તો વંદિતા અને દીદી વચ્ચે બધું સુધરવા લાગ્યું છે તો કેમ કરી હું બધું ખરાબ કરું?!... પણ જો મેં કશું ના કર્યું અને વેધ વિશે મારો શક સાચો નિકળ્યો તો વંદિતાનું જીવન હણાય જશે . કરું તો શું કરું?" .... અને અમી મૌન ધારણ કરી બેસી રહી. નિયતિનું મન આ જોઈ વધારે તલખવા લાગ્યું. અને તેણે અમીને એ દરેક રીતે પુછવાનો પ્રયત્ન કર્યો જે રીતે કદાચ અમી કહી દે તેનાં મનની વાત. પણ અમીએ એક પણ શબ્દ મોં માથી કાઢ્યો નહી. અને નિયતિને તણાવમાં આવતાં જોઈ જાણે કશું થયું ના હોય તેમ વર્તન કરવાં લાગી. થોડીવારમાં બધું સામાન્ય થઈ ગયું એટલે અમીએ પુછ્યું " દીદી તમને ખબર હતી કે જેની વાત વંદિતા માટે આવી છે તે વેધ જ છે!.. મારો અર્થ છે કે વેધને તમેં પહેલાં મળ્યા હતાં એમ કહી શકાય કે થોડી બોલચાલ થઈ હતી કૅફેમાં. તો જ્યારે આ વાત વંદિતા માટે આવી ત્યારે તમને ખબર પડી જવી જોઈએ ને કે આ જ છે જે પહેલાં મળ્યો હતો! .. અને જો ખબર હતી તો તમેં મુલાકાતની ગોઠવણ જ કેમ કરી? કેમ કે જ્યાં સુધી હું તમને ઓળખું છું તમેં એ છોકરાંને કંઈ ખાસ પસંદ નહતાં કરતાં. મને સમજાતું નથી આ આખી વાત!." નિયતિએ થોડું વિચારીને કહ્યું " હા , સમજાતું તો મને પણ નથી કે આ એ જ છોકરો કેવી રીતે નિકળ્યો જે કૅફેમાં મળ્યો હતો!. કેમ કે જ્યારે મેં પહેલાં જે તપાસ કરાવી હતી તેમાં તો છોકરાંનો સ્વભાવ આ વેધ સાથે તો બીલકુલ મળતો નથી આવતો. જ્યારે વાત આવી ત્યારે તેનાં બોયોડાટામાં લખ્યું હતું અને તેનાં વિશે જે પણ જાણવાં મળ્યું તેની પરથી તો છોકરો સીધો, સાદો, સરળ અને એકદમ ઓછું બોલવાંવાળો હતો. અને મુખ્ય વાત તો એ કે તે કશું બહારનું ખાતો- પીતો પણ નહતો એમ જાણવાં મળ્યું હતું. પણ જ્યારે વેધ ઘેર આવ્યો ત્યારે તો આ પેલો જ છોકરો નિકળ્યો. મને પણ થોડું અજુગતું લાગ્યું કેમકે આ વેધનું તો નામ સિવાય કશું મેળ નહતું ખાતું. અને આ વેધ તો અવારનવાર કૅફેમાં આવીને બેસતો, બોલ બોલ કરતો અને બહારનું પણ જમી લેતો. "

અમીને વધારે ગૂચવણ ઉભી થઈ. અને તેણે પુછ્યું " તો દીદી જ્યારે વાત ચાલતી હતી ત્યારે તમને તે છોકરાનો કોઈ ફોટો નહતો જોયો?.. કેમ કે ફોટો વગર તો વાત જ આગળ ના વધી શકે. " નિયતિએ તરત કહ્યું " અરે ફોટો હતો... પણ ખબર નહીં કેવો હતો કે તેમાં ચહેરો ચોખ્ખો દેખાય જ નહતો રહ્યો. અને જ્યારે મેં તેનાં મા- બાપને પુછ્યું તો તેમણે કહ્યું તેમણે થોડાં સમય પહેલાં જ ઘર બદલ્યું છે અને તેથી તેમની જોડે કોઈ બીજો ફોટો નથી. અને કહ્યું કે ફોટો કરતાં હવે તમેં અમારાં દિકરાંને મળી લેજો. અને જ્યારે મેં ના પાડવાની કોશિશ કરી તો એક અજીબ જ જીદ્દ પકડીને રાખી કે મળી લો. અને મને બધી જગ્યાથી સારાં જ પ્રતિભાવ આવ્યા હતાં એટલે મેં એકવાર મળવાં માટે હા કરી દીધી. એમ પણ વંદિતાને તો આપણે જાણીએ જ છીએ ને . તેને સાચવવી સહેલી નથી. અને મને લાગ્યું કોઈ તેની વિપરિત વ્યક્તિત્વ ધારાવતો વ્યક્તિ તેનાં જીવનમાં આવશે તો તેનાં જોડેથી કદાચ વંદિતા પણ કશુંક સુધરવાનો પ્રયત્ન કરે. અને બસ.. પછી તો જે તે દિવસ થયું એ. જ્યારે વેધ ઘેર આવ્યો ત્યારે ખબર પડી કે આ તો એ જ છોકરો છે જેને પહેલાં પણ હું અને તું અને શબ્દ પણ મળ્યા છો. " નિયતિએ બધી વાત સમજાવી. અમીનાં પ્રશ્ર્નો એક વળાંક લઈ રહ્યા હતાં. અને જેટલું તે આ વાતમાં અંદર ઉતરવાં લાગી તેટલી જ ઉંડી આ વાત બનવાં લાગી. નિયતિએ અમીને પુછ્યું " પણ તું અત્યારે કેમ આ બધું પુછે છે?" " ના.. ના.. આ તો બસ મગજમાં આવ્યું એટલે પુછી લીધું. " અમીએ વાતને ટાળી દીધી. અને તે ત્યાંથી ચાલી ગઈ. મન ગભરાવાં લાગ્યું હતું , શ્વાસ પણ જાણે ઘૂટાઈ રહ્યા હતાં અને બસ કશું મગજમાં બેસવાનું નામ જ નહતું લેતું. અમી જાણે બધી બાજુથી ફસાય ગઈ હોય તેમ અનુભવી રહી હતી. પોતે આ બધી ઘુંચ ઉકેલવાં માંગતી હતી પણ તે જાતે જ ઘુંચાય રહી હતી અને કશું સમજાયું નહી, પોતાને એક અલાયદી જગ્યા શોધતાં શોધતાં તે પોતાનાં ઘરની નજીક આવેલાં પાર્કમાં એક ખુણામા જઈ બેસી ગઈ. જ્યાંથી તે બધાને જોઈ શકતી હતી પણ તેને કોઈ સરળતાથી નહતું જોઈ શકતું.

નાના- નાના છોકરાઓ ત્યાં રમી રહ્યા હતાં. તેમનાં માં- બાપ બેસીને વાતો કરી રહ્યા હતાં. બીજી તરફ ગેટની બહાર પાણીપુરી અને બીજી આચલકૂચલ ખાવાની લારીઓ ઉભી હતી. બીજી તરફ એક ફૂગ્ગાવાળો ઉભો હતો. લીલાં કૂણાં ઘસમાં ઘરડા લોકો બેસીને ગપાટા મારી રહ્યા હતાં. પાર્કની ખૂણાવાળી બધી બેન્ચ પર પ્રેમી પંખીડાઓનો જમાવડો હતો. અને સરવાળે પાર્કમાં એકસાથે ઘણી પેઢીઓ ફરી રહી હતી. આ દરેક વાતને અમી બસ એકીટશે નિહાળી રહી હતી. પોતાની બધી વાતો બાજૂમાં મુકી તેને તો બસ આ એક ક્ષણ જીવવો હતો. એ નાના બાળકોની જેમ બેફામ રીતે દોડવું હતું. એ ઘરડાં લોકોની જેમ મન ભરીને હસવું હતું. અને ભાવતી- ના ભાવતી બધી વસ્તુઓનો સ્વાદ જાણે એકસાથે જ લેવો હતો. પોતે એકલી બેઠી હતી છતાં લોકોથી ઘેરાયેલી જણાતી હતી.

મન થોડું શાંત થયું જ હતું કે એક નાનો છોકરો તેની પાસે આવ્યો. અમીએ તેને પ્રેમથી બોલાવ્યો ત્યાં તો તે એક કાગળ આપીને દોડી ગયો. અમીને લાગ્યું જરૂર મારી સાથે રમત કરે છે. છતાં તેણે એક મુસ્કાન સાથે એ કાગળ ખોલ્યું અને વાંચવાનું શરૂ કર્યું. તેનાં ચહેરાની મુસ્કાન એક પળમાં ખોવાય ગઈ અને પોતે પરસેવે જાણે રેબઝેબ થવાં લાગી. સમજાય નહતું રહ્યું કે કોણ અને કેમ કાગળ મોકલે છે. તે કાગળમાં લખ્યું હતું " હું જાણું છું કે તને શું વાતની ચિંતા છે. અને તારો ડર સાચો પણ છે. જે તું વિચારી રહી છે તે બધી વાત સાચી છે. જે માણસ વિશે તને હજું કશું ખબર નથી તે બધું મને ખબર છે. અને જો તેં તારી બહેનનાં લગ્ન નહી રોકાવ્યા તો તેનું જીવન તો નરક જ બનવાનું છે. ભરોસો હોય તો થોડીવાર રાહ જો ત્યાં બેસીને મારી.... ના હોય તો ચેતવણી સમજી ચાલી જજે." કોણ છે જે અમીનાં મનની વાત કે તેનો ચહેરાની ચિંતા પણ જાણે છે. શું કરવું શું નહીં તે અમીને સમજાય નહતું રહ્યું. તેણે જોર જોરથી બોલવાનું અને આજુબાજું જોવાનું શરૂ કર્યું. " કોણ છે ?... અને હું તારી વાત પર કેમ કરીને વિશ્વાસ કરું?.. આ કોઈ મજાક હોય તો બિલકુલ સારું નથી. જે વાત કરવી હોય તે સામેં આવીને કરને.. આમ છુપાઈને શું કહે છે કશું પણ!.." પણ કોઈ વ્યકિત તેની સામેં ના આવ્યો. ફરીથી બીજો નાનો છોકરો તેની પાસે આવી તેને એક કાગળ આપી ગયો. તેમાં લખ્યું હતું " બૂમો પાડવાથી કશું નથી થવાનું. મારી વાતની સાબિતી જોઈતી હોય તો જા એ છોકરાંની કૉલેજમાં જેનાં વિશે તને શક છે. અને ત્યાં તેનું એડમિશન ડિટેલ્સ તપાસ કર. " અમીને કશું સમજાતું નહતું. પણ એ વસ્તું કરવામાં કોઈ વાંધો પણ નહતો અને અમી તેની કૉલેજ પહોંચી ગઈ. પણ પ્રશ્ન એ હતો કે તેની ડિટેલ્સ કોઈ પણ કોલેજ કેમ આપશે!... અને ઓફિસમાં ના કોઈ ઓળખાણ હતી કે તેનો ઉપયોગ કરી શકે. તે એક જગ્યા ઉભી રહી વિચારવા જ લાગી ત્યાં તો એક ચપરાસી ત્યાં આવ્યો અને ધીમેથી તેનાં કાનમાં બોલી ગયો કે જો ડિટેલ્સ જોઈએ તો મારી પાછળ પાછળ આવો. શું થઈ રહ્યું છે તે અમીને સમજાય નહતું રહ્યું. એક ચપરાસી પણ તેને ઓળખે છે?.. અને તે એ ચપરાસીની પાછળ પણ થોડું અંતર રાખીને ચાલવાં લાગી. જેથી કોઈને શક ના થાય. અને તે ચપરાસીએ એક ફાઈલ ટેબલ પર મુકી અને ચાલ્યો ગયો. અમીનું ધ્યાન તે ફાઈલ તરફ દોરવી તે ના જાણે ક્યાં ગાયબ થઈ ગયો. અને અમીએ ફટાફટ તે ફાઈલમાં વેધનું લીસ્ટ શોધવાનું શરું કર્યું. અને તે જોતાં જ તેનાં પગ નીચેથી જમીન સરકી ગઈ. તે એ વેધની બધી વીગતનો ફોટો પાડી ત્યાંથી મન મુકીને દોડી ગઈ. ફરીથી તે જ પાર્કમાં આવી તે જ વ્યકિત ને શોધવાં લાગી. પણ ફરીથી કોઈ નજરે ના ચડ્યું. " હું જાણું છું કે તું ક્યાંક અહીંયા જ છે... પણ મારી સામેં આવવાં નથી માંગતો. મને તારી વાત પર ભરોસો છે. અને એ પણ ખબર પડી ગઈ છે કે આ બધી વસ્તું પહેલાંથી જ વિચારેલી હતી. તને ખબર હતી કે હું વેધની કૉલેજ જરૂર જઈશ એટલે પહેલેથી જ મારી માટે રસ્તો બનાવેલો જ હતો. તું બહાર આવી શકે છે હવે..." અમીએ જોરથી આટલું બોલી આસપાસ ફાંફાં મારવાં લાગી. એટલામાં એક ઝાડ પાછળથી એક છોકરો બહાર આવ્યો. અમીનું ધ્યાન તેની તરફ ગયું. ઘણું દોડવાં-ભાગવાથી અમીનો શ્વાસ ચડી રહ્યો હતો. અને તાપનાં કારણે તેની આંખો પણ ઝીણી બની રહી હતી. દૂરથી તે થોડો ઝાંખો દેખાયો. પગલાં ભરતો એક છોકરો તેની તરફ જ વધી રહ્યો હતો. અમીની નજીક આવ્યો એટલે ફરીથી અમીને એક ઝટકો લાગ્યો. તેણે જે ફોટો ફોનમાં પાડ્યો હતો તે જવાં લાગી અને ઘડી ઘડી તે છોકરાનો ચહેરો જોવાં લાગી. અને તે છોકરો માત્ર ચુપચાપ ત્યાં ઉભો રહ્યો. અમીએ આશ્ચર્ય થી પુછ્યું .. " વ..વેધ?" અને માત્ર એક હા કહેતાં ફરીથી તે છોકરો અદબ વાળી માત્ર ઉભો રહી ગયો. " પ..પણ કેમ.કેમનું?.. વેધ તો પેલો.... વંદિતા... નિયતિ દીદીને મળવાં... શબ્દનો ફ્રેન્ડ તો...." અમી શું બોલે તે પણ સમજાય નહતું રહ્યું. એટલે તે છોકરાં એ કહ્યું " શાંત...શાંત.... એટલે જ હું પહેલાં તમારી સામેં નહતો આવ્યો. " " પણ કેવી રીતે શક્ય છે?!.. " હાંફતાં અવાજે અમીએ પુછ્યું. બધી વાત શાંતિથી સમજાવતાં એ અજાણ્યો છોકરો બોલ્યો " મેં તમને એટલે જ ચેક કરવાં મોકલ્યાં હતાં. અને જેમ જાણ્યું એ એડમિશન ફોર્મમાં ચહેરો અલગ હતો. તેમાં મારો ફોટો હતો ને!... કેમ કે હું જ વેધ છું. તમને અત્યાર સુધી મળ્યો એ નહીં. તેનું નામ ધિરજ છે. મારું નામ વેધ છે . અને મારી જ વાત તમારી બહેન માટે આવી હતી. " " તો એ છોકરો...?... કેમ?... અને જુઠ્ઠું બોલવાનું કે આટલી મોટી રમત કરવાની શું જરૂર હતી?.." અમીને હવે ગુસ્સાનો પારો ચઢવા લાગ્યો. " હવે એ તો તારે જાતે જ શોધવું પડશે. પણ હું એટલું કહી શકું કે વંદિતાનું લગ્ન જો એ ધિરજ કે જે વેધ બની ને રહે છે તેની સાથે થઈ ગયું તો તેનાં જીવનનો તો અંત જ છે. " વેધ એ કહ્યું. " પણ તું આટલું બધું જાણે છે તો તે ધિરજ કેમ આવું કરે છે તે પણ તને જરૂર ખબર હશે. તું ચાલ મારી સાથે. વંદિતા, દીદી અને બધાં ઘરવાળાને આ વાત કરવી પડશે. " અમી તેનો હાથ પકડી તેને ખેંચીને પોતાની સાથે લઈ જવાં લાગી. અને વેધ એ હાથ છોડાવી કહ્યું " હું તમારી હવે કોઈ મદદ નથી કરી શકતો. જેટલું મારું કામ હતું તે થઈ ચુક્યું છે. હવે તમારે જોવાનું તમેં આ મુશ્કેલીમાંથી કેવી રીતે નિકળશો. અને વેધ ચાલ્યો ગયો. અમીની એકપણ વાત તેણે સાંભળી નહી.

અમીની સ્થિતિ ના રડવાં કે ના બોલવાં જેવી થઈ ગઈ. તે શું કરે શું નહિનાં વંટોળમાં ફરીથી ફસાવા લાગી. " શું કરું?.. જો દીદીને વાત કરીશ તો મારી જોડે એક સાબિત પણ હોવી જોઈએ જે એ નકલી વેધને ખોટો સાબિત કરી શકે. પણ આ એક એડમિશન ફોર્મથી કશું સાબિત નથી થતું. જ્યાં સુધી અસલી વેધને હું દીદી સામેં નહીં લાવું ત્યાં સુધી દીદી તો છોડો બીજું કોઈ પણ વિશ્વાસ નહીં કરે. પણ હું આમ હાથ પર હાથ રાખી નથી બેસી શકતી. મારે જ કશુંક કરવું પડશે. ...... ( થોડું વિચાર્યાં પછી).. પણ એક મિનિટ...વાત તો સાચી છે, એક એડમિશન ફોર્મ થી શું સાબિત થાય છે!.. શું ખબર આ છોકરો જ જૂઠ્ઠું બોલતો હોય!.. નહીં તો તેને ખબર છે કે કોઈક બીજો છોકરો તેની જગ્યા લઈ તેનું નામ વાપરીને લગ્ન કરે છે. અને આ એકદમ ચુપ બેસી રહ્યો છે!.. અને જ્યારે હું કહું છું કે મારી સાથે ચાલ તો પણ ના પાડે છે. તેને અમાંરાં બધાં વિશે ખબર છે કેવી રીતે!.. અને આટલાં દિવસથી આ મારી કે બીજાં કોઈ સામેં કેમ ના આવ્યો!... શું ખબર આ છોકરો જે પોતાને વેધ કહે છે તે જ મને ગેરમાર્ગે દોરાવે છે!... ... પણ શું ખબર કે જે અત્યાર સુધી વેધ બનીને રહે છે . જે ધિરજ છે તે જુઠ્ઠું બોલતો હોય!.... કોણ સાચું છે કોણ નહીં કેવી રીતે ખબર પડશે!..." અમી નીચું માથું રાખી પોતે જ ગુસ્સો કરવાં લાગી. નિરાશ બનેલી અમી પાસે કોઈ રસ્તો નહતો. હવે તો અંધારું પણ થવાં લાગ્યું હતું. પણ અમી એક જ જગ્યા બેસી રહી હતી. પોતાની કિસ્મતને કોષી રહી હતી અને સાથે સાથે ભગવાનને પણ... " કેમ હાં?... કેમ અમારી જોડે જ આવાં બધાં નાટકો કરવાં છે?.. કેમ શાંતિની જિંદગી જીવવાં નથી દેતાં. શું બગાડ્યું છે અમેં તમારું ભગવાન!... પહેલાં તો એક નાનકડાં ગામડામાં પણ ખુશ હતાં. હા સુવિધાઓ નહતી પણ મનથી બધાં ખુશ હતાં. એકસાથે હતાં. એકબીજાની મદદ કરવાં હંમેશા બધાં તૈયાર રહેતાં હતાં. તે પણ ના જોવાયું. ત્યાંથી ભાગી, બધું છોડી આટલાં મોટાં શહેરમાં માત્ર થોડી જગ્યાં માંગી અને હવે જ્યારે નવી શરૂઆત કરવાની કોશિશ કરીએ છીએ તો પણ આટલાં નાટકો.... કેમ!...
મુશકેલીઓથી જેટલું દૂર ભાગવાની કોશિશ કરીએ એટલું જ પાસે આવી જાય. અને નિયતિ દીદી... શું વાંક છે તેમનો?... તેમની તો આખી જિંદગી અમને સાચવવામાં જ જતી રહી. કેટલીય વાર અમારી ભૂલોને છુપાવવાં તો કેટલીય વાર અમારું ધ્યાન રાખવાં. તેમની પોતાની પર પણ કેટલું વિત્યું પણ એક આહ પણ નથી કરી કે ના એકપણ વાર તમારી સામેં ફરિયાદ કરી . પોતાનાં જ છોકરાંને બાપ હોવાં છતાં એકલો સાચવે છે. શું ભૂલ હતી તે નાનાં છોકરાની.... કે તેને બાપનો પ્રેમ માટે પણ તરસવું પડે છે!.. જ્યારથી ગામડું છોડ્યું ત્યારથી વંદિતાએ નિયતિદીદી કે જે એકસમયે વંદિતા માટે સૌથી સારી રેવાદીદી હતાં તેની સાથે જ સંબંધ તોડી દીધો. અને જ્યારે લાખો કોશિશો પછી જ્યારે એક પ્રેમનો ફણગો ફુટવાં લાગ્યો છે તો પણ બરદાશ નથી થતું!.. એમાં પણ ફરીથી બંને વચ્ચે ફૂંટ પાડવાની કોશિશ કરી રહ્યા છો તમેં!... કેમ ભગવાન!.. દીદી એ શું કર્યું છે એવું તો!.. તેમનો વાંક ખાલી એટલો જ હતો કે તેમણે પોતાનાથી પહેલાં બીજાની ખુશી જોઈ!... શું તેમને કોઈ એવો વ્યકિત ના મળવો જોઈએ જે તેમને પ્રેમ કરે.... અને માત્ર તેમને જ કેમ!.. વંદિતાને પણ સાચવવાંવાળો કોઈ મળવું જોઈએ...
મને નથી સમજાતું હું શું કરું!... મને બસ તે બન્નેને ખુશ જોવાં છે...કોઈ તો રસ્તો બતાવો!... " અમી ફરિયાદ કરતાં કરતાં જ રડી પડી. મોઢાં પર હાથ મુકી અંધારામાં બેસી રહેલી અમીનાં માથે હાથ ફેરવી એક દાદીએ કહ્યું " જે થાય એ નિયતિનું લખાયેલું જ હોય બેટાં. એમાં ભગવાનનો શું વાંક!... " દાદીમાં અજાણ્યા હતાં પણ તેમનો વ્હાલ જાણીતો હતો. એવો જ વ્હાલ કે જે એક સમયમાં તેનાં દાદીમાં જોડેથી ગામડામાં મળતો હતો. અને અમી તેમની સામેં બસ ચોધાર આંસુઓ સાથે રડી પડી" પણ હું શું કરું દાદીમાં... મારી હાથમાં પણ કશું નથી!.." દાદીમાં એ ખુબજ ધ્યાનથી સમજાવ્યું " એ તો મને નથી ખબર દીકરાં પણ જ્યારે કોઈ વાત ના સમજાય તો ત્યાં પાછું જવું જોઈએ જ્યાંથી વાતની શરૂઆત થઈ હતી. કદાચ તને પણ ત્યાં જ તારાં પ્રશ્નોનાં જવાબ મળી જાય! ... અને હા... અંધારું થયું છે બેટાં ઘેર જા... તારાં ઘર વાળા પણ રાહ જોતાં હશે. " અને અમીને જાણે- અજાણે એક રસ્તો મળી ગયો. અમી પોતાનાં ઘેર ચાલી ગઈ. તેને હવે ખબર હતી કે તેણે શું કરવાનું છે!...



ક્રમશઃ