ત્રીજા વર્ષની રજાઓ હતું.. હું ઘરે આવ્યો હતો... આ વખતે પપ્પાને કન્વેન્સ કરવાનાં હતાં... અને આ વખતે મંજૂરી જ નહતી લેવાની... પણ મારે સ્પષ્ટ શબ્દોમાં જણાવવું હતું કે મારે હવે મ્યુઝિક ફિલ્ડમાં જ આગળ વધવું છે.. હું હવે આ છેલ્લું વર્ષ ભણીશ પછી બસ...
ફરીથી એ જ માહોલ... અમે બધાં ગોઠવાયા હતાં.. આ વખતે રિમી પણ હતી આ ચર્ચામાં..
“પપ્પા મારે મુંબઈ જવાનું છે...”
“કેમ...?” સીધો જ સવાલ આવ્યો..
“મ્યુઝિક કન્સર્ટ છે...”
“પહેલાં ગામમાં થતો એ જોવા જતો ત્યાં સુધી ઠીક હતું હવે છેક મુંબઈ જવું છે.” આ જો આનું ચસ્કી રહ્યું છે હો... હવે તું જ સમજાવ.
મમ્મી બોલે એ પહેલાં વાત મેં જ ઉપાડી. જોવા નહિ ગાવા જવાનું છે. ટિકિટને બધું ફ્રી છે. અમે પાંચ લોકો સાથે છીએ અને ત્યાં એક મોટા કન્સર્ટમાં અમે ઓપનર તરીકે પરફોર્મ કરશું.
કોક આને સમજાવો અત્યારે ભણવાના દિવસોમાં આ બધું બરાબર નથી.. આ છોકરો ખોટી લતે ચડ્યો છે...
પપ્પા હું જઈશ... મેં એકસામટો નિર્ણય કહી દીધો...
એટલે હવે તારે મને પૂછવાનું પણ નથી ને તારા નિર્ણયો જાતે જ લેવા છે...
“હા...” મેં મોટો શ્વાસ લીધો અને હું ઉભો થઈ ગયો. પરિણામે બીજા ત્રણેય ઉભા થયા..
જતાં પહેલાં એક વાત કાન ખોલીને સાંભળી લે.. જો તારે મુંબઈ જવું હોય તો આ ઘર છોડીને જતો રેજે...
એ રાત્રે મારી પાસે બે જ ઓપ્શન હતાં... કાં'તો મારુ મ્યુઝિક છોડવું અથવા મારે ઘર છોડવું... અને મેં ઘર છોડવાનો નિર્ણય કર્યો...કારણકે જો હું ઘરમાં રહું તો પછી મારુ મ્યુઝિક એની જાતે આ ઘરમાં જગ્યા શોધી લે... એ મારથી વિખુટુ પડીને જીવી જ ન શકે.
મેં ફક્ત એટલું જ કહ્યું.. "જી પપ્પા..!" અને મમ્મીની આંખ વહેવા લાગી..
જવા દો ને આ ઉંમરે નહિ કરે તો ક્યારે કરશે શોખ પુરા... મમ્મી હજીય મારી પક્ષે ઉભી હતી.. મારી પીડા એનાથી વધારે કોઈ સમજી શકે એમ નહતું. મમ્મીનો જ વારસો હતો એ. એને મ્યુઝિકમાં આગળ વધવું હતું ને નાની ઉંમરે લગ્ન કરાવી દીધા.. પછી હું... રિમી... ઘર.. ઓફિસ... પપ્પા... અને બધામાં એનું મ્યુઝિક એનાં ગાળામાં અટવાઈ ગયું... સવારે આરતી કરે ત્યારે એ સાંભળીને મને થતું કે મમ્મી કેમ આમાં આગળ ન વધી..?
તું હજી એને પ્રોત્સાહન આપ, આ તે ગિફ્ટ આપીને પછી આ બધાં નાટક શરૂ થયા છે. હવે મેં જણાવી દીધું છે.. એ કરશે જે કરવું હોય તે...
“અને મેં ઘર છોડ્યું. અને મ્યુઝિક મારી અંદર વધુ ઘર કરતુ ગયું.” એક વર્ષમાં “રિયાઝ" એટલો કર્યો કે હવે તો મ્યુઝિક સાથે જ જીવવું. અને આખું જીવન સમર્પિત કરી દીધું મ્યુઝિકને..
કોલેજમાં એક છોકરી સાથે પ્રેમ થયો... નામ નથી આપતો... એને સાવ ભૂલી ગયો.. પણ એણે મને જે દર્દ આપ્યું એ સંગીતમાં ઘૂંટાયું.. અને પ્રેમ તૂટ્યા પછી જેમ લોકોને શરાબની લત લાગે મને મ્યુઝિકની લાગી... મારો પેહલો પ્રેમ.. જે હવે આજીવન સાથે રહેવાનો હતો... ઘર... એક ગમતી છોકરી... મ્યુઝિકની આડે આવતું બધું છોડ્યું.. રહી રહીને ક્યારેક હોસ્ટેલની બારી પાસે ઉભતો ત્યારે ઘર સાંભરતું... આંખ ભીંજાતી અને એ આંખમાં એક જ સપનું તરવરતું...
*
આજે ફરી મારા શહેરમાં હું આવ્યો હતો.. ઠેર ઠેર મારા નામના હોર્ડિંગ્સ... સવારના ત્રણ છાપામાં પહેલાં પેજ પર મારુ પોસ્ટર.. એક અલગ ફીલિંગ હતી જે શબ્દોમાં નહિ વર્ણવી શકાય.. પણ હું મારા જ ગામમાં હોટલમાં ઉતર્યો હતો એ વાત અંદરથી કોરી ખાતી હતી. મન થતું હતું કે એકવાર દોડીને મળી એવું ઘરે બધાને... પાંચ વર્ષ નો કોલેજ પછીનો આ સફર મેં એકલે હાથે કેમ કાઢ્યો એ કહું બધાને.. બધું કહું કે કેટલા યાદ આવ્યા બધાં મને.. પણ હું ત્યાં જઈ શકું એમ નહતો.
પેહલીવાર આજે મારો એકલાનો કન્સર્ટ હતો.. હું પણ નર્વસ હતો.. કોઈક પહેલી રોમા બેસીને ચિયર્સ કરવા વાળું નહતું... એ અફસોસ મને હંમેશા ખૂંચશે...
મારુ નામ બોલાઈ ગયું સ્ટેજ પર.. કેટલાંય લોકો જોવા પહોંચ્યા હતાં. મારા હાથમાં પરસેવો બાઝતો હતો અને માઈક હાથમાંથી સરકતું હતું... એકાએક કોન્ફિડન્સ ગાયબ... પણ પછી મારા જીવનની સૌથી યાદગાર મોમેન્ટ આવી. હું સ્ટેજ પર હતો અને પહેલી જ રો માં મમ્મી, પપ્પા, અને રિમી... આંખમાં આંસુ હતાં... ખુશીના કે આટલાં સમય પછી પરિવારને જોયાના એ મને આજેય નથી ખબર... પણ એ મારી જિંદગીનો સૌથી યાદગાર મ્યુઝિક કન્સર્ટ હતો... અને હું બધું પતાવીને બે વાગે ઘર તરફ જઈ રહ્યો હતો.. અને પાછલી સીટમાં મારી જિંદગી પાછી મળી હોય એવાં ત્રણ સભ્યો હતાં. મારા સિવાય એ ત્રણેયની ચેહરા પર ખુશી હતી. એક મારી આંખ પલળેલી હતી..
(સમાપ્ત)
- શ્રેયસ ભગદે