પ્રકરણ – સાતમું/૭
તરુણા બોલી, ‘અંકલ, વિઠ્ઠલભાઈ આવે ત્યાં સુધીમાં જો તમને ઈચ્છા થાય તો, ફરી ચાનો એકાદ રાઉન્ડ થઇ જાય તો ટેસડો પડી જાય. અને તમારી ઓલી અંગ્રેજના વખતની ખોટી પિસ્તોલને જરા અહીં બોલાવો તો ગરમ ચા ની સાથે સાથે એને પણ બેક ફૂંક મારતાં જઈએ.’ બોલતા તરુણા હસવાં લાગી.
ભાનુપ્રતાપ બોલ્યા, ‘અરે.. તું હાંકલ કર એટલી જ વાર. ચા નાસ્તો અને મારો કાંધીયો બધું’ય હાજર. પણ દીકરા ત્યાં સુધીમાં તું પહેલાં રાઘવ જોડે વાત કરી લે.
સોફા પરથી ઉભાં થઈને કબ્બડીના મેદાન જેવડી સાઈઝના ડ્રોઈંગરૂમમાં ચક્કર લગાવતાં તરુણા કોલ લગાડી રહી છે, એવો ડોળ કરતાં બોલી.
‘અંકલ થોડો નેટવર્ક પ્રોબ્લેમ આવી રહ્યો છે, તો હું ગાર્ડનમાં જઈને વાત કરીને હમણાં બે મીનીટમાં આવું.’
‘એ હા..અને બહારથી રણજીતને પણ સાથે લેતી આવજે. ત્યાં સુધીમાં હું ચા- નાસ્તાની વ્યવસ્થા કરાવડાવું છું.’
ગાર્ડનના એક છેડે ગોઠવેલા રાઉન્ડ ટેબલ ફરતે ગોઠવેલી આરામદાયક ખુરશી પર બેસતાં રાઘવને કોલ લગાવ્યો.
‘એ...ય ને કટાણે કારણ વગરના તમને હેરાન કરું છું, રાઘવ ભાઈ.’
‘અરે ના રે. બોલો બોલો. મામાએ મને હમણાં થોડી વાર પહેલાં જ તમારી વાત કરી.’ રાઘવ બોલ્યો
ટેબલ પર છુટ્ટા છવાયા ખરીને પડેલા પારિજાતના ફૂલની દાંડીને તેના અંગુઠા અને તર્જની વચ્ચે રાખીને ગોળ ગોળ ફેરવતાં તરુણા બોલી.
‘સાચું કહું રાઘવ ભાઈ પણ તમને ફોન કરતાં એટલા માટે સંકોચ થાય કે, તમને એમ થશે કે આને તો આંગળી આપી ત્યાં પોહંચો પકડવાની વાત કરે કરી.’
રાઘવ બોલ્યો, ‘પણ હું તમને ઓળખું છું ત્યાં સુધી તમે કંઈ ખાસ કારણ હશે તો જ કોલ કરશો એટલી મને ખાતરી છે. અને તમારી સમજદારીને ધ્યાનમાં રાખીને તમારા વિષે એવી કોઈ વાત વિચારવું મને અયોગ્ય સ્થાને લાગે છે. કહો શું કામ છે ?’
તરુણા બોલી,
‘કામ તો આપ રૂબરૂ મળી શકો તો જ શક્ય છે. અને એ પણ આપણા બન્ને સિવાય કોઈ ત્રીજી વ્યક્તિની હાજરી ન હોય તો ઉત્તમ. અને આજે મળી શકીએ તો વધુ સારું.’
રાઘવ બોલ્યો,
એક કામ કરો આપણે સાંજે મળીયે. અત્યારે મારે કમિશ્નરની ઓફિસે આગામી ચૂંટણી સંબંધિત એક અગત્યની મીટીંગમાં જવાનું છે. હું તમને મોડેથી કોલ કરીને સમય અને સ્થળની જાણકારી આપું છું.’
‘અને રાઘવભાઈ શક્ય હોય ત્યાં સુધી હમણાં આપણી આ મુલાકાતની જાણ તમારાં મામાને ન કરતા.’ તરુણાએ કહ્યું
‘જી’.
ઉભાં થતાં તરુણા બોલી,
‘ઠીક છે, હું તમારા કોલની રાહ જોઇશ.એ આવજો.’
‘આવજો.’
થોડે દુર કારમાં બેસીને ચુનીલાલ સાથે તેના લેવલની મોટી મોટી હાંકતા રણજીતને બુમ મારતાં તરુણા બોલી,
‘કાકા તમારું સમન્સ નીકળ્યું છે. હાલો આવી જાઓ.’ પછી મનમાં બોલી
આવો એટલે તમારો લેંઘો ટાઈટ અને નાડી ઢીલી કરી નાખીએ.
સ્હેજ ઝુકેલી કમર સાથે હલેંસાની માફક બન્ને હાથ આગળ પાછળ ઉલાળતો ઝડપી ચાલે તરુણા નજીક આવતાં હળવેકથી રણજીત બોલ્યો,
‘હેં.. છોડી પેલી વિઠ્ઠલ રાણીંગાની વાત તે કરી સાહેબને ?’
તરુણાને થયું કે, ગમે ત્યારે આ કાટ ખાઈ ગયેલી તોપ મોટી મોટી છોડે છે, તો આજે જોઈ લઈએ કે ભાનુપ્રતાપની ત્રાડ આગળ રણજીતનો લેંઘો કેટલીક ઝીંક જીલે એમ છે. એટલે તરુણા બોલી,
‘હા, પણ મેં વાત કરી એટલે લાલચોળ ટામેટાં જેવા ડોળા કાઢીને પૂછ્યું, તને એ વિઠ્ઠલ રાણીંગાનો નંબર આપ્યો કોણે ? ‘મેં તો તમારું નામ આપ્યું એટલે કે, બોલાવ હમણાંને હમણાં એ રન્જીતીયાને અંદર. એટલે હું તમને બોલવા આવી.’
સ્હેજ વળેલી કમરના બન્ને છેડે બન્ને હાથ ટેકવીને આકાશ તરફ જોતા મનોમન બોલ્યો.
‘હે.. માવડી લાજ રાખજે. આ અલાઉદ્દીન ખીલજીના ખોળીયામાં થોડી રહેમ દિલી રેવા દેજે નઈ તો આજે જ મારો કોળીયો કરીને બકરી ઈદ મનાવી નાખશે.’
પછી રણજીત બોલ્યો,
‘એ છોડી આજે આ ભગવદ ગીતાનો ઉપદેશ ઉંધો પડ્યો હોય એવું લાગે છે ?
મનોમન હસતાં તરુણા પૂછ્યું,
‘કેમ ?
‘આ કરમ તે ક્યરુ અને ફળ મારે ભોગવવાનું ઈ કેમ ? આ તો એલા હાવ કારણ વગરની માથે ઊડતી આવી લે. આંગળી ચીંધવાનું પુન નઈ, પણ આ તો પાપ ચોટ્યું.’
તરુણાએ ઈશારો કરીને કહ્યું હું છું ચિંતા ન કરો. એ પછી બન્ને અંદર આવ્યા.
ભાનુપ્રતાપની નજીક આવતાં તરુણાએ રણજીતની આડમાં ભાનુપ્રતાપને આંખના ઈશારામાં સમજાવી દીધા કે રણજીતને પરસેવો વાળી દેવાનો છે.
તરુણાની સામે જોઇને બીતા બીતા રણજીત સોફા પર ભાનુપ્રતાપ કંઈ બોલે એ પહેલાં જ સાવ અજાણ્યો થઈને રણજીત બોલ્યો.
‘એય ને બોલો બોલો મારા સાહેબ, કેમ યાદ ક્યરો, કયો ?’
તરુણાએ આપેલી લીલી ઝંડીથી પોરસાઈને રણજીત સામે ગોદડીયા લીંબુની ફાડ જેવા ડોળા કાઢને થોડી વાર જોઈ રહ્યા પછી ભાનુપ્રતાપ બોલ્યા,
‘એલા... આ છોડી સામે બેઠી છે નઈ તો આઘડીએ મારા મોઢાંની બે ઉચ્ચ કોટિની ચોંટાડી દેત હમણાં.’
હજુ પણ જાણે પોતે કે કશું જાણતો નથી એ રીતે ધ્રુતરાષ્ટ્રની જેમ આંધળો અને અજાણ્યો બનીને આશ્ચર્ય સાથે સ્હેજ મોં પોહ્ળું કરતાં રણજીતએ પૂછ્યું,
‘કેમ સાહેબ હુ થયું ? મારી કય ભૂલ થઇ છે ? એવું હોય તો કાઢો તમારું ખાસડું, ને આ રિયુ મારું થોબડું તમ તમારે જડી દયો ભરીને બસ.’
ચા નાસ્તો આવતાં, ચા નો કપ તરુણાએ રણજીત સામે ધર્યો એટલે રણજીત બોલ્યો.
‘મને નઈ ફાવે મેં હમણાં જ મારી કીડનીની દવા પીધી એટલે તેનો સ્વાદ જતો રેહે.’
‘આ હવે ખબર પડી તું આ કીડીની દવાના રવાડે ચડ્યો પછી જ તારા મગજમાં આવા ધડમાથા વગરના જંગલી બાવળની જાત જેવા વિચાર ગમે ત્યારે ઉગી નીકળે છે. એલા, રાતોરાત તારી ખોપડીમાં વિઠ્ઠલ રાણીંગા ઘુસ્યો ક્યાંથી એ મને કે પેલા ?’
ચા સાથે નાસ્તો કરતાં ભાનુ પ્રતાપ બોલ્યા,
‘પણ, એમાં એવું છે અંકલ કે રણજીત કાકાએ વિઠ્ઠલભાઈના સામ્રાજ્યનું જે રીતે વર્ણન કર્યું તેના પરથી મેં મારી રીતે અંદાજો લગાવીને વાત કરી પણ, તમે તો હવે એ વિઠ્ઠલભાઈનું મારી પાસે કંઇક અલગ જ ચિત્ર ઉભું કરો છો.. એમાં મારો તો કંઈ વાંક જ નહીં ને,,’
તરુણાએ બળતાં માં ઘી હોમતા સાવ અજાણી થઈને એક નવો તુક્કો અજમાવતા હવે પોતાના ગળા ફરતે ગાળિયો ભીંસતો હોય એવું રણજીતને લાગી રહ્યું હતું.
‘અરે... છોડી, પણ મે ઈમાં તને ખોટું શું કીધું એ વાત તો મારા સાહેબ પણ જાણે છે ?’
હવે રણજીતને લાગ્યું કે કંઇક કાચું કપાયાના કાવતરાનો તે ભોગ તો નથી બની રહ્યો ને ?
‘પણ સાહેબ ઈ કયો ને કે મારી આમા ક્યા ભૂલ થય છે ?
ભાનુપ્રતાપ બહુ લાંબુ ખેંચે એ પહેલાં તરુણાએ વાત પર પડદો પડતાં કહ્યું કે..
‘અંકલ હવે જે થવાનું હતું ઈ થઇ ગયું. હવે તમારે રણજીત કાકાનું શું કરવાનું અને શું કહેવાનું છે ઈ કરો એટલે ઝટ આવે ફેસલો.’
‘સાચું કવ રણજીત, ખરેખર તારી પર મને આજે એવી દાઝ ચડી છે ને કે, મને મન થય ગયું કે આજે તો હું’ય વ્હીસ્કીની આખી ફૂલ સાઈઝની બાટલી ઘચકાવી જાઉં બોલ.’
જેવું ભાનુપ્રતાપએ વાક્ય પૂરું કર્યું એટલે તરુણા અને એ બન્ને ખડખડાટ હસવાં લાગતાં રણજીત તો ચકળ વકળ ડોળે બન્નેને જોઈ જ રહ્યો. રણજીતનો બાઘા જેવો
ચહેરો જોઇને ભાનુપ્રતાપ બોલ્યા,
‘એલા રણજીત તે તો ભારે કરી લ્યા, તું શેતાની ચરખો તો ખરા જ. આવો સોનાની લગડી જેવા વિચાર તે અત્યાર સુધી કેમ સંઘરીને કોના માટે રાખ્યો તો ?’
તરુણાને ખ્યાલ આવ્યો કે રણજીતની ટ્યુબલાઈટ હજુ ઝબુકીયા જ મારે છે એટલે ફોડ પાડતાં તરુણા બોલી કે,
‘કાકા અંકલ એમ કહેવા માંગે છે કે આ વિઠ્ઠલ રાણીંગાની વાત તમે આટલા સમય સુધી અંકલને કીધી કેમ નઈ એમ.?’
‘ઓય માડી..રે, અલ્યા તમે તો બેય’એ ભેળા થય ને મારા છાતીના પાટિયા બેહાડી દીધા, મારા બાપલીયા.’ હસતાં હસતાં રણજીત આગળ બોલ્યો,
‘લે લાવો લ્યો હવે આ વાત માટે તો સાહેબની ચા ઢીંચવી જ છે.’
એમ બોલીને ચા નો કપ હાથમાં લઇ સબડકો તાણતાં રણજીત બોલ્યો.
‘એ ઈમા એવું છે ને છોડી કે, અમારા સાહેબ રયા આકરા પાણીએ. હવે કયેં એને કઈ વાતનો વાંધો પડી જાય એનું કઈ નક્કી નઈ. ગમે ત્યારે અપચો થાય અને ક્યારે ગંધાઈ જાય ઈ પણ કય કેવાય નઈ. આ ખબર નઈ તારી બધી વાતું કેમ સાહેબના ગળે શીરાની જેમ ઉતરી જાય છે.
‘તને શીરો બનાવતા આવડે છે ?’ ભાનુપ્રતાપએ પૂછ્યું.
‘ના પણ મને કોને સારો શીરો બનાવતા આવડે છે , ઈવડા ઈ લોકોને પારખતાં આવડે છે હો.’
‘હા.. તારી આ વાત પર કાન પકડવા પડે હો રણજીત.’
રણજીતને બિરદાવતા ભાનુપ્રતાપ બોલ્યા.
‘સાચું કહું અંકલ એ તમારાં કિંગ મેકર જ છે એમ સમજી લો.’ તરુણા બોલી
‘એટલે ?’ રણજીત બોલ્યો.
‘એનો મતલબ એમ રણજીત કાકા કે તમે કાયમ અંકલનું સારું જ ઈચ્છો છો એમ.’
તરુણાએ રણજીતને સમજાવતા વાક્ય પૂરું કરે ત્યાં જ મુખ્ય દ્વાર તરફથી કોઈ બોલ્યું.
‘જી, અંદર આવી શકું?’
૬.૨ ફૂટની હાઈટ મુજબનો કદાવર કસાયેલા શરીરનો બાંધો,મધ્યમ માત્રાની દાઢી, ઈમ્પોર્ટેડ ગોગલ્સ, પ્યોર વ્હાઈટ ખાદીના વસ્ત્ર પરિધાન સાથે, ગળાના ચેઈન્સ, સિંહના પંજા જેવા હાથની આંગળીઓમાં રીયલ ડાયમંડ જડેલી વીંટીઓ, જમણા હાથના મજબુત કાંડામાં આંગળી થી'યે જાડી સાઈઝનું પહેરેલું કડું, અને ડાબા કાનની બુટમાં પોરવેલી નાની એવી રીંગ જોઇને થોડીવાર તો તરુણાને એમ થયું કે, સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝનો કોઈ હીરો ટાઈપ આદમી દુબઈના કોઈ ગોલ્ડસ્ટોરનું માર્કેટિંગ કરવા આવ્યો છે કે શું ?’
તેને જોઇને જ ભાનુપ્રતાપ મુખ્ય દ્વાર તરફ જતા બોલ્યા,
‘અરે.. આવ આવ..વેલકમ.. વેલકમ..આવ વિઠ્ઠલ આવ,’ બોલીને વિઠ્ઠલને ભેટી પડ્યા.
‘આમને મળો આ છે તરુણા.. તરુણા જાદવ. જેમની સાથે તે વાત કરેલી અને આ..ભાનુપ્રતાપ તેનું વાક્ય પૂરું કરે એ પહેલાં વિઠ્ઠલ બોલ્યો,
‘અરે..યારો કા યાર દુશ્મનો કા દુશ્મન.. રણજીતને આપણા શહેરનો ભાગ્યેજ કોઈ રાજકારણી ન ઓળખતો હોય.’
તરુણાના સાવ સાધારણ પહેરવેશ અને પ્રતિભા વિહીન વ્યક્તિત્વને જોઇને વિઠ્ઠલને નવાઈ લાગી કે તરુણાની વાકછટ્ટા અને દેખાવમાં કાફી અંતર છે.
તરુણાને થયું કે કંઇક મસ્તી ભર્યા પરિચયથી વાર્તાલાપની શરૂઆત થાય તો વિઠ્ઠલ તેના રાજકારણીના કોચલા માંથી બહાર આવીને વિના સંકોચે પેટ છુટ્ટી કરી શકશે એવું વિચારીને બોલી,
‘મેં ‘બાહુબલી’ ફિલ્મમાં અસ્સલ તમારાં જેવો જ એક છોકરડો જોયો’તો. એ હુબહુ તમારા જેવો જ લાગતો હતો કયાંક તમે તો નથી એ...’
વિઠ્ઠલને તરુણાની મજાક કરવાની સ્ટાઈલ ગમી એટલે તેના જ અંદાઝમાં જવાબ આપતાં વિઠ્ઠલ બોલ્યો,
‘જી, તમારી વાત સાચી છે.મને ઘણાં લોકો એ કહ્યું કે એ છોકરો બિલકુલ મારી જ નકલ કરે છે. પણ સાવ સાચી અને અંદરની વાત કહું, મેં જ એ જુવાનને ફિલ્મ લાઈનમાં લાગાવ્યો છે.’
આટલું બોલતા સૌ હસવાં લાગ્યા. રણજીત પણ, કંઈ સમજણ ન પડી છતાં.
ભાનુપ્રતાપ એ કહ્યું 'ચાલો આપણે મારી ઓફિસમાં બેસીએ.'
કોઈ વિશેષ અતિથી અથવા અંગત મંત્રણા માટે ભાનુપ્રતાપએ પાંચ થી સાત લોકો આરામથી બેસી શકે તેવો ઓફીસને લગતા ઇન્ટીરીયરથી સજ્જ એવો એક અલાયદો રૂમ બનાવ્યો હતો.
રણજીતને કહ્યું કે, ‘તું બેસ અમે આવીએ કલાકમાં.’
‘હું તો એય ને મારા પોઠીયા જોડે કારમાં બેઠો છું, કામ હોય ત્યારે ફોન કરજો.’
એમ બોલીને રણજીત ઊભો થઈને બહાર આવીને કાર તરફ ગયો.
‘વિઠ્ઠલ તું આજે પહેલીવાર મારે ઘરે આવ્યો છે એટલે લંચ મારી સાથેજ લેવું પડશે.
તમે ત્યાં સામેના રૂમમાં બેસો ત્યાં હું કિચનમાં જરૂરી સૂચના આપીને આવ્યો પાંચ જ મીનીટમાં.’
જેવા ભાનુપ્રતાપ કિચન બાજુ ગયા ત્યાં તરુણાએ વિઠ્ઠલને એક તરફ બોલવીને હળવેકથી કહ્યું.
‘જુઓ વિઠ્ઠલભાઈ તમને મીટીંગમાં અંકલની કોઈ બાબતને લઈને અસમંજસમાં હો તો તેની ચોખવટ તેમની સામે નહીં કરતાં કારણ કે, ફાઈનલ નિર્ણય મારે લેવાનો છે. અને અંકલ કલાક પહેલાની વાત પણ ભૂલી જાય છે. તમે તમારી જે કઈ પણ ડીમાંડ કે શરતો હોય એ બિન્દાસ મને કહી શકો છો. ટૂંકમાં તમે કહેશો એમ જ થશે. સાવ ટૂંકમાં કહું તો આંખ્યે દેખ્યાનું ઝેર છે. જે વાત હું અને તમે સમજીએ છીએ એ વાત અંકલને કહીને નહીં, આપણે કરીને બતાવવાની છે. સમજી ગયા મારી વાત તમે ?’
અને તમારો પર્સનલ કોન્ટેક્ટ નંબર જે ૨૪ કલાક ચાલુ હોય એ મારા મોબાઈલમાં
એડ કરી આપો.’
વિઠ્ઠલને તરુણાનો એક જ માસ્ટર સ્ટ્રોક ગમ્યો, કે જે વાત વિષે આટલાં વર્ષોમાં વિચાર્યું નહતું એ આ છોકરીએ કરી બતાવ્યું. એટલે અત્યારે તો આ છોકરી જે કહે એ કરવામાં જ ભલાઈ છે.
રૂમમાં દાખલ થતાં વિઠ્ઠલ બોલ્યો,
‘એટલે ભાનુપ્રતાપની વાત માટે મારે બન્ને કાન ખુલ્લાં રાખવાના છે એમ જ ને ?”
‘તમે તો કાફી સમજદાર છો. ચલો એ બહાને મને તમારી પાસેથી ઘણું બધું શીખવા મળશે.’ નાનકડા ચણાના ઝાડના છોડવા તરુણા ગજવામાં જ રાખતી.
ત્યાં ભાનુપ્રતાપ પણ આવી ગયા.
કોઈ કોર્પોરેટ જગતના માધાંતાને છાજે એવા ઇન્ટીરીઅરથી ફુલ્લી ફર્નિશ્ડ ઓફીસ જોઇને તરુણાની સાથે વિઠ્ઠલ પણ બે ઘડી જોતો જ રહ્યો.
બેસતાં વેત જ અડધુ શરીર ધસી જાય એવા આરામદાયક સોફામાં બેસતાંની સાથે ભાનુપ્રતાપ બોલ્યા,
‘અહીં બેસવાનું મુખ્ય કારણ એક તો રણજીતની હાજરી અને ત્યાં કોઈ અચાનક કોઈ આવી ચડે અને વિઠ્ઠલને અહીં જુએ તો નાહકની ઉપાધી.’
‘ઉપાધી ? એમાં વળી શાની ઉપાધી ?’ નવાઈ સાથે તરુણાએ પૂછ્યું.
‘અરે પેલા લાલસિંગ સુધી વાત પહોંચી જાય કે વિઠ્ઠલ અને ભાનુપ્રતાપ એક થઇ ગયા છે એટલે.’
‘અરે અંકલ મારે સૌથી પહેલાં એ લાલસિંગને જ જાણ કરવી છે. આ આપણી મીટીંગ પૂરી થાય એટલે.’ તરુણાએ ભાનુપ્રતાપને ઝટકો આપતાં કહ્યું.
‘પણ, કેમ તેનાથી શું થશે ?’ ભાનુપ્રતાપએ અધીરાઈથી પૂછ્યું,
તરુણા મનોમન બોલી આ ડોહાની ડગરી પછી હલી ગઈ. વિઠ્ઠલ સામે બેઠો હતો. નહી તો આને હમણાં સારી ભાષામાં ઊંચકી લેત. છતાં ધીરજ રાખીને બોલી.
‘એ આપણી મીટીંગ પૂરી થશે એટલે તમને સમજાઈ જશે અંકલ.’
‘હા, હવે વાતની શરુઆત વિઠ્ઠલ ભાઈ, તમે કરો.’
‘હવે સૌથી પહેલાં મને એ કહો કે સાંસદ પદની પસંદગી મારા નામ પર જ કેમ ?
શર્ટના ખિસ્સામાંથી મોબાઈલ કાઢીને સાઇલેન્ટ મોડ પર મુકતા વિઠ્ઠલ બોલ્યો.
તરુણાએ એક સેકન્ડ રાહ જોઈ કે, ભાનુપ્રતાપ ગ્રીન સિગ્નલ આપે પછી જ બોલવું.
એટલે તરુણાની સામે જોઇને ભાનુપ્રતાપ બોલ્યા,
‘જો ભાઈ વિઠ્ઠલ આ છોકરી પર આંખ બંધ કરીને મુકો એટલો વિશ્વાસ ઓછો છે.
આ જે કંઈ નિર્ણય લ્યે છે તે અંતિમ છે અને જે કંઈ લેશે એ આપણા સૌના હિતમાં જ હશે. એટલે માત્ર આ સવાલ જ નહી, પણ તારા તમામ સવાલના જવાબ આ તરુણા જ આપશે અને તેના દરેક નિર્ણયમાં મારી સપૂર્ણ સંમતી છે બસ.’
તરુણાને મોટો હાશકારો થયો. તેને થયું કે હાઈશ.. હવે વિઠ્ઠલને લપેટવાની મજા આવશે.
ભાનુ પ્રતાપએ વિઠ્ઠલના સવાલનો જબાબ આપવા માટે તરુણા તરફ ઈશારો કરતાં તરુણા બોલી,
‘સાચું કહું તો વિઠ્ઠલ ભાઈ મને આપનો કોઈ જ પરિચય નહતો, પણ આજે સવારે જયારે રણજીત કાકાએ તમારો ઉલ્લેખ કરીને વાત કરી ત્યારે એક સેકંડનો પણ વિચાર કર્યા વગર મેં સાંસદ પદની તમને ખુલ્લી ઓફર કરી દીધી. અને એ વાતની અંકલને તો જાણ પણ નહતી.’
‘એક મિનીટ તો તમે કોલમાં એમ કેમ બોલ્યા કે પાર્ટીના મંત્રીમંડળએ આ નિર્ણય કર્યો છે ?’
આ સવાલોનો જવાબ આપતાં ભાનુપ્રતાપ બોલ્યા કે.
‘અરે મારા ભાઈ અત્યારે આ છોકરી જ મારું મંત્રીમંડળ છે. અને રહી વાત મંત્રીમંડળની તો તેમને પણ ખબર છે કે, હવે થી મારા રાજકારણને લગતા બધાં જ નિર્ણય તરુણા જ લેશે. મને પૂછવાની કશી જરૂર નથી.’
આ વાત સાંભળીને થોડીવાર તો વિઠ્ઠલ ચકરી ખાઈને માથું ખંજવાળતા વિચારવા લાગ્યો કે હાળું આમાં સમજાતું નથી કે અલ્લાદીન કોણ છે ને ચિરાગ કોણ છે ?
‘અચ્છા ચલો માની લીધું પણ મને સાંસદ બનાવીને તમને શું ફાયદો ?”
વિઠ્ઠલએ પૂછ્યું
‘વિઠ્ઠલ ભાઈ અમે એકલા જો અમારું સામ,દામ,દંડ, ભેદ અને...’
આગળનો શબ્દો તરુણા ગળીને બોલી, ‘ભેગું કરીએ ને તો લાલસિંગને નરક ભેગો તો કરી જ દઈ એ પણ, જો તમારો સાથ હોય તો અમારે તો એ લાલિયાને અહીં જ અમારી નજર સામે જ એને જીવતે જીવ નરક બતાવવું છે. એને મરવા’યે નથી દેવો અને જીવવા’યે નથી દેવો એવું કંઇક કરવાની ઈચ્છા છે. અને એ તમારા સિવાય શક્ય નથી. અમને ખુરશીનો સ્હેજે મોહ નથી પણ લાલસિંગને ખુરશી એ થી ઉથલાવીને ભોંય ભેગો કરી દેવો છે બોલો.’
તરુણાએ હાઈડ્રોલીક પંપથી હવા ભરવાનું ચાલુ કર્યું હતું.
‘હવે તમે મારી પાસેથી શું અપેક્ષા રાખો છો ? વિઠ્ઠલએ તરુણાની સામે જોતા પૂછ્યું
‘પહેલાં મને એ કહો કે લાલસિંગને ચાર પગે કરવા માટે સૌથી પહેલાં તેની કઈ કઈ લાઈનના છેડા કાપાવા પડે ?’ તરુણાએ સવાલની સામે સવાલ કર્યો.
‘ક્યા છેડાની આપ વાત કરો છો ? આર્થિક કે રાજકીય ?
વિઠ્ઠલએ ફરી સવાલની સામે સવાલ જ કર્યો.
‘રાજકીય,’ તરુણા બોલી.
ખોંખારો ખાઈને સ્હેજ ગળું સાફ કરતાં વિઠ્ઠલ બોલ્યો.
‘તેના રાજકારણનું ચક્ર જે મુખ્ય ધરી પર ફરે છે એ છે હોમ મીનીસ્ટ્રીની તમામ ખુફિયા જાણકારીનો અધિકારી જે ખાસ લાલસિંગ માટે ખબરીનું કામ કરે છે એ સંજય ગુપ્તા. આ એક માણસ થકી લાલસિંગ તેના માત્ર રાજકારણના જ નહીં પણ કોઈપણ કામ અહીં બેઠાં બેઠાં ચપટી વગાડતાં કરી શકે છે.’
‘ એક વાત કહું વિઠ્ઠલભાઈ ‘ખબરી’ ક્યારેય કોઈનો હોતો જ નથી, ‘ખબરી’ હમેશાં રૂપિયાનો જ હોય. અને વિઠ્ઠલભાઈ, લાલસિંગને હરાવવા માટે વોટબેંક સિવાય તમારી પાસે શું વ્યૂહ રચના છે?’
હવે તરુણાને એ જાણવું’તું કે વિઠ્ઠલ કેટલું દૂરનું વિચારી શકે છે ?’
‘રણદીપ દેસાઈ જો લાલસિંગની વિરુદ્ધ થઇ જાય તો તેની ૫૦% તાકાત આરામથી ઓછી થી જાય. પણ.... એ અશક્ય છે,’
‘માફ કરજો વિઠ્ઠલ ભાઈ પણ મને આ અશક્ય શબ્દ પંસદ નથી. તમે મને મુદ્દાઓ આપતા જાઓ, રાસ્તા કેમ કાઢવા એ હું તમને કહીશ. એક વાત યાદ રાખજો. દુનિયા માં દરેકનો કોઈ ને કોઈ બાપ હોય જ છે. બધી જ ખુરશીઓ પર કોઈ ને કોઈ અધિકારી જ બેસે છે ક્યાંય ઈશ્વર બેસતો નથી. અને દરેક અધિકારીની વધતે ઓછે કોઈ એક એવી કિંમત તો હોય જ, જે કિમત તમારી ‘ના’ ને ‘હા’ માં બદલવા માટે કાફી હોય. અને આ દેશમાં બેઈમાનોની સૌથી વધુ અને સારી કદર રાજકારણીઓ સિવાય ક્યાં કોઈએ કરી છે ? અને ચૂંટણીનો સમયગાળો તો બેઈમાનો માટે રોકડી કરવાની સીઝન છે.
મને આ સંજય ગુપ્તાની કુંડળી મેસેજમાં મોકલી આપજો પછી તેનો ઘડો લાડવો કેમ કરવો એ વિચારીએ.’
‘અંકલ ચૂંટણી દરમિયાન આપણું કોઈ પ્રિન્ટ મીડિયા ખરું ?’
‘ચૂંટણી પુરતું હોય ? અરે, આપણું પોતાનું જ પ્રેસ છે. શહેરના ટોપ ફાઈવમાં આવતું ‘આજ કી આવાઝ’ આપણું જ ન્યુઝ પેપર છે. બોલ શું કામ છે.?’
તાનમાં આવી ગયેલા ભાનુપ્રતાપએ પૂછ્યું.
તેના એક પોલીટીકલ રિપોર્ટરને તેની ટીમ સાથે કોલ કરીને હમણાં બોલવી લો ને.’ તરુણાએ કહ્યું.
ભાનુપ્રતાપ એ પ્રેસ પર કોલ કરીને સૂચના આપી દીધી. ૩૦ મીનીટમાં ટીમ આવી પહોંચશે એવો મેસેજ મળ્યો.
ભાનુપ્રતાપએ કહ્યું,
‘એ આવે ત્યાં સુધીમાં આપણે લંચ લઇ લઈએ.’
હવે સમય થયો હશે..રાત્રીનો આશરે ૧૧:૪૫ નો.
લાલસિંગ તેના ડ્રોઈંગરૂમમાં ન્યુઝ જોઈ રહ્યો હતો. કુસુમ ક્યારની’યે સુઈ ગઈ હતી.
અચનાક લાલસિંગના મોબાઈલની રીંગ રણકી. અજાણ્યા નંબર પરથી કોલ હતો.
‘હેલ્લો, કોણ ?’
‘લાલસિંગ ભાઈ... મને... મને તમારી,,, જો...ડે વાત. કર...વી છે.’
સામે છેડેથી બોલતી વ્યક્તિ કોઈ મારની પીડાથી કણસતી કણસતી ત્રુટક ત્રુટક શબ્દો માં બોલી રહી હતી.
‘હેલ્લો.. કોણ બોલે છે ? કેમ આ રીતે બોલે છે ?’ શું વાત કરવી છે ? અત્યંત નવાઈ સાથે લાલસિંગએ પૂછ્યું.
‘વિઠ્ઠલ.... વિઠ્ઠલ રારારા.. રાણીંગા અને ભા... ભાભાનુપ્રતાપ એ..’
આ બન્ને નામ એક સાથે સાંભળીને લાલસિંગ એકદમ જ ચોંકી ગયો.
‘અરે, પણ તું કોણ બોલે છે, કયાંથી બોલે છે એ કહીશ ?’ અને મને શા માટે કોલ કર્યો છે ?
‘હું.. તત..મારા બંગલા....ના ગેઈઇટ પાસે ઊભો છું. ભૂપત.’
‘એક મિનીટ’ આટલું બોલીને કોલ કટ કરી, લાલસિંગ એ સિક્યુરીટી ગાર્ડને કોલ કરીને ગેઇટ પાસેના વ્યક્તિને અંદર લાવીને ગેઇટ પાસેની કોટેજમાં બેસાડવાનું કહ્યું અને
લાલસિંગએ ડ્રોઈંગરૂમમાં થી ઉતાવળે ચાલતાં બંગલાના મેઈન ગેઇટ પાસેના કોટેજ પર આવીને જોયું તો ભૂપત તેને પડેલા મુઢમારની પીડાથી કણસી રહ્યો હતો. ભૂપતને જોતાં વેંત જ લાલસિંગ મનોમન બોલ્યા કે આ તો વિઠ્ઠલ રાણીંગાનો ડ્રાઈવર છે. લાલસિંગએ ઈશારો કર્યો એટલે સિક્યુરીટી ગાર્ડએ ભૂપતને પાણી પીવડાવ્યું.
‘અરે.. ભૂપત તું ? અહીં આ હાલતમાં કેમ ? શું થયું ?
‘આજે ભા...ભાનુપ્રતાપની પાર્ટી વિઠ્ઠલને સાંસદ બનાવવાનું ..’
આટલું સાંભળતા જ લાલસિંગ એક સેકન્ડ માટે ધબકારો ચુકી ગયા. મનોમન બોલ્યો શક્ય જ નથી. જે શહેરના રાજકારણની દુનિયામાં કોનો, કયારે, કેમ અને કેટલો સૂર્યોદય કે સુર્યાસ્ત થવાનો છે તે લાલસિંગની મરજી મુજબ નક્કી થાય ત્યારે તે શહેરના રાજકારણમાં આવનારા આવડા મોટો ભૂકંપની જાણકારી મને એક ડ્રાઈવર થકી જાણવા મળે છે. એ તો મારા માટે શરમ જનક બાબત છે.
એટલે તરતજ તેને પોતાના પાળીતા ચાર થી પાંચ મીડિયાક્ષેત્રના પત્રકારોને આ વાતમાં કેટલા અંશે તથ્ય છે તે જાણકારીની ખાતરી કરીને પાંચ જ મીનીટમાં રીપ્લાઈ આપવા માટે કોલ્સ કર્યા.
ત્રીજી જ મીનીટે લાલસિંગના મોબાઈલમાં પ્રતિ સેકડની સ્પીડ એ ધડાધડ મેસેજીસનો મારો શરુ થઈ ગયો.
‘બીગ બ્રેકીંગ ન્યુઝ...’
વિઠલ રાણીંગા અને ભાનુપ્રતાપ બંને એકબીજાને ભેટીને ખુશખુશાલ નજરે પડતાંની અનેક તસ્વીરો સાથે જનશક્તિ પાર્ટીનું નિવેદન...
‘શહેરના લોકપ્રિય યુવા નેતા શ્રી વિઠ્ઠલ રાણીંગાનું આગામી લોકસભા ચૂંટણી માટે જનશક્તિ પાર્ટીના સાંસદ તરીકે નામ જાહેર કરતાં પાર્ટી પ્રમુખ ભાનુપ્રતાપ..’
મોબાઈલ પર લાલસિંગના હાથની પકડ ઢીલી પડી ગઈ અને કમાન છટકી ગઈ.
-વધુ આવતાં અંકમાં
©વિજય રાવલ
'લાલની રાણીનું આધારકાર્ડ’ શિર્ષક હેઠળ આ વાર્તાના તમામ કોપી રાઇટ્સ લેખક પાસે છે.
આ વાર્તાના વિષયવસ્તુ, કથાનક અથવા કોઈ અંશને કોઈપણ ક્ષેત્રમાં
ઉપયોગમાં લેતાં પહેલાં લેખકની લેખિત મંજુરી લેવી અનિવાર્ય છે.