નકશાનો ભેદ
યશવન્ત મહેતા
પ્રકરણ – ૮ : હસ્તાક્ષરની શોધમાં
મનોજ એન્ડ કંપનીએ દોટ મૂકી. જાણે લાંબી દોડની હરીફાઈમાં ઉતર્યાં હોય એમ સૌ ધમધમાટ કરતાં દોડ્યાં.
પણ જ્યારે ગાંધી રોડનો ઊંચો ઢાળ હાંફતાં હાંફતાં ચડીને એ લોકો રતનજી ભીમજી એન્ડ કંપનીની સામે જઈને ઊભાં રહ્યાં ત્યારે એમની નિરાશાનો પાર ન રહ્યો. દુકાન બંધ હતી.
એક રીતે આ સારું જ થયું. વિજયના પપ્પાએ મૂનલિટ બોન્ડના ગ્રાહકોની યાદી આપી કે તરત બધાં ઉત્સાહમાં આવી ગયાં હતાં. પણ અગાઉથી કશી યોજના બનાવ્યા વગર ક્યાંક જવું એ મૂરખાઈ ગણાય. એ વેળા દુકાન ખુલ્લી હોત તો કોણ જાણે કેવોય બફાટ થઈ જાત. એટલે દુકાન બંધ હતી એ જ ઠીક હતું.
બંધ દુકાન આગળની ફૂટપાથ ઉપર ઊભાંઊભાં અને હાંફતાંહાંફતાં આ વાત પહેલી સૂઝી મનોજને.
એ બોલ્યો, “ચાલો, દુકાન બંધ છે એ જ સારું થયું. મને લાગે છે કે આ કોઈક અંદરના માણસનું કામ છે. આપણે પહેલાં તો એ શોધી કાઢવાનું છે કે એ માણસ કોણ છે.”
જ્ઞાન કહે, “દુકાનનો માણસ જ હોય એવું કેમ કહી શકાય ? કદાચ અહીં ચેતવણીસૂચક ગોઠવણ કરનારો ઈલેક્ટ્રીશિયન પણ હોઈ શકે. એણે આ લૂંટની યોજના કરી હોય અને પોતાના સાથીને પોતે કરેલી ગોઠવણનો નકશો દોરી મોકલ્યો હોય.”
મનોજ કહે, “તારા અનુમાનમાં બે મોટી તકલીફો છે, જ્ઞાન. એક તો એ કે જે ઈલેક્ટ્રીશિયન આવી કામગીરી માટે બોલાવવામાં આવે છે એ ખૂબ જ વિશ્વાસુ માણસો હોય છે. બીજી વાત એ છે કે દુકાનદાર શનિ-રવિવારે નહિ હોય અને શનિવાર નો દિવસ લૂંટ માટે અનુકૂળ રહેશે એની ઈલેક્ટ્રીશિયનને ક્યાંથી ખબર પડે ? એ કાંઇ દુકાનદારોની આવનજાવનનું ધ્યાન રાખવા તો બેઠો ન જ હોય ને !”
વિજય બોલી ઊઠ્યો, “મનોજ ! તેં ગણાવી એ બે તકલીફો ઉપરાંત એક વધુ અગત્યની તકલીફ પણ છે. આપણે જો એમ માનીએ કે ચિઠ્ઠી ઈલેક્ટ્રીશિયને લખી હોય તો એની પાસે મૂનલિટ બોન્ડ કાગળ આવ્યો ક્યાંથી ? એ કાગળ તો આ દુકાનવાળાઓએ ખરીદ્યો છે. એટલે જ આપણને માનવાનું મન થાય છે ને કે આ દુકાનની અંદરના જ કોઈક માણસનું કાવતરું છે.”
વિજયની આ તર્કશક્તિ જોઈને સૌ આભાં બની ગયાં. સામાન્ય રીતે એના અખાડિયન ભેજામાંથી બુદ્ધિના આવા ચમકારા ભાગ્યે જ પ્રગટતા. પરંતુ પછી સમજાયું કે આ મુદ્દો એને સૂઝે તે સ્વાભાવિક હતું. મૂળે મૂનલિટ બોન્ડ કાગળવાળી શોધ જ એની હતી. એટલે કાગળ વિષેની જે કાંઇ વાત હોય તે એને જ સૂઝે.
એટલે મનોજે એની પીઠ થાબડી. એ બોલ્યો, “શાબાશ, વિજય ! તેં સરસ મુદ્દો ઊભો કર્યો. અમે તો એ ભૂલી જ જતા હતા. પણ હવે આપણે એક કામ કરીએ. આ દુકાનમાં જે લોકો કામ કરતા હોય એમનાં હસ્તાક્ષર મેળવી. પછી પુસ્તકમાંથી મળેલી પેલી ચબરખીના અક્ષર સાથે એ મેળવીએ. જેની સાથે અક્ષર મળતા આવે એ લૂંટારાનો ભાગીદાર છે એમ નક્કી થાય.”
મિહિર બોલી ઊઠ્યો, “આ દુકાનમાં એક કરતાં વધુ લોકો કામ કરતા હોય એમ માની શકાય એવી વાત નથી. જગા ખૂબ નાની છે. બહુબહુ તો એક શેઠ અને એક વાણોતર હશે.”
બેલા આ સાંભળીને ઉછળી પડી. એ બોલી, “એક જ છે !”
મનોજે પૂછ્યું, “તને ક્યાંથી ખબર ?”
બેલા કહે, “અમે પેલો ઝૂડો ખરીદવા આવ્યાં ત્યારે દુકાનમાં એક છોકરી જ હતી. આ લોકો સ્ત્રીઓને માટેનાં ઘરેણાં ને એવું બધું જ વેચે છે એટલે વાણોતર તરીકે એક છોકરી જ રાખી હશે.”
મનોજનો શ્વાસ હવે હેઠો બેઠો હતો. એણે માથું હલાવતાં કહ્યું, “જો અહીં એ ક વાણોતર હોય તો તો કામ સહેલું બની જશે. આપણે એના હસ્તાક્ષર મેળવી લઈશું. એ રીતે એના હસ્તાક્ષરનો નમૂનો મળશે. એ નમૂનાને આપણો મિહિર પેલી ચિઠ્ઠીના હસ્તાક્ષર સાથે સરખાવશે....”
બેલા બોલી, “એના હસ્તાક્ષર મેળવીશું કેવી રીતે ?”
મનોજ કહે, “એ તો સાવ સહેલી વાત છે. આપણે કશુંક ખરીદીશું અને એનું બિલ બનાવડાવીશું.”
એટલે, બીજા દિવસના સવારના સાડા નવ વાગ્યામાં તો ડિટેક્ટિવોની મંડળી પાછી રતનજી ભીમજી એન્ડ કંપનીની દુકાન સામે એકઠી થઈ. બધાં ચિંતામાં હતાં, વિચારમાં હતાં. હવે શું થશે ?
રસ્તામાં એમણે આ દુકાનમાંથી શું ખરીદવું એના ખૂબ વિચાર કર્યા હતા. બધાંની બધી જ મૂડી ભેગી કરી ત્યારે માંડ તેર રૂપિયા ને સિત્તેર પૈસાની મૂડી થઈ હતી. આટલી નાની રકમમાંથી ઝવેરીની દુકાનેથી તો શું મળી શકે એ એક સમસ્યા હતી. ત્યાં તો લાખોની કિંમતનાં હીરા-માણેક હોય, હજારોની કિંમતનાં સોનાનાં ઘરેણાં હોય. રૂપું પણ ક્યાં સસ્તું હતું ? તેર રૂપિયા અને સિત્તેર પૈસાથી શું ખરીદી શકાય ? પરંતુ આ સમસ્યાનોય કશોક ઉકેલ મળી આવશે એવી આશામાં સૌ ઝવેરીની દુકાનમાં પેઠાં.
અંદર પહેલાં તો કોઈ દેખાયું નહિ. દુકાનની ત્રણ બાજુએ કાચનાં ત્રણ કાઉન્ટર હતાં. એમાં હાર, વીંટી, બંગડી, વગેરેની ગોઠવણ કરેલી હતી. દીવાલો ઉપર પણ કબાટ હતાં અને એમાં જાતજાતના દાગીના હતા. સામી દીવાલમાં વળી એક બારણું હતું. એની પાછળ કદાચ બીજી ઓરડો જણાતો હતો.
એટલામાં એક કાઉન્ટરની પાછળથી એક છોકરી ઊભી થઈ. એ કદાચ કશુંક ગોઠવવા-કારવવા વાંકી વળી હશે એટલે છોકરાંઓને પહેલી નજરે દેખાઈ નહોતી. હવે એ ઊભી થઈ અને તરત જ એ લોકોની સામે હસી ત્યારે સૌ છક્કડ ખાઈ ગયાં. છોકરી માંડ વીસેક વર્ષની હશે. સરસ હતી. રૂપાળી અને હસમુખી હતી. આવી છોકરી લૂંટારાની સાગરીત હોઈ શકે ખરી ?
એટલામાં પેલું સામું બારણું ખૂલ્યું અને એની અંદરથી એક એવો માણસ એક ડગલું બહાર આવ્યો, જેને જોઈને તમારું મન કહે કે આ માણસ લૂંટારો હોય તો હોય પણ ખરો !! એ માણસ જાડિયો હતો. ટાલિયો હતો. ખૂબ જ ભારે ભમરોવાળો અને ટૂંકી મૂછોવાળો હતો. એના હોઠોનો વળાંક એવો હતો કે એ કદી હસતો જ નહિ હોય એમ લાગે.
એણે બહાર આવીને જોયું કે ઘરાકમાં તો ખાલી પાંચ નાનાં ટાબરિયાં જ છે. એટલે એણે કહ્યું, ‘અરે કરુણા ! તું આ લોકોનું કામ પતાવી લેજે. પણ ધ્યાન રાખજે, છોકરાં ક્યાંય આઘાપાછી ના કરે. માળાં આવડાંક વેંત જેવાં છોકરાં ઝવેરાતની દુકાનમાં શું કામ પેસતાં હશે ?”
એ માણસ એવી રીતે બોલ્યો કે જાણે એ જ લૂંટારો હોય એમ લાગે. પણ એણે કરુણા સાથે જે રીતે વાત કરી એ પરથી તો લાગતું હતું કે એ અહીંનો શેઠ હશે.
એ ભલે મૂજી અને કડવા ચહેરાનો ચહેરાનો માણસ હોય, કરુણા તો ખૂબ હસમુખી છોકરી હતી. એણે છોકરાંઓને હસતે મોંએ આવકાર્યાં અને પૂછ્યું, “બોલો, તમારે શું જોઈએ ?”
મનોજ આગળ આવ્યો. એ કહે, “અં... જુઓ ને, મારે... મારે ઘડિયાળનો એક પટ્ટો લેવાનો છે.”
કરુણા કહે, “ભલે, ભલે, જુઓ. આ બોક્સમાં જે પટ્ટા છે એ સોનાના ઢોળવાળા છે... દરેકની કિંમત દોઢસો રૂપિયા છે... અચ્છા, તમારે એટલા મોંઘા પટ્ટા નથી જોઈતા ? તો આ ચાંદીનો પટ્ટો લઈ જાવ... એંશીથી એકસો રૂપિયા સુધીની કિંમતના છે.”
ઘડિયાળના પટ્ટાઓનો ભાવ સાંભળીને બિચારો મનોજ તો ઠરી જ ગયો. બીજાં સૌ છોકરાંઓનાં મોં પણ પડી ગયાં.
મનોજે માંડમાંડ કહ્યું, “એવું છે ને... એવું છે ને કે મારે આ પટ્ટો કોઈને ગિફ્ટ નથી આપવાનો. મારે માટે જ છે અને કાંઈક સસ્તો પટ્ટો પણ ચાલશે.”
સૌએ માન્યું કે ઝવેરાતની દુકાન સંભાળતી છોકરી સસ્તાઈની વાત સાંભળીને નારાજ થઈ જશે. પણ કરુણા જરાય નારાજ ન થઈ. એ તો મીઠીમીઠી રીતે હસતી જ રહી. એ બોલી, “ઓહો, એમ વાત છે ! તો દોસ્ત, જો, આ સ્ટેઇનલેસ સ્ટીલનો પટ્ટો. એ સ્પ્રીંગવાળો છે. જરાક લાંબો-ટૂંકો પણ થઈ શકશે... અચ્છા, એની કિંમત પૂછો છો ? બત્રીસ રૂપિયા.”
મનોજે અચકાતાં અચકાતાં કહ્યું, “દસેક રૂપિયાની કિંમતનો કોઈ પટ્ટો નથી ?”
આટલું બોલીને એ જરાક દૂર હટી ગયો. એને ડર હતો કે હમણાં આ છોકરી રાડ પાડી ઊઠશે. અગર કદાચ તમાચો પણ મારી દે.
પરંતુ કરુણાએ તો આમાંનું કશું જ કર્યું નહિ. એના ચહેરા પરનું હસવું પણ એમનું એમ જ રહ્યું. છોકરાંઓને કરુણા ખૂબ ગમી ગઈ. જ્ઞાન તો મનોમન પ્રાર્થના કરવા લાગ્યો કે કરુણા લૂંટારાની સાગરીત ન નીકળે તો સારું. આટલી સરસ, હસમુખી અને હેતાળ છોકરી લૂંટારાઓની સાગરીત ન જ હોવી જોઈએ.
કરુણાએ આમતેમ એક-બે કબાટ ઉઘાડીને એક બોક્સ હાજર કર્યું. એ બોલી, “જુઓ, દોસ્ત ! તમને ગમી જાય એવા પટ્ટા આ રહ્યા. ખૂબ જ મઝાના ચળકતા રંગ છે. અને કિંમત ફક્ત નવ રૂપિયા ત્રીસ પૈસા વત્તા ટેક્સ. આ પટ્ટા નાયલોનના છે. આજકાલ એની જ ફેશન છે. તમારા કાંડા ઉપર ખૂબ શોભશે.”
મનોજ એકદમ આગળ ગયો. એ એટલો તો ઝંખવાણો પડી ગયો હતો કે રંગોની પસંદગી બાબત પણ કશી રકઝક ન કરી. બસ, એક પટ્ટા તરફ આંગળી ચીંધી વાળી અને કહ્યું, “આનું બિલ બનાવી આપો.”
કરુણાએ તે પટ્ટો અલગ પાડ્યો. પછી પારદર્શક પ્લાસ્ટિકની એક કોથળીમાં એ મૂક્યો. પછી દુકાનને એક છેડે ટેબલ ઉપર પડેલા નાનકડી પેટી જેવા યંત્રમાં આમતેમ કેટલીક કળો દબાવીને એક લીવર ફેરવ્યું. ખરરર...ખટ થયું. એક નાનકડો કાગળ બહાર આવ્યો. એની ઉપર પટ્ટાનું બિલ છપાઈ ગયું હતું. નવ રૂપિયા ત્રીસ પૈસા વત્તા નેવું પૈસા ટેક્સ બરાબર દસ રૂપિયા વીસ પૈસા. કરુણાએ તેના પર ફક્ત એક ટૂંકી સહી કરી અને બિલ મનોજની સામે ધર્યું.
એ વેળા મનોજની સ્થિતિ તો એવી થઈ ગઈ કે કાપો તો લોહી પણ ન નીકળે ! એ લોકો અહીં આવ્યાં હતાં કરુણાના હસ્તાક્ષર મેળવવા, અને મળ્યા આ અક્ષર ! નીચે કરુણાએ ખાલી ટૂંકી સહી કરી હતી અને તે પણ અંગ્રેજીમાં – કે. એમ. !
ડિટેક્ટિવ એજન્સીનાં બીજાં સભ્યો પણ નિરાશ થઈ ગયાં. પણ મનોજ આવા કટોકટીના વખતે જ ખરેખરો ખીલે છે. એટલેસ્તો એ સૌનો આગેવાન છે.
એણે હિંમત કરીને કહ્યું, “કરુણાબેન, આ છાપેલા બિલને બદલે તમે હાથે લખેલું બિલ ન આપી શકો ?”
કરુણા ઘડીભર મૂંઝાઈ ગઈ. પછી મલકાઈને કહે, “એવી શી જરૂર છે ?”
મનોજ કહે, “હું મારી તમામ લેવડદેવડના પાકા હિસાબ રાખું છું. એટલે મારે પાકી પહોંચ જોઈશે.”
કરુણા કહે, “હાય રામ ! પાકી પહોંચ તો હું નહિ બનાવી શકું. એક વાર હીરાની વીંટીના વેચાણની પાકી પહોંચ બનાવવામાં મેં ભૂલ કરેલી, ત્યારથી રતનજી શેઠે મને પહોંચ બનાવી આપવાની મનાઈ કરી છે. પણ ઊભા રહો, હું શેઠને કહું. એ તમને પહોંચ બનાવી આપશે. જરા ઘાંટાઘાંટ કરે તો ગભરાઈ ન જશો હં ! એ છે જ જરાક ઘોંઘાટિયા અને ગુસ્સાખોર !”
આમ કહીને કરુણાએ પેલા વચલા બારણા ઉપર ટકોરા માર્યા. રતનજી શેઠ ડોળા કાઢતા બહાર આવ્યા અને તોછડાઈથી પૂછવા લાગ્યા, “શું છે ?”
કરુણા કહે, “આ ભાઈએ નાયલોનનો પટ્ટો ખરીદ્યો છે, અને એમને એની પાકી પહોંચ જોઈએ છે.”
રતનજી શેઠ પાડાની જેમ ગાંગર્યા, “શું કીધું ? દસ રૂપરડીની ખરીદી અને પાકી પહોંચ ? હું તે કાંઈ નવરો બેઠો છું ?”
પણ કરુણાએ લાડભર્યા અવાજે કહ્યું, “હશે, શેઠ ! બાળકો છે ને ! જરા બે અક્ષર પાડી આપો ને ! રાજી થાય.”
રતનજીએ ફૂંફાડા મારતાં અને ધૂંધવાતાં ધૂંધવાતાં કાગળનું એક પેડ અને પેન ઉપાડ્યાં અને લખ્યું :
શેઠજી,
તમને અમે વેચાતા આપેલા નાયલોનના પટ્ટાની કિંમતના રૂપિયા દશ અને પૈસા વીસ અંકે રૂ. ૧૦, પૈસા ૨૦ આજરોજ રોકડા મળ્યા છે.
લિ. રતનજી ભીમજી ઝવેરી, સ.દ. પોતે.
આટલું લખીને, પેન પછાડીને રતનજી પાછો પેલા બારણાની પાછળ અદૃશ્ય થઈ ગયો.
પણ છોકરાંઓને લાગ્યું કે પોતે તો ઠેરનાં ઠેર જ રહ્યાં છે. એમને હસ્તાક્ષર તો અહીં નોકરી કરનારના જોઈતા હોય એટલે કે કરુણાના જોઈતા હતા. તે તો મળ્યા જ નહિ.
હવે શું કરવું ?
*#*#*