Pagrav - 30 in Gujarati Moral Stories by Dr Riddhi Mehta books and stories PDF | પગરવ - 30

Featured Books
Categories
Share

પગરવ - 30

પગરવ

પ્રકરણ – ૩૦

સુહાની તો કૃતિને પોતાની બધી વાત કહીને સૂઈ ગઈ પણ આખી રાત કૃતિની ઉંઘ હરામ થઈ ગઈ. એ સુહાનીનાં માસુમ ચહેરા સામે જોઈને આટલી નાની ઉંમરમાં આ બધું થતું જોઈને આંસુ સારતી રહી. એને આખી રાત જાણે ઉંઘ ન આવી. માંડ આંખ મળે ત્યાં ફરી ફરી આવી જતો સુહાનીનો વિચાર એને હેરાન કરવા લાગ્યો.

કૃતિ વિચારવા લાગી કે એ ઘરે બેઠાં તો સુહાનીને કેવી રીતે મદદ પણ કરી શકે‌.. અને સુહાનીએ આટલાં વિશ્વાસથી એને કહ્યું છે તો એ એનો વિશ્વાસ કેવી રીતે તોડે ?? જો એ ઘરે વાત કરે તો તો એને હવે પુણે જવાં જ નહીં દે...સમર્થ સાચ્ચે જ આ દુનિયામાં હોય ને ફરી સુહાનીને સમર્થ કાયમ માટે એક થઈ જાય તો એનાંથી સારું શું હોઈ શકે..પણ હવે સમર્થ કદાચ ઈન્ડિયા પાછો આવ્યો પણ હોય પણ હજું સુધી અહીં આવ્યો નથી કે કોઈને ફોન સુધ્ધાં નથી કર્યો મતલબ કે એની સાથે શું થયું હોય એ જીવિત હશે કે નહીં એ બાબતે જ મોટી શંકા છે...

કૃતિ વિચારોમાં ખોવાયેલી હજું બેડ પર છે ત્યાં જ સુહાની ઉઠીને બોલી, " દીદી ક્યાં ખોવાઈ ગઈ છે ?? આજે મારી ઊંઘણશી દીદીને ઉંઘ નથી આવતી ?? રોજ તો ફરિયાદ કરતી હોય છે કે સાસરીમાં સૂવા નથી મળવું...તો હવે કેમ વહેલાં ઉઠી ગઈ ?? "

કૃતિ : " શું કરું બિટ્ટુ...મને તારી ચિંતા થાય છે... તું જે રીતે વાત કરે છે એ રીતે બહું ખતરનાક કામ છે અને વ્યક્તિ પણ...હવે તે બધું કહ્યાં મુજબ કદાચ તું મારી સાથે આ બાબતે ફોન પર વાત પણ નહીં કરી શકે... તું ઠીક છે કે નહીં એ પણ કેમ મને ખબર પડશે...હવે તો તું આવીશ નહીં ત્યાં સુધી ચિંતા રહ્યાં કરશે મને..."

સુહાની : " દીદી ભગવાન પર ભરોસો રાખ‌.. હું કેવી હતી કોલેજમાં આવી ત્યારે ?? પછી સમર્થ મળ્યાં પછી કેટલી બદલાઈ છું...કેટલી સમર્થનાં ડિપેન્ડેબલ હતી. હું એને પુછ્યાં વિના એક નાનકડું કામ પણ નહોતી કરતી તો તું કેટલું ચીડવતી મને.. હવે સમર્થ વિના કેટલી ઘડાઈ છું...સમયે મને મજબૂત બનાવી છે...એનો પ્રેમને, પરિવારનો આત્મીયતાનો સહકાર , ને કાનાજીની અતૂટ શ્રદ્ધા મને બધું કરવાં હિંમત આપે છે... મારું મગજ હવે એક ડિટેક્ટિવની જેમ વિચારી શકે છે...સમય બળવાન છે...એ માણસ પાસે બધું જ કરાવી શકે છે...તારે મારી પાસે કંઈ પણ પૂછવું હોય તો ચાલ એક આઈડિયા આપું...આપણે પહેલાં નાના હતાં ત્યારે એક કોડવર્ડની લેન્ગવેજમાં વાત કરતાં એ યાદ છે ને ?? "

કૃતિ : " હા...બસ તો એમાં વાત કરી લઈશું...ઓકે..."

સુહાની : " હવે ખુશને ??" કહીને બે ય બહેનો ભેટી પડી.

***************

સાંજનાં સાત વાગી ગયાં. જમવાનું બધું પતાવીને બધાં બેઠાં છે. થોડી જ વારમાં સુહાનીને જવાનું છે. બધાંએ એને મૂકવાં બરોડા ગાડીમાં જવાનું નક્કી કર્યું. એને મૂકીને તરત પરત આવી જશે‌..

રાતનાં પોણાનવે એ સુહાની બરોડા જ્યાંથી ટ્રાવેલ્સ ઉપડે છે ત્યાં પહોંચી ગઈ... નવ વાગ્યે ટ્રાવેલ્સ નીકળતાં બાકીના બધાં ઘરે જવાં નીકળ્યાં.

સુહાની પોતાની ઘરની યાદોને વાગોળતી ને હવે શું કરવાનું છે એનું વિચારતી નિદ્રામાં સરી પડી.

સવારે પહોંચીને સુહાની પહેલાં તેનાં ઘરે ગઈ પછી ફટાફટ રેડી થઈને ઓફિસ પહોંચી. જેવી ઓફિસમાં પહોંચી કે એનાં ટેબલ પર કામ ઘણું બધું ભેગું થયેલું જોઈને આટલું બધું ક્યારે થશે એ વિચારતી બે મિનિટ માથે હાથ દઈને બેસી ગઈ. એટલામાં જ એની નવાઈ વચ્ચે પરમ એની કેબિનમાં આવ્યો. સુહાની તો પરમ એટલે કે સીઈઓને પોતાની કેબિનમાં આવેલાં જોઈને ગભરાઈ ગઈ એમાં પણ એ કામને બદલે લમણે હાથ દઈને બેઠી છે.

પરમ : " અરે કેમ ગભરાઈ ગઈ ?? બેસ બેસ..."

સુહાની : " કંઈ નહીં...બસ એમ જ " કહેતાં એને પાંચ મિનિટમાં જ બે બગાસાં આવી ગયાં.

પરમ : " અત્યારમાં જ આવી કે શું ?? ઉંઘ આવતી લાગે છે..."

સુહાની : " ના એવું કંઈ નથી. હા આવીને રેડી થઈને જ ઓફિસ આવી‌. "

પરમ જાણે એનાંથી બહું સમયથી પરીચિત હોય એમ બોલ્યો, " ઘરે બધાં મજામાં ?? એમને તને અહીં એકલી મોકલવામાં ચિંતા તો થતી હશે ને ?? એક વર્ષથી અહીં રહે છે તો... "

સુહાની : " પણ એ વખતે તો સમર્થ..." બોલતાં જ એને કંઈ યાદ આવતાં એ અટકી ગઈ ને બોલી , " થાય તો ખરું જ ને..માતાપિતાને સંતાનો ગમે તેટલાં મોટા થાય ચિંતા તો રહે જ..."

પરમ : " હમમમ... કંઈ પણ પ્રોબ્લેમ હોય તો મને ગમે ત્યારે કહી શકે છે..."

સુહાની : " થેન્કયુ..."

પરમ : " હવે સાંભળ, આજે ચાર વાગ્યે મીટીંગ છે અને કંપનીનાં મેઈન માલિક વિનોદ અગ્રવાલ એટલે કે મારાં મામા આવવાનાં છે મિટીંગમાં..તારે એક પ્રેઝન્ટેશન આપવાનું છે...."

સુહાનીને એ અજાણ બોલીને બોલી, " એ તમારાં મામા છે ?? "

પરમ : " હા...એ બેંગલોરની કંપની સંભાળે છે હવે. પહેલાં એ બંને સંભાળતાં હતાં..."

સુહાની : " પ્રેઝન્ટેશન તો રેડી પણ નથી કર્યું મેં તો... ક્યા ટોપિક પર આપવાનું છે ??...ચાર વાગ્યે હાઉ ઈટ્સ પોસિબલ ?? "

સુહાનીનાં ચહેરા પર આવેલાં પણ ટેન્શનને જોતાં પરમ બોલ્યો, " ડૉન્ટ વરી‌..એ રેડી કરી દીધું છે મેં... તું નહોતી એટલે પણ તું આવી ગઈ છે તો તું જ આપજે. હું તને મેઈલ કરું છું...જોઈ લેજે તારી રીતે... કંઈ એવું લાગે તો ચેન્જ કરી દેજે..."

સુહાનીને થોડીક શાંતિ થઈ...એણે કહ્યું, " ઓકે..."

પરમ ઉભાં થતાં થતાં બોલ્યો, " મામા કદાચ તને થોડું પૂછશે પણ ખરાં...ગભરાયા વિના જવાબ આપજે..."

સુહાની : " શું પુછશે ?? ન આવડે તો કંઈ ?? "

પરમ : " બધાં નવાં લોકોને પૂછશે‌‌...ડૉન્ટ વરી...બસ ગભરાઈ નહીં... હું હોઈશ ને ત્યાં હું સંભાળી લઈશ..." ને પરમ ઊભો થઈને જતો રહ્યો.

સુહાનીને પરમ આટલી સરળ અને પોતિકી રીતે વાત કેમ કરી રહ્યો છે એ સમજાયું નહીં..પણ હાલ પૂરતું તો એનું ટેન્શન જશે એમ વિચારીને એને શાંતિ થઈ.

સુહાનીને આજે જે. કે.પંડ્યાને મળવાં જવું હતું પણ કદાચ આ બધામાં આજે એ શક્ય નહીં બને એ વિચારીને એનો મુડ જતો રહ્યો. ઓલરેડી જે કામ ગયાં અઠવાડિયે કરવાનું હતું એ પાછું ઠેલાયુ છે અને ફરી આજે પણ... સુહાનીને થોડો ગુસ્સો આવવાં લાગ્યો.

એટલામાં જ એનાં પીસીમાં એક મેઈલ આવ્યો એ સાથે જ એ ફટાફટ પ્રેઝન્ટેશન જોવાં લાગી. એને થોડું બદલવા જેવું લાગ્યું પણ થયું કે આ તો મોટાં માણસો...એમની સાથે પંગો ન લેવાય ‌... કંઈ ચેન્જ કરવું નથી..જે થશે એ જોયું જશે...સુહાનીએ બધું જ વ્યવસ્થિત રીતે સમજી લીધું...ને સાથે પોતાનું કામ પણ પતાવવા લાગી.

ત્રણ વાગી ગયાં છે બપોરનાં. કલાકમાં મીટીંગમાં જવાનું છે એ વિચારીને એને ગભરામણ થવાં લાગી છે‌. સુહાની તો આવાં પ્રેઝન્ટેશનમાં ભલભલાને માત આપી દે ફક્ત એ સમર્થ સામે જ આ વસ્તુમાં હારી જતી એવું કહીએ તો ચાલે...!! પણ આજે એને કેમ આવું થઈ રહ્યું છે એ સમજાતું નથી કદાચ આટલાં મોટાં લોકો વચ્ચે પહેલીવાર આવું બોલવાનું છે અને વળી બહું નજીકથી...

એટલામાં જ અવિનાશનો ફોન આવ્યો. " વેલકમ બેંક મેડમ !! મીટીંગમાં આવો છો ને ?? આજે તો મોટાં સાહેબ પણ આવ્યાં છે...પોણા ચારે પહોંચી જઈશું...સરને કોઈ પણ લેટ આવે એ જરાય પસંદ નથી...આજે કામમાં ફસાઈ ગયો હતો કે રૂબરુ મળવા પણ ન આવી શક્યો...સોરી.."

સુહાનીને તો જાણે ન આવી શકવાની વાતથી મનમાં ખુશી થઈ અનાયાસે એનાંથી બોલી જવાયું, " રોજ આવું કામ રહે તો સારું..."

અવિનાશ : " શું બોલ્યાં ?? "

સુહાની : " વાત વાળતાં બોલી એમ કહું છું કે રોજ કામ રહે તો આમ મજા આવે મને તો...કામ કરવાની..."

અવિનાશ : " હમમમ...તો બરાબર..." સારું થોડીવારમાં મળીએ..."

સુહાની પણ ફરી એકવાર છેલ્લે જવાની તૈયારી કરવાં લાગી. એક વાર અરીસામાં પોતાનો ચહેરો જોવાં લાગી...ને જાણે ફરી એકવાર પોતાનાં પ્રેમમાં પડી ગઈ.

આજે નવાઈ વચ્ચે મીટીંગમાં જવાં બોલાવવા માટે પરમ, અવિનાશ અને બીજાં મેડમનો પણ ફોન આવી ગયો. એકબાજુ આટલાં ફોનથી ખુશ છે સાથે જ એવું શું હશે કે બધાં આટલું ઈમ્પોર્ટન્ટ આપી રહ્યાં છે પોતાને અને મીટીંગને એ વિચારીને એને ફુલ એસીમાં પણ પરસેવો થવાં લાગ્યો...ને એકવાર મનોમન પ્રાર્થના કરીને મીટીંગમાં જવાં નીકળી ગઈ.... !!

****************

સુહાની બધાંની સાથે અંદર પહોંચીને બેસી ગઈ છે‌. હવે બધાં વિનોદસરની રાહ જોવા લાગ્યાં.. ત્યાં કોઈ બોલ્યું, " સરનો ટાઈમ પરફેક્ટ છે હમણાં આવ્યાં જ સમજો. એટલામાં જ હજું ચાર વાગ્યામાં ત્રણ મિનિટ બાકી છે ત્યાં જ વિનોદસર, એક ગેસ્ટ અને સાથે પ્રોફેશનલ લુકમાં આવેલાં પરમને બ્લેક બ્લેઝરમાં એક અલગ લુકમાં સ્માર્ટ દેખાતાં પરમને જોઈ જ રહી‌.

પરમ દેખાવડો તો છે જ વળી એકવડિયો બાંધો, ચહેરાં પર રાખેલી હળવી સહેજ દાઢી, ગળામાં પહેરેલી ચેઈનને આ બધું કદાચ આજે પહેલીવાર સુહાનીએ પરમમાં નોંધ્યું...

એ સાથે જ પહેલાં વિનોદસરે પહેલાં નવાં લોકોનાં ઈન્ટરોડક્શન માટે કહ્યું. સુહાની જેવી અહીં આવી કે આપોઆપ એનો બધો જ ડર ગાયબ થઈ ગયો‌. વળી વિનોદસરની ખરેખર બધાં કહેતાં હતાં એવાં જ સરળ અને રમૂજી લાગ્યાં. ફક્ત એમને કામ પરફેક્ટ અને સમયસર જોઈએ...

સુહાની અને બીજાં બે નવાં જણાંએ પોતાનું ઈન્ટ્રોડકશન આપ્યાં બાદ પ્રેઝન્ટેશન માટે પરમને બદલે સુહાનીને ઉભી થયેલી જોઈને બધાં ચોંકી ગયાં...!! અવિનાશથી સહેજ મોટેથી બોલાઈ ગયું, " આજ તો મેડમ ગયે કામસે !! "

કેવું રહેશે સુહાનીનું પ્રેઝન્ટેશન ?? સાથે ગેસ્ટ તરીકે આવેલી વ્યક્તિ કોણ હશે ?? આ પ્રેઝન્ટેશન કંઈ ખાસ હશે કે બધાં સુહાનીને જોઈને ચોંકી ગયાં ?? કેવી રીતે પાર પાડશે સુહાની બધું ?? જાણવાં માટે વાંચતા રહો, પગરવ - ૩૧

બહું જલ્દીથી મળીએ એક નવા ભાગ સાથે.....