શ્રદ્ધાંજલિ
શહેરના નામાંકિત વ્યક્તિની પૂત્રવધુના અંતિમ સંસ્કાર હતા.લોકોનાં ટોળેટોળાં હોય તો નવાઈ શી?ઘણાને બંગલો જોવામાં રસ હતો તો ઘણાને પૂછપરછમા.પ્રેસવાળાની પણ કોઇ જ કમી નહોતી. જીવનમા ભાગ્યે જ પેજ થ્રી પર ચમકેલી ધરા આજે મૃત્યુ પછી સેલીબ્રીટી બની હતી.ઘરના સભ્યો પોતાનો મેકઅપ વીખાઇ ન જાય એ રીતે ધીમે ધીમે રડી રહયા હતા. એના માતા પિતા તો સ્તબ્ધ જ હતા.આ બધાની વચ્ચે એની ખાસ સહેલી સ્નેહા ખૂબ રડી રહી હતી.
'કંટ્રોલ કર યાર" મૈત્રી બોલી.આમા આપણું ન ચાલે.માનવ બોલ્યો,"આમ પણ આપણાં સર્કલમાથી તો લગ્ન પછી એ વિદાય લઇ જ ચૂકી હતી."શ્રુતિ બોલી,"જો તો ખરા,જીવનભર દોમ દોમ સાહ્યબીમા રહી,એક એટેકમા આઉટ,અને જો વાજતે ગાજતે જાય છે.આપણે આવું મોત મળશે?"સ્નેહા હવે સાંભળી શકે તેમ ન હતી.એ એક ખૂણામાં જઇને રડવા લાગી. પોતાની પ્રિય સખીને આવી વિદાય આપવા એનું મન જરાય તૈયાર નહોતું.
બાળપણથી જ સાથે ભણતાં, રમતાં અને યુવાનીમાં કદમ પણ સાથે જ મૂકયા.સ્નેહા સ્વભાવે શરમાળ પણ ધરા?બાપ રે,બધાં તેને કોયલ કહેતાં. ભણવામાં પણ એવી તેજ.અવાજ ખરેખર મીઠો,સ્પીચ હોય કે નાટક,ડાન્સ હોય કે ગરબા,ધરા એના ગૃપ સાથે હોય જ.અને વિજેતા પણ હોય.
કયારેય જો કોઈ દુઃખી દેખાય તો ધરાનુ એડ્રેસ આપી દેવાનું. દરેક પરીસ્થિતીને હકારાત્મક રીતે લઈને દરેકના ચહેરા પર હાસ્ય ફેલાવનાર હવે રહી નથી એ માનવુ મૂશ્કેલ હતું. આટલાં સૂખની વચ્ચે એટેક કઇ રીતે આવે?એને શું ટેન્શન ને કેવી ચિંતા?જેટલાં મો એટલી વાતો.
ધરાના સૂખ દુઃખની એક જ હમરાઝ હતી,સ્નેહા. રાજ સાથે એની સગાઈ થઈ ત્યારે પણ એ હાજર હતી.હજારો સપનાઓની વચ્ચે પણ બંને સહેલીઓની આંખોથી શરારતી વાતો ચાલુ જ હતી. ચટ મંગની પટ બ્યાહની જેમ લગ્ન પણ તરત.કોઇએ કલ્પના પણ ન કરી હોય એવા ઝાકઝમાળ સાથે,જેમા ખૂશી કરતા શ્રીમંતાઇનુ પ્રદર્શન વધારે લાગ્યું હતું સ્નેહાને.લગ્ન પછી વિદેશ ભ્રમણ અને પછી નવા ઘરસંસારમા ખોવાઈ ગઈ હતી એ.એક વખત પિયર આવી ત્યારે સાવ મૂંગી ને મુરઝાયેલી લાગી.કેમ છો?એટલું પૂછતા તો આખી વાત કહી દીધી સહેલીને.
આટલી હોશિયાર ધરાના એક પણ ગુણની તેના બંગલામા ના તો કોઈ ને કદર હતી ના જરુરત. પતિ પાસે તો સમય જ નહોતો.એને તો એના સોનાના પિંજર માટે એક પંખી મળી ગયું હતું અને એ પણ સુંદર. ધરા માટે એમ પણ ન કહી શકાય કે પોપટ ભુખ્યો નથી,પોપટ તરસ્યો નથી.કારણ કે એ જમે નહી ત્યારે એને ડાયટિંગ માની લેવામાં આવતું. આટલાં બધાં રૂમમાંથી એક રૂમમાં થાળી નથી ગઇ એ કોણ જોવાનું?
મોટું કુટુંબ એટલે એ ય ને ખૂબ મજા,ઘરમાં ધીંગામસ્તી ને પીકનીક, આ બધાં સપનાં હવે તો સપના જ હતાં. ઘરમાં પણ એકબીજા સાથે ફોનથી વાત થતી.શુભ પ્રસંગે પણ બધા પોત પોતાની ગાડીમાં જતાં. શોપિંગ કરવા જવું હોય તો ડ્રાઈવર. અને રાજની વિદેશ ટૂર હોય તો તો કેટલાય દિવસો સુધી કોઈ માણસ પણ જોવા ન મળે.
જયારે બંને વાત કરે ત્યારે સ્નેહાને ધરાનુ ડૂસકું સંભળાય. સ્નેહા ઘણીવાર કહેતી કે મારા ઘરે આવ તને ગમશે.પણ એક અદ્રશ્ય બંધનમાં જકડાઈ ગઈ હતી.આ પીંજરામાં એને બધું જ મળતું બસ છોડવાની મનાઈ હતી.અને તોડવાની તો હવે શકિત જ કયાં હતી? બગાવત શકય નહોતી અને માતા પિતાને પણ શું કહે?ખાલી દુઃખી કરવા?મોટાભાગે દીકરીને જ સમજાવે એ પણ.આત્મહત્યા કરવા જેટલી એ કાયર નહોતી.એક બિંદાસ છોકરી કેટલી લાચાર હતી.કયાં કોલેજમાં ઉછળતી ધરા,અને કયાં પાંજરામાં પાંખો ફફડાવતી આ ગભરુ ધરા?
હજી તો બે દિવસ પહેલા જ વાત થઈ બંનેની. મોડી રાત સૂધી રાજના નામોનિશાન નહોતા.ધરા ખાધા પીધાં વગર રાહ જોતી હતી અને વાત કરતી હતી.એની વાતો પડઘાઈ રહી હતી"સાચું કહું સ્નેહા,દરેક સ્ત્રીને માતા બનવાના કોડ હોય છે.પણ સારું છે કે મારે કોઈ બાળક નથી.બાકી એની ચિંતામા તો મોત પણ ના આવત." ગભરાઈ ગયેલી પોતે.ખૂબ સમજાવી હતી.પણ ધરાએ કહેલું કે રીબાઈ રીબાઈ ને જીવવું એના કરતાં મોત સારું. તારી સહેલીને મુક્તિ મળે એવી પ્રાર્થના કરજે.એ રાતે સ્નેહાને ઊંઘ નહોતી આવી.
"રામ બોલો ભાઇ રામ" ના અવાજથી એ વાસ્તવિકતામા પાછી ફરી.લોકોને પોત પોતાની કહેવાતી દુનિયામા પાછા ફરવાની ઊતાવળ હતી."બહુ સૂખમા પણ એટેક આવે બોલો."બધા પાસે પોત પોતાની કલ્પના હતી.હકીકત માત્ર સ્નેહા પાસે.આખું ગૃપ છેલ્લી વિદાય આપવા ગયું. જેટલે સુધી સાથે જવાય ત્યાં સુધી.
હવે કયારેય કોયલની ઘંટડી સાંભળવા નહી મળે.ના ફોન.ના સૂખ દુઃખની ( આમ તો દુઃખની) વાતો.સ્નેહાને એક વખત તો મન થયું કે બધાને ચીસો પાડી પાડીને કહી દયે કે હકીકત શું છે?પણ પછી એણે ધરાને આપેલું વચન યાદ આવ્યું કે મોત કદાચ એટલું ભયંકર નહી હોય જેટલી આ જીંદગી છે.મે જીવનભર બધાને ભ્રમમાં રાખ્યા છે તો એ ભ્રમ ભાંગતી નહી.મારા મોતનો મલાજો ભલે જળવાઈ રહે.મારા મૃત્યુનો શોક ન મનાવતી.મારી મુક્તિનો આનંદ મનાવજે.
એક પિંજરમાથી એક પંખી મુકત થઈ ગયું હતું. સ્નેહા ભારી હ્રદય સાથે સહેલીને શ્રદ્ધાંજલિ અર્પણકરી રહી.
ભારતી ભાયાણી...