VAHUE VAGOVYA MOTA KHORDA - 8 in Gujarati Classic Stories by Arvind Gohil books and stories PDF | વહુએ વગોવ્યા મોટા ખોરડા - ૮

Featured Books
  • स्वयंवधू - 31

    विनाशकारी जन्मदिन भाग 4दाहिने हाथ ज़ंजीर ने वो काली तरल महाश...

  • प्रेम और युद्ध - 5

    अध्याय 5: आर्या और अर्जुन की यात्रा में एक नए मोड़ की शुरुआत...

  • Krick और Nakchadi - 2

    " कहानी मे अब क्रिक और नकचडी की दोस्ती प्रेम मे बदल गई थी। क...

  • Devil I Hate You - 21

    जिसे सून मिहींर,,,,,,,,रूही को ऊपर से नीचे देखते हुए,,,,,अपन...

  • शोहरत का घमंड - 102

    अपनी मॉम की बाते सुन कर आर्यन को बहुत ही गुस्सा आता है और वो...

Categories
Share

વહુએ વગોવ્યા મોટા ખોરડા - ૮

ઘોડી ઉપર ચાબુક પડતા જ બગી સાથે હમીરભા અને ઝમકુ હાલી નીકળ્યા. શામજીભાઈ તો જાણે પોતાના સાતેય વહાણ ડૂબતા હોય અને કિનારે ઉભેલો કોઈ નાવિક એ ડૂબતા જહાજ જોતો હોય એમ આંસુ ભરેલી આંખે જોતો ઊભો હતો. ભીખુભા, હમીરભા અને ઝમકુ દૂર નીકળી ગયા હતા અને એ બાપ કોણીએથી હાથ વળેલો ઊંચો રાખીને ઊભો હતો. એને તો જાણે આજે પોતાની દીકરીને બીજીવાર વિદાય આપી હોય એવું લાગી રહ્યું હતું. બસ ખાલી ફેર એટલો હતો કે આજે થોડી ચિંતા વધુ હતી. મનમાં ને મનમાં એ ભગવાનને દીકરીના સુખી સંસારની પ્રાર્થના કરતો હતો. અધૂરામાં પુરા પાછા ઝમકુના જુના સવાલ યાદ આવતા હતા. માં નહિ, ભાઈ નહિ, હું કોને કહું આવા બધા છૂટક વિચારો એને સાવ ઢીલો પાડી રહ્યા હતા. એને ક્યાંક પોતાની કમી દેખાતી હતી. આંખમાં આવેલા આંસુ અને દૂર ગયેલી બગી કારણે જ ઝમકુનો ચહેરો ધૂંધળો બનતો જતો હતો.

બીજીબાજુ ઘોડાગાડીમાં બેઠેલી ઝમકુ પણ સાવ નાજુક પરિસ્થિતિમાંથી પસાર થતી હતી. ગામની બજારના ઉબડખાબડ રસ્તાને કારણે એના મનનું મંથન શરૂ થયું હતું. એને પણ એ જ સવાલો યાદ આવતા જે આવતા-વેંત શામજીભાઈને પૂછ્યા હતા. કદાચ એને આ સવાલોનો પસ્તાવો હતો. મનમાં થતું હતું કે મારે આવુ નોહતું બોલવું જોઈતું. આ બધું સાંભળી એ બાપ પર શું વીતી હશે એની એ કલ્પના કરી રહી હતી. એટલામાં એની નજર એક લીમડાના ઝાડ પર પડે છે. એને એ લીમડો જાણે સાદ કરતો હોય એવું લાગ્યું. વિચારોની દિશા બદલાઈ ગઈ. "હું નાની હતી ત્યારે આ લીમડા નીચે પાંચકડે રમતી હતી. એનો શીતળ છાંયો મારી બપોરને ગળી જતો. અને કદાચ મારા બાળપણને પણ......." આ વિચારે એના આંસુનું વહેણ વધારી દીધું. પાંચકડા યાદ આવતા એ રૂઝાયેલા ઘાવાળા હાથ જોયા. પાછો નવો વિચાર આવ્યો. "હવે તો પાંચકડે રમવાની ઉંમર ગઈ અને સાથે હાથ પણ....." આવા જ નાના-નાના વિચારો એનું લોહી બળતા હતા. થોડા આગળ જતાં એ નાનકડી નિશાળ આવી જ્યાં એ બે ધોરણ ભણેલી હતી. જ્યાં તે થોડું ઘણું વાંચતા લખતા શીખી હતી. એ સમયના સાહેબોનો માર એને આજે ગોળ જેવો ગળ્યો લાગ્યો. એ નિશાળના મેદાનમાં નાનું ફ્રોક પહેરેલી નાની ઝમકુ દેખાઈ. હંમેશા હસતી અને રમતી દેખાઈ. આ દ્રશ્યએ એના મુખ પર આવેલા આંસુ સાથે થોડી હસાવી દીધી. અને નવા વિચારે વળાંક લીધો. "કોણ જાણે મારું એ હાસ્ય ક્યાં ખોવાયું હશે." અને પાછી યાદ કરવા લાગી કે છેલ્લે ક્યારે હસી હતી. આવા અનેક નિ:સાસા સાથે છેલ્લો વિચાર આવી ગયો "હવે ક્યારે આ ગામના ઝાડવા જોઇશ." આ સાથે જ એનું માથું સાડીના પાલવમાં ઝૂકી ગયું. એ સાડીનો પાલવ પૂરો ભીનો થઈ ગયો હતો છતાં એનાથી આંખો લૂછવાની કોશિશ કરતી હતી. હમીરભા આ બધું જોવા છતાં શાંત જ બેસી રહ્યા. એમને આ સમયે કશું બોલવું યોગ્ય ના લાગ્યુ.

હમીરભા વાતાવરણને બદલાવવા માટે ભીખુભાની મશ્કરી કરવા લાગ્યા. વગડામાં વાતી ગરમ લૂ સાથે ઠંડુ હાસ્ય વહેવા લાગ્યું. જામગઢથી આગળ નીકળી એક વૃક્ષ નીચે રોંઢો કરવા બેઠા. ઝમકુને ઘણી સમજાવી ત્યારે બે કોળિયા માંડ ખાધા. ત્યારપછી પાછા આગળ ચાલતા થયાં. સાંજ થતા જ એ સુલતાનપુર પહોંચી ગયા.

સુલતાનપુરની એ સાંજ સોહામણી હતી. ઉજાસ અને અંધકારના યુદ્ધમાં અંધકારનો વિજય થતો હોય એવું લાગી રહ્યું હતું. ચારેકોરથી મંદિરોની ઝાલરો વાગી રહી હતી. બીજી બાજુ ગામને ગોંદરે આવેલા ઢોરના ધણ પોતાના માલિક અને વાછરડાની રાહ જોતા ભાંભરી રહ્યા હતા. કોઈ-કોઈ પનિહારીઓ છેલ્લા પાણીના બેડા ભરી ઉતાવળી ચાલી જતી હતી. જાણે કોઈ નાનકડું બાળક રમતે ચડ્યું હોય એમ સુલતાનપુર લાગતું હતું. આખો દિવસ તાપમાં તપેલી આ ધરતી અત્યારે શાંતિનો અનુભવ કરતી હતી તો બીજી બાજુ અત્યાર સુધી શાંત રહેલી ઝમકુ હવે અશાંતિ અનુભવી રહી હતી. ગામમાં પ્રવેશતા જ એની મૂંઝવણ વધતી જતી હતી. મન વારંવાર પૂછી રહ્યું હતું કે હવે શું થશે.

હમીરભા અને ભીખુભા ઘણા વર્ષો પછી આ ગામમાં પ્રવેશ કરતા હતા. એમાં પણ એમને ઝમકુનુ ઘર તો જોયું નહતું. "બેટા ઝમકી ! તારું ઘર ક્યાં છે ? ક્યાં જવાનું ? આ બહાર તમારા સમાજના ઘર છે એ બાજુ તો નહિ .. ને ?" હમીરભાએ આમ તો સુલતાનપુર ગામથી પરિચિત હતા એટલે થોડો તો ખ્યાલ હતો છતાં એકવાર ઝમકુને પૂછ્યું. "હા ભા ! એ તરફ જ જવાનું. પણ મને અહીં ઉતારી દયો. મારાથી ગામમાં આવી રીતે બેસીને ના જવાય. હું આગળ ચાલતી થાવ છું તમે મારી પાછળ આવજો." ઝમકુ જુના રિવાજ પ્રમાણે બગીમાંથી ઉતરવા જ જતી હતી ત્યાં હમીરભાએ ના પાડી દીધી. "એ તો ઘરથી થોડી દૂર ઉતરજે. અહીંથી હાલીને જવાની કોઈ જરૂર નથી. તું ખાલી રસ્તો બતાવ." ઝમકુ તો કશું બોલ્યા વગર આંગળી ચીંધીને રસ્તો બતાવી દીધો. પછી એ પોતાનો ઘૂંઘટ સરખો કરવા લાગી. એને છાતી સુધીનો ઘૂંઘટો તાણી લીધો હતો. એના માટે નવી કહેવાય એવી જૂની સાડીમાં એનું યૌવન છલકાઈ રહ્યું હતું. એના ચહેરા આગળ લાજ હોવાથી એનો કરમાયેલો ચહેરો કોઈ જોઈ શકતું ના હતું. હમીરભા ઝમકુને પૂછી-પૂછીને એના ઘરની તરફ આગળ વધી રહ્યા હતા. ઝમકુ પણ વધેલા હૃદયના ધબકારા અને શાંત જીભ સાથે મારગ બતાવી રહી હતી. ઝમકુના કસબામાં એક પછી એક ઘર પસાર થતા જતા હતા. બધા એને જોવા માટે ઘરની બહાર નીકળી ગયા હતા. ઘણી નાની છોકરીઓ માટે એક લાડકી સહેલી આવી રહી હતી. વડીલો માટે પોતાની દીકરી આવતી હોય એવું લાગતું હતું. એ બગી જેવી એના કસબાના નાકાથી વળાંક વળી કે તરત જ સામે શંકરો ઊભો હતો. ઝમકુએ લાજની આડમાંથી એને જોયો એટલે તરત જ હમીરભાને કહ્યું. "ભા ! એ ઊભો એ શંકરો જેને મારા સુખી જીવનમાં કેરોસીન નાખ્યું છે." ઝમકુ સાવ ધીમે ધીમે બોલી રહી હતી. આ વાત સાંભળતા જ હમીરભાનો ક્રોધ આંખોમાં ઉતરી આવ્યો. ચહેરો એકદમ લાલઘૂમ થઈ ગયો. પણ શું કરે ? એમના હાથમાં બગીની લગામ હતી. જેમાં ઝમકુ બેઠી હતી. એમનાથી નીચે ઉતરાય એવું નહતું.

"ભીખુ, આ ઊભો એ શંકરો છે. જોય લે." હમીરભાએ ભીખુભાને એનો ચહેરો યાદ રાખવા માટે ટકોર કરી. પણ ત્યાં તો છલાંગ મારીને ભીખુભા તોખાર પરથી નીચે ઉતરી ગયા. કારણ કે એ એમના મગજ પર કાબુ ગુમાવી બેઠા હતા. સીધા જ શંકરા પાસે પહોંચી ગયા. શંકરો હજુ ભાગવાની કોશિશ કરે એ પહેલાં તો એક હાથની ઝાપટ સાથે જ એને જમીન ભેગો કરી દીધો. અને પડ્યા ઉપર એ ગાડાના ટાયરમાંથી બનાવેલા જોડાના બે-ત્રણ પાટુ મારી દીધા. "હટ.. ! નાલાયક, હરામી, અમારી છોડી પર મેલી નજર કરેશ, તને શું લાગતું હતું કે આની કોઈ સંભાળ લેવાવાળું નથી એમ !" ભીખુભાનો ગુસ્સો તો સાતમા આસમાને પહોંચી ગયો હતો. જાણે કોઈ ખૂંખાર રાક્ષસ કાબુ ખોઈ બેઠો હોય એવું લાગી રહ્યું હતું. એ વાસના નાના મકાનોની નાની દીવાલો ઉપરથી ભીખુભા દેખાતા હતા. એટલે ઘરમાં રહેલા પણ એમને જોઈ શકતા હતા. નાના છોકરા તો ઘરમાં જ લપાઈ ગયા હતા. આખું વાતાવરણ શાંત થઈ ગયું હતું. શંકરો તો સાવ ગોટો વળી ગયો હતો. ભીખુભાનું મન તો એને મારી નાખવાનું હતું પણ ઝમકુના ઈશારાએ એમને રોકી લીધા. એમની આંખો લાલ થઈ ગઈ હતી. જાણે કોઈ કાળોતરો નાગ ફૂંફાડા મારતો હોય એમ મોટે મોટેથી શ્વાસ લઈ રહ્યા હતા. ઝમકુ એમના વાસમાંથી કોઈ વ્યક્તિ એમની સામે બોલવાની હિંમત નો'તું કરી શકતું. બધા લોકો ઊભા-ઊભા થરથર ધ્રૂજતા હતા. "બધા કાન ખોલીને સાંભળી લ્યો, આ ઝમકુ અમારી દીકરી છે. એને જો કોઈપણ તકલીફ પડશે તો અમે એને નહિ છોડીયે. અને હું ભીખુભા કોઈ દિવસ લુખ્ખી ધમકી નથી આપતો તો આ વાતનું બધા ધ્યાન રાખજો." એ તો એકદમ મોટા અવાજમાં બોલી રહ્યા હતા. " જા નીકળી જા ! મારી નજર સામેથી કોઈ દિવસ મને દેખાતો નહિ. નહિતર જેટલીવાર મળીશ એટલીવાર મારીશ." પાછું એક પાટું શંકરાને મારતા કહ્યું. શંકરો તો જીવ બચાવતો લંગડાતો લંગડાતો ભાગ્યો. "ભા ! આટલું બધું ક્યાં કરવાનું હતું. તમે મને બધા વચ્ચે ભૂંડી લગાડો છો." ઝમકુ તો નીચે ઉતરી ભીખુભા પાસે પહોંચી ગઈ. એ આંસુવાળી આંખે ભીખુભાને સમજાવી રહી હતી. "હું શું કરું બેટા ! મેં એ માણસને જોયો એટલે મારા ગુસ્સા પર કાબુ ના રહ્યો. આ તો તું વચ્ચે આવી ગઈ બાકી આજે જ એનું કાસળ કાઢી નાખેત." ભીખુભા હજુ શાંત નહતા થયા પણ શાંત થવાની કોશિશ કરતા હતા. "પણ ભા ! પછી મારે કાયમ સાંભળવાનું રે ને કે તારા પિયરવાળાએ આવીને આપણા ગામના છોકરાને માર્યો. ઠીક હવે જે થયું તે પણ હવે મારા ઘરે આવું ના કરતા. એ કશું બોલે તો સાંભળી લેજો પણ એમને કશું કહેતા નહિ. આ સામે રહ્યું એ મારું ઘર છે. ચાલો !" ઝમકુ ભીખુભાને શાંતિથી સમજાવીને પોતાના ઘર તરફ આંગળી ચીંધતી બતાવી રહી હતી તો બીજીબાજુ પતિની સુરક્ષા માંગી રહી હતી. ભીખુભા પણ કશું બોલ્યા વગર જ એમના ઘોડાની લગામ પકડીને ઝમકુ સાથે ચાલતા થયા. હમીરભાએ પોતાની બગી પાછળ હાલતી કરી.

એ નાનકડા ઘરમાં વિઠલ શાંતિથી ફળિયામાં ખાટલો નાખીને સુતો હતો. એને બહાર બનેલી ઘટનાની કોઈ ખબર નહતી. એટલામાં તૂટેલા બારણામાંથી ઝમકુ અને ભીખુભા દાખલ થયા. "એ રામ રામ વિઠલ !" ભીખુભાએ હસતા મુખે હાથ ઊંચો કરીને રામ રામ કર્યા. પાછળથી આવેલા હમીરભાએ પણ રામ રામ કર્યા. વિઠલ તો અચાનક ઊભો જ થઈ ગયો. પહેલા તો ઝમકુને કાઢી મુકવાનો વિચાર આવ્યો પણ હમીરભાને જોયા એટલે કશું કરી ના શક્યો. "આવો આવો ! બાપુ ! ધન ઘડીને ! ધન ભાગ્ય ! કે તમે મારા ઘરે આવ્યા. બેસો." વિઠલ તો હાથ જોડી ઊભો થઈ ગયો. એ પાથરેલા ખાટલા તરફ ઈશારો કરી બેસવાનું કહ્યું. " હા ! આવવું જ પડે .... ને ! તમે અમને તેડાવ્યા છે તો." હમીરભા નાનકડી મુસ્કાન સાથે થોડી કડવી લાગે એવી વાત બોલ્યા.

ઝમકુ નાનકડી થેલી લઈને ઘરમાં ગઈ. વિઠલ નીચે બેઠો ભીખુભા ઊભાં હતા. અને હમીરભા ખાટલામાં બેઠા હતા. એટલામાં ઝમકુ ઘરમાંથી એક ખાટલો લઈને બહાર આવી જેમાં ભીખુભા બેઠા. "વિઠલ, અહીં આવ મારી પાસે બેસ." હમીરભાએ હાથના ઇશારાથી વિઠલને ખાટલામાં સાથે બેસાડવા બોલાવ્યો. વિઠલ તો ડરતો ડરતો નજીક ગયો અને હમીરભા સાથે ખાટલા પર બેસી તો ગયો. પણ મનમાં શાંતિ નથી. એને હમીરભાના મારની બીક હતી. કારણ કે એ જાણતો હતો કે ઝમકુ હમીરભાને ખૂબ જ વા'લી છે. "જો વિઠલ જે થયું તે થયું, હવે તારી પાસે મારે નથી જાણવું કે શું થયું હતું. તમારા લગ્નજીવનના બાર મહિનામાં આવો બનાવ બને એ વાત વાજબી નથી. એટલે ફરીવાર ધ્યાન રાખજો. પહેલી વખત આવું બન્યું છે એટલે જવા દવ છું. અને જો તું તારા સસરા તરીકે શામજીને જોતો હોય તો એ ભૂલી જજે. તારો સસરો હું છું અને ઝમકુ મારી છોડી છે એ વાત યાદ રાખજે." હમીરભા વિઠલના ખભે હાથ મુકી શાંતિથી એકે-એક શબ્દ છૂટો પાડી જાણે ધમકી દેતા હોય એમ સમજાવતા હતા. વિઠલ સાવ ચૂપ જ રહીને 'હા' માં માથું હલાવ્યે જતો હતો. "આજથી ઝમકુને અહીં મૂકી જઈએ છીયે પણ જો તારો હાથ એના ઉપર ઉપડ્યો છે તો એ હાથ હું કાપી નાખીશ" ભીખુભા એમના ખાટલામાં બેઠા બેઠા ગુસ્સામાં બોલતા હતા. પણ હમીરભાના ઈશારા ઉપર તે બંધ થઈ ગયા. "વિઠલ, હું એવું નથી કે'તો કે ઝમકુની ક્યારેય કંઈ ભૂલ નહિ થાય, માણસ માત્ર ભૂલને પાત્ર, કદાચ ભૂલ થઈ જાય તોય એ ઝગડો ઘરની ચાર દીવાલ વચ્ચે જ રહેવો જોઈએ. એથી આગળ ના વધવો જોઈએ." હમીરભા વિઠલનો ડર કાઢવા માટે સમજાવી રહ્યા હતા. ઝમકુ તો આ બધું થોડી છેટી ઊભી રહીને સાંભળતી હતી. વિઠલે પણ સમય જોઈને માફી માંગી લીધી.

"બેટા ઝમકી ! હવે તકલીફ પડે તો મને સમાચાર મોકલાવી દેજે, હું આવી જઈશ" હમીરભાએ ખાટલામાંથી ઊભા થતા કહ્યું. "તો બેટા હવે અમેં નીકળીએ છીએ" ઝમકુના માથા પર હાથ ફેરવીને થોડા રૂપિયા ઝમકુના હાથમાં આપી સેજકપર જવાની તૈયારી બતાવી. "પણ ભા ! અત્યારે નિકળશો. હું તો હજુ તમારા વ્યાળુંની તૈયારી કરું છું. થોડીવાર બેસો ત્યાં હું બનાવી નાખું. કે પછી અમારા ઘરનું નહિ ખાવ." ઝમકુ એકદમ દયામણી ભાષા બોલવા લાગી, એની આંખો જાણે એને કંઈક ખોટું લાગ્યું હોય એવી થઈ ગઈ હતી. "અરે બેટા !" આટલું બોલતા તો હમીરભાએ એને છાતીએ ચાંપી લીધી. "એવું નથી પણ અમારાથી દીકરીના ઘરનું પાણી પણ ના પીવાય. અને આમ પણ હજુ હમણે આઠના ટકોરા પડ્યા છે. એટલે સવાર પડતા તો અમે પહોંચી જશું. અને વચ્ચે ક્યાંક વ્યાળું કરી લેશું. તું ચિંતા ના કરીશ." હમીરભા ઝમકુને સમજાવવા લાગ્યા. "બેટા ! અમને કોક ગાંડા ગણે, કોઈ વાતો કરે અમારી." ભીખુભા પણ ઊભા થઈને આવ્યા અને ઝમકુને સમજાવી. "તો બેટા અમે જઈએ છીએ, તારી જાતને સાચવજે." હમીરભા થોડા ગળગળા થઈને બોલ્યા. આ વાત સાથે જ બન્ને નીકળી ગયા. ભીખુભાએ થોડા પૈસા ખીસ્સામાંથી કાઢીને આપ્યા પછી એ પણ હમીરભા પાછળ રવાના થયા. ઝમકુ પાછળ પાછળ મુખ્ય દરવાજા સુધી વળાવા ગઈ. "ભા આવજો ! કોક દી' ભુલા પડો તો આ ગરીબ છોડીના ઘરે આવજો" ઝમકુનું ગળું સાવ ભરાય ગયું હતું. હમીરભા અને ભીખુભા માંડ ઉપડતા પગે બગી અને ઘોડા પર સવાર થઈને નીકળી ગયા. ઝમકુના કસબાના બધા લોકો આ બન્નેને જોતા રહ્યા. અને ઝમકુ પણ આંસુ સાથે હાથ ઊંચો કરી ઊભી હતી.

ઝમકુએ પોતાના ઘરનું બારણું બંધ કર્યું. પણ પરીક્ષા તો હવે શરૂ થતી હતી. દસ દિવસ પહેલા પતિનો માર ખાઈ ગયેલી છોકરી આજે એ જ પતિ સાથે એકલી ઘરે હતી.

ક્રમશ: ..........

લેખક : અરવિંદ ગોહિલ