Gujarati Film - Sharto Lagu in Gujarati Film Reviews by Dr Tarun Banker books and stories PDF | શરતો લાગુ: મરાઠી ચલચિત્રનું ગુજરાતીમાં રૂપાયન કે નકલ..!

Featured Books
Categories
Share

શરતો લાગુ: મરાઠી ચલચિત્રનું ગુજરાતીમાં રૂપાયન કે નકલ..!

ગુજરાતી ચલચિત્રોનો સુવર્ણકાળ ચાલી રહ્યો હોવાની હવા ચાલી રહી છે. પણ, સત્ય કંઇક જુદું જ છે. એકલ-દોકલ ફિલ્મ ચાલી જવાથી કંઈ વળવાનું નથી. 2020નું વર્ષ સમાપન તરફ આગળ વધી રહ્યું છે, ત્યારે વર્ષમાં કટલી ફિલ્મો બની તેનો હિસાબ કરવાં કરતાં કેટલી ફિલ્મો ચાલી તે જાણવું વધુ આવશ્યક છે. આપણે ત્યા સાહિત્ય આધારિત ફિલ્મો નહિવત બને છે..! હા, અન્ય ભાષાની ફિલ્મને ગુજરાતીમા ઉતારવાનુ ચલણ પણ ચાલુ થયુ છે. જો કે બહુમતી ફિલ્મો “વધુ કંઈ ઉકાળી શકી નથી..!”

લોકપ્રિય નાટક ‘૧૦૨ નોટઆઉટ’ ઉપરથી અમિતાભ બચ્ચન અને ઋષિ કપૂરને ચમકાવતી એ જ નામની ફિલ્મ બની. જેને લોકોએ વખાણી ખરી પણ ૧૦૦ કરોડી ક્લબ સુધી પહોંચી નથી. સુજાતા મહેતા અને લતેશ શાહનું બહુ-લોકપ્રિય નાટક ‘ચિત્કાર’ પણ એ જ નામથી ગુજરાતી ચલચિત્રમાં રૂપાંતરિત કરાયું. જો કે નાટક જેવી ભાસેલી આ ફિલ્મ અપેક્ષા સામે ઉપેક્ષા જેવી સાબિત થયી છે. હા, ધ્રુવ ભટ્ટની પ્રચલિત નવલકથા ‘રેવા’ ઉપરથી તે જ નામની ગુજરાતી ફિલ્મ બની. જે વાહવાહી સાથે બોક્ષ ઓફિસ ઉપર પણ સફળ થયી હોવાની માહિતી સાંપડી રહી છે. જે એકમાત્ર ‘આશાનું કિરણ’ સાબિત થયી છે.

તો બીજી તરફ મરાઠી ભાષાની થોડીક ફિલ્મો આધારે ગુજરાતી ફિલ્મોનું સર્જન પણ કરાયું. જે અન્વયે વિષ્ણુ વામન શિરવાડકરના નાટક ‘નટસમ્રાટ’ આધારે એ જ નામની મરાઠી ફિલ્મો બની. જેમાં ડૉ. શ્રીરામ લાગુ અને નાના પાટેકરે મુખ્ય ભૂમિકા ભજવી. ૨૦૧૬માં મરાઠીમાં બનેલ નટસમ્રાટ (નાના પાટેકર અને મેઘા માંજરેકરની મુખ્ય ભૂમિકા) દિગ્દર્શક: સંજય માંજરેકર ઉપરથી ૨૦૧૮માં ગુજરાતી ફિલ્મ નટસમ્રાટ બની. જેમાં સિદ્દાર્થ રાંદેરિયા અને દીપિકા ચીખલીયાએ મુખ્ય ભૂમિકા ભજવી હતી. જમ્મુ સુગંધ જેવા હિન્દી ફિલ્મોના મોટા નિર્માતા અને જયન્ત ગિલાતારના દિગ્દર્શનમાં બનેલ આ ફિલ્મ ક્યારે આવી ને ક્યારે ગઈ..! ઘણાં બધાંને ખબર નથી પડી. આવી જ રીતે પ્રિયંકા ચોપરા નિર્મિત ને રાજેશ માપુસકર દિગ્દર્શિત મરાઠી ફિલ્મ ‘વેન્ટીલેટર’ ૨૦૧૬માં આવી જેને શ્રેષ્ઠ દિગ્દર્શન, સંકલન અને સાઉન્ડ મિક્ષીંગ માટે રાષ્ટ્રીય પુરસ્કારો મળ્યાં. આ ફિલ્મના આધારે ૨૦૧૮માં ગુજરાતી ફિલ્મ ‘વેન્ટીલેટર’ બની. જેકી શ્રોફ, પ્રતીક ગાંધી, ઉત્કર્ષ મઝુમદાર જેવાં કળાકારો અભિનીત આ ફિલ્મનું દિગ્દર્શન ઉમંગ વ્યાસે કર્યું. આ ફિલ્મ પણ ઝાઝું કાઠું કાઢી શકી નથી.

હવે વાત મરાઠી ફિલ્મ ‘ચિ.વ.ચિ.સૌ.કા.’ આધારે બનેલ ગુજરાતી ફિલ્મ ‘શરતો લાગુ’ની. મરાઠી ફિલ્મ ‘હરિશ્ચન્દ્રચી ફેકટરી’ જેવી અદભુત ફિલ્મ સર્જનાર પરેશ મોકાશીની આ ફિલ્મે સારું ગજું કાઢ્યું હતું. આ ફિલ્મની remake સ્વરૂપે ગુજરાતી ફિલ્મ ‘શરતો લાગુ’ (૨૦૧૮) બની. પ્રાપ્ત માહિતી અનુસાર આ ફિલ્મને બોક્ષ ઓફિસ ઉપર નબળો પ્રતિસાદ મળ્યો છે. તો વળી મૂળકૃતિ મરાઠીની સરખામણીએ સર્જન પણ નબળું ભાસે છે. ગુજરાતી ફિલ્મજગતમાં વર્તમાન સમયે સુપરસ્ટાર ગણાતા મલ્હાર ઠક્કર અભિનિત આ ફિલ્મ અભિનયની દ્રષ્ટિએ પણ નબળી લાગે છે. મરાઠી ફિલ્મમાં આ ભૂમિકા લલિત પ્રભાકરે ભજવી છે. તો internet ઉપરના વિવાદાસ્પદ કાર્યક્રમ ‘bentalk’ના માધ્યમથી ચર્ચામાં રહેલ ને ‘કરસનદાસ...’ સહિત ચારેક ફિલ્મ કરનાર દીક્ષા જોષીએ ગુજરાતી ફિલ્મમાં અને મૃણ્મયી ગોડબોલેએ મરાઠી ફિલ્મમાં અભિનય કર્યો છે. પરેશ મોકાશી અને મધુગંધા કુલકર્ણીએ લખેલ પટકથામાં લગભગ કંઈપણ ફેરફાર કર્યાં વગર ફ્રેમ to ફ્રેમ કોપી કરાઈ હોય તેવી ગુજરાતી ફિલ્મ બનાવવામાં આવી છે..! મૂળ સત્વ લઈ તેનું રૂપાયન થાય તે જરૂરી છે, બાકી અહી તો નકલ કરાઈ હોય તેમ લાગે છે..! ને નકલમાં પણ અક્કલ હોય તેવી ઉક્તિનો છેદ પણ ઉડાવાયો છે. નીરજ જોશીના દિગ્દર્શનમાં બનેલ આ ફિલ્મ અંગે વિકિપીડિયા ઉપરથી પ્રાપ્ત માહિતી અનુસાર પટકથા કોણે લખી છે તેનો ઉલ્લેખ કરાયો નથી.

પૌરાણિક પત્રો સત્યવાન અને સાવિત્રીનો metaphorical ઉપયોગ અહી કરાયો છે. સંપૂર્ણ શાકાહારી (vegan) સાવી રીક્ષામાં બેસતાં પહેલાં પણ પૂછે: “ભૈયા શાકાહારી કે માંસાહારી..?” વેટનરી ડોક્ટર સાવી અને ભારત દેશ જેના માટે અતિ-આદરણીય છે તેવો ઈજનેર સત્યવાનની આ કથા છે. સત્યવાન પાણી બચાવવા, સ્વચ્છતા રાખવા અને સોલારઉર્જા માટે કાર્યરત છે. arrange marriage પ્રથા અનુસાર બંને પરિવાર તેમનો મેળાપ કરાવે. સાવી બે મહિના સાથે રહ્યાં પછી નિર્ણય કરવાની શરત મુકે. સત્યવાન તે સ્વીકારી લે. પણ બંને પરિવાર awkward boxમાં મુકાયો છે. અનેક ઉતાર ચઢાવના અંતે શું થાય છે..? (ફિલ્મ જોશો તો ખબર પડશે)

મરાઠી ફિલ્મ પાસેથી મળેલ સંપૂર્ણ recipe પછી પણ આ ગુજરાતી ફિલ્મમાં ‘ઉંડીને આંખે વળગે’ એવું મને તો કઈ જ નથી લાગ્યું. વળી આ બે ફિલ્મોની સરખામણી કરીએ તો મરાઠી ફિલ્મ વધુ સારી લાગે છે. આપણે આગળ કહ્યું જ છે કે ગુજરાતીમાં મરાઠીમાંથી ફ્રેમ to ફ્રેમ કોપી કરાઈ છે, એટલે ગુજરાતી ફિલ્મ બનાવતી વખતે પટકથા લખવાનો તો પ્રશ્ન જ ઉભો નથી થયો..! તો વળી ગુજરાતી ફિલ્મકારે ભાષા, પ્રાદેશિકતા (local) અને પરિવેશ અન્વયે સૂચક ફેરફાર કરવાની પણ તસ્દી નથી લેવાઈ..! પરિણામે સારી વિષયવસ્તુ અને સક્ષમ કળાકારો હોવાં છતાંય ફિલ્મ અનેક સ્તરે નબળી ભાસે છે. પાર્થ ભારત ઠક્કરના સંગીતમાં મઢાયેલું ગીત ‘મનનો મેળો..’ સુમધુર અને કર્ણપ્રિય લાગે છે. ફિલ્મની એક હાઈલાઈટ પણ બન્યું છે. અભિનયમાં ગોપી દેસાઈ અને દીક્ષા જોષી બાજી મારી ગયા છે. પ્રશાંત બારોટ, અલ્પના બુચ, છાયા વોરા અને હેમાન જહાએ routine character ભજવ્યું છે. મલ્હાર ઠક્કર as usual લાગે છે. તેના અનેક પત્રો જેવો ને હવે ધીમે-ધીમે એકધારો (monotonous) બનતો જતો હોય તેમ લાગી રહ્યું છે. સાવીના ભાઈ-બહેન અને મેરેજ રજીસ્ટાર થોડુક ધ્યાન ખેંચે છે.

અંતે...: સાહિત્ય આધારિત સિનેમા અન્વ્યે આપણા ફિલ્મમેકરો પાસે અનેક વિકલ્પ હોવા છતાય re-makeના નામે ચાલુ થયેલ નવો ફિલ્મી પ્રવાહ રૂપાયનના સ્થાને નકલ બનતો જતો હોય તેમ ભાસી રહ્યું છે, જે બેઠાં થવા મથી રહેલ ગુજરાતી ફિલ્મજગત માટે આશાનું નહી નિરાશાનું કિરણ ન બને તેની સક્ષમ કાળજી ને તકેદારી રાખવી જ રહી.

ડો. તરુણ બેંકર. (M) 9228208619
youtube.com/deargujarati facebook.com/deargujarati