માતૃભાષાની દશા,દિશા અને સંભાવના
जननी जन्मभूमिश्च स्वर्गादपि गरीयसी ।
વ્યક્તિના જીવનમાં સૌથી મહત્વની છે સંસ્કૃતિ.જેમ ખોરાક ની ઓળખ તેમાં રહેલા સ્વાદથી થાય છે તેવી જ રીતે એક વ્યક્તિની ઓળખ છે સંસ્કૃતિ.
મને ઘણીવાર અચરજ થાય છે કે બાળક જન્મે ત્યારે પછી ધીમે ધીમે તેની બુદ્ધિ વિકસિત થાય તેના માં વાચા આવે અને એ વાતને શબ્દો સમજાવે તેના માતા-પિતા વડીલો વગેરે જોતજોતામાં બાળક બે ત્રણ વર્ષનું થાય અને તે વાતો કરે નાની-મોટી દરેક ઘટનાનું અવલોકન કરે અને પ્રશ્નો પણ પૂછે છે.પરંતુ ક્યારેય જોયું છે ખરું કે આપણે વ્યાકરણ કાળ અલંકાર વગેરે ક્રમસર શીખવ્યું છે તેમને? ના,કારણ કે પોતાની આસપાસ બનતી ઘટનાઓ સાંભળી આપણે શીખી જઈએ છીએ જે આપણી માતૃભાષા કહેવાય છે જેને આપણે અભિવ્યક્ત કરીએ છીએ.
માં શીખવે તે ભાષા, મારી પોતાની આગવી ઓળખ. પરંતુ આજે જ્યાં જુઓ ત્યાં અંગ્રેજી શીખવાની તો હોડ લાગી છે.અરે! કોણ જાણે આજ કાલ માતા-પિતા બાળક જન્મે ત્યારથી જ સ્માર્ટફોન નામની કહેવાથી ઊંચી કોટિનું રમકડું હાથમાં પકડાવી દે છે. બાળકને બે વર્ષ પણ ન થયા હોય ત્યારથી પર્યાવરણ,ફળ-ફૂલ, પ્રાણીઓના નામ સહિત દરેક જ્ઞાન અંગ્રેજીમાં અપાય છે. એ લોકો શરમ અનુભવે છે માતૃભાષા શીખવવામાં અને ડરે છે કે કદાચ તમારું બાળક અંગ્રેજી નહીં શીખી શકે તો તેનું ભવિષ્ય બગડી જશે.બાળક સંસ્કૃતિથી અજાણ અને મોર્ડનાલીટી થી રંગાયેલો બની જાય છે.
આજથી ૬૦ થી ૭૦ વર્ષ પહેલાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકર વિનોબા ભાવે જ્યોતિબા ફુલે જેવા સ્વાતંત્ર સેનાનીઓને દેશના દરેક લોકોને શિક્ષણ મળી રહે અને કોઈ રક્ષણ ન રહી જાય એ માટે ઝુંબેશ ઉઠાવી હતી.પરંતુ આજે એ જ શિક્ષણ ની દશા કપરી બની રહી છે. કારણ કે વિવિધતામાં એકતા ધરાવતા અને ૨૪ ભાષાઓનો અનુકૂળ સાહિત્ય ધરાવનાર દેશ માં અંગ્રેજીનું મહત્વ વધી રહ્યું છે લોકો સમજે છે કે માતૃભાષા માટે માત્ર બોલવા ખાતર અને સમજવા ખાતર છે.અંગ્રેજીથી વિકાસ શક્ય છે પણ આપણે ભૂલી જઈએ છીએ કે જે સમજે સમજાવે અને જીવનના પાઠ ભણાવે એ જ ઉત્તમ ભાષા. જે છે આપણી માતૃભાષા.
જેવી રીતે હીરો પોતાની ચમક જાળવી રાખે છે તેમ આપણને વારસામાં મળેલી ભાષા આપણી સંસ્કૃતિને ટકાવી રાખવી એ આપણી ફરજ છે.આજે જ્યારે ગુજરાતી શાળાઓ જોઉં છું તો જાણવા મળે છે કે ત્યાં માત્ર ચાલતા રહેલા ધોરણોને પૂર્ણ કરવો ટ્રસ્ટીઓ અને સંચાલકોનો એકમાત્ર વિકલ્પ છે.એક હાલમાં થયેલા સર્વે મુજબ શાળાઓ મહાવિદ્યાલય અને છાત્રાલય પાસે ગુજરાતી,મરાઠી,હિન્દી ભાષાઓ અને ભાષા શિક્ષકો હોવા છતાં તેમની પાસે પૂરતી સંખ્યામાં બાળકો નથી.૧૦ થી ૧૫ ટકા વિદ્યાર્થીઓ જેમાંથી ૧૦ ટકા વાલીઓને અંગ્રેજી માધ્યમની ફી પોષાતી ન હોવાથી તેઓ પોતાના બાળકોને ગુજરાતી માધ્યમમાં ભણાવવા મજબૂર છે, અને દુઃખની વાત એ છે કે માત્ર ૫ ટકા વાલીઓને માતૃભાષા પ્રત્યેના પ્રેમના કારણે તેઓની ઈચ્છા હોય છે કે માધ્યમિક શિક્ષણ સુધી અમારું બાળક માતૃભાષામાં શિક્ષણ મેળવે અને સંસ્કૃતિથી વાકેફ થાય.
એક જ સ્વપ્ન મારુ નિર્ભર બંને ભારત અમારુ !
૨૦૨૦ માં આવી પડેલી આટલી ગંભીર સમસ્યાઓ એ ખરેખર આપણને વિચારતા કરી દીધા છે. આ પરથી તારણ કાઢી શકાય કે, કોષો દૂર ભલેને વિહરતા રહો પણ આશરો સુખનો સદાયે જનેતાના ખોળામાં !
આ મહામારી થી બચવા માટે લોકોએ પસંદ કર્યું પોતાનું વતન. આપણે જ્યાં સુધી આપણી મૂળભૂત ભાષા ને અવગણતા રહીશું ત્યાં સુધી આપણને તેનું મૂલ્ય નહીં સમજાય. આપણા રોજિંદા વ્યવહારમાં વિજ્ઞાન,ટેકનોલોજી,ઇજનેરી, કમ્પ્યુટર વગેરે વિષયોમાં અંગ્રેજી જોઈએ એટલે તેનો અનાદર થઈ શકે નહીં.પરંતુ આપણે આપણું શિક્ષણ માતૃભાષા દ્વારા જ આપીએ અને અંગ્રેજીને એક વિષય તરીકે આપીએ તો આજે વિપત્તિ વાળી દશામાંથી માતૃભાષાને એક નવી દિશા મળી શકે છે. આપણા સાહિત્ય લેખો,પત્રોથી લઈને સંગીત તેમજ મનોરંજનના વિભાગોમાં ગુજરાતીને પુરતું પ્રોત્સાહન આપી આપણે આપણી માતૃભાષા નું પતન થતું અટકાવી શકીએ છીએ.કહેવાય છે કે,
અધૂરું જ્ઞાન હોવા કરતાં જ્ઞાન સારું
માત્ર નવી દિશા આપવા થી આપણું કાર્ય પૂરું નથી થતું.તે માટે અવિરત પ્રયત્ન જરૂરી છે.આપણી અભિવ્યક્તિનું માધ્યમ માતૃભાષા દ્વારા સફળ નીવડી શકે તેમ છે.
ભણતા પંડિત નીપજે,લખતા લહિયો થાય;
ચારચાર ગામ ચાલતા,લાંબો પંથ કપાય
આપણા ગુજરાતી સાહિત્યમાં ઝવેરચંદ મેઘાણી, દયારામ,પ્રેમાનંદ,નર્મદ,દુલાભાયા કાગ,બોટાદકર,કનૈયાલાલ મુનશી,જ્યોતીન્દ્ર દવે,અશોક દવે,વિનય દવે,વિનોદ ભટ્ટ તેમજ આજના જય વસાવડા હોય કે પછી કાજલ ઓઝા વૈદ્ય,ડોક્ટર શરદ ઠાકર જેવા મહાન લેખક અને કવિઓનો આપણી માતૃભાષા અને સાહિત્ય જગતને ઝળહળતો રાખવા નો મહત્વનો ફાળો છે.
સાથે સાથે સિનેમા જગતમાં અર્બન ફિલ્મો નો બહોળો પ્રતિસાદ સાબિત કરે છે કે સમય સાથે થોડા પરિવર્તન જરૂરી છે અને માતૃભાષા પરના પ્રેમને કેમ ભૂલી શકાય.વર્તમાન સમયની સ્થિતિ જોતાં અનુભવી શકીએ છીએ કે આપણી માતૃભાષા નો ખોવાયેલું સન્માન અને જાળવણી ફરી લાવી કદાચ અઘરી હોઈ શકે પરંતુ અશક્ય નથી!
માતૃભાષા નું મૂલ્ય વધારવા રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ સરકાર દ્વારા પણ ઘણા કાર્યો થઇ રહ્યા છે.આપણે એ માટે જાગૃત થવું જોઈએ.જ્યાં સુધી અંતિમ માણસ સુધી નહીં પહોંચે ત્યાં સુધી સરકાર અને સંસ્થાઓ દ્વારા થઈ રહેલી મહેનતનું કોઇ પરિણામ નહીં મળી શકે.તેથી જ અમુક કાયદા પણ લાભદાયી નીવડી શકે છે જેવા કે,ઓછામાં ઓછું માધ્યમિક શિક્ષણ સુધી ફરજિયાત માતૃભાષામાં જ અભ્યાસક્રમ,અંગ્રેજી એક વિષય તરીકે અને વાલીઓ શિક્ષકો દ્વારા બહોળા પ્રમાણમાં સાહિત્ય અને ભાષા પર પ્રભુત્વ મેળવવા પ્રોત્સાહન પુરૂં પાડવું વગેરે.માતૃભાષાની દિન નિમિત્તે એક દ્રઢ સંકલ્પ લઈએ કે,
ના ભૂલું માતાને ના માતૃભૂમિને, ફરકાવીશુ વિશ્વ જગે તિરંગો લઈ સંગે માતૃભાષાને !
આ કપરી દશાને એક નવી દિશા આપીએ અને માતૃભાષા પ્રત્યે જાગૃતતા અને મહત્વ માં વધારાની સંભાવના સો ટકા સફળ થશે જરૂર થશે.
અંતમાં એટલું જ કહીશ
હા તકલીફો બેફામ રહે બસ એ જ કાયમ માંગું છું,
લડવાની કિન્તુ હામ રહે બસ એ જ કાયમ માંગું છું,
યુદ્ધમાં પ્રવૃત્ત રહુ અર્જુન બની હું,
પણ પ્રેમમાં કેવળ શ્યામ અને હૃદય ના સ્વરમાં મારી સંસ્કૃતિ રહે બસ એ જ તો કાય માંગુ છું !
| અસ્તુ |
વિશ્વ ગુજરાતી ભાષા દિવસ નિમિત્તે મીઠી મધુરી શુભેચ્છાઓ !!
ઘણા પ્રયત્ન બાદ આજે એક નાનકાતરીકે મારા શબ્દો રજૂ કરું છું.જોડણીની ભૂલ હોય અથવા તો ક્યાંક કચાશ રહી ગઈ હોય તો માફ કરજો. તમારા પ્રતિભાવ નીચે જણાવેલ પ્લેટફોર્મ પર મોકલી શકો છો.
Instagram : urmi_wording
Email : chauhanurmi2@gmail.com