સંઘર્ષ ની ભઠ્ઠી ભાગ- ૬
એવું વિચારી પવને પોતાના મનમાં એક મક્કમ નિર્ણય કર્યો કે, હવે તો ગમે તેવા સંજોગ પૈદા થાય તો પણ હવે ગમે તેમ કરીને સોનીને ફરીથી એના પિતા દશરથને સોંપવી. એ સવાર પડે એની રાહ જોઈ રહ્યો હતો. એ આખી રાત પડખા ફરતો રહ્યો અને મનોમન વિચારતો રહ્યો કે સવાર પડે કે તરતજ સોનીનો કબ્જો દશરથને સોંપાય જાય એટલે નિરાંત થાય . પરંતુ વિધિ, વિધાન , અને વિધાતા પાસે માનવીનું કઈ પણ ચાલતું નથી. સવાર થયું અને કૂકડો બોલ્યો. પવન જે ઘડી ની રાહ જોઈ રહ્યો હતો એ ઘડી આવી ગઈ હતી. એ સવાર માં ઉઠતાવેંત જ સોની જ્યાં રાતે રડતી રડતી સુઈ ગઈ હતી ત્યાં ગયો તો સોની નજરમાં આવી નહીં આથી એણે બાજુના બીજા રુમમાં જોયું તો ત્યાં પણ એ નજર આવી નહીં. ધીમે ધીમે તેને આખું ઘર ફેંદી કાઢ્યું પણ એ ક્યાંય સોની જોવા મળી નહીં. ઘરના બધા જ સભ્યો તેને અહીં તહીં તથા આડોશ પાડોશમાં શોધવા લાગ્યા પણ બધું જ બેકાર. સોનીનો ક્યાંય પણ અત્તો પત્તો ન મળવાથી પવન તો સાવ બેબાકળો થઇ ગયો. તે પોતાની જાતને ધિક્કારવા લાગ્યો. ઘરના અન્ય સભ્યો જેમાં એની પત્ની અને બંને દીકરીઓ વર્ષા અને હર્ષા તો મનોમન ખુબજ ખુશ થતા હતા કે હાશ બલા ગઈ અહીંથી. પણ એક જવાબદાર વ્યક્તિ તરીકે મનોમન પવન તો પોતાની જાતને દોષિત જ માનતો હતો. તેના શરીરમાંથી પરસેવો છૂટવા લાગ્યો હતો. તે ચિંતાના કાળા વાદળો વચ્ચે ઘેરાઈ ચુક્યો હતો. સાવ હેબતાઈને તેણે પોતાની જાતને અનેક વિચારોના વમળમાં ઢાળી દીધી હતી. તેના મનમાં પ્રશ્નો પછી પ્રશ્નો નું તોફાન ચકરાવે ચડ્યું કે, હું મારા મિત્ર દશરથને શું જવાબ આપીશ...?? સોની ક્યાં હશે...?? તે કેવી હાલતમાં હશે...?? દશરથ મારા પ્રત્યે કેવો ભાવ દાખવશે.....?? આવા અનેક સવાલોથી તેનું અંતર ધણધણી ઉઠયું. પરિસ્થતિએ બિચારા પવનને એવો સપાટામાં લીધો કે, તેને શું કરવું અને શું ન કરવું તેની કઈ સમજ પડતી ન હતી.
બીજી તરફ શહેર ની મધ્યમાંથી પસાર થતી સાંકડી નદીના પુલ પર સોનીના ટૂંકા ટૂંકા ડગલાં આગળ ધપતા જતા હતા. આંખોમાં આંસુ અને હૈયામાં વેદના ભરીને માણસ જયારે જિંદગીથી ત્રાસી જાય, જયારે માણસ જિંદગીથી હારી જાય, જયારે માણસ જિંદગીથી કંટાળી જાય ત્યારે જે વિચારો ચાલતા હોય એવા વિચારોનો સમન્વય સાધીને સોની આગળ આગળ ચાલતી જ જતી હતી. સવારના લગભગ દશ થી સાડાદશ વાગ્યાનો સમય થયો હશે. દાદા પણ પોતાનો પ્રભાવ બતાવીને ગરમીમાં વધારો કરી રહ્યા હતા. સાંકડી નદીના પુલની મધ્યમાં પહોચતાની સાથે જ સોનીના પગ અચાનકજ થંભી ગયા. એ ભૂતકાળની પોતા સાથે ઘટેલી આપવીતી ને યાદ કરીને ઈશ્વરે આપેલા અમૂલ્ય જીવનને ઘૃણામાં ખપાવવા લાગી. જન્મ દેવાવાળી માતાની ખોટ, પારકી માતાનો અસહ્ય ત્રાસ, કુંડાળાંદાવ રમવાની ઉંમરમાં ઘરનો ત્યાગ, પારકા ઘરમાં નોકરાણી જેવું વર્તન, શારીરિક ત્રાસ, વારંવાર પીવડાવવામાં આવતા અપમાનના ઘૂંટડા પછી નાનો એવો જીવ કેટલું સહન કરે....??
સોનીએ ચોતરફ નજર નાખી તો શહેરીજનો પૈસા કમાવવાની હોડમાં ભાગમભાગી કરવામાં વ્યસ્ત હતા. કોઈ પાસે પોતાનું વાહન હતું તો કોઈ સરકારી સેવાઓમાં મુસાફરી કરી રહ્યા હતા. ઉલજાયેલા સૌ પોતપોતાના કામને સુલઝાવવા માટે આંધળી દોટ લગાવી રહ્યા હતા. તેના લઘરવઘર કપડાં અને તેના વિખરાયેલા વાળ તથા ચહેરા પર મૃત્યુ ને ભેટવાનો સ્પષ્ટ ઈરાદો પણ કોઈ શહેરીજનની નજરમાં આવતો ન હતો. તેના ચહેરાનું લાવણ્ય હર કોઈને હરીલે તેવું હતું પરંતુ તેની ભિખારણ જેવી દશા જોઈને કોઈને તેના પ્રત્યે સહાનુભૂતિ નો અદમ્ય વિચાર આવતો ન હતો. એ નાનો એવો જીવ બિચારો ઘણા કોડ લઈને આવ્યો હશે પણ શું ખબર કદાચ પ્રારબ્ધનું પરચુરણ પણ ચૂકતે કરવાનું હોય...!! તે જયારે અણસમજુ હતી ત્યારથી જ એના નસીબમાં દુઃખના ચોકઠાં ગોઠવાઈ ચુક્યા હતા. બાળપણથી યુવાનીમાં કેમ પહોંચી ગઈ તેની તો દુઃખનો સરવાળો માંડવામાં ખબર જ ન રહી.
બળબળતા તાપમાં તેણીએ આકાશ માં એક નજર નાખીને ઉપરવાળાને યાદ કરતી હતી કે પછી ફરિયાદ કરતી હતી એ રહસ્ય તો સોનીના મનમાં જ ધરબાયેલું એક કડવું સત્ય હતું. તેણી મોતને ભેટવા માટે હવે મનથી મક્કમ અને સજ્જ થઇ ચુકી હતી. એ સાંકડી નદીના પુલ પર તેણીએ પોતાનું શરીર ચડાવ્યું અને એ જ્યાં હજુ તો ભૂસકો મારવાની પૂર્ણ તૈયારી કરી રહી હતી ત્યાં તો પાછળથી કોઈ વિદ્વાન અને ચાલીસી વટાવી ચુકી હોય એવી એક સ્ત્રીએ સોનીનો હાથ પકડી પાડ્યો. શરૂઆતમાં તો સોની કેમેય કરીને એ સ્ત્રીનો હાથ બળથી છોડાવવા માંગતી હતી પરંતુ એ સ્ત્રી પણ ખુબજ જોરુકી હોવાથી સોનીનો હાથ એવો ક્ચક્ચાવી રાખ્યો કે તેણી પોતાનો હાથ છોડાવવામાં અસમર્થ રહી. સોની તો બરાડા પાડતી રહી કે , મહેરબાની કરી મને છોડી દો પણ સાંભળે કોણ....?? છેવટે સોની પોતાના ઈશ્વર દરબાર પ્રયાણમાં નિષ્ફળ રહી. તે રડવા લાગી, તે ગીડગીડાવા લાગી અને છેવટે તેણે પોતાની જાત તે અજાણી સ્ત્રીને સોંપી તેને વળગીને ધ્રુસકે ધ્રુસકે રડતા રડતા તેનો નિઃસાસાભર્યો એકજ સ્વર હતો કે મને અભાગણી ને બચાવી શું કામ.....!! ચાલીસી વટાવી ચૂકેલી એ સ્ત્રી એક શિક્ષિકા હતી. તે મનોમન સોનીની વેદના ઓળખી ચુકી હતી. તેણીએ સહાનુભૂતિ આપતા પોતાનો હાથ સોનીના માથા પર મુક્યો અને કહેવા લાગી કે, દીકરી હવે તું ચિંતા બીકકુલ ના કરીશ. ઉપરવાળો બહુજ દયાળુ છે. એની અપાર કૃપા બધાના માથે હોય છે. તે દિવસે એ શિક્ષિકા નિર્મળાબહેન સોનીના જીવનમાં ખરેખર એક તારણહાર બનીને આવ્યા અને સોનીની ફેંદાઈ ગયેલી જિંદગી પોતે વેચાતી લઇ લીધી.
નિર્મળાબહેન એક સરકારી શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતા હતા. તે પોતે એકલાજ હતા. તેમના પરિવાર માં કોઈ અન્ય વ્યક્તિની હાજરી ન હતી. સોનીની જેમ એ પણ ઘણો સંઘર્ષ કરી ચુક્યા હતા. તે પોતે અવિવાહિત હતા. માતાપિતા તો નિર્મળાબહેનની યુવા વયમાં જ સ્વર્ગે સિધાવી ચુક્યા હતા. તેણી ને શરુઆતથીજ પુરુષો પ્રત્યે ચીડ અને નારાજગી હોવાથી તેને લગ્ન ન કરીને આજીવન એકલા રહેવાનો મક્કમ નિર્ણય કર્યો હતો. નિર્મળાબહેને પણ જીવનમાં પોતે યુવા વયથી એકલાજ હોવાથી તે ઘણા તડકા છાંયા જોઈ ચુક્યા હતા. પરપુરુષોની મેલી નજરથી બચીને અને સમાજ ના ઘણાં મેણાં-ટોણા સાંભળીને તે કડવા જીવનથી ઘડાઈ ચુક્યા હતા. વારસામાં પિતાનું નાનકડું એવું મકાન હતું. એમા નિર્મળાબહેન પોતે નોકરી કરીને આરામથી પોતાનું જીવન પસાર કરતા હતા.
નિર્મળાબહેન સોનીને પોતાની સાથે પોતાના ઘરે લાવ્યા. સોનીના જીવનમાં હવે એક નવો જ અને અજાણ્યો અધ્યાય શરુ થવા જઈ રહ્યો હતો. હવે કદાચ એના સુખના દિવસો આવવાના હોય તેમ તેના જીવનમાં સુખની પ્રભાત કંઈક નવી આશાઓ લઈને આવી રહી હતી. સોનીના આવવાથી નિર્મળાબહેનના જીવનમાં પણ એક નવી સંધ્યા ખીલી ઉઠી હતી. તે અવિવાહિત હતા છતાં પણ સોનીના આગમનથી એનામાં સોની પ્રત્યેનું એક અનેરું માતૃત્વ દીપી ઉઠયું હતું. તે તો સોની ને એક સગી માતાની માફક સ્નેહના સાગરમાં ભીંજવવા માંડ્યા હતા. તે સોની ને પોતાના હાથથી ખવડાવે, સોનીના વાળ ઓળાવી આપે, તેના માટે નવા-નવા કપડાં તથા બીજી પણ ઘણી બધી એવી જરૂરિયાતની ચીજવસ્તુઓ લાવતા રહેતા હતા. નિર્મળાબહેનનો હસમુખો સ્વભાવ હવે વધારે ને વધારે સોનીની માફક પરિપક્વ થતો જતો હતો. તે પોતાના ઘરને ખુબજ સજાવીને રાખતા પરંતુ તેમાં કોઈપણ જાતના રંગો ન હતા. કુદરતે રચેલા આ સંબંધોના જાળમાં તે બરાબરના ફસાઈ ચુક્યા હતા તેથી સોનીના આવ્યા પછીથી નિર્મળાબહેનના ઘરના બેજાન રંગો ફરીથી ખીલીને પોતાની સુગંધ પાથરી રહ્યા હતા. નિર્મળાબહેન અને સોનીની વચ્ચે ભાલે લોહીની સગાઈ ન હતી પરંતુ તે બંનેની વચ્ચે સ્નેહની એવી સગાઈ થઇ ગઈ હતી કે લોહીની સગાઈને પણ ભૂલવાળી દે...!! એકબીજાને કોળિયા આપી આપીને માં દીકરી એવા સ્નેહથી જમતા હોય કે ગમે તેને ઈર્ષા આવી જાય.
સંબંધોની સાંકળ એવી મજબૂત થઇ ચુકી હતી કે તે જેવાતેવા લોઢાથી કપાઈ તેવી ન હતી. મૃત્યુની નજીક જતી રહેલી સોનીના જીવનમાં હવે જિંદગીંને જીવવાના અને જીતવાના અભરખા જગ્યા. નિર્મળાબહેન સોનીને પોતાના ઘરે લાવ્યા ને પંદર દિવસનો સમયગાળો વીતી ચુક્યો હતો. ધીમેથી.., હળવેથી..., નિર્મળાબહેને સોનીને પોતાની....
ક્રમશ.....
ભાવેશ લાખાણી