હેલી પોતાના પિતા ને પોતે કાળી હોવાના પુરાવા રૂપ કેટલીક વાતો ,ઘટનાઓ કહે છે .જેસંગભાઈ નું મન આ બધી વાતો થી ડામાડોળ થયુ , હેલી એ આગળ વાત ચલાવી.
‘બાપુ પેલા કાચા ગાર નું ખોરડું હતું તારે મન લાગણી ને ભરોહા થી મઘમઘતું ‘તું અતારે આ પાકા પથરા ના મકાન માં શું દલ (દિલ) પન પથ્થર થય ગ્યું સે શું?
આટ આટલું તમને મેં તમને કીધુ઼ તો પન તમને મારા પર ભરોહો નય થાતો કે આ ..આ ગોરી ચામડી જોઇ ને તમારા થી નય મનાતું બોલો ને બાપુ કંઈક તો બોલો બાપુ’ કહેતી હેલી ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી.
હેલી ની વાત થી આઘાતિત થયેલા જેસંગભાઈ નિઃશબ્દ થઇ ગયા હતા તે જોઇ ને હેલી નિરાશ થઈ ત્યાંથી પાછી વળતી હતી ત્યાં જ ‘તું હાસુ કે સે કે તું મારી કાળી સે? તો તું ચ્યમ ગય તી મને છોડી ને ? તને ઇમ ના થ્યું કે બાપુ એકલો ચ્યમ જીવશે? કુણ હતુ તારા સિવાય કોના સહારે ને કોના માટે હું જીવીશ ? કંઈ વચાર ન આઇવો …. તુ ચ્યમ મારૂ ના માની ચ્યમ તું સીમ ના મારગે એકલી ગય તને ખબર નો’તી કે ઈ બધા મારગે ડાલમથ્થાં ફરતા જ હોય , થય ગય એનો શિકાર ને હવે આવી આટલા વરહ પસી’ જેસંગભાઈ પોતાની મનોવેદના કાળી પાસે ઠાલવી રહ્યા હતા.
હેલી ને લાગ્યું કે તેના પિતા ને સાચી હકીકત જમાવવાનો આ જ સમય છે તેથી બોલી, ‘બાપુ મને કોઈ સાવજે નો’તું લય ગ્યું’.
‘તો?’ હેલી ના વાક્ય થી ચોંકી ઉઠેલા જેસંગભાઈ બોલ્યા
પછી હેલી એ કાળી સાથે બનેલી બધી ઘટનાઓ ટૂંક માં જણાવી કે કેમ પોતે સીમ ના મારગ થી જતી . નાથા સાથે ના છૂપા પ્રેમ થી લઈ ને પરબત સુધી ની બધી જ વાત તેના બાપુ ને જણાવી . તેના એક-એક વાક્ય થી જેસંગભાઈ નું મન આઘાત પામ્યું.
જ્યારે તેને નાથા ના વિશ્વાસઘાત અને પરબતે કરેલા બળાત્કાર તેમજ તે સમયે તેનાં મોં પર દીધેલ ડૂચા થી કાળી નો શ્વાસ રૂંધાઈ ગયો ને તે મરી ગઇ . તેના મોત ને કુદરતી મોત સાબીત કરી પરબત આસાની થી બચી ગયો. એ સમજી જેસંગભાઈ નો ગુસ્સા નો જ્વાળામુખી ફાટી ગયો. તે પરબત ને મારવા લઠ લેવા ઉભા થયા ત્યારે હેલી એ તેમને શાંત કયૉ.
‘બાપુ મને ઈ ‘કો કે નાથો ક્યાં સે? આ પરબત તો ગોમ નો સરપંચ બની બેઠો સે પન મને નાથા ની કોઈ ભાળ મળતી નથ’ હેલી એ પોતાના પિતા ને પુછ્યું.
‘બેટા નાથો તો તું મરી એના પાંચ-છ દા’ડા પસી જ ઇ ની લાશ કૂવા માં પડેલ મળી . પરબત એની બેન હારે પૈણી ગ્યો, એની જમીન ,ઘર બધું પચાવી લીધું. આ ગોમ લોક તો એમ કે સે કે નાથા ના મોત પાછળ પરબત જ છે’. જેસંગભાઈ એ ઘટસ્ફોટ કર્યો.
નાથા સામે પોતાનો બદલો નહીં લઈ શકે એ વિચારે હેલી ને દુઃખ થયું પણ એણે એના કરમ ભોગવ્યા એમ વિચારી હવે આગળ પિતા ની મદદ કેવી રીતે લેવી તે વિચારવા લાગી.
બીજી તરફ અજયભાઈ અને રાખીબહેને ઊઠી ને હેલી ને ન દેખતા ચિંતાતુર થઈ ગયા.આખા રિસોટૅ માં હેલી ક્યાંય ન મળી. તેથી તેમણે રિસેપ્શન પર તપાસ કરી, તો ખબર પડી કે હેલી ને વહેલી સવારે રિસોટૅ ની બહાર ગાઈડ સાથે જતા જોઇ હતી.
અજયભાઈ એ રામભાઈ ને ફોન કર્યો તો તેમણે કહ્યું કે હેલી એ વહેલી સવારે ફોન કરી બોલાવી અને ગામ ની અંદર તે ઉતરી પછી રામભાઈ ને જવા કહ્યું હતું.
અજયભાઈ ની હેલી માટે ની ચિંતા ઓર વધી ગઇ.કેમકે ગત રાતે પરબત જે રીતે હેલી ને નિહાળતો હતો તે તેમને યાદ હતું . તેમણે તરત જ રામભાઈ ને બોલાવ્યા.
ગામ તો પહોંચી ગયા પણ હેલી ની તપાસ ક્યાં કરવી એ ગડમથલ માં હતા. ત્યારે રામભાઈ એ ગામ ના ચોરે બેઠેલા લોકો ને પુછ્યું , તેમણે જે રસ્તે હેલી ને જતા જોઈ હતી એ જેસંગભાઈ ના ઘર તરફ નો હતો . રામભાઈ એ ગાડી એ તરફ લીધી .
ડેલે ગાડી ની ઘરઘરાટી નો અવાજ આવતા હેલી અને જેસંગભાઈ બંને ચોંક્યા.
(ક્રમશઃ)