rang samgam - 4 in Gujarati Fiction Stories by Rupal Vasavada books and stories PDF | રંગ સંગમ - 4

Featured Books
Categories
Share

રંગ સંગમ - 4

રંગ સંગમ (ભાગ-૪)

પ્લેન રનવે ઉપરથી આકાશમાં પ્રસ્થાન કરી ચૂક્યું હતું. રોમા અને વંદન આંખો મીંચીને બેઠાં હતાં. વંદન ઘેરી ઊંઘમાં સરી પડ્યો. આમ ને આમ પહોંચવાનો સમય થયો પરંતુ વંદન તો હજુ પણ નિંદ્રામાં ગરકાવ હતો. છેવટે રોમાએ તેને ઉઠાડ્યો.” વંદન, લેન્ડિંગ માટેનું એનોઉન્સમેન્ટ થઇ ગયું છે, જાગો !!”

વંદને આંખો ખોલી, વાસ્તવિકતાનું ભાન થયું; આંખો લાલઘૂમ હતી અને ચહેરો સોજેલો. ” કેન્ટ બીલીવ, હું આટલું બધું સુઈ ગયો !”

રોમાએ ફિક્કું સ્મિત આપતાં કહ્યું, ” હા, મારે તો એકલાં કંટાળવાનું જ ભાગ્યમાં લખ્યું હતું.”રોમા પોતાની ગણતરીમાં ફરી એકવાર માર ખાઈ ગઈ, કેમકે કલ્પેલું ‘સાનિધ્ય’ ખયાલોમાં જ રહી ગયું હતું.

” સો સોરી, પણ આઈ પ્રોમિસ આજે મારે લીધે તમને જે બોરડમ મળ્યું, તેને બદલે હું તમને એક દિવસ ડીનર પર લઇ જઈશ.”

“સાચે જ !” રોમાએ ઉમળકામાં નાના બાળકની જેમ તાળી પાડી. વંદન હસી પડ્યો. અકડુ સ્વભાવની, બેદરકાર રોમાને ક્યારેક સમજવી મુશ્કેલ લાગતી અને ક્યારેક એકદમ સરળ પણ.

સહયાત્રીઓ ઊભા થઈને ચાલવા લાગ્યાં. વંદન અને રોમા પણ સામાન લઇ, ટેક્સીમાં ગોઠવાયાં. ગેસ્ટહોઉસ પર પહોંચી બીજા દિવસે સવારે મળવા બંનેએ નક્કી કર્યું.

વંદન શરીરમાં કોઈક જાતની કસર અનુભવી રહ્યો હતો. લંડનની હવાનો સ્પર્શ, તેને વારંવાર યાદ અપાવી રહ્યો હતો કે તેનું પ્રિયપાત્ર પણ એ હવામાં શ્વાસ લઇ રહ્યું છે.

પોતાના બેડરૂમમાં, પલંગ પર બેસીને તે મેગેઝીન્સ ઉથલાવવા માંડ્યો. પરંતુ હેન્ડબેગમાંના પેલા પુસ્તક તરફ જ વારંવાર ધ્યાન જતું હતું. હારીને તેણે હેન્ડબેગ ઊંચકીને પલંગ પર મૂકી. ભૂખ્યો માણસ રોટલા પર તૂટી પડે તેવી જ રીતે તે ઝટ પુસ્તક ખોલી પાનાંઓ ફમ્ફોસવા લાગ્યો. એક કલરફુલ ફોટો પલંગની સફેદ ચાદર પર સરકીને પડ્યો. ” અંતરા…….” વંદનનું હૃદય ફરી જોરજોરથી ધડકવા લાગ્યું, મોં ખુલ્લું રહી ગયું અને હથેળી ઠંડી પડી ગઈ. નજરથી ભરી લેવા માંગતો હોય તેમ તે ફોટાને તાકી રહ્યો.

આમ તો આ ફોટો એ કઈ પહેલી વાર નહોતો નિહાળી રહ્યો. પણ જ્યારથી પાખી સાથે પરણ્યો હતો, ત્યારથી આ ફોટાને છુપાવીને મૂકી રાખ્યો હતો. સાથે જ જાતને વચન આપ્યું હતું કે ક્યારેય એ દિશામાં જવા મનને નબળું નહીં પડવા દે.

ખેર, અંતરાની એક ઝલક જોવા તડફડતા મનને બાજુ પર મૂકી, બીજા દિવસથી વંદન કામે લાગી ગયો. જોતજોતામાં બે અઠવાડિયા વીતી પણ ગયાં. રોમાએ વંદનને પેલા વચન વિશે યાદ અપાવીને કહ્યું, ” આપણે બહુ કામ કર્યું, હવે જતાં પહેલાં તમારે મને ડીનર પર લઇ જવાની છે અને…મારી સાથે શોપિંગ કરવા આવવાનું છે.”

વંદને વધુ આનાકાની વગર બીજે દિવસે સાંજે જ શોપિંગ માટે જવા હા પાડી.

હા, સાચે જ સમય બહુ જલ્દી પસાર થઇ રહ્યો હતો. જતાં પહેલાં એકવાર અંતરાને મળવા વિચાર આવી ગયો. ક્યાં રહેતી હશે, શું કરતી હશે, આવી તક પછી ન પણ મળે. અંતરા તેના સંસારમાં સુખી છે, તે બે ઘડી જોઈ આવવા મન લલચાઈ જ ગયું.

તેણે રાત્રે ગેસ્ટહાઉસ પર પહોંચીને પહેલું કામ હિમ્મતથી ફોટા પાછળનો નંબર લગાડવાનું કર્યું. સામે છેડે રિંગ વાગતી હતી. વંદનનું સમગ્ર અસ્તિત્વ જાણે કાનમાં ધસી આવ્યું હતું. અંતે ફોન ન ઊપડતાં, ફરી ફોન લગાડવો એણે મોકૂફ રાખ્યો. મોડે સુધી ઊંઘ પણ ન આવી, એ આશામાં કે કદાચ અંતરાનો કોલ આવે.

ફરી સવાર પડી, કામમાં ડૂબી જઇ, અંતરાના વિચારોને દૂર રાખવા વંદન પ્રયત્ન કરવા લાગ્યો. સાંજે રોમા સાથે શોપિંગ કરવા ગયો. અલગ અલગ ડ્રેસીસ પહેરીને પોતે કેવી લાગે છે તે બતાવવા, રોમાએ વંદનને ટ્રાયલ રૂમ પાસે ઊભો રાખ્યો.

” રોમા ! કમ ઓન. આ મારું કામ નથી…” વંદને આ કંટાળાજનક જવાબદારી ટાળવા કહ્યું.

” અરે જોશો તો ખ્યાલ આવશે, શું ટ્રેન્ડ છે, કેવા કપડાં મળે છે..ચાલો ઊભા રહી જાઓ. મારા પર કઈ સ્ટાઇલ ફિટ બેસે છે એ જ તો માત્ર કહેવાનું છે તમારે !! ” રોમા ન જ માની. એકાદ બે કપડાંની ટ્રાયલ લેવાઈ હશે ત્યાં વંદનનો મોબાઈલ વાગ્યો. સ્ક્રીન પર હતું: અંતરા કોલિંગ.

વંદનને પરસેવો છૂટી ગયો. શા માટે પોતે ફોન કરવા પહેલ કરી, ઉપાધિ નોતરી. હવે કેમ કરીને વાત કરવી..રાતની ભેગી કરેલી હિમ્મત પળવારમાં પડી ભાંગી.

રોમાએ મોટો સાદ પાડી તેના વિચારોમાં ખલેલ પહોંચાડી, ” કોઈ ફોન કરે છે…જવાબ તો આપો..”

” હા….હમ્મ…જોઉં..” વંદને હડબડીમાં જવાબ આપ્યો. ચહેરા પરના મનોભાવો કળાય ન જાય એ માટે એણે ત્યાથી જરા દૂર ખસીને ફોન ઉપાડ્યો.” હેલો, ”

” હેલો, હેય મે આઈ નો યોર ગુડ નેમ પ્લીઝ ??” સામેથી એક સ્ત્રીઅવાજમાં પૂછાયેલો, વિવેકસભર પ્રશ્ન કાને અથડાયો.

” અંતરા..?!!.”

” યસ યસ..આઈ એમ અંતરા….”

વંદનની જીભ હવે તાળવે ચોંટી ગઈ.

” અંતરા હું વંદન, તને યાદ છે..હું તારી સાથે કોલેજમાં…”

” ઓફ કોર્સ યાદ છે. કેમ છે તું?”

” હું મજામાં. થોડા દિવસ લંડન આવ્યો છું ,થયું કે કોલ કરું.”

” અરે, કોલ શું કામ, તું ઘરે પણ આવ. સોરી, મેં તને ગઈકાલે જવાબ નહોતો આપ્યો. અજાણ્યો નંબર જોયો એટલે બહુ ધ્યાન ન આપ્યું. બાય ધ વે, તું અહીં કેટલા સમય માટે છે ?”

” દસેક દિવસ છે હજુ. ”

અંતરાએ વંદનને કહ્યું કે તે સામા અઠવાડિયે નહીં મળી શકે માટે આવનારા વીકેન્ડમાં જ મળવા આગ્રહ રાખ્યો. રોમાના વચનને ધ્યાનમાં લઈને વંદને આનાકાની કરી પણ તે ફાવ્યો નહીં. આખરે તો અંતરા જ મહત્વની હતી ! વળી ફોન ટૂંકે પતાવવા અંતરાએ એમ પણ જણાવ્યું કે તેનો પતિ હવે તેની સાથે રહેતો નથી. વિગતવાર વાત તે જયારે મળશે ત્યારે કરશે ! આ વાતે વંદનની ઉત્કંઠા વધારી હતી.

વંદનને હજુ વિશ્વાસ નહોતો બેસતો કે અંતરાએ તેને મળવા બોલાવ્યો છે. આ પછી તો વંદનનો મિજાજ બદલાયો. તેણે રોમાના શોપિંગ માટેના બધાં નખરાં ઉત્સાહપૂર્વક ચલાવી લીધાં. રોમાને એ વાતની ખુશી થઇ કે વંદન તેના શોપિંગમાં રસ લઇ રહ્યો છે.

શોપિંગ પૂરું થતાં બંને પાછા ફર્યાં. વંદને પોતાના પ્રોમિસની વાત છેડી.

વંદન:” કાલે ફ્રાયડે છે. ડીનર માટે જઈએ તો ?”

રોમા: ” નોટ પોસિબલ. વિકેન્ડમાં રાખીએ.”

વંદન: ” રોમા એક્ચુઅલી, ભૂલમાં એક ફ્રેન્ડને મળવાનું કહેવાઇ ગયું છે.”

રોમા:” ના ચાલે. મારું વચન પ્રાયોરિટીમાં છે.”

વંદન:” રોમા પ્લીઝ…!”

રોમા” હેય …આ ફ્રેન્ડ કોણ છે? અચાનક વચ્ચેથી કોણે એન્ટ્રી મારી ?? આજે કોલ આવ્યો’તો એ ? ”

પછી ખડખડાટ હસી.” કેમ કોઈ ગલફ્રેન્ડ હતી ?” ભમ્મર નચાવી તેણે વંદનને છંછેડવા કોશિશ કરી.

વંદન અકળાયો. ” ના ”

રોમા:” તો પછી હું કહીશ તે દિવસ જઈશું.. સેટરડે ઓર સન્ડે; ને તમે ના નહીં પાડી શકો.”

રોમાની વાત સાંભળી વંદનને ગુસ્સો તો આવ્યો પણ મામલો બગડતો અટકાવવો જરૂરી સમજ્યું.

શનિવારની સાંજ.

અતિ વિશિષ્ટ સાંજ આવી પહોંચી. વંદન સાથે ડીનર પર જવા રોમા ગાંડીતુર હતી. શોપિંગ કરેલાં કાપડાઓમાંના એક ખાસ ડ્રેસને બહાર કાઢી તૈયાર થવા લાગી કારણ એ ડ્રેસ વંદને પસંદ કરેલો. લાલ ચટ્ટાક ઇવનિંગ ગાઉન પહેરી રોમા મેકઅપ કરવા બેઠી. મોટા ઈયરિંગ્સ, લાલ લિપસ્ટિક અને માદક સ્પ્રેનો છંટકાવ કર્યો. વાળને પણ આકર્ષક રીતે ખભા પર ગોઠવ્યા. વંદનનો પેલો ફ્રેન્ડ કોણ હશે તેમ વિચારતી એ સેન્ડલ પહેરતી હતી ત્યાં ઇન્ટરકોમ પર વંદનનો કોલ આવ્યો. ” રોમા ! આઈ એમ સો સોરી..બટ આઈ કેન્ટ મેઇક ઈટ ટુડે.”

પળવાર માટે સુનકાર છવાઈ ગયો. શું કહેવું તે રોમાને સમજાયું નહિ, મુશ્કેલીથી મળેલું રતન ધૂળમાં પડી, રગદોળાઈને ખોવાઈ જાય એવી મૂંઝવણે તેને જકડી લીધી.

“વાય વંદન ? !! મારા પ્રોમિસનું શું ? પેલા ફ્રેન્ડને મળવા જઇ રહ્યા છો કે શું!! ” રોમા ગુસ્સે થઇ હતી.

“હમમમ…હા…સો સોરી રોમા..એ …શી વૉન્ટ બી હીઅર નેક્સ્ટ વિક..પ્લીઝ..હું તમને કાલે લઇ જઈશ.”

રોમા ઘવાઈને બોલી..” શી????!!! તો એ ગર્લફ્રેન્ડ છે એમ કહોને ! કાલે બાલે નહીં અને નેક્સ્ટ વિક આપણું પણ લાસ્ટ વિક છે મિસ્ટર વંદન… બધું કામકાજ સમેટવાનું છે. …કઈ નહીં…મને ક્યાંય લઇ જવાની જરૂર નથી…યુ મે કેરી ઓન..” તેણે પછાડીને ફોન મૂક્યો. વંદનને રોમાનું વચન તોડવા બદલ ખૂબ દુઃખ લાગ્યું. તે રોમાને ઓળખતો હતો..જાણતો હતો કે એ જીદ્દ મુકશે નહીં .

પણ અંતરાને મળવાનું તે કેમ કરીને રદ્દ કરે? કેટલાય વિચારોમાં અટવાતો વંદન કોરિડોરમાંથી સડસડાટ સીડી ઉતરી નીચે દોડ્યો.

વંદન અધીરો બન્યો હતો. આશરે પાંચ વર્ષ પહેલાં જોયેલી અંતરાનો ચહેરો નજર સામે તરવરતો હતો. શા કારણસર અંતરા એકલી પડી ? પતિએ શા માટે તેને તરછોડી હશે ?

વંદનની કાર પૂરપાટ વેગે રસ્તો કાપવા લાગી હતી.

આ તરફ રોમાએ કપડાં બદલાવી, ગુસ્સાથી લાલ ગાઉન ખૂણામાં ફેંક્યું. સેન્ડલ બારણાં ઉપર પછાડ્યાં. પર્સનો પણ ઘા કર્યો. હેરસ્ટાઇલ વીખી નાખી રૂમમાં આમતેમ આંટા મારવા લાગી..રોમાનો મનસૂબો દર વખતે નિષ્ફળ જતો હતો. કાચની મોટી બારીમાંથી વંદન…હા..એ જ વંદન , બેબાકળો બની ટેક્સી પકડતો નજરે ચડ્યો હતો. ખબર નહિ એ વિશિષ્ટપાત્ર કોણ હતું એની જિંદગીમાં ? પાખી સિવાય પણ વંદનના હૃદયમાં કોઈ અડ્ડો જમાવીને બેઠું હતું તે નક્કી !

અત્યાર સુધી રોકી રાખેલા આંસુ, રોમાની આંખમાંથી અનરાધાર વરસવાં લાગ્યાં. ઓશિકામાં માથું દબાવી રોમા જોરજોરથી રડવા લાગી.

તૂટેલા સપનાંઓની દશા પણ મહદંશે તૂટેલા કાંચ જેવી હોય છે ને ! જોડ્યા જોડાય નહીં અને તેના ટુકડાઓ ઉપાડવા જતાં હાથને ચીરી નાખતી, તીવ્ર વેદના આપે. કુદરતે આ કેવો યોગ રચ્યો હતો કે જેમાં રોમા અને વંદન બંને પોતપોતાના પ્રેમ તરફ ખેંચાતાં જતાં હતાં ..પણ બંનેના કિસ્સામાં એમનું પ્રિયપાત્ર આ બાબતથી અજાણ હતું.

Some say it’s painful to wait for someone. Some say it’s painful to forget someone.

But the worst pain comes when you don’t know whether to wait or forget.

(to be continued....)
Rupal Vasavada