The colour of my love - 14 in Gujarati Love Stories by પ્રિયાંશી સથવારા આરિયા books and stories PDF | મારા ઇશ્કનો રંગ - પ્રકરણ 14

Featured Books
Categories
Share

મારા ઇશ્કનો રંગ - પ્રકરણ 14

નીતિન વિશે જાણવા ઇચ્છતી રિધિમાંને મગનભાઈ ફક્ત એટલું જ કહી શક્યા, "બેટા એ તને હાલ નહિ મળે, એ જ્યારે ઓફિસ આવે ત્યારે જ મળશે" બસ આટલી વાત કરી ને રિધિમાં ત્યાંથી ઓફિસ જવા નીકળી ગઈ. એને ઓફિસ જતા પણ આ બધા જ વિચાર આવતા હતા, "કેમ અંકલ એને પુરી વાત ન જણાવી શક્યા?"

ઓફિસ પહોંચતા એને મોડું થયું તો ત્યાં બીજું પ્રશ્નાર્થ ચિન્હ એની રાહ જોઈ જ રહ્યું હતું, સપના... રિધિમાં પહોંચી અને એની પર સપનાના જાતજાતના પ્રશ્નોનો મારો શરૂ થયો. "તું ગઈ કે ના ગઈ? શુ થયું? શુ વાત કરી? સર તો મળ્યા ને? તું ગઈ તો હતી ને? નહિ જ ગઈ હોય, એમ પણ તને પોતાની મુસીબત બીજા પર જ મુકવાની ટેવ છે, જાતે કયારેય લડતી જ નથી. મૂર્ખ. તું ને સર ને ભૂલી જ જા!"
"અરે યાર બસ કર, આવી ને પાણી તો પીવા દે. બસ તું શરૂ જ થઈ જા. અને એમ પણ તું મારી મિત્ર નથી. કોમ્પિટિટર જ છે હવે" રિધિમાં હવે સાચે જ ગુસ્સે થતા પાણીની બોટલ હાથમાં લઈ બોલી.
"અરે યાર એવું ના કહે." સપના આજીજી કરવા લાગી.
"તો શું કહું? સરને મારાથી દુર કરી એમની સાથે રહેવાના સપના જોવાવાળી તું સપના જ ને!" પાણીનો ઘૂંટ લઈ બોટલ બાજુમાં મૂકી રિધિમાંએ કટાક્ષ કર્યો.
"અરે ના ના એવું કંઈ નથી, હું તો ખાલી એક બળ પૂરું પાડતી હતી તને, જેથી તું સરને કઈક તો કહે. બાકી હું સર વિશે વિચારું! એવું મારુ ભાગ્ય ક્યાં?"
"અચ્છા જરા કહે તો કયું બળ?" રિધિમાંએ એની સામે નજર કરી સવાલનો જવાબ મેળવવા.
"ગુરુત્વાકર્ષણ બળ" સપના હસતા હસતા બોલી ગઈ.
"વાહ ભાઈ વાહ, મતલબ વિજ્ઞાનના નિયમો બધા તું અહીં પર્સનલ પ્રોબ્લેમમાં પણ લાગુ કર. કઈ જવાબ ન મળ્યો એટલે કઈ પણ બોલી જવાનું નહિ!"
"અરે ના ઓલુ તને ગુરુત્વાકર્ષણનો નિયમ નથી ખબર! કઈક આઘાત અને પ્રત્યાઘાતવાળું બસ એ જ" સપના પોતાની આંખોની કિકી ડાબીબાજુ ઉપર કરીને વિચારતી હોય એમ દેખાડો કરતા બોલી.
"ગાંડી એ ગુરુત્વાકર્ષણનો નહિ પણ ન્યુટનની ગતિનો ત્રીજો નિયમ છે. આઘાત અને પ્રત્યાઘાતનું મૂલ્ય સરખું અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય છે એમ નિયમ છે. અને એનું મારી લાઈફમાં શુ લેવાદેવા?" પોતાના બંને હાથ સપનાના ખભા પર મૂકી એને હચમચાવતા રિધિમાં બોલી.
"હા હા મિસ. હોશિયાર. તમે હોશિયાર અને અમે ઠોઠ બસ ખુશ. એમપણ મેં તને આવું કીધું એટલે જ તું સરના ઘરે ગઈ નહિતર 3 દિવસ સુધી મીરાંબાઈ બનીને ઓફિસમાં બેઠી હોત. તારા રામની રાહમાં" ખભેથી હાથ દૂર કરતા સપના કહેવા લાગી.
"તું ને ફક્ત ગોસીપમાં જ ધ્યાન આપ. બીજું કંઈ ન કર પહેલા વિજ્ઞાનની પથારી ફેરવી એટલેથી સંતોષ ન મળ્યો તો આધ્યાત્મિક કહાનીઓ પણ બદલી નાખી. યાર, મીરાંબાઈ રામની નહિ પણ કૃષ્ણની રાહ જોતા હતા."
"હા તો શું થયું! રામ કે કૃષ્ણ બધા સરખા જ હતા ને. તું મને જ્ઞાન આપવાને બદલે તારા નીતિન પર ધ્યાન આપ. મને કંઈ જ નહીં કહે તો ચાલશે પણ પોતાની સાથે જુઠ્ઠું ન બોલ"
"ઓકે મારી મા.... હવે હું જઉં મારા ડેસ્ક પર" બે હાથ જોડી રિધિમાં આજ્ઞા માંગતી હોય એવા સ્વરે પૂછ્યું.
"તકલીયા"
"અરે યાર..... છોડ હું જ ગાંડી છું આને સમજાવા ન બેસાય. અધ્યાત્મ પરથી ઉર્દુ પર જતી રહી. છોડ નથી પડવું આ બધામાં! હવે કામ કરવા દે" આવા વિચારો કરતી રિધિમાં પોતાના ડેસ્ક પર પહોંચી ગઈ.

આખો દિવસ કામમાં જતો રહ્યો ખ્યાલ જ ન રહ્યો એ બેગ બદલવાને કારણે ટિફિન લેવુ જ ભૂલી ગઈ. નીતિન અને મગનકાકાના વિચારોને કારણે એને ભૂખ પણ ન લાગી. સાંજે છેક 6 વાગ્યે પેટમાં બળતરા થવા લાગી ત્યારે તેને પોતાની ભૂખનો અંદાજ જ આવ્યો. અને એ કોમ્પલેક્ષમાં જ આવેલ દુકાન જ્યાં એ અને સપના નાસ્તો કરતા હતા ત્યાં પહોંચી ગઈ. ચા અને વડાપાઉંનો ઓર્ડર આપી એ બેઠી જ હતી કે સપના આવી. હવે એ આવીને ઘણું-બધું પૂછશે, એમ વિચારી રિધિમાંએ એની તરફ જોવા ટાળ્યું.
"શુ મેડમ, એટિટ્યૂડ હં?" એના ટેબલ પર હાથ પછાડી બોલવા લાગી. "તું મને ન બોલાવ પણ હું તો બોલીશ. મારી કિતટ્ટા કરવી છે કેમ?"
"તને નથી લાગતું તું આજે કઈક અલગ મૂડમાં જ છે?"
"મતલબ" ખુરશી ખેંચી એની પર બેસતા એ બોલી.
"મતલબ સવારે બધી સ્કૂલમાં જે ભણતા એની વાતો અને અત્યારે આ કિતટ્ટા અને બુચ્ચાં. બકા કઈ તકલીફ છે તને." રિધિમાંએ એની તરફ સહાનુભૂતિ દર્શાવી.
"જા ને યાર. આ તો બસ આજે આમ જ મન થઇ આવ્યું કે આ રીતે વાત કરું. એમપણ તારી સાથે મસ્તી નહિ કરું તો કોની સાથે કરીશ? તું જ તો મારી બેસ્ટી છે."
"અચ્છા હું એકલી, આટલી બધી ઓફિસની છોકરીઓ તો ફ્રેન્ડસ છે તારી, તો હું એકલી કેમ?" રિધિમાંએ આંખો પહોળી કરી પૂછ્યું.
"બકા એવું છે ને.. ,"
"હા કેવું છે?.. " એ ટેબલ તરફ આવતા બોલી.
"તું બોલવા દઈશ."
"હા હા મેં ક્યાં રોકી છે?"
"એવું છે ને એ ખાલી ચુગલખોરો જ છે. હું એમની ફરિયાદ ન કરું એટલે જ મારી સાથે સારી રીતે વાત કરે છે. જ્યારે તું એવી નથી. તું બસ મારી સાચી દોસ્ત છે એટલે. યુ આર માય બેસ્ટી..."
"ઓકે, પણ હું તને આજે શુ થયું એ નહિ કઉં. કેમકે એ મારી અને એમની વચ્ચેની વાત છે." રિધિમાં જોડે વડાપાઉં મુકાઈ ગયો એટલે એ હાથમાં લેતા બોલી.
"આહો એમની....." આંખોથી સપના ઈશારો કરવા લાગી ને રિધિમાં શરમાઈ ગઈ.
"બસ હવે હેરાન ન કર" વડાપાઉં અને ત્યારબાદ આવેલી ચા રિધિમાં પીવા લાગી. પણ સપના નાસ્તો પહેલા જ કરી ચુકી હોઈ ફક્ત ચા પી જતી રહી.

કામ પૂરું કરી રિધિમાં ઘરે ગઇ, તો ત્યાં પણ બધા એની જ રાહ જોતા હતા. "ટિફિન લઈ જવાનું ભૂલી ગઈ તું!" એના આવતા જ મમ્મીએ ચાલુ કરી દીધું.
"અરે યાર શાંતિ રાખ. આવવા તો દે. આજનો દિવસ જ એવો છે સવાલોથી ભરેલો" બેગ મૂકી રિધિમાં સીધી રસોડામાં જતી રહી પાણી પીવા.
પાછળ મમ્મી પણ આવી અને રિધિમાંને ઠપકો આપવા લાગી, "તું આવું કરીશ તો કેમનું ચાલશે, અને એમાં તને કોન્ટેકટ પણ કેમનો કરવો? ટિફિન યાદ કરાવવા..."
"હવે મમ્મી એમાં હું તો શું કરી શકું? તું કહેતી હોય તો હું તને મારા કોલેજ અને ઓફિસ ફ્રેન્ડ્સનો નંબર આપું. ચાલશે!" પાણીનો ગ્લાસ મૂકી મમ્મીને સાંત્વના આપવા લાગી.
"એવું કરવાની જરૂર નથી." એની મમ્મીએ એની વાત નકારતા રસોડામાં પ્લેટફોર્મ નજીક ગઈ. અને પૂજાની ડિશ રિધિમાંના હાથમાં આપી દીધી.
પૂજાની થાળી હાથમાં પકડતા, "અત્યારે શેની પૂજા?"
"તું બહાર તો ચલ" એક હાથમાં થાળી પકડેલી રિધિમાંનો બીજો હાથ પકડી એની મમ્મી બહાર લઈ આવી.
"કોંગ્રેચ્યુલેશન" મમ્મી, પપ્પા અને નાનો ભાઈ એકસાથે બુમ પાડી રિધિમાંને કહેવા લાગ્યા.
"અરે પણ શું?" રિધિમાંના હોશ ઉડી ગયા.
"આની માટે" બધાએ એકસાથે બુમ પાડી રિધિમાંની હાથમાં એક બોક્સ આપ્યું. રિધિમાંએ એ બોક્સ હાથમાં લીધું. એ બોક્સ નોકિયા 6230 ફોનનું હતું એ. એની આંખો મોટી થઈ ગઈ એકદમ, "વુઊંઊંઊંઊંઊંઉ.... મારો પહેલો ફોન....... " એણે બોક્સ હાથમાં લીધા બાદ એટલી જોરથી બુમ પાડી કે આજુબાજુ બધાને જ કદાચ સંભળાયું હશે.
"થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ..... સો મચ મમ્મી... પપ્પા... ભાઈ..." એ આતુરતાથી બોક્સ ખોલવા લાગી. બોક્સ ખોલ્યું તો અંદર ફોન નહતો.
"ઓકે તારું થેન્ક યુ અમે લઇ લીધું અને તારો ફોન પણ" ફોન ખિસ્સામાંથી કાઢી એનો ભાઇ બોલ્યો.
"જાને ફોન મારો જ છે નઈ પપ્પા!" રિધિમાંએ ફોન ઝુંટવી લીધો અને જોવા લાગી.
"હા તારો જ છે. પણ પહેલા પૂજા તો કરી લે. પછી કાલે સવારે સારું મુહૂર્ત છે. અને તને ફોન પણ કાલે જ મળશે જો પૂજા કાલે થશે તો.." એના પપ્પા બોલ્યા.
"ઓકે" પૂજા કરી અને એને મમ્મી-પપ્પા પર થેન્ક યુનો વરસાદ કરી દીધો. અને મમ્મીને પૂછી પણ લીધું આમ અચાનક આ ફોન લેવાનું કારણ.
"અરે તને મોડું થાય કે આવી કઈ તકલીફ હોય તો અમે તને કઈ રીતે કોન્ટેકટ કરીએ, ઉપરથી એ દિવસે વરસાદમાં તને ઘરે આવતા જે તકલીફ થઈ એટલે ક્યારના અમે તારા માટે ફોનનું વિચારતા જ હતા." મમ્મીએ રિધિમાંને શાંત રાખતા કહ્યું.
"હા પણ એના પૈસા" રિધિમાંને પૈસાની વાત યાદ આવી અને એ બોલી.
"એની ચિંતા તું ન કર. કેમકે એ હું અને તારા પપ્પા જોઈ લેશું." રસોડા બાજુ જતા, "ચાલ હવે ખાઈ લે. આખા દિવસની ભૂખ નથી લાગી તને."
"અરે પણ મમ્મી મને કહે તો ખરા" રિધિમાં પણ મમ્મીની પાછળ ગઈ.
"ના કીધું ને, બેટા અમે તારા માં-બાપ છીએ. થોડી જવાબદારી અમારી પર પણ મુક, કોલેજ જવાનું ચાલુ કર્યું અને આ જોબ ચાલુ કરી ત્યારની તું તો અમને તારી પરેશાનીઓ જણાવતી નથી. પણ અમે તને જન્મ આપ્યો છે એટલું તો તને જાણીએ ને."
"ઓકે મારી મમ્મી નહિ પૂછું બસ. આમ ઇમોશનલ ના થઈશ" અને આ સંવાદ સાથે એમનો સમય વીત્યો.

રાત્રે સૂતા રિધિમાંને નીતિનને કોલ કરવા વિચાર આવ્યો. બીજે દિવસે કોલેજમાં બ્રેક ટાઈમમાં કોલ કરવા પણ વિચાર્યું. એનો નંબર તો વગર ક્યાંય નોંધાયે રિધિમાંને યાદ જ હતો. અને પોતાના નવા ફોનથી એણે નીતિનને કોલ કર્યો. એનો ફોન સ્વીચ ઓફ આવતો હતો. ઓફિસ ગઈ. નીતિનની રજાનો આ ત્રીજો દિવસ હતો. એ કાલે આવશે જ ને, એમ વિચારી ફરી કોલ ન કર્યો. નવા ફોનની સપના સામે વાહવાહી લૂંટી અને મસ્તી સાથે દિવસ પસાર કર્યો. પછીના દિવસે રવિવાર હતો. રજા હતી. એટલે નીતિનને મળી ન શકી. સોમવારે ઓફિસ ગઈ તો આજે પણ નીતિન આવ્યો નહતો અને ફોન સ્વીચઓફ. મંગળવારે છેક નીતિન આવ્યો અને બસ એનું વર્તન રૂટિન જેવું જ હતું, કોઈ બદલાવ નહિ. રિધિમાંને વાત કરવી હતી પણ નીતિનને નહિ. એટલે રિધિમાંએ ઘણીવાર એની સાથે વાત કરવા પ્રયત્ન કર્યો, પણ બધા પ્રયત્નો નિષ્ફળ.

છેવટે કંટાળી એક દિવસ જ્યારે નીતિન છૂટતી વખતે બાઇક પાર્કિગમાંથી લેવા ગયો ત્યારે...
નીતિન જેવો બાઇક પર બેસી કિક મારી બાઇક ચાલુ કર્યું કે લાગ જોઈને ઉભી રહેલી રિધિમાં એની બાઇક પાછળ આવી બેસી ગઈ. અને તરત નીતિનને ખબર પડતાં એને ગેર પાડેલ બાઈક પાછું ન્યુટ્રલ કરી પાછળ જોયું.
"રિધિમાં આ શું બાળપણ છે? કોઈ જોઈ જશે તો તકલીફ થશે ઉતરો..."
"ના સર, આજે નહીં, હું ક્યારની તમારી સાથે વાત કરવા પ્રયત્ન કરું છું, પણ તમે સાંભળતા જ નથી! એટલે બસ આજે તો તમે વાત નહિ કરો તો ન તો હું જઈશ ના તો તમને જવા દઈશ."
"હું તમારો બોસ છું અને તમારી આ હરકત માટે.. "
"તમે મને નીકાળી પણ શકો છો. કઈ વાંધો નહિ. તો પણ હું તમારી બાઇક પર બેસી રહીશ. જોબ ચાલુ હોય કે ન હોય તો પણ તમારી સાથે વાત કરીને રહીશ" એણે નીતિનના ખભા પર હાથ મૂકી દીધો.
વોચમેનને નજીક આવતો જોઈ, "રિધિમાં જો વોચમેન કે બીજું કોઈ આપણને જોઈ જશે તો મારી ઈજ્જત પણ જતી રહેશે. પ્લીઝ નીચે ઉતરો."
"હા ખ્યાલ છે મને. તમે ખાલી તમારી ઈજ્જત વિશે જ વિચારો છો. તો બસ તમારી ઈજ્જત બચાવવા પણ! અહીંથી બાઇક જવા દો" રિધિમાંએ કચવાતા મન સાથે કહ્યું.
બાઇક પર હાથ પછાડી નીતિને ફરી બાઇક પ્રથમ ગેરમાં નાખી બાઇક જવા દીધી. નીતિનને ચાર રસ્તે પણ બાઇક ઉભું રાખવું ઠીક ન લાગતા, એને રિધિમાંના ઘર તરફ બાઇક વાળી. રિધિમાંને આ સમજાતા એણે નીતિનને બાઈક ઉભી રાખવા કહ્યું. બાઈક ન ઉભી રાખતા ચાલુ બાઈક પરથી કુદવાની ધમકી પણ આપી. છેવટે એક જગ્યાએ નીતિને બાઈક ઉભી રાખી. અને રિધિમાં ઉતરી ગઈ.
"શુ છે તમે પહેલા બાઈક પર બેસી જાઓ છો અને ઉતરવા જીદ કરો છો. કેમ નાના બાળકની જેમ કરો છો? કઈ તકલીફ છે? જ્યારે મેં કહી દીધું છે કે હું એક લગ્ન કરેલ પુરુષ છું તો તમે કેમ મારા પાછળ ફરો છો?" નીતિન જેટલા ગુસ્સા સાથે બાઈક પરથી ઉતર્યો હતો, એટલી જ તીવ્રતાથી એણે રિધિમાંનો હાથ પકડ્યો.
"સર મારો હાથ છોડો. હું તો માત્ર તમારી સાથે વાત કરવા ઇચ્છતી હતી" રિધિમાંના આંખોમાંથી અશ્રુધારા વહેવા લાગી.
"ના કેમ હવે તમે હાથ છોડવા કેમ કહો છો? ક્યારનો તમને દૂર કરું છું તો તમે નજીક આવો છો. શુ પ્રોબ્લેમ છે? શું મે તમને ના પાડી તો તમને અભિમાન થયું કે તમને કોઈ ના કઈ રીતે પાડી શકે હમમ. કે પછી માત્ર હેરાન કરવા કે બધા સામે મને ખરાબ ચારિત્રનો પુરવાર કરવા ઇચ્છો છો?" આ સમયે નીતિનનો અવાજ જેટલો ઊંચો થઈ રહ્યો હતો એટલી જ એની હાથની ભીંસ વધી રહી હતી. રિધિમાંની તકલીફ હાલ પૂરતી તો એને દેખાઈ રહી નહતી. આજુબાજુ વાહન લઈને જનાર માણસો ઓછા હતા પણ જે હતા એ પળવાર માટે રોકાઈને જઈ રહ્યા હતા. પણ નીતિન હાલ ગુસ્સામાં ગાંડો થઈ ગયો હતો.
"સર પ્લીઝ મારો હાથ છોડો" રિધિમાં બીજા હાથથી નીતિનનો હાથ છોડાવવા પ્રયત્ન કરી રહી હતી પણ નીતિનની સામે એનું કઈ જ ચાલી રહ્યું નહતું. એટલે એણે વિચાર્યું કે હવે એકમાત્ર રસ્તો છે કે નીતિનને એની અને મગનકાકા વચ્ચે થયેલી વાત જણાવે.
"જુઓ રિધિમાં હવે બહુ થયું તમારું. હું હવે તમને એક મિનિટ માટે પણ સહન નહિ કરું" એનો ગુસ્સો સાતમા આસમાને હતો અને આ ગુસ્સાની સજા હાલ રિધિમાંના હાથને મળી રહી હતી. નીતિને રિધિમાંનું કાંડુ પકડ્યું હતું. અને સામે કરાહતી રિધિમાં એને નજર ન આવી રહી હતી. અને એક જ પળમાં એણે રિધિમાંનો હાથ જાટકીને છોડી દીધો. અને પોતાનો હાથ બાઈકની પેટ્રોલ ટેન્ક પર મારવા લાગ્યો. રિધિમાં પોતાનો હાથ સંભાળી રહી હતી. એને ખ્યાલ આવી ગયો કે એનો હાથ મચકોડાઈ ગયો છે. પણ ગુસ્સે થયેલ નીતિનને એવું કંઈ હાલ કહી શકાય એમ નહતું. શાંત થઈ નીતિન "ચાલો હું તમને ઘરે મૂકી જઉં."
"સર તમે મને ઘરે નહિ મુકો તો ચાલશે પણ તમે મને તમારાથી દૂર કેમ કરવા માંગો છો? ખાલી એટલું જણાવી દો." ડુસકા ભરતા અને હાથને પંપાળતા રિધિમાં બોલી.
એના ડુસકા નીતિનને એક તકલીફ પહોંચાડી રહ્યા હતા. એ પોતાનાથી વધુ નફરત કરવા લાગ્યો. એની આંખોમાં જે તકલીફ હતી એ કદાચ જ રિધિમાં સમજી શકે એવું હતું.
"મારા લગ્ન થઇ ગયા છે કીધું તો હતું મે તમને. અને મને તમારી સાથે કોઈ લગાવ નથી કે તમને મારાથી દુર કરું." નીતિન બાઈકની સામે જ ઉભો બોલતો હતો, આ બધું એને રિધિમાંની આંખોમાં જોઈ બોલવાની હિંમત નહતી.
"મારી સામે જોઇને બોલો સર....." રિધિમાંએ નીતિનને એક બાજુ ખભેથી પકડી પોતાની તરફ ફેરવ્યો. અને એ સાથે જ રિધિમાંનો જમણો હાથ વધુ મચકોડાઈ ગયો. એને યાદ આવ્યું કે આ તકલીફમાં એણે નીતિનને જે હાથથી ફેરવ્યો હતો એ એનો મચકોડ થયેલ હાથ જ હતો.
રિધિમાં પોતાના હાથને સાંભળ્યો પણ સાથે જ નીતિનની આંખોમાં પોતાની આંખો પરોવી અને બોલવા લાગી, "જો એવું જ હોય કે તમને મારી સાથે લગાવ નથી તો મારી આટલી ચિંતા કેમ કરો છો? અત્યારે આ પળે જે તકલીફ મને થઈ રહી છે, મારી આંખોમાં આંસુ આવે એ બરાબર છે, પણ તમારી આંખો કેમ ભીની થઈ ગઈ? તમને મારા સાથે લગાવ નથી તો જ્યારે જ્યારે મને તકલીફ થાય ત્યારે ત્યારે એનો અહેસાસ તમને કેમ થાય છે? અને સૌથી છેલ્લી વાત જો તમને મારી સાથે લગાવ નથી તો તમે મને દૂર કરવા આવું જુઠ્ઠાણું કેમ બોલ્યા?" એની આંખોમાંથી હાલ તો અશ્રુધારાની જગ્યાએ સવાલોની ધારા હતી.
નીતિન કદાચ એમા ખોવાઈ જ જાત પણ પોતાને સંભાળતા એ એક બાજુ ફરી ગયો અને બોલ્યો, " હું કઈ જ ખોટું નથી બોલ્યો. તમે શેની વાત કરો છો?"
"હું તમારી મૃત પત્ની સંગીતા અંગેના જુઠ્ઠ અંગેની વાત કરું છું હું તમારા પપ્પાને શુક્રવારે મળી ચુકી છું." નીતિને હવે રિધિમાં સામે જોયું.
"તમે મારા પપ્પાને......." શુ બોલવું અને કઈ ક્રિયા કરવી કે ગુસ્સો શાંત થાય એ સમજવા એ વધુ પરેશાન થઈ રહ્યો હતો. રિધિમાંને થપ્પડ મારી દેત કદાચ પણ એને જોઈને હાથ જ ઉપડતો નહતો. એટલે નીતિન પોતાના જ વાળ ખેંચી રહ્યો હતો.
"સર પ્લીઝ આવું ન કરશો. સર પ્લીઝ.. તમને ગુસ્સો આવતો હોય તો મને મારી લો પણ આમ પોતાને તકલીફ ન પહોંચાડશો" રિધિમાં રડતા - રડતા જ પોતાના હાથ જોડી નીચે રોડ પર જ બેસી ગઈ.
એને જોઈ નીતિન એની નજીક આવ્યો અને શાંતિથી બોલ્યો, "આ તમે નથી, તમે ક્યારેય આવું ન કરી શકો. એક ઘરડા માણસને પોતાની વાતમાં ફસાવી એની સાથે પોતાનું કામ નીકાળવાનું! તમે આવું ન જ કરી શકો. કોણ તમને ભડકાવે છે કહો? હું જે રિધિમાંને ઓળખું છું એ કોઈના પણ જીવનમાં આમ ચંચુંપાત ન કરે. તમે કોની મદદ લીધી? સાચું કહેજો."
રિધિમાંએ નીતિનની સામે જોયું, એને જાણે ખ્યાલ આવ્યો કે એણે બહુ જ ખોટું કઈક કરી લીધું છે. પણ નીતિન વિશે જાણવા માટે એના ઘરે જવું જરૂરી હતું. તો પછી એમા ખોટું શું છે? અને આ જ વાત એણે નીતિનને કહી. "સર હું તમને વારંવાર પૂછતી રહી પણ તમે મને કંઈ જ કહેતા નહતા. એટલે જ્યારે તમે રજા પાડી. ત્યારે હું ફક્ત તમારા ઘરે તમને મળવા આવી હતી. મારો ઈરાદો તમારા પપ્પાને આમ કોઈ આશા આપવાનો કે કોઈ ગેરમાર્ગે દોરવાની મારી કોઈ ઈચ્છા નહતી. પણ જો તેમ છતાં તમને ખરાબ લાગ્યું હોય તો હું માફી માંગુ છું પણ પ્લીઝ તમે મને એટલું તો કહી જ શકો કે તમે મને તમારાથી કેમ દૂર કરી રહ્યા છો?" રિધિમાં આંસુ લૂછતાં જ બોલ્યે જતી હતી.
નીતિન એની જોડેથી હવે ઉભો થઇ ગયો. "તમે કઈ જ સમજતા નથી, અત્યારે તમારી અને મારી કોઈ જ વાતચીત કોઈ અંત નહિ મેળવી શકે. મારો ગુસ્સો અને તમારા આંસુ તમારું કોઈપણ પગલું સમજી કે સમજાઈ શકે એ હાલતમાં નથી. તો તમે ઘરે જાઓ અને હું પણ" એણે રિધિમાંને ત્યાંથી ઉભી કરી એને રીક્ષા રોકાવી એન બેસવા કહી દીધું. અને એ પોતાની બાઈક પર નીકળી ગયો. રિધિમાં રિક્ષામાં બેસી કે નહીં? એ જોવાની તસ્દી એણે ન લીધી. પ્રિય માણસ જ્યારે અણગમતું કાર્ય કરે ત્યારે આવો ગુસ્સો નીકળી જ જાય છે. રિધિમાંને ખ્યાલ હતો કે નીતિન એની કેટલી સંભાળ લે છે, ક્યારેય રિધિમાંને સલામતી પુરી પડ્યા વગર ન જાય અને આજે જે રીતે રિક્ષામાં બેસાડ્યા વગર જતો રહ્યો, એનો મતલબ સ્પષ્ટ હતો, નીતિન ખૂબ ગુસ્સે છે અને કદાચ નફરત પણ કરવા લાગશે. એવું પણ થઈ શકે કે ક્યારેય હવે રિધિમાંનું મો જોવાનું પણ પસંદ ન કરે. 5 દિવસ માટે નીતિનનો વિરહ ન સહન કરનાર રિધિમાંને કદાચ જીવનભર આ વિરહ સહન કરવો પડે... એ વિચાર આવતા જ એ થથરી ગઈ. રિક્ષામાં બેસી પણ મન હજી રોડ પરની એ જગ્યાએ જ હતું જ્યા આ બધી ચર્ચા થઈ.

પ્રેમમાં પાગલ થયેલી રાધા શુ જાણે?
ભક્તિમાં આંધળી થયેલી મીરાને શુ ખબર?
પ્રેમના ઉદાહરણ આપવા તો
તેમના નામ શોખથી લોકો વાપરે છે,
પણ એ પ્રેમમાં ઘેલા થયા પછી
એની રાહ જોયાનો આનંદ,
અને ના આવ્યાનું દુઃખ
કેટલા લોકો જાણે છે........
આંસુભરેલી આંખોથી ઘરે જવું રિધિમાં માટે સામાન્ય થઈ ગયું હતું. પણ આજે જે એણે ભૂલ કરી કદાચ આખા જીવન દરમિયાન એ આંસુઓના નિશાન એની આંખોમાં રહે......

(નીતિન અને રિધિમાં વચ્ચેના સંવાદે જે સ્વરૂપ ધારણ કર્યું છે એણે રિધિમાંને આર યા પારની લડાઈમાં મૂકી દીધી છે. હાલ પૂરતી તો રિધિમાં એ સ્થિતિમાં છે જ્યાં એને કદાચ નીતિનનો સાથ મળે અથવા ક્યારેય એને જોઈ પણ ન શકે. વધુ શકયતા તો એ જ છે કે નીતિન હવે રિધિમાંને ઓફિસ અને પોતાનું જીવન બંનેમાંથી કાઢી મુકશે. આપને શુ લાગે છે? શું થશે? એ જાણવા માટે આગળના ભાગની રાહ જોવી પડશે. પણ ચિંતા ન કરો આ રાહ લાંબા ગાળાની નહિ હોય....)