Prem diwano in Gujarati Fiction Stories by Jeet Gajjar books and stories PDF | પ્રેમ દીવાનો

Featured Books
Categories
Share

પ્રેમ દીવાનો

પ્રેમ દીવાનો

સુરજની પહેલી કિરણ તે ગામ પર પડી જે ગામમાં રામ કરી એક યુવાન રહેતો હતો. તે ગામમાં પક્ષીઓનો કલરવ થઈ રહ્યો હતો. કુકડાઓનો અવાજ થમવાનું નામ જ લેતાં ન હતા. જાણે કે હજુ કોઈ ગામના સૂઈ રહ્યું હોય. ગામને પાદરમાં આવેલી નદીના વહેણ ખળખળ વહેવાનો અવાજ સંભળાઈ રહ્યો હતો. જંગલમાંથી આવતી નદી ઉનાળામાં વહેતી હતી. ગામના ખેડૂતો ખેતર જવા નીકળી પડ્યા હતા. પણ હજી રામ ઉઠયો ન હતો. રામ એટલે એક સંસ્કારી અને સુશીલ પચીસ વર્ષનો યુવાન જે તેમની બા સાથે રહેતો અને ખેત કામ કરી તેમનું ગુજરાન ચલાવતો.

સવાર તો થઈ ગયું હતું. બા એ જોયું રામ હજી કેમ જાગ્યો નથી. તરત તેના ઓરડામાં જઈ સાદ કર્યો.
રામ... ઓ બેટા રામ
બેટા ખેતર જવાનું મોડું થશે. જલ્દી ઉઠી જા જો સુરજ માથે આવવા લાગ્યો છે. ખેતર ઘણું કામ કરવાનું

ઓરડામાંથી અવાજ આવ્યો બા હું ઉઠી ગયો છું. તું પાણી ગરમ કરવા મૂકી દે.

આળસ મળડી રામ ઊભો થયો ને મોં ધોઈ બળદને નીણ નાખી. રસોડામાં જઈ રામ બા સાથે વાતો કરવા લાગ્યો.
જોને બા આજે કેટલું મોડું થઈ ગયું.
તારે મને વહેલો જગાડવો જોઈતો તો. આવી રીતે મોડો ખેતર જતો રહીશ તો ખેતરનું કામ અધૂરું રહેશેં ને વાવણી આવીને ઊભી રહેશે તો ખેતરમાં શું ઉગાડીશું.

ચૂલા મા બળતણ નાખતી બા બોલી
બેટા હવે મારી ઉંમર થઈ, બહુ થાકી જાઉ છુ એટલે સવારે વહેલી ઊંઘ પણ ઊડતી નથી. અને હવે મારાથી કામ પણ થતું નથી. મારા છેલ્લા અબળખા છે કે મારી વહુ આવે એટલે મારે પોરો. બા ના આંખમાંથી બે આંસુ સરી પડયા.

બા ના આંખ માંથી આંસુ લુછીને રામ બોલ્યો ભલે બા કોઈ સારી છોકરી ગોતો એટલે ઝટ હું પરણી જાઉ ને તમે નિરાંતે ભજન કરજો અને માળા ફેરવતા રહેજો.

બા એ રામ ને ગળે લગાડી કહ્યું બેટા હવે તું ખેતર જા નહીં તો સુરજ દાદા માથે આવીને ઉભા રહેશે.

રામ બાની રજા લઈ બળદને ગાડે જોતર્યાને ગાડામાં બેસી ગાડું હંકાર્યુ. બહાર નીકળતા બાજુમાં રહેતા રસીદા બહેન ઉભા હતા. રામની નજર તેની સામે ગઈ ને બોલ્યો જય શ્રી કૃષ્ણ રસીદા માસી. જય શ્રી કૃષ્ણ રામ બેટા. રામ બળદને હંકાર્યો ને ગાડું ચાલવા લાગ્યું.

ગામ બહાર નીકળતા નદી આવી એટલે થોડી વાર ગાડું થોભી ખળખળ વહેતા પાણીને બે ઘડી રામ જોઈ રહ્યો. ત્યાં સવારમાં બળદે નદીનું પાણી પીધું. બળદ ને પણ ટેવ પડી ગઈ હતી, ખેતર જતી વખતે નદીનું પાણી પીવાની. બળદે પાણી પી રહ્યા ને પછી ગાડું ખેતરના કેડે ચડયું એટલે રામ સવારના પ્રભાતીયા ગાવા લાગ્યો.

હે જાગ ને જાદવા કૃષ્ણ ગોવાળીયા
તું જ વિના કોણ જાસે......

તે નવ યુવાન રામ ખેતર આવ્યું એટલે કામે લાગી ગયો. જોશિલો યુવાન એટલે જોત જોતાંમાં તો બધું કામ પાર પાડવા લાગ્યો. બપોર થયા તો જાણે આખો દિવસનું કામ બપોર સુધીમાં તો કરી નાખ્યું. સૂરજ બરોબર માથા પર આવી ગયો હતો. ને ભૂખ ને કારણે રામ ગામના રસ્તા તરફ નજર માંડી રહ્યો હતો. ત્યાં બા ને આવતા જોયા એટલે કામ બંધ કર્યું. પણ બા થી તે ઘણો દૂર હતો. બા એ ભાત ને જ
નીચે રાખી સાદ કર્યો.

બેટા રામ.... ઓ બેટા રામ..
પેલા જમીલે પછી કામ કરજે. જો સુરજ દાદો માથે આવ્યા. આ તાપ માં તને ભૂખ પણ લાગી હશે. જલ્દી આવ....

ત્યાં દૂર થી રામે અવાજ કર્યો
એ આવ્યો બા...

રામ ત્યાં આવીને કૂંડીમાં હાથ મોં ધોયા ને બા પાસે બેસી ગયો.
બા એ બાજુના ખેતર વાળા અબ્દુલભાઈને પણ સાદ કર્યો.
ઓ અબ્દુલભાઈ....
અબ્દુલભાઈ એટલે પાડોશી રસિદા બહેનના પતિ. રહ્યા તે મુસ્લિમ પણ રામ.ના પરિવાર સાથે એટલાં ભળી ગયા કે બંને પરિવાર જાણે એક જ પરિવારના હોય તેવું લાગે

અબ્દુલભાઈ આવ્યા નહિ એટલે ફરી બા એ સાદ પડ્યો.
ઓ અબ્દુલભાઈ અમે ભાત ખોલી રહ્યા છીએ તમે આવો એટલે સાથે જમીએ.
સાદ સંભળાયો એટલે અબ્દુલભાઈ કામ મુકી રામની ખેતર બાજુ નીકળી પડ્યા.

ઘાસ નો ભારો લઈ અબ્દુલભાઈ અને તેની દીકરી ઝરીન સામેથી આવી રહ્યા હતા. આવીને કુંડી મા હાથ મોં ધોઈ બધા જમવા બેસ્યા.
રામ બા સામે બોલ્યો
લો બા હવે મને ખવડાવો.

અબ્દુલભાઈ એ રામ ના માથા પર હાથ મૂકી કહેવા લાગ્યા હજુ બા ના હાથેથી ખાવાનું હવે તો, જાતે.....ખા.

બા એ હેતથી રામના માથા પર હાથ મૂકીને કહ્યું તું હજી મારો નાનો લાડકો છે.

અબ્દુચાચા હું મારા બા માટે તો નાનો જ કહેવાય. બા મોડું થાઈ છે અને ભૂખથી રહેવાતું નથી. ઝટ તું મને ખવડાવ.

બા એ ભાત છોડ્યું.
બાજરા નો રોટલો, અડદ ની દાળ ને ડુંગળી નો દડો હતો. પણ ભૂખ એટલી લાગી હતી. બધા ભાતમાંથી ભાવતું લેવા લાગ્યા.

બા એ બાજરાનો ટુકડો દાળમાં બોળી રામના મોં મા મૂક્યો.

બા રામ ને ખવડાવતી ગઈ ને પોતે પણ ખાતી ગઈ.

છલકતો હતો આ મા દિકરાનો પ્રેમ,
શબ્દો પણ ઘટે તેના વિશે વાત કરતા,

આ તો પ્રેમ નો દરિયો જો ભાગ્ય માં હોય તો ડૂબકી લાગે.

રામ ને માં નો પ્રેમ એટલે જાણે કૃષ્ણ અને યસોદામૈયા.

જમતા જમતા બા ના આંખ માંથી આંસુ દડ દડ વહેવા લાગ્યા જાણે ગંગા અને જમુના વહેતી થઈ.

રામે બા ની સામે જોયું.. બા તું શુ કામ રડે છે. હું છું ને તું ચિંતા ન કર બધું સારા વાના થઈ જાશે.

ચિંતા તો થાય ને બેટા તું હવે પચીસ વર્ષ નો થયો જો તારા બાપુ જીવતા હોત તો તને ક્યારેય નો પરણાવી દીધો હોત.

બા તું જમી લે જે મારા ભગવાને ધાર્યું હશે તે થાશે તું ચિંતા છોડી ભગવાનનું રટણ કર.

બેટા રામ હવેથી મારાથી કામ થતું નથી એટલે તને કહું છું. સારું તું કે છો તો ચિંતા નહી કરુ બસ. આજે મારા ભાઈને સંદેશો મોકલુ છું કે મારા રામ માટે કોઈ સારી છોકરી ધ્યાનમાં રાખે.

બધા જમીને ઉભા થયા. અબ્દુલભાઈ અને તેમની દીકરી ને ખેતરમાં ઘણું કામ પડ્યું હતું એટલે તે રામ સાથે આરામ કર્યો નહિ ને તે તેમના ખેતર તરફ નીકળ્યા. અને રામ પછેડી પાથરી લાંબો થયો ને બા વાછરડી માટે થોડી નીણ લઈ ઘર તરફ જવા નીકળ્યાં. બધું કામ પતાવી રામ પણ ઘરે આવી ગયો.

બીજી સવારે રામ વહેલો જાગી ગયો હતો. બળદ ગાડું જોડી ખેતર તરફ રવાના થયો. રસ્તામાં આવતી નદી પાસે ગાડું થોડી વાર થોભ્યુ. બળદ પાણી પીવા લાગ્યા. રામ ની નજર આજુબાજુ ફરવા લાગી સવારનો માહોલ હતો એટલે લોકોની અવરજવર પણ બહુ હતી નહિ. જે દેખાઈ રહ્યા હતા તે બળદ ગાડું લઈ જઈ રહ્યા હતા.

રામ ની નજર એક બાજુ પડી. તેણે તરફ જોયું તો એક રૂપ રૂપના અંબાર જેવી એક સુંદર કન્યા કપડા ધોઈ રહી હતી. તે રૂપ જોઈ રામ તો ખોવાઈ ગયો. બે ઘડી તો રામ તેને જોઈ રહ્યો. રામ ની નજર ત્યાં થી હટતી ન હતી. ત્યાં તે કન્યા એ રામ સામે જોયુ થોડી વાર બંનેની આંખો મળી. પણ બળદ તેની જાણે ચાલવા લાગ્યા એટલે રામે રસ્તા તરફ ધ્યાન કર્યું ને પ્રભાતીયા ગાતો ગાતો ખેતર તરફ આગળ વધ્યો.

રામ ખેતરમાં આવી નિંદણ કરવા લાગ્યો પણ તે કન્યા નો ચહેરો રામની સામે આવી જતી હતો. પહેલી વાત તે આવી સુંદર કન્યા જોઈ હતી અને તે પણ બહુ નજીક થી. એટલે તેના વિચાર ના નિંદણ કામ પણ ભૂલી ગયો. બાજુમાંથી ઝરીન આ બધું દૂર થી જોઈ રહી હતી. થોડી વાત લાગ્યું તેને કે થાક્યો હશે પણ પછી ખબર પડી કે તે વિચારોમાં ખોવાયેલો છે એટલે તે ત્યાં રામ પાસે આવી અને જોયું તો રામ ખોવાયેલો હતો એટલે ઝરીન બોલી.

રામભાઈ.. ઓ રામભાઈ ક્યાં ખોવાઈ ગયા છો. કોઈક સપનામાં તો નથી આવતી ને.
જાગીને જોયું તો ઝરીન નોં અવાજ હતો.
ના ના ઝરીનબહેન બસ આમ જ. તડકો છે એટલે થોડો આરામ કરી રહ્યો હતો.

હસતી હસતી ઝરીન બોલો.. જો ભાભી મળી જાય તો મને કે જો મારે તમારી જાન માં આવું છે ને મારા જેવું કંઈ કામ હોય તો કહેજો. તમારી બહેન હમેશાં તમારે સાથે જ ઊભી રહેશે.

સારું રામભાઈ હવે કામ કરો નહીં તો બપોર થઈ જાશે, હું પણ જાવ ને ખેતરમાં કામ કરું નહિ તો અબ્બુ પણ મને ઠપકો આપશે કે શું આમ તેમ રખડ્યા કરે છે.

રાતે રામને ઊંઘ આવી રહી ન હતી. હંમેશા તેની નજર સામે તે કન્યા આવી જતી હતી. પણ આમ તેમ પડખા ભરીને થોડી ઊંઘ આવી અને સવાર પાચ વાગી ગયા એટલે ઉઠી ગયો. બા હજુ સૂઈ રહ્યા હતા. ખબર નહિ આજે રામ બા ને કહ્યા વગર ન્હાઈ ને તૈયાર થઈ ગયો. ત્યાં બા જાગી ગયા ને જોયું તો રામ તૈયાર થઈ બળદને નીણ નાખી રહ્યો હતો.

બાને થોડી નવાઈ લાગી એટલે કહ્યું આજે મારી પહેલા ઉઠી ગયો રામ.?

હા બા ખેતર ઘણું કામ છે ને બપોરે તડકા પણ વધુ પડવા લાગ્યા છે. જો વહેલો જાઉ તો ઠાથપોરે કામ ઉકલે. ને ખેતીનું કામ જલ્દી પૂરું થઈ જાય.

સારું બેટા હું તારા માટે નાસ્તો બનાવી આપુ ત્યાં તું વાછરડીને પાણી આપી થોડો ઘાસચારો નાખ.

નાસ્તો કરી રામે ગાડું જોતર્યુ. ઝાપાં બહાર નીકળતા રસીદા બહેન આગણું વાળી રહ્યા હતા. તેને જય શ્રી કૃષ્ણ કહી ગાડું નદી તરફ હંકાર્યુ. રામને વિચાર આવ્યો કે કદાચ તે કન્યાના ફરી દર્શન થઇ જાય. તે આ ગામની તો નથી તો તે કઈ ગામની હશે.? અહીં કોણ હશે તેનું. ? આવા વિચારો આવી રહ્યા હતા ત્યાં નદી આવી.

નદીમાં ગાડું ઉભુ રહ્યું ને બળદ પાણી પીવા લાગ્યા. બળદની બાજુમાં પેલી કન્યા કપડાં ધોઈ રહી હતી. રામનું આવી રીતે ગાડું પાસે ઉભુ રાખવું આ જોઈ પેલી કન્યા રામ સામે જોઈ થોડી હસી?
રામને થોડી શરમ અને નવાઈ લાગી. ખબર નહિ અજાણી કન્યા સાથે ક્યારેય રામે વાત કરી ન હતી પણ અહી તો તેની હિમ્મત આવી ગઈ એટલે રામ બોલ્યો " કેમ હસો છો મારા પર? "

હસતાં હસતાં તે કન્યા બોલી હું તમારા પર નથી હસતી હું આ બળદ પર હસુ છું, આજે કાળિયા ની જગ્યાએ ધોળીયો છે એટલે...

રામ માથું ખંજવાળતા બોલ્યો. "એ હું ઉતાવળ માં ભૂલી ગયો એટલે.

ભલા ઉતાવળ શે ની?

તમને જોવાની !!!!

તે કન્યા થોડી શરમાઈ ગઈ. ને રામના ચહેરા પર સ્મિત આવ્યું, તે કન્યા આગળ તે કઈ બોલી શકી નહિ ને તે માથું નીચે રાખી કપડાં ધોવા લાગી. ને રામ પ્રભાતીયા ગાતો ગાતો ખેતર તરફ આગળ વધ્યો. તે કન્યા રામ દૂર નીકળી જાય ત્યા સુધી તેને ક્યારેક ક્યારેક નિહાળતી રહી.

રામ ખેતર તો પહોંચી ગયો પણ કામ કરવાનું મન થતું ન હતું. થોડું આ કામ કરે થોડી વાર પેલું કામ કરે, એમ કરી બપોર માંડ પડયા ત્યાં બા ભાત લઈને આવ્યા. સાદ કર્યો એટલે રામ આવ્યો ને હાથ મોં ધોઈ બા ને વ્હાલ કરવા લાગ્યો. રામ થોડુ ખાધું ત્યાં હાથ ધોવા લાગ્યો બા એ પૂછયું કેમ રામ તું પૂરું જમ્યો નહીં.

બા મને ભૂખ ન હતી એટલે મારાથી બહુ ન ભાવ્યુ.

થોડું બચ્યું ભોજન ત્યાં ઝાડ ને લટકાવી મૂક્યું અને ઘરે હતી વખતે કહ્યું બેટા રામ ભૂખ લાગે તો થોડું ખાઈ લેજે. એમ કહી બા ઘર તરફ ચાલતા થયા.

રામ સુરજ આથમવાની રાહ જોઈ રહ્યો હતો. માંડ માંડ સુરજ આથમ્યો એટલે ગાડું જોડી ઘરે પાછો ફર્યો.

સવાર થવાની રાહમા રામ ને રાત્રે ઊંઘ પણ નથી આવતી. આમ તેમ કરી સવાર કર્યું. સવારે બહું ઉતાવળમા ઝટઝટ કામ કરવા લાગ્યો. બા ને ખબર પડી આજે રામ કેમ ઉતાવળ કરે છે. બા એ પૂછયું બેટા આજે તો વહેલો ઊઠ્યો છે તો આમ ઉતાવળ કેમ કરે છે.
હસતાં ચહેરે બોલ્યો બસ બા એમ જ.

ગાડું જોડી ડેલી બહાર નીકળ્યો એટલે ઝરીને કહ્યું ભાઈ જય શ્રી કૃષ્ણ. કાલે તો કામ મા મન ન હતું ને આજે બહુ ઉતાવળ કરો છો. કઈ નવું તો નથી ને!!!

ના ના બેન બસ વહેલો જઈશ તો કામ વહેલું પૂરું થશે. સારું બેન હું જાઉ છું.

થોભો ભાઈ મારે તમારી હારે આવું છે. મારે મોડું થઈ ગયું, ને બાપુ વહેલા નીકળી ગયા ને હું રહી ગઈ. હવે જો ચાલીને જઈશ તો બપોર થઈ જશે. એટલે મને સાથે લઈ જશો.?

ઝરીન આજે નહિ આજે મારે ઉતાવળ છે ને કામ પેલા ખેતર જવાનું છે. સારું ઝરીન હું નીકળું.

ઝરીન કઈ બોલી શકી નહિ. ને રામે ગાડું હંકાર્યુ ને ખેતર તરફ રવાના કર્યું. દૂર થી રામ ને નદી દેખાઈ એટલે ઊભો થી જોવા લાગ્યો તે કન્યા છે કે નહીં. ગાડું નદી પાસે પહોંચ્યુ ને ઊભું રાખ્યું. તે કન્યા પણ તેની રાહ જોતી હાય તેમ તેની સામુ જોઈ રહી.

રામ બોલ્યો મારું નામ રામ છે ને તમારું?

મારુ નામ રાધા છે ને હું બાજુના ગામમાં રહું છું. હું અહીં શાંતિભાઈ ને ત્યાં આવી છું.

રામે રાધા સામે સ્માઈલ કરી અને તેમના ઘરે ચા પીવાનું આમંત્રણ આપ્યું. રાધા એ માથું હલાવી હા પાડી. ત્યાં રાધા બોલી તમે હવે અહીંથી જાવ નહીં તો કોઈ આવશે તો જોઈ જાશે. રામે આજુબાજુ નજર કરી અને ગાડું ખેતર તરફ રવાના કર્યું. ખેતરમાં રામ પહોંચ્યો ને બે દિવસનું કામ એક દિવસમાં પૂરું કરી ઘરે આવે છે. થોડો થાક્યો હતો પણ રાધાના સપના ઊંઘ આવવા દેતા ન હતા.

બીજે દિવસે સવારે ખેતર જવા રામ નીકળ્યો નદી કિનારે રાધા કપડા ધોઈ રહી હતી. બાજુમાં જઈ જય શ્રી કૃષ્ણ કહી રામે વાત કરવાનું શરૂ કર્યું.

તમે આજે મારે ઘરે ચા પીવા આવશો ને.
રામ સામે થોડી હસી ને હા પાડી. તમે વહેલા ઘરે આવતા રહેજો.
મારે તો આજે ખેતર જવાનું મન ન હતું પણ વાછરડા માટે ઘાસ લાવવાનું છે એટલે જવું પડે તેમ છે. પણ આ ગયો ને આ આવ્યો કહી ગાડું ખેતર તરફ રવાના કર્યું. જતા જતા રાધાને કહેતો ગયો હું બપોર પછી તમારી રાહ જોઇશ.

ઘાસ કાપી ઝટઝટ રામ ઘરે આવ્યો. સવારે બા ને કહીને ગયો તો હું બપોરે આવતો રહીશ એટલે રામને જોઈ ચૂલો ઝગવ્યો. હાથ મોં ધોઈ રામ બાની પાસે રસોડામાં બેસી ગયો.

બેટા બહુ ભૂખ લાગી છે.? બહુ કામ કર્યું લાગે છે ખેતરમાં. એમ રામ સામે નજર કરી બા બોલ્યા.

હા બા. બહુ ભૂખ લાગી છે.

થોડી વાર રાહ જો પેલો રોટલો ઉતારીને આપું બેટા રામ.

બા એક વાત કહું એમ રામે કહ્યુ.

બોલ રામ શું વાત છે આમ મનમાં કેમ મલકે છે. કઈક ખુશીના સમચાર તો નથી ને બેટા.

કઈ નહીં બા પેલા શાંતિભાઈ ને ત્યાં મહેમાન આવ્યા છે તે આપણે ત્યાં ચા પીવા આવવાના છે. તે પહેલીવાર ચા પીવા આવી રહ્યા છે તો કડક મીઠી ચા બનાવીને પીવડાવજે હો બા.

ભલે બેટા આવે મહેમાન. આમ પણ તારા મામાં ગયા પછી કોઈ મહેમાન પણ આવ્યું નથી. હું એમ માનીશ કોઈ ખાસ મહેમાન આવ્યા છે. તું ચિંતા ન કર હું તેને આંગળી ઉભી રહે તેવી ચા પીવડાવીશ.

રોટલો ને દાળ ભરપેટ જમીને રામ ઘરની બહાર લીંબડા નીચે ખાટલો ઢાળીને આરામ કરવા લાંબો થયો. કોઈક ની વાટ જોવાતી હોય તેમાં ઊંઘ ક્યાંથી આવે. નીચે પડેલા લીમડાના પાન વીણીને ગણવા લાગ્યો. તો ક્યારેક લીંબડાની લીલી છાયા નિહાળતો. વિચારોમાં ખોવાઈ ગયો. ને રાધાના સપના પણ જોવા લાગ્યો.

ઊંઘ તો આવી નહિ પણ આમ તેમ કરી થોડો સમય પસાર કર્યો ને પછી બા પાસે બેસીને રામ રાધાની રાહ જોઈ રહ્યો. બા સમજી ગયા મહેમાન કોઈ ખાસ હોવા જોઈએ નહિતો મારો દીકરો રામ આમ આવી રીતે કોઈની રાહ ન જુએ. બા એ રામ ના ચહેરા પર નજર કરી તો રામ ના ચહેરો ખુશી થી મહેકી રહ્યો હતો. ઘણા સમય પછી આજે રામ ખુશ દેખાઈ રહ્યો હતો. બા ના ચહેરા પર પણ ખુશી છવાઈ.

ત્યાં ડેલીએ કોઈ આવ્યું ને ડેલી ની સાંકળ ખખડાવી.

દોડીને રામ ડેલીએ ગયો. ડેલી ખોલી તો રાધા અને તેની સાથે શાંતિભાઈ ની દીકરી રૂપલ હતા. પણ ધ્યાન તો રામ નું રાધા પર હતી આજે રાધાએ ભાત ભરેલી ચણિયા ચોળી પહેરી હતી, કપાળે નાની બિંદી હતી, હાથમાં લાલ પીળી બંગડી હતી જાણે કોઈ અપ્સરા હોય તેમ જાજર ના રણકાર સાથે પગલા ભરતી ઘરમાં દાખલ થઈ.

રામની નજર રાધા પરથી હટતી ન હતી. બા એ જોયું તો રામ રાધાના રૂપમાં ખોવાઈ ગયો હતો. ભાનમાંથી બહાર લાવવા બા એ કહ્યું બેટા રામ મહેમાન માટે પાણી લાવ.

પાણી આપતી વખતે બંનેની નજર એક થઈ. એક બીજાની આંખો કાંઈક કહેતી હોય તેમ એક બીજાની નજર હટતી ન હતી. થોડી વાર તો રામ અને રાધા સામે સામે જોઈ રહ્યા. ત્યાં બાની નજર પડી એટલે રામને કહ્યું બેટા. રામ તું અહી બેસ.

તમે વાતો કરો હું ચા બનાવી લાવું કહી બા રસોડામા ગયા. રામ બાજુમાં બેઠો. હજુ બન્ને એક બીજાને જોઈ રહ્યા હતા. રાધા બોલી કાંઈક બોલ છો કે આમ મને જોયા કરશો. રામ સમજી ગયો કે આગ બંને બાજુથી લાગી ગઈ છે.

રાધાને નિહાળતો ફરી રામ બોલ્યો તારું રૂપ જ એવું છે કે મારી નજર હટતી નથી. મારી તો ઈચ્છા છે તું મારા ઘરનું પાણી ભરે.

રાધાના ચહેરા પર હસી આવી ને બોલી તો આવી જા રામ મારી ઘરે મારા બાપુજી પાસે મારો હાથ માંગવા એટલે તેની મરજી હસે તો હું તારા ઘરનું પાણી ભરીશ.

કેમ તારી મરજી નથી રાધા.?
અરે રામ મરજી તો મારી છે જ પણ માતા પિતાની પસંદ સંતાનને માનવી પડે નહિ તો મે દુઃખી થતાં ઘણાને જોયા છે. પણ તું ચિંતા કરીશ નહી મારા પિતા સારા છે ને તું પણ બહુ સારો છે એટલે પિતાજીને તું પસંદ તો જરૂર થી આવી જઈશ.

આ સાંભળીને તો રામનો ચેહરો ખીલી ઉઠ્યો.

બા બધી વાત સાંભળી રહ્યા હતા ચા બની ગઈ હતી તોય તે ત્યાં ઊભા રહી તેની વાતો સાંભળી રહ્યા હતા.

રામ થોડો નજીક આવી રાધા પડે આવી ને બેસ્યો મે કહ્યુ રાધા તું આ ગામથી તારા ગામે જઈશ ત્યાં તો હું તારો હાથ માંગવા આવી જઈશ તું ચિંતા ન કર તું કેટલા દિવસ અહીં રોકાવાની છે.? તે કહીશ મને.

બસ બે દિવસ. જોને અષાઢ માસ આવી રહ્યો છે ઘરે અને ખેતરે ઘણું બધું કામ છે નહીં તો હું રોકાત. પણ મારું આ ગામ આવવાનું જ હોય છે. હવે તો આ ગામ સાથે નવો સંબંધ બંધાયો છે.

ભલે રાધા કાલે હું તારી નદીએ રાહ જોઈશ તું આવીશ ને.?

હા રામ હું જરૂર થી આવીશ. પણ જોજે આપણ ને કોઈ જોઈ ન લે.

વાતો વાતો માં ખબર પડી નહિ સમય ક્યાં જતો રહ્યો. રાધાના ચહેરા પર મોડું થઈ રહ્યું હોય તેવું દેખાઈ આવ્યું એટલે રામે બા ને સાફ કર્યો.
બા... ઓ બા.. ચા બની ગઈ હોય તો લાવ મહેમાન ને મોડું થાય છે.

બા એ ચા આપી રાધાની સામે નજર કરી ત્યાં તો આંખમાં હરખ ના આંસુ આવી ગયા.

બા હું તમારી દીકરી જેવી જ છું તમે આમ રડો નહીં. હું રામ નું ધ્યાન રાખીશ.

આ સાંભળી બા એ રાધાના દુખણા લીધા ને ફરી પાછી આવજે એમ હરખ થી રાધાને કહ્યું.

રાધા જાણે વચન આપી રહી હોય તેમ હસતા ચહેરા થી બા ને કહ્યું ભલે બા હવે આવીશ તો જરૂર થી આવીશ. આવજો બા.

રાધા ગઈ એટલે રામ બા ના ખોળામાં માથું રાખીને સૂઈ ગયો. ને બા ને કહ્યું બસ મામા ને કહો ને રાધાના ઘરે મારું માંગુ નાખવા જાય.

બા પણ તેજ વિચારી રહ્યા હતા. ભલે રામ હું કાલે કાગળ તારા મામા ને મોકલું છું કે તે અહી એક આટો મારી જાય ને રાધા ના ગામ જઈ તારા લગ્નની વાત કરે. ભગવાનની ઈચ્છા હશે તો જરૂર થી તારા લગ્ન ત્યાજ થશે.

બા એ તેમના વજુભાઈને કાગળ કર્યો. કાગળ મળતાં જ વજુભાઈ રામના ઘરે આવી પહોંચ્યા. બા એ બધી વાત કરી. ને વજુભાઈ બાજુના ગામમાં જવા તૈયાર થઈ ગયા. વજુભાઈ પણ રામ માટે કન્યા શોધી રહ્યા હતા. એટલે તેમની બહેન ની વાત સાંભળી તેને પણ થોડી રાહત થઇ. એક ભાણા ના લગ્નની જવાબદારી જો લીધી હતી. વજુભાઈએ કાલે સવારે જવાનું નક્કી કર્યું. બાજુમાં બેઠોલો રામ હૈયે હરખનો પાર ન રહ્યો. તે મામા મામા કરી વ્હાલ કરતો ભેટી પડ્યો.

બીજે દિવસે સવારે બા અને વજુભાઈ બાજુના ગામમાં ગયા. રામ ઘરે હતો. ઝરીન ને ખબર પડે છે કે બા રામભાઈ માટે રાધા ને ત્યાં ગયા છે. એટલે ઝરીન રામ પાસે આવે છે. રામ આમ તેમ અસ્તફેરા મારી રહ્યો હતો.

કેમ રામભાઈ આજે ખુશ પણ લાગો છો ને ઉદાસ પણ ?

કઈ નહિ બહેન બસ બા ગયા છે તો તેની વગર ગમતું નથી.

વાહ રામભાઈ સરસ જવાબ આપ્યો એમ કહો ને રાધા ના વિચારો આવી રહ્યા છે. અને માંગુ સ્વીકારશે કે નહિ તે પણ મુંજવણ દેખાઈ રહી છે.

સાચું કહે છે ઝરીન તું.!!!
મારું મન ક્યાય લાગતું નથી. હવે તો બા જલ્દી ઘરે આવે ને સારા સમાચાર આપે.

બા અને વજુભાઈ શોધતા શોધતા રાધાને ઘરે પહોંચ્યા. ઉંચી મેડી હતી. મોટો ડેલો હતો. આગળના ભાગમાં ઘણા ફૂલછોડ અને ઝાડવા હતા. એક બગીચો કહી શકાય. બા એ આવી ડેલી અને બગીચો ક્યારેય જોયો હતો નહિ એટલે વિચાર આવ્યો રાધાનું ઘર બહારથી આટલું ઠાઠમાઠ વાળું છે તો અંદર કેટલુ સુંદર હશે.

ડેલી ખોલી અંદર પ્રવેશ્યા જોયું તો મકાનની હારમાળા હતી. અંદર આવેલા મહેમાન ને રાધાના બાપુજીએ જોઈ તેમનું સ્વાગત કરી. ઢોલિયે બેસાડી રાધાને સાદ કર્યો.
બેટા રાધા મહેમાન આવ્યા છે તો પાણી લાવ તો.

રાધા રૂમમાં દરવાજા પાછળ બા ને જોઈ થોડી હરખાઈ હતી. બાપુજીનો અવાજ સાંભળી પાણી લઈને આવી. બા અને રાધા થોડીવાર તો એકબીજા ને જોઈ રહ્યા. બા ને લાગ્યું વહુ મને પાણી આપી રહી છે. રાધાએ બા પાસે થયો પાણી નો લોટો લઈ રસોડામાં જઈ ચા બનાવવા લાગી. ચા એટલે હગુદી ચા. જે રાધા બનાવી રહી હતી.
ચા ના ચાર પ્રકાર હગુડી, સગૂડી, વગુદી, બાપૂડી.

વજુભાઈએ વાત શરૂ કરી. આ મારી બહેન છે તેમના દીકરા રામ માટે તમારી દીકરી નો હાથ માંગવા આવ્યા છીએ. રામ એકનો એક દીકરો છે. બે ચોપડી ભણ્યો છે. પણ ખેતી સારી રીતે કરી છે. વડીલો માં હું અને મારી બહેન છે. જો તમારી ઈચ્છા હોય તો વાત આગળ વધારીએ.

વજુભાઈ દીકરી હોય ત્યાં માંગા આવે. મારી દીકરી માટે ઘણા માંગા આવે છે. પણ હજુ સુધી અમે વિચાર્યું નથી. હા એક જગ્યાએ થી વાત આવી છે પહેલા અમે તે જોઈ લઈએ પછી તમને વાત કરીશું. આ સાંભળી ને બા નું મોઢું પડી ગયું. તે ઊભા થયા ને કહ્યું ચાલો અમે નીકળીએ. પણ અમારી વાતનો જરા વિચાર કરજો હો.

રામ બા ની રાહ જોઈ રહ્યો હતો. બા ઘરે આવ્યા એટલે બા ને રામ ભેટી પડ્યો. બા ના ચહેરા પર ખુશી નહિ ગમ હતું. આ જોઈ રામ બોલ્યો બા રાધાના ઘરે થી હા આવી ને.!!!
બા ના તો કહી શક્યા નહિ પણ તેઓ વિચારીને જવાબ આપશે તેવું કહ્યું.

બા વિશ્વાસ રાખો રાધાના ઘરે થી જરૂર થી હા આવશે ને તે લોકોને હું પસંદ પણ આવીશ.

બે ચાર દિવસ આમ નીકળી ગયા. રામ જ્યારે પણ ખેતર જતો ત્યારે નદીમાં રાધા કપડાં ધોઈ રહી હોય તેવો ભાસ થતો ને ખેતર જતો. ખેતરમાં કામ કરવાનું મન પણ લાગ્યું ન હતું. બસ હમેશા રાધાના વિચારોમાં ખવાયેલો રહેતો.

વિચારોમાં ખોવાયેલા રામભાઈ ને જોઈ ઝરીન ત્યાં આવે છે ને તેને આશ્વાસન આપી કહે છે. રામભાઈ હું તમારી ગમગીન પણું જોઈ શકતી નથી. હવે તમારી ખુશી માટે હું કઈક કરીશ. કહી ઝરીન તેના ઘરે જતી રહી.

ઝરીન રાત્રે તેના અબુને વાત કરે છે. અબુ.. હું બાજુના ગામમાં ખાલાને ત્યાં મળી આવું.? ઘણો સમય થઈ ગયો છે ત્યાં હું ગઈ તેને. ત્યાં બધા ખેરિયત તો છે ને તે હું જોઈ આવું.

અચાનક બેટી ખાલા કેમ યાદ આવી ગઈ. પહેલા હું કહેતો ત્યારે તું ખાલા ને ત્યાં ન આવતી. આજે સામે ચાલીને કહે છે ખાલા ને ત્યાં જવું છું.
ભલે બેટા પણ હું તને ત્યાં મૂકી આવું કે કોઈની સાથે જવાની છે.?

અબુ યાદ તો આવેને ખાલા છે મારા. તમે ત્યાં મૂકવા નહિ આવો તો હું એકલી જઈશ.

અરે બેટી એકલી તને મોકલવી મારું મન માને નહિ એક કામ કર હું સવારે તને ત્યાં મૂકી આવું છું ને બે દિવસ પછી તેડી જઈશ.

સારું અબુ જે તમને થીક લાગે તે.

સવારે ઝરીન ઊઠીને રામને મળી અને એક આશ્વાસન આપ્યું. હું બે દિવસ બહાર જાવ છું. આવીશ એટલે સારા સમાચાર તને મળશે. કહી ઝરીન અને તેના અબુ બાજુના ગામ તરફ રવાના થયા.

અબ્દુલભાઈ તેની બહેનને ત્યાં ઝરીનને છોડીને ગામ નીકળી ગયા. ઝરીન ત્યાં ખાલા ને જોઈ ખુશ થઈ. પણ તે જે કામથી આવી હતી તે વિચારવા લાગી. રાધા ક્યાં રહેતી હશે અને તેની શોધ કઈ રીતે કરવી. ત્યારે ખાલા ની દીકરી જે દસ વર્ષની હતી તેને ઝરીન પૂછે છે.
આ ગામમાં રાધા નામની સુંદર છોકરી રહે છે.?
ત્યારે તેણે થોડું વિચાર્યું ને કહ્યું મોટી બહેન રાધા બે છે એક મજૂરની દીકરી છે અને બીજી જમીનદાર ની દીકરી છે.

ઝરીન સમજી ગઈ કે તે રાધા જમીનદાર ની દીકરી હોવી જોઈએ. પણ તેને મળવું તે વિચારવા લાગી. ત્યારે ફરી કહ્યું નાની બહેન તું મને રાધાને મળાવી શકીશ.?
ત્યારે તે નાની બાળાએ કહ્યું મોટી બહેન આપણે રહ્યા મુસ્લિમ એટલે ત્યાં જઈશું તો તે ઘણા સવાલો કરશે અને આપણી પાસે તેના કોઈ જવાબ નહિ હોય. એટલે તેની ઘરે જવું તો મુશ્કેલ છે પણ તે રોજ બપોરે ખેતરે ભાત દેવા જાય છે. એ સમયે આપણે તેને મળી શકીશું.

રાધાને એ વાત યોગ્ય લાગી, પણ આજે આ ઘરે આવી એટલે આજે તો રાધા મળવું યોગ્ય લાગ્યું નહિ એટલે તે કાલ બપોરની રાહ જોવા લાગી.

ઝરીન બપોરે તેની બેન સાથે ખેતરના કેડે રાધાની રાહ જોવા લાગી. બંને કોઈ રસ્તા પરથી પસાર થાય તો બંને સંતાઈ જતા. થોડો સમય થયો એટલે રાધા ચાલીને એકલી આવી. ઝરીન તેનો રસ્તો રોકી કહ્યું હું ઝરીન છું તારા રામની બહેન.

રામનું નામ સાંભળી રાધાના ચહેરા પર ખુશી છવાઈ. તરત તેણે કહ્યું મારો રામ હેમખેમ તો છે ને.? શું તે મને યાદ તો કરે છે ને.?

ઝરીન પણ રાધા ચાલવા લાગી અને ઝરીન ને કહ્યું. ઝરીન એવો સમય નથી જે તને રામે યાદ કરી ન હોય. તે તો રાત્રે પણ તારા નામનો બક્વાસ કર્યા કરે છે.

મારી પણ રામ જેવી જ હાલત છે. પણ હુ કોઈને કહી શકું તેમ નથી. અને તે તને તો કહી શકે છે ને.

સારું ઝરીન કોઈ જોઈ જોશે તે પહેલાં મારી વાત સાંભળ આજથી ત્રીજા દિવસે રામ તને આ રસ્તે બપોરે મળવા આવશે તું તેની રાહ જોજે.

ખુશીથી રાધાએ ઝરીનનો આભાર માન્યો ને કહ્યું ભલે હું રામની રાહ જોઇશ.

કોઈ જોઈ જાય તે પહેલાં ઝરીન ઘરે આવતી રહે છે. ને તેના ગામ જઈ રામને આ વાત કરું તેવા વિચાર કરવા લાગી.

બીજે દિવસે ઝરીન ઘરે પહોંચી. તેના ઘરે પહેલા ગઈ ને તે રામની ઘરે ગઈ. જોયું તો બા એકલા હતા એટલે ઝરીને બા ને કહ્યું બા રામ ક્યાં છે.?
ત્યારે બા એ કહ્યું તે તો ખેતર ગયો છે દીકરી.

ઝરીન ખેતર જવા દોટ કાઢી. ને દોડતી દોડતી રામના ખેતર પહોંચી. ઝરીન ને આવતી જોઈ રામ સમજી ગયો કે ઝરીન કઈક સારા સમાચાર લાવી હશે.

ઝરીન પાસે આવી અને હસતા ચહેરા થી બોલી રામભાઈ તમારા માટે સારા સમાચાર છે.

એતો ઝરીન તારું આવી રીતે આવવાથી જ ખબર પડી ગઈ. હવે જટ બોલ શું સમાચાર છે.

તો સાંભળો રામભાઈ તમારી રાધાને હું મળીને આવી છું. તે પણ તમને રોજ યાદ કરે છે. ને સપના પણ જોવે છે. અને તે તમને મળવા ત્યાં બોલાવે છે. મે કહી દીધું છે. તે મળવા જરૂર થી આવશે. ને આજથી બે દિવસ પછી તમારે ત્યાં તેને મળવા ખેતરના રસ્તે જવાનું છે. તે તમારી રાહ જોઈ રહી હશે.

રામ નો ચહેરો ખીલી ઉઠ્યો, ને ઝરીન નો આભાર માની તેને ગળે લગડી કપાળ પર ચુંબન કર્યું. ઝરીનને પણ ખુશીમાં આસું આવી ગયા.
રામભાઈ તમને ભેગા કરવામાં હું કોઈ કસર નહિ છોડું. પણ ભાઈ તે મોટા જમીનદાર અને તમે સામાન્ય. એટલે થોડો ડર પણ સતાવે છે કે કદાચ તમને નાના મોટાનો ભેદ તમારો દુશ્મન ન બને.

તું ચિંતા કર નહિ ઝરીન. મારા પ્રેમ માં તાકાત છે અને વિશ્વાસ છે એક દિવસ અમે જરૂર થી ભેગા થઈશું.

બે દિવસ તો રામને ઊંઘ ન આવી તે રાધાના વિચારોમાં ખોવાયેલો રહ્યો. રાધા મળશે તો હું શું વાતો કરીશ. તે મારી રાહ તો જોતી હશે ને.? આવા વિચારો થી ઊંઘ પણ આવી રહી ન હતી.

જેમતેમ કરીને બે દિવસ પસાર થયા, સવારે વહેલો ઊઠીને બા ને કહ્યું બપોરનું ભાત બનાવવાનું. બા એ ભાત બનાવી આપ્યું ને કહ્યું બેટા કહેત તો હું ભાત ખેતર દેવા આવેત. પણ રામ બા ને જાણ કરવા માંગતો ન હતો કે હું રાધાને મળવા જાવ છું. ગાડું જોડી રામ ખેતર તરફ નીકળી પડ્યો.

ખેતરમાં જઈ કામ કરવા લાગ્યો. રામ બપોર થવાની રાહ માં આકાશ માં સૂરજ સામે નજર કર્યા કરતો હતો. ત્યાં ઝરીન ત્યાં આવે છે. ઝરીન ને રામ કહે છે બહેન હું રાધાને મળવા જાવ છું ને તું બળદનું ધ્યાન રાખજે હું હમણાં રાધાને મળીને આવું.

ભાત ઝાડ પર લગાવ્યું ને બળદ ને ત્યાં બાંધી થોડી નીણ નાખી રાધાને મળવા તેના ગામ તરફ ચાલવા લાગ્યો.

ચાલતા ચાલતા રાધાનું ગામ આવી ગયું. ઝરીને કહ્યું હતું તે ખેતરના રસ્તે ઉભો રહી રામ રાધાની રાહ જોવા લાગ્યો. બપોરનું ટાણું હતું, સૂરજ માથા પર હતો. તાપ વધુ લાગવાથી રામે માથા પર રૂમમાં બાંધ્યો.

રાહ જોઈ રહેલો રામને તરસ પણ લાગી હતી આજુબાજુ પાણી પણ હતું નહિ. ઉપર થી રાધાની રાહ વધારે પાણીની તલપ લાવી રહી હતી. ત્યાં દૂર થી એક સફેદ કલરની ચણીયા ચોળી પહેરી કન્યા આવી રહી હતી. દૂર થી મૃગજળના કારણે રામ તેને ઓળખી શક્યો નહિ. પણ પાસે આવી એટલે ખબર પડી રાધા છે. પરસેવે રેબઝેબ હોવા છતાં રામના ચહેરા પર ખુશી છવાઈ.

રાધા પાસે આવી, બંને એક બીજાને નિહાળતા રહ્યા. આખો કઈ કહી રહી હતી ને ચહેરો કઈ કહી રહ્યો હતો. રાધા એ રામને રસ્તાની એકબાજુ લઈ તેની ચુંદડીથી રામનો ચહેરો લૂછ્યો ને રામને ભેટી પડીને ગાલ પર, કપાળ પર ચૂમવા લાગી. રામ ને હૃદયમાં ઠંડક મળીને રાધાને એક વચનનું કપાળે ચુંબન કર્યું. રાધાએ પોતાના હાથે રામને પાણી પીવડાવ્યું. જાણે અમૃત મળ્યું હોય તેમ રામના પેટમાં ટાઢક વળી.

રાધા થોડી વહેલી આવી હતી એટલે બંને એકબીજા ઘણો સમય વાતો કરી. બંને વાતો કરતા તો એકબીજાને નિહાળતા વધુ. જાણે વર્ષો પછી બે પ્રેમી પંખીડા મળ્યા હોય તેમ એક બીજાને પ્રેમથી વ્હાલ પણ કરતા હતા.

રાધાને ભાત દેવા મોડું થઈ રહ્યું હતું. એટલે રાધાએ કહ્યું રામ તું થોડે દૂર મારી રાહ જો હું હમણાં ભાત દઈને આવું. પછી ફરી આપણે પાછા મળીએ. કહી રાધા તેના ખેતર બાજુ ચાલતી થઈ.

રાધા ગઈ ને રામ એક ઝાડ નીચે બેસીને રાધા પાછી આવવાની રાહ જોઈ રહ્યો. બપોર થઈ ગયા હતાં ને રામને ભૂખ પણ લાગી રહી હતી. પણ કહેવાયું છે ને પ્રેમ પારખાં લે. તેમ આજે રામના પારખાં થઈ રહ્યા હતા.

ઘણો સમય થઈ ગયો હતો પણ રાધા પાછી આવી રહી ન હતી. રામને બેચેની વધી રહી હતી. એક તો ખેતરની ચિંતા હતી ઉપરથી ભૂખ તરસ લાગી હતી. તેમાં આ રાધાનું પાછું ન આવવું વધારે ચિંતા થઈ રહી હતી.

ત્યાં રાધાને આવતી દેખાઈ પણ તેની સાથે કોઈ હાથમાં લાકડી લઈ આવી રહ્યું હતું. આ જોઈ રામ છૂપાઈ ગયો. વિચાર આવ્યો ખબર પડી ગઈ હશે તો આજે હું જરૂરથી માર ખાઈશ. થોડી ગભરામણ થવા લાગી.

જેમજેમ રાધા નજીક આવી રહી હતી તેમતેમ રામને ગભરામણ થઈ રહી હતી.. વિચાર આવતો હતો કે હવે રાધાને તો મળાશે કે નહિ તે ખબર નહિ પણ આજે અહી આવનાર માણસ પાસેથી લાકડીના માર જરૂરથી ખાઈશ.

ત્યાં બંને વધુ નજીક આવ્યા પણ ખબર નહિ તે માણસ ઉભો રહી રાધા સાથે વાત કરવા લાગ્યો. ને થોડી વાત કરી તે ખેતર તરફ ચાલતો થયો ને રાધા ઘર તરફ આવવા લાગી. તે માણસ દૂર ગયો એટલે રામ રસ્તા પર આવ્યો ત્યાં રાધા તેની પાસે આવી ગઈ. રાધાએ રામનો હાથ પકડી થોડે દૂર લઈ ગઈ. જ્યાં તેને કોઈ જોઈ શકે નહિ. રાધાએ કહ્યું તે અમારા પાડોશી કાકા હતા ને તે થોડે સુધી મુકવા આવ્યાં હતાં. હવે કોઈ ડરવાની વાત નથી.

હાથમાં હાથ નાખી બંને બેઠા. રામ ભૂખ્યો હશે એમ માની ભાત માંથી બચાવી રાખેલ ભોજન ખોલ્યું અને પોતાને હાથે રામને ખવડાવવા લાગી. રામને એક એક કોળિયો અમૃત સમાન લાગી રહ્યો હતો. જેમ બા ખવડવતી હતી તેમ આજે રામને રાધા ખવડાવી રહી છે. સાથે તેની ચુંદડી થી રામ નું મો પણ લૂછી રહી હતી. જોનારા ને એમ જ લાગે કે બંને પતિ પત્ની હશે.

ઘણો સમય સાથે બેઠા ત્યારે રાધા એ કહ્યું રામ હવે મારે ઘરે જવવું પડશે નહિ તો મોડું થશે તો બાપુ મારી શોધખોળ કરવા લાગશે અને હું નથી ઈચ્છતી કે આપણે પકડાઈ જઈએ.

રામ રાધાને વળી વળીને ગળે લગાડી રહ્યો હતો ને કહેતો હતો હવે રાધા આપણે ક્યારે મળીશું. ત્યારે રાધા એક આશ્વાસન સાથે કહેતી રામ ભગવાનની ઈચ્છા હશે તો આમ જ મળતા રહીશું અને એક દિવસ કાયમ માટે એક પણ થઈ જાશું.

જતી રાધાનો હાથ છોડી રહ્યો ન હતો. થોડી વાર રોકાઈ જા રાધા એમ રામ આજીજી કરી રહ્યો હતો. પણ રાધા ને જવું જરૂરી હતું એટલે ફરી રાધાએ કહ્યું રામ નસીબે સાથ આપ્યો તો હું થોડા દિવસ પછી તારા ગામમાં આવીશ ત્યારે આપણે જરૂરથી મળીશું.

રાધા તેના ઘર તરફ નીકળી અને રામ તેના ગામના ખેતર તરફ. ચાલતો ચાલતો તેમના ખેતર પહોંચી ગયો. પેલા બળદને નીરણ નાખી. પછી યાદ આવ્યું કે બા એ ભાત આપ્યું છે તો તે પણ થોડું જમી લઉ. એટલે ભાત છોડીને જમવા બેસ્યો પણ ભૂખ તો હતી નહિ. રાધાના હાથથી જમીને હજુ પણ રામનું પેટ ભરેલું હતું. એટલે થોડું ખાધું અને બાકીનું ખેતરના કૂતરાને ખડાવવી દીધું.

રામને ખેતર જોઈ ઝરીન દોડીને તેની પાસે આવીને રાધાની વાત જણાવવા કહેવા લાગી. ત્યારે રામે તેને પાસે બેસાડી અને રાધા સાથેની મુલાકાત નું વર્ણન કર્યું ને ઝરીનનો આભાર પણ માન્યો. ઝરીન પણ ખુશ થઈ. તેની પણ એક દુવા કરેલી કે રામને રાધા મળી જાય. કે આજે મહદઅંશે તો સફર થઈ. એટલે સામે હાથ રાખી દુવા કરવા લાગી.

રાધાની દિલમાં યાદ લઈ પાંચ દિવસ તો નીકળી ગયા. ત્યારે તેને યાદ આવ્યું કે રાધા અહી આવવાની હતી તો કેમ આવી નહિ. આ વાત તેને ઝરીનને કહી. ઝરીન પણ તે જાણવા લાગી ગઈ પણ તેના કોઈ સમચાર મળ્યા નહિ. ત્યારે ફરી આશ્વાસન આપી કહ્યું રામભાઈ બધું સારું થઈ જશે આમ બહુ ચિંતા કરો નહિ. મારી ભાભી બહુ હોશિયાર છે. તે જે કરી રહી હશે તે યોગ્ય જ હશે.

ફરી પાછા સાત દિવસ નીકળી ગયા પણ રાધાના કોઈ સમાચાર મળ્યા નહિ એટલે રામને ચિંતા થવા લાગી અને આ ચિંતા તેને ઝરીન ને કહી. ઝરીન પણ વિચારવા લાગી કે હમણાં થોડા દિવસ પહેલા ખાલા ને ત્યાં ગઈ હતી એટલે હમણાં તો મારા અબુ જવા નહિ દે. પણ એક વિશ્વાસ આપ્યો. રામભાઈ હું હજુ કઈક કરું છું. તમારા માટે પણ આ વાત બહાર ન લાવતા નહિ તો મને અને તમને મુશ્કેલી પેદા કરશે.

સવારે ઝરીનના અબુ બહાર ગામ જવા નીકળ્યા. પાછળથી ઝરીન ખેતરનું બાનું દઈ તે પણ નીકળી. ઝરીન નીકળી રાધાના ગામ તરફ. ઝરીન ઝડપથી ચાલી રહી હતી. એક કલાકમાં તો તે ખાલા ને ત્યાં પહોંચી ગઈ. અને ખાલાને કહ્યું ખાલા મને તમારી યાદ આવી તો તમને મળવા આવી ગઈ. ત્યાં બહાર રમીને નાની બહેન આવી એટલે ઝરીન તેને એકબાજુ લઈ ગઈ અને તેને પૂછ્યું રાધાના કોઈ સમચાર છે તારી પાસે.?

તે તેના અમીજાન સામે કઈ બોલી નહિ. તે ઝરીનને રમવાના બહાને બહાર લઈ ગઈ અને કહ્યું બેન રાધા થોડા દિવસથી બહાર ગઈ છે. જેવી આવશે એટલે હું ખબર મોકલાવીશ તમને અને રામભાઈની યાદ પણ અપાવીશ. ઝરીનને માનવામાં આવી રહ્યું ન હતું એટલે તેના ગામ જતી વખતે તે રાધાના ઘર પાસેથી નીકળી અને રાધાની જાણકારી મેળવવાની કોશિશ કરી ત્યારે કોઈએ કહ્યું રાધા તેના મામાને ત્યાં ગઈ છે ને દસ દિવસ પછી આવશે.

બપોર પહેલા ઝરીન ઘરે આવી ગઈ. અમીને મળીને રામભાઈ પાસે આવી અને કહ્યું રામભાઈ રાધા તેના મામાને ત્યાં ગઈ છે તે દસ દિવસ રોકાશે પછી આવશે. ત્યાં સુધી ભાઈ રાહ જોવો. થોડો ચહેરો ફિકો તો પડ્યો પણ દસ દિવસ આમ જ જતા રહેશે એમ મન મનાવી લીધું.

આમ દસ નહિ પંદર દિવસ નીકળી ગયા. રામને રાધાના કોઈ સમચાર મળ્યા નહિ. થોડી રામને ચિંતા થઈ રહી હતી. આખો દિવસ રામ બેચેન રહેતો.

રાધાના ગામથી ઝરીનના ખાલાની દીકરી એક સમાચાર લઈને રામ પાસે આવી ને કહ્યું રામભાઈ રાધા આવી ગઈ છે ને કાલે તમને બપોરે ખેતર જવાના રસ્તે આવવાનું કહ્યું છે. રામના ચહેરા પર રોનક આવી.

બીજે દિવસે રામ રાધાને મળે છે. રાધાને મળીને રામને દિલમાં ઠંડક પ્રસરી જાય છે. બંને એક ઝાડ નીચે વાતો કરે છે. ત્યારે રાધા કહે છે. રામ તું કઈક કર નહિ તો મારા પિતાજી મને બીજે પરણાવી દેશે. હું મામાને ત્યાં ગઈ હતી ત્યાં મારા લગ્નની વાત થઈ રહી હતી. મને ચિંતા થઈ રહી છે. કે આપણે બંને એક થઈશું કે અલગ થવાનો વારો આવશે.

એક વચન આપી રહ્યો તેમ રામે કહ્યું હું થોડા દિવસ પછી તારા પિતાજીને મળીશ અને આપણા લગ્નનો પ્રસ્તાવ મૂકીશ પછી જે નિર્ણય આવે તે જોઈ લેશું. પણ રાધા આપણે ભાગીને લગ્ન નહિ કરીશું. ભાગવા કરતા હું બલિદાનને મહત્વ આપીશ.

રાધાને પણ રામની આ વાત પર ગર્વ થયો. તે પણ આવું કરવા માંગતી ન હતી. તે ખુશી ખુશી લગ્ન કરવા માંગતી હતી અને તે પણ તેના માતા પિતાની પરવાનગી થી. ઘણો સમય વાતો કરી પછી બને ગળે વળગી છૂટા પડયા.

દિવસો પસાર થવા લાગ્યા ને ત્યાં વાવણી થઈ એટલે રામ વાવણી કાર્યમાં લાગી ગયો, ને ખબર પડી નહિ કે બે મહિના નીકળી ગયા. પછી ફ્રી થયો એટલે રાધાને ગામ જવાનું વિચાર્યું. એક દિવસ નક્કી કરી તે રાધાના ગામ જવા નીકળ્યો.

તે એકલો રાધાના ઘર પાસે આવ્યો. થોડી ગભરાટ હતી કે મોટા જમીનદાર પાસે કઈ રીતે મારી અને રાધાની વાત કરીશ.? પણ કહેવાય છે ને પ્રેમમાં હિમ્મત હોય છે તેમ રામ ઘરની અંદર પ્રવેશ્યો. રામને જોઈ રાધાના પિતાજી આવ્યા ને રામને આવકાર આપી બેઠક રૂમમાં લઈ ગયા. અને ચા નું કહ્યું. થોડી વારમાં ચા આવી એટલે રાધાના પિતાજી એ કહ્યું તમારી અહી આવવાનું કારણ કહી શકશો.

વાત કરવામાં રામના પગ ધ્રુજી રહ્યા હતા પણ હિમ્મત કરી વાત આગળ કરી.
મારું નામ રામ છે હું બાજુના ગામથી છું.
રાધાને હું પ્રેમ કરું છું ને તેનો હાથ હું માંગવા આવ્યો છું.

આ સાંભળીને રાધાના પિતાજી ઊભા થઈ ગયા. રામને પ્રેમ થી કહ્યું જો રામ તારું આવવાનું મોડું થઈ ગયું છે. મારી દીકરી રાધાની સગાઈ થઈ ગઈ છે ને થોડા દિવસ પછી તેના લગ્ન પણ છે. એટલે હવે રામ તું રાધાના સપના જોવાનું ભૂલી જા. હવે મારે કામ છે તું જઈ શકે છે અને સાંભળ રાધાને મળવાની કોશિશ કરતો નહિ, નહિ તો પરિણામ સારું નહિ આવે.

રામ તો ત્યાંથી નીકળી ગયો. પણ આંખમાંથી આસું જાણે જંગલમાંથી ઝરણું વહેતું હોય તેમ વહેતા હતા. તે ચાલતો ચાલતો ચોધાર આસુંડે રડી રહ્યો હતો. તે ભાંગી ગયો હતો તેમાં બધા સપના ચકનાચૂર થઇ ગયા.

ઘરે આવીને ખાટલામાં પડી ગયો. તે દિવસે કઈ ખાધું પીધું નહિ બસ રડતો રહ્યો. રામની હાલત બાથી જોવાઇ રહી ન હતી. એટલે બા ઝરીનને બોલાવી લાવ્યા ને કહ્યું બેટા ઝરીન આ રામ ને કઈક સમજાવ નથી ખાતો નથી પીતો બસ આમ રડ્યા કરે છે.

ઝરીન રામ પાસે બેસીને માથા પર હાથ મૂકીને કહ્યું રામભાઈ જો નસીબમાં હશે ને તો તેને કોઈ રોકી નહિ શકે. પણ આમ દુઃખી થઈ કોઈ ફાયદો નથી. તમે દુઃખી થશો ને બા પણ. તમે બા ની સામે તો જુઓ તેમને પણ તમારા કારણે કઈ ખાધું નથી.

દુઃખમાંથી સભાન થયુને રામ બા ની પાસે બેસીને તે પણ જમવા લાગ્યોને પહેલી વાર તે બા ને પણ ખવડાવવા લાગ્યો. જમતા જમતા બંને એકબીજાના આસું લૂછી રહ્યા હતા. પાસે બેઠેલી ઝરીનની આંખમાં આસું આવી જ ગયા હતા. પણ રામને હિમ્મત આપવા માટે તે મજબૂત બની ગઈ હતી.

આમ દિવસો પછી જવા લાગ્યા ને રામ પણ રાધાને ભૂલવા લાગ્યો. રામ હવે પહેલા જેવો નોર્મલ થવા લાગ્યો. દિવાળી આવી એટલે તેને પાક ની લણણી કરી અને સારી રીતે દિવાળીની પણ ઉજવણી કરી. બા એ તેના ભાઈને પણ રામ માટે ફરી કન્યા શોધવાની વાત કરી.

ત્યાં ઝરીનની બહેન સમચાર લઈને આવી. રામને કહ્યું રાધા તમને એકવાર મળવા માંગે છે. રામ તો કઈક સમજી શક્યો નહિ કે રાધા હવે કેમ મને મળવા માંગે છે. જે હવે થોડા દિવસ પછી તો બીજાની થવા જઈ રહી છે. ઝરીન ના કહેવાથી રામ ફરી રાધાને મળવા જાય છે.

બીજે દિવસે રામ રાધાને મળવા નીકળી ગયો. પહેલા જેટલો તેનામાં ઉમંગ હતો નહિ. પણ રાધાની છેલ્લી ઈચ્છા અને તેને દુઃખી કરવા માંગતો હતો નહિ એટલે રાધાને છેલ્લી વાર મળવા માટે તે ખેતરના રસ્તે રાહ જોવા લાગ્યો.

ધીરે ધીરે આવેલી રાધાને જોઈ ચહેરા પર થોડી તો ખુશી આવી. તે શણગાર સજીને આવી હતી તો પણ રામને તે સામાન્ય રાધા લાગી રહી હતી. રાધા નજીક આવીને રામને ભેટીને રડવા લાગી. રામ પણ રહી શક્યો નહિ તે પણ રડવા લાગ્યો. બંને નો પ્રેમ ફરી તાજો થઈ ગયો. રાધા તો રામને છોડતી જ ન હતી. બસ રડયે જ રહી હતી.

રામે તેના આસું લૂછ્યા પણ આશ્વાસન સિવાય તે કઈ કહી શક્યો નહિ. પણ રાધા એટલું બોલી તમે તમારું ધ્યાન રાખજો. હું ભલે તમને છોડીને જઈ રહી છું પણ તમારું સ્થાન હંમેશા મારા દિલમાં કાયમ રહેશે.

રામ પાસે કોઈ શબ્દ હતા નહિ કે તે રાધાને કઈ કહી શકે પણ જતા પહેલા ફરી રાધાને કહ્યું મને હજુ એક છેલ્લી વાર મને આલિંગન આપ. હું તે આલિંગનથી આખું જીવન જીવી લઈશ. છેલ્લી વાર બંને ગળે વળગી હંમેશા માટે છૂટા પડયા.

રામ ફરી રાધાને ભૂલી તેના સામાન્ય જીવવનમાં જીવવા લાગે છે. રામ ખેતરથી ઘરે અને ઘરેથી ખેતર એમ સાંજ પડી જતી અને સાંજે સૂઈ જવું આ રોજ ની દિનચર્યા થઈ ગઈ હતી. પણ ઝરીનને એક અફસોસ કાયમ માટે રહ્યો કે હજુ મે થોડી મહેનત કરી હોત તો રાધા આજ રામની હોત. પણ બધું અલ્લાહ ની મરજી માની તે પણ આ પ્રેમ ને ભૂલી ગઈ હતી. હા પહેલા કરતા રામની તે કાળજી વધુ રાખવા લાગી હતી.

એક દિવસ એવું બન્યું કે રામ રામ રહ્યો નહિ. રામ ખેતરથી પાછો ફરી રહ્યો હતો. સાંજ થવાને હજુ વાર હતી. ગામના પાદરે પહોંચ્યો. ત્યાં રસ્તે થી એક જાન જતી જોઈ. પહેલા થોડા ઘોડા નીકળ્યા પછી પાછળ ઘણાં બળદગાડા હતા. તેમાંનું એક વેલડું અલગ તરી આવતું હતું. તે શણગારેલ વેલડું રામની પાસે થી પસાર થયું ને તેમની નજર અંદર બેઠેલી દુલ્હન પર પડી. સોળે શણગાર સજેલી રાધા બેઠેલી જોઈ. રાધાની નજર પણ રામ પર પડી ફરી ઘડી બે ઘડી આખો ચાર થઈ. પણ આ વખતે જાન ગયા પછી પહેલા કરતા વધારે રામ દુઃખી થયો.

ઘરે આવીને તો જાણે માથા પર પહાડ પડ્યો હોય તેમ માથું ચકરાવા લાગ્યું. બેચેની, ગમ, દુઃખ ઉપરથી માથું દુખવું રામ નું જીવવું મુશ્કેલ થવા લાગ્યું. આખો દિવસ માથું દુખાવાથી રામ ત્રાસી ગયો હતો. ઉપરથી રાધાનું જીવનમાંથી જવું વધુ દુઃખી થઈ રહ્યો હતો. બા એ ઘણી દવા કરી પણ રામ નું માથાનું દર્દ દૂર થવાનું નામ લઈ રહ્યું ન હતું.

સવારમાં રામ પૂછ્યા વગર ઘરથી બહાર નીકળી ગયો. ને રામ તેના મિત્રોને મળ્યો અને તેનું દુઃખ તેની સામે વ્યક્ત કર્યું. તેના મિત્રો પણ રામનું દુઃખ જોઈ શક્યા નહિ એટલે બધા તેને સલાહ સૂચન આપવા લાગ્યા કોઈ કહે રામ તું આ કર, કોઈ રામ આ બધું ભૂલી જા ને સાધુ થઈ જા, ત્યાં તેમાંથી એક બોલ્યો ટેન્શન અને દુઃખ દૂર કરવું હોય તો સાધુ પાસે જઈ ચલમ પી લઈએ એટલે બધું દુઃખ દૂર થઈ જશે.

તેની વાત માની બધા ઊભા થઈ ને રામ નો હાથ પકડી તેને તે સાધુ પાસે લઈ ગયા. ત્યાં સાધુ ચલમમાં ગાંજો ભરી પી રહ્યા હતા. બધાને જોઇને સાધુએ બધાને ચલમ પીવાનું કહ્યું. બધાએ એક એક વખત ચલમ પીધી. પછી રામ ને આપવામાં આવી, પહેલા તો રામ ના પાડી રહ્યો હતો પણ સાધુ ના કહેવાથી તે ના પાડી ચાલ્યો નહિ ને તે પણ ચલમ પીવા લાગ્યો.

એક પછી એક ચલમ ભરીને રંપી રહ્યો હતો. પાણીની તરસ લાગી તે ઉભો થયો પણ નશાના કારણે તે ઉભો થઇ શક્યો નહિ. ને બાજુમાં પડેલ ભાંગનો લોટો તે પી ગયો. હવે તો ગાંજો અને ભાંગનો નશો રામને ચડી ગયો. પછી સાધુએ રામને રોક્યો અને મિત્રોને કહ્યું રામને ઘરે પહોંચાડી દો નહિ તો અહી બેભાન થઇ જશે. બીક ના માર્યા બધા ફ્રેન્ડ રામને લઈ ઘર તરફ નીકળ્યા. નશામાં રામ સરખી રીતે ચાલી પણ શકતો ન હતો.

ગામના પાદરે રામને મૂકીને બધા ફ્રેન્ડ તેમના ઘરે ચાલતા થયા. રામ પોતાની ભાન ભૂલી શક્યો હતો. તે હવે ધીરે ધીરે પાગલ થઈ રહ્યો હતો. ભાન ન હોવાના કારણે તે ઘરનો રસ્તો ભૂલી ને. બીજે રસ્તે ચાલવા લાગ્યો.

સાંજ પડી રામ ઘરે આવ્યો નહિ એટલે બા ચિંતા કરવા લાગ્યા. બા અબ્દુલભાઈની ઘરે ગયા પણ ત્યાં પણ રામ હતો નહિ. એટલે અબ્દુલભાઈ અને બા બંને રામને શોધવા નીકળી પડ્યાં. મોડી રાત સુધી રામની શોધખોળ કરી પણ રામ નો કોઈ ભાળ મળી નહિ. બાની ચિંતા વધવા લાગી. અબ્દુલભાઈ બા ને આશ્વાસન આપી રાતે જમાડીને તેને સુવાડી દે છે.

સવાર થયું એટલે ગામના બધા લોકોને ખબર પડી કે રામ ખોવાઈ ગયો છે. એટલે ગામના લોકો પણ રામને શોધવા લાગ્યા. ઝરીન પણ કઈ સમજી શકી નહિ કે આખરે રામભાઈ ક્યાં જતા રહ્યા. તે પણ રામને શોધવા નીકળી પડી. આ બાજુ રામ ઘણો દૂર નીકળી ગયો હોય છે.

આ બાજુ રાધાની નવી જિંદગી શરૂ થઈ. રાધાને પણ ઘણો આઘાત લાગ્યો હતો એટલે તે પણ ઘણી દુઃખી રહેતી હતી. દુઃખી જોઈ તેના પતિ ગોપાલ તેને દુઃખ નું કારણ પૂછે છે પણ રાધા કઈ બોલતી નથી બસ રડ્યા કરે છે. આવી રાધાની હાલત જોઈ ગોપાલ તેની નજીક પણ જતો નથી.

રામ હવે સાવ પાગલ થઇ ગયો હતો. તે હવે તેના ગામથી ઘણો દૂર નીકળી ગયો હતો. રામને જોઈ બધા તેને પાગલ પાગલ કહી તેની પર પથ્થર ફેંકતા હતા, તો કોઈ સમાજસેવક તેને જમવાનું આપતા. પણ તે કોઈ એક સ્થળે રહેતો નહિ તે આમતેમ ગામડા ફરી રહ્યો હતો.

લગ્નના દસ દિવસ થઈ ગયા હતા તો પણ રાધા હજુ દુઃખી રહેતી હતી. તેના પતિ ગોપાલે ઘણી જાણવાની કોશિશ કરી પણ તેને કોઈ જવાબ મળ્યો હતો નહિ એટલે ગોપાલે રાધાને તેના હાલ પર છોડી દીધી હતી તે વિચારીને કે સમય જતાં તે બધું ભૂલીને ખુશી થી જીંદગી જીવવવા લાગશે.

ગોપાલ સાંજ થતાં ખેતરથી પાછો ફરી રહ્યો હતો. હજુ દિવસ થોડો બાકી હતો, ત્યાં તેની નજર રોડ પર બેઠેલ કોઈ માણસ પર પડી. તૂટેલ ફાટેલ કપડાં હતા, પગ ચપલ વગરના, એમ કહો તો લઘર વઘર માણસ હતો. ભૂખનો માર્યો થોડો તડપી રહ્યો હતો. ગોપાલને દયા આવી એટલે તે ગાડામાંથી નીચે ઉતર્યોને તે માણસને કહ્યું ભૂખ લાગી છે. ?
તે બોલ્યો હા હા ભૂખ....ભૂખ લાગી લાગી.

સેવાભાવી ગોપાલ તે માણસને ઉભો કરી તેના ગાડામાં બેસાડ્યો અને તેને ઘરે લઈ ગયો. ઘર પહોંચતા તે માણસને નીચે ઉતારી તેને મકાનની ઓસરીએ બેસાડ્યો ને તેની પત્ની રાધાને કહ્યું બે થાળી તૈયાર કરજો અમે જમવા બેસી જઈએ છીએ.

રસોડામાંથી લાજ કાઢીને રાધા બહાર આવી. તે માણસ ચહેરો બીજી તરફ હતો એટલે રાધા તેને જોઈ શકી નહિ. જમવાની થાળી તૈયાર કરીને તેની પાસે મૂકી. ઘણા દિવસથી ભૂખ્યો હોય તેમ તે માણસે થોડી વારમાં તો થાળી ખલાસ કરી નાખી. ખાલી થાળી જોઈ ગોપાલે તેની થાળીમાંથી તે માણસની થાળીમાં ભોજન મૂક્યું. તે પણ જટપટ સમાપ્ત કરી નાખ્યું. તેને ભૂખના સંતોષનો ઓડકાર આવ્યો એટલે પાણી પી ને ઉભો થયો. ગોપાલ તેને પકડી ફળીમાં રહેલા ખાટલે બેસાડી તે જમવા બેસી ગયો. તે માણસ ખાટલા માં નખરા કરી રહ્યો હતો અને ગોપાલ ઘરનું થોડું કામ કરી રહ્યો હતો ત્યાં રાત પડી એટલે તે માણસ સૂઈ ગયો.

ઓરડામાં રાધા સૂઈ ગઈ અને ગોપાલ ઓસરીમાં સૂઈ ગયો. ગોપાલ ખુબ થાક્યો હતો એટલે ઊંઘ જલ્દી આવી ગઈ પણ રાધાને ઊંઘ આવતી ન હતી. ત્યાં તેને રાધા રાધા અવાજ સંભળાયો. વાતાવણ શાંત હતું એટલે અવાજ સ્પષ્ટ સંભળાય રહ્યો હતો. તેણે ઓરડાનો દરવાજો ખોલ્યોને જોયું તો પેલો માણસ રાધા રાધાના નામ ની વિલાપ કરી રહ્યો હતો. આગળ ઓસરીમાં ગોપાલ સુતો હતો. એટલે ઓળંગીને તે માણસ પાસે ગઈ નહિ. હશે કોઈ જે તેની પત્ની કે કોઈને યાદ કરી રહ્યો હશે તેમ માનીને રાધા તેના ઓરડામાં ન ગઈ. ત્યાં સાંકળના અવાજથી ગોપાલ જાગી ગયો.

ગોપાલે ઓરડા માં જોયું તો રાધા સૂઈ ગઈ હતી પણ તેને અવાજ સંભળાયો રાધા રાધા. ગોપાલને આ સાદ સાંભળી નવાઈ લાગી. તે અવાજ પેલો માણસ પાસેથી આવી રહ્યો હતો જોયું તો તે ઊંઘમાં હતો ને બકવાસ કરી રહ્યો હતો. ગોપાલે તેને ઉઠાડી પૂછ્યું પણ તે બસ રાધા રાધા પોકારી રહ્યો હતો. ગોપાલ સમજી ગયો તે પાગલ છે એટલે આવી હરકત કરે. તેણે તેમનો ખાટલો તેની બાજુમાં રાખીને સુઈ ગયો.

રાધાને ઊંઘ આવી રહી ન હતી. તેને રાધા રાધા નું નામ રામની યાદ અપાવી રહી હતી. તેણે તે માણસ પાસે કઈ જોવાની કોશિશ બે વાર કરી પણ અંધારા ને કારણે તે તેને ઓળખી શકી નહિ. ને આમતેમ કરી સવાર પડી ગયું.

સવાર થતાં ગોપાલ તે માણસ ને ગામના વૈદ પાસે લઈ ગયો અને વૈદ પાસે આ પાગલપનની દવા કરી આપવા કહ્યું. તે વૈદે તેના હાથની નાડી પકડી અને તરત કહી દીધું આ માણસ પાગલ નથી. આ માણસને ભાંગ અને ગાંજા નો નશો ચડ્યો છે. ગોપાલ હું તને દવા આપુ છું તે દવા છાસ અથવા દહી સાથે પીવડાવી દેજે એટલે આ માણસ ઠીક થઈ જશે.

તે માણસને ગોપાલ ઘરે લાવ્યો પણ તે માણસને ફરજા પાસે બેસાડી ગોપાલ બળદને અને ભેંસને ને નીરણ નાખવા લાગ્યો ને સફાઇ કરવા લાગ્યો ત્યાં બપોરનું ટાણું થઈ એટલે હાથ મો ધોઈ તે માણસ સાથે ઓસરીએ જમવા બેસ્યો. ગોપાલે રાધાને થાળી પીરસવા કહ્યું.

રાધા જમવાની થાળી લઈ બહાર આવી ને બંનેની પાસે થાળી મૂકી ત્યાં તેની નજર તે માણસના ચહેરા પર પડી. પહેલી નજરમાં તો સ્તબ્ધ થઈ ગઈ. આ તો મારો રામ છે. તે સામે નજર કરતી રાધાને ગોપાલ કઈ સમજી શક્યો નહિ. પણ તેણે બે વાર રાધા રાધા કહ્યું રાધા ભાનમાં આવી ને રસોડામાં જતી રહી. પણ ત્યાં તો આસુંની નદી વહેવા લાગી. હજુ તો રામ ની યાદ તેના હૃદયમાં હતી ત્યાં તો સામે રામના આવવાથી તે પાગલ જેવી થવા લાગી. ગોપાલને થોડો તો અંદાજ આવી ગયો કે આ માણસ સાથે રાધાનો કોઈ તો સંબંધ હશે પણ તેણે તે માણસ પર ધ્યાન આપ્યું તેને જમાડીને પેલી દવા અને એક લોટો છાસ પીવડાવી. અને જમી લીધા પછી ઓસરીએ ખાટલો ઢાળીને બપોરનો આરામ કરવા તેને સૂઈ જવાનું કહ્યું.

રાધાની નજર વારેવારે રામ પર પડી રહી હતી અને રામની આ હાલત જોઈ તે વધુ દુઃખી થઈ રહી હતી. તે પોતાના મનને કોચતી હતી કે મારા કારણે રામની આવી હાલત થઈ. રાધાનું આમ રામ ને જોયા કરવું ગોપાલ હવે કઈક તો સમજી રહ્યો હતો. પણ જ્યાં સુધી કોઈ કહેશે નહિ ત્યાં સુધી તેને ખબર પડે તેમ ન હતી. હવે ગોપાલ રાહ જોવા લાગ્યો કે રામ ઠીક થઈ જાય ને વાત કરે.

કોઈ પણ નશો ઉતારવા છાસ ઘણી કારગર સાબિત થાય છે તેમ રામ પર પણ કારગર સાબિત થઈ તે ઉઠ્યો એટલે સાવ ઠીક હતો. તેણે પહેલા પૂછ્યું હું ક્યાં છું ને મારી બા કયા છે.?

ગોપાલે કહ્યું તમે મારી ઘરે છો. અને તમે કહેશો તમે ક્યાં ગામથી છો એટલે હું તમને ત્યાં મૂકી જવ.

રામે કહ્યું હે પેલા ગામનો છું અને એક સાધુને ત્યાં ગયો હતો પછી ખબર નહિ મારું શું થયું ને હું ક્યાં પહોંચી ગયો.

ગોપાલે બધી વાત કરી અને કહ્યું તમે ચિંતા કરો નહિ આજે અહી રહો કાલે હું તમને તમારી ઘરે મૂકી જઈશ. અત્યારે તમે આરામ કરો હું ગામમાં થોડું કામ છે ત્યાં જઈ આવું. કહી તે બહાર ગયો.

ગોપાલ બહાર ગયો તરત રાધા રામ પાસે આવી. રાધા ઘૂંઘટમાં હતી અને રામ સાથે વાત કરી નહિ પણ રામ ને પાણી આપ્યું પછી કપડાં આપ્યા ને ન્હાવાનું કહ્યું. રામ કપડાં અને પાણી લઈ ભાઈ ને બહાર આવ્યો. રાધા જાણે તેની સેવા કરી રહી હતી. તેના ચહેરા પર હવે દુઃખ અને ચિંતાના વાદળો વિખરાઈ ગયા હતા.

ગોપાલ બધું છુપી રીતે જોઈ રહ્યો હતો તે સમજી ગયો કે મારી પત્ની રાધા પહેલા કોઈની હતી. પછી ગોપાલ ઘરે આવ્યો જોયું તો રામ તો પહેલા કરતા સરસ તેના કપડામાં લાગી રહ્યો હતો. અને ક્યાં રાધા પર નજર કરી તો તે તેની પત્ની રાધા લાગી રહી ન હતી. પહેલા ઉદાસ અને દુઃખી રહેતી રાધા આજે બહુ ખુશ દેખાઈ રહી હતી.

સાંજ પડી એટલે વાળું કરતી વખતે ગોપાલ રાધાને કહ્યું રાધા કાલે સવારે તૈયાર થઈ જજે આપણે મહેમાન ને તેના ગામ મૂકવા જવું છું. આ સાંભળીને રાધા નો ચહેરો ફિક્કો પાડવા લાગ્યો. પણ રામ ના ઘર સુધી રામ નો સાથ રહેશે તે ખુશી માં તે અત્યારનું દુઃખ ભૂલી. રામને ભરપેટ ભોજન કરાવતી રહી.

રાત પડી બધા સૂઈ ગયા. પણ રાધા ને ઊંઘ આવી રહી ન હતી. રામને પોતાનો ચહેરો બતાવવા માંગતી ન હતી અને રામ તારી રાધા હું છું. પણ કોઈની પત્ની છું એમ યાદ કરી તે રામ સામે જવાની હિમ્મત ન ચાલી. ગોપાલ બધું જોઈ રહ્યો હતો. ગોપાલને પણ ઊંઘ આવી રહી ન હતી, તો રામને બા ની ચિંતામાં તેને પણ ઊંઘ આવતી ન હતી. ત્યાં રાધાને ઊંઘ તો આવી પણ એક સપનું આવ્યું. જે સપનું તેનું સપનું હતું. જે હંમેશા જોઈ રહી હતી તેમ કહી શકાય.

સપનામાં સવાર પડી ગયું હતું ગોપાલે ગાડું જોડ્યું રામને ગાડામાં બેસાડ્યો. રાધા પણ શણગાર સજીને તે પણ ગાડામાં બેસી ગઈ પણ હજુ તે ઘૂંઘટમાં હતી. ગાડું ચાલતું કર્યું. અને બપોર પહેલા રામના ગામમાં ગાડું પહોંચી ગયું. ઘર સુધી ગાડું આવ્યું એટલે રામે નીચે જોયું તો બા મરવા પડયા હોય તેવી હાલત હતી પણ રામ ને જોઈને તેનામાં જીવ આવ્યો ને દોડીને રામને ભેટી પડયા.

ગોપાલે કહ્યું રાધા તમે પણ નીચે ઉતરો અને બા ના આશીર્વાદ લો. હજુ રાધા કઈ સમજી રહી ન હતી કે ગોપાલ આ બધું શું કરી રહ્યો છે. રાધા ગાડા નીચે ઉતરી અને સાથે ગોપાલ પણ બા પાસે પહોંચ્યો. અને બા ને કહ્યું.

બા આ તમારો ભૂલો પડેલો રામ અને મે તેને સહીસલામત પાછો અહી પહોંચાડી દીધો પણ એક બીજી અનામત પણ સોપવા હું આવ્યો છું.

ગોપાલે રાધાનો હાથ પકડી રામના હાથમાં આપ્યોને કહ્યું રામ આ તારી રાધા છે. જે હું તને સોંપું છું. આજથી રાધા મારી નહિ તારી છે. રાધાએ ઘૂંઘટ ઊંચો કર્યો ત્યાં રામ બસ તેને જોઈ રહ્યો.

પેલા રાધાએ ગોપાલનો આભાર માન્યો. ને રામને કહ્યું આમ મને જોયા ન કર, હું તારી રાધા જ છું અને હવે તારાથી દુર ક્યાંય નહિ જાવ. અને રામ... ચાલ બાને પગે લાગીને નવી જિંદગી શરૂ કરીએ.
બા બંનેને ભેટી પડ્યા ને તેને હરખના આસું આવી ગયા.

ત્યાં ગોપાલે સાદ કર્યો. રાધા સવાર પડી ગયું તો જાગી જાવ....
સપનામાંથી બહાર આવી અને ઉઠી દરવાજો ખોલીને જોયું તો ગોપાલ બહાર મો ધોઈ રહ્યો હતો ને રામ હજુ સુતો હતો. વિચારોમાં પડી ગઈ કે હું જે જોઈ રહી હતી તે સપનું હતું.

રાધા બહાર આવી મો ધોઈ શિરામણ બનાવવા બેસી ગઈ. સવારમાં એક બાજુ છાસ વલોવવા મૂકી અને બીજી બાજુ ચૂલે રોટલા મૂક્યા. બે રોટલા ચડ્યા એટલે સાદ કર્યો આવી જાવ શિરામણ તૈયાર છે. થાળીમાં રોટલો દહી માખણ મૂકી રસોડાની બહાર થાળી મૂકી. ગોપાલ રામને લઈ ઓસરી માં શિરામણ કરવા બેસાડ્યા. તે બહુ સવસ્થ હતો.

ગાડું જોડ્યું અને ગોપાલે રાધાને સાદ કર્યો.
અજી...સંભાળે છે તૈયાર થઈ ગઈ હોય તો બહાર આવી ગાડામાં બેસી જાવ. મોડું કરશો તો માથે સૂરજ આવી જશે.

ઓરડામાંથી રાધા બહાર આવી અને ગોપાલ ને ઈશારો કર્યો ઓરડામાં અંદર આવવા. ગોપાલને લાગ્યું કઈ કામ હશે એટલે તે ઓરડામાં ગયો.

પહેલી વાર ગોપાલનો હાથ રાધાએ પકડ્યો ને ઓરડાની અંદર એકબાજુ લઈ ગઈ. ને ગળે વળગી ગઈ.
મને માફ કરી દો સ્વામી હું તમારા પ્રેમને સમજી શકી નહિ. કહી રાધા ગોપાલને પગે પડી ગઈ.

ગોપાલ રાધાને ઉભી કરે છે.
પણ રાધા તારી ઈચ્છા હતી તે આજે હું પૂરી કરવા જઈ રહ્યો છું. આજે જો તારો રામ તને મળી ગયો છે. હું તમે રામની સાથે તેમના ઘરે મૂકવા જઈ રહ્યો છું.

રાધાની આંખમાં દડ દડ આસું વહેવા લાગ્યા. એક બાજુ તેનો પ્રેમ હતો તો એક બાજુ તેમનો પતિ હતો. પણ આજે પ્રેમ કરતા તેના પતિ નું પગલું ભારે લાગી રહ્યું હતું.
તમે રામ ને તેના ઘરે મૂકીને આવો અને મારા વિશે એક શબ્દ પણ કહેતા નહિ. મને આજે તમારું મહત્વ સમજાઈ ગયું છે. તમે રામ ને મૂકીને આવો આપણે આજથી નવી જિંદગી શરૂ કરીશું.

ગોપાલ ઘણું સમજાવે છે રાધાને પણ રાધા આવવા કે માનવા તૈયાર થઈ નહિ. રામ રાહ જોઈ રહ્યો હતો. એટલે ગોપાલ બહાર આવી રામને ગાડામાં બેસાડી બંને નીકળી પડ્યા. બપોર પહેલા તો રામના ઘરે ગાડું પહોંચી ગયું. સપનામાં જોયું હતું તેમ બા ઓસરી માં ખાટલો ઢાળીને સૂતા હતા. તે ઘણા દિવસથી બીમાર હતા. બીમાર પાડવાનું કારણ રામનું દૂર જવું હતું. રામના વિરહમાં તે બીમાર પડ્યા. સારું કે અબ્દુલભાઈ અને તેનો પરિવાર તેની સાળ સંભાળ રાખી રહ્યું હતું નહિ તો બા તો ક્યારના પરલોક પહોંચી ગયા હોત.

ગાડામાંથી રામ નીચે ઊતર્યો ને ઘરનો જાપો ખોલ્યો. ખોલવાના અવાજ ઉપરથી બા જબકી જાગી ગયા. આવી રીતે જાપો તો રામ સિવાય કોઈ ખોલતું ન હતું. મારો રામ તો નહિ આવ્યો હોય એમ કરી રડવા લાગ્યા.
રામ અંદર દાખલ થયો જોયું તો બા ખાટલામાં પડયા હતા. સાદ કર્યો.
બા ઓ....બા

અવાજ સાંભળી ને બા ઊભા થયા ઝીણી નજર કરીને જોયું તો રામ હતો. બાજુમાં પડેલ લાકડી લઈ ઊભા થવાની તૈયારી કરી ત્યાં ફરી તે ખાટલામાં પડી ગયા. ત્યાં રામ પહોંચી બાને ઉભા કર્યા ને બાને ભેટી પડ્યો. ગોપાલ બસ બા અને રામનો પ્રેમ જોઈ રહ્યો
તે પણ બાની નજીક જઈ તેમને પગે લાગ્યો. બા એ આશીર્વાદ આપ્યા. રામે ગોપાલ ની મદદ ની બધી વાત કરી. બા એ તેનો આભાર માન્યો. ગોપાલે પછી રજા લીધી અને ગાડું લઈ ઘરે પાછો ફર્યો.

બા રામને પાછો મેળવી ખુશ થઈ તબિયત પણ સારી થઈ ગઈ. અને રામ પણ રાધાની યાદો ભુલાઈ ગઈ હતી. તે હવે પહેલાની જેમ ખેતરનું કામ કરવા લાગ્યો.

ગોપાલ ઘરે આવ્યો એટલે રાધાએ તેની આરતી ઉતારી અને જિંદગીની નવી શરૂઆત છે આપણી કહી ગોપાલને પગે લાગી. રાધા પણ હવે ધીરે ધીરે રામને ભૂલીને ગોપાલને પ્રેમ કરવા લાગી. રાધા ગોપાલનાં પ્રેમમાં ડૂબવા લાગી હતી તો રાધાની આટલી બધી સેવા ચાકરી અને પ્રેમ જોઈ તે પણ રાધા પર ગર્વ કરવા લાગ્યો હતો. બંને સુખેથી રહેવા લાગ્યા.

એક દિવસ ગોપાલ વહેલો ઊઠી ગયો હતો ને ખેતર જવા ઉતાવળ કરી રહ્યો હતો. રાધા પણ જાગી ગઈ પણ તેને સવારનું કામ કરવાનું મૂડ થતું ન હતું. તેને મનમાં ચિંતા થઈ રહી હતી. કોઈ અઘટિત ઘટના થવાની હોય તેવું તેને લાગી રહ્યું હતું. તે ઉઠી તો ગઈ પણ ગોપાલ ને કહ્યું આજે મારું મૂડ નથી. ગોપાલે તેના કપાળ પર હાથ રાખી કહ્યું રાધા તારી તબિયત તો સારી છે. તો પછી આવું કેમ.?

ખબર નહિ રામ પણ આજે મારું મન તમને ખેતર જવાનું ના પાડી રહ્યું છે. આજે તમે ખેતર ન જાવ. ચિંતાના વાદળો છવાઈ ગયા હોય તે રીતે રાધા બોલી.

રાધ ને ગળે લગાવીને ગોપાલ કહ્યું. મને ખબર છે તું આજે મને ઘરે એટલા માટે રાખવા માંગે છે કે તું મને સારું ભોજન ખવડાવવા માંગે છે. મારી સેવા અને પ્રેમ કરવા માંગે છે. પણ રાધા ખેતર તો જવું પડશે. ખેતર નહિ જાવ તો આ ગાય ભેંસ માટે ચારો કઈ રીતે આવશે.

મારે કઈ સંભાળવું નથી બસ તમે આજે ખેતર નહિ જાવ એટલે નહિ જાવ.
ઓકે બાબા કહી ગોપાલ ઘરે રોકાઈ ગયો. પણ ચારા વગર ગાય અને ભેંસ ભૂખની મારી ખીલો કાઢવાની કોશિશ કરી રહી હતી. આ જોઈ ગોપાલે રાધાને કહ્યું જો રાધા મારા ઘરે રહેવાથી આ ગાય ભેંસ મરી જશે. મને જવાદે.

રાધાએ ભગવાનને પ્રાર્થના કરી. હે ભગવાન મારા ગોપાલનું ધ્યાન રાખજો. કહી ગોપાલને ખેતર જવા રજા આપી. પણ મન તો બેચેન હતું.

થોડો સમય થયો એટલે રાધાને કોઈ માણસ ઘરે આવી સમાચાર આપે છે કે ગોપાલ ખેતરમાં કામ કરી રહ્યા હતા ત્યાં એક સાપ આવી ને તેને ડંખ માર્યો છે ને તે જમીન પર પડ્યા છે. આ સાંભળી રાધા થોડી હોશ ખોઈ બેસી પણ પછી ભાન આવતા તે ખેતર તરફ દોટ મુકી.

ખેતર જઈ રાધા જૂએ છે. ઘણા માણસો ત્યાં આવી ગયા હતા ને ગોપાલની ફરતે ઊભા હતા. પાસે આવી જુએ તો ગોપાલ જમીન પર પડ્યો હોય છે. મો માંથી ફીણ આવી ગયા હતા. આખું શરીર લીલું પડી ગયું હતું. ચાર માણસો તેને ઉપાડી ઘરે લાવ્યા અને એક માણસ જલ્દી વૈદને બોલાવી લાવ્યો. વૈદ ગોપાલનો હાથ પકડી તેની નાડી તપાસી હાથ મૂકી દીધો ને કહ્યું ગોપાલ આ દુનિયાથી દૂર જતો રહ્યો છે.

રાધા સાંભળીને બેભાન થઈ નીચે પડી ગઈ. કોઈએ તેની પર પાણી નાખ્યું ત્યાં તે ભાનમાંથી બહાર આવી પણ તેના પતિના દેહ પર ચોધાર આસુંએ રડી પડી. કોઈએ રાધાના પિતાજીને સમાચાર મોકલ્યા. થોડી કલાકમાં તે આવી પહોંચ્યા અને ગોપાલની વિધિ કરી સ્મશાનમાં તેને અગ્નિદાહ આપી ઘરે આવ્યા.
રાધાના પિતાજી થોડા દિવસ ત્યાં રોકાયાને પછી રાધાને સાથે આવવા કહ્યું પણ રાધા આવવા ત્યાર થઈ નહિ. તેના પિતાજી રાધાની જીદ આગળ પાછળ પડ્યા ને તે એકલા તેના ગામ જવા નીકળી ગયા.

રાધા ઘરે એકલી રહી હતી. થોડા દિવસ તો ગાય ભેંસ અને ઘરના કામમાં તેને ખબર પડી નહિ ને થોડા દિવસો જતા રહ્યા. પણ હવે એકલતા તેને કોરી ખાવા લાગી. તેને હવે ગોપાલ યાદ આવવા લાગ્યો હતો. જો દિવસ પસાર થાય તો રાત ન થાય ને રાત પસાર થાય તો દિવસ થાય નહિ. હવે દિવસ પણ વર્ષ જેવા લાગવા લાગ્યા હતા. શું કરવું તે ખબર પડતી ન હતી. વિચાર આવ્યો કે પિતાજી સાથે જતી રહી હોત તો આવી એકલતા જીવવાનો વારો ન આવેત્ત. પણ આવા વિચારો કરતા કરતા વધુ થોડા દિવસ નીકળી ગયા.

એક દિવસ રાધા એ તેના પિતાજીને સમાચાર મોકલ્યા અને કહેવામાં આવ્યું કે હું ત્યાં આવવા માંગુ છું. બીજે દિવસે તેના પિતાજી ગાડું લઈને આવ્યા તેને તેનો બધો સામાન લઈ લીધો. ગાય અને ભેંસ પાડોશી ને આપી દીધા. અને આખું મકાન ને તાળું મારી તે તેના પિતાજી સાથે નીકળી પડી.

સંજોગ બનવાના હશે તેમ તે ગાડું રામના ગામ પાસેથી પસાર થયું. ગાડામાં સફેદ સાડીમાં રાધા બેઠી હતી. ત્યાં સામેથી રામ ખેતરથી પાછો ફરી રહ્યો હતો. રામનાં ગામથી રાધા સારી રીતે વાકેફ હતી એટલે તે આજુબાજુ નજર કરવા લાગી. ત્યાં તેની નજર સામેથી ગાડું લઈને આવતા રામ પર પડી. જૂની યાદો તાજી થઈ ગઈ. રામ બાજુમાંથી પસાર થાય છે. પણ રામ રાધાને જોઈ શકતો નથી. હા તેની નજર રાધાના પિતાજી પર ગઈ હતી પણ તેમની નજર રામ પર પડી નહિ એટલે રામે તેને પ્રણામ ન કર્યા. ત્યાં બંને ગાડા ઓ એક બીજાથી ઘણા દૂર નીકળી ગયા.

પિતાજીના ઘરે રાધા આવી તો ગઈ પણ તેને રામનો ચહેરો નજર તરફ આવવા લાગ્યો. તે ફરી ગમગીન થઈ ને રહેવા લાગી. તેમના પિતાજીને લાગ્યું કે ગોપાલના મૃત્યુના કારણે તે નિરાશ થઈ ગઈ છે. પિતાજીની નજરમાં રામ બહુ દૂર નીકળી ગયો હતો. હવે વિધવાની જેમ રહેનારી રાધા ધીરે ધીરે બધાને બોજ લાગવા લાગી હતી. તેનું ઘરે જ રહેવું હવે બધાને ગમતું ન હતું. એક પિતાજી હતા જે રાધાને પ્રેમ કરતા હતા.

રાધા હવે તેના પિતાજીના ઘરે ઘૂંટ ઘૂંટથી જીવી રહી હતી. પહેલા તો વિચાર આવ્યો કે આત્મહત્યા કરી લઉ પણ આત્મહત્યા કરવાનો જીવ ચાલ્યો નહિ એટલે રાધાએ હિમ્મત કરી તેના પિતાજીને વાત કરવાનું નક્કી કર્યું. એકલા બેઠેલા પિતાજી પાસે રાધા આવીને રડવા લાગી. પિતાજીને કહેવા લાગી હવે મારાથી આવી જીંદગી જીવી શકાતી નથી. તેના પિતાજી સમજી ગયા કે રાધાને બીજે પરણાવવી પડશે. પણ તે સમય અને તે ગામમાં રિવાજ હતો કે વિધવાને આજીવન એકલું રહેવું અથવા ક્યાંય દૂર નીકળી જવું. જો કોઈ સામેથી લગ્ન કરવા માટે આવે તો તેની સાથે લગ્ન થઈ શકે. પણ રાધા તો ઘરની બહાર જાય તો ક્યાં જાય, આત્મહત્યાની હિમ્મત ચાલતી ન હતી. કે સામેથી કોઈ રાધા સાથે લગ્ન કરવા કોઈ તૈયાર હતું નહિ અને રામને રાધા સામેથી કહેવા માંગતી ન હતી. રાધા હવે પુરે પુરી મુંજવણમાં મુકાઈ ગઈ હતી.

એક દિવસ તો રાધા પોતાનો સામાન લઈ નીકળી ગઈ. પહેલા વિચાર આવ્યો કે રામને ત્યાં જતી રહુ. પણ વિચાર આવ્યો કે આ વિધવાને તે અપનાવશે નહિ તો. અને કદાચ તેના લગ્ન થઈ ગયા હશે તો. રાધા અજાણ્યા રસ્તે નીકળી પડી. પહેલી વાર રાત્રે અને વિરાન રસ્તે નીકળી હતી. ચિંતા હતી ક્યાં જઇશ અને ક્યાં રહીશ સાથે ડર તો ઘણો લાગી રહ્યો હતો. તે તો ચાલતી રહી. પૂનમ હતી એટલે રસ્તો થોડો દેખાઈ રહ્યો હતો પણ તે તો જંગલ તરફ જઈ રહી હતી.

ચાલતી ચાલતી થાકી ગઈ એટલે જમીન પર પડી ગઈ ને ઊંઘ આવી ગઈ. જ્યારે જાગી ને જુએ છે તો તે એક ગુફાની અંદર હોય તેવું દેખાય છે. આજુબાજુ નજર કરી તો ચાર પાંચ બંદૂક ધારી માણસો ઊભા હતા. બધાએ કાળા કપડાં પહેર્યા હતા. મોટી મોટી મૂછો હતી. જો રાત્રે કોઈ જોઈ જાય તો ડરી જાય તેવું ડરાવનુ રૂપ હતું બધાનું. આ જોઇને રાધા ડરી તો ગઈ પણ ધ્રુજવા પણ લાગી હતી.

રાધાની તેમાંથી એક માણસ ત્યાં આવ્યોને તેની બાજુમાં નાસ્તો મૂક્યો. નાસ્તા પર નજર પડી એટલે તે સમજી ગઈ કે હું ડાકુઓ ના રહેઠાણ પર છું. નસીબ પણ તેની જિંદગી મૂકીને તે ઉભી થઈ. રાતે ઘણું ચાલીને થાકી ગઈ હતી એટલે ભૂખ બહુ લાગી હતી. એટલે કોઈ સ્વાદ હતી નહિ તો પણ તે બધું ખાઈ ગઈ. તે ઉભી થઈ પણ શું કરવું અને બધાને શું કહેવું તે સમજ પડતી ન હતી. પણ એક બેસવાનો મોટો પથ્થર હતો ત્યાં જઈ બેસી ગઈ. રાધા ત્યાં બેસી ગઈ એટલે ત્યાં ઉભેલા ચાર માણસો બહાર હતા રહ્યા.

આ બાજુ રાધાના પિતાજી ઊઠીને ખબર પડે છે કે રાધા ઘરેથી નીકળી ગઈ છે. ઘરે બધાને ખબર હતી પણ તેના પિતાજી સિવાય કોઈને રાધાની ફિકર હતી નહિ. પિતાજી એ સાથે એક માણસને લઈ રાધાની શોધખોળ શરૂ કરી. આજુબાજુના ગામડાઓમાં તપાસ કરી પણ ક્યાંય તેની ભાળ મળી નહિ. સાંજે થાકીને પિતાજી ઘરે આવી ગયા. બીજે દિવસે ફરી શોધખોળ કરવા નીકળી પડ્યા. આ વખતે તે જંગલ તરફ શોધખોળ કરવા નીકળી પડ્યા. જંગલમાં અંદર સુધી રાધાની શોધખોળ કરી પણ ત્યાં પણ સાંજ પડી તોય તેની ભાળ ન મળતાં રાધાના પિતાજી અને સાથે ગયેલ માણસ પાછા ફર્યા અને તે નહિ મળે તેવી આશા છોડી દીધી.

રાધા તે પથ્થર પર હજુ બેસી હતી. ત્યાં પેલા ચાર માણસો અને તેની સાથે એક ઊંચો, લાંબી મૂછો અને દાઢી વાળો એક માણસ તેની સાથે આવ્યો. એવું લાગ્યું કે તે માણસનો સરદાર હશે. તે જેમ જેમ રાધાની નજીક આવી રહ્યો હતો તેમતેમ રાધા વધુ ડરી રહી હતી. તેને કઈક કરી દેશે તે ડર સતાવવા લાગ્યો. શું કરવું ખબર પડી રહી ન હતી. અહીંથી ભાગવું રાધા માટે મુશ્કેલ હતું. તે સરદારે પાસે આવીને રાધાનો હાથ પકડ્યો.

રાધાનો હાથ પકડીને તે સરદાર બોલ્યો બહેન તું ક્યાંથી આવે છે ને ક્યાં જઈ રહી હતી. ? બહેન નું નામ સાંભળીને તો રાધાનો બધો ડર જતો રહ્યો.

રાધા ઉભી થઇને તે સરદાર સામે નજર કરી. ભયાનક લાગતો આ સરદાર અંદરથી દયાળુ હોય તેવું તેની એક મુસ્કાન પરથી લાગ્યું. હવે રાધાને તેના પર વિશ્વાસ મૂકવા સિવાય કોઈ છૂટકો હતો નહિ. એટલે રાધાને હવે બહેન કહેવાથી એક વિશ્વાસ પણ થઈ ગયો હતો. પણ શું કહેવું તે ખબર પડતી ન હતી. રાધાને વિચારતી જોઈ વડાએ કહ્યું બહેન જે કઈ ચિંતા કે દુઃખ હોય તે બેઝિઝક કહી દે અમે તારી બનતી બધી મહેનત કરીશું.

કોઈ દિલાસો આપી રહ્યું હોય તેવું રાધાને લાગ્યું. તે સરદારને જોઈ તેને તેના પિતાજી યાદ આવી ગયા. એક વિશ્વાસ બેસ્યો એટલે રાધાએ કહ્યું હું તે ગામની દીકરી છું. પ્રેમ ને હું પામી શકી નહિ ને પતિ મારા જીવન માંથી દૂર જતા રહ્યા છે. રહી વાત મારા ઘરની તો ત્યાં હું બોઝ હતી એટલે ન છૂટકે મારે બહાર ભટકવા નીકળવું પડ્યું.

આ સાંભળીને પેલા સરદારે રાધા પર હાથ મૂકીને કહ્યું દીકરી રાધા અમે તને સારી સગવડ તો આપી નહિ શકીએ પણ જો તારે અહી રહેવું હોય તો રહી શકે છે. અહી બધા તારા ભાઈઓ માનજે. અમે ભલે લૂંટારા રહ્યા પણ ક્યારે બહેન દીકરી ની રક્ષા કાઢે અમે શહીદ થવા ક્યારેય પાછી પાની કરીએ નહિ. તો પછી નજર બગાડવાની ક્યાં વાત આવી.
બધા માણસો રાધા પાસે આવીને બોલ્યા હા બહેન અમે તારા બધા ભાઈઓ છીએ. જો તું અહી રહીશ તો અમારું જમવાનું બનાવવાની માથાકૂટ માંથી મુક્તિ મળશે કહી હસવા લાગ્યા.

રાધા પણ હસી એટલે બધા સમજી ગયા કે રાધા હવે અહી રહેશે ને આપણા બધા માટે રોજ રસોઈ બનાવી આપશે. રાધાએ બધા સામે જોઈ કહ્યું ભલે ભાઈઓ મને જ્યાં સુધી ગમશે ત્યાં સુધી રહીશ કહી રાધા રસોડાનું કામ કરવા લાગી ગઈ.

થોડા દિવસ રાધાને બધું અજાણ્યું અને અણગમતુ લાગ્યું પણ આની સિવાય બીજો કોઈ રસ્તો ન હતો એમ માનીને મન અહી પરોવી લીધું ને ધીરે ધીરે તે આ જગ્યા અને માણસો સાથે સેટ થવા લાગી. રાધાનું રોજ નું કામ સવારે, બપોરે અને સાંજે બધા માટે રસોઈ બનાવવાની. પણ બધા માણસો ત્યાં દિવસે ત્યાં જ હોય છે એટલે રાધાની મદદ કરતા. એમાથી કોઈ પાણી લાવતો તો કોઈ વાસણ સાફ કરી આપતો તો કોઈ સાફ સફાઈ એટલે રાધા ને બહુ કામ રહેતું નહિ પણ જ્યારે બધા ડાકુઓ લૂંટ કરવા રાતે નીકળી પડે ત્યારે રાધા સાવ એકલી થઈ જતી અને આ વિરાન ગુફામાં તેને ડર બહુ લાગતો તેને રાત્રે ઊંઘ પણ આવતી ન હતી.

દિવસે રાધાનું થાકી જવું, આખો લાલ થઈ જવી અને સુસ્તી રહેવું આ જોઈ ડાકુઓનો સરદાર સમજી ગયો કે રાધાને રાત્રે ઉંઘ નહિ આવતી હોય એટલે તે પાસે જઇ રાધાના માથા પર હાથ મૂકીને કહ્યું બેટી તને અહી ગમે તો છે ને. ? તારો ચહેરો જોઈ એવું લાગે કે રાત્રે તને ઊંઘ નહિ આવતી હોય.

રાધા આખો ચોળતી બોલી હા રાત્રે ઊંઘ નથી આવતી. રાત્રે આ જગ્યા મને ડરાવી રહી છે. મને કઈ ખબર પડતી નથી. જો આવી રીતે રહીશ તો હું બીમાર પડી જઈશ એ કરતા તમે કઈક કરો.

સારું બેટી રાત્રે તું અમારી સાથે આવતી જજે જેથી અમને તારી મદદ મળી રહેશે ને તારી રાત પણ અમારી સાથે વિતી જશે. રાધા સામે હમદર્દી આપતા સરદારે કહ્યું.

સાંજ પડી એટલે જમવાનું બધાને આપીને રાધા તેના સફેદ કપડાં ઉતારી ને કાળા કપડાં પહેરી લીધા અને હાથમાં બંદૂક લઈ બધાની સામે આવી ને બોલી
"કોઈ હલસો નહિ, નહિ તો બધાને ફૂકી મારીશ"
તમારી પાસે જે હોય તે મને આપી દો.
હું કોણ રાધા ડાકુ..

બધા તો ઊભા થઈ ખડખડાટ હસવા લાગ્યા પણ સરદાર ઉભો થઇ રાધાને શાબાશી આપી.
શાબાશ બેટી હવે તું અસલ ડાકુ.
આજે રાત્રે આવી જા અમારી સાથે લૂંટ કરવા.

રાધાની જીંદગી બદલાઈ ગઈ હતી. પેલા પ્રેમ કરનારી રાધા હતી પછી ઘર ચલાવવા વાળી રાધા અને આજે નવા રૂમમાં આવી ગઈ હતી. આના નશીબ નો દોષ કે તેના કર્મ નો. પણ આખરે પહેલા કરતા રાધા ખુશ રહેવા લાગી હતી. કારણ કે તેને કોઈ હવે પ્રેમ કે અપેક્ષા રહી ન હતી. બસ ગમે તેમ કરી જીંદગી પૂરી કરવા માંગતી હતી. હવે તેના જીવનમાં પ્રેમ શબ્દ ભૂસાઈ ગયો હતો.

રાધા તો તે રાત્રે બધાની સાથે લૂંટ કરવા નીકળી પડી. તેમનો એક માણસ ને ત્યાં ગુફાનું ધ્યાન રાખવા રાખી દીધો અને તેનો ઘોડો રાધાને આપ્યો. રાધા પહેલી વાર ઘોડા પર બેસી. જો સાથે મજબૂત માણસ ઉભો હોય તો ગમે તે કાર્ય કરવાની હિંમત પણ આવી જાય છે. તેમ રાધાને પણ હિમ્મત આવી ગઈ. તે જાતે ઘોડા પર બેસી સવારી કરવા લાગી. પણ જિંદગીમાં ક્યારેય કોઈ પાસે થી એક વસ્તુ માંગી ન હતી તે આજે લૂંટ કરવા નીકળી પડી. થોડો ગભરાટ હતો પણ આ જ છે મારી જિંદગી એમ માની લીધી.

ઘોડા લઈ પાંચ અને એક રાધા થઈ છ ડાકુઓ પદડક પડદક ગામડા તરફ દોટ મૂકી. હવે આ ડાકુઓ ની એક નિયમ હતો કે જો ગામમાં પ્રવેશ કરતા કોઈ ગાય કે કોઈ છોકરી સામે આવી જાય તો તે ગામમાં લૂંટ કરતા નહિ ને તે બીજા ગામમાં લૂંટ કરવા નીકળી જતા. આવી રીતે આજે પણ એક ગામમાં જતા બન્યું. એક છોકરી ગામના પાદરમાં સામી મળે છે. છોકરી ને જોઈ બધા લૂંટારુઓ પાછા ફરે છે. ત્યારે રાધા આ જોઇને નવાઈ લાગી એથી નવાઈ આ ડાકુઓની નીતિ લાગી. એટલે વડાને રાધાએ પૂછ્યું આપણે પાછા કેમ વળ્યા.?

ત્યારે તે સરદાર તેની નીતિ કહે છે. એક તો બહેન દીકરી ને નથી લૂંટતા કે નથી તેના પર નજર બગડતા. અને જે ગામમાં લૂંટ કરવા જઈએ તે ગામમાં સામે જો ગાય કે દીકરી મળે તો ત્યાં લૂંટ પણ નથી કરતા. લૂંટ અમે એવો લોકોની કરીએ છીએ જે ભોળી પ્રજાને લૂંટતા હોય, કંજૂસ હોય, બહુ ધનવાન હોય તેવો ને ત્યાં લૂંટ ચલાવી એ છીએ નહિ કે ગરીબ ને ત્યાં.

આજે રાધાને ખબર પડી કે લૂંટારૂ પણ આટલી નીતિ વાળા હોય છે. એટલે મનમાં એક પ્રશ્ન ઉદભવ્યો એટલે સરદારને રાધાએ કહ્યું હું એક સવાલ કરી શકું.?

હોંકારો કર્યો ને મો હલાવી તે સરદારે કહ્યું જરૂર બેટી.

તમે આટલા સજ્જન પુરુષો છો તો પછી લૂંટ કરવા કરતાં મહેનત કરીને જીવન જીવવું સારું નહિ. લૂંટ કરીને નામ પણ ખરાબ થાય ને પાપ પણ થાય.

સુંદર પ્રશ્ન કર્યો બેટી તે. તો સાંભળ જો અમે લૂંટ ન ચલાવીએ તો એ ગામ અને લોકો ને લૂંટારાઓ વધુ તેમને લૂંટવા લાગે. અને કોઈ ડર વગર તે લોકો પર ત્રાસ ગુજારવાના લાગે. અમીર વધુ અમીર બનતો જાય ને ગરીબ વધુ ગરીબ. અને અમે લૂંટ તો પુરે પુરી કરી છીએ અમરે જરૂર હોય તેટલું રાખીએ બાકીનું ગરીબોને વહેચી દઈએ. આ અમારું લૂંટારાઓ નું કામ આમાં કઈ ખોટું હોય તો કહે દીકરી.

ઘોડાની લગામ ખેચી અને બધાને કહ્યું ચાલો બીજા ગામ તરફ નહિ તો સવાર થઈ જશે અને કોઈ લૂંટ નહિ થાય. એક સાથે બધા પેલા ગામ નીકળી પડ્યા.

એક ગામમાં પ્રવેશ કર્યો. ગામને ફરતે ચક્કર મારવા લાગ્યા પણ કોઈ વેપારી કે પૈસાદારનું મકાન જોવા મળ્યું નહિ. પછી તે ગામમાંથી પણ બધા પાછા ફર્યા. હવે મધ્ય રાત્રિ થઈ ગઈ હતી. જો વધારે મોડું થશે તો બધાને ખાલી હાથે પાછું ફરવું પડે તેમ હતું એટલે ઘોડા બીજી દિશા તરફ વાળ્યા.

થોડે દૂર એક નાનું ગામ હતું. તે ગામ ફરતે એક ચક્કર માર્યો પણ ઝુપડી સિવાઈ કોઈ મકાન દેખાયું નહિ એટલે નિરાશ થઈ બધા પાછા ફર્યા. ગુફામાં આવી બધા થોડી વાર પહેલા બેઠા. ત્યાં કોઈ એક બોલ્યો આવું પહેલી વાર બન્યું કે આપણે ખાલી હાથે પાછા ફર્યા છીએ. રાધા સમજી ગઈ કે તેનો ઈશારો મારી પર છે. એટલે તેની પાસે જઈ કહ્યું ભાઈ જો હું તમારા માટે અનલક્કી હોય તો હું આ જગ્યા છોડી ને જતી રહી.

સરદાર બંને પાસે આવીને કહ્યું કે થયું તે ભૂલી જાવ. કોઈને દોષી માનવું યોગ્ય ન ગણાય. રોજ રાત પડે છે. આજે ખાલી હાથે આવ્યા તો કાલે કઈ હાથ લાગશે. બધા થાક્યા હશો ચાલો સૂઈ જાવ બધા કહી વડો તેની પથારી તરફ જઈ સૂઈ ગયો.

ફરી બીજી રાતે તૈયાર થઈ બધા લૂંટ કરવા નીકળી ગયા. એક ગામ પાસે આવ્યા ને નક્કી કર્યું આ ગામમાં લૂંટ ચલાવી. બધાએ હા પાડી પણ રાધા કઈ બોલી નહિ તે ચૂપ રહી. ચૂપ રહેવાનું કોઈએ કારણ જાણ્યું નહિ ને એક મોટા મકાન પર જઈ લૂંટ ચલાવી. બે મકાનની બહાર પહેરો કરવા લાગ્યા તો ત્રણ અંદર ગયા ને બધાને જગાડી બંદૂક બતાવી ડરાવ્યા. બધા ડરીને પોતાની પાસે રહેલા પૈસા અને દાગીના આપી દીધા. ત્યારે ત્રણ માંથી કોઈએ દૂર ઉભેલી રાધાને સાદ કર્યો પણ રાધા ત્યાં તેમની પાસે ગઈ નહિ પરંતુ દૂર જતી રહી. એક ને ગુસ્સો આવ્યો તેને બંદૂક પછાડી પણ સરદારે તેને ચૂપ રહવા કહ્યું. લૂંટ ચલાવી ત્રણેય બહાર આવ્યા. રાધા બહાર ઉભી હતી ત્રણ માંથી કોઈએ રાધાને બોલાવી નહિ ને ચૂપચાપ ગુફા તરફ નીકળી ગયા.

ગુફામાં બધા આવી ગયા. તેમનો એક માણસે લૂંટ થયેલી બધી વસ્તુ એક પેટીમાં મૂકી અને એક બાજુ બેસી ગયો. બીજો ત્યાં બેસી તો ગયો પણ તે બંદૂક પછાડવા લાગ્યો. તેની બાજુનો પણ તેની સાથે સાથે બંદૂક પછાડવા લાગ્યો.
સરદાર ઉભો થયો. આટલો બધા ગુસ્સાનું કારણ જાણી શકું.?

એક ઉભો થયો ને બોલ્યો પૂછો તમારી દીકરી રાધાને.!!
રાધા એ એવું તો શું કર્યું. આશ્ચર્ય થી સરદારે કહ્યું.
રાધા સમજી ગઈ એટલે ઉભી થઈ ને બોલી. ભૂલ મારી હતી લૂંટ સમયે હું તેમનો સાથ આપવા ગઈ નહિ. પણ હું કેમ મદદ કરવા જાઉ.

કેમ એવું તે ત્યાં શું હતું કે તું અમારી મદદ કરી શકે તેમ ન હતી. જોર થી બંધુક પછાડી પેલો માણસ બોલ્યો.
લાગી રહ્યું હતું કે તે માણસ કા ઝગડો કરશે કા તો તે રાધાને કાઢી મૂકશે પણ વડાને કારણે તે ચૂપ રહ્યો ને પોતાનો ગુસ્સો બંદૂક પર ઉતારતો હતો. અને રાધાના છેલ્લા જવાબ ની રાહ જોઈ રહ્યો હતો.

સરદાર વચ્ચે પડ્યો ને ફરી રાધાને કહ્યું રાધા દીકરી ચોખવટ કર તો સમજાય તું આપણા માણસો ની કેમ મદદ કરી નહિ. આપણે કોઈને મારવા તો ગયા ન હતા ખાલી લૂંટ કરવા તો ગયા હતા.

રાધા ને ચોખવટ કરવી ન હતી પણ જો ન કહે તો ઝગડો થઈ શકે તેમ હતો એટલે ઉભી થઈ ને બોલી. આપણે જે મકાનમાં લૂંટ ચલાવી તે મકાન કોઈ બીજાનું નહિ પણ મારા પિતાજીનું હતું.
આ સાંભળીને બધા ઊભા થઈ ગયા. બંદૂક પછાડી રહેલો માણસને ઘણું દુઃખ થયું જાણ્યા વગર આટલો રાધા પર ગુસ્સો કર્યો. તેજ માણસ રાધા પાસે આવીને માફી માંગવા લાગ્યો. બહેન મને માફ કરી દે મે તારા પર આટલો ગુસ્સો કર્યો. પણ બહેન લૂંટ કરતા પહેલા અમને કહ્યું હોત કે આ ગામ મારું છે અને જે મકાન ની લૂંટ કરી રહયા છીએ તે મારા પિતાજી નું છે.

કઈ રીતે કહેત તમને પહેલા દિવસે ખાલી હાથે આવ્યા ને બીજા દિવસે પણ ખાલી હાથે પાછા ફર્યા હોત તો તમે બધા મને બોઝરૂપમાં ગણતરી કરેત અને કદાચ મને તમે અહીથી કાઢી પણ મુકેત એટલે હું કહી બોલી નહિ.

સરદારે રાધા પર હાથ મૂકીને કહ્યું બેટી અમને તારા પર ગર્વ છે. અમે ભાગ્યશાળી છીએ કે અમને એક બહેન મળી જે સાક્ષાત દેવી રૂપ. અને તારી પર હવે કોઈ ગુસ્સે નહિ થાય અને તું જે કહીશ તે બધા માનશે.

આવી રીતે રોજ નહિ પણ જરૂર હોય ત્યારે બધા સાથે મળીને લૂંટ ચલાવવા જતા. જો મોટી લૂંટ મળી ગઈ હોય તો ઘણા દિવસ સુધી તે લૂંટ ચલાવવા જતા નહિ. અને બધું પૂરું થઈ જાય પછી તે લૂંટ ચલાવવા નીકળી જતા.

એક દિવસ લૂંટ નો સામાન પૂરો થઈ ગયો હતો એટલે બધાએ આજે રાત્રે લૂંટ પર જવાનું નક્કી કર્યું. તે રાત્રે કોઈ આયોજન વગર નીકળી પડ્યા. ઘોડા જે બાજુ વળ્યા તે બાજુ લૂંટ ચાળવવા ઉપડ્યા. તે દિવસે અમાસ ની રાત હતી ઘણું અંધારું હતું. જે જે વચ્ચે ગામ આવી રહ્યા હતા તે ગામમાં પહેલા લૂંટ ચલાવી હતી એટલે આગળ આગળ નીકળી પડ્યા. આખરે એક ગામ દૂર થી નજર પડ્યું ત્યાં થોડો દીવાનો પ્રકાશ દેખાઈ રહ્યો હતો. ત્યાં વચ્ચે નદી આવી ઘોડાને તરસ લાગી હતી એટલે પાણી પીવા લાગ્યા.

દૂર થી કોઈ મોટું મકાન દેખાઈ રહ્યું ન હતું પણ તે આ ગામમાં પહેલી વાર લૂંટ ચલાવવા આવ્યા હતા. એટલે મન બનાવી લીધું કે આ ગામમાંથી જ લૂંટ ચલાવી છે. ગામની અંદર પ્રવેશ કર્યો. ગામ બીજા ગામ કરતા ઘણું નાનું હતું. પહેલી વાર આ ગામમાં આવવાથી બધી શેરીઓ થી વાકેફ હતા નહિ એટલે પહેલા બધી શેરીઓમાં ધીરે ધીરે ઘોડા ચલાવી શેરીઓ જોઈ અને તે પણ જોયું કે કયું ક્યું મકાન મોટું છે જેમાંથી લૂંટ કરી શકાય.

ગામને ચક્કર મારી ફરી બધા ગામને પાદર આવ્યા ને વડાને વાત કરી કે આ ગામમાં કોઈ પૈસાદાર તો લાગતું નથી પણ એક ઘર છે જેમાંથી આપણ ને થોડો માલ મળી શકે છે. વડાએ તે મકાનની લૂંટ ચલાવવા હા પાડી પણ પહેલા વાત સંભાળવા કહ્યું. આ ગામ અજાણ છે એટલે એ ગામમાં આપણો સામનો કરવા પણ કોઈ હોઈ શકે એટલે સાવચેતી થી આપણૅ લૂંટ ચલાવવાની છે. એક પાદરમાં પહેરે દારી કરશે. બે મકાન ની બહાર ઊભા રહી આજુબાજુ નજર કરશે અને બાકીના મકાન માં લૂંટ કરવા જશે.

બે પાદરમાં ઊભા રહ્યા બે તે મકાનની ડેલીએ ઊભા રહ્યા ને બાકીના ટપીને મકાનની અંદર પ્રવેશ કર્યો. રાધા પણ તેની સાથે અંદર આવી. મકાનમાં જોયું તો બે માણસો ઓસરીમાં સુતા હતા. એટલે રાધા અને એક માણસ પેલા સૂતેલા માણસ પાસે જઈ બંદૂક સામે તાકીને કહ્યું. જે કોઈ સામાન હોય તે આપી દો નહિ તો અહી તમને ફૂકી મારવામાં આવશે. પાસે કોઈ સૂતેલો માણસ ઉઠ્યો નહિ પણ રાધા જેની સામે બંદૂક તાકી હતી તે જાગી ગયો. તે ડરનો માર્યો ઉભો થયો ત્યાં કોઈએ બતી લઈ તેની સામે કરી. ત્યાં તો બંને ની આંખો મળી. રાધા ની સામે બીજું કોઈ નહિ તેનો પ્રેમ રામ હતો. રામને જોઇને બંદૂક નીચે પડી ગઈ. રામ પણ રાધાની આંખો ને જોઈ રાધાને ઓળખી ગયો પણ તે સમજી શક્યો નહિ ને તે બેહોશ થઈ પથારીમાં પડી ગયો.


રાધાનાં હાથમાંથી બંદૂક પડી જવી અને પેલા માણસ નું બેભાન થઈ જવું કોઈ સમજી શક્યું નહિ. હવે આ વખતે રાધાને પૂછ્યા વિના કોઈ કઈ કરવા માંગતા ન હતા. એટલે સરદાર જ રાધા પાસે આવ્યો ને પૂછ્યું. બંદૂક કેમ નીચે પડી ગઈ.? તારું કોઈ જાણીતું છે.
રાધાના મો માંથી શબ્દ નીકળ્યો ના. આ શબ્દ પાસે સુતેલી ઘરડી બા જાગી ને બોલી કોણ રાધા આવી છે.

કોણ રાધા આવી છે. આ સાંભળી ને બધા ચોંકી ઉઠ્યા. સરદારે રાધા પર નજર કરી તો આંખોમાંથી દડ દડ આસું વહેવા લાગ્યા. થોડી વાર તો રાધા અફસોસ કરવા લાગી. હું તે ઘર લૂંટવા આવી છું જે ઘર એક પ્રેમ નું પ્રતિક રહ્યું છું. રાધા નું મો પડી ગયું. શું બોલવું તે ખબર પડી નહિ. ત્યાં રામ હોશ માં આવી ઉભો થયો ને ફરી નજર રાધા પર કરી. એક નજરે રાધા ને જોઈ રહ્યો. રાધા તું અહી અને એક ડાકુના રૂપમાં.!!!
વાહ ભગવાન શું તારી કરામત છે. જેની પાછળ હું પાગલ થયો આજ તે એક ડાકુ બની ગઈ છે.

રાધાના આંખો માંથી ગંગા યમુના વહેવા લાગી હતી. રામ ના સવાલોના જવાબ તેની પાસે એક પણ હતા નહિ અને શું કરવું તે પણ ખબર પડતી ન હતી. ત્યાં બાજુમાં ઉભેલો સરદાર પણ આ બધું જોઈ રહ્યો હતો. લૂંટ કરવી કે જતું રહેવું કઈજ ખબર પડતી ન હતી. બસ ચૂપ રહેવું તેને યોગ્ય લાગ્યું.

ત્યાં ડેલી બહાર થી આવાજ આવ્યો એ...જલ્દી કરો નહિ તો ગામ જાગી જાશે. રાધાના કાને અવાજ સંભાળ્યો તે ભાનમાં આવી . હું તો ડાકુ છું મારે પ્રેમ નું કોઈ મહત્વ નથી હોતું. તે ત્યાં ઓસરી ઉતરી ત્યાં બા નો અવાજ આવ્યો બેટી રાધા રામ ને બીજી વાર પાગલ બનાવતી નહિ, નહિ તો ગઢપણ માને સાચવવા કોઈ નથી. જતી વખતે બા ના શબ્દો રાધાને વાગી ગયા.

બહાર આવી ઘોડા પર બેસીને પવન વેગે ઘોડો દોડાવ્યો ને ગુફામાં આવીને તેની પથારી પર પડીને ચોંધાર આસું એ રડવા લાગી. પાછળથી બધા ત્યાં આવ્યા પણ રાધાને શાંત કરવાની કોઈની હિમ્મત ચાલી નહિ. એક માણસ રાધા તરફ આગળ થયો ત્યાં વડા એ તેને રોક્યો ને કહ્યું તેને રડવા દે. રાધા અત્યાર સુધી સહન કરતી આવી છે એનું દુઃખ ક્યારેય બહાર આવવા દીધું નથી આજે તેને મન ભરીને રડવા દો.

સવાર થયું એટલે બા નું રટણ રટવા લાગી. બસ મારે મારી રાધા જોઈએ. નહિ તો હું મરી જઈશ. મારે રાધાનું મો જોવું છે. રટણ કરતા કરતા રડવા લાગ્યા.
બા ની પાસે રામ આવી ને તેના આસું લૂછ્યા ને કહ્યું બા તે રાધા નહિ તે એક ડાકુ હતી. તમારી રાધા તો ક્યારની બીજા સાથે પરણીને સાસરે જતી રહી છે. બા તમે રાધાને ભૂલી જાવ. રાધા હવે તારી વહુ ક્યારેય નહી થઈ શકે. તે હવે કોઈની અનામત બની ગઈ છે.બા તું સમજ કહી રામ પણ બા ના ખોળામાં માથું રાખીને રડવા લાગ્યો.

આ બાજુ રાધા સવારથી પણ બેચેન હતી. તેની નજર સામે રામ આવીને ઊભો હતો. ફરી જિંદગીમાં ફુલ ખીલ્યું હોય તેવું થોડી વાર લાગ્યું પણ હું એક લૂંટારૂ છું માની તે મનમાં ખીલેલું ફૂલ કરમાઈ ગયું. પ્રેમ નું કુપણ ફરીથી ફૂટ્યું પણ તે કૂપણ નું નામ તો હતું પણ કોઈ વિકાસ હતો નહિ. વિચારોમાં રહેલી બેચેન રાધા પોતાની જીદગી પર અફસોસ કરવા લાગી હતી. દૂર બેઠેલા તેમના ભાઈઓ કઈ પણ કરી શકે તેમ હતા નહિ.

બીજે દિવસે બાની જીદ એમ જ હતી. રાધાને તું અહી લાવ દીકરા નહિ તો હું નહિ જીવી શકુ. જીદ માં તો બા કાલનું કઈ ખાધું હતું નહિ. રામ મુંજવણ માં મુકાયો રાધાને શોધવી ક્યાં.? અને જો મળશે તો તે આવશે.? આવશે તો શું ગામ લોકો તેને અહી રહેવા દેશે. મુંજવણ એટલી વધી ગઈ કે તે પણ દૂર જઈ રડવા લાગ્યો. શું કરવું તે કઈ સુઝતું ન હતું.

ત્યાં બાજુમાંથી રડવાનો અવાજ સાંભળીને ઝરીન આવી બા ને પાણી આપી ને રામ પાસે આવી. ભાઈ મને ખબર છે તમે મુંજવણ માં છો. પણ ભગવાને એક રસ્તો તો બતાવ્યો તમને. કદાચ આ રસ્તે તમારું ફરી મિલન થાય.

નિસાસો નાખીને રામ બોલ્યો અરે ઝરીન રાધા એક પરિણીત સ્ત્રી છે ઉપરથી તે ડાકુ હું કઈ રીતે તેને મળું.?

ભાઈ પરિણીત હોય તો ડાકુ ન બને. જેમ તમે પ્રેમમાં પાગલ થઇ ગયા હતા તેમ તે પણ વિરહ કે કોઈ એવી ઘટના થી તે ડાકુ પણ બની હોય. મને એટલી ખબર છે તે હજુ તમને પ્રેમ કરે છે. તો જ તે તમારું ઘર લૂંટ્યું નહિ ને તે ચૂપચાપ નીકળી ગઈ. કદાચ તેને શરમ પણ થઈ હશે કે હું તે ઘર લૂંટી રહી છું જે પ્રેમનું પ્રતીક છે.

ભાઈ મારું માનો તમે રાધાને શોધો અને અહી લઈ આવો. મારી ખાતીર નહિ પણ બા ની ખાતીર. બા ની આવી હાલત મારાથી નથી જોવાતી જો આવી હાલત બા ની રહેશે તો......કહી ઝરીન પણ રડવા લાગી.
કહો તો હું પણ તમારી સાથે આવું. આપણે બંને થઈ તેને લઈ આવીએ. હું રાધાને મનાવીશ.

ઝરીન ની જીદ અને સાચી વાત થી રામ માની ગયો ને ઝરીન ને કહ્યું બહેન તું બા ની સંભાળ રાખજે હું રાધાને શોધીને લઈ આવું છું કહી રાધા માટે લીધેલી એક સાડી થેલીમાં નાખી થોડો નાસ્તો, પાણી અને હાથમાં લાકડી લઈ રામ તો નીકળી પડ્યો રાધાની શોધમાં. ગામમાં એક માણસ ઘોડો રાખતો હતો તેનો ઘોડો લઈ રામ નીકળી પડ્યો.

રામ ને ખબર હતી કે ડાકુઓ નું રહેઠાણ જંગલ કે વિરાન જગ્યાએ જ હોય છે. એટલે નજીકમાં તો એક જંગલ હતું. તે જંગલ તરફ નીકળી પડ્યો. જેમ જેમ જંગલ અંદર રામ જઈ રહ્યો હતો એટલો એટલો ડર લાગી રહ્યો હતો. પણ રાધાની શોધ તેને હિમ્મત આપી રહી હતી. ઘણો અંદર પ્રવેશ્યા પછી એક મોટી ગુફા દેખાઈ. તે દૂર થી પહેલા જોઈ રહ્યો અને પછી ધીરે ધીરે તેની પાસે પહોંચ્યો. ત્યાં અંદર થી કોઈનો બોલવાનો અવાજ આવતો હતો. ખબર તો પડી ગઈ કે આ એજ જગ્યા હશે લાગે છે કે રાધા અહી રહેતી હોય.

હિમ્મત કરી અંદર પ્રવેશ્યો જોયું તો ચાર માણસો બંદૂકના ઊભા હતા. તેને જોઈ ને ડર લાગ્યો ને તે પાછો ફર્યો ત્યાં તેમાંથી એક માણસ બોલ્યો. ઉભો રહે....તું રામ છે ને...
રામ પાછું વાળીને જોયું તો એક માણસ તેની તરફ આવી રહ્યો હતો. હવે જો ભાગવાની કોશિશ કરે તો તે બંદૂક મારી દેશે એટલે રામ ત્યાં જ ઊભો રહી ગયો.

ફરીવાર તે માણસ બોલ્યો તું રામ છે ને.? રાધાને શોધવા નીકળ્યો છો ને.?
હા હું રામ છું પણ તમે મને કેમ ઓળખો છો. અને રાધા ક્યાં છે તે કહેશો મને હું તેને લેવા આવ્યો છું.

ભાઈ રામ તારે આવવાનું બહુ મોડું થઈ ગયું. રાધા થોડો સમય પહેલા અહી થી નીકળી ગઈ અને એમને કહ્યું પણ નહિ કે હું ક્યાં જાઉ છું.

ફરી નિરાશ થયો રામ. આજ ફરી તેના નસીબમાંથી રાધા જતી રહી હોય તેવુ લાગ્યુ. પણ કરે તો શું કરે રામ. બસ બધાને કહ્યું જો રાધા ફરી અહી આવે તો રામ તેને યાદ કરે છે ને તને રામ લેવા આવ્યો હતો એમ કહી બધાને પ્રણામ કરી ત્યાંથી નિરાશ થઈ નીકળી ગયો.
રસ્તા માં તે ઘર તરફ નીકળી ગયો. પણ ઘોડો અને તે થાકી ગયો હતો એટલે એક ઝાડ નીચે આરામ કરવા બેઠો ત્યાં તેને ઊંઘ આવી ગઈ.

જ્યારે ઊંઘ ઉડે છે ત્યારે સવાર થયું ન હતું પણ બા ની ચિંતામાં તે ત્યાંથી ઘર તરફ નીકળી ગયો. ગામના પાદર પાસે નદી પાસે આવ્યો. દિવસ ધીરે ધીરે ઉગી રહ્યો હતો. નદી પાસે પહોંચી ઘોડાએ અને તેણે પાણી પીધું. ત્યાં તેની નજર એક સ્ત્રી પર પડી દૂરથી કોણ હતું તે ઓળખી શક્યો નહિ. દુઃખી લાગી રહી હતી એટલે રામ તેની પાસે ગયો. રામ અચાનક તેની પાસે આવવાથી તે ડરીને ઉભી થઇ ગઈ. ઉભી થઇ ત્યાં બંનેની નજર એક થઈ ગઈ.

રાધા તું...? અહી..? કહી રાધાનો હાથ પકડ્યો અને કહ્યું ચાલ રાધા ઘરે ચાલ બા અને મારો પ્રેમ તારી રાહ જોઈ રહ્યો છે.
રાધા કોઈ શબ્દ બોલી નહિ ને રામ ને ભેટીને રડવા લાગી. બસ એટલું બોલી રામ હું જિંદગીથી હારી ગઈ હતી. તું હવે મને મારી જિંદગી સવાર અને અઢળક પડે આપ. રામે તેના આસું લૂછ્યા અને તેનો હાથ પકડ્યો. ચાલ રાધા આપણે આજથી નવી જિંદગી શરૂ કરીએ. બંને એક બીજાનો હાથ પકડી ઘર તરફ નીકળી ગયા.

સમાપ્ત

જીત ગજ્જર