પ્રકરણ (10)
પછી તો રોજ એ બસ… એ જ સમય અને એ જ ધમાલ અને મસ્તી … રાધા નિલયને જોયા કરતી. નિલય તો બસ એની મસ્તીમાં કદીક ગાતો, કદી હસતો, પણ કદી એને રાધા નાની બહેનથી વધુ કંઈ ક્યારેય લાગી નહોતી.
એક દિવસ રાધાની ખાસ સહેલી દિપા રાધાની ગેરહાજરીમાં નિલયને પૂછી બેઠી.
‘નિલય, રાધા માટે તમને કોઈ લાગણી છે?’
નિલયે બેફિકરાઈથી જવાબ આપ્યો ‘હા’
દિપાએ પૂછ્યું ‘કેવી ?’
નિલયે કહ્યું – ‘નાની બહેનને જોઈને મોટાભાઈને થાય તેવી.’
દિપા – ‘જરાક વિચારીને ઠંડકથી કહોને?’
નિલય – ‘હા બિલકુલ વિચારીને જ કહું છું.’
દિપા – ‘પણ તમે તો રોજ એને છેડો છો. વાતો કરો છો… ’
નિલય – ‘કેમ નાની બહેનને છેડાય ના?’
દિપા – ‘ખેર કાં તો તમે જુઠ્ઠું બોલો છો કાં તો મારી સહેલીને ગેરસમજ થઈ છે..’
‘કેવી ?’
‘ઘેલી છે – વધુ તો શું કહું?’ દિપા સહેજ ઝંખવાઈ ગઈ.
વાત વધુ ચાલે તે પહેલા દિપા ઊતરી ગઈ નિલય વિચારોમાં પડી ગયો.
‘નિલુ… ચાલને’ શર્વરી પાછળથી ધક્કો મારતા બોલી. બસ આવી ગઈ હતા અને તંદ્રામાંથી ઢંઢોળાતો નિલય શર્વરી અને શ્યામલી બસમાં બેસી ગયા.
શર્વુ અને શ્યામલી એક સીટમાં બેસી ગયા. નિલયને સામે સીટ મળી. શ્યામલી મુંબઈને જોતી હતી. શર્વરી ઘડીક શ્યામલીને તો ઘડીક નિલયને જોતી જોતી કશુંક વિચારતી હતી. અચાનક શ્યામલી બોલી – ‘નિલય તું મુંબઈ કેટલા વર્ષથી છે?’
શર્વરીએ જવાબ આપ્યો– ‘જ્યારથી કૉલેજ છોડી ત્યારથી…’
‘એટલે પંદરેક વર્ષ તો ખરાજ ને ?’
‘હા..’
‘પંદર વર્ષ પહેલાના અને આજના મુંબઈમાં શું તફાવત છે?’
‘ઘણો બધો, પહેલા તો ટ્રેનો આટલી બધી નહોતી અને પરામાં મકાનો જે ઝડપે વધે છે એવી ઝડપ તો હતી જ નહીં.’
‘હં, ભૂપતનું નિદાન સાચું જ છે. ગુજરાત અને મહારાષ્ટ્રમાં મકાનો ઝડપથી બનતા હશે’
ચુપચાપ સાંભળતી શર્વરી એકદમ બોલી – ‘ભૂપતભાઈ સિલ્કના ધંધામાં છે અને મકાનમાં એમનું Prediction સાચું પડે તેનું કારણ શું?’
શ્યામલીએ જવાબ આપ્યો. ‘એની ધંધામાં દીર્ઘદ્રષ્ટિ છે. એક દિવસ તે મને કહે – “શ્યામલી, માણસની મૂળભૂત જરૂરિયાતો કેટલી?” મેં કહ્યું – ‘રોટી, કપડા અને મકાન’ પછી એ કહે ‘બસ તો કપડા હું બનાવું છું તું મકાન બનાવ.’ ત્યારથી પેરેમાઉન્ટ કન્સ્ટ્રક્શનનો પાયો નખાયો. માણસની મૂળભૂત જરૂરિયાતો છે રોટી, કપડા અને મકાન. એટલે તેની માંગ અટકવાની નહીં.
શર્વરી શ્યામલીને શાંતિથી સાંભળતી રહી. બસ ઝડપથી પસાર થઈ રહી હતી. પ્રાર્થના સમાજના વળાંક પછી ચર્નીરોડ પરથી પસાર થતી હતી ત્યાં નિલય બોલ્યો – ‘શર્વુ ! પપ્પાની કાર જાય છે.’
શર્વરી આ પરિવર્તનથી જરા ચોંકી… નિલયે કદી બનારસીદાસને પપ્પા આટલી આત્મીયતાથી કહ્યું ન હતું
શ્યામલી – શર્વરી અને નિલય ફૉર્ટ પાસે ઊતરી ચર્ચગેટ તરફ વળ્યા.
શર્વરી તેની ઑફિસ તરફ વળી નિલય અને શ્યામલી વેસ્ટ એન્ડ હોટેલ તરફ નીકળ્યા.
જગ્યા માટે ત્રીસેક જણ આવ્યા હતા. એમાં કેટલીક કોલાબાની મલ્ટીસ્ટોરી બિલ્ડિંગની ઑફર હતી, કેટલીક નરીમાન પોઈન્ટ્સની, કેટલીક ફૉર્ટની અને કેટલીક મરીન ડ્રાઈવની.
દરેકે દરેક પ્રપોઝલ, નિલય અને શ્યામલી શાંતિથી સાંભળતા, જગ્યાનો નકશો પેમેન્ટ ટર્મ્સ અને ભાવની નોંધ રાખતા, શ્યામલીની ઑફિસમાંથી આવેલ એકાઉન્ટ્સના શ્રીનિવાસન બાકીની બધી નોંધ રાખતા આ બધી ચર્ચામાં લંચ ટાઈમ ક્યાં નીકળી ગયો તે ખબર પડી નહીં.
રાજીવનો બેંગ્લોરથી ફોન આવ્યો ત્યારે સમયનું ભાન પડ્યું.
નિલય મનોમન વિચારતો હતો જબરી છે આ કંસ્ટ્રક્શનની દુનિયા, લાખોની હેરાફેરી – બ્લેક અને વ્હાઈટની મારામારી, દલાલી, ટાઇટલ ક્લિયર, એફ.એસ.એ ની ફ્લોર સ્પેસ એરિયાના બેનિફિટ્સ… દસ્તાવેજ વગેરે દરેકમાં શ્યામલી Expert હતી. પેપર પૂરા છે કે નહીં તેની ચકાસણી કર્યા પછી ભાવની રકઝક – જગ્યા જોવા જવાની બાબત પછી નક્કી થતી.
સાંજ સુધીમાં ૩૦ અરજીમાંથી ૪ સાઈટ જોવા જવાનું નક્કી થયું. તે સાઈટ ઉપરની બીજા દિવસની Appointment લઈ લીધી.
પેરેમાઉન્ટ કંસ્ટ્રક્શનનું ખાતું ખોલાવી લીધું અને એ નંબર ટેલીફોન ઉપર રાજીવને આપી દીધો હતો એટલે પૈસા ટ્રાન્સફર થઈને આવી જવાના હતા તેથી પેમેન્ટ અંગે કોઈ ચિંતા નહોતી.
ચારે જગ્યાઓનાં માલિક સાઈટ ઉપર હાજર હતા, દલાલો પણ હતા, ચર્ચા દરમ્યાન જે છેલ્લી વખતના બારગેઈન ડીલમાં શ્યામલીને નિલયે કહ્યું – ‘શ્યામલી હું એક નાનકડું સૂચન આપું?’
શ્યામલીએ હકારમાં ડોકું ધુણાવ્યું. નિલયે કહ્યું – ‘તું હવે ડીસીઝન ન લઈશ. હું આ બારગેઈન half the price સુધી લઈ જઈશ.’ શ્યામલીએ આશ્ચર્યમાં માથું હલાવ્યું – ‘half the price ?’
‘હા.’
સોરાબ તારાપોરવાલાનું મકાન જર્જરિત હતું તેને ડીમોલીશ કરી ત્યાં મકાન બાંધવામાં સમય લાગે તેમ હતો. મલ્કાપુરકર દલાલ હતો, તેની જગ્યાની પુરી કિંમત બ્લેકમાં માગતો હતો. જે પેરેમાઉન્ટ કન્સ્ટ્રક્શન માટે શક્ય નહોતું. આપ્ટેને જગ્યા વેચીને ભારત છોડવું હતું, એને એક જ ઝાટકે પૈસા જોઇતા હતા. અને શાંતિકાકાની જગ્યા સારી હતી પણ Future Expansions ની શક્યતા નહોતી, Sea Facing જગ્યા હતી. પ્રાઇસ માટે એમને કંઈ જ બાંધછોડ કરવી નહોતી.
શ્યામલીને આપ્ટેની જગ્યા ગમી હતી. મલ્કાપુરકર વાચાળ અને અચ્છો દલાલ હતો. તારાપોરવાલા અને શાંતિકાકા ધંધાના જાણકાર હતા. નિલયે ચારે જણને તાજમાં પોતાની સાથે જમવા આવવાનું આમંત્રણ આપ્યું. શ્યામલી નિલયનો ખેલ જોતી હતી.
ચારે જણા જોડે વાત કરતા કરતા નિલયે બે વાત સ્પષ્ટ કરી દીધી. એક તો એ કે પૈસા તરત મળશે… અને જોઇએ તે સ્વરૂપમાં અને સાથ સાથે દરેકને તેમના મકાનની તકલીફોથી પણ વાકેફ કરતો જતો હતો. તારાપોરવાલાને કહ્યું – મકાન ડીમોલીશ કરી નવું કંસ્ટ્રક્ટ કરવામાં સમય લાગે એટલે તેમનું એક્સપાન્શન કામ ઢીલમાં પડે. આપ્ટે બહાર જતો રહે અને કોઈક કાનુની કામ આવી પડે તો તે જ રીતે વિલંબ નડે. મલ્કાપુરકરને દલાલીની રકમ સેલર પાસેથી લેવાનું સૂચવ્યું અને શાંતિકાકાની જગ્યામાં ફ્યુચર એક્સપાન્શન તકલીફમાં છે. તો તેનું શું કરવું. એમ કહીને ચારે જણાને વિચારવાનો સમય આપ્યો.
બપોરે ૪=૦૦ વાગ્યે એમની છેલ્લી ઑફર અને સોલ્યુશન લઈને વેસ્ટ એન્ડ પર મળવાનું જણાવી તાજ પરથી લગભગ ત્રણ વાગ્યે છૂટા પડ્યા. શ્રીનિવાસન ડીસ્ટર્બ હતો. એણે શ્યામલીને કહ્યું ‘મેડમ આપણે બ્લેક આપી શકીએ તેમ નથી.’ નિલયે શ્રી નિવાસનને ધરપત આપી, આપણે આપણી રીતે જ પેમેન્ટ કરીશું તેની ચિંતા ન કરતો. પણ બારગેઈન જેટલું નીચું આવે તેટલું આપણા હિતમાં છે.
શ્યામલીને આરામ કરવાનું કહી શ્રીનિવાસનને લઈને નિલય નીચે ગયો અને ચારે ચાર જણાને ફોન કરવા કહ્યું. ફોન ઉપર ચારે જણને તમારા Chances bright છે. Price માં બીજાની ઑફર ઓછી આવે તેમ લાગે છે. તેથી ભાવ જરા સમજીને ભરજો અને દરેકે દરેકને તેમના પ્રશ્નોનું નિરાકરણ આપી દીધું. તારાપોરવાલાને કહ્યું કે મકાન ડીમોલીશ કરી કંસ્ટ્રક્શન કરતા જેટલો સમય લાગે તેટલા સમયની ભાડાની ઑફિસનું ભાડુ ભરવાની સૂચના આપી. આપ્ટેને પાવર ઑફ એટર્ની આપીને જઈશ. મલ્કાપુરકરને દલાલી છોડવાને બદલે સેલરની નીચી પ્રાઇસ લાવી દલાલી લેવા માટે સમજાવ્યો વળી કંસ્ટ્રક્શનના કામમાં ભવિષ્યમાં જરૂર છે જ… અને શાંતિકાકાને એફ.એસ.એ. નથી તેટલી કિંમત ઘટાડવા કહ્યું.
શ્રીનિવાસનને નિલયની વાતોથી ગૂંચવણ થતી હતી. શ્યામલીને તેણે તેનો પ્રોબ્લેમ તો કહ્યો હતો. આવા ડીલીંગમાં રાજીવ ક્યારેય શ્રીનિવાસનને રાખતો નહીં તેથી ગૂંચવણની સાથે સાથે થોડીક આત્મશાંતિ પણ મળતી હતી. પોણાચારે શ્યામલીને ઉઠાડીએ ચા પીતા પીતા શ્રીનિવાસન દ્વારા ફોન કરાવ્યાની વાત નિલયે કરી. તુક્કો છે પણ લાગી જાય તો નવાઈ નહીં.
ચાર વાગ્યે શ્યામલી અને શ્રીનિવાસનના આશ્ચર્ય વચ્ચે નિલયનું કામ થઈ ગયું. તારાપોરવાલાની બે પ્રપોઝલ હતી, ભાડુ અને ભાવમાં રિબેટ. આપ્ટે પાવર ઑફ એટર્ની આપીને જશે. ભાવમાં નેગોસીએશનની તૈયારી સાથે મલ્કાપુરકર ભાવમાં ૩૦% ની રાહત લાવ્યો. જ્યારે શાંતિકાકાએ નફો છોડી દેવાની ઑફર કરી.
આપ્ટેની પ્રપોઝલ ફાઈનલ થઈ ત્યારે ૫૦% જેટલી કિંમત ઓછી હતી. રાતના આઠ વાગ્યે શ્યામલીને બેંગ્લોરનુ પ્લેન હતું તેથી આપ્ટેને ડોક્યુમેન્ટ તૈયાર કરવાનું કહી સાડા સાતે છૂટા પડ્યા. આપ્ટે તેની કારમાં શ્યામલી અને નિલયને છોડવા આવ્યો.
એરપોર્ટ ઉપર શ્યામલીએ નિલયને ધન્યવાદ આપ્યા. રાજીવે તારા ઉપર મૂકેલા વિશ્વાસને સાર્થક કર્યો. રાજીવને શ્રી નિવાસનને પ્રમોશન અપાવવાનું સૂચન કર્યું.
ખૂબ જ આત્મસંતોષ સાથે સાંજે ઘરે આવ્યો ત્યારે શર્વરીને નિલયનો ચહેરો વહાલથી ચૂમી લેવા જેવો લાગ્યો. શર્વરી કહેતી હતી.
‘નિલય – આ કેવી રીતે બન્યું?’
‘આત્મવિશ્વાસ જાગી ગયો હતો. બેકારી અને નિષ્ફળતાઓએ મારી જાતને ડગમગાવી દીધી હતી. રાજીવ અને શ્યામલીએ મારી શક્તિઓમાં વિશ્વાસ મૂકીને ફરીથી મને જાગૃત કર્યો. થોડુંક આવનાર બાળકનું તકદીર, થોડુંક તારું અને મારું તકદીર… ’
‘ ખરેખર ?’
‘હા. નહીં તો અત્યાર સુધી કશું મળતું નહોતું એના જન્મ પછી ખુદાએ છપ્પર ફાડીને આપ્યું– ’
શર્વરી નિલયને જોઇ રહી. માની નજરે … એનું તોફાની રમતિયાળ છોકરું જે ભણવામાં પ્રમોશનથી ધક્કો માર્યા પછી પાસ થાય તે બીજા ક્ષેત્રમાં પ્રથમ નંબરે આવે ત્યારે જેવી શાંતિ થાય તેવી હાશ વાળી શાંતિ આજે તેને થતી હતી.
નિલયનું મગજ બહુ ઝડપથી ઘણું બધું વિચારતું હતું. જગ્યાના પઝેશન પછી Staff selection, Advertisement, Office establishment રાજીવના એક્સપેક્ટેશન જેટલું કાર્ય એની સમયમર્યાદામાં પૂરુ કરવા શક્ય તો હતું જ પણ પ્રોપર પ્લાનીંગ વિના સંભવ બને તેમ ન હતું.
‘નિલય…’ શર્વરી નિલયને ઢંઢોળતી હતી.
‘હં..’
‘શું વિચારમાં પડી ગયો?’
‘શર્વુ કેવી વિચિત્રતા છે ! સમય હતો ત્યારે કાંઈ જ પ્રવૃત્તિ નહોતી અને હવે જ્યારે સમય નથી ત્યારે ઘણી બધી પ્રવૃત્તિ છે.’
‘કેમ , આવું વિચિત્ર બોલે છે? શાનો સમય ?’
‘જવા દે તું હસીશ…’
‘ના કહે…’
‘હું પ્રવૃત્તિના જંગલોમાં ઘુસી રહ્યો છું જુનિયર આવશે ત્યારે તેની સથે રમવા સમય નહીં હોય અને જ્યારે સમય હતો ત્યારે જુનિયર નહોતો…
‘ધત્ત… જબરો દોડે છે વિચારોમાં…’
આપ્ટેની જગ્યા નરીમાન પોઇન્ટ ઉપર હતી. આજુબાજુ ઘણી મલ્ટીનેશનલ કંપનીની રજિસ્ટર્ડ ઑફિસ હતી. આપ્ટે કોમ્પ્યુટર ઇજનેર હતો. અને અમેરિકાની ફર્મ સારા પગારે બોલાવતી હતી.
પૈસાનું કામ એ કોઈ પર છોડવા માગતો નહોતો અને આ ભાવમાં તેની મૂડી અને વ્યાજ છૂટી જતું હતું. વકીલે પેપર તપાસી લીધા. ટાઇટલ ક્લિયર હતું. બાવીસ લાખનો પહેલો ડ્રાફ્ટ નિલયે આપ્ટેને આપ્યો ત્યારે એક ધડકન હૃદય ચૂકી ગયું. આ તો શરૂઆત હતી. હવે તો આ રીત કાર્યરત રહેવાનું જ છે.
નવા ફર્નિચર, નવો સ્ટાફ, નવા આયોજનો શરુ થતા હતા. શ્રી નિવાસન ખાસ્સો મદદરૂપ થતો હતો.
Interview letter dispatch કરતાં રાધા નાયકની અરજી જોઈ. તેને લેટર ન આપતા નિલયે તે કાગળ જાતે લઈ લીધો. સાંજે ઘરે પાછા વળતાં રાધાના ઘરે શર્વુને લઈને જવાનું વિચાર્યું.
શર્વરી – રાધાને ઓળખતી ન હતી. અચાનક નિલયની પ્રપોઝલથી નવાઈ લાગી પણ આમેય આઉટીંગ કરવાનું જરૂરી હતું તેથી તે સાંજે તૈયાર થઈ ગઈ.
રાધા નાયક એ સ્કૂલ અને કૉલેજ દરમ્યાન હતી તે રાધા દેસાઈ હશે તેવી આછી પાતળી શક્યતાઓને encash કરવા ઘરે જવાનું રાખ્યું હતું. રૂપા દ્વારા ક્યારેક રાધાના લગ્ન વિશે જાણ્યું હતું. પણ તે તો લાખોપતિ હતો તેની પત્નીને નોકરીની અરજી કરવી પડે તે શક્ય નહોતું છતાં પણ તક લેવા એ રાધા નાયકને ત્યાં રાત્રે ૮.૩૦ વાગે પહોંચ્યાં.