Pishachini - 19 in Gujarati Horror Stories by H N Golibar books and stories PDF | પિશાચિની - 19

Featured Books
Categories
Share

પિશાચિની - 19

(19)

ભયાનક બનેલી

માહીએ

જિગરની

ગરદનમાંની ધોરી નસમાંથી લોહી પીવા માટે પોતાના લાંબા-અણીદાર દાંત જિગરની ગરદન તરફ આગળ વધાર્યા, અને એના દાંત જિગરની ગરદનને અડયા, ત્યાં જ શાંત વાતવારણને ખળભળાવતી ડૉરબેલ ગુંજી ઊઠી. માહીની આંખોમાં ભય ધસી આવવાની સાથે જ, એણે જિગરની ગરદન પાસેથી લાંબા-અણીદાર દાંત હટાવ્યા. આની બીજી જ પળે એના લાંબા-અણીદાર દાંત નાના-સામાન્ય થઈ ગયા અને એનો ભયાનક બનેલો ચહેરો પણ પાછો સુંદર ને સામાન્ય બની ગયો.

હવે એ જિગરથી અળગી થઈ, એટલે જિગર બોલ્યો, ‘અત્યારે આટલી વહેલી સવારે તો વળી કોણ હશે ? !’

‘તું દરવાજો ખોલીને જો. મેં નાઈટી પહેરી છે, એટલે હું બાથરૂમમાં જઈને ડ્રેસ પહેરી લઉં છું.’ અને માહી બાથરૂમ તરફ સરકી, તો જિગર મેઈન દરવાજા તરફ આગળ વધી ગયો. ત્યાં જ બહારથી વળી કોઈએ ઉતાવળે ને ઉપરાછાપરી બે-ત્રણ વાર ડૉરબેલ વગાડી.

‘કોણ છે...? !’ પૂછતાં જિગર દરવાજા પાસે પહોંચ્યો : ‘...ખોલું છું !’ કહેતાં તેણે સ્ટોપર ખોલી અને દરવાજો ખોલી નાંખ્યો.

સામે બનારસીદાસ ઊભા હતા. પંડિત ભવાનીશંકરે તેની પર મારેલી મૂઠને પાછી વાળીને તેને ફરી સાજો કરનાર બનારસીદાસ ઊભા હતા.

‘...ઘરમાં કોણ છે ? !’ પૂછતાં બનારસીદાસ જિગરને હડસેલીને અંદર દાખલ થયા ને રૂમમાં ઝડપી નજર ફેરવી.

‘મારી પત્ની માહી છે.’ જિગરે બનારસીદાસ સામે જોઈ રહેતાં કહ્યું.

‘બીજું...? !’

‘બીજો હું છું !’ જિગરે કહ્યું.

‘મારો મતલબ છે કે, ઘરમાં ત્રીજું કોણ છે ?’

‘ત્રીજું...?’

જિગરે

મૂંઝવણ સાથે પૂછયું : ‘...ત્રીજું તો કોઈ નથી. કેમ, મહારાજ ?’

‘તારી પત્ની કયાં છે ? !’ બનારસીદાસે પૂછયું.

‘બાથરૂમમાં છે.’ જિગરે બનારસીદાસ આ બધું કેમ પૂછી રહ્યા છે ? ! એની મૂંઝવણ અનુભવતાં જવાબ આપ્યો.

‘...એને બોલાવ !’

‘હા !’ બનારસીદાસને સામા સવાલ-જવાબ કરવાને બદલે તેણે તુરત તેમના હુકમનો અમલ કર્યો. બાથરૂમના બંધ દરવાજા તરફ જોઈ રહેતાં તેણે બૂમ પાડી : ‘માહી, મહારાજ આવ્યા છે. બહાર આવ તો.’

બાથરૂમમાંથી કોઈ જવાબ સંભળાયો નહિ.

જિગરે બનારસીદાસ તરફ જોયું અને કંઈ કહેવા-પૂછવા જાય એ પહેલાં જ બનારસીદાસ જાણે બાથરૂમના દરવાજા પર ત્રાટક કરતા હોય એમ જોઈ રહેતાં બોલ્યા : ‘જલદી એને બહાર બોલાવ !’

‘હા, મહારાજ !’ કહેતાં જિગર બાથરૂમના દરવાજા તરફ આગળ વધી ગયો. તેણે માહીએ બાથરૂમના દરવાજાને અંદરથી સ્ટોપર વાસેલી હશે, એમ ગણતરી માંડીને દરવાજાને ખટખટાવવા માટે જોરથી દરવાજા પર હાથ માર્યો, ત્યાં જ તેની નવાઈ વચ્ચે દરવાજો અંદરની તરફ ધકેલાઈ ગયો-ખૂલી ગયો.

જિગરે અંદર નજર નાંખી અને તેને આશ્ચર્યનો આંચકો લાગ્યો. બનારસીદાસે ડૉરબેલ વગાડી એટલેે ‘‘તું દરવાજો ખોલીને જો. મેં નાઈટી પહેરી છે, એટલે હું બાથરૂમમાં જઈને ડ્રેસ પહેરી લઉં છું.’’ એવું કહીને માહી બાથરૂમ તરફ આગળ વધી ગઈ હતી, પણ અત્યારે એ અંદર નહોતી !

‘...એ અંદર નથી ને ? !’ બનારસીદાસે કહેતાં હોય એવી રીતે જિગરને પૂછયું.

‘...કદાચ એ રસોડામાં હશે !’ અને જિગર રસોડા તરફ આગળ વધી ગયો.

તેણે રસોડામાં નજર નાંખી, તો તેનું આશ્ચર્ય અને આંચકો બેવડાયો.

રસોડામાં પણ માહી નહોતી.

‘માહી બાથરૂમમાં નહોતી, રસોડામાં નહોતી અને આ રૂમમાં પણ નહોતી, પછી માહી ગઈ કયાં ? !’ અને તે બનારસીદાસ તરફ ફર્યો.

‘માહી રસોડામાં પણ નથી ને ?’ બનારસીદાસે પૂછયું.

‘નથી !’ જિગર બોલ્યો : ‘પણ તમે આવ્યા ત્યારે એ મારી પાસે જ ઊભી હતી અને હું તમારા માટે દરવાજો ખોલવા આવ્યો ત્યારે એ બાથરૂમમાં ગઈ હતી.’

‘...અને ત્યાંથી એ ગૂમ થઈ ગઈ !’

‘...માહી ગૂમ થઈ ગઈ ? !’ જિગર ચોંકયો.

‘...એ માહી નહોતી.’ બનારસીદાસ બોલ્યા : ‘એ પંડિત ભવાનીશંકરે માહીના રૂપમાં મોકલેલી એક ભયાનક બલા હતી !’

‘શું ? !’ જિગર પગથી માથા સુધી કાંપી ઊઠયો.

‘...તારા પરથી મૂઠ પાછી મોકલ્યા પછી તું મારા ઘરેથી નીકળ્યો, એ પછી મને તને આવી બધી બલા-મુસીબતોથી બચાવવા માટે તને માદળિયું પહેરાવવાનું યાદ આવ્યું. મેં તારો મોબાઈલ ફોન લગાવ્યો, પણ લાગ્યો નહિ, એટલે હું અહીં તારા ઘરે જ દોડી આવ્યો. પણ હું અહીં આવ્યો તો મને અંદર કોઈ બલા હોવાનો અણસાર આવ્યો અને એટલે મેં ઉતાવળે ડૉરબેલ વગાડીને તારી પાસે દરવાજો ખોલાવ્યો.’

‘...ત્યારે...,’ જિગર બોલ્યો : ‘...ત્યારે માહી.., મતલબ કે, એ બલા મારી પાસે જ હતી !’

‘....તને એ શું કહી-કરી રહી હતી ? !’

‘એ...,’ જિગર સહેજ ખચકાયો અને પછી બોલી ગયો : ‘....એ મને પ્રેમ કરી રહી હતી !’

‘હું અણીના સમયે આવી ગયો.’ બનારસીદાસ બોલ્યા : ‘એ બલા તને પ્રેમમાં મદહોશ કરીને તારું લોહી પી જાત અને તને ખબરેય ન પડત.’

‘જિગરે શું બોલવું કે કરવું ? !’ એની તેને સમજ પડી નહિ. તે ખુરશી પર બેસી પડયો.

તેને અદૃશ્ય શક્તિ શીનાનો જાત અનુભવ હતો. વળી તેણે પંંડિત ભવાનીશંકર, દીપંકર સ્વામી અને આ બનારસીદાસની તંત્ર-મંત્રની દુનિયા જોઈ હતી, એટલે તેને બનારસીદાસના માહી એક બલા હોવાની વાતમાં શંકા નહોતી ! જોકે, માહી ગાયબ થઈ ગઈ હતી એ જ વાત એ પુરવાર કરતી હતી કે એ માહી નહિ, પણ એક ભયાનક બલા હતી !

‘લે,’ જિગરના કાને બનારસીદાસનો અવાજ સંભળાયો, એટલે તે વિચારોમાંથી બહાર આવ્યો અને તેણે જોયું તો બનારસીદાસ હાથમાં માદળિયું લઈને ઊભા હતા.

‘લાવ, હું તારા બાવડા પર માદળિયું બાંધી દઉં.’

‘હા !’ કહેતાં જિગરે શર્ટની બાંય અધ્ધર ચઢાવી.

બનારસીદાસે જિગરના બાવડા પર માદળિયું બાંધી દીધું.

‘આ માદળિયું હવે ભયાનક અલા-બલાથી તારું રક્ષણ કરશે.’ બનારસીદાસ બોલ્યા : ‘હવે પંડિત ભવાનીશંકરનો કોઈ કાળો જાદૂ કે તંતર-મંતર તારા સુધી પહોંચી નહિ શકે.’

જિગરે હાથ જોડયા. ‘મહારાજ !’ જિગર બોલ્યો : ‘હું તમારો આભાર માનું એટલો ઓછો છે. પહેલાં તમે ભવાનીશંકરે મારેલી મૂઠથી મને બચાવ્યો અને અત્યારે તમે એણે મોકલેલી બલાથી મને બચાવ્યો.’

‘હા, પણ મને એ ભય છે કે, તારી પર ગુસ્સે થયેલો ભવાનીશંકર જલદી શાંત નહિ પડે.’ બનારસીદાસે કહ્યું : ‘મેં તને તારી સલામતી માટેનું માદળિયું પહેરાવી દીધું છે, એટલે એનો જાદૂ ને તંતર-મંતર પાછા ફરશે, અને એટલે એ વધુ ધૂંધવાશે. મને ડર છે કે, કયાંક એ તારી પત્ની માહી પર હુમલો ન કરે.’

‘ઓહ !’ જિગર પગથી માથા સુધી કાંપી ઊઠયો : ‘તમારી વાત સાચી છે, મહારાજ ! ભવાનીશંકરનો કોઈ ભરોસો નહિ. પણ હવે.., હવે શું કરીશું ? !’

‘તું મારી સાથે મારા ઘરે ચાલ.’ બનારસીદાસે કહ્યું : ‘હું તને માહી માટે માદળિયું આપું છું, તું એને પહેરાવી દેજે, એટલે એ ભવાનીશંકરના કાળા જાદૂથી સલામત થઈ જશે.’

‘હા, પણ મહારાજ !’ જિગર બોલ્યો : ‘માહી તો અત્યારે એના પપ્પાના ઘરે દિલ્હી છે.’

‘...તો તું માદળિયું લઈને તાત્કાલિક દિલ્હી એની પાસે પહોંચી જા.’ બનારસીદાસ બોલ્યા : ‘એને વહેલામાં વહેલી તકે એ માદળિયું પહેરાવી દેવું જરૂરી, ખૂબ જ જરૂરી છે.’

‘ઠીક છે.’ જિગરે કહ્યું, તમે માદળિયું આપો એટલે હું પ્લેનમાં નીકળી જાઉં છું.’

‘હા, ચાલ.’ બનારસીદાસે કહ્યું અને દરવાજા તરફ આગળ વધી ગયા.

જિગર પણ એમની સાથે ચાલ્યો.

ટૅકસીમાં બનારસીદાસ સાથે એમના ઘર તરફ આગળ વધતાં જિગરે માહીનો મોબાઈલ નંબર લગાવવા માંડયો. પણ માહીનો મોબાઈલ લાગ્યો નહિ. તેણે દેવરાજશેઠનો મોબાઈલ પણ લગાવ્યો, પણ એમનોય મોબાઈલ લાગ્યો નહિ.

માહી માટેની ચિંતા સાથે તે બનારસીદાસ સાથે બનારસીદાસના ઘરે પહોંચ્યો.

બનારસીદાસે માદળિયું મંત્રીને જિગરને આપ્યું : ‘આ માદળિયું માહીના ગળામાં પહેરાવી દેજે. એને ખાસ સૂચના આપજે કે, આ માદળિયું એ ચોવીસે કલાક પહેરી રાખે. પળવાર માટેય પોતાના ગળામાંથી ન ઉતારે.’

‘ઠીક છે, મહારાજ !’

‘બસ, તો ઉપડ.’ બનારસીદાસ બોલ્યા.

જિગર બનારસીદાસનો આભાર માનીને બહાર નીકળ્યો, ત્યારે સવારના સાડા પાંચ વાગવા આવ્યા હતા.

તે ટૅકસીમાં એરપોર્ટ પર પહાેંચ્યો. અડધો કલાક પછી ઊપડતી દિલ્હીની ફલાઈટની ટિકિટ તેને મળી ગઈ.

તે ફલાઈટમાં બેઠો, ત્યાં સુધી તેણે મોબાઈલ પર માહી અને દેવરાજશેઠનો સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો, પણ સંપર્ક થઈ શકયો નહિ.

તે દિલ્હીના એરપોર્ટ પર પહોંચ્યો, ત્યારે સવારના સાડા અગિયાર વાગ્યા હતા.

તે બહાર નીકળીને ટૅકસીમાં બેઠો અને દેવરાજશેઠના ઘર તરફ ટૅકસી દોડાવવાની તેણે ટૅકસીવાળાને સૂચના આપી.

ટૅકસીવાળાએ ટૅકસી દોડાવી.

હવે તે અડધો-પોણો કલાકમાં જ માહી પાસે પહોંચી જવાનો હતો, છતાંય તેણે માહીનો મોબાઈલ નંબર લગાવ્યો, પણ અત્યારે માહીનો મોબાઈલ લાગ્યો નહિ.

બેત્તાળીસમી મિનિટે તેની ટૅકસી દેવરાજશેઠના ભવ્ય બંગલાના મોટા કમ્પાઉન્ડના ઝાંપા પાસે પહોંચી.

સિકયુરિટી ગાર્ડ જિગરને દેવરાજશેઠના જમાઈ તરીકે ઓળખી ગયો. તેણે એક સલામ મારી અને ઝાંપો ખોલી આપ્યો.

ટૅકસીવાળાએ ટૅકસી કમ્પાઉન્ડની અંદર લીધી અને બંગલાના મુખ્ય દરવાજા પાસે લાવીને ઊભી રાખી.

જિગરે જોયું તો દેવરાજશેઠના ખાસ નોકર મન્નુકાકા હાથમાં શાકભાજીની મોટી થેલી સાથે ઓટલાના પગથિયા ચઢી રહ્યા હતા.

જિગર ટૅકસીની બહાર નીકળ્યો એટલે મન્નુકાકા

હાથમાંની થેલી પગથિયા પર જ મૂકી દેતાં બોલી ઊઠયા : ‘તમે આવ્યા, જમાઈરાજ ! આવો-આવો !’

જિગરે ટૅકસી ભાડું ચુકવ્યું, ત્યાં જ મન્નુકાકા તેની નજીક આવ્યા : ‘સામાન છે, જમાઈરાજ !’

‘ના !’ જિગર બોલ્યો.

‘...આવો-આવો !’ અને મન્નુકાકા પગથિયા પર પડેલી શાકભાજીની થેલી ઉઠાવીને આગળ થયા.

જિગર મન્નુકાકાની પાછળ ઓટલાના પગથિયા ચઢીને, મેઈન દરવાજાની અંદર દાખલ થયો.

એ ભવ્ય ડ્રોઈંગરૂમ હતો. કીંમતી ઍન્ટીક ફર્નિચરથી એ આખોય ડ્રોઈંગરૂમ સજેલો હતો.

‘બેસો-બેસો !’ મન્નુકાકાએ માનભેર કહ્યું.

જિગર કોતરણીકામવાળા સોફા પર બેઠો.

‘હું પાણી લઈ આવું !’ કહેતાં મન્નુકાકા રસોડા તરફ આગળ વધી જવા ગયા, ત્યાં જ જિગરે કહ્યું : ‘...પછી નિરાંતે પીઉં છું. પહેલાં હું પપ્પાજીને મળી લઉં. પપ્પાજી છે ને, ઘરમાં !’

‘હું શાકભાજી લેવા ગયો હતો..,’ મન્નુકાકા બોલ્યા : ‘...એટલે મને ખ્યાલ નથી. હું જોઈ લઉં છું અને એમને કહું છું કે, તમે આવ્યા છો.’ અને થેલી ત્યાં જ મૂકીને મન્નુકાકા સામે આવેલી મોટી સીડી તરફ આગળ વધવા ગયા, ત્યાં જ જમણી બાજુના રસોડાના દરવાજામાંથી મન્નુકાકાની દીકરી રૂકમણી બહાર નીકળી.

‘બાપુજી તમે આવી ગયા !’ રૂકમણીએ પૂછયું.

‘હા !’ મન્નુકાકાએ કહ્યું : ‘જમાઈરાજ આવ્યા છે, શેઠજી છે કે, ગયા ? !’

અને રૂકમણીએ જિગર સામે જોયું. તેની આંખોમા કંઈક ન સમજાય એવા ભાવ આવ્યા. ‘શેઠજી તો બહાર ગયા ! એ તો...’

‘...એમનું મારે ખાસ કંઈ કામ નથી.’ જિગર બોલ્યો : ‘પછી એમને મળી લઈશ.’ અને જિગરે સીધું જ રૂકમણીને કહ્યું : ‘માહી તો ઘરમાં છે ને ! એને બોલાવી લે. એને કહે કે, હું આવ્યો છું !’

રૂકમણી ત્યાં જ ઊભી રહી. જિગર સામે જોઈ રહી.

‘રૂકુ !’ મન્નુકાકા બોલ્યા : ‘આમ જમાઈરાજને આજ પહેલીવાર જોઈ રહી હોય એમ ટગર-ટગર જોઈ શું રહી છે ? ! એમણે કહ્યું એ તેં સાંભળ્યું નહિ ?’

રૂકમણીએ જિગરના ચહેરા પરથી નજર હટાવીને મન્નુકાકા સામે જોયું. ‘બાપુજી !’ રૂકમણી બોલી : ‘જમાઈરાજે માહીબેનને બોલાવી લાવવાનું કહ્યું એ મેં સાંભળ્યું, પણ...,’

‘પણ શું, રૂકુ ? !’

‘...પણ મને જમાઈરાજની વાત સમજાઈ નહિ,’ અને રૂકમણીએ જિગર સામે જોયું : ‘...મને માફ કરજો, જમાઈરાજ ! પણ...પણ...,’ અને રૂકમણી બોલતાં ખચકાઈ.

‘તું પણ...બણ ન કર, રૂકમણી !’ જિગર બોલ્યો : ‘તું જે કહેવા માંગે છે, એ મારાથી ડર્યા વિના બોલી નાંખ.’

‘જમાઈરાજ !’ રૂકમણી બોલી : ‘તમે પૂછી રહ્યા છો કે, ઘરમાં માહી છે ? ! અને કહો છો કે હું એને બોલાવી લાવું, પણ...પણ...’ અને અચકાતા-ખચકાતા રૂકમણીએ કહી જ નાંખ્યું : ‘હમણાં કલાક પહેલાં જ તો તમે શેઠજીને સમજાવી-મનાવીને, માહીબેનને તમારી સાથે અહીંથી લઈ ગયા અને અત્યારે હવે ફરી પાછા માહીબેનને લેવા આવ્યા છો ! ! !’

આ સાંભળતા જ જિગરને આખોય બંગલો ચકકર-ચકકર ફરતો હોય એવું લાગવા માંડયું.

-રૂકમણીએ કહેલી વાત તેને તુરત જ સમજાઈ ગઈ હતી !

-ગઈકાલ રાતના જે રીતના પંડિત ભવાનીશંકરે તેને ખતમ કરવા માટે માહીના રૂપમાં એક ભયાનક બલાને તેની પાસે મોકલી હતી, એવી જ રીતના આજે પંડિત ભવાનીશંકરે તેના રૂપમાં કોઈ ભૂત-પ્રેતને અહીં માહી પાસે મોકલ્યું હતું અને એ પ્રેત જ તેની માહીને અહીંથી લઈ ગયું હતું ! ! !

( વધુ આવતા અંકે )