Vasundharana vhala davla - 1 in Gujarati Book Reviews by Jesung Desai books and stories PDF | વસુંધરાના વ્હાલા દવલા - 1

Featured Books
Categories
Share

વસુંધરાના વ્હાલા દવલા - 1

વસુંધરાના વહાલાં- દવલા
..................................
તેજુડી વાઘરણ અને અમરચંદ શેઠના એકના એક દીકરા પરતાપ વાણિયાના આડા સંબંધોની પેદાશ હોઠકટ્ટો ઝંડુંરિયો અનાથાશ્રમમાં ખાવાનું ન મળતા પોતાના પેટની આગને ઠારવા કૂતરીને ધાવવા જતા કૂતરીએ એના હોઠને બટકું ભર્યું !! અનાથાશ્રમમાં નિમણુક પામેલ શિખાઉ ડોક્ટરના દાક્તરી અજ્ઞાનને લીધે હોઠને ટાંકા ભરવાની જગ્યાએ તેજુડીનો ઝંડુરીયો કાયમ કાયમ માટે પોતાનો ઉપરનો હોઠ ગુમાવી ચૂક્યો અને એના લીધે જ જગતની સામે એણે સતત હાસ્ય જ વેર્યા કર્યું!!
વાત જાણે એમ બની જતી કે તેજબાં ઉર્ફે તેજુડી હતી તો ગરાસણી પણ એની જનેતા એને વેરાન વગડામાં જણીને(જન્મ આપીને) મોતને ભેટી ! એ અઘોર વગડામાં ત્યાં પસાર થઈ રહેલ છૂંદણાં કામ કરનાર (ઓડાવિયા) ના સમૂહમાંથી એક વૃધ્ધ ડોસાની નજર મૃત્યુ પામેલ જનેતા અને તાજી જન્મેલી બાળકી પર પડી ! ત્યાં વગડામાં જ બાળકીને એણે પોતાની પાસે રાખી લીધી ! સમય જતાં તેજુ જુવાન થઈ અને તે પણ ડોસાના વંશ પરંપરાગત ધંધાનું છૂંદણાં કામ શીખી ગઇ ! એક દિવસ ઓડાવિયાનો પડાવ અમરચંદ વાણિયાના ગામ પીપરડીમાં ખીજડી તલાવડીની પાળે થાય છે. તેજુ ભરબપોરે અમરચંદ શેઠની ભાણીઓ શાંતા અને સુશીલાના ગળા, હોઠ અને હાથ પર છૂંદણાં છુંદતી હોય છે ત્યાં અમરચંદ શેઠના દીકરા પરતાપ વાણિયા ની કામુક નજર તેજુડીના ઘાટીલા દેહ અને રૂપાળા જોબન પર પડે છે ! તે વિચારે છે કે, આવું રૂપ નીચલા વરણમાં ક્યાંથી ??? તે પોતાના પ્રેમનો પ્રસ્તાવ લઈ તેજુડી પાસે જાય છે ! દિવસો વિતતા મન ના સંબંધો તન સુધી પહોંચે છે અને તેજુને પરતાપ વાણિયાથી બે મહિનાના ઓધાન રહે છે ! આ બાજુ અમરચંદ વાણિયાને પોતાના પુત્રના પરાક્રમની વાત કાને પહોંચતા જ એણે પોતાના યુવાન પુત્રની યુવાની પર લગામ લગાવવા તેના ઘડિયા લગ્ન લીધા છે અને પરતાપ ને લીલું વાણીયણ જોડે પરણાવી દે છે ! આ બાજુ તેજુ ને વાસ્તવિક પરિસ્થિતિનો સ્વીકાર કરવો પડે છે ! પરંતુ પોતાના ગર્ભમાં ઉછરી રહેલા પરતાપ વાણિયાના બાળકને જન્મ આપવા સિવાય એની પાસે કોઈ વિકલ્પ નથી હોતો. પરતાપ ની સાથે એના લગ્ન થતાં નથી અને પૂરા નવ મહિના પછી કુંવારી તેજુને દીકરો જન્મે છે પણ કહેવાય છે કે તેજુ પ્રેમિકા મટી જાય એ પૂર્વે જ માં બની જાય છે! પોતાના કબીલા વાળા તો પોતાના દંગા ઉપાડી બીજે ગામ ઉપડી જાય છે પણ તેજુ નજીકમાં આવેલા વાઘરીઓના કૂબામાં રહેવા આવી જાય છે !બાળકના જન્મ થતાં જ વાઘરી આગેવાનો આવીને આં કલંક નું નામો નિશાન આં ધરતી પરથી મિટાવી દેવાની વાત કરે છે ત્યારે તેજુ પોતાના બાળકનું મોઢું જોવા તલપાપડ બને છે અને કહે છે કે; "મારું ફૂલ મને બતાવો, મારું બાળ મારા થાનેલે લાવો..."
બાપ વગર જન્મેલા દીકરાને લીધે તેજુ અનેક લોકોના મ્હેણાં ટોણાં મારે છે. પીપરડી ગામના લોકો સૌ તેેેજુુના દીકરાને કલંક તરીકે ઓળખાવે છે !! ઉજળિયાત કોમની આબરૂ સાચવવા પણ નીચા વરણ ની તેજુ આવા વેણ સાંભળી લે છે !! કોઈની સામે પરતાપ વાણિયાનું નામ ન લઈ "અમે તો નીચા કુળના ! અમારે આબરૂ શું ?? ઉજળિયાત કોમના દીકરાની મારા લીધે નામોશી ના થાય એ જ નીચલા વરણનું કામ" એવું વિચારી પોતાનો માનવતાનો ઉચ્ચ દૃષ્ટિકોણ યથાર્થ ઠેરવે છે !!
ધીરે ધીરે આખા ગામમાં તેજુડીનો દીકરો એ પરતાપ વાણિયાનું બીજક છે એવી વાત ફેલાય છે ! પોતાને ઉચ્ચ વરણની નાલેશી થાય અને કાલે ઊઠીને કોરટ કાયદાની જાળ તેમના માથા પર પડે એ બીકે અમરચંદ શેઠ પોતાની ને પોતાના દીકરાની આબરૂ સાચવવા માટે ગામના માથાભારે બ્રાહ્મણો, બળુકા કાઠીઓ અને ગામ પટેલોને ચડાવે છે કે વાઘરીઓ અને વાઘરીઓના કૂબામાં રહેતી તેજુ વાઘરણ કામણ ટુમણ કરી ગામનું ધનોત પનોત કાઢવાં બેઠા છે.. અમરચંદ શેઠ પોતાની ને પોતાના પુત્રની આબરૂ બચાવવા નીચા વરણના લોકો વિરુધ્ધ ઉશ્કેરણી કરી તેમને ઇન્દ્રપુરની જેલમાં પુરાવે છે !જ્યારે તેજુ વઘરણ ને ન્યાયાલય માં ન્યાયધીશ દ્વારા પૂછવામાં આવે છે કે આં છોકરાનો બાપ કોણ ?? ત્યારે તેજુ એ કોઈના પ્રત્યે આંગળી ચિંધ્યા વગર કહી નાખ્યુ કે " ધરતી એની માં ને આભ એનો બાપ !" તેજું ને જેલ થતાં જ તેના ચાર વર્ષના બાપ વગરના પુત્રને અનાથાશ્રમમાં મૂકવામાં આવે છે ! શરૂઆતમાં કહ્યું એમ તેજુડી નો છોકરો ભૂખ્યો થતાં જ કૂતરી ને ધાવવા લાગે છે પણ કુતરીએ તેના હોઠ પર બટકું ભરતા અનાથશ્રમ ના ડોકટર પાસે દવા માટે લઈ જવાય છે ! પણ ડોકટરો પણ અનાથ બાળક પર દાક્તરી અખતરા કરતા કરતા બાળકના ઉપરના હોઠ ને કાપવા સુધીના પરાક્રમ સુધી પહોંચી જાય છે ! ભૂખ અને તરસનો માર્યો ચાર વરસનો અનાથ બાળક ખાવાનુ કંઇક મળે એ ભરોસે અનાથશ્રમથી બહાર વગડા તરફ નીકળી જાય છે જ્યાં એને ગામેગામ ભટકી સાપ રીંછ અને વાંદરાના ખેલ બતાવી પોતાનું પેટ ભરતા એક વૃધ્ધ મદારીનો ભેટો થાય છે ! મદારી એને અનાથ સમજી પોતાની પાસે રાખી લે છે અને ઝંડુર એવું હુલામણું નામ આપે છે ! મદારી પાસે જ મોટો થતો હોઠકટ્ટો ઝંડૂર ધીમે ધીમે બુઢ્ઢા મદારીના વંશ પરંપરાગત ધંધામાં જોતરાઈ જાય છે ! અનાથાશ્રમ માં એક અણઘડ ડોકટરે કાપેલા હોઠને લીધે ઝંડુરના ઉપરના દાંત હોઠથી ઢંકાતા ન હોઈ લોકો ને સદાને માટે હસતો જ દેખાતો ! આ કારણને લીધે લોકો મદારીના સાપ, રીંછ કે વાદરા ની સાથે ઝંડુર ને જોવા માટે પણ ભારી માત્રામાં ઊમટતા ! આ વાર્તાનું બીજું પણ એક પાત્ર કે જે આંખે આંધળી‌ છોકરી હતી. એ આંધળી છોકરી પણ આં બુઢ્ઢા મદારીને પાંચાળ પ્રદેશની એક નદીમાંથી મળે છે !! મદારી એ તેનું નામ બદલી પાડ્યું હતું !! મેઘાણી સાહેબે વાર્તામાં હોઠ કટ્ટા ઝંડૂર અને બદલીના એકબીજા પ્રત્યેના સ્નેહ ને પણ વર્ણવ્યો છે !! વધુ માં મેઘાણી સાહેબે ઝંડુર ને પોતાના ખભા પર બેસાડી ને જતા મદારીના મુખ પર મૂકેલા શબ્દો, "ઇન્સાન ઈન્સાનની ગરદન પર બેસે છે ત્યારે એને શાંતિ વળે છે ! એટલે તો મે જાનવરોનો સંગ લીધો છે ! નાનપણમાં માં બાપ ને સલામ ભરી !! ચાલીસ સાલ ગુજરી ગઈ પણ કોને ખબર તું જ મારો બાપ હોવો જોઈએ ! મારા બાપે પોતાના પાળતૂ સાપનો જીવ કાઢ્યો હતો એટલે જ કોઈ વાણીયણ કે બામણીના ઉદરમાં પડ્યો હશે !! માનવીના મારતલ કાઈ સાપ થોડા પાકે ?? જો મને પણ આં વિદ્યાની ગમ હોત તો હું પણ તને ટુંકો ના કરી નાખત !!!" થી નવલકથા ની વિલક્ષણા ઓ પ્રગટ થાય છે !!
આ બાજુ છ મહિનાની જેલ પૂરી કરી તેજુ બહાર આવે છે ત્યારે પોતાના દીકરાને અનાથાશ્રમ માંથી પરત મેળવવા જાય છે ત્યારે બાળક અનાથાશ્રમ માંથી ગુમ થયેલ હોવાનું માલૂમ પડે છે ! તેજુ નિરાશ થઈ બાળક ક્યાંક મૃત્યુ પામેલ હશે એવું વિચારી પોતાના મનમાંથી રખે ને બાળક જીવતું હોવાનો ભ્રમ દૂર કરી પોતાને ગામ વાઘરીઓના કૂબામાં પરત ફરે છે ! તેજુ એકવાર પુત્રથી અલગ થઈ જાય છે પછી ફરીથી તેનો મિલાપ થતો નથી. તેજુ પુત્ર વિરહમાં ઘેલી બની જાય છે. તેજુ ભલે છ મહિના જેલમાં રહી આવી હતી પણ એની રૂપાળું શરીર અને એનું લાવણ્ય હજુ પણ એવા ને એવા હતા !! તેનું શરીર હજુ પણ યુવાન હતું !! તેની આં યુવાની નો લાભ બે બુઢ્ઢા વાઘરી લે છે ...ફરીથી તેજૂના લીધે ઉચ્ચ વરણના લોકો બધાને જેલમાં નાંખવશે એ બીકે બે લાલચુ વાઘરીઓ એ લાલચમાં આવી તેજુ જેલમાં જઈ આવેલ હોવાથી ખોળિયું ધોવા માટે તીર્થયાત્રા કરવા માટે જઈ આવવાનું કહે છે અને તેજુ ને પોતાના પાપ ધોવા માટે ગામના લાલજી વાણિયા નામના પરોપકારી ઠગ ને ત્યાં વેચી આવે છે !!! મેઘાણી લખે છે કે તેજુ સોના સરીખી હતી પણ વાઘરીઓ એને લોખંડ ના ભાવે વેચી આવે છે !!
લાલજી વાણિયો તેજુ ને તેના પાપ ધોવાના બહાને ડાકોર લઈ જાય છે અને ત્યાં જઈ એક આધેડ ઉંમરના વાણિયાને તેજુ પોતાની એક દીકરી છે એવું બતાવી પૈસા પડાવીને વેચી મારે છે ! આ બાજુ તેજુ સાથે દગો થયો હોઈ તેના પસ્તાવાનો પાર નથી રહેતો !!! કહેવાતા સંસ્કૃત સમાજે જેમને હડધૂત કર્યાં છે અને જીવને જેમના પ્રત્યે સાવકીમાં જેવું વર્તન રાખ્યું છે એવા ધરતીના જાયા દીનદુખિયાની વિતકકથા મેઘાણી સાહેબની નવલકથા ‘વસુંધરાના વહાલા-દવલા’મા છે. વાચકને ચિત્તને જકડી રાખતો વૃતાંતપ્રવાહ ગ્રામજીવનનું તાદ્રશ વાતાવરણ અને બળવાન શૈલી આ નવલને ખૂબ સુવાચ્ય બનાવે છે.મેઘાણી સાહેબ લિખિત વસુંધરાના વહાલા દવલા નવલકથા બહુ લાંબી છે અને તેનું ભાવ નિરૂપણ કરવું પણ મારા માટે અશક્ય છે છતાં ઉપરોક્ત ચિત્ર જોતા નવલકથાના થોડા અંશો મગજમાં તાજા થયા જેને કંડારવાનો પ્રયાસ માત્ર કર્યો છે છતાં પણ વાર્તાના પૂરા ભાવ બનાવો અને તેની કરુણતા ને સમજવા માટે તો પૂરી નવલકથા વાંચવી રહી !