એક સજ્જન જાસૂસ : રામેશ્વરનાથ કાઓ
એનું અસ્તિત્વ છે છતાં પણ નથી અને નથી છતાં પણ છે.વાત છે દિલ્હીના લોદી રોડ પર આવેલી એક ઇમારતની - આ ઇમારત પર કોઈ જ નેમ પ્લેટ નથી, છતાં પણ ભારતની વિશ્વમા રાજકીય વગ જાળવી રાખવા આ મકાન ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે.વૈશ્વિક રાજકારણ તથા દુશ્મન દેશોની લશ્કરી ગતિવિધિઓ પર નજર રાખવા તથા તેનો અહેવાલ સીધો જ પ્રધાનમંત્રીને આપતા આ સરકારી વિભાગનું નામ છે R & AW.
1962મા ચીન સાથેના સંઘર્ષમાં મળેલી કારમી હાર તથા 1965ના પાકિસ્તાન વિરુદ્દના જંગમાં પડેલી કેટલીક મુશ્કેલીઓના પગલે તત્કાલીન પ્રધાનમંત્રી શ્રીમતી ઇન્દિરા ગાંધીએ જાસૂસી તંત્રને બે ભાગમાં વહેંચી દીધું હતું. IBનું કાર્ય દેશની અંદર રહેલા દેશવિરોધી તત્વો પર નજર રાખવાનું હતું જયારે R & AWની જવાબદારી વિદેશોમાં ચાલતી ભારતવિરોધી ગતિવિધિઓ અંગે સરકારને માહિતગાર કરવાનું હતું.
21 સપ્ટેમ્બર 1968ના દિવસે સ્થાપિત R & AWની વિશેષતા એ છે કે અહીંના અધિકારીઓની નિમણુંક ખુદ વડાપ્રધાન કરે છે.ઉપરાંત કાર્યોની વહેંચણી તથા તેનો અહેવાલ લેવાનું એમ બંને કર્યો વડાપ્રધાન સ્વયં કરતા હોય છે. ઇન્દિરા ગાંધીના આદેશ મુજબ રચાયેલી આ સંસ્થાના પ્રથમ નિયામક હતા શ્રી રામેશ્વરનાથ કાઓ. મૂળ કાશ્મીરના પરંતુ વારાણસીમાં જન્મેલા ( 10 મે, 1918) આ આઈ પી એસ ઓફિસર ' ધ કાશ્મીર પ્રિન્સેસ ' તરીકે ઓળખાતી વિમાન દુર્ઘટનાની ઝીણવટપૂર્વક તપાસ કરી ચુક્યા હતા. ઈ. સ. 1955માં બેંડુન્ગ ખાતે યોજાનારી આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સમાં ભાગ લેવા જનારા 12સભ્યોમાં ચીનના પ્રમુખ ઝાઉ એન લાઇ જેવા વીવીઆઈપી પણ હતા.આ અંતે એર ઇન્ડિયા પાસેથી ધ કાશ્મીર પ્રિન્સેસ નામનું વિમાન ભાડે લેવાયું હતું. અંતિમ ક્ષણે ઝાઉ એન લાઇનો પ્રવાસ રદ થયો અને એજ વિમાન દક્ષિણ ચીનના સમુદ્રી વિસ્તારમાં તૂટી પડ્યું. દુર્ઘટનાનું કારણ ? પ્લેનમાં રખાયેલો ટાઈમ બૉમ્બ. દેખીતી રીતે જ સમગ્ર ઘટના ચીની પ્રમુખના હત્યાના કાવતરા તરીકે પ્રદર્શિત થઇ.
રાજકીય રીતે વાતાવરણ તંગ હતું .ઇન્ડોનેશિયાના સમુદ્રમાં બનેલી આ ઘટનાએ ઝાઉ એન લાઇને ભીતરથી હચમચાવી મુક્યાં અને ઘટનાનો રાજકીય લાભ લેવાનું ચુકે તેવા સરળ પણ તેઓ નહોતાં જ.સમગ્ર ષડયંત્ર હોંગકોંગમાં રચાયું હતું અને હોંગકોંગ પર બ્રિટનનું આધિપત્ય હતુ. બ્રિટન અને અમેરિકા વચ્ચે મૈત્રી હતી જયારે બ્રિટન અને ચીન વચ્ચે રાજકીય અબોલા હતા. આથી ભારતે ( હકીકતમાં તો નેહરુએ ) તેઓ વચ્ચે મધ્યસ્થી બનવાનું નક્કી કર્યું અને રામેશ્વરનાથ કાઓને આ માનવસર્જિત અકસ્માતની તપાસ કરવાની જવાબદારી સોંપવામાં આવી.
સમગ્ર ઘટનાના પૃથક્કરણ માટે કાઓએ સિંગાપોર, જકાર્તા, બેંડુન્ગ , હોંગકોંગ અને ચીનનો પ્રવાસ કર્યો. ઝાઉ એન લાઇની વખતોવખત મુલાકાત લીધી. રાક્ષસસહજ દુષ્ટતા ધરાવતા લાઈએ આ ષડયંત્ર માટે બ્રિટનને જવાબદાર ઠરાવવા આડકતરું દબાણ કર્યુ તો બીજી તરફ ચીનદ્વેષી હોંગકોંગ તરફથી પૂરતો સહકાર ન મળ્યો. આમ બે પ્રતિદ્વંદીઓ વચ્ચે સેન્ડવિચ થવા છતાં પણ કાઓ અડગ રહ્યા. છ મહિનાના સઘન અભ્યાસ બાદ સમગ્ર ઘટનાક્રમ સ્પષ્ટ થઇ ગયો.
11 એપ્રિલ 1955ના 8 કૃ મેમ્બર્સ તથા 11 સભ્યો સાથે એર ઇન્ડિયાના કાશ્મીર પ્રિન્સેસે હોંગકોંગના એરપોર્ટ પરથી જકાર્તા માટે ઉડાન ભરી.પાંચ કલાક પછી જયારે વિસ્ફોટનો અવાજ સંભળાયો ત્યારે તે 18000 ફીટની ઊંચાઈ પર હતું. કેબિનમાં ધુમાડો પ્રવેશ્યો અને વિમાનના ત્રીજા એન્જીનમાં વિસ્ફોટ થયો હોવાનું ધ્યાનમાં આવ્યું. મુખ્ય પાઇલોટ જતારે વિમાનને નીચે લાવવાની શરૂઆત કરી. અંતે વિમાન સમુદ્રમાં પતન પામ્યું. 11 યાત્રીઓ તથા 5 કૃ મેમ્બર્સ તત્કાલ મૃત્યુ પામ્યા જયારે ફ્લાઈટ નેવિગેટર પાઠક, એરક્રાફ્ટ મિકેનિકલ એન્જીનિયર કર્ણિક તથા કો પાઇલોટ દીક્ષિત મહામુશ્કેલીથી તરીને કોઈક રીતે કિનારા સુધી પહોંચવામાં સફળ થયા. તેઓની જુબાની કાઓ માટે મહત્વની બની રહી.
હકીકતમાં અમેરિકાની ગુપ્તચર સંસ્થા સીઆઈએની યોજના અનુસાર વિમાનની જમણી પાંખમાં બૉમ્બ મુકાયો હતો. આ કારસ્તાન હોંગકોંગના વિમાની મથકે સર્વિસિંગ કરનાર ચોઉં ચુ નામના મિકેનિકે પાર પડ્યું હતું. આ કાર્ય બદલ તેને 6,00,00 ડોલર તથા તાઈવાનમાં 'સુરક્ષિત ' આશ્રય મળવાનો હતો. રામેશ્વરનાથે આ વાત સાબિત તો કરી પરંતુ ત્યાં સુધીમાં તે હોંગકોંગથી તાઇવાન જવા રવાના થઇ ચુક્યો હતો.
બેંડુન્ગ કોન્ફરન્સ મૂલતઃ બિનજોડાણવાદી રાષ્ટ્રોની હતી. સામ્યવાદી નીતિ ધરાવતા ચીનને એની સાથે આમ જુઓ તો કોઈ જ નિસ્બત નહોતી, પરંતુ નેહરુએ ઝાઉ એન લાઈને ખાસ આમંત્રિત કર્યા હતા જેનો હેતુ ચીનનો આફ્રિકાના દેશો સાથે મુલાકાત કરાવવાનો હતો.નેહરુએ આફ્રિકાના દેશોમાં સારી એવી લોકપ્રિયતા મેળવી હતી અને તેનો લાભ ચીનને જોઈતો હતો.બીજી તરફ ચીન જેવા દેશનો આફ્રિકામાં પગપેસારો થાય તે સામે અમેરિકાને વાંધો હતો માટે આ ષડયંત્ર ઘડાયું.
નોંધપાત્ર વાત એ છે કે ઉપરોક્ત બનાવ વખતે કાઓ ભારતના જાસૂસ નહોતા.સમગ્ર ઘટનાની નિષ્પક્ષ છણાવટે તેમને આંતરરાષ્ટ્રીય પ્રસિદ્ધિ અપાવી. આ અગાઉ તેઓ ઘાનાના વડાપ્રધાન ક્વામી નુંકરુમાંને ગુપ્તચરતંત્રના આયોજનમાં મદદ કરી ચુક્યા હતા.ઇઝરાયલની પ્રખ્યાત ગુપ્તચરસંસ્થાના નિયામક(1982-1989) નાહૂમ એડમોની કાઓના પ્રશંસક હતા.
R& AWના સ્થાપક-નિયામક બન્યા બાદ તેઓની યશકલગીમાં પીંછા ઉમેરાતા રહ્યા. ઇ.સ.1971માં જયારે પાકિસ્તાન સાથે આપનો સંઘર્ષ થયો ત્યારે આપણા લશ્કરને તેમનું સતત માર્ગદર્શન મળતું રહ્યું. બાંગ્લાદેશ યુદ્ધનું અંતિમ પ્રકરણ - જનરલ એ એ કે નિયાઝીની લેફટનન્ટ જનરલ જગજિતસિંઘ સમક્ષ ઢાકા ખાતે શરણાગતિ - લખવામાં તેમનો સિંહફાળો રહ્યો. બાંગ્લાદેશના સર્જકોની યાદીમાં શ્રીમતી ઇન્દિરા ગાંધી, ફિલ્ડ માર્શલ સામબહાદુર માણેકશા સાથે તેમનું નામ અચૂક જોડી શકાય.
ભારતીય જાસૂસી તંત્રના પ્રણેતા એવા આ મહાપુરુષે ત્રણ દેશોના ગુપ્તચરતંત્રનો બારીકાઇથી અભ્યાસ કર્યો હતો: (1) સ્કોર્ટલેન્ડ યાર્ડ ( યુ.કે) (2) સીઆઇએ (અમેરિકા) (3) બીએનડી ( પશ્ચિમ જર્મની) ભારતના જેમ્સ બોન્ડ માનતા આ બાહોશ અધિકારીના કાર્યકાળમાં અનેક મહત્વપૂર્ણ સુધારાઓ થયા. એમના અભિપ્રાયના આધારે જ નેશનલ સિક્યોરિટી કાઉન્સિલની રચના થઇ. હિન્દી, અંગ્રેજી ઉપરાંત પર્શિયન, સંસ્કૃત તથા ઉર્દુ ભાષાના જાણકાર એવા આ સુપરસ્પાય સ્વભાવે થોડા શરમાળ તથા અંતર્મુખી હતા.બહુ જ જૂજ પ્રસન્ગોએ પોતાની તસ્વીર ખેંચાવી હતી.જો અતિશયોક્તિ ના હોય તો પોતાની કારકિર્દી દરમ્યાન માત્ર એક જ વાર !!
જાસૂસીનું કાર્ય સજ્જન અને નેકદિલ ઇન્સાનનું નથી હોતું. કાઓ આ બાબતમાં સુખદ અપવાદ હતા.પોતાની કાર્યપ્રણાલી તથા અનુભવો તેમણે અમુક કેસેટોમાં ટેપ કરી રાખ્યા હોવાનું મનાય છે. પોતાના મૃત્યુના અમુક વર્ષો બાદ એ જાહેર થાય એવી તેમની ઈચ્છા હતી. આ કેસેટો જયારે જનતા સમક્ષ મુકાશે ત્યારે એમની વીરતાના વધુ પ્રસંગો બહાર આવશે ભારતમાતાના આ વીર સપૂતે 2002માં છેલ્લા શ્વાસ લીધા.