Man No Malik in Gujarati Philosophy by Hardik Kapadiya books and stories PDF | મનનો માલિક

Featured Books
Categories
Share

મનનો માલિક

મન નો માલિક, ઘણા તો પહેલેથી જ માલિક હશે. ઘણા માલિક બનવાનો પ્રયત્ન કરી રહ્યા હશે અને જે બિલકુલ પોતાના મન પર રાજ નથી કરતા. એટલે કે, પોતાના મન ના માલિક હજુ સુધી નથી બન્યા તે કદાચ મારા શબ્દો સાંભળીને બની પણ જશે. પણ જો મારી વાતોથી તમારા મન માં કોઈ ફર્ક ના જણાય તો પછી તમે કોઈ બીજી વ્યક્તિના માનસિક રીતે ગુલામ બની ચુક્યા છો. મતલબ કે તમે કોઈ બીજી વ્યક્તિના કહેવા પ્રમાણે ચાલી રહ્યા છો. તમે તમારા મનનું સાંભળી શકતા નથી. અને આવું મોટા ભાગે એટલા માટે બનતું હોય છે કેમ કે તમે પોતે તમારી જ વાતને તમારા દિલ સુધી પહોંચાડી શકતા નથી. એક મસ્ત ઉદાહરણ આપું તમને કે, કોઈ વ્યક્તિને ઈન્ટરનેટ ની જરૂર હોય અને એ તમારી પાસે મદદ માંગે તો તમે શું કરશો? તો; સૌથી પહેલા તમે તમારા મોબાઈલમાં ડેટા ચાલુ કરશો. પણ શું ખાલી ડેટા ચાલુ કરવાથી તમે એ વ્યક્તિના મોબાઈલ સુધી ઈન્ટરનેટ પહોંચાડી શકશો. તો ના એ શક્ય જ નથી કેમ કે ડેટા ની સાથે તમારે હોટસ્પોટ ચાલુ કરવું જ પડે,તો જ તમે એ વ્યક્તિના મોબાઈલ સુધી ઈન્ટરનેટ પહોંચાડી શકશો. તો મારો કહેવાનો મતલબ એ છે કે, તમે તમારા મનરૂપી ડેટા ને તો ચાલુ કરો જ છો. પણ તમારા દિલ ના હોટસ્પોટ ને ચાલુ કરતા નથી. અને માટે જ તમે પોતાની જ વાતો ને પોતાના સુધી કે કોઈ અન્ય વ્યક્તિ સુધી પહોંચાડી શકતા નથી. એટલે જો જીવનમાં સારી-ખોટી વાતોને સમજવી હોય તો મનને પોતાના દિલ સુધી હંમેશા જોડી ને રાખવું. તો જ,તમારી વાતો તમારા સુધી પહોંચશે. આ મોબાઈલ વાળી વાત થી ઘણા ને મનોમન હસું તો આવ્યું હશે. પણ, જો તમને એકદમ સરળ કે સાવ દેશી ભાષામાં કહ્યું હોત તો તમને કદાચ મજા ના આવત. પણ તમને તમારી મોબાઈલ વાળી ભાષા માં કીધું એટલે તો મને ખબર જ છે કે જલસો પડી ગયો હશે બાપુ.

તો, મન એ એકદમ શાંત શબ્દ છે. તમારે હાલ બોલીને જોવું હોય તો જોઈલો. ખરેખર આમ મનમાં જોરદાર શાંતિ ફેલાઈ જશે. પણ ઘણા લોકો એવા હશે કે જેને વધારે કાંઈ શાંતિ જેવું લાગ્યું નઈ હોય એનું કારણ હમણાં મેં કીધું એમ કે, કોઈક વ્યક્તિના તો એ માનસિક રીતે ગુલામ હશે જ. માટે જીવનમાં ભલે તમે કોઈ મોટી તકલીફ માં મુકાયા હોય પણ હંમેશા પોતાના મનને એકાગ્ર બનાવીને રાખો. નહીં કે કોઈના માનસિક રીતે ગુલામ બનો. કેમ કે, માનસિક ગુલામી એ હંમેશા તમને તમારાથી જ દૂર રાખીને તમને બરબાદ કરશે અથવા તો તમને આત્મહત્યા કરવા મજબુર બનાવશે. મારી આ વાતને ક્યારેય ભૂલશો નઈ. જીવનમાં સુખ કે દુઃખ આવે તો તેને સ્વીકારતા શીખો. કેમ કે સુખ-દુઃખ ને સાથે રાખી ને આગળ ચાલશો તો મને નથી લાગતું કે તમે કોઈ જગ્યા એ અટકશો. અને કદાચ અટકશો તો તેનું જલ્દીથી નિરાકરણ લાવી શકશો. જીવનમાં તકલીફ ભલે ગમે તેવી મોટી હોય પણ ક્યારેય મગજ પર ભાર લઈને ના ફરશો. અને આવા સમયે પોતાના આત્મવિશ્વાસને તૂટવા ન દો. હું પોતે મારા મનને શરીર નું બીજું હૃદય માનું છું. કેમ કે હું દિલ અને મન એમ બંને ને સાથે રાખીને હંમેશા કોઈપણ પ્રકારનો નિર્ણય લઉં છું. બંને નો સાથ એટલે કે તે બંનેની પરવાનગી પછી જ કોઈ કામ માટે પોતાને આગળ વધારું છું. જેના લીધે મને કોઈ પણ પ્રકારની અગવડતા અનુભવ્યા વિના કામ કરવામાં પણ મજા આવે છે

આપણા પૂર્વજોથી આપણે એક સુંદર કહેવત સાંભળતા આવ્યા છીએ. અને હાલમાં પણ સાંભળીયે છીએ કે "મન હોય તો માળવે જવાય". પેલા તો સાંભળી લો કે જે વ્યક્તિ પોતાના મન પર રાજ કરતો હોય ને એના માટે માળવે જવું અઘરું નથી. જો માળવા(લક્ષ્ય) સુધી પહોંચવું હોય તો મનને હંમેશા મક્કમ બનાવી ને રાખો. કેમ કે જીવનમાં પોતાના લક્ષ્ય સુધી પહોંચતા પહેલા માણસે હજારો તકલીફોનો સામનો કરવો પડતો હોય છે અને ત્યારે જ તે સફળ બને છે. સફળતા સુધી પહોંચવા માટે તન અને મન એમ બંનેને બરાબર ઘસવું પડે છે. એટલે તમારે મનને શાંત રાખીને આગળ વધવાનું છે. કારણ કે તમારું મન જેટલું શાંત હશે તેટલી જ તમારી વિચારવાની ક્ષમતા બમણી થશે. જે તમને આગળ વધવા માટે ઉપયોગી સાબિત થશે.

આજે મનથી શાંત રહીને અમૂલ્ય કામ કરનાર એવા બે મહાન વ્યક્તિની વાત કરવી છે. જેમાં એક "ભારતીય બંધારણના ઘડવૈયા" એવા ડૉ.બી.આર.આંબેડકર કે જેમને બાળપણથી જ જાતિ-વ્યવસ્થા ને લીધે અનેક સંઘર્ષો કરવા પડયા છે. ડગલે ને પગલે તેમને નવી-નવી ચુનોતીઓનો સામનો કરવો પડયો છે. માટે ગરીબો,પીડિતો અને દરેક સમાજની મહિલાઓ શિક્ષણથી તેમજ પોતાના અધિકારોથી વંચિત ના રહી જાય એ માટે તેમણે પોતાનું આખું જીવન તેમના ન્યાય માટે સમર્પિત કરી દીધું. અને બીજી સૌથી મોટી વાત એ છે કે આપણે બાબાસાહેબને હંમેશા દલિતોના જ મસિહા તરીકે જ ઓળખીએ છીએ, પણ ખરેખર એવું નથી. તેમણે તો દરેક સમાજ માટે કામ કર્યું જ છે. બસ...! આપડે તેમને ક્યારેય વાંચ્યા જ નથી. અને એટલા માટે જ આવો પ્રશ્ન કરીએ છીએ. "જીવનમાં કોઈ પણ વ્યક્તિને જાણ્યા વગર તેમના વિશે કંઈક ખોટું કહેવું તે માનવતાનો ધર્મ નથી." એકવાર તમે એમને બરાબર સમજશો તેમજ તેમણે બનાવેલા બંધારણના દરેક કાયદાઓનું સારી રીતે પાઠન કરશો તો ક્યારેય પણ બાબાસાહેબ વિરુદ્ધ ખોટી ટિપ્પણી કરવાવાળાથી તમે ભ્રમિત નઈ થાઓ. અને તમારા જીવનમાં પણ ઘણો બદલાવ આવશે અને કંઈક નવું કરવાની ઉમ્મીદ જાગશે. કારણ કે પોતે આવી કષ્ટભરી પરિસ્થિતિઓમાંથી પસાર થઈને પણ વિદેશની ટોપ યુનિવર્સિટીમાંથી ઉચ્ચતમ પદવીઓ પ્રાપ્ત કરી. અને આવી જ રીતે આપણા વિશ્વરત્ન એવા બાબાસાહેબે પોતાની કલમની તાકાતથી "ભારતીય સંવિધાન" ની રચના કરીને દેશને એક નવી દિશા તરફ આગળ વધાર્યું. અને આ બધું એટલા માટે જ શક્ય બની શક્યું કેમ કે, તેઓ મનથી એકદમ શાંત અને મક્કમ હતા. તેમણે પોતાના મનની એકાગ્રતાને જાળવી રાખી ત્યારે જ તેમના પ્રયાસો સફળ બન્યા છે. જો એ સમયે તેઓ તેમની સાથે અન્યાય કરતા લોકો સામે લાકડી લઈને લડવા ગયા હોત તો શું થાત? પણ, તેમના મનમાં એક વાત સ્પષ્ટ જ હતી કે, લાકડીથી ખાલી લડી શકાય પણ, શિક્ષાની કલમથી કરોડો લોકો પર થતા અત્યાચારો રોકી શકાય છે. તો આ હતી બાબાસાહેબના મનની વિચારધારા. બાબાસાહેબ પાસેથી આમ તો ઘણું શીખવાનું છે પણ એમાં મુખ્ય વાતો એ કે, જીવનમાં આપણે આગળ જઈને શું કરવાનું છે. કઈ રીતે કરવાનું છે અને તેનું પરિણામ શું હશે. તો આ બધી વાતો આપણા મગજ(મન) માં સ્પષ્ટ હોવી જોઈએ.જો આટલી વાતો શીખી ગયા ને તો કોઈ જગ્યાએ તમે પાછા નઈ પડો. તો આવા મહાનાયક ને વંદન કરીને આપણે આગળ વધીએ. આવી જ રીતે બીજા આપડા ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન એવા મહેન્દ્રસિંહ ધોની કે જેમને આપણે "કેપ્ટન કૂલ" ના નામથી પણ ઓળખીએ છીએ. આ એ જ માણસ છે કે જેમણે ભારતને ક્રિકેટ ફોર્મેટમાં આંતરરાષ્ટ્રીય સ્તરની ત્રણ સૌથી મોટી ટ્રોફી અપાવી છે. આ એક સૌથી મોટી સિદ્ધિ કહેવાય. કેમ કે; તેમના સિવાય હજુ સુધી અન્ય કોઈપણ ભારતીય કેપ્ટન આ પ્રસિદ્ધિ નથી મેળવી શક્યા. તમે જયારે પણ તેમને ગ્રાઉન્ડ પર જોશો તો તે હંમેશા શાંત જ જોવા મળશે. મેચનું પરિણામ શું આવશે તેની કોઈને ખબર નથી હોતી પણ મને લાગે છે કે ધોનીને એમાંથી બાકાત કરીએ કેમ કે, તેઓ જયારે પણ ગ્રાઉન્ડ પર ઉભા હોય ત્યારે તે હારને ક્યારે જીતના પાસામાં પલ્ટી નાખે છે તે સાલું સમજાતું જ નથી. બસ આપડે તો ખાલી જોયા કરીએ નઈ?. તો એકવાત યાદ રાખો કે ગ્રાઉન્ડ માં હંમેશા એક નઈ પણ બે ગેમ રમાતી હોય છે. એક કે જે તમે ગ્રાઉન્ડમાં જોઈ રહ્યા છો અને બીજી જે તમે નથી જોઈ શકતા. તો ગેમ એ ખેલાડીના મનમાં રમાતી હોય છે. જેને આપણે 'માઈન્ડ ગેમ' કહીએ છીએ. તો હવે તમને ખબર પડી જ ગયી હશે. તો આ હોય છે મનની તાકાત. તો આવા ઘણા બધા પ્રેરણાદાયી ઉદાહરણ તમે લઇ શકો છો. તો આવી રીતે જો તમારું મન પણ શાંત અને મક્કમ હશે તો દુનિયાથી બે ડગલાં આગળ ચાલવામાં તમને કોઈ નઈ રોકી શકે. અને બીજું એક ખાસ કે, મનમાં રહેલા કોઈના પ્રત્યેના ભેદભાવો, ઈર્ષા, નિંદા, આ બધું જ મન માંથી દૂર કરી નાંખો. કારણ કે' આ બધી વસ્તુ જ આપણા મન માં માનસિક ભાર(તાણ) વધારે છે જે લાંબા સમયે નુકસાનકારક સાબિત થાય છે. માટે જ જીવનમાં હંમેશા કંઈક સારું શીખતાં રહો. અને નવા-નવા વિચારોને પણ અપનાવતા રહો. તો જ તમે સારી રીતે સાર્થક બની શકશો. અને દુનિયા સાથે તમારે કદમ મિલાવીને ચાલવું હોય તો મારા આ નાનકડા વાક્ય ને હંમેશા યાદ રાખશો કે; "મન એ એક રમત છે, જેને રમતા તમારે શીખવું જ પડશે; નઈ તો રાજ કરવાવાળા તો ઘણા બેઠા જ છે."

ખરેખર આજે દિલથી કઉં છું દોસ્તો કે, "કુદરતે માનવીના મનને ‘મન’ મૂકીને બનાવ્યું છે.” કેટલી સરસ રચના છે કે આ અદ્રશ્ય મન એકલું હોવા છતાં પણ લોકોથી ઘેરાયેલું છે. મનનો પ્લસ પોઇન્ટ જો મને પૂછવામાં આવે ને તો હું એક જ વાત કઈશ કે ‘મનની વાતો મનની સાથે’.સમજવામાં થોડું ઓકવર્ડ લાગશે પણ સમજાશે તો ખરી એ મને મારા વાચક મિત્રો પરનો ‘વિશ્વાસ’ કહે છે. અને મન ખોલીને તેમજ દિલ ખોલીને વાંચશો તો બધું જ સરળતાથી સમજાશે એ મારુ ‘મન’ અને ‘દિલ’ કે છે. તમને ખબર જ છે કે, આ બધું હું તમને કેમ કઉં છું. કારણ કે મારા મન પર હું પોતે રાજ કરું છું. રાજ કરવાનો મતલબ એ જ છે કે હું તમારા દિલ(હૃદય) માં વગર પાસવર્ડ એ જોડાઈ શકું છું. તમારી લાગણીઓને સમજી શકું છું. અને મારા મનની વાતો તમારી સામે રજુ કરી શકું છું. બસ આ જ છે પોતાના ‘મનના માલિક’ બનવાનો સૌથી મોટો ફાયદો.‘ફાયદો પણ હંમેશા એવો શોધો કે જેમાં આપણને નુકસાન ના થાય.’ હવે પાછા મારા વાંચક પ્રિયજનો આ લાઈનમાં અટવાયા હોય એવું મને લાગ્યું. તો જાણો હવે કે,જીવનમાં ફાયદો શોધવો એ સારી વાત છે પણ એ ફાયદો પાછળથી આપણને નુકસાન તો નઈ કરેને એ વસ્તુ અહીં સમજવાની છે. આપણે નઈ કેતા કે “લાલચ બુરી બલા હૈ” એટલે એમાં પણ એવું જ હોય છે કે જયારે તમને કોઈ જગ્યાએ કે કોઈ વસ્તુ પર પર વધારે ફાયદો દેખાતો હોય એટલે મનમાં લાલચ તો જાગવાની. પણ એ લાલચ ને આપણે કાબુમાં રાખતા શીખવાનું છે. એક મસ્ત ઉદાહરણ આપું તમને કે ધારો કે, તમે કોઈના લગ્નમાં ગયા હોય ને જમવામાં ગુલાબજાંબું રાખ્યા હોય તો આહાહા...મોઢામાં પાણી આવી ગ્યું નઈ? હા તો, સૌથી પેલા તમે ગુલાબજાંબુંન જ લેવાનું પસંદ કરશો. અને ૫ થી ૬ ગુલાબજાંબુંન તો અટકાઈ પણ જશો. પછી તમે થોડા ઢીલા પડશો કારણ કે મોઢું હવે ગળ્યું ગળ્યું થઇ ગ્યું હશે. તમને ખબર જ હશે કે વધારે સ્વીટ ખાવાથી ગળું પકડાઈ જાય છે. એટલે તમે તમારી ખાવાની ક્ષમતા ને તો ઓળખો જ છો કે કેટલી હદ સુધી આપણે ખાઈ એ તો સારું. બસ...! આ જ રીતે આપણને કોઈ વસ્તુ પર નો ફાયદો કેટલી હદ સુધી ફાયદો કરાવશે તે જાણવું જરૂરી છે. નહીં તો પછી ગેરફાયદામાં સરકી જતા વાર નઈ લાગે.

હું તો એવું માનું છું મારા પાક્કા વાંચનીયાઓ કે પૃથ્વી એ બે બ્રહ્માંડથી જોડાયેલી છે. અરે...અરે..સાંભળોતો ખરી પેલા નઈ તો પાછા કેશે કે આ વળી નવું બ્રહ્માંડ ક્યાંથી લઇ આવ્યો? બરાબર ને.... હા તો, હવે થોડી વાતને આગળ વધારીએ તો એક બ્રહ્માંડ જે આખી દુનિયા(પૃથ્વી) ને સમાવે જેમ કે પ્રકૃતિ, માણસો, જાનવરો, નવી નવી અજાયબીઓ વગેરે. અને બીજું બ્રહ્માંડ જેની રચના તો કુદરતે જ કરી છે પણ, એની શોધ તો મેં જ કરી હો. હા તો સાંભળો કે બીજું બ્રહ્માંડ એટલે બીજું કોઈ નહીં પણ "આપણું મન". કેમ ચોંકી ગયા..! કેમ કે કુદરત જે ચિત્ર બનાવે છે ને દોસ્ત તેને સમજતા આપણે ખબર નઈ કેટલાય જન્મ લેવા પડે. તોય ચાલો હું તેના વિશે થોડું ઘણું કઈ દઉં અને મારો આભાર માનજો પાછા. કેમ કે; તમને આ જન્મમાં જ તેનું આછું-પાતળું પ્રતિબિંબ બતાવવાનો છું. આપણે આખા વિશ્વમાં સાત અજાયબીઓ જોઈ છે, ભલે રૂબરુ માં એને ના જોઈ હોય પણ ફોટા માં તો સૌ કોઈ એ જોઈ જ હશે. પણ ક્યારેય આપણે એવું નથી વિચાર્યું કે આ બધાથી પણ વિશેષ એક અજાયબી છે જેને આપણે કદી ધ્યાનમાં લીધી જ નથી. અને એ 'માનવી નું મન' છે. મનને આ સાત અજાયબીઓથી એટલા માટે મેં વિશેષ કહ્યું છે કેમ કે, પહેલા તો આ સાત અજાયબીઓ માનવ રચિત છે જયારે મન એ કુદરતની કરામતથી રચિત છે. મનની રચનાકૃતિ એ એક અલગ જ પ્રકારની છે કે જેને કોઈ ચુંબી શકતું નથી. જેમ કે, રચનાત્મક, વિશેષકારી, અદ્દભુદ, અકલ્પનિય,................! આ જગ્યા એટલા માટે મારે છોડવી પડી. કેમ કે, આ મન વિશેના વિશેષ શબ્દો જો લખવા જઈ તો કદાચ શબ્દો ખૂટી પડશે. કારણ કે, આ અદ્રશ્ય મન એ પોતાની જ પ્રશંસા કરતા થોડી કાંઈ અચકાવાનું છે. અને બીજું કે, આ મન ને હંમેશા પ્રકૃતિ સાથે પણ જોડીને રાખો કેમ કે પ્રકૃતિના ખોળે મોટા થવાનું સુખ તમને સ્વર્ગમાં પણ પ્રાપ્ત નઈ થાય. એટલે આપણને આ જિંદગી જીવવા મળી છે તો પછી જીવી જાણો. અને એવી જિંદગી જીવો કે તમારી ગેરહાજરીમાં પણ લોકોના મનમાં તમે એક મોબાઈલના હોટસ્પોટની જેમ ચાલુ રહી જાઓ. જેથી એ લોકો ગમે ત્યારે તમારો ડેટા વાપરી શકે. અને આ મનરૂપી ડેટા એ આપણને કુદરતે મફત આપ્યો છે એટલે તેને ટેન્શન લીધા વિના વાપરો. તેમજ હંમેશા તેનો સદ્ઉપયોગ થાય તેવો પ્રયત્ન કરો. તો આ બધી હતી મારા મનની વાતો. હવે મને એવું લાગી રહ્યું છે કે, તમે પણ ધીમે ધીમે મનના માલિક બનવાની શરૂઆત કરી દીધી હશે. કેમ કે, મેં મારા વાંચનીયાઓ ઉપર મન મૂકી ને ભરોસો કર્યો છે. અને છેલ્લે...! મારો તમારી સાથેનો સંવાદ પણ મનમાં ને મનમાં થયો ખબર પડી કે નઈ તમને?

"મન.....મન....અને....મન......મજા આવી ગઈ ને મનમાં ને મનમાં"

(મન નો પ્રશ્ન અને દિલ નો જવાબ)
~ હાર્દિક કાપડિયા

-: આભાર :-