સમયચક્ર
"મમ્મી આઈ લવ યુ મમ્મી. " માર્ક કેટલીય વાર સુધી બોલતો રહ્યો પણ તેની મમ્મીએ તેની સામે બેસેલી હોવાં છતાં કોઈ જ જવાબ ના આપ્યો. ત્યાંજ બીપ બીપ અવાજ થવાં લાગ્યો. માર્કે જોયું તો તેની હાથમાં રહેલી સ્ટોપવોચમાં માત્ર વીસ જ સેકન્ડ બચ્યાં હતાં. માર્ક દોડીને તેના નિયત સ્થાને આવ્યો અને તેનાં ગળામાં રહેલું ક્લોક જેવું પેન્ડલ ફેરવ્યું ને તે સીધો વર્તમાનમાં આવી ગયો.
"માર્ક ઓપન ધ ડોર. માર્ક... માર્ક " માર્કે પોતાનાં ડેડનો અવાજ સાંભળીને ફટાફટ દરવાજો ખોલ્યો.
"માર્ક શું કરતો હતો ક્યારનો?" એડવર્ડે માર્કની સામું ગુસ્સે થતાં પૂછ્યું.
માર્ક જવાબ આપ્યાં વગર નીચું મોઢું કરી બેસી રહ્યો. એડવર્ડને ગુસ્સે થયાં બાદ માર્ક ઉપર વ્હાલ આવ્યું. તે શાંત પડીને માર્કને વળગી પડ્યો.
"આઈ એમ સોરી બેબી. મને તારી ચિંતા છે એટલે થોડો ગુસ્સે થઇ ગયો. પ્લીઝ ડેડીને માફ કરી દે. " એડવર્ડે માર્કને મનાવતાં કહ્યું.
માર્ક એડવર્ડનાં ગાલ પર કિસ કરીને ગાલ પર ચૂંટલી ભરીને ત્યાંથી ભાગી ગયો. એડવર્ડ પણ તેને પકડવાં તેની પાછળ દોડ્યો. ત્યાંજ પાવર ઓફ થઇ ગયો.
"શીટ યાર આ પાવરને શું થઇ જાય છે વારેવારે? " આટલું કહેતો એડવર્ડ બેટરી શોધવા લાગ્યો.
મેરીસન શહેરની શાંતિમાં ઉછરેલ માર્ક પોતે પણ પહેલેથી ખૂબજ શાંત પ્રકૃતિ ધરાવતો હતો. મેરીસન શહેરની વસ્તી માંડ દસ હજાર જેટલી હતી. તેનું એક કારણ એ પણ હતું કે તેનો ઘણો ખરો ભાગ જંગલથી શરુ થઈને જંગલમાં જ સમાઈ જતો હતો. માર્ક જુવાનીનાં કદમો ચઢી રહ્યો હતો. તેની મોમ રાધિકાની ડેથને બે વર્ષ થઇ ચૂક્યા હતાં. માર્કનેને રાધિકા પ્રત્યે ખૂબજ પ્રેમ અને લગાવ હતો. માર્કને રાધિકાની ડેથ વખતે તેની પાસેથી સમયચક્રનું પેન્ડલ મળ્યું હતું જે તેને માત્ર ભૂતકાળમાં લઇ જઈ શકતું હતું. તે હજુ પણ તેનાં ભૂતકાળમાંથી બહાર જ નહોતો આવી શકતો. ભૂતકાળમાં જઈને તે કયારેક એની રાધિકાનાં બાળપણમાં જતો તો કયારેક રાધિકાની જુવાનીમાં. તે ભૂતકાળમાં જઈને ફક્ત એક જ વ્યક્તિને નિહાળતો રહેતો. કયારેક મન પડે તો રાધિકાને હેરાન કરતી વ્યક્તિને પોતે હેરાન કરીને ખુશ થઇ જતો. બસ આ જ માર્કનું જીવન બની ગયું હતું.
બીજા દિવસે માર્ક સાયકલ હાથેથી ખેંચતો પોતાની સ્કૂલ તરફ જઈ રહ્યો હતો. ત્યાં તેને તેની પાછળ કોઈક પીછો કરતું હોય એવો આભાસ થયો. માર્ક જેવો પાછળ ફર્યો તો સામે એક પચાસેક વર્ષનો માણસ ચાલી રહ્યો હતો. તે વ્યક્તિ માર્કની ખૂબ નજીક આવીને પસાર થઇ ગઈ. માર્કે નીચે જોયું તો એક કાગળનો ડૂચો પડ્યો હતો. માર્કે તેને સાચવીને પોતાની બેગમાં સરકાવી દીધો.
સમય મળતાં જ માર્કે તે કાગળ ખોલીને વાંચ્યો. જેમાં વચ્ચોવચ "પાવર સ્ટેશન ગેટ નંબર 4 આઠ વાગે" એમ લખેલું હતું. માર્કને નવાઈ લાગી. તેણે વિચાર્યું કે પોતે શું કામ કોઈ અજાણ્યા માણસની વાતમાં આવે! એવું વિચારી કાગળ ફેંકવા જ જતો હતો ત્યાં જ તેનું ધ્યાન ઉપરનો ગડ સરખો કરતાં એમાં નાના અક્ષરોમાં લખેલ લખાણ ઉપર પડ્યું. "જો તારી મોમને જોવી હોય તો!"
"મોમને તો હું જયારે મન પડે ત્યારે જોઈ જ શકું છું. આ માણસની વાતમાં શું હશે તે મારે જવું. મેયબી કાંઈક તો રહસ્ય છે આ પાછળ." માર્ક મનોમન આટલું બોલી રહ્યો કે ત્યાંજ તેનું ધ્યાન નીચે પડેલાં ન્યુઝપેપર ઉપર પડ્યું. તેની હેડલાઈન્સ વાંચીને માર્કની આંખો પહોળી થઇ ગઈ.
"શહેરમાં સતત વધતી જતી ઉર્જાને લીધે પક્ષીઓનાં જીવન મુશ્કેલમાં! " માર્કે ઉપર રહેલ તારીખ વાંચી તો એ 20 સપ્ટેમ્બર 2050 એટલે કે આજની જ હતી. માર્ક ફટાફટ સાયકલ લઈને પોતાનાં ઘરે આવ્યો. આજનાં દિવસનું ન્યુઝપેપર લઈને તે પોતાનાં રૂમમાં આવી ગયો.
માર્ક ધ્યાનથી ન્યુઝપેપરની ઝીણી વિગતો વાંચવા લાગ્યો. જેમાં ટાઈમ ટ્રાવેલનાં લીધે થતી મુશ્કેલીઓની ધારણાં લખેલ હતી. ન્યુઝ પ્રમાણે તે વ્યક્તિ ટાઈમ ટ્રાવેલ બનાવવાની કામગીરી કરતી હતી. તે વ્યક્તિનું નામ માર્કને જાણીતું લાગ્યું. માર્ક તે નામ મગજમાં ફિટ કરી પોતાનાં ગળામાંનું ટાઇમર લોકેટ કાઢીને સમયને બદલી ભૂતકાળમાં જવાં લાગ્યો. તેની આસપાસ પ્રકાશનો પુંજ ફેલાયો ને માર્ક આંખો બંધ કરતાં જ 5 જૂન 2033 માં આવ્યો. માર્ક ચુપચાપ પોતાનાં ઘરેથી નીકળીને તેની મમ્મીની ઓફિસે પહોંચ્યો. તે જાણતો હતો કે તેની મમ્મી તે સમયે પાવર હાઉસમાં જ કામ કરતી હતી. ત્યાં જઈને તેણે જોયું તો તેની મમ્મી પોતાની કેબિનમાં નહોતી. તે ચાલતો ચાલતો આગળ વધ્યો ત્યાં જ કાંઈક જાણીતો અવાજ માર્કનાં કાને અથડાયો. માર્ક તે અવાજની દિશા તરફ આવ્યો.
"લિસન અંગદ મહેરા હું ખરેખર કહું છું કે મને તારા માટે હવે એવી કોઈ જ લાગણી નથી. એમ પણ તને ખબર ના હોય તો કહી દઉં કે મારે અને એડવર્ડને બેબી બોય પણ છે. સો પ્લીઝ ભૂલી જા મને. એક સમય હતો જયારે હું તારા પ્રેમમાં ગળાડૂબ હતી પણ તે એ વખતે તારા રિસર્ચને મહત્વ આપી મને દૂર કરી દીધી. હવે એક વર્ષ બાદ જયારે મારા મેરેજ થઇ ગયાં છે, મારો સન છે. તો તું એમ કહે છે કે હું તને અપનાવી લઉં! આઈ લવ એડવર્ડ એન્ડ માય સન ગુડ બાય!" આટલું કહીને રાધિકા ત્યાંથી નીકળી ગઈ.
માર્ક અંગદને જોઈને મનોમન હસતો રહ્યો અને આગળ વધીને અંગદને હેરાન કરતો રહ્યો. અંગદને આશ્ચર્ય થયું કે તેને આમ હેરાન કોણ કરતું હશે! તે સાયન્ટિસ્ટ થઈને ભૂતપ્રેતમાં જરાય નહોતો માનતો એટલે કંટાળીને તે પણ રૂમમાંથી બહાર જવાં ગયો કે ફરી માર્કે તેને નીચે પાડી દીધો. ત્યાંજ માર્કની હાથમાં રહેલ સ્ટોપવૉચ બીપ બીપ સાઉન્ડ કરવા લાગી. માર્ક ફટાફટ દોડતો તેનાં ઘરે આવ્યો એ સાથે જ માર્ક સમય પૂરો થતાં પાછો વર્તમાનમાં આવી ગયો. તેણે ઘડિયાળ તરફ નજર કરી તો સાંજનાં સાત વાગી ચૂક્યા હતાં.
"આખરે તે જો ખરેખર ટાઈમ મશીન બનાવે છે તો તે મારી મોમને પણ બચાવીને ભવિષ્યને બદલી શકશે. તેની પાસે એવું સ્પેસશીપ હશે જે પ્રકાશથી પણ વધુ તીવ્રતાથી ગતિ કરતું હશે. અલબત્ત તે સાયન્ટિસ્ટ છે તો એણે આની શોધ કરી જ હશે. મારે તો મોમથી મતલબ છે. એનો ઉપયોગ કરીને હું મોમને પાછી લાવી શકું તો શું પ્રોબ્લેમ છે!" માર્ક ફરી પોતાની સાથે વાત કરતો બબડ્યો.
માર્ક રેડી થઈને નીચે આવી, એડવર્ડને તેનાં ફ્રેન્ડને ત્યાં જાય છે એવું કહીને નીકળી ગયો. પાવર હાઉસનાં પાછળનાં ગેટ નંબર 4 પાસે આવી માર્કે આસપાસ નજર દોડાવી. ત્યાંજ ટક ટક કરતો બૂટનો અવાજ શાંત વાતાવરણમાં ખલેલ પાડતો માર્ક તરફ આવ્યો.
"મિસ્ટર અંગદ તો આપે ટાઈમ મશીનની શોધ કરી જ દીધી એમ ને? "
"માર્ક પાર્કર તો તે મારા વિશે જાણી જ લીધું!"
"મારી મોમને કેવી રીતે પાછી લાવશો? "
"પહેલાં મારી સાથે ચાલ. " આટલું કહીને અંગદે માર્કનો હાથ પકડ્યો ને તેને જંગલ તરફ લઇ ગયો.
જંગલની મધ્યમાં આવીને માર્કે અનુભવ્યું કે ત્યાં આટલાં વૃક્ષો તેમજ ઠંડીની મોસમ હોવાં છતાં વાતાવરણમાં ખૂબ ગરમાહટ હતી. અંગદે એક વૃક્ષ પાસે જઈને તેનાં ગોખલામાં હાથ નાખીને બટન દબાવ્યું કે સામે આખી અદ્રશ્ય લેબ દ્રશ્યમાન થવાં લાગી. માર્ક તો આ જોઈને અચંબિત જ થઇ ગયો. અંગદે એન્ટ્રન્સ પાસે પોતાનું સ્કેનિંગ કરાવ્યું ને દરવાજો ખુલ્યો. તેણે માર્કને પણ આઈ સ્કેનિંગ અને ફિંગરપ્રિન્ટ સ્કેનિંગ માટે ઉભા રહેવા કહ્યું. માર્ક જેવો ઉભો રહ્યો એ સાથે આઈ સ્કેનિંગ થયું અને માર્કને જવાં માટેનો દરવાજો ખુલી ગયો. અંગદને નવાઈ લાગી કે કોઈ પણ અજાણી વ્યક્તિ માટે આ બે સ્કેનિંગ જરૂરી હતાં તો પછી એક જ સ્કેનિંગથી શા માટે દરવાજો ખુલી ગયો. તેણે સિસ્ટમમાં એરર હશે એમ વિચાર્યું.
માર્ક અંદર પહોંચતા જ લેબનું દ્રશ્ય જોઈ ચકિત થઇ ગયો.
તેણે બાવીસમી સદીમાં કલ્પના કરેલ જે સુવિધાઓ વિચારી હતી એ તેની આંખો સમક્ષ હતી. તેની જમણી તરફ નજર ગઈ તો એક કાચની ગોળ સરખી જગ્યામાં વચ્ચોવચ ટાઈમ મશીન ગોઠવેલું હતું જે તેણે ઉપર નામ વાંચીને જાણ્યું. 
"આ કઈ સાલ છે? " માર્કે આંખો ચકળવકળ કરતાં પૂછ્યું.
અંગદ જોરજોરથી હસવા લાગ્યો. "આ 2050 જ છે. માત્ર મારી આ લેબની સુવિધાઓ 2150 ની છે. " અંગદની વાત સાંભળી માર્ક બધા રોબોટિક ફંક્શન જોતો રહ્યો.
"તમે મારી મોમને પાછી લાવી શકશો? " માર્કે ફરી અંગદ તરફ દયાભરી નજરે જોતાં પૂછ્યું.
"હા હું લાવી શકીશ અને હું લાવવાનો પણ છું. " અંગદે રહસ્યમયી સ્મિત ફરકાવતાં કહ્યું.
"તો તમે આ કાર્ય વહેલા કેમ ના કર્યું? મોમની ડેથને તો બે વર્ષ વીતી ગયાં છે. " માર્કે કપાળની રેખાઓ ખેંચતા પૂછ્યું. 
"સાંભળ મારી વાત ધ્યાનથી. હું અને તારી મોમ રાધિકા પાવર હાઉસમાં મળ્યા હતાં. અમે બે ભારતીયો હોવાથી અમે જલ્દી જ એકમેકની નિકટ આવી ગયાં. હું અને રાધિકા એકબીજા સાથે લગ્ન કરવાના હતાં. હું તે સમયે સમયચક્રની શોધ કરી રહ્યો હતો. એ સમયચક્રની મદદથી કોઈપણ વ્યક્તિ ભૂતકાળમાં જઈ શકતી હતી પણ ભવિષ્યમાં જવાં માટે અસમર્થ હતી. ભૂતકાળમાં જઈને તે વ્યક્તિ લોકોને ખલેલ પહોંચાડી શકતી પણ ભૂતકાળને બદલવા તે અસમર્થ હતી. મારું કામ અંગત રાખનાર હું સમયચક્રનાં પ્રથમ અભ્યાસ માટે તેમાં ગયો અને હું એ સમયચક્રમાં ફસાઈ ગયો. જેમાંથી બહાર આવતાં મને એક વર્ષનો સમય લાગ્યો. જયારે હું બહાર આવ્યો ત્યાં સુધીમાં રાધિકા કોઈ એડવર્ડ પાર્કર સાથે પરણી ચૂકી હતી. તેમજ તેનો દીકરો એટલે કે તું પણ આ દુનિયામાં આવી ગયો હતો. હું રાધિકાનો અને મારો ભૂતકાળ ચાહીને પણ નહોતો બદલી શકતો." આટલું કહેતાં અંગદની આંખોમાં આંસુ આવી ગયાં.
માર્ક વિચારી રહ્યો કે આટલો સફળ સાયન્ટિસ્ટ પણ પ્રેમમાં કેવો આંસુ વહાવે છે! તેણે અંગદને સામે કાચની નળી ઉપર હવામાં તરતું પ્રવાહી ગ્લાસ ઉઠાવીને ધર્યું. આ જોઈને અંગદ ચિડાયો, "આ શું કરે છે? આ પાણી નથી. યુ સ્ટુપિડ!"
"તો આ શું છે? " માર્કે અંગદનો ગુસ્સો પચાવતાં પૂછ્યું.
"આ કાયાકલ્પિત પ્રવાહી છે. આ પીને તું તારી ઉંમર ચાહે એટલી નાની કરી શકું છું. " અંગદે તે પ્રવાહી પાછું કાચની પેટીમાં સરકાવ્યું.
"વાહ તમે તો કમાલની શોધ કરી છે!" માર્કે ખુશ થતાં કહ્યું.
અંગદ પોતાની ખુશામત સાંભળી મલકાતો રહ્યો.
"તો હવે સાંભળ રાધિકાનાં મારા જીવનમાંથી ગયાં બાદ હું ટાઈમ ટ્રાવેલની થિયરીની મદદ લેવા લાગ્યો. આશરે દસેક વર્ષ પહેલાં 2040 માં મેં એવા યંત્રની શોધ કરી જ દીધી જેનાં વડે માનવી ભવિષ્યમાં જઈ શકે. એના પ્રથમ પરીક્ષણ વખતે હું એ સમયે આવ્યો જયારે રાધિકા તેના અંતિમ શ્વાસો લઇ રહી હતી જે 2048 હતું. તું ત્યારે તારી સ્કુલની પરીક્ષા આપતો હતો અને એડવર્ડ પોતાનાં કામથી બહારગામ ગયો હતો. રાધિકાને છાતીમાં દુખાવો થઇ રહ્યો હતો. એ મારી નજર સમક્ષ જીવ બચાવવાં મારી આગળ ભીખ માંગતી હતી. હું ચાહીને પણ કશું કરવા અસમર્થ હતો. હજુ પરીક્ષણ પૂર્ણ નહોતું થયું માટે હું જો ભવિષ્યમાં જઈને કાંઈ પણ ઊંધુ સીધું કરું તો એનું પરિણામ ખરાબ આવી શકે. રાધિકાનાં અંતિમ શ્વાસ છોડતાં હું ત્યાં જ ફસડાઈ પડ્યો. હું સમય પૂરો થતાં પાછો દસ વર્ષ પહેલાંનાં સમયમાં પહોંચી ગયો. ત્યારબાદ મશીનમાં કોઈ પ્રકારે ખામી આવી. જેને સરખી કરતાં બીજા બે વર્ષ નીકળ્યા. મારું સમયચક્ર ગુમ થયું હોવાથી હું ફરી ટાઈમ મશીનમાં તે સમયમાં ગયો અને જાણ્યું કે મારું સમયચક્ર રાધિકા પાસે પડી ગયું હતું પણ કોઈએ તેને ઉઠાવી લીધું હતું જેથી હું એ સમયચક્રને જોઈ તો શકતો હતો પણ અડી નહોતો શકતો. ફરી મશીન બરાબર કામ નહોતું કરતું. આથી મેં ફરી નવું મશીન બનાવવાનું વિચાર્યું જેમાં મને બીજા પાંચ વર્ષ જેટલો સમય લાગ્યો. આખરે હું જે ઈચ્છતો હતો એ હવે પૂરું થવાં જઈ રહ્યું છે. મેં એવા ટાઈમ મશીનની શોધ કરી દીધી જેનાં વડે હું ભવિષ્યને પણ બદલી શકીશ અને ભૂતકાળને પણ!" આટલું કહેતો અંગદ ફરી રહસ્યમયી સ્મિત ફરકાવવા લાગ્યો.
"મેં વાંચ્યું છે ત્યાં સુધી આપણે ટાઈમ મશીનમાં જઈને ભૂતકાળ અને ભવિષ્યમાં તો જઈ શકીએ પણ તેને બદલવા જઈએ તો તેનું પરિણામ ગંભીર આવી શકે." માર્કે અંગદની નજીક આવીને કહ્યું.
"મારી શોધ પર સવાલ કરનાર તું છું કોણ! ચાલ એ પહેલાં મને મારું સમયચક્ર પાછું દઈ દે. હું સમજી ગયો હતો કે આ તારી પાસે જ હોવું જોઈએ. જયારે જયારે તું એનો ઉપયોગ કરતો ત્યારે મારે જોઈતી ઉર્જા મારા ટાઈમ મશીન માટે ખૂટી પડતી અને તે ચાલુ જ ન થતું. મારી વસ્તુ મને સોંપી દે. આવડત હોય તો બનાવી લેજે નવું! " અંગદે હાથ ફેલાવતાં કહ્યું. "જો તું જીવતો બચ્યો તો!" અંગદ મનોમન બોલી ઉઠ્યો.
માર્કે પોતાનાં ગળામાંથી એ સમયચક્ર કાઢ્યું અને અંગદના હાથમાં સોંપ્યું. અંગદે તેને લઈને પોતાનાં ખિસ્સામાં સરકાવી દીધું.
"ચાલ તૈયાર થઇ જા. સમયની ગતિથી પણ વધુ ઝડપે ગતિ કરી ભૂતકાળમાં જઈને ભવિષ્ય બદલવા!" અંગદે હસતાં હસતાં કહ્યું અને માર્કનો હાથ પકડીને ટાઈમ મશીનની નજીક જઈને બધા જરૂરી કમાન્ડ આપવા લાગ્યો. જતાં જતાં અંગદે પેલું પ્રવાહી બહાર કાઢ્યું અને તેનાં ત્રણ ચાર ઘૂંટડા મોંઢે માંડ્યા. માર્ક બધું ધ્યાનથી જોઈ રહ્યો. તેણે અંગદે નાખેલ સાલ જોઈ તો તેની આંખો પહોળી થઇ ગઈ. 
"આપણે 2032 માં કેમ જઈએ છીએ? મમ્મીની ડેથ તો 2048 માં થઇ હતી." માર્કે અંગદની સામું જોતાં પૂછ્યું.
જવાબમાં અંગદ માત્ર રહસ્યમયી સ્મિત ફરકાવતો રહ્યો. પ્રકાશનો મોટો કિરણપુંજ તેમની ઉપર પડ્યો અને માર્કની આંખો એ તેજથી બંધ થઇ ગઈ. માર્કે ધીરે ધીરે આંખો ખોલી તો અંગદ તેની સામે જ ઉભો હતો અને તેઓ જુના સમયગાળામાં આવી ચૂક્યા હતાં.
"તમે મને મારો જવાબ ના આપ્યો. આપણે આ સાલમાં શું કામ આવ્યા છીએ? અને તમે આટલાં જુવાન શા માટે થઇ ગયાં? " માર્કે અંગદ તરફ નજર કરતાં પૂછ્યું.
"ઓ માય ડિયર માર્ક! આ સાલથી જ મેં સમયચક્રની શોધ કરી હતી જેનાં લીધે મારે રાધિકાથી દૂર થવું પડ્યું હતું. હવે હું રાધિકાને પ્રપોઝ કરીશ અને યુવાન બનીને તેની સાથે કાયમી આ દુનિયામાં જ રહીશ. મારી શોધોને પૂર્ણ કરવા માટે અને પ્રસિદ્ધિ મેળવવા માટે મેં મારા જેવો જ ક્લોન રચ્યો છે જે વર્તમાનમાં રહીને મારી હાજરી પૂરાવશે. "
"તો મારું શું થશે? "
"મૂર્ખ છોકરા જો રાધિકા ને હું લગ્ન કરી લઈશું તો તારું અસ્તિત્વ જ નહીં રહે સમજ્યો. તું પણ કાયમી આ જ દુનિયામાં કેદ બનીને રહેત પણ હું એવું નહીં થવાં દઉં કારણકે સમયનાં ચક્રમાં કોઈ વ્યક્તિને ગુમ કરી દેવાથી બ્લેક હોલ જેવી ઘટનાનો સામનો કરવો પડે છે, પણ ડોન્ટ વરી તારા માટે પણ મેં ખૂબ સરસ રસ્તો કાઢ્યો છે. " આટલું કહીને અંગદે પોતાનાં ખિસ્સામાંથી નાની બોટલ કાઢી અને માર્કનો હાથ પકડીને તેને જબરદસ્તી પીવડાવી દીધી.
માર્ક બચવાં માટે તરફડીયા મારતો રહ્યો પણ અંગદનાં કસાયેલા શરીર આગળ તેનું કાંઈ ના આવ્યું.
"આ શું.. આ શું પીવડાવ્યું તે? " માર્કે મોંથી થુંકતા અંગદ સામું જોઈને પૂછ્યું.
"આ કાયાકલ્પિત પ્રવાહીનો એન્ટીડોઝ છે. સમજ્યો?"
"મતલબ?"
"મતલબ કે તું હવે જુવાનની જગ્યાએ વૃદ્ધ બનીને જીવીશ."
"શું? " માર્કે નવાઈ પામતાં પૂછ્યું.
"હા માય સ્ટેપસન.હાહાહા જેમ જેમ મિનિટ વીતતી જશે એમ એમ તું એક એક વર્ષ વધીને વૃદ્ધ થતો જઈશ. તને મેં આશરે વીસેક એમએલ તો પીવડાવ્યું જ હશે તો એ પ્રમાણે તું અહીંયા સિત્તેર વર્ષનો પ્રૌઢ બનીને રહી જઈશ. " આટલું કહીને અંગદ અટ્ટહાસ્ય કરવા લાગ્યો. તે ત્યાંથી નીકળીને રાધિકા પાસે જવાં લાગ્યો.
રાધિકા પોતાની પાવરહાઉસની ઓફિસમાં બેઠી હતી. અંગદ હાથમાં ફૂલોનો ગુલદસ્તો લઈને રાધિકાની ઓફિસ તરફ આવી રહ્યો હતો. ત્યાંજ સામેથી રાધિકાની ફ્રેન્ડ હેલન આવી. અંગદને જોઈને હેલન તેને ભેટીને શુભેચ્છા પાઠવવા લાગી.
"શેની શુભેચ્છા આપી રહી છું હેલન?" અંગદે નવાઈ પામતાં પૂછ્યું.
"અરે રાધિકા તારા બેબીની માઁ બનવાની છે એની. હમ્મ સોરી મને લાગે રાધિકા તને સરપ્રાઈઝ આપવાની હશે! મેં એનું સરપ્રાઈઝ સ્પોઈલ કરી દીધું. સોરી સોરી મારે થોડું કામ છે. હમણાં તને મળું. " આટલું કહીને હેલન ત્યાંથી નીકળી ગઈ.
અંગદને સમજમાં નહોતું આવતું કે આ બધું શું થઇ રહ્યું હતું! ત્યાંજ તે રાધિકાની કેબિનમાં અંદર પ્રવેશ્યો. રાધિકા અંગદને જોઈને તેને ભેટી પડી.
"અંગદ વી આર પ્રેગનેંટ. મને હજુ આજે સવારે જ ખબર પડી. તું દસ દિવસથી ક્યાં હતો? ના કોઈ ફોન કે ના મેસેજ. હું કેટલી ગભરાઈ ગઈ હતી ખબર છે! પપ્પા મારા લગ્ન એમના ફ્રેન્ડનાં સન એડવર્ડ પાર્કર સાથે કરાવવાનાં હતાં પણ હવે તું આવી ગયો તો બધું સારું થઇ જશે." બોલતાં રાધિકા અંગદની બાહોમાં વધુ જોરથી ભીંસાઈ.
"અરે તું તો રોવા લાગ્યો. આઈ નો બાપ બનવાની પણ એક અનેરી જ ખુશી હોય છે. " રાધિકા અંગદની આંખોમાં આંસુ જોતાં મુસ્કુરાઈ.
અંગદનાં હાથમાં રહેલ સ્ટોપવૉચમાં બીપ બીપ સાઉન્ડ થવાં લાગ્યો.
"જો માર્ક સમયચક્રમાંથી અમારાં સંતાનરૂપે ગાયબ થઇ જશે તો માર્કને બ્લેક હોલનો સામનો કરવો પડશે. ના, મારા જ સન સાથે હું એવું નહીં થવાં દઉં. હું તેની ઝીંદગી સાથે આવી રમત નહીં રમી શકું. " મનોમન વિચારતો અંગદ રાધિકાને દૂર કરી પોતાની કારને લઈને માર્ક પાસે જવાં લાગ્યો. તેની પાસે વર્તમાનમાં જવાં માટે પાંચ જ મિનિટ હતી. ત્યાંજ તેની ગાડી આગળ એક વૃદ્ધ વ્યક્તિ ભટકાઈ. અંગદે બહાર નીકળીને જોયું તો એ માર્ક જ હતો. પોતાનાં લોહીને જોઈને તેની આંખો અશ્રુભીની થઇ ગઈ. અંગદે સમય જોયો તો માત્ર બે જ મિનિટ બચી હતી. ત્યાં જ અંગદે પોતાનાં કલોનને મેસેજ સેન્ડ કરી દીધો.
******************
ધીરે ધીરે માર્કની આંખો ખુલી. તે લેબમાં સૂતો હતો. તેણે પોતાનાં હાથ ઉંચા કરીને જોયા તો એ પહેલાં જેવો જ યુવાન હતો. ત્યાંજ કાંઈક જોરથી અથડાવાનો અવાજ થયો. માર્ક સફાળો બેઠો થયો. તેણે દરવાજા પાસે રહેલ નાની કાચની બારી બહાર નજર કરી તો જે સ્થાન ઉપર ટાઈમ મશીન હતું એમાંથી ખૂબજ ગુરુત્વાકર્ષણ બળ ખેંચાતું હતું. લેબની તમામ વસ્તુઓ એમાં સમાતી જતી હતી. ત્યાંજ માર્કે જોયું તો અંગદ એ બળ તરફ ખેંચાતો હતો. માર્ક ચીસો પાડતો બહાર જવાં માટે મથી રહ્યો હતો. ત્યાં જ પાછળથી કોઈકે માર્કનાં ખભા ઉપર હાથ મૂક્યો. માર્કે પાછળ ફરીને જોયું તો અંગદ ઉભો હતો.
"તમે અહીંયા છો તો બહાર કોણ..? " માર્કે અંગદ તરફ જોઈને નવાઈ પામતાં પૂછ્યું.
"હું પ્રોફેસરનો ક્લોન છું. પ્રોફેસર બ્લેક હોલમાં સમાઈ રહ્યા છે. ટાઈમ મશીનથી પાછા વળતી વખતે તમે સમય ચૂકી ગયાં. તેમ છતાં ટાઈમ મશીનને ફરી શરુ કરવામાં આવ્યું જેમાં ખૂબજ ઉર્જા પેદા થઇ તેમજ તેનું બળતણ પણ ખલાસ થઇ ગયું માટે તેમાં એક જબરદસ્ત વિસ્ફોટ થયો. તમે લોકો વિસ્ફોટ પછી બહાર તો આવી ગયાં પણ તે વિસ્ફોટ ધીરે ધીરે કેન્દ્ર તરફ એકઠ્ઠો થઇ ગયો ને તેણે ખુબ જ ભારે ઘનતા વાળા પીંડનું સ્વરૂપ લઇ લીધું. ગુરૂત્વાકર્ષણના દબાણને કારણે તે કેન્દ્ર તરફ વધુ ને વધુ ભિંસાયુ અને છેવટે તેણે બ્લેક હોલનું સ્વરૂપ ધારણ કરી લીધું. જો તેને નિયંત્રણમાં લાવવામાં નહીં આવે તો આખી પૃથ્વી તેમાં સમાઈ જશે માટે પ્રોફેસર એમાં જઈ રહ્યા છે અને આ લેબને સદાય માટે બ્લેકહોલમાં સમાવીને પ્રોફેસર આ બલિદાન આપી રહ્યા છે ફક્ત તમારા માટે! " આટલું બોલીને તે ક્લોન માર્કને ખેંચીને બહાર લઇ જવાં લાગ્યો. લેબની બહાર નીકળીને તે ક્લોને પેલા વૃક્ષ પાસે રહેલ બટન દબાવ્યું એ સાથે જ આખી લેબ અદ્રશ્ય થવાં લાગી સાથે સાથે બ્લેક હોલ પણ!
ક્લોને માર્ક સામું ગુડબાય કહ્યું અને પોતાનાં પીઠ પાછળ રહેલી ચિપ કાઢી નાખી, એ સાથે જ તે કલોનનાં બાકીનાં ભાગો નીચે જમીન પર વિખરાતા પડવા લાગ્યાં. માર્કે ઘડિયાળમાં જોયું તો સવારનાં ચાર વાગી ચૂક્યા હતાં. તે પોતાનાં ઘર તરફ જવાં લાગ્યો. સમયચક્ર ગુમાવવાનાં લીધે તે હવે રાધિકાથી ખૂબ દૂર થઇ ગયો હતો.
********************
"2080 ની ઉચ્ચતમ શોધનું પરીક્ષણ આજે થવાં જઈ રહ્યું છે. પ્રોફેસર માર્ક પાર્કર પોતાનાં ભૂતકાળમાં જઈને ભવિષ્ય બદલવા જઈ રહ્યા છે. હાહાહા " માર્ક આટલું બોલીને પોતાનાં બનાવેલ ટાઈમ મશીન પાસે આવ્યો.
માર્કે આંખો બંધ કરી અને પોતાનાં બનાવેલા મશીન ઉપર ગોઠવાયો. આંખો ખોલતા જ તે 2048 ની સાલમાં આવ્યો. પોતાનાં ઘરમાં જઈને તેણે એક સ્ત્રીને પોતાનાં હાથોમાં ઉઠાવી અને તેની સાથે ટાઈમ મશીનની બહાર આવ્યો.
તે સ્ત્રીએ ધીરે ધીરે આંખો ખોલી. બહારની નવી દુનિયા તેનાં માટે તદ્દન અજાણી હતી. તેનાં આંખો ખુલતાં જ માર્કની આંખોમાં આંસુ અને ચહેરાં પર ચમક આવી ગઈ.
"કોણ છો તમે? " તે સ્ત્રીએ માર્કની સામું જોતાં પૂછ્યું.
"મોમ હું માર્ક. યોર માર્ક. માર્ક પાર્કર. " માર્કે રાધિકાની સામું જોઈને જવાબ આપ્યો.
"ના, મારો માર્ક તો માત્ર સોળ વર્ષનો છે. તું કોણ છું? મારાથી દૂર હટ." આટલું કહીને રાધિકાએ માર્કને પોતાનાથી દૂર કર્યો અને ઉભી થઈને માર્કનાં નામની બૂમો મારતી લેબની બહાર નીકળી ગઈ.
માર્ક તેની પાછળ પાછળ જવાં લાગ્યો. તે સમયમાં લોકો રાહદારીઓ માટે અને વાહનો માટે અલગ રસ્તા બનાવેલ હતાં. રાધિકા વાહનો ચાલતાં રસ્તે જવાં લાગી. ત્યાં જ રસ્તા પર ચાલતી ફૂલ સ્પીડની કારને રાધિકા તરફ આવતી જોઈને માર્ક ચીસ પાડી ઉઠ્યો. રાધિકા વધુ કાંઈ સમજે એ પહેલાં તો સામેથી આવતી કાર રાધિકાનાં શરીરને કચડાતી આગળ નીકળી ગઈ અને તેની લાશનાં છાંટા માર્કનાં શરીર અને મગજને હતપ્રભ કરી રહ્યા.
(વાર્તા પરથી એટલું જ કહેવા માંગીશ કે જો ખરેખર ટાઈમ મશીન બની પણ જશે તો તમે કયારેય ભૂતકાળ તેમજ ભવિષ્યને બદલી નહીં શકો અને જો બદલવા જશો તો એનું પરિણામ તમે ધાર્યું પણ નહીં હોય એવું આવી શકશે. એથી જ વર્તમાન જ આપણું ભૂત અને ભવિષ્ય છે. જો તમે કાંઈક બદલી શકો છો તો એ તમારું વર્તમાન જ છે. વર્તમાનમાં જીવો અને ખુશ રહો.😇)