આજે આપણે મહાભારતના એક મહાન યોદ્ધા બર્બરીકને ઓળખવાનો પ્રયત્ન કરીશું જે એકલે હાથે થોડીક જ ક્ષણોમાં મહાભારતનું યુદ્ધ સમાપ્ત કરી શકે તેમ હતા.
વાત એ સમયની છે જ્યારે મહાભારતનું યુદ્ધ શરૂ થવાનું હતું. ભગવાન શ્રીકૃષ્ણ યુદ્ધમાં પાંડવોના પક્ષમાં હતા ત્યારે એ સુનિશ્ચિત હતું કે કૌરવ સેના ભલે વધારે હોય પરંતુ વિજય તો પાંડવોનો જ થશે.
તે સમયે મહાબલિ ભીમનો પૌત્ર અને વીર ઘટોત્કચનો પુત્ર બર્બરીક યુદ્ધ લડવા માટે આવે છે. બર્બરીક ગુરુ વિજય સિદ્ધ સેનનો શિષ્ય હતો જેણે આકરી તપસ્યા કરીને માતા કામાક્ષી દેવીને પ્રસન્ન કર્યા હતા. દેવીએ વરદાન સ્વરૂપે બર્બરીકને ધનુષ અને ત્રણ અજેય બાણ આપ્યા હતા. આ ત્રણ બાણો દ્વારા બર્બરીક યુદ્ધને ક્ષણવારમાં જ પૂરું કરી શકે તેમ હતો. પ્રથમ બાણ જેને મારવાના છે તેને લક્ષ્યબિંદુ બનાવે છે અને બીજું બાણ તે લક્ષ્યને ભેદી નાખે છે. જો જરૂર પડે તો જ ત્રીજા બાણનો ઉપયોગ થાય, નહિ તો બે બાણથી જ સંપૂર્ણ યુદ્ધ સમાપ્ત થઇ શકે તેમ હતું પરંતુ બર્બરીકના ગુરુ વિજય સિદ્ધ સેને બર્બરીક પાસે ગુરુદક્ષિણામાં માગ્યું હતું કે તે યુદ્ધમાં એ જ પક્ષ તરફથી લડશે, જે યુદ્ધમાં કમજોર હશે.
જ્યારે શ્રીકૃષ્ણને આ વાતની ખબર પડે છે ત્યારે તે બર્બરીક પાસે જાય છે અને બર્બરીકને પોતાની યુદ્ધકલા અને સિદ્ધિઓ બતાવવાનું કહે છે. શ્રીકૃષ્ણ બર્બરીકને ચુનોતી આપતા કહ્યું કે તે જે પીપળાના વૃક્ષ નીચે ઉભો છે તેના બધા પાનને વિંધી બતાવ તો જ તારી સિદ્ધિઓને હું ખરી માનું. બર્બરીકે આ ચુનોતીને સ્વીકારીને પોતાના ગુરુનું ધ્યાન ધરીને પહેલું તીર ચલાવ્યું છે જેણે પીપળાના દરેક પાન પર લક્ષ્યબિંદુ બનાવી દીધું ત્યારે બર્બરીકની નજર ચૂકવીને શ્રીકૃષ્ણએ એક પીપળાનું પાન પોતાના પગ નીચે દબાવી દીધું. બર્બરીકે માતા કામાક્ષી દેવીનું ધ્યાન ધરીને બીજું તીર ચલાવ્યું. તીર ચલાવતાની સાથે જ પીપળાના વૃક્ષના દરેક પાન વિંધાય ગયા અને તીર શ્રીકૃષ્ણના પગ અને તેના પગ નીચેના પાનને વિંધીને ભાથામાં પાછું આવી ગયું.
પોતાના પ્રથમ ગુરુ એવા શ્રીકૃષ્ણનો પગ વિંધેલો જોઈને બર્બરીકને ખૂબ દુઃખ થયું અને તેણે શ્રીકૃષ્ણની માફી માંગી. ત્યારે શ્રીકૃષ્ણએ તેને જણાવ્યું કે તેને જાણી બુઝીને તે પાન તેની પગ નીચે રાખ્યુ હતું. તેણે બર્બરીકની સિદ્ધિઓ વિશે સાંભળ્યું હતું પણ તે તેની પરખ કરવા માગતા હતા, તેથી તેણે આવું કર્યું.
ત્યારબાદ શ્રીકૃષ્ણે તેને પૂછ્યું કે તે યુદ્ધમાં કયા પક્ષ તરફથી લડવા માંગે છે. ત્યારે બર્બરીકે તેમને કહ્યું કે તે પોતાના ગુરુની આજ્ઞા અનુસાર જે પક્ષ કમજોર હશે તેના તરફથી લડશે હાલમાં, પાંડવ પક્ષ કમજોર છે તો તે પાંડવો તરફથી યુદ્ધ લડશે. શ્રીકૃષ્ણએ તેમને પૂછ્યું કે જો કૌરવ પક્ષ કમજોર થશે તો? ત્યારે બર્બરીકે તેમને કહ્યું કે તે ગુરુની આજ્ઞા અનુસાર તે કૌરવ પક્ષ તરફથી લડશે. ત્યારે શ્રીકૃષ્ણએ તેમને કહ્યું કે તું જો તો આમ કરીશ તો તું એકલો જ યુદ્ધમાં બાકી રહી જઈશ બાકીના બધા યોદ્ધાઓનો વિનાશ થઇ જશે.
બર્બરીકે શ્રીકૃષ્ણને નમ્રતાથી આ સમસ્યાનું સમાધાન કરવા માટે જણાવ્યું ત્યારે શ્રીકૃષ્ણએ તેમને યુદ્ધમાં ભાગ ન લેવાની સલાહ આપી પરંતુ બર્બરીકે પહેલેથી જ ઘોષણા કરી દીધી હતી કે તે આ યુદ્ધમાં ભાગ લેશે તેથી તે પોતાના વચન આગળ વિવશ હતો.
અંતે ના છૂટકે, શ્રીકૃષ્ણએ બર્બરીક પાસે એક ગુરુ તરીકે ગુરુદક્ષિણાની માંગણી કરી. બર્બરીકે તેમને વિના સંકોચે કોઈ પણ વસ્તુ માંગવા માટે કહ્યું. ત્યારે શ્રીકૃષ્ણએ તેનું શીશ દાનમાં માગ્યું. બર્બરીકને દાન આપવામાં સંકોચ નહોતો પરંતુ તેને આ વિરાટ યુદ્ધ જોવાની ઘણી ઈચ્છા હતી. તેણે પોતાની ઈચ્છા શ્રીકૃષ્ણ પાસે જાહેર કરી.
ત્યારે શ્રીકૃષ્ણએ તેને આશ્વાસન આપતા કહ્યું કે તેનું શીશ કપાયા પછી પણ તે શરૂથી અંત સુધી યુદ્ધ જોઇ શકશે. પછી બર્બરીકે તલવાર કાઢીને પોતાનું શીશ કાપીને શ્રીકૃષ્ણને ચરણે ધર્યું. શ્રીકૃષ્ણએ તેના શીશ પર અમૃત છાટીને તેને સજીવન કર્યું અને તેને યુદ્ધના મેદાનમાં પર્વતની ટોચ ઉપર રાખી દીધું જ્યાંથી તે સંપૂર્ણ યુદ્ધ જોઇ શકે. બર્બરીકના શીશે શ્રીકૃષ્ણને પ્રણામ કર્યા.
જ્યારે યુદ્ધનું સમાપન થયું ત્યારે પાંડવોના બધા યોદ્ધાઓ વચ્ચે વિવાદ થવા માંડ્યો કે યુદ્ધમાં તેનું યોગદાન ઘણું મહત્વનું હતું તેથી તેઓ યુદ્ધ જીત્યા. જ્યારે શ્રીકૃષ્ણને આ બાબતે પૂછવામાં આવ્યું ત્યારે શ્રીકૃષ્ણએ સમાધાન કરતા કહ્યું કે બર્બરીકના શીશે સંપૂર્ણ યુદ્ધ એની નજર સામે જોયું છે તેથી બર્બરીકના શીશને જઇને પૂછો કે યુદ્ધમાં સૌથી મોટું યોગદાન કોનું હતું? જ્યારે બધા યોદ્ધાઓ બર્બરીકના શીશને આ બાબતે પૂછે છે ત્યારે બર્બરીક તેને જણાવે છે કે સંપૂર્ણ યુદ્ધમાં તેણે શ્રીકૃષ્ણના સુદર્શન ચક્રને જ ફરતું જોયું છે. બધા યોદ્ધાઓનો સંહાર સુદર્શન ચક્ર એ જ કર્યો છે તેથી મહાભારતના યુદ્ધમાં સૌથી મહત્વની ભૂમિકા શ્રીકૃષ્ણની જ હતી. આ સાંભળતા જ બધા યોદ્ધાઓનો ગર્વ ઉતરી ગયો.
ત્યારબાદ શ્રીકૃષ્ણએ બર્બરીકના શીશને તેના ધડ સાથે જોડીને તેના શરીરને ફરીથી સજીવન કર્યું અને તેના બલિદાનના ભારોભાર વખાણ કર્યા અને તેને વચન માંગવાનું કહ્યું.
બર્બરીકે શ્રીકૃષ્ણને પ્રણામ કર્યા અને નમ્રતાથી કહ્યું કે આ યુદ્ધ જોઈને તેને સંસાર પ્રત્યે વૈરાગ્ય આવી ગયો છે તેથી તેને હવે જંગલમાં જઈને સંન્યાસી જીવન જીવવું છે. શ્રીકૃષ્ણએ તેને "તથાસ્તુ" કહીને આશીર્વાદ આપ્યા.
આવી હતી બર્બરીકની વિરતા, પરાક્રમ અને બલિદાન. ખરેખર, મહાભારતના યુદ્ધ વખતે બર્બરીક સર્વશ્રેષ્ઠ યોદ્ધો હતો. રાજસ્થાનમાં બર્બરીકની "ખાટુશ્યામ" નામથી પૂજા થાય છે જયારે ગુજરાતમાં તે “બળિયા દેવ” તરીકે ઓળખાય છે.
સમાપ્ત