Pishachini - 18 in Gujarati Horror Stories by H N Golibar books and stories PDF | પિશાચિની - 18

Featured Books
Categories
Share

પિશાચિની - 18

(18)

‘મારું ગળું.., મારું ગળું ભીંસાય છે, મારો જીવ જા...!’ અને જિગર આગળ બોલી ન શકયો. તે બોબડો બની ગયો, એટલે દીપંકર સ્વામી જિગરને પગથી માથા સુધી જોતાં ચિંતાભેર બોલી ઊઠયા હતા : ‘‘જિગર ! આ પંડિત ભવાનીશંકરનું જ કામ લાગે છે. તેં એની પાસેથી શીનાને પાછી મેળવવાનો પ્રયત્ન કર્યો, એટલે એણે ગુસ્સામાં આવીને, તને મારી નાંખવા માટે મૂઠ મારી હોય એવું લાગે છે ! !’

અને આ સાંભળતાં જ જિગરની હાલત ઓર વધુ ખરાબ થઈ ગઈ. ‘સ્વામીજી ! જલદી મને બચાવવા માટે કંઈક કરો, નહિતર.., નહિતર મારો જીવ નીકળી જશે.’ જિગરના મનમાં આ શબ્દો ગૂંજ્યા ને આ શબ્દો બોલવા માટે તેની જીભ પણ સળવળી, પણ તેના મોઢામાંથી અવાજ નીકળી શકયો નહિ.

‘જિગર ! હિંમત રાખ. ભવાનીશંકરની મૂઠ પાછી વાળવા માટે હું કંઈક કરું છું.’ કહેતાં દીપંકર સ્વામી મૂઠ પાછી વાળવા માટેનો મંત્ર પોતાના મગજના ખૂણાંમાંથી કાઢવા માટે મગજને જોર આપવા માંડયા.

જિગરથી હવે બેસાતું નહોતું. તે સોફા પર લેટી ગયો. થોડીક પળો પહેલાં તેને કંઈ જ નહોતું અને અત્યારે તેનું ગળું ભીંસાતું હતું. તેના એક પછી એક અંગમાં પીડા ઊપડતી જતી હતી. જાણે કોઈના હાથમાં તેના શરીરના અંગોની બધી સ્વિચો હોય અને કોઈ એના અલગ-અલગ અંગોની સ્વિચો દબાવતું જતું હતું અને ફટ્‌ કરતો દુઃખાવો શરૂ થતો હતો.

જિગરે ઈશારાથી દીપંકર સ્વામીને એ સમજાવવાનો પ્રયત્ન કર્યો કે, તેના હાથ-પગનો દુઃખાવો હવે અસહ્ય થઈ પડયો છે.

દીપંકર સ્વામીએ ‘તેઓ જિગરની વાત સમજી ચૂકયા છે’ એ જણાવવા માટે ગરદન હલાવી, ત્યાં જ તેમના મગજમાં મૂઠને પાછી વાળવા માટેનો મંત્ર તાજો થઈ ગયો.

‘ભવાની-શંકર જિગરના હૃદય પર વાર કરે એ પહેલાં જ મારે એની મૂઠ પાછી વાળવી પડશે.’ વિચારતાં દીપંકર સ્વામીએ મૂઠ પાછી વાળવા માટેના મંત્રો ભણવા માંડયા.

તો અહીંથી થોડે દૂર આવેલા પોતાના ઘરમાં પંડિત ભવાનીશંકર બેઠો હતો. એના હાથમાં કાળા અડદના લોટથી બનેલું નાનકડું પૂતળું હતું. એ પૂતળાના હાથ-પગમાં અને ગળામાં મંત્રેલી સોઈઓ ખુંપાવેલી હતી.

‘જિગર ! તું મારી પાસેથી શીનાને પાછી લેવા માંગે છે ને, પણ...,’ જાણે ભવાનીશંકરના હાથમાં પૂતળું નહિ, પણ જિગર હોય એમ એ બબડયો : ‘...પણ હું તારી ઈચ્છા પૂરી નહિ થવા દઉં. હું તારો જીવ જ લઈ લઈશ. પણ એ પહેલાં હું તારા જીવ સાથે., તારા જીવન સાથે થોડુંક ખેલીશ !’ અને ભવાનીશંકરે અડદના લોટના બનેલા પૂતળા તરફ પોતાનો હાથ આગળ વધાર્યો.

ત્યારે દીપંકર સ્વામીના ઘરમાં, સોફા પર જિગર પીડાથી તરફડી રહ્યો હતો. તેની સામે ઊભેલા દીપંકર સ્વામી ઝડપભેર મંત્રો ભણી રહ્યા હતા.

અચાનક જ જાણે કોઈએ પાછી સ્વિચ દબાવી હોય એમ જિગરના જમણા હાથનો દુઃખાવો ઓછો થયો. બીજી મિનિટે એના ડાબા હાથનો દુઃખાવો ઓછો થઈ ગયો અને ચોથી પળે એના બન્ને પગનો દુઃખાવો પણ એકદમથી જ ને બિલકુલ ગાયબ થઈ ગયો.

જિગર બેઠો થયો, ત્યાં જ તેના ગળાની ભીંસ પણ ઓછી થઈ ગઈ. ‘સ્વામીજી !’ જિગર બોલ્યો. અને આ વખતે તેનો અવાજ નીકળ્યો, એટલે તેની આંખોમાં રાહત-ખુશી આવી ગઈ : ‘હવે-હવે હું બોલી શકું છું. મારા હાથ-પગનો દુઃખાવો પણ બિલકુલ જ દૂર થઈ ગયો છે.’

દીપકંર સ્વામીએ મંત્રો ભણવાનું બંધ કર્યું, અને રાહતનો ઊંડો શ્વાસ લીધો. ‘જિગર ! મારા મંત્રો કામ કરી ગયા અને તું બચી ગયો, નહિતર તું થોડાંક કલાકોમાં જ કે, થોડાંક દિવસોમાં જ પિડાઈ-રિબાઈને મોતના મોઢામાં ધકેલાઈ જાત. જોકે, તને મૂઠ મારનાર ભવાનીશંકર જો ધારે અને તારા હૃદય પર વાર કરે તો બીજી જ પળે તું મરણને શરણ થઈ જાય. પણ એણે એવું કર્યું નહિ એની જ મને નવાઈ લાગે છે.’

‘સ્વામીજી !’ જિગર બોલ્યો : ‘રખેને ભવાનીશંકર ફરી મારી પર મૂઠ મારે તો ! ? એનાથી બચાવ માટે તમે કંઈ કરી ન શકો ? !’

‘એ માટે...’ અને દીપંકર સ્વામી આગળ બોલવા ગયા, ત્યાં જ ફરી જિગરના જમણા હાથમાં અને પછી તુરત જ ડાબા હાથમાં અસહ્ય પીડા ઊપડી. ‘સ્વામીજી !’ તે બોલ્યો, ત્યાં જ પહેલાં તેના જમણા પગ અને પછી તેના ડાબા પગમાં પીડા ઊપડી : ‘આ તો ફરી મારા હાથ-પગમાં દુઃખાવો ઉપડ....!’ અને થોડીક પળો પહેલાંની જેમ જ જિગરનું ગળું ભીંસાયું ને પાછો અવાજ ચાલ્યો ગયો. એ ફરી બોબડો બની ગયો.

‘ઓહ !’ દીપંકર સ્વામી ચિંતાભેર બોલી ઊઠયા : ‘મને એમ કે, મારા મંત્રો કામ કરી ગયા, પણ આ તો ભવાનીશંકર તારા જીવ સાથે રમી રહ્યો છે. તને પીડા આપીને મજા લઈ રહ્યો છે.’ દીપંકર સ્વામીએ કહ્યું, એટલે ફરી જિગરે દીપંકર સ્વામીનો હાથ પકડી લીધો અને એમને પીડા અને લાચારીભરી નજરે જોવા લાગ્યો.

‘જિગર ! ભવાનીશંકર મારાથી વધુ શક્તિશાળી છે, હું એની મૂઠને પાછી વાળી શકું એવું લાગતું નથી.’ દીપંકર સ્વામી ઉતાવળે બોલ્યા : ‘અહીં સમય બગાડવાને બદલે હું તને તાંત્રિક બનારસીદાસ પાસે લઈ ચાલુ છું. એ કદાચ તને બચાવી શકે.’ અને દીપંકર સ્વામીએ જિગરનો હાથ પકડીને ઊભો કર્યો. ‘હવે પ્રાર્થના એ કર કે, આપણે બનારસીદાસના ઘરે પહોંચીએ એ પહેલાં ભવાનીશંકર તારા હૃદય પર વાર કરીને તારો જીવ ન લઈ લે.’ જોકે, છેક હોઠ સુધી આવી ગયેલું આ છેલ્લું વાકય દીપંકર સ્વામીએ પાછું વાળી લીધું. એમની આ વાત સાંભળીને જિગરના છાતીના પાટિયાં જ બેસી જાય.

જિગર દીપંકર સ્વામીનો ટેકો લઈને, જેમ-તેમ કરીને સડક પર પહોંચ્યો. રાતના બાર વાગ્યાના આ સમયે ખાલી ટૅકસી આવી અને દીપંકર સ્વામીએ ટૅકસી રોકી, ત્યાં સુધીમાં તો જિગર અધમૂઓ થઈ ગયો હતો.

દીપંકર સ્વામીએ તેને ટૅકસીની પાછળની સીટ પર બેસાડયો અને જિગરની બાજુની સીટ પર બેસતાં, બનારસીદાસના ઘરનું સરનામું કહ્યું અને ‘જલદી જવા દે, ભાઈ !’ કહ્યું.

અને જિગર બીમાર છે, એ જોઈ-સમજી ગયેલા ટૅકસીવાળાએ એક આંચકા સાથે ટૅકસી દોડાવી મૂકી.

દૃ દૃ દૃ

દીપંકર સ્વામી જિગરને લઈને બનારસીદાસના ઘરના દરવાજે પહોંચ્યા અને એમણે ઉતાવળે દરવાજો ખટખટાવ્યો, ત્યારે જિગરની હાલત ખૂબ જ ખરાબ હતી. તેને લાગી રહ્યું હતું કે, ‘બસ, હમણાં તેેનો જીવ ગયો, હમણાં ગયો...’ અને તે લાચારીભરી નજરે દીપંકર સ્વામી તરફ જોઈ રહ્યો હતો.

બીજી જ મિનિટે દરવાજો ખુલ્યો અને સફેદ ઝભ્ભો-ધોતિયું પહેરેલા, ઊંચા-પાતળા બનારસીદાસ દેખાયા.

‘બનારસીદાસ !’ દીપંકર સ્વામીએ કહ્યું : ‘આ યુવાનને પંડિત ભવાનીશંકરે મૂઠ મારી છે.’

‘...અંદર લઈ લો !’ બનારસીદાસે પ્રભાવશાળી અવાજમાં કહ્યું, એટલે દીપંકર સ્વામી જિગર સાથે અંદર દાખલ થયા. એમણે સોફા પર જિગરને લેટાવ્યો.

બનારસીદાસે પોતાની ઝીણી આંખોની તેજ નજર જિગરના માથાથી પગ સુધી ફેરવવા માંડી.

જિગરની આંખોમાંથી પીડાને કારણે આંસુ વહી રહ્યા હતા. તેના હાથમાં અસહ્ય પીડા થઈ રહી હતી, છતાં તેણે પરાણે બનારસીદાસ સામે પોતાના હાથ જોડયા.

‘બેટા ! તું ધીરજ ધર, હમણાં હું તને ઊભો કરું છું.’ બનારસીદાસે કહ્યું અને એમણે ફરી જિગરના માથાથી પગથી સુધી એક નજર ફેરવી અને મંત્રો ભણવા માંડયા. મંત્રો ભણતાં-ભણતાં જ એમણે પોતાનો ચહેરો જિગરની વધુ નજીક લીધો.

જિગર આંસુભીની આંખે જોઈ રહ્યો. થોડીક પળોમાં જ તેને એવું લાગવા માંડયું કે, તેના ગળા પરની ભીંસ ઓછી થઈ રહી છે, તેના હાથ-પગની પીડા હળવી થઈ રહી છે અને થોડીક પળોમાં જ તેના હાથ-પગનો દુઃખાવો અને ગળા પરની ભીંસ બિલકુલ જ દૂર થઈ ગઈ.

બનારસીદાસે જિગરને પગથી માથા સુધી જોયો, તેની આંખોમાં ઝાંખ્યું અને પછી કહ્યું : ‘બેટા ! હવે કેમ લાગે છે ? !’

‘...સારું લાગે છે !’ જિગરના મનમાં આ જવાબ જાગ્યો, એ જવાબ તેેની જીભ પર આવ્યો અને જવાબ બોલવા માટે તેની જીભ સળવળી અને તેની નવાઈ વચ્ચે તેના મોઢામાંથી અવાજ પણ નીકળી પડયો : ‘...સારું લાગે છે !’ અને તે પાછળ-પાછળ જ બોલી ઊઠયો : ‘અરે ! હું ફરી બોલતો થઈ ગયો !’

‘ચાલ, હવે બેઠો થા !’ બનારસીદાસ બોલ્યા, અને જિગર બેઠો થયો, તે એકદમ સહેલાઈથી બેઠો થઈ શકયો.

‘...મેં મૂઠને પાછી વાળી દીધી,’ બનારસીદાસે જિગરને કહીને બાજુમાં ઊભેલા દીપંકર સ્વામી સામે જોયું : ‘જો તમે થોડાક મોડા પડયા હોત તો આનો ખેલ ખલાસ થઈ જાત. પણ..,’ અને બનારસીદાસે પાછું જિગર સામે જોયું : ‘...તારે ભવાનીશંકર સાથે એવી તો શું દુશ્મની છે કે, એણે તને ખતમ કરી નાંખવા માટેની આવી ખતરનાક મૂઠ મારી.’

જિગરે જવાબ આપવાને બદલે દીપંકર સ્વામી સામે જોયું.

દીપંકર સ્વામીએ બનારસીદાસને અદૃશ્ય શક્તિ શીના જિગરના માથા પર સવાર થઈ હતી, ત્યારથી લગાવીને પંડિત ભવાનીશંકર શીનાને વશમાં કરી ગયો અને પછી જિગર ભવાનીશંકર પાસેથી શીનાને પાછી મેળવવા માટે પ્લૅનશેટ્‌ની જાણકાર સલોમી પાસે ગયો અને ત્યાંથી પાછા ફરતાં જ જિગરની તબિયત બગડી અને તેઓ જિગરને અહીં લઈ આવ્યા, ત્યાર સુધીની વાત કરી સંભળાવી.

‘હં...!’ કહીને બનારસીદાસે જિગર સામે જોયું : ‘જિગર ! તારા સારા નસીબ કે, દીપંકર સ્વામી તને સમયસર મારી પાસે લઈ આવ્યા, નહિતર તારું મોત નકકી જ હતું. હવે શાંતિથી ને લાંબું જીવવું હોય તો હંમેશ માટે શીનાને મન-મગજમાંથી કાઢી નાંખ.’

‘જી, મહારાજ !’ જિગરે કહ્યું.

અને થોડીક વાર પછી તે દીપંકર સ્વામી સાથે ટૅકસીમાં દીપંકર સ્વામીના ઘરે પહોંચ્યો.

દીપંકર સ્વામી ટૅકસીમાંથી ઊતરી ગયા અને જિગરને વિદાય આપી. જિગર ટૅકસીમાં ઘર તરફ આગળ વધ્યો.

દૃ દૃ દૃ

જિગર ઘરે પહોંચ્યો, ત્યારે વહેલી સવારના ચાર વાગવા આવ્યા હતા. તેની નજર દરવાજા પર પડી અને તે ચોંકયો. દરવાજાનું તાળું ખુલ્લું હતું. ‘તે અહીંથી નીકળ્યો, ત્યારે તો દરવાજે તાળું મારીને નીકળ્યો હતો, પછી તાળું કોણે ખોલ્યું હશે ? શું અંદર ચોર દાખલ થયો હશે !’ તે સાવચેત થયો. તેણે જરાય અવાજ ન થાય એવી રીતના દરવાજાને ધકકો માર્યો, અને અંદર નજર નાંખી. અંદરની લાઈટ ચાલુ હતી. અંદર કોઈ નહોતું.

તેનું આ મકાન એક રૂમ અને રસોડાનું હતું. આ પહેલો રૂમ જ તેનો ડ્રોઈંગરૂમ અને બેડરૂમ હતો. આ રૂમની સામેની દીવાલ પર રસોડાનો દરવાજો હતો. એ દરવાજો ખુલ્લો હતો અને અંદરની લાઈટ બંધ હતી. જ્યારે આ રૂમની જમણી બાજુની દીવાલ પર બાથરૂમ હતો. અને અત્યારે બાથરૂમનો દરવાજો બંધ હતો. ‘નકકી એ બાથરૂમમાં જ કોઈક હતું !’ જિગરે વિચાર્યું, ત્યાં જ બાથરૂમનો દરવાજો ખુલ્યો અને માહી દેખાઈ.

માહીને જોતાં જ જિગર ચોંકી ઊઠયો. ‘અદૃશ્ય શક્તિ શીના તેની પાસેથી નીકળીને પંડિત ભવાનીશંકર પાસે ચાલી ગઈ એ પછી તેની પાસેની માલ-મિલકત સાફ થઈ ગઈ અને તે આ રૂમ-રસોડામાં રહેવા આવી ગયો, એટલે માહીના પિતા દેવરાજશેઠ માહીને પોતાના ઘરે લઈ ગયા એ પછી માહી સાથે તેની વાત થઈ નહોતી, ત્યાં અત્યારે માહી ઘરે આવી ગઈ હતી !’

‘તું આવી ગયો, જિગર !’ માહીનો અવાજ કાને પડયો, એટલે જિગર વિચારોમાંથી બહાર આવતાં બોલ્યો : ‘હા, પણ તું કયારે આવી ? ! અને પપ્પાજી....’

‘હું રાતે અગિયાર વાગ્યે આવી.’ માહી બોલી : ‘તું બહાર ગયો હતો, પહેલાં તો હું તને મોબાઈલ કરવા જતી હતી પણ પછી મને થયું કે, હું તને સરપ્રાઈઝ આપું. એટલે તને મોબાઈલ કર્યા વિના જ હું પલંગ પર પડી રહી અને મારી આંખ લાગી ગઈ.’ માહીએ જિગરની આંખોમાં પોતાની આંખો પરોવતાં કહ્યું : ‘હમણાં આંખ ખૂલી ને મેં જોયું કે તું આવ્યો નહોતો. મેં વિચાર્યું કે, ફ્રેશ થઈને તને મોબાઈલ કરું, ત્યાં તું આવી ગયો.’ અને માહીએ આંખો નચાવી : ‘આટલી મોડી રાત સુધી કયાં ભમતો હતો, જિગર ? કયાંક કોઈ બીજી છોકરી...’

‘તું મને છોડીને ચાલી ગઈ, તો પછી હું શું કરું ?’ જિગર બોલ્યો.

‘...એટલે...,’ માહીની આંખોમાં ઇર્ષા આવી ગઈ : ‘...શું તું ખરેખર જ કોઈ બીજી છોકરી...’

‘ના, માહી ! હું સપનામાંય તારા સિવાય બીજી કોઈ છોકરીને પ્રેમ કરવા વિશે વિચારી ન શકું.’ જિગરે કહ્યું : ‘હું તો અદૃશ્ય શક્તિ શીનાને પાછી મેળવવા ગયો હતો. શીના પાછી આવે અને હું માલદાર બનું તો હું તને પાછી મેળવી શકું ને !’

‘.....તો શું શીના પાછી મળી ? !’

‘ના !’ જિગર બોલ્યો : ‘પણ અત્યારે હવે મને એની જરૂર પણ નથી. કારણ કે, તું અત્યારે એમને એમ જ મને પાછી મળી ગઈ છે, ને ! પછી મારે શીના કે, પૈસાનું શું કામ છે !’

‘હા, જિગર !’ માહી બોલી : ‘હું પણ તારા માટે જ પપ્પાનો બધો પૈસો ઠુકરાવીને તારી પાસે આવી ગઈ છું. મને તું જોઈએ, તારો પ્રેમ જોઈએ, પૈસો નહિ !’ અને માહી જિગરને ભેટી.

જિગરે રાહત અનુભવી. ‘આજે તેને શીના પાછી મળી નહોતી. તે ભવાનીશંકરે મારેલી મૂઠથી માંડ-માંડ જીવતો બચીને ઘરે આવ્યો હતો અને ઘરે તેને માહી મળી હતી ! અત્યારે હવે તેણે શીના, માલ-મિલકત, આ-તે બધું ભૂલીને માહીના પ્રેમમાં ડૂબી જવું જોઈએ !’ અને તે માહીના રેશમી વાળમાં હાથ ફેરવવા માંડયો. અત્યારે માહી તેને વળગેલી હતી ને માહીનો ચહેરો તેની પીઠ તરફ હતો, એટલે તેને માહીનો ચહેરો દેખાતો નહોતો.

માહીનો ચહેરો અત્યારે બદલાઈ રહ્યો હતો ! હા, માહીનો ચહેરો આપમેળે બદલાઈ રહ્યો હતો ! માહીનો ખૂબસૂરત ચહેરો ભયાનક બની રહ્યો હતો ! ! તેના ચહેરાની ચામડી ઊતરડાઈ રહી હતી, તેની આંખોનો રંગ બદલાઈને લીલો થઈ રહ્યો હતો, તેના ઉપરના બે દાંત લાંબા થઈને બહાર નીકળી રહ્યા હતા ! ! !

અને આ ભયાનક હકીકતથી બેખબર જિગર બોલ્યો : ‘....આઈ લવ યુ, માહી !’

અને જવાબમાં માહીની ભયાનક બનેલી આંખોમાં ખૂની ભાવ આવ્યા. એણે લાંબા અને અણીદાર બનેલા પોતાના બે દાંત જિગરની ગરદન તરફ આગળ વધાર્યા..

...હા, જિગરની ગરદનમાંની ધોરી નસમાંથી જિગરનું લોહી પીવા માટે..............

( વધુ આવતા અંકે )