વીસ
“ભાઈ, જરા ધીમે ખા, ગળામાં અટકી જશે.” વરુણને ઝડપથી ખાતા અને લગભગ ડૂચા મારતો જોઇને ઈશાનીએ તેને વાર્યો.
પણ વરુણને ચિંતા હતી કે ક્યાંક સુંદરી તેનાથી પહેલા જમીને રેસ્ટોરન્ટમાંથી જતી ન રહે. સુંદરીએ ઇશારાથી વરુણને જરૂર કહ્યું હતું કે તે જમીને તેને મળશે, પણ ક્યાંક તે ભૂલી જાય તો? બસ આ જ ચિંતા વરુણને ઝડપથી એની પાઉભાજી ખતમ કરવા માટે મજબૂર કરી રહી હતી.
“હું ધીમે જ ખાઉં છું. તું ચિંતા ન કર.” વરુણે ઇશાનીને કહ્યું.
કૃણાલ વરુણની રગરગથી વાકેફ હતો, તેની શંકા ફરીથી મજબૂત થવા લાગી હતી.
“એક તો તીખી ભાજી મંગાવી છે એમાં તું ઝડપથી ખાય છે, ક્યાંક અંતરસ આવી જશે. ધીમે ખા ને લ્યા?” કૃણાલે ગુસ્સામાં કહ્યું.
વરુણને લાગ્યું કે સુંદરીને મળવાની તેની સાથે બે વાત કરવાની ઘેલછામાં ક્યાંક એ બાફી ન મારે. ઈશાની તો ઠીક છે પરંતુ કૃણાલને જો ફરીથી શંકા જશે કે તે સુંદરી માટે આ રીતે ઝડપથી ખાઈ રહ્યો છે તો વળી પાછું તે તેને ન ગમતી વાતોનું લીસ્ટ તેની સામે રજુ કરી દેશે. આથી વરુણે પોતાની ડાબી હથેળી ઉંચી કરીને ઈશાની અને કૃણાલ બંનેને પોતે હવે ધીમે ધીમે ખાશે તેવી હૈયાધારણ આપી.
તો સામે સુંદરી અને અરુણાબેનનું ભોજન હવે પૂર્ણ થવા આવ્યું હતું કારણકે એ લોકો વરુણ, ઈશાની અને કૃણાલ કરતા ઘણા વહેલા જમવા બેસી ગયા હતા. વરુણની નજર સુંદરીના ટેબલ પર જ હતી. સુંદરી અત્યારે ફિંગર બાઉલમાં પોતાની મરોડદાર આંગળીઓ સાફ કરી રહી હતી. ત્યારબાદ તેણે નેપકીનથી પોતાના હાથ સાફ કર્યા અને તે ટેબલ પરથી ઉભી થઇ. તેની સાથે અરુણાબેન પણ ઉભા થયા.
વરુણને લાગ્યું કે સુંદરી હવે બીલ ચૂકવીને રેસ્ટોરન્ટની બહાર નીકળી જશે અને એ પણ તેને મળ્યા વગર એટલે એણે હાથમાં લીધેલો કોળીયો પ્લેટમાં પાછો મૂકી દીધો અને જો સુંદરી બીલ ચુકવવા માટે કાઉન્ટર તરફ પ્રયાણ કરે તો પોતે તરતજ ઉભો થઈને તેની તરફ દોડે એવી માનસિક તૈયારી એણે કરી લીધી.
પરંતુ સુંદરી કાઉન્ટર તરફ જવાને બદલે તેના ટેબલની થોડે દૂર પાછળ આવેલા બાથરૂમ તરફ ગઈ અને વરુણને હાશકારો થયો. વરુણે ફરીથી ખાવાનું શરુ કર્યું, કૃણાલ વરુણની દરેક હરકતને બારીકાઈથી જોઈ રહ્યો હતો અને તેને વરુણની આમાંથી એક પણ હરકત ગમતી ન હતી, પરંતુ ઈશાનીની હાજરીએ તેને મૂંગો રાખ્યો હતો.
લગભગ ત્રણેક મિનીટ પછી સુંદરી બાથરૂમમાંથી બહાર આવી, તેના બહાર આવ્યા બાદ અરુણાબેન બાથરૂમ તરફ ગયા અને સુંદરીએ તેમને કશુંક કહ્યું. ત્યારબાદ સુંદરીએ સીધુંજ વરુણના ટેબલ તરફ ચાલવાનું શરુ કર્યું. સુંદરીને પોતાની તરફ આવતા જોઇને વરૂણનું હ્રદય પહેલાંતો ધબકારા ચૂકવા લાગ્યું અને પછી ઝડપથી ધબકવા લાગ્યું. જેમ જેમ સુંદરી નજીક આવતી ગઈ તેમ તેમ વરુણ ધીમે ધીમે ઉભો થયો.
“કેમ છો? કેમ છો કૃણાલ?” વરુણ નજીક આવતાની સાથેજ સુંદરીએ પોતાના મીઠા અવાજથી વરુણને અને કૃણાલને પૂછ્યું.
“મજામાં, તમે?” વરુણ તો રાહ જોઈ જ રહ્યો હતો કે ક્યારે સુંદરી તેની પાસે આવીને તેની સાથે વાત કરે. કૃણાલે પણ ઉભા થઈને સુંદરી સામે સ્મિત કરીને પોતાનું ડોકું હલાવ્યું.
“બસ મજામાં, આપણા ઈંગ્લીશના પ્રોફેસર છે ને અરુણાબેન? તેમની સાથે ડિનર લેવા આવી છું.” સુંદરીએ કહ્યું.
“ઓહ ઓકે, આ મારી સીસ છે, ઈશાની, આજે એનો બર્થ ડે છે એટલે અહીં સેલિબ્રેટ કરવા આવ્યા છીએ.” વરુણે ઈશાનીની ઓળખાણ આપી, હવે ઈશાની પણ ઉભી થઇ.
“ઓહ વાહ! હેપ્પી બર્થ ડે ઈશાની! શું ભણે છે?” સુંદરીએ ઈશાની સામે સ્મિત કર્યું અને વરુણની નજર તેના ધનુષ આકારના હોઠ પર ચોંટી ગઈ.
“અલેવન્થ સાયન્સમાં છું.” ઈશાનીએ પણ હસીને જવાબ આપ્યો.
“ઓહ! તો તો ઈમ્પોર્ટન્ટ યર છે. ઓલ ધ બેસ્ટ. ચાલો તમે લોકો એન્જોય કરો, હું જાઉં? કાલે મળીએ કોલેજમાં.” સુંદરીએ વરુણ સામે જોઇને કહ્યું.
જવાબમાં વરુણે લગભગ અર્ધબેભાન અવસ્થામાં જ આપોઆપ પોતાનું ડોકું હલાવ્યું અને સુંદરીએ જ્યારે આવજો કહેવા માટે પોતાનો હાથ હલાવ્યો ત્યારે વરુણે પણ આપોઆપ જ પોતાનો હાથ હલાવ્યો. સુંદરી તો પછી પાછળ વળીને કાઉન્ટર પર બીલ ચૂકવી રહેલા અરુણાબેન પાસે પહોંચી ગઈ પરંતુ વરુણની નજર સતત સુંદરી પર જ હતી.
“ભાઈ, ખુબજ બ્યુટીફૂલ છે તારા પ્રોફેસર, અને એમનો અવાજ પણ કેટલો મીઠ્ઠો છે નહીં કૃણાલભાઈ?” ઈશાનીનો અવાજ કાને પડતાની સાથેજ વરુણ ભાનમાં આવ્યો અને ફરીથી તેને ઈશાની દ્વારા સુંદરીના કરેલા વખાણ ગમ્યા.
“હા અને અમને ભણાવે છે પણ બહુ સરસ.” વરુણે જવાબ આપ્યો અને ફરીથી બેસી ગયો.
સુંદરી સાથે બે-ત્રણ મિનીટ વાત કરીને, તેનો અવાજ સાંભળીને હવે વરુણની બાકીની ભૂખ તો મરી જ ગઈ હતી પરંતુ ઈશાની અને ખાસકરીને કૃણાલની હાજરીમાં તે વધુ કોઈ નાટક કરવા માંગતો ન હતો એટલે હવે શાંતિથી બાકીની ભાજી વધેલા પાઉં સાથે ખાવા લાગ્યો.
==::==
“તને એક વખત કહ્યું તો પણ તને સમજાતું નથી હેં ને?” કોલેજ જવા બસમાં બેસવાની સાથે જ કૃણાલે શરુ કર્યું.
“શું નથી સમજાતું? તું વળી પાછો કોઈ લેક્ચર શરુ કરવાનો હોય તો રહેવા જ દેજે. આજે કોલેજમાં એક પણ લેક્ચર ફ્રી નથી અને પાંચેય લેક્ચર્સ ભરવાના છે, હું હવે અત્યારે છઠ્ઠું લેક્ચર ભરવા માટે મેન્ટલી તૈયાર નથી ઓકે?” વરુણ જાણતો હતો કે ગઈકાલે રેસ્ટોરન્ટમાં સુંદરી સાથે થયેલી મુલાકાત દરમ્યાન તેનું વર્તન કૃણાલે જરૂર પકડી પાડ્યું છે અને એટલેજ એ ફરીથી તેને સમજાવવાની કોશિશ કરવા જઈ રહ્યો છે.
સાંજે રેસ્ટોરન્ટમાં અને ઘરે પરત થતા સમયે ઈશાની પણ વરુણ અને કૃણાલ સાથે હતી એટલે કૃણાલ મૂંગો રહ્યો હતો પરંતુ આજે સવારે જેવો વરુણ એકલો મળ્યો કે કૃણાલે તેને સમજાવવાનું શરુ કરી દીધું.
“મને ખબર છે કે તને ખબર છે કે હું તને શું કહેવાનો છું.” કૃણાલે બસની બારીની બહાર જોતા કહ્યું.
“તો પછી શું કરવા કહે છે યાર, ખોટ્ટો ટાઈમ બગાડવાનો અને બંનેનો મૂડ બગાડવાનોને?” વરુણ પણ કૃણાલની વિરુદ્ધ દિશામાં જોઈ રહ્યો હતો.
“બહુ ખોટું કરી રહ્યો છે તું. આ સારું નથી. બહુ તકલીફ પડવાની છે તને જોજે!” કૃણાલ હવે સમજી ગયો હતો કે વરુણને ખબર પડી ગઈ છે કે તે સુંદરી પ્રત્યેના તેના આકર્ષણ વિષે કહેવાનો છે એટલે તે મૂળ મુદ્દાને સ્પર્શ કર્યા વગર જ બોલી રહ્યો હતો.”
“જો બકા, તકલીફ પડશે તો પડશે, ત્યારે જોયું જશે. હું મારી લાગણીઓને આમ કચડીને જીવવા નથી માંગતો. અને હજી તો ઘણીબધી પરીક્ષાઓ આપવાની છે મારે. એક વાતની ખાતરી રાખજે દોસ્ત કે મને એ ગમે છે અને હું તેને પ્રેમ કરું છું. પણ તું હવે એક પ્રાર્થના દરરોજ કરજે કે એ મને રિજેક્ટ કરે. આજે નહીં પણ ત્રણ ચાર વર્ષ પછી જ્યારે હું એને પ્રપોઝ કરીશ. કારણકે જો એ મારી પ્રપોઝલ રિજેક્ટ કરશે તો મારી આ પ્રેમકથા પર ત્યાંજ પૂર્ણવિરામ મુકાઈ જશે.” વરુણ હવે કૃણાલને તક આપવા નહોતો માંગતો એટલે એ જ સીધો મુદ્દા પર આવી ગયો.
“ટૂંકમાં મારી શંકા સાચી પડી.” હવે કૃણાલે વરુણ તરફ જોતા કહ્યું.
“હા, સો ટકા સાચી પડી, એની પ્રોબ્લેમ?” વરુણને હવે કૃણાલની જરાય બીક નહોતી લાગતી.
“પ્રોબ્લેમ મને નહીં તને થશે, પણ એક વાત તું પણ યાદ રાખજે, તે કહ્યું એમ ખાતરી રાખજે. આ બાબતે તને મારી કોઈજ મદદ નહીં મળે. બાળપણથી અત્યારસુધી હું તારી દરેક તકલીફમાં સાથે રહ્યો છું પણ આમાં નહીં, સોરી! હું તો ઈચ્છીશ કે મેડમ તને ના જ પાડે એટલે તું જ નહીં પણ અંકલ, આંટી અને ઈશાની પણ બહુ મોટી તકલીફમાંથી બચી જાય. તને ખબર નથી સમાજ આ સંબંધ ક્યારેય નહીં સ્વીકારે.” કૃણાલ પણ ઉકળી રહ્યો હતો.
બંનેના બાળપણથી છેક યુવાની સુધી બહુ ઓછી વખત એવું બન્યું હતું કે વરુણ અને કૃણાલ બંનેને એકબીજા પર આટલો ગુસ્સો આવ્યો હોય. એકરીતે જોવા જઈએ તો બંને સાચા હતા. વરુણ એટલે સાચો હતો કારણકે તે એક વાતે સ્પષ્ટ હતો કે તે સુંદરીને ખરેખર પ્રેમ કરે છે અને તેને પામવા માટે તે શક્ય હોય તેટલા પ્રયાસ કરશે. કૃણાલ એટલે સાચો હતો કારણકે તેના વિચાર પ્રમાણે વરુણ અને સુંદરીની વય અને બંને વચ્ચે વિદ્યાર્થી અને શિક્ષકના સંબંધો હોવાને કારણે એ બંને વચ્ચે પ્રેમસંબંધ એ નૈતિકતાની વિરુદ્ધ છે.
વરુણ અને કૃણાલ બંનેનો ઉછેર જુદીજુદી રીતે થયો હતો અને બંને એટલેજ આ અલગ અલગ ઉછેરની અસર હેઠળ પોતપોતાની દલીલને વળગી રહ્યા હતા.
પરંતુ એક વસ્તુ જરૂર નવી બની હતી. આજે વરુણ અને કૃણાલે કોલેજ જતાં બસમાં ઉગ્ર ચર્ચા કરી હતી તેની અસર તેમના પર અમુક દિવસો સુધી રહી. માત્ર આજે જ નહીં પરંતુ આવનારા ઘણા દિવસો સુધી વરુણ અને કૃણાલ કોલેજ તો એક જ બસમાં જતા હતા પરંતુ બસમાં અલગ બેસતાં, બસમાંથી ઉતરીને અલગ અલગ કોલેજ સુધી ચાલતા, કોલેજમાં પણ જુદાજુદા બેસતા અને ઘરે પણ અલગ અલગ ચાલીને જ જતા.
ઘરે તો વરુણ અને કૃણાલ વચ્ચેના આ અણબનાવની કોઈએ નોંધ ન લીધી, પરંતુ કોલેજમાં ચકોર સોનલબાની નજરથી આ બંને બચી શક્યા નહીં. એક દિવસ રીસેસ પડતાની સાથે જ્યારે વરુણ સોનલબાની બેંચ પાસેથી પસાર થઇ રહ્યો હતો ત્યારે...
==:: પ્રકરણ ૨૦ સમાપ્ત ::==