બારણે ટકોરા પડતા હંસાબેન અને મંજુબેન વિચારમાં પડી જાય છે કે અત્યારે આ કોણ હશે ? હંસાબહેન આગળ વધીને બારણું ખોલે છે ત્યાં સામે જ નવા રહેવા આવેલા પાડોશી સમજુબેન ઉભા હતા. હંસાબહેન મોઢું મલકાવતા બોલ્યા. અરે આવો આવો સમજુબેન ! મંજુ બેન પડથારે બેઠા બેઠા જ બોલ્યા અરે આવો સમજુબેન. સમજુબેન પણ અંદર આવે છે. અને ત્રણેયની ત્રિપુટી વાતો એ વળગે છે.
અમે નિશાના ભણતર ની વાતો કરતા હતા. મંજુબેને વાતની શરૂઆત કરી. અરે હા એ તો ભણવામાં ખૂબ જ હોશિયાર છે ! મેં તેના વિશે બીજી છોકરીઓ પાસેથી ઘણાજ વખાણ સાંભળ્યા છે. તે હંમેશા સ્કૂલમાં અવ્વલ આવે છે. સમજુ બહેને નિશા વિશે જે જાણતા હતા તે કહેવાનો પ્રયત્ન કર્યો. હા , પણ આ છોકરીની જાતને ક્યાં સુધી ભણાવવી ! છોકરો હોત તો હમણાં સમજ્યા. કે, નહીં હંસાબેન. હંસાબેન સામે જોતાકને મંજુબેન બોલ્યા.
ના.. ના.. બેહેનો આ તમારી ભૂલ છે. આજ દીકરા-દીકરી વચ્ચે ના કોઈ ભેદભાવ રહ્યા નથી. આજ એવું કોઈ કામ રહ્યું જ નથી કે જે દીકરો કરી શકે અને દીકરી ન કરી શકે. અવકાશયાત્રા થી લઈને બસ કંડકટર સુધી આપણી દીકરીઓએ પોતાનો ડંકો વગાડ્યો જ છે ને ! સમજુબેહેને પોતાના નામ પ્રમાણે સમજણની વાત શરૂ કરી.
અરે તમે તો હજુ નવા-નવા આવ્યા છો, સમજુબેન ! તમને ખબર નહીં હોય આપણા ગામના પેલા મનજીભાઈ ખરાને ! એમની દીકરી પારુલ. શહેરમાં ભણવા જાતી. પણ શું થયું એનું ! વાલામુઈ શહેરમાંથી જ કોઈ વિધર્મી ને લઈને ભાગી ગઈ હતી. બિચારા મનજીભાઈ હજુ બજારે નીચું મોઢું કરીને ચાલે છે. મંજુબેન બોલી રહ્યા હતા અને હંસાબેન પોતાનું માથું ધુણાવીને તેમાં હામી ભરી રહ્યા હતા. અને હવે હંસાબેન આગળ બોલતા કહે છે.હવે આઘે ક્યાં જવાની જરૂર છે. આપણી જ શેરીના પેલાં જ્યોત્સનાબેન એની દીકરી ધ્રુવી જેને ભણી ને ઘેર આવતી ત્યારે રસ્તામાં પેલાં નરાધમોએ રસ્તો રોકેલો. અને તેની સાથે અડપલા કરવા લાગેલા. એ તો ભલું થાજો પેલાં કાશીમાનુ કે ટાઈમે ત્યાં પહોંચી ગયા, તે દીકરીની ઈજ્જત બચી ગઈ.
જો બહેનો મારી વાત તમે ધ્યાનથી સાંભળો. આ તમે બંનેએ જે વાત કરીને એવા તો અનેક દૂષણો આપણા સમાજમાં ઘર કરી ગયા છે. જેવા કે છેડતી, સ્ત્રીને શારીરિક અને માનસિક ત્રાસ આપવો, દહેજ, ઘરેલુ હિંસા, વગેરે અનેક દુષણો છે પરંતુ આ બધાની વિરુદ્ધ સખત કાયદો પણ સરકારે બનાવેલો છે. જો આપણે દીકરીઓને શિક્ષણથી વંચિત રાખીશું તો તે ક્યારેય પોતાના હક માટે લડવા સક્ષમ નહીં બની શકે. એ અવાજ ત્યારે જ ઉઠાવી શકશે જ્યારે તે શિક્ષિત હશે, અને કંઈક જાણતી હશે. તેને કાયદાઓનું જ્ઞાન હશે.
વાત તો તમારી સાચી છે સમજુબેન,પણ આ દીકરીની જાતને બહાર જવા દેવામાં જોખમ તો ખરું હો ! હંસાબહેને પોતાની શંકા વ્યક્ત કરી, અને ઉભા થઇ રસોડા તરફ ચાલતા થયા. જતા જતા તેઓ કહેતા ગયા, તમે બંને થોડી વાતો કરો હું આપણા માટે આદુવાળી ચા બનાવતી આવું.
હંસાબહેન ફૂલોના ભારે શોખીન લાગે છે, જો ને તેમના ફળિયામાં કેવા રંગબેરંગી સરસ મજાના ફૂલોના છોડ ખીલ્યા છે. સમજુ બેને હંસાબેન ના ફળિયામાં નજર ફેરવતા કહ્યું. હા હો એ તો એમના ઘરની શોભા વધારે છે. કેવું સરસ ફળિયુ લાગે છે ! મંજુબેને પણ ઇજ વાતને આગળ વધારતાં કહ્યું. ગુલાબના ફૂલ જુઓને કેવા જુદા જુદા રંગના ગુલાબ આયા છે, કોઈ છોડને ગુલાબી ફૂલ છે, તો કોઈને સફેદ, અને આ શતાવરીના ફુલ પણ નયનરમ્ય છે. અને આ મોગરાના ફૂલની સુગંધ તો આખા વાતાવરણને આહલાદક બનાવે છે. સમજુબેન ફળિયામાં નજર ફેરવતા જુદા જુદા ફૂલો નું વર્ણન કરતા જાય છે. ત્યાં જ હંસાબેન ચાની કીટલી લઈને આવે છે, અને આવતા આવતા જ બોલે છે, તમે બંને મારી જ વાતો કરતાં લાગો છો, ચાલો હવે પહેલા ચા પી લ્યો, એમ કહીને જ્યાં બેસવા જાય છે ત્યાં જ બારણે ટકોરા પડે છે. ત્રણેયની નજર બારણા તરફ મંડાઇ છે.
"આગળ શું થાય છે તે હવે પછીના ભાગમાં "
માતૃભારતી ના તમામ વાચક મિત્રોનો સહૃદય આભાર માનું છું
🌹🌹 ગાબુ હરેશ 🌹🌹