Dadaji in Gujarati Motivational Stories by Vijay Varagiya books and stories PDF | દાદાજી

Featured Books
Categories
Share

દાદાજી


'બેટા, તારે આ રીતે ઘર છોડી ચાલી ન નીકળાય. તને કંઈ અંદાજ છે કે તમારા મમ્મી-પપ્પા તારા વગર કેટલા દુઃખી થતા હશે?'- ચિંતિત સ્વરે દાદાજી બોલ્યા.

'દાદુ એ બંનેને મારી જરા પણ ચિંતા નથી. બસ મારી સામે પોતાની જોહુકમી ચલાવે છે. મારી વાતને કોઈ કાને ધરતું નથી, કોઈ મને પ્રોત્સાહન આપતું નથી, મારા વિચારો અને તેમનો મત એકબીજાથી એકદમ ભિન્ન છે.હવે હું તેમના સાથે રહી શકીશ નહીં. બન્નેને મારી પ્રત્યે કોઈ લાગણી રહી નથી, પ્રેમ રહ્યો નથી.'

-- આ શબ્દો ૧૭ વર્ષના પાર્થના હતા.જાણે તેની પીડાને તેના દાદાજી પાસે શબ્દોરૂપી ઓકી રહ્યો હોય.

'એ તારું માનવું છે હકીકતમાં એવું નથી'. દાદાજી 17 વર્ષના પુત્રની નિખાલસ વ્યથા સાંભળી હસી પડ્યા.

'બસ, દાદુ તમે પણ મારી હાંસી ઉડાવો છો? મારી વાત તમારા ગળે ઊતરતી નથી ને? માત્ર તમારા પ્રેમ ખાતર હું અહીં દોડી આવ્યો, નહિતર આ દુનિયામાં મારા પેટનો ખાડો પૂરવો મને ભારે પડતો નથી.'--- પાર્થની આંખોમાં પીડાના સ્થાને સ્વાભિમાન ઉભરી આવ્યું.

દાદાજી પૌત્રની વાત પર ફરી પોતાનું હસવું ખાળી શક્યા નહીં.

'જો બેટા માનવીને તેની પાસેની મુદ્દલ રકમ કરતાં અધિક તે રકમનુ વ્યાજ વ્હાલું હોય છે. તેમ તું મારા પુત્રરૂપી મુદ્દલનું વ્યાજ કહેવાય. તારા પિતાજી એટલે કે મારા પુત્ર કરતાં પણ મારે મન તું વિશેષ છો.'

'તો પછી દાદુ તમે પણ મારી વાતની હાંસી ઉડાવો છો. કેમ મારો સાથ આપતા નથી? મારા મમ્મી પપ્પા તો કદી જ મને સાથ નહીં આપે, તેઓ કદી જ મને સમજી નહીં શકે. કારણકે હવે તેઓને મારા પ્રત્યે પ્રેમ રહ્યો જ નથી.'

'તારી ભૂલ છે બેટા, માતા પિતાને તેના સંતાનોની ખુશીથી અધિક બીજું કોઈ જ સુખ હોતું નથી, અરે પાગલ તારા પર તો એ બંનેનું સુખ નિર્ભર છે.'

'તો પછી દાદુ એ બંને મને કેમ સમજતા નથી?'

સાંભળ આજે તને એક વાત કહેવા માગું છું, જેતું જાણતો નથી.

'આજથી ૧૦ વર્ષ પહેલા તારી સાતમી વર્ષગાંઠ પર હું તમારા ઘરે શહેર આવ્યો હતો ત્યારે એક દિવસ તારા મમ્મી સ્મિતા સ્કૂલ બેગમાં નાસ્તાનો ડબ્બો રાખવાનું ભૂલી ગઈ. અને જ્યારે તેને સ્મરણ થયું કે મારો નાનકડો લાડકો આજે નાસ્તા વગર ભૂખ્યો રહેશે ત્યારે તે ખૂબ જ દુઃખી થઈ. હું તારી સ્કૂલે નાસ્તાનો ડબ્બો પહોંચાડવા તૈયાર થયો પણ તારા અભણ ગામડિયા દાદુ ને શહેરની ગલીઓમાં તારી સ્કૂલ કેમ મળે? આથી નાછૂટકે તારા પિતાજીના આવવાની રાહમાં અમે ચિંતિત બેઠા.' -- દાદાજીએ વાતનો દૌર પકડી રાખ્યો.

'બે વાગ્યે તારા પિતા બપોરના ભોજન માટે ઓફિસ પરથી ઘરે આવ્યા ત્યારે તારા મમ્મી એ તારા પિતાજી ને તારા નાસ્તાનો ડબ્બો આપી પાછા પગલે રવાના કર્યા, આ સામાન્ય બનાવ તને યાદ નહીં હોય પણ હું તેનો સાક્ષી.
એ સમગ્ર ચાર કલાક દરમિયાન તારા મમ્મી એ પાણીનું એક ટીપું ન પીધું. જ્યારે મેં પાણીનો પ્યાલો તેના તરફ લંબાવ્યો ત્યારે તે શું બોલી જાણે છે તું? '
'એ બોલી પિતાજી મારો દીકરો ભુખ્યો હશે આ પાણી મારા માટે ઝેર છે મારા ગળે કેમ ઉતરે?'

હવે તું જ બોલ શું તારા મમ્મી-પપ્પા તને પ્રેમ નથી કરતા?

દાદાજીએ તેમની હળવી શૈલીમાં પાર્થને તેના જીવનની વીતક કથા કહી સંભળાવી.

પાર્થ પર દાદાજીની વાત ની ઊંડી અસર થઈ. તેનું હૃદય પીગળ્યું તેના મન પર કંઈક અપરાધ કર્યાની ભાવના ઉદ્ભવી.
તેની આંખોમાંથી પશ્ચાતાપના આંસુઓ વહ્યા.


તે ગળગળો થતાં બોલ્યો--'દાદુ હું કેટકેટલું મારા માતા-પિતાને ખરાબ બોલી ગયો. હું બહુ ખરાબ છું દાદાજી.'

'બેટા ખરાબ માણસ નથી હોતો પણ તેના મનમાં પેસી ગયેલો વિચાર હોય છે. આજે દુનિયાની દોડધામમાં અટવાતો જીવ એટલો બધો દંભી અને સ્વકેન્દ્રિત થઈ ગયો છે કે બસ પોતાના સ્વાર્થ માટે જ વિચારે છે. જો માનવી અન્યોના પ્રેમને પારખવાની કળામાં પાવરધો બની જાય તો ઘણા અંશે આ દુનિયામાં નફરત અને ઈર્ષાનું પ્રમાણ નાબૂદ થઈ જાય.'

ગામડાના અભણ દાદાજી તેના શહેરી પૌત્ર માં જીવનભરના અનુભવોને નીચોવી નીકળતા સંસ્કારોનું સિંચન કરી રહ્યા હતા.

કેટલું મનમોહક દૃશ્ય હતું, ૧૭ વર્ષનો પૌત્ર નાના બાળકની પેઠે દાદાજી ને વળગી પડ્યો. ફરી પાર્થની આંખો પશ્ચાતાપના પાણીથી છલકી, જ્યારે દાદાજીની આંખોમાં ગર્વ અને ખુમારી પ્રગટી રહી હતી.

દાદાજી અને પુત્ર વચ્ચેના સંવાદો ને બારણાંની આડસમાં ઉભા ઘરડા દાદીમાં સાંભળી રહ્યા હતા અને સાડીના પાલવ વડે પોતાના આંસુ લૂછી રહ્યા હતા.

અને ત્યારે જ અચાનક વાવાઝોડાની પેઠે મનોહરલાલ એટલે કે પાર્થના પિતાજી આવી ચડ્યા.

'ના લાયક.... સાલા...... પાજી.... કોઈને પણ કહ્યા વગર ઘરેથી ચાલ્યો નીકળ્યો.તારા મમ્મી કેટલા દુઃખી છે એ તને કંઈ અંદાજ છે? સવારથી પાણીનો એક ઘૂંટ પણ ગળા નીચે નથી ઉતાર્યો.'--- પાર્થ ના પિતાજી તેને ધમકાવી રહ્યા હતા.


'ચાલ મારી સાથે ઘરે જઈ તને એવું તે પાઠ ભણાવું કે અમને છોડી ચાલી જતા તારા પગ જ ના ઉપડે.' - આ છેલ્લું વાક્ય બોલતાંજ મનોહરલાલ પણ તેની આંખોને ભીની થતા રોકી ન શક્યા. અને તે પાર્થ ને ખેંચી ચાલ્યા.

જતાં જતાં પાર્થે પાછળ ફરી નજર કરી. દાદાજીની આંખોમાં એ જ ખુમારી અને ગર્વ યથાવત હતા.
ખરા પ્રમાણમાં તે દાદાજી હતા.


---સમાપ્ત