Ek ajugato aabhas in Gujarati Short Stories by ક્રિષ્ના પારેખ_ક્રિયશ books and stories PDF | એક અજુગતો આભાસ

Featured Books
Categories
Share

એક અજુગતો આભાસ

નીતિનું ધ્યાન અર્થશાસ્ત્રની ચોપડીમાં વંચાઈ રહેલી નીતિઓ માંથી ભટકીને મોબાઈલ તરફ ગયું.
"અરે ! આટલા વાગે મીતનો મૅસેજ? હમણાં જ તો ગુડ નાઈટ કહીને સુવા પડ્યો હતો!" મૅસેજ વાંચીને નીતિએ મીતને રિપ્લાય કર્યો.
(બંન્નેની મૅસેજમાં થયેલી ચર્ચા)
નીતિ એ પૂછ્યું, "શું થયું મીત? હમણાં તો તમે સુવાની વાત કરતાં હતાં "
મીતે જવાબ આપતા કહ્યું, "હા, પણ હું રૂમમાં ગયો તો બધા ફ્રેન્ડ્સ ફરવા જવાનો પ્લાન બનાવી રહ્યા છે સળંગ ત્રણ-ચાર રજાઓ આવે છે અને આટલે આવ્યાં છીએ તો વિચાર્યું કે સાસણગીર જઈ જ આવીએ. પણ હું કન્ફ્યુઝ છું કે જાઉં કે ના જાઉં કારણકે અહીંયાના જુનિયર જ વધારે છે અને અમારા ગ્રુપનાં માત્ર બે-ત્રણ જણા જ તૈયાર થયાં છે. "
(મીત એક વેટરનરી મેડિકલનો સ્ટુડન્ટ હતો. છેલ્લાં વર્ષમાં હતો અને એટલે એને ઇન્ટર્નશીપ માટે જૂનાગઢ વેટરનરી કોલૅજમાં આવવાનું થયું હતું. )
નીતિ નહતી ઇચ્છતી કે મીત જાય, " ઑકે.. તો તમારી ઈચ્છા હોય તો જઈ આવો. પણ હું તો ના જ કહું છું હમણાં બે દિવસ પહેલા જ તમારી તબિયત સારી થઈ છે કેટલા બીમાર પડી ગયાં હતાં. "
મીતને જવા ના જવાની અસમંજસ હતી એ નક્કી નહોતો કરી શકતો કે જવું કે નહીં, "હા, એટલે જ મારી જવાની ઈચ્છા પણ થોડી ઓછી જ છે, પણ એક બાજુ એમ પણ થાય છે કે એટલે બધે આવ્યો છું હવે ફરી ખબર નહીં ક્યારે મેળ પડશે. "
"સારું, તો જઈ આવો. "નીતિએ જવાબ આપતા કહ્યું.
" જોવું છું હવે એતો. "

નીતિ અને મીત બંન્ને એક સ્કૂલમાં સાથે ભણતા હતાં બંન્ને ત્યારે તો એકબીજાથી એટલા પરિચિત નહતાં. મીત નીતિ કરતાં બે વર્ષ મોટો હતો. મીત એક તેજસ્વી વિદ્યાર્થી તો હતો જ સાથે સાથે ચિત્રો પણ ખુબજ સરસ બનાવતો હતો અને આ બધા કારણોથી સ્કૂલમાં મશહૂર પણ હતો. છેલ્લાં એક વર્ષથી મીત અને એનો પરિવાર નીતિની સોસાયટીમાં રહેવા આવ્યાં હતાં અને આઠ મહિનાથી બંન્ને પ્રેમ નામનાં સંબંધથી બંધાયા હતાં પ્રેમ કરતાં વધારે સારા મિત્રો પણ કહી શકાય. બંન્ને મોટાભાગે મૅસેજમાં જ વાત કરતાં જેથી ઘરનાં કોઈને શંકા ના જાય.

થોડીવાર બાદ ફરી મીતે નીતિને મૅસેજ કર્યો, "નીતિ હું જાઉં છું પણ યાર એક બાજુ ઈચ્છા નથી થતી પણ હવે રાજ, જય અને સચિન પણ જવાનાં છે તો હવે એમ કહે છે કે તું ચાલ જ. "
નીતિનું મન નહતું માનતું કે મીત જાય પણ હવે એને લાગતું હતું કે મીતને જવાની ઈચ્છા છે અને એટલે બધે ગયાં છે તો હવે જઈ આવે જો એ ના પાડશે તો એ કમને ના પાડશે અને એમ પણ મીતને પ્રાણીઓ પ્રત્યે ખુબજ લગાવ હતો એટલે જ એને વેટરનરી ફિલ્ડ પસંદ કર્યું હતું. નીતિએ જવાબ આપ્યો, "સારું તો તમે જઈ જ આવે હવે તમારી ઈચ્છા છે મને ખબર છે અને હવે તો તમારા ફ્રેન્ડ્સ પણ સાથે જઈ રહ્યા છે પણ બસ શર્ત એક જ કે તમારું ધ્યાન રાખજો.
આમ પણ હવે મારી એક્ઝામમાં હવે પાંચ જ દિવસ બાકી છે. "
"હા, મૅડમ હું તો ધ્યાન રાખીશ જ પણ તમારે આ વખતે આ ફાઇનલ એક્ઝામમાં ડિસ્ટીંકશન સાથે પાસ થવાનું જ છે અને પછી એમ બિલકુલ ના થવું જોઈએ કે મીતનાં લીધે માર્ક્સ ઓછા આવ્યાં મારું બિલકુલ નામ ના આવવું જોઈએ. "
"હા, મીત હું સારી રીતે તૈયારી કરી રહી છું. તમારે કાલે કેટલા વાગે નીકળવાનું છે? " નીતિએ જવા વિશે પૂછ્યું .
"બેટા..તું સૂતી હઈશ અને અમે નીકળી ગયાં હઈશું બહુ દૂર નથી પણ વહેલા નીકળવું છે. " મીતે પ્રેમની મીઠાશ ભેળવી જવાબ આપ્યો.
"સારું પણ મને એક મૅસેજ કરી દેજો પ્લીઝ, ચાલો હવે હું સુઈ જાઉં હવે. "
"હા ચાલો, સુઈ જા તું મારે પણ સુઈ જ જવું પડશે સવારે વહેલા ઉઠવાનું છે અને તું ટૅન્શન ના લઈસ હું તને મૅસેજ કરી દઈશ. "

બીજા દિવસે સવારે છ વાગે મીત એના ફ્રેન્ડ્સ સાથે નીકળ્યો. એ લોકોએ એક બૉલરો કાર ભાડે કરી હતી ફરવાં માટે. જયારે મીત નીકળ્યો ત્યારે યાદ કરીને નીતિને મૅસેજ કરી દીધો. બે કલાકમાં તો એ લોકો એક રેસોર્ટ સુધી પોંહચી ગયાં જ્યાં રહેવાનું હતું. બધા ફ્રેશ થઈને થોડું ફરવાં નીકળ્યાં. ત્યાં બધા ફોટા પડ્યાં. એમાંથી સૌથી સારા ફોટા તરત જ નીતિને સૅન્ડ પણ થઈ ગયાં. નીતિ સવારે ઉઠી અને મૅસેજ જોયા અને સાથે મીતનાં ફોટા પણ.
"ઓહો, શું વાત છે... એન્જોય ડીયર.. ગીર સફારી માટે ક્યારે જવાનાં? " નીતિએ પૂછ્યું.
મીતે ખુબજ ઉત્સુકતાથી જવાબ આપ્યો, "બસ હમણાં બાર વાગે જમીને નીકળીશું. "
"ઑકે.... પણ જંગલમાં તમારા પ્રાણીઓ જોડે જઈને મને ભૂલી ના જતા મૅસેજ કરતાં રહેજો. " નીતિ ખબર નહીં કેમ હજુ પણ મીતની ખુબજ ચિંતા થતી હતી.

બાર વાગ્યાં નીતિએ મીતને જમ્યો કે નહીં એનો મૅસેજ કર્યો પણ એનો કોઈ જવાબ ના આવ્યો. નીતિને થયું મિત્રો સાથે હશે એટલે રિપ્લાય નથી કરતાં અને હવે એ પણ હેરાન નહીં કરે મૅસેજ કરી કરીને. બારનાં બે વાગ્યાં હજુ સુધી મીતનો કોઈ જ મૅસેજ નહીં. નીતિ વારંવાર મોબાઈલ ચૅક કરતી હતી કે હજુ સુધી મીટનો કોઈ મૅસેજ કેમ ના આવ્યો. બે નાં ત્રણ અને ચાર પણ વાગી ગયાં હવે નીતિ મૅસેજ કર્યો કે, "મીત... તમને જંગલ એટલું બધુ ગમી ગયું કે મને હજુ સુધી એક પણ મૅસેજ નથી કર્યો. " નીતિને ખુબજ ચિંતા થવા લાગી હતી. હવે તો છ વાગી ગયાં હતાં. નીતિનું મન ખુબજ ગભરાતું હતું. અને એટલામાં એને કંઈક સાંભળ્યું.
નીતિની મમ્મી બહાર એમનાં પાડોશી સાથે વાતો કરતી હતી અને અચાનક સોસાયટીમાં કંઈક ખળભળાટ થયો. ત્યારે એની મમ્મીએ બાજુમાં રહેતા બહેનને પૂછ્યું કે શું થયું. ત્યારે એમણે કહ્યું કે, "આ આપણી સોસાયટીમાં પેલા સંગીતાબેન છેને એમનો છોકરો મીત, એ ઇન્ટર્નશીપ માટે જૂનાગઢ હતો તો ત્યાં બધા ભાઈબંધ ફરવાં ગયાં હતાં તો ત્યાં એમની ગાડીનો એક્સિડેન્ટ થયો એમાં એના એક ભાઈબંધએ તો ત્યાં જ દમ તોડી દીધો અને એ બિચારાની હાલત ખુબજ ગંભીર છે. બિચારા સંગીતાબેન....કેટલું રડી રહ્યા છે આવો તેજસ્વી જુવાનજોધ છોકરાની આવી હાલત થાય એટલે.... "

નીતિનાં તો પગતળેથી જમીન જ ખસી ગઈ. ભગવાનને પ્રાર્થના કરવા લાગી રીતસર ભીખ માંગવા લાગી કે, "પ્રભુ બીજું કઈ પણ ક્યારેય નહી માંગુ મારાં મીટનો જીવ બચાવીલે.... મહેરબાની કર મારાં પર.... "

થોડીવારે નીતિની મમ્મી અંદર આવી અને કહ્યું, "નીતુ...તારી સ્કૂલનો પેલો છોકરો હતોને આપણી સોસાયટીમાં રહેવા આવ્યાં હતાં એનો એકસિડેન્ટ થયો એ લોકો ફરવાં ગયાં હતાં અને એને હોસ્પિટલ લઇ જાય એ પહેલા જ એ...."
"શું.......... મમ્મી પણ તારી હમણાં તો વાત થઈ કે એની હાલત ગંભીર છે... તો એ...." નીતિને રીતસર ફાળ પડી હતી.
"હા... એતો એનાં પરિવારને ત્યાં પહોંચે ત્યાં સુધી થોડી આશ રહે એટલે એમ કહ્યું હતું બાકી એનું પ્રાણ પંખેરું તો ક્યારનું ઉડી ગયું હતું... "
નીતિને જોર જોરથી રડવું હતું પણ રડી શકે એમ નહતી. પણ આંખમાંથી એના આંસુ એ રોકી ના શકી અને ટપ ટપ પાણી તો નીકળી જ ગયું .

અચાનક નીતિને કંઈક યાદ આવ્યું. હમણાં એક અઠવાડિયા પહેલા મીતનો મૂડ ખુબજ ખરાબ હતો અને જયારે નીતિએ એને પૂછ્યું કે શું થયું ત્યારે મીતે કહ્યું હતું કે, "નીતિ, એક ખુબજ ખરાબ સપનું આવ્યું હતું કે હું ત્યાં તારા ઘરે આવ્યો ત્યાં બેઠો તું મને ઓળખતી જ નહતી મેં કહ્યું કે હું મીત પણ તું સાંભળતી પણ નહતી મને જાણે મારો અવાજ જ તને ના સંભળાતો હોય...એટલામાં આંટી અંદર આવ્યાં એ બહાર બધા સાથે વાતો કરતાં હતાં એ પણ જાણે મારો અવાજ નહોતા સાંભળી શકતાં. તું કંઈજ બોલતી નહતી મને ઓળખતી પણ નહતી તો હું રડતો રડતો ત્યાંથી ચાલ્યો ગયો." ઠીક એના એક બે દિવસ પછીથી નીતિને પણ એક અજીબ ગભરામણ થતી હતી જાણે કઈ થવાનું હોય અને એટલે એ નહતી ઇચ્છતી કે મીત ફરવાં જાય.

આ વાત યાદ આવતાની સાથે જ નીતિ એ પોતાની આસપાસનું વાતાવરણ જોયું અને વિચાર્યું તો સાંજ જ હતી, એની મમ્મી બહાર પાડોશી સાથે વાત કરીને અંદર આવી હતી...અને એને સતત કંઈક અજુગતું થવાનો આભાસ... આ બધું જ કદાચ કુદરતનાં સંકેત હતાં એવુ એને લાગ્યું એને એવો આભાસ પણ થતો હતો કે મીત એની સામે જોઈ રહ્યો છે અને કહી રહ્યો છે કે નીતિ તારી પરીક્ષા છે અને ઓછા માર્ક્સ ના આવવા જોઈએ અને એ પણ મારાં લીધે..

નીતિ એ રાત્રે ખુબજ રડી એની આંખો સુકાતી જ નહતી. બીજે જ દિવસથી નીતિ પરીક્ષાની તૈયારી માં લાગી ગઈ. એના દરેક પપેર્સ સારા જઈ રહ્યા હતાં. દરેક પળે એ સતત મીતને પોતાની આસપાસ મેહસૂસ કરી શકતી હતી. એ ઢીલી પડવા નહતી માંગતી. એને મીતનાં હોવાનો અહેસાસ હિંમત આપી રહ્યું હતું. એમ જોતજોતામાં જ નીતિની પરીક્ષાનો છેલ્લો દિવસ પણ આવી ગયો એ કોલૅજ જવા નીકળતી હતી ત્યાં મીતનાં ઘર આગળ એના બારમાંની વિધિની તૈયારીઓ ચાલી રહી હતી. નીતિ મીતનાં બહાર એક ટેબલ પર રહેલા મીતનાં ફોટા સામે નજર નાંખીને ઝડપથી ત્યાંથી નીકળી ગઈ.
પેપર પૂરું થવામાં અડધા કલાકની જ વાર હતી અને અચાનક જ નીતિને જાણે એક અવાજ સંભળાયો.. નીતુ તારું ધ્યાન રાખજે હવે મારે જવું પડશે... અને નીતિની પેન ત્યાંજ અટકી ગઈ અને આંખમાંથી અશ્રુધારા વહી ગઈ.