Discovery - the story of rebirth - 25 in Gujarati Fiction Stories by Chintan Madhu books and stories PDF | શોધ – પુર્નજન્મની ગાથા – પ્રકરણ – ૨૫

Featured Books
Categories
Share

શોધ – પુર્નજન્મની ગાથા – પ્રકરણ – ૨૫

સાંજના ૦૪:૩૦ કલાકે, મૈસુર પેલેસ

‘જુઓ ૦૫:૩૦ કલાકે પેલેસ મુલાકાતીઓ માટે બંધ થઇ જશે. ત્યાં સુધી આપણા માટે પેલેસની નીચે રહેલી પાઇપલાઇનમાં જવું અશક્ય છે. માટે... ત્રિપરીમાણીય ચિત્રોવાળી પરસાળમાં બધા મળીશું.’, ઇશાને બધાને જણાવ્યું.

ઇશાન જાણતો હતો, કે પેલેસમાં મુલાકાતીઓની અવરજવર દરમ્યાન પાઇપલાઇન સુધી જવું મુશ્કેલ હતું. તેમજ થોડા ઘણા ગાર્ડ, જે તેની નજરમાં આવ્યા હતા, તેમનાથી પણ બચીને કાર્ય પૂરુ કરવાનું હતું. આથી તેણે દરેકને વિખુટા પડવાની, તેમજ પેલેસના મુલાકાતીની જેમ પેલેસમાં ફરવા માટે સૂચવ્યું, તેમક દરેકે પેલેસ બંધ થયા બાદ નક્કી કરેલી જગા પર મળવાનું નક્કી કર્યું.

‘ના, તું ભાગી ગયો તો...’, પરેશે ઇશાનનો હાથ પકડ્યો.

‘હું, ક્યાંય નહિ જવું. વિવેક, સુનિતા અને તમે સાથે રહો. શ્યામા, ભાટિયા અને હું સાથે રહીશું. બોલો, હવે બરોબર છે?’, ઇશાને હાથ છોડાવ્યો.

‘પરેશ... ડોન્ટ વરી... હું ઇશાનનું ધ્યાન રાખીશ, તમે સુનિતાને સાચવજો.’, શ્યામાએ આંખોના ઇશારાથી પરેશને વાત સમજાવવાનો પ્રયત્ન કર્યો.

‘સારૂ, મળીએ ૦૫:૩૦ કલાકે... ચાલો સુનિતાબેન...’, પરેશ નાખુશ થયો.

‘ચિંતા નહિ પરેશભાઇ, ઇશાનની ભાગીદાર તો આપણી પાસે છે, તો ખજાનો ક્યાંય નહિ જાય.’, છુટા પડતાની સાથે જ વિવેકે પરેશને કહ્યું.

‘હું કોઇ ભાગીદાર નથી.’, સુનિતા વિવેક પર ગુસ્સે થઇ.

‘ઓહો... ગુસ્સા, ભાઇ! ભાગીદાર નહિ તો પ્રેમી…’, વિવેકે ટીખળને ગતિ આપી.

‘યુ ઇડિયટ, એક વાર કહ્યું ને, ના તો ભાગીદાર; ના તો પ્રેમી.’, સુનિતાએ પાણીની બોટલ વિવેકના ખભા પર મારી.

મજાક મસ્તી કરતા કરતા તેઓએ ફરીથી દરબારગૃહની મુલાકાત લીધી. દરેક સ્તંભના અવલોકનમાં ત્રણેય ખોવાયા.

‘કારીગરી તો જુઓ, પરેશભાઇ...! આટલા બધા સ્તંભને તે સમયમાં એકસરખા તૈયાર કરવા અને આટલી બારીકાઇથી... અદ્દભૂત...!’, સુનિતા પરેશની નજીક આવી, ‘તમે શું તપાસી રહ્યા છો?’

‘વિવેક ક્યાં છે?’, પરેશે ચોતરફ તપાસ્યું, ‘વિવેક... વિવેક...’

સુનિતાએ પરેશના હાથમાં તે જ દર્પણ નિહાળ્યો, જેની પાછળની પંક્તિ તેમણે ઉકેલી હતી, ‘વિવેક પાણીની બોટલ ખરીદવા ગયો છે. શું થયું? મને તો કહો.’

‘તારા માટે કંઇ પણ જાણવા જેવું નથી.’, પરેશે તે દર્પણને સાથે લીધો.

એટલામાં જ ગાર્ડ આવી પહોંચ્યો, ‘હેલો, શ્રીમાન! આ પેલેસની ચીજ છે. મહેરબાની કરીને તેને મને સોંપી દો અને તમે ચૂપચાપ પેલેસની બહાર નીકળી જાઓ. નહીતર તમારા પર કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.’

પરેશે દર્પણ આપવા માટે નનૈયો ભણ્યો. તેણે બને તેટલી તાકાતથી દર્પણ ગાર્ડના હાથમાં જતું બચાવવા જહેમત ઉઠાવી.

‘પરેશભાઇ! આપી દો. આપણે શું કરવું છે?’, સુનિતાએ પરેશને સમજાવ્યો.

‘યુ... ફ્રોડ! દ્રોહી... આટલો મોટો દગો...’, પરેશના શબ્દો અટકી ગયા.

ગાર્ડે પરેશના શિર પર ઇજા પહોંચે તે રીતે પાછળથી વાર કર્યો, અને પરેશ ત્યાં જ ઢળી પડ્યો. સુનિતા અને ગાર્ડે મળીને પરેશના બેભાન તનને દરબારગૃહના એક સ્તંભ પાછળ છુપાવી દીધો.

વિવેકને પેલેસના ગાર્ડ અને સુનિતા સાથે આવેલા અને સવારથી જ પેલેસની બહાર પ્રતિક્ષા કરી રહેલા ઇંસ્પેક્ટર વિજયે પ્રવેશદ્વાર પાસે જ જકડી લીધો. સુનિતાને વિજયે ફોન કરી ઇશારો આપી દીધો. સુનિતાએ દર્પણને તોડી ફેંકી દેવાની સુચના ગાર્ડને આપી.

૦૫:૩૦ થવાની તૈયારી હતી. મુલાકાતીઓ બહાર નીકળવા લાગ્યા હતા. આ ભીડમાં પરેશને તે જ અવસ્થામાં સુનિતાએ ગાર્ડની મદદથી રવાના કરી દીધો.

સુનિતા ગણગણી, ‘હવે વારો છે, બાકીના મિત્રોનો...’, હાથ ખંખેર્યા.

*****

ઇશાન, શ્યામા અને ભાટિયાએ પણ સમય પસાર કરી દીધો.

‘ઇશાન, આપણે બધાને ત્રિપરીમાણીય ચિત્રોવાળી પરસાળમાં મુલાકાત માટે કેમ કહ્યું?’, શ્યામાએ તે પરસાળ બાજુ જતા જતા પૂછ્યું.

‘તે, તને; હમણાં ખબર પડી જશે.’, ઇશાન પૂરી વાત કર્યા વિના ચાલતો રહ્યો.

તેઓ પરસાળમાં પહોંચી ચૂકેલા. સુનિતા પણ આવી ગઇ. પરંતુ તે એકલી હતી.

‘પરેશ અને વિવેક ક્યાં છે?’, ભાટિયાએ સુનિતા સામે જોયું.

‘ભાટિયાજી... તેઓને પેલેસના ગાર્ડ દ્વારા પેલેસ બંધ થવાના કારણે બહાર મોકલી દેવામાં આવ્યા છે. હું ગાર્ડની નજરથી બચીને અહીં સુધી પહોંચી છું. ’, સુનિતાએ હાથ હલાવતા હલાવતા જવાબ આપ્યો. તેને પોલીસ ટ્રેનીંગ કામ લાગી. અત્યંત આતમવિશ્વાસથી જવાબ આપ્યો. બધાને તેની વાત પર વિશ્વાસ બેસી ગયો.

‘હશે, આપણી પાસે થોડોક જ સમય છે. પેલેસ બંધ થતાની સાથે ગાર્ડ સંપૂર્ણ પેલેસમાં લટાર લગાવતા હોય છે. તે પહેલા આપણે અહીંથી નીકળી જવું પડશે.’, ઇશાને સુનિતાની સામે જોયું અને શ્યામા તરફ નજર ઘુમાવી.

‘હા! ઝડપ કરો.’, ભાટિયાએ ઇશાનની વાતને સમર્થન આપ્યું.

દશેરાની ઉજવણીના ત્રિપરીમાણીય ચિત્ર પાસે ઇશાન રોકાઇ ગયો. તેણે આસપાસ ચકાસણી કરી. તેણે ભોંય પણ તપાસી. કંઇ હાથ લાગ્યું નહિ. તેની નજર પિત્તળના બનેલા ત્રણ ગોળકાર રચના પર પડી, જેને ભોંય સાથે જડી દેવામાં આવેલા. સામાન્ય રીતે જ્યારે છુપી રીતે વિદ્યુતના તાર ગોઠવવામાં આવ્યા હોય ત્યારે કોઇ સમારકામ અર્થે અમુક ચોક્કસ અંતરે લગાવવામાં આવતા. જેથી તેને ખોલી, તારને બહાર કાઢી, સમારકામ કરી, ફરી બંધ કરી દેવામાં આવતા.

‘શું થયું? ઇશાન... શું તપાસે છે?’, શ્યામાએ ભોંય પર બેઠેલા ઇશાનના ખભા પર હાથ મૂક્યો.

‘તે કંઇ અજુગતું જોયું નહિ?’, ઇશાને ભોંય તરફ નજર રાખીને જ કહ્યું.

‘ના તો... શું છે?’

‘અહીં જુઓ, સામાન્ય અવસ્થામાં વિદ્યુતતારને પસાર કરવા માટેની કતારમાં આવતા અને જતા, બે માર્ગ અર્થે બે જ સીલ હોવા જોઇએ. જ્યારે અહીં ત્રણ છે… ત્રીજા સીલનું કામ શું છે? તે જ હું ચકાસી રહ્યો છું અને મેં જોયું કે ત્રીજા સીલ પર રત્નમારૂ કોતરેલ છે...’, ઇશાને સીલ પર મોબાઇલની બેકલાઇટથી પ્રકાશ ફેંક્યો.

‘અરે... હા! હું ખુબ પ્રસન્ન થઇ... આનો અર્થ બોલ ઝડપથી.’, શ્યામા ઇશાન પર ગુસ્સે થઇ.

સુનિતા અને ભાટિયા બધું મૂક પ્રેક્ષકની જેમ નિહાળી રહ્યા હતા.

‘હવે યાદ કરો, છેલ્લી પંક્તિઓ – ધરતીને ડૂબાડતો દરિયો... એટલે કે વિશ્વનો નાશ... કોણ કરશે?’, ઇશાને વિષ્ણુના અવતાર સાથે સંકળાયેલ ઉખાણું યાદ કરાવ્યું.

‘વિશ્વનો નાશ કરશે, શ્રીવિષ્ણુનો અંતિમ અવતાર... કલ્કિ અવતાર... અને તેની પાસે શિવ ભગવાને અર્પણ કરેલ તલવાર, એક પોપટ અને શ્વેત ઘોડો હશે... આવું પૂરાણ કહે છે.’, સુનિતાએ ઇશાન તરફ ધારીધારીને જોયું.

‘યસ... અને તે તલવારનું નામ...’, ઇશાન અટક્યો.

‘રત્નમારૂ’, સુનિતાને ઇશાનની વાત પૂરી કરી.

‘એટલે અંતિમ ઉખાણાનો જવાબ અહી મળશે.’, ભાટિયાએ ચર્ચામાં ભાગ લીધો.

‘હા... જવાબ મળ્યો કે નહિ તે રત્નમારૂ કંડારેલ સીલને દબાવીએ એટલે ખબર…’, ઇશાને સીલ પર દબાણ આપ્યું.

સીલની પાસે લગાવેલી સફેદ, નારંગી અને કોફી રંગનું મિશ્રણ ધરાવતી મોઝેઇક ટાઇલ્સના સ્તરો ખસવા લાગ્યા. ઇશાન તીવ્ર ગતિથી પાછળ ખસી ગયો. પળવારમાં તો ટાઇલ્સના સ્તર ખસી ગયા અને ભોંયતળીયા તરફ જવાનો માર્ગ ખૂલી ગયો.

‘મને પગરવનો અવાજ સંભળાઇ રહ્યો છે.’, સુનિતાએ અવાક બની ગયેલા ત્યાં હાજર બધાનું ધ્યાન દોર્યું.

‘સિક્યોરીટી ગાર્ડ આવતા હશે. પેલેસની લટાર માટે, ઝડપ કરો અને નીચે ઉતરો.’, ઇશાને કહ્યું.

ચારેય ઝડપથી નીચેની તરફ જવા માટે ભોંયતળીયા તરફ જવા માટે બનાવેલા પગથીયા ઉતરવા લાગ્યા. સૌથી પાછળ હતો ઇશાન. નીચેની તરફ ઉતરતા જ તેણે રત્નમારૂ લખેલ સીલ ફરીથી દબાવ્યું, અને ટાઇલ્સ પોતાની મુખ્ય જગા પર ગોઠવાઇ ગઇ. માર્ગ બંધ થઇ ગયો. ક્ષણવારમાં જ તેઓને ઉપરથી ગાર્ડના ચાલવાનો આવજ સંભળાયો. પ્રકાશ આવી શકે તે માર્ગ બંધ થઇ ચૂક્યો હતો. ઇશાને તેના મોબાઇલની બેકલાઇટ ફરીથી ચાલુ કરી અને થોડો પ્રકાશ પગથીયા પર પાડ્યો, જેથી તેઓ નીચેની તરફ જઇ શકે. ધીમે ધીમે અને જાતને સંભાળતા સંભાળતા બધા નીચેની તરફ આવ્યા. અમુક તૂટેલા પગથીયા, અમૂકને કાટ લાગી ગયેલો, વજન પણ ઝીરવી ન શકે તેવા પણ પગથીયા હતા. જેમતેમ કરીને તેઓ નીચે સુધી પહોંચવા લાગ્યા. સુનિતાએ રાહતનો શ્વાસ લીધો. શ્યામા છેલ્લા પગથીયા પર લપસી પડી. ભાટિયાને સુનિતાએ હાથનો ટેકો આપ્યો. ઇશાન બધાની પાછળ હોવાને લીધે નીચે પહોંચે તે પહેલા, જ છેલ્લા ચાર પગથીયા તૂટી ગયા, જેથી તેણે કૂદકો લગાવ્યો અને ભોંય પર પટકાયો. તેના કારણે તેના હાથમાં દુખાવો ચાલુ થઇ ગયો. ફોન હાથમાંથી પડી ગયો. સુનિતાએ ફોન ઉપાડ્યો અને તેની પાસે જ રાખી, ચોતરફ પ્રકાશ ફેંકી આસપાસ ચકાસવા લાગી.

‘વિવેક અને પરેશ, અહીં સુધી કેવી રીતે પહોંચશે?’, ભાટિયાએ સુનિતાની તરફ ઇશારાથી પાણીની બોટલ માટે હાથ લંબાવ્યો.

‘ભૂલી જાવ એમને, આપણે જ ખજાનો શોધી નાંખીશું. તેમની પાસે કોઇ માર્ગદર્શન નથી અહીં આવવા માટે.’, સુનિતાએ બોટલ આપી.

‘ક્યાં છીએ આપણે?’, શ્યામાનો અવાજ સંભળાયો.

‘આપણે લગભગ પચાસેક પગથીયા ઉતર્યા. મારી ગણતરી મુજબ પેલેસથી આશરે ૯ થી ૧૦ મીટર નીચે છીએ.’, ભાટિયાએ ગણિત સમજાવ્યું.

‘હવે કઇ તરફ ઇશાન?’, શ્યામાએ સુનિતા પાસેથી મોબાઇલ લીધો અને પ્રકાશ ઇશાન તરફ ફેંક્યો.

‘મને મોબાઇલ આપો.’, ઇશાને શ્યામા પાસેથી મોબાઇલ લીધો.

ઇશાને છત પર પ્રકાશ ફેંક્યો અને દરેકને અવલોકન કરવા જણાવ્યું. પ્રત્યેક સભ્યએ છત પર નિરીક્ષણ કરવા લાગ્યા. અચાનક સુનિતાનો અવાજ આવ્યો, ‘થોભ... ઇશાન...’

‘કેમ?’

‘પ્રકાશ થોડો પાછળની તરફ ફેરવ...’

ઇશાને સુનિતાના કહ્યા મુજબ કર્યું.

‘બસ... અહીં જ’

‘પોપટ...’, શ્યામા બોલી પડી.

‘યસ... પોપટ... કલ્કિની નિશાનીઓમાંની એક “શુકો”...’, સુનિતાએ ઇશાનના ખભા પર હાથ મૂક્યો.

‘તેને જે દિશા તરફ ઉડતો દેખાડ્યો છે, તે તરફ જ આપણે જઇશું.’, ઇશાને બધાને સુચના આપી.

દરેકે ઇશાનના માર્ગદર્શન હેઠળ નક્કી કરેલ દિશા તરફ ચાલવાનું શરૂ કર્યું.

*****

અંધારમય માર્ગમાં કંઇ જ દેખાતું નહોતું. એક બેકલાઇટના સહારે જ બધા આગળ વધી રહ્યા હતા. શ્યામાનો પગ ફસડાયો અને તે ઇશાનની પીઠ સાથે અથડાઇ. અચાનક આવેલ ધક્કા ને કારણે ઇશાન આગળની તરફ પટકાયો. તેના ચહેરા પર પાણીનું આવરણ ચડી ગયું અને એ પણ કાળું પાણી. ઊભા થઇ તેણે ચહેરો સાફ કર્યો. શ્યામા તરફ અણગમો વ્યકત કર્યો. શ્યામાએ કાન પકડી માફી માંગવાનું નાટક કર્યું.

‘ઇશાન! ઝડપથી, અહીં આવ’, સુનિતાનો અવાજ ઇશાન અને શ્યામાના કર્ણપટલ સાથે અથડાયો.

‘અવાજ, તારી જમણી તરફથી આવ્યો હોય એવું લાગે છે...’, શ્યામાએ અનુમાન લગાવ્યું.

‘હા, તે તરફ આછો પ્રકાશ પણ છે... ત્યાં જ હશે...’, ઇશાને પ્રકાશ તરફ જવા પગ ચલાવ્યા.

બન્ને એકબીજાના હાથનો સહારો લઇ ધીરે ધીરે પ્રકાશ આવતો હતો તે દિશા તરફ આગળ વધ્યા. સુનિતા અને ભાટિયા પ્રકાશની પૂંજ પાસે જ ઊભા હતા. ઇશાને ગતિ પકડી અને પૂંજ પાસે આવીને જોયું કે સંપૂર્ણ કાળી દિવાલ પર ચકમકતા શ્વેત ઘોડાનું ચિત્ર બનેલું હતું અને એ પણ ત્રિપરીમાણ્વીય, જે તરફથી જુઓ, ઘોડો તે દિશામાં જોતો હોય તેવું પ્રતીત થાય. કિરણપૂંજ આવી રહી હતી, ઘોડાની આંખમાંથી, પરંતુ તેનાથી અજવાળું ઘણી ખરી માત્રામાં ફેલાઇ રહ્યું હતું.

‘સુનિતા! શું કહેવું છે?’, ભાટિયા ગણગણ્યો.

‘પૂરાણ મુજબ કલયુગના અંતમાં વિષ્ણુના અવતાર તરીકે અવતનાર કલ્કિની ત્રીજી નિશાની છે, શ્વેત ઘોડો, દેવદત્ત – અને તે આ જ છે.’ સુનિતાએ ઇશાન સામે જોયું.

‘મને કેમ એવું લાગે છે કે આ બધું તબક્કાવાર ગોઠવવામાં આવ્યું છે.’, ભાટિયાએ ઇશાન તરફ ઝીણી આંખો કરી નજર નાંખી.

‘ડેડ, શું કહો છો તમે?’, શ્યામા ભાટિયાની નજીક આવી.

‘હા!, બેટા, તું - આપણે જ્યારથી પેલેસમાં આવ્યા ત્યારથી બધી ગતિવિધીઓ ક્રમવાર યાદ કર... બધા જ તબક્કાઓના જવાબ ઇશાન અને સુનિતાએ જ આપ્યા છે, તેમજ અમુક જ્ગ્યાએ તેમણે આપણા મુખે પણ થોડો ઘણો અંદાજ લગાવડાવ્યો, એટલે આપણને એવો અનુભવ થાય કે આપણે પણ તેમની સાથે એકસમાન મહેનત કરી રહ્યા છીએ.’, ભાટિયાએ ઇશાન સામે તાકે રાખ્યું.

‘અરે... ભાટિયાજી, એવું કંઇ નથી, જે તમે માનો છો...’, સુનિતા ભાટિયાની નજીક જવા આગળ આવી.

‘ત્યાં જ ઊભી રહેજે...’, ભાટિયાએ તેના કોટન ટ્રાઉઝરમાંથી નાનકડી ગ્લોક ૨૬, ૯મીમી ગન નીકાળી અને સુનિતા તરફ તાકી.

‘ઇશાન! આ બધું શું છે? ડેડ કહે છે તે સાચું છે? બોલ.’, શ્યામા ભાટિયાની પાસે જમણી તરફ ઊભી રહી.

‘હા, ભાટિયાનું અનુમાન અને અંદાજ બરોબર નિશાના પર વાગ્યા છે.’, ઇશાનના હોઠ પર લુચ્ચા સ્મિતની ઝલક દેખાઇ.

‘આઇ નો ઇટ...! વિવેક અને પરેશને પેલેસના ગાર્ડે બહાર નીકાળ્યા અને તું નજર બચાવીને પહોંચી, બસ ત્યાં જ મારા શકને પૂરાવો મળી ગયો વિશ્વાસ બનવા માટેનો.’, ભાટિયાએ સુનિતાને ઇશાનની પાસે જઇ ઊભા રહેવાનો ઇશારો કર્યો, ‘આટલુ મોટું નાટક કેમ કર્યું? સીધેસીધા કહી દીધું હોત કે તને કંઇ ખબર જ નથી, તો આટલો બધો સમય વેડફાત નહિ.’

ઇશાને તાળી પાડી, ‘ભાટિયાજી, તમારી બુદ્ધિ તમારી દીકરી કરતાં તો વધુ જ છે, આઇ એમ ઇમ્પ્રેસ્ડ...હવે કાન ખોલો તમારા સવાલના જવાબ માટે...’, ઇશાને મુખ પર હાથ ફેરવ્યો, ‘ભાટિયાજી, તમે ક્યારેય સમડીને સાપનો શિકાર કરતા જોઇ છે?’

‘આ શું મૂર્ખામીભર્યો પ્રશ્ન છે? ખજાનો ક્યાં છે? એટલું જ બોલ’, ભાટિયા ગુસ્સે થયો.

‘બોલો, તો ખરા...’

‘ના, નથી જોઇ.’

‘ત્યાં જ તમે થાપ ખાઇ ગયા. સમડી કોઇ દિવસ સાપનો શિકાર જમીન પર નથી કરતી. તે સાપને પકડીને હવામાં ઊંચાઇ પર લઇ જાય છે. ત્યાંથી છૂટો મૂકી દે છે. હવામાં સાપનું કોઇ વર્ચસ્વ નથી, તે ઝૂલતો રહે છે, કંઇ કરી શકતો નથી અને તે જ હવા સમડીની ક્ષમતાનો વિસ્તાર છે, માટે સમડી આરામથી સાપનો શિકાર કરી શકે છે.’, ઇશાને સમજાવ્યું.

‘તું મારી ધીરજની પરીક્ષા લઇ રહ્યો છે, ઇશાન. મારી દીકરીએ કરેલી હત્યાઓ અને આટલા વર્ષોની અમારી તપસ્યા ખજાનારૂપી વરદાન સુધી પહોંચે નહિ, તો અમારી સાથે સાથે તને પણ જીવવાનો કોઇ હક નથી.’, ભાટિયા અકળાવા લાગ્યો.

ઇશાન મલકાયો, ‘હજી તમે સમજ્યા નહિ, ડૉ. ભાટિયા સર, આ રમતમાં તમે સાપ છો અને હું સમડી, અને અત્યારે તમે મારા શિકાર સાપની જેમ હવામાં છો, કંઇ કરી નહિ શકો.’

‘તું ભૂલે છે, ગન મારા હાથમાં છે અને મને ગોળી ચલાવવામાં વાર નહિ લાગે.’, ભાટિયાએ ગન ઇશાનના કપાળ પર તાકી.

‘હથિયાર કોની પાસે છે તે મહત્વનું નથી, તે ચલાવતા પહેલાં જ તમને ભાન થઇ જશે કે તમે ફસાઇ ચૂક્યા છો....’, સુનિતા વચ્ચે પડી.

‘તું પણ...’, શ્યામા અવાક બની ગઇ.

‘હા, દીકરી, આ બન્ને એક જ છે... આપણને સવારથી પેલેસમાં દોડાવી રહ્યા છે. મને શંકા ત્યારે ગઇ જ્યારે દરબારગૃહમાં દર્પણની પાછળનું લખાણ નિહાળ્યું. બાકી બધામાં તેઓએ ચાલાકી બતાવી, પણ ઘણો હોશિયાર ખેલાડી પણ, શતરંજમાં એક ખાનું ભૂલી જાય છે, તેમ જ આ બન્ને એક ખાનું ભૂલ્યા. દર્પણની પાછળનું લખાણ એકદમ તાજું હતું, કોઇ પણ રીતે તેને તમે પૂરાણા લખાણ સાથે મેળવી ન શકો...’, ભાટિયા ઇશાન સામે જોઇ મલકાયો, ‘કેમ, ઇશાન?’

‘તો પછી, તમે તે વખતે જ કેમ રોક્યા નહિ?’, શ્યામાએ ભાટિયા તરફ નજર નાંખી.

‘મારે જોવું હતું કે ઇશાન ક્યાં સુધી આપણને રમાડે છે... બસ અને હવે અંતનો સમય...’, ભાટિયાએ બંદૂક ચલાવવા તેની કળ પર થોડું દબાણ આપ્યું.

‘એક મિનિટ, ભાટિયાજી, પહેલાં આ દેવદત્તની આંખોના પ્રકાશનો અભ્યાસ તો કરી લો.’, ઇશાન હસવા લાગ્યો અને તેણે ઘોડાની આંખ આંગળીથી દબાવી.

ઘોડાની આંખ દબાતાની સાથે જ ચોતરફની દિવાલો ખસવા લાગી. બધી જ તરફ પતરાના બનેલા દરવાજા હતા. જેમ જેમ દરવાજા ઉપરની તરફ ખસતા ગયા તેમ તેમ પ્રકાશની તીવ્રતા વધતી ગઇ, અને અંધારાના આવરણને દૂર કરી પ્રકાશનું વાદળ છવાઇ ગયું. ચોતરફ પોલીસ હતી અને આગેવાન હતો ઇંસ્પેક્ટર વિજય.

‘આખરે તમે જાળમાં ફસાઇ ગયા...’, વિજયે ભાટિયાની સામે બંદૂક તાકી.

‘એટલું ખુશ થવાની જરૂર નથી, જો હું નહિ તો તમે કોઇ પણ નહિ.’, ભાટિયાએ ગ્લોક ૨૬ની કળ દબાવી દીધી.

વિજયે પણ ગોળી ચલાવી, વાતાવરણમાં બે ગોળી ચાલવાનો અવાજ ગુંજવા લાગ્યો.

*****