છેલ્લે આપણે જોયું કે રાઘવ, વિરાજ અને જેક મિલીના ફ્લેટ પર જાય છે. રાઘવ મિલીને પોતાના મિશનમાં શામેલ કરવા માંગે છે. મિલીના ફ્લેટ પર રાઘવને મેરીનો ભેટો થાય છે. જેને જોઈને રાઘવ ચોંકી જાય છે. એટલામાં ડોરબેલ વાગે છે.
હવે આગળ......
********
ડોરબેલનો અવાજ સાંભળી રાઘવ, વિરાજ, જેક અને મેરીના મનમાં એકસરખા ભાવ ઉદ્ભવે છે. એ ચારેય જણ અહીં કોઈ સારા કામ માટે ભેગા નહતા થયા. એમનું કામ એમના દેશ માટે ભલે ગમે તેટલું સારૂ કે અગત્યનું હોય, અહીં તેઓ કાયદા વિરુદ્ધ કામ કરતાં હતાં. માટે દરેકના મનમાં એક ભય હતો.
મેરીને અત્યાર સુધી તો કોઈ તકલીફ નહતી પડી, પણ અચાનક રાઘવને અહીં આ સમયે આવવું અને તેની પાછળ જ ફરી કોઈ અડધી રાત્રે આવે એ કોઈ શુભ સંકેત તો નહતા.
રાઘવ, વિરાજ અને જેક પણ વિચારમાં પડ્યા. તેઓ અહીં આવ્યા ત્યારે પૂરી બિલ્ડિંગમાં કોઈ ચહલ પહલ નહતી. બહાર રસ્તો પણ એકદમ સૂમસામ હતો. તેઓ આવ્યા ત્યારે દૂર દૂર સુધી એકપણ માણસ કે વાહન દેખાતું નહતું. તો શું તેમના આવવાની જાણ પહેલાથી જ કોઈને હશે? તેમના માટે કોઈ જાળ બિછાવવામાં આવી હશે? અને જો એવું હોય તો એ ખૂબ ખતરનાક હતું. આવનાર વ્યક્તિ કદાચ એકની જગ્યાએ પૂરી ટીમ હોય તો? તેઓ અહીં જ બધાનો ખેલ ખલ્લાસ કરી નાખે તોપણ તેમને પૂછવા વાળુ અહીં કોઈ
હતું નહીં?
રાઘવે મેરી સામે જોયું,કારણ કે એ તેમની અસલિયત જાણતી હતી. તો રાઘવ પણ મેરી વિશે જાણતો હતો. દરવાજે જો કોઈ અજાણ્યું આગંતુક હોય, તો તેને કેવી રીતે સંભાળવું એ મેરી સારી પેઠે જાણતી હતી.
મિલી માટે આજની રાત નવાઈ વાળી હતી. પહેલાં જેક કોઈ બે અજાણ્યા ભારતીયોને લઈ અડધી રાત્રે તેને મળવા આવ્યો, વળી તેમનું કામ પણ એવું જ! જેના વિશે એ હજુ જાણતી નહતી અને હવે વળી કોઈ નવુ આ સમયે! કોણ હશે?
મિલી દરવાજો ખોલવા ઊભી થઈ, પરંતુ મેરીએ તેને ફરી બેસવા કહ્યું, "જેક આવ્યો છે, તો તું બેસ. દરવાજો હું ખોલી આવું." કહેતી મેરી ઝડપથી દરવાજા તરફ આગળ વધી. સાથે જ રાઘવ તથા વિરાજને તેના કમરામાં છૂપાઈ જવા માટે ઈશારો કર્યો.જ્યારે જેક હજુ મિલી પાસે જ સોફા પર બેઠો હતો. વિરાજ અને રાઘવનું છૂપાઈ જવું જરૂરી હતું,કારણ કે તેઓ અહીંના નહતા અને કદાચ જો કોઈ તેમનો પીછો પકડતાં અહીં આવ્યું હોય, તો તેમની સામે જ રહેવામાં જોખમ હતું.
મેરીએ દરવાજો ખોલ્યો, સામે તેમના બાજુના ફ્લેટમાં રહેતી એક કોલેજીયન છોકરી હતી. તે બાથરૂમમાં જતા સ્લીપ થઈ પડી ગઈ હતી અને તેને પગમાં વાગ્યું હતું. માટે કોઈ દવા હોય તો એ લેવા માટે આવી હતી. તેને પણ આટલી રાત્રે એકજ વારની બેલમાં દરવાજા પર કોઈનું આવી જવુ થોડુ અજુગતું તો લાગ્યું હતું, પણ અત્યારે તેને પોતાના દર્દમાં વધારે ધ્યાન હતું. બાકી સહેજ દરવાજાની અંદર ડોકિયું કરી જોયુ હોત તો જેકની હાજરી તેનાંથી છૂપી ના રહી હોત. અને જો એવું થયું હોત તો ભવિષ્ય કંઈક અલગ જ હોત. પરંતુ કાળને કોણ કળી શક્યું છે? જે થવાકાળ છે, બનવાનું છે, એ થઈને જ રહેવાનું છે. તેના માટે કારણ ક્યારેય કોઈ ઘટનાનું બનવું છે, તો ક્યારેક કોઈ ઘટના ન ઘટે એ પણ ભવિષ્યને અસર કરે છે.
મેરીને એ છોકરીને જોઈ મનમાં ટાઢક વળી. હૃદય શાંત થયું. કેમકે વાત ફક્ત રાઘવ, વિરાજ કે જેકની નહતી, પોતાની પણ હતી. એ પોતે પણ એક જાસૂસ જ હતી. અને પકડાઈ જવાથી આગળ તેનો અંજામ શું આવે? એ સારી પેઠે જાણતી હતી. મેરી દરવાજો ઠાલો વાસી પોતાના રૂમમાં ગઈ અને એક પેઈનકિલર ગોળી તથા એક પેઈનરીલીફ સ્પ્રે તે છોકરીને આપ્યાં. તે ફરી આવી હતી, એમજ લંગડાતી ચાલે પોતાના ફ્લેટમાં ચાલી ગઈ.
તેના ગયા પછી મેરી પાંચેક મિનિટ સુધી દરવાજા પર જ ઊભી રહી. તેની ચકોર નજર આજુબાજુની પરિસ્થિતિનો જાયજો લેતી હતી. તે કોઈ રિસ્ક લેવા નહતી ઈચ્છતી. તેને અંદર બેઠેલા લોકોની કોઈ ફિકર નહતી. પણ પોતાની જાન પ્યારી હતી. એકવખત તેના મનમાં વિચાર પણ આવી ગયો, કે જો કોઈ રાઘવ અને તેના સાથીદારોને પકડવા આવે તો તેમનાં બદલામાં પોતે આ દેશ છોડી શકે, એ મતલબનો સોદો કરી લેશે.
પરંતુ આ ફક્ત તેના મનનાં ખ્યાલો હતા. પરંતુ નજીકના ભવિષ્યમાં આવા બનાવો બનવાની સંભાવના પૂરેપૂરી હતી, અને એ વખતે પોતે ગાફેલ રહે, એ પાલવે એમ નહતું. પરંતુ સૌથી પહેલાં રાઘવ અહીં આવ્યો શું કામ હતો? એ જાણવું મેરી માટે જરૂરી હતું. એ સિવાય કોઈપણ પગલું ભરવું ઉચિત નહતું. કદાચ તેના વિચારો ખોટા હોય અને રાઘવ કોઈ બીજા કામ માટે અહીં આવ્યો હોય તો? નાહકની તે ખુદ મુસીબતમાં મૂકાય. માટે રાઘવનું અહીં આવવાનું પ્રયોજન જાણવું ખૂબજ જરૂરી હતું.
અચાનક રોડ પર ભસતા કૂતરાનો અવાજ સાંભળી તે વિચારોમાંથી બહાર આવી. તેના દરવાજા પર આમજ ઉભા રહ્યાને ખાસ્સી વાર થઈ હતી. તેણે ઝડપથી છેલ્લીવાર આજુબાજુ નજર કરી કોઇ છે નહીં એ વાતની ખાતરી કરી લીધા પછી ઝડપથી બારણું વાસી અંદર આવી ગઈ.
અંદર આવી તે પણ એક ખુરશી લઈ તેના પર ગોઠવાઈ. મેરી જાણતી હતી કે અહીં તેની અને રાઘવની ઓળખાણ વિશે કોઈને ખ્યાલ નથી, માટે રાઘવ સામેથી જ્યાં સુધી ના કહે ત્યાં સુધી પોતે કંઈ બોલવું નહીં. તેને હવે જેક પણ જોખમી લાગતો હતો.પહેલા તો તેને એમજ હતું કે, અર્ધ ચાઈનીઝ જેવો આ છોકરો મિલીના રૂપ પાછળ પડ્યો છે, પણ હવે તેને સમજાયું કે આ તો મિલીને ફોડવા માટેની એક ચાલ હતી.
મેરીએ ખુરશી પર બેસ્યા બાદ રાઘવ અને વિરાજ વિશે મિલીને પૂછ્યું. તે સામેથી જાહેર ન થાય ત્યાં સુધી પોતાના પત્તા ખોલવા માંગતી નહતી. આ ખેલની તે પાક્કી ખેલાડી હતી. મિલી પણ જવાબ માટે જેક તરફ જોવા માંડી. ડોરબેલ વાગી ત્યારે મિલી પોતાના વિચારોમાં એવી ખોવાયેલી હતી કે મેરીએ ક્યારે ઈશારો કર્યો અને ક્યારે રાઘવ અને વિરાજ હોલમાંથી ઉઠી મેરીના રૂમમાં ચાલ્યા ગયા, તેની મિલીને ખબર જ રહી નહતી.
જેકે સાદ દઈ વિરાજ અને રાઘવને હોલમાં આવવા જણાવ્યું. રાઘવ અને વિરાજ હોલમાં આવી ફરી સોફા પર પોતપોતાની જગ્યા પર ગોઠવાયા. રાઘવ મેરીને પોતાના પ્લાન વિશે જણાવવું કે નહીં એ અસમંજસમાં હતો. જેકના કહ્યાં મુજબ મેરી પણ એજ રિસર્ચ સેન્ટરમાં કામ કરતી હતી. પણ તે કોઈ રિસર્ચ માટે તો અહીં નહતી જ આવી. તો પછી? શું મેરી પણ એજ કામ માટે અહીં આવી હશે! જેના માટે એ લોકો આવ્યા હતા? જો એમ હોય તો તેમનું કામ આસાન થઈ જાય. પરંતુ જો એમ ન હોય તો? તેના આવવાનો મકસદ કંઈક બીજો હોય તો? તો તેને પોતાના મિશનમાં શામેલ કરવામાં ભારોભાર રિસ્ક હતું. મેરી આવી તો અહીં જાસૂસી કરવા જ, એ બાબતે રાઘવને કોઈ શક નહતો.પણ જો તેને રાઘવના મિશનમાં ઈન્ટરેસ્ટ ન હોય તો? કદાચ અહીં પોતાનું નેટવર્ક વધારવા અને અહીંની ગવર્નમેન્ટની તથા ઉચ્ચ અધિકારીઓની ગુડબુકમાં આવી પોતાની ભવિષ્યની સુરક્ષા માટે તે સામે ચાલીને તેમની પોલ ખોલી નાખે તો? તો એ લોકોમાંથી એકપણ જણ જીવિત ન બચે, એનો રાઘવને પૂરેપૂરો વિશ્વાસ હતો.
બીજી તરફ વિરાજ અલગ જ સોચમાં હતો. રાઘવનું મેરીને મળી આમ ચોંકી જવું અને કોઈની નજરમાં આવ્યા વિના મેરીને તેમને ઇશારો કરવો, એનાથી બે બાબત પર વિરાજને પૂરો વિશ્વાસ હતો કે રાઘવ અને મેરી પહેલાંથી જ એકબીજાને ઓળખતા હતા,અને મેરી પણ કદાચ તેમના જ પેશામાં હતી.તો શું રાઘવે અહીં પહેલાથી જ કોઈ ગોઠવણ કરીને રાખી હતી?કેમકે તે કમને બોસને ખાતર આ મિશનમાં જોડાયો હતો. અને ત્રિષાને પણ સાથે લેવાની છે, એનો પણ રાઘવને સખત વાંધો હતો. શાયદ ત્રિષા માટે તેના દિલમાં સોફ્ટ કોર્નર હતો. તો શું તેના માટે એ પૂરૂ મિશન કુરબાન કરી દે? અથવા તો મિશન અધવચ્ચે જ છોડી કોઈ બીજા દેશમાં પણ બન્ને ચાલ્યા જાય, એવું પણ બને! એ માટે પણ તેણે મેરી સાથે કોઈ યોજના બનાવી હોય. અને જો એવું હોય તો તેને શું કરવું? એ બાબતે વિરાજ એકદમ મક્કમ હતો. પણ જે હોય તે પણ પોતે આ વાત હમણાં નહીં છેડે, એવું તેને મનોમન નક્કી કરી લીધું.
બધા પોતપોતાના વિચારોમાં મગ્ન હતા. બધાને બસ એકજ બાબત જોડતી હતી. તેમની યોજના. મિલીને છોડી કમરામાંના બાકી ચારેય જણને એકબીજા સાથે કોઈ લાગણી નહતી. માણસાઈની પણ નહીં. તેમને મન બસ એકજ વસ્તુ જરૂરી હતી. તેમનું ધારેલું કામ થવું જોઈએ. એ માટે જો કોઈ સાથ દે તો તેમના માટે આ લોકો મરી પણ શકે અને જો તેમની વિરૂદ્ધ જાય તો તેમને એ મારી પણ શકે, વિના કોઈ ખચકાટ. દોસ્તી, રિસ્તા, પ્રેમ કે લાગણી સાથે તેમને દૂર દૂર સુધી કોઈ લેવા દેવા નહતા.
મિલી બધાને ચૂપ જોઈ અકળાઈ હતી. તેને ફરી જેકને પૂછ્યું, "આ લોકો અહીં શું કામ આવ્યા છે?" હવે જવાબ દેવાનો હતો, પણ જેક જાણતો હતો કે એ જવાબ રાઘવ અને વિરાજને આપવાનો છે. તેણે વિરાજ સામે જોયું. વિરાજ મેરી સામે વાત કરવા નહતો ઈચ્છતો. માટે તેણે ઈશારમાં જ રાઘવને કહ્યું.
રાઘવ અસમંજસમાં હતો. મેરી સામે વાત કરવી કે નહીં? કરવી તો કેટલી કરવી? પહેલાં મિલી સાથે વાતચીત કરી લેવી? કે બન્નેને સાથે જ વાત કરવી? આખરે તેણે જુગાર ખેલી લેવાની નક્કી કરી લીધું અને.....
*********
રાઘવ શું કરશે? શું મેરી આ મિશનમાં તેમનો સાથ દેશે? શું વિરાજનો શક સાચો હશે? જાણવા માટે વાંચતા રહો 'અજાણ્યો શત્રુ'.
તમારા અમૂલ્ય પ્રતિભાવ તથા સુચનો આપવાનું ચુકશો નહીં.
Divyesh Koriya
Wh no. :- 9265991971
જય હિંદ.