કાવ્યા અને અમન તેમના ગામથી પાછાં ફરી રહ્યા હતા ત્યારે એક પાગલ આવીને કાવ્યાને ડરાવી ગયો, "તે તારો પીછો નહીં છોડે તું ગમે ત્યાં જઈશ તે તારી પાછળ પાછળ આવી જ જાશે તું એને ભૂલવાની ગમે એટલી કોશિશ કરી લે એ તને પોતાની યાદ અપાવતો જ રહેશે તું બચી નહીં શકે એનાથી.." આટલું બોલી પાગલ હસવા લાગ્યો અને કાવ્યા તેને જોઈને ડરી જ ગઈ અને જોરજોરથી રડવા લાગી. અમન પાગલને મારવા લાગ્યો અને કાવ્યા તેને છોડાવીને પાછી કારમાં લઈ આવી અને તેઓ ગામમાંથી નીકળી ગયા. રસ્તામાં અમન કાવ્યાને કેટલો પ્રેમ કરે છે એ કાવ્યાને પોતાના શબ્દો તથા લાગણી દ્વારા દર્શાવી દીધો.
બંને શહેરમાં પ્રવેશ્યા તો ત્યાં પણ વરસાદ જોરદાર વરસી રહ્યો હતો. અમન સાવધાનીપૂર્વક કાર ચલાવી રહ્યો હતો. તેના મનમાં વારંવાર સવાલ ઉઠી રહ્યો હતો. આખરે તેણે કાવ્યાને પૂછી જ નાખ્યું,
"કાવ્યા, તું જે પડછાયો જુુવે છે એ કેવો છે મતલબ એનામાં એવું કંઈ ખાસ હોય જે તને યાદ હોય તો વાત કર મને એના વિશે. તે પહેલાં ક્યારેય એવો વ્યક્તિ જોયો હોય તો યાદ કર."
"અમન, તે એક યુવક છે કોઈ સામાન્ય યુવક જેવો જ. કંઈ ખાસ તો નથી અને હોય તો પણ હું એનાં પર એક નજર પડતાં જ ત્યાં થી ભાગી જાઉં છું અને એના તરફ જોવાનુ ટાળું છું. મને એનાથી બહુ ડર લાગે છે અને મેં પહેલા ક્યારેય એના જેવો કોઈ છોકરો નથી જોયો. કાવ્યા જેટલુુ જાણતી હતી એટલું અમનને કહી દીધું. "સારું" અમને ટૂંકમાં જ પતાવ્યું અને વિચારોમાં ખોવાઈ ગયો.
થોડી જ વારમાં ઘર આવી ગયું. કાર પાર્ક કરી બંને બહાર આવ્યા. કાવ્યા દોડીને બંગલાના મુખ્ય દરવાજા પાસે જતી રહી અને દરવાજો ખોલી અંદર ચાલી ગઈ. અમન કાવ્યાનું સ્કૂટર સરખું પાર્ક કરી મનમાં જ બોલ્યો, "આ સ્ત્રીઓને સ્કૂટર સાથે શું દુશ્મની હશે.. ગમે તેમ પાર્ક કરે અને ગમે તેમ ચલાવે.. અને મુખ્ય વાત કે સ્કૂટર બંધ કર્યાં પછી ચાવી કાઢવાનું પણ ભૂલી જાય." તે ડેકીના લોકમાંથી ચાવી કાઢવા ગયો ત્યાં લોક ખુલી ગયું તો તેણે અંદર જોયું તો અચરજ પામી ગયો.
તેણે ડેકીની અંદર શોપીસ જોયું. તે લઇ અંદર ગયો ત્યાં જ કાવ્યા કપડાં બદલીને હોલમાં જ સામે મળી ગઈ. અમનના હાથમાં શોપીસ જોઈ કાવ્યાને હવે યાદ આવ્યું કે પોતે અમન માટે શોપીસ લીધું હતું. અમનના ચહેરા પર દેખાઈ રહેલ સવાલ વાંચીને જ કાવ્યા બોલી,
"જન્નત માટે ગિફ્ટ લેવા ગઈ ત્યારે મેં આ સુંદર ગિફ્ટ જોયું હતું, મને ખુબ જ ગમી ગયું તો મેં તારા માટે લઈ લીધું." "મારા માટે ગિફ્ટ લીધું અને મને આપ્યું જ નહીં અને સંતાડી દીધું હતું તે.." અમન ખુશી અને આશ્ચર્ય સાથે બોલ્યો આશ્ચર્ય એ વાતનું કે ગિફ્ટ લીધું તો આપ્યું કેમ નહીં.
"ગિફ્ટ લઈને પરત ફરી રહી હતી ત્યારે એક્સીડન્ટ અને પછી આવીને સીધી સૂઈ ગઈ હતી આથી ભૂલી ગઈ અને સમીરભાઈના ઘરે પણ જે ઘટના બની એ પછી હું આ ગિફ્ટને સાવ ભૂલી જ ગઈ હતી અમન.." કાવ્યા રડમસ અવાજે બોલી ગઈ.
"અરે એમાં દુઃખી કેમ થાય છે? હું તો બસ તને પૂછી રહ્યો હતો આ ગીફ્ટ વિશે. ખુશ થઈ જા ચલ." અમન કાવ્યાને ગળે લગાવી બોલ્યો. કાવ્યા પણ અમનને વધુ જોરથી વળગી ગઈ. "મને હવે મારું ગિફ્ટ જોવા દે રોતડ.." અમન કાવ્યાને ગાલ પર હળવેથી ટપલી મારતાં બોલ્યો અને બંને હસવા લાગ્યા. અમન ગિફ્ટ જોવામાં ખોવાઈ ગયો, એને શોપીસ માં રહેલ કપલમાં પોતે અને કાવ્યા દેખાવા લાગ્યા. તે જોઇ અમન વધુ ને વધુ ખુશ થઈ રહ્યો. ત્યાં સુધીમાં કાવ્યા કિચનમાં થી કોફી લઇ આવી અને અમનને આપી.
"લે કોફી પી નહિંતર ઠંડી લાગી જશે અને જલ્દી કપડાં પણ બદલી લે. નાના બાળકો જેમ ગિફ્ટને જોયા કરે છે સાવ પાગલ છે તું." કાવ્યા હસીને બોલી. અમને કાવ્યાને પોતાની તરફ ખેંચી અડોઅડ બેસાડી દીધી અને કોફી પીવા લાગ્યો, "તારી હૂંફ મળે પછી ઠંડી લાગવાનો ચાન્સ જ નથી.."
"અરે તું મને પણ પલાળી રહ્યો છે અમન.." કાવ્યા થોડી દુર થતા બોલી પણ અમને પાછી પોતાની નજીક ખેંચી લીધી અને એક હાથ તેની કમરમાં વિંટાળી લીધો અને હસવા લાગ્યો, "હવે જા દુર..' કાવ્યા પણ હવે કોઈ પ્રતિકાર કર્યા વિના બેસી રહી અને હસવા લાગી. બંને કોફી પીને સૂવા ચાલ્યા ગયા.
સવારે અમન ચા નાસ્તો કરીને ઓફિસ જતો રહ્યો. ઓફિસમાં પ્રવેશ કરતાંની સાથે જ સમીર મળી ગયો. બંને એ એકબીજાને મોર્નિંગ વિશ કર્યું અને પછી સમીરે પૂછ્યું, ''અમન, શનિવારે રાત્રે કાવ્યાભાભીને શું થયું હતું. ત્યારે ભાભીની તબિયત ઠીક ન લાગતાં કંઈ પૂછ્યું ન હતું પણ અત્યારે જો તારી ઇચ્છા હોય જણાવવાની તો.."
"કેવી વાત કરે છે તને તો જણાવું જ ને.." અમન સમીર તરફ હસીને બોલ્યો અને ઉમેર્યું, "તો સાંભળ, કાવ્યાને કોઈ યુવકનો પડછાયો દેખાય છે, ફક્ત પડછાયો જ, એનું શરીર છે જ નહીં. ખબર નહીં કોણ છે તે પણ તે કાવ્યાને ખુબ જ હેરાન કરી રહ્યો છે. તે બીજા કોઈને નથી દેખાતો બસ કાવ્યાને જ દેખાય છે." "હા એ તો સમજાઈ ગયું પણ એવું થોડું બની શકે કે ફક્ત પડછાયો જ દેખાય. કોઈ વ્યક્તિ હોય ત્યારે એનો પડછાયો રચાય ને એમનેમ કેવી રીતે પડછાયો હોય?" સમીર નવાઈ સાથે બોલ્યો.
"એ તો ખબર નહીં પણ કાવ્યા તો આવું જ બોલે છે." અમન બોલ્યો. "તને નથી લાગતું કે ભાભીને સાયકિયાટ્રીસ્ટ ની જરૂર છે કારણકે કોઈ વ્યક્તિ વિના પડછાયો કેવી રીતે દેખાય.. વ્યક્તિ છે જ નહીં તો પડછાયો ક્યાંથી હોય?" સમીર અમનને સલાહ આપતાં બોલ્યો. "વાત તો સાચી છે પણ કાવ્યા સાયકિયાટ્રીસ્ટ ને મળવા તૈયાર જ નહીં થાય ઉલટાનું મને ઘરમાં થી કાઢી મુકશે." અમનની વાત પર બંને જણા હસવા લાગ્યા.
"સારું તો તને અને ભાભીને ઠીક લાગે એમ કરો પણ ભાભીનું ધ્યાન રાખજે કેમકે એમને મન આ ડર જીવલેણ પણ બની શકે." સમીર બોલ્યો અને પોતાના કામ પર લાગી ગયો પણ અમનના મનમાં ડર પેદા કરતો ગયો. અમન વિચારોમાં જ પોતાની ઓફિસ ખોલીને અંદર ગયો અને પોતાના કામમાં જીવ પરોવવા લાગ્યો પણ તેનું મન કાવ્યાના વિચારોમાં જ હતું
લંચ પતાવ્યા બાદ તેણે કાવ્યાને કોલ કરી ખબરઅંતર પૂછી લીધાં. બધું ઠીક હોવાનું માલુમ પડતાં તેના મનને શાંતિ થઈ. તે હવે વધુ તાજગી સાથે કામ કરી રહ્યો હતો ત્યાં જ પ્યૂન આવી ગયો અને બોસ બોલાવે છે તેમ કહી ગયો. અમન વિચારમાં પડી ગયો કે બોસ એટલે કે તેની કંપનીના માલિક વનરાજ સિંઘાનિયા તેને અત્યારે કેમ બોલાવી રહ્યા હશે. વિચારતો વિચારતો અમન ઊભો થયો અને બોસની કેબિનમાં જવા લાગ્યો. અમને દરવાજો નોક કર્યો. અંદરથી વનરાજ સિંઘાનિયાનો જાજરમાન અવાજ આવ્યો, "નોક કરવાની જરૂર નથી દિકરા એમનેમ આવી જવાનું અંદર." અમન હસીને અંદર ગયો. સામે જ ટેબલ ની પાછળ રિવોલ્વિન્ગ ચેર પર વનરાજ સિંઘાનિયા બેઠા હતા.
અતિશય પ્રભાવશાળી વ્યક્તિત્વ ધરાવતા પંચાવન વર્ષની ઉંમરે પણ યુવાનોને પણ શરમાવે એવા એકદમ ફિટ ચુસ્ત વનરાજ સિંઘાનિયા અબજોપતિ હોવા છતાં તેમના ચહેરા પર કોઈ જાતનો ઘમંડ કે સત્તાનો નશો નહોતો દેખાતો. તેમના ચહેરા પર હંમેશાં મુશ્કુરાહટ અને સામેવાળા પ્રત્યે માન જોવા મળતું. તેઓ પોતાના સ્ટાફ નું હંમેશા ધ્યાન રાખતા. એમને દુઃખ બસ એક વાતનું હતું કે તેમનો એક નો એક દિકરો તેમની જ ફેક્ટરીના બિલ્ડીંગ પરથી નીચે પડતાં મૃત્યુ પામ્યો હતો. તેમની વાતોમાં ક્યારેક આ દુઃખ દેખાઈ આવતું.
અમનને જોતા જ વનરાજ સિંઘાનિયા એ તેને આવકાર્યો અને ટેબલની બીજી તરફની ખુરશી પર બેસવા કહ્યું. અમન તેમને ગુડ ડે વિશ કરી ખુરશી પર બેસી ગયો અને પોતાને અહીં બોલાવવા માટેનું કારણ પૂછ્યું. વનરાજ સિંઘાનિયા બોલ્યા, "જો હું વાતને ગોળ ફેરવ્યા વગર જ કહું તો તારે એક ડીલ કરવા અમેરિકા જવાનું છે. મારે એક અગત્યનું કામ આવી ગયું હોવાથી હું જઈ શકું એમ નથી આથી મારા બદલે હું તને મોકલી રહ્યો છું અને મને તારા સિવાય બીજા કોઈ પર વિશ્વાસ નથી તો તારે જ જવું પડશે."
"સર, મારા પર વિશ્વાસ મૂકવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર પણ મારી વાઇફની તબિયત સારી નથી તો હું નહીં જઈ શકું." અમને તરત જ ન જવાનો નિર્ણય લઈ બોસને જણાવી દીધું.
"
તું કાવ્યાની ચિંતા ન કર એ અમારા ઘરે રહેશે એટલાં દિવસ સુધી. પણ ડીલ કરવા તારે જ જવાનું છે આ ફાઇનલ છે." કાવ્યા એમની ઓફિસમાં જ પહેલા કામ કરતી હોવાથી વનરાજ એને ઓળખતા હતા એટલે તેમણે કાવ્યાને પોતાના ઘરે સાચવવાની વાત કરી દીધી.
"સર, મને માફ કરો પણ હું સાચે જ કાવ્યાને એકલી મૂકવા માંગતો જ નથી." અમને કહ્યું. પણ એમ માની જાય એ વનરાજ નહીં. તેઓ પૂરા દોઢ કલાક સુધી અમનને મનાવતા રહ્યા પણ અમને છેલ્લે સુધી નહીં જાય એમ જ રટણ કર્યા રાખ્યું. આખરે વનરાજને હાર માનવી પડી અને તેઓ વિલા મોઢે અમન સામે જોઈ રહ્યા જાણે એમનું મોઢું જોઈ અમન માની જાય એમ છેલ્લું તીર ચલાવવા ગયા પણ અમને બહાર જવાની પરવાનગી માંગતા તેમણે હથિયાર હેઠા મૂકી દીધા અને અમનને જવા દીધો. આખાં દિવસનું પોતાનું કામ પતાવી અમન સાંજના સાડા સાત વાગ્યે ઘરે જવા નીકળ્યો.
કાવ્યા પડછાયાથી બચવા આખો દિવસ એમના કુળદેવી શક્તિ માતાજીનું સ્મરણ કરતી રહી. આખો દિવસ હેમખેમ પસાર થઈ ગયો હતો અને સાંજ પડી ગઈ હતી. તે અમનની રાહ જોતી બહાર ફળિયામાં જ હીંચકા પર બેઠી હતી. દૂરથી અમનની કાર દેખાતાં જ તે દોડી ગઇ અને દરવાજો જાતે જ ખોલ્યો. અમન તેને જોઈ પોતાનું હસવું રોકી ના શક્યો અને કાર દરવાજાની અંદર લઇ પાર્ક કરી નીચે ઉતરીને સીધો કાવ્યાને ભેટી ગયો અને કાવ્યાના હોંઠો પર ચુમી લીધું.
થોડી વાર પછી બંને અંદર ગયા અને આવનાર સમય કંઈ મુસિબત લઈને આવી રહ્યો છે એ વાતથી અજાણ બંને એકબીજામાં ખોવાઈ ગયા.
************
વધુ આવતા અંકે