મિત્રો આપણે હંમેશા શોર્ટ કટ અપનાવી ને મોટું નુકસાન ઊપાડતા હોઈએ છીએ.
જલદી મેળવવાની લાલચ માં ધણું બધુ ગુમાવીએ છીએ.
બસ એ સમજાવવા નો એક નાનો પ્રયત્ન કર્યો છે.
વહેલી સવારની ઠંડી હવાની લહેર વચ્ચે એક ગુરુકુલ માં ઘેઘૂર વટવૃક્ષ નીચે ગુરુવર ની સાનીધ્ય માં દસ મિત્રો જીવન ના પાઠ શીખી છેલ્લા દિવસે ગુરુ ની રજા લઈ રહ્યા હતાં.
ગુરુ છેલ્લો ઉપદેશ આપતા બોલે છે શિષ્યો જીંદગી માં ઘણાં પ્રલોભન આવશે પણ તમે તમારી મહેનત અને લગન થી આગળ વધશો તો એનો ફળ જરૂર મળશે, પણ લાલચ માં આવી ટુંકો રસ્તો લેશો તો પસ્તાવવું પડશે.
મારી શિક્ષા પુરી થઈ પણ હું તમને કાંઈક આપવા માંગુ છું.
અને ગુરુ બોલ્યા આ સામે રસ્તો દેખાય છે એના પર સીધા સીધા ચાર દિવસ ચાલશો ત્યાં લોખંડ ની વસ્તુઓ નો ઢગલો હશે જે પહેલો પહોંચશે એ એનો માલિક થશે.
દશ માંથી બે શિષ્યો તો લોખંડ ની વસ્તુઓ માટે ચાર દિવસ ચાલવાની વાત સાંભળી ત્યાંજ ફેંસલો લઈ લીધો અમને તો આમાં કોઈ રસ નથી, તમે પણ શું કામ લોખંડ માટે ખોટી રઝળપાટ કરો છો ?
આટલી મહેનત અહિંયા કરશો તો તમને વધુ કમાવવા મળશે માટે અહિંયા જ રોકાઇ જાવ.
પણ બીજા મિત્રો એ માનવા તૈયાર ન્હોતા, આમ રેસ ની શરૂઆત માંજ બે સ્પર્ધક ઓછા થઈ ગયા.
જોઈ ગુરુજી મંદ મંદ સ્મિત કરતા રહ્યા, બાકી ના આઠ શિષ્યોએ ગુરુ ના આશીર્વાદ લઈને જીંદગી ના રેસ ની શરૂઆત કરી.
બધા ને જલ્દી પહોંચવાની ઉતાવળ હતી એટલે મુસાફરી ચાલુ કરી.ચાલતા ચાલતા બપોરે તડકો વધતા બધા એક ઝાડ નીચે જમવા બેઠા, જમી તરત ઊભા થઈ ચાલવા ની તૈયારી કરવા લાગ્યા જોઈ મુકેશ બોલ્યો તમે આગળ વધો હું જરાક આરામ કરી નીકળીશ સાંભળી બીજા મિત્રો હસવા લાગ્યા કે આમ આરામ કરતા રહેશું તો મુકામે ક્યારે પહોંચશું ?
પણ મુકેશ તો આરામ ના મુડ માં હતો એટલે બાકીના મિત્રોએ આળશુ ની ઉપાધિ આપી આગળ ચાલવા લાગ્યા.
થોડેક આગળ જતા મુખ્ય રસ્તા ની બાજુમાં એક નાનો પગરસ્તો દેખાયો નીચે એક પથ્થર પર લખ્યું હતુ આગળ ખનીજ ની ખાણ છે વાંચી બે મિત્રોએ જીદ પકડી આપણે આ રસ્તા પર જવુ જોઈએ, લોખંડ કરતા તો ખનીજ કિંમતી છે એટલે વધુ ફાયદો થશે.
બીજા મિત્રોએ સમજાવ્યું કે આડાઅવળા જવુ ઠીક નથી સીધા રસ્તા પર ચાલો. પણ બે મિત્રોએ વાત ન માની અને બોલ્યા તમે તમારી રીતે જાવ અમે અમારી રીતે જઈએ અને એ મુખ્ય રસ્તા થી ઊતરી બાજુના પગરસ્તે ચાલવા લાગ્યા. બીજા મિત્રો આગળ વધ્યા.
સૂર્યદેવ વિદાય લઈ રહ્યા હતા એટલે પાંચ મિત્રોએ એક સુરક્ષીત જગ્યા જોઈ અંધારુ થાય એ પહેલા જમી સાથે લાવેલ પાથરણા પાથરી સુઈ ગયા.
વહેલી સવાર નાં પક્ષીઓ ના કલરવ થી બધા જાગ્યા અને નાસ્તો કરી આગળ વધ્યા.
થોડેક આગળ જતા મુખ્ય રસ્તા ની બાજુમાં એક નાનો પગરસ્તો દેખાયો નીચે એક પથ્થર પર લખ્યું હતુ આગળ ચાંદી ની ખાણ છે વાંચી બીજા બે મિત્રોએ જીદ પકડી આપણે આ રસ્તા પર જવુ જોઈએ, ખનીજ કરતા તો ચાંદી કિંમતી છે એટલે વધુ ફાયદો થશે.
બીજા મિત્રો બોલ્યા આપણી પહેલા વાત થઈને આડુઅવળુ ન જતા સીધા આપણા મુકામ તરફ જવું.
પણ બન્ને મિત્રો લાલચ ન રોકી શક્યા અને ચાંદી ની ખાણ તરફ જતા રસ્તા તરફ ચાલવા લાગ્યા.
હવે રહ્યા ત્રણ મિત્રો, અંધારુ થતા સુરક્ષિત ઠેકાણે રાતવાસા માટે રોકાયા અને વાત કરતા હતા, એક મિત્ર શંકા કરતા બોલ્યો આપણે ભૂલ તો નથી કરી રહ્યા ને આપણા મિત્રો ખનીજ અને ચાંદી લઈ માલામાલ થઈ જશે અને આપણે હાથ ઘસતા રહી જશું. અને આ શંકા નો બીજ સવાર થતા થતા ત્રણે મિત્રો ના મનમાં વટવૃક્ષ થઈ ગયું પણ હવે પાછુ વળાય એવુ ન્હોતુ એટલે આગળ વધ્યા.
થોડેક આગળ જતા મુખ્ય રસ્તા ની બાજુમાં એક નાનો પગરસ્તો દેખાયો નીચે એક પથ્થર પર લખ્યું હતુ આગળ સોના ની ખાણ છે. વાંચી ત્રણે મિત્રો ની આંખમાં ચમક આવી અને ગુરુજી ની શિખામણ અને આની પહેલે પોતાના મિત્રોને પોતે જ આપેલી શિખામણ ભૂલી મુખ્ય રસ્તો છોડી સોના ની ખાણ તરફ આગળ વધ્યા.
આ તરફ મુકેશ પોતાની રીતે એકલો આગળ વધી રહ્યો હતો એણે પણ ખનીજ,ચાંદી,સોના ની ખાણ ના રસ્તા દેખાયા પણ જરાય લાલચ કર્યા વગર ગુરુજી ની શિખામણ નો અમલ કરતો સીધો મુકામ તરફ આગળ વધતો રહ્યો.
બે દિવસ પછી મુકેશ ને ગુરુજીએ મુકામ દેખાયો, ખળખળ વહેતી કાંચ જેવી પારદર્શક પાણી વાળી નિર્મળ નદી, કીનારે અવનવા ફૂલો થી મધમધતો બગીચો, રંગબેરંગી પતંગિયા અને પક્ષીઓ નો મધુર કલરવ વચ્ચે એક આલીશાન હવેલી દેખાઈ.
હવેલી ના વરંડા માં સરસ મજાની બળદ ની જોડી અને મોટું બળદગાડુ ઊભા હતા બાજુમાં ગુરુજીએ કીધેલ લોખંડ ની વસ્તુઓ નો ઢગલો દેખયો.
પણ એની નજર તો એનાથી આગળ નીકળી ગયેલ પોતાના મિત્રો ને શોધતી હતી, એને શું ખબર એના મિત્રો એક એક કરી લાલચ માં આવી ટુંકા રસ્તે વધુ મેળવવા આડા રસ્તે ફંટાઈ ગયા હતા.
મિત્રો ન દેખાતા હતાશ થઈ મુકેશ લોખંડ ના ઢગલા પાસે ગયો ત્યાં એની નજરે એક પત્ર પર ગઈ, પત્ર ખોલી વાંચવા લાગ્યો એમા લખ્યું હતુ હવેલી માં દાખલ થતા જમણી બાજુમાં કબાટ છે એમાં નાનકડી ડબ્બીમાં એક પારસમણી છે એનો ગુણ એવો છે કે પારસમણી લોખંડ ને અડાડતા જ લોખંડ સોનું થઈ જાય.
પણ આ ફક્ત એકજ વખત કામ આવશે પછી કાંચના ટુકડો બની જશે.
સુચના પ્રમાણે મુકેશે પારસમણી લઈ લોખંડ ના ઢગલા ને અડાડતા જ એ સોના માં પરિવર્તિત થઇ ગયું. બધુ સોનું બળદગાડા માં ભરી ઊપર ઘાસ થી ઢાંકી મુકેશ પોતાના ઘર તરફ પાછો વળ્યો.
આગળ જતા રસ્તા માં લઘરવઘર દશા માં એ ત્રણ મિત્રો દેખાયા જે સોના ની ખાણ તરફ ગયા હતા, મુકેશે ઊભા રહી પુછ્યું અરે તમે ક્યાં ખોવાઈ ગયા દેખાયા જ નહીં ?
મિત્રો બોલ્યા સોના ની લાલચ માં અમે અડધે થી રસ્તો બદલ્યો સોનું તો ન મળ્યુ પણ અમારી પાસે જે હતુ એ પણ લુટારા લઈ ગયા. મુકેશ બોલ્યો ગુરુજીએ પહેલા જ શિખામણ આપી હતી લાલચ માં આવી ટુંકો રસ્તો ન લેવો તે છતાંય તમે એ વાત ભૂલી હેરાન થયા અને હવે ક્યાંય ના ન રહ્યા બોલી એમને ગાડામાં બેસાડી આગળ વધ્યો.
આવીજ રીતે બીજા બધા મિત્રો પણ મળ્યા જે ટુંકા રસ્તા ની લાલચ માં આવી હેરાન થઈ પોતાની પાસે હતું એ ગુમાવી હવે પસ્તાવો કરતા હતા, એ બધાને પણ ગાડામાં બેસાડી મુકેશ પોતાના ગામ માં આવી ગુરુજી પાસે ગયો.
ગુરુજીએ બધાની આપવીતી સાંભળી મુકેશ તરફ ફર્યા અને બોલ્યા બેટા તારું લોખંડ બતાવ, મુકેશ ગુરુની આજ્ઞા માની ગાડા પર થી ઘાસ હટાવ્યુ એ સાથે જ થયેલા પ્રકાશ થી બધાની આંખ અંજાઈ ગઈ, સોનાનો ઢગલો જોઈ બધા અચંબીત થઈ ગયા. ગુરુજીએ તો લોખંડ કહ્યુ હતુ અને આતો સોનું નીકળ્યું.
મુકેશે બધી વીગત સંભળાવી કે આ બધુ કેવી રીતે થયું.
ગુરુજી બોલ્યા આ જ જીવન ની કઠણાઈ છે આપણે એની પાછળ જ ભાગીએ છીએ જે ફક્ત દેખાય છે હકીકત માં હોતુ નથી અને જે હકીકત માં છે એને અવગણીને ખોઈ દઈએ છીએ.
બધાના રોતલ મોઢા જોઈ મુકેશ બોલ્યો હવે પસ્તાવા થી કાંઈ ન થાય માટે ટુંકા રસ્તા છોડો અને મહેનત કરી આગળ વધો.
બધા બોલ્યા પણ હવે તો અમારી પાસે કાંઈ નથી જે હતું એ પણ લૂંટાઈ ગયું.
મુકેશ બોલ્યો તમે લોકો ચિંતા ન કરો અને ગુરુજી તરફ જોઈ બોલ્યો ગુરુજી તમે જ આ સોનાને બધા મિત્રો માં સરખા ભાગે વહેંચી દો એમાથી અમે બધા નવો ધંધો કરી મહેનત થી જીંદગી પસાર કરશું.
મુકેશ ની આ ઝિંદાદિલી જોઈ બધાનાં આંખમાં ખુશી ના આંસુ આવી ગયા, ગુરુજી ના ચહેરા પર પણ પોતાની શિક્ષા સાર્થક થઈ નો ભાવ ચમકતો હતો.
તો વ્હાલા મિત્રો આપણી પણ જીંદગી મા આવું જ થાય છે.
આપણાં પાસે મહેનત નો સીધો રસ્તો છે જેમા સફળતાની ગેરેંટી છે પણ આપણે પણ શોર્ટ કટ મારી આગળ નીકળવાની લાલચ રોકી શકતા નથી અને બરબાદ થઈએ છીએ.
આપણે શોર્ટ કટ રૂપે નીચે બતાવેલ રસ્તા પર ઊતરી જઈએ છીએ જેમકે,
ફટાફટ કમાણી કરવા શેર બજાર નો સટ્ટો કરીએ,
લોટરી ની ટીકીટ પાછળ બરબાદ થઈએ,
વધુ વ્યાજ ની લાલચ માં મુદ્દલ રકમ ગુમાવીએ,
ટુંકાગાળા માં પૈસા એક ના ડબલ કરી આપતા ધુતારા થી ફસાઈએ,
અને આના જેવા ઘણાં શોર્ટ કટ મારી ફકીર બની નસીબ ને ગાળો આપતા બેસીએ છીએ.
અને મુકેશ જેવા વિરલા ધીરજપૂર્વક લાંબો રસ્તો પસંદ કરી બાજી મારી જાય છે.
આપણે સો ટકા સફળતા મળે એ રસ્તે જતા આળસ કરીએ કારણકે એ રસ્તો લાંબો છે. અને શોર્ટ કટ મારી આવા પ્રલોભન થી વિનાશ નોતરીએ છીએ.
અને આપણાં કમનસીબે આપણી પાસે દરવખતે મુકેશ નથી હોતા જે આપણને બચાવી લે.
માટે મહેનત રૂપી લાંબો રસ્તો પસંદ કરી સો ટકા સફળતા મેળવો નહીં કે શોર્ટ કટ મારી ટુંકા રસ્તે બરબાદ થાવ.
~ અતુલ ગાલા ( AT) કાંદિવલી,મુંબઈ.