Pratishodh - 2 - 4 in Gujarati Horror Stories by Jatin.R.patel books and stories PDF | પ્રતિશોધ દ્વિતીય અંક: - 4

Featured Books
Categories
Share

પ્રતિશોધ દ્વિતીય અંક: - 4

પ્રતિશોધ દ્વિતીય અંક:

ભાગ-4

કાલી સરોવર, રાજસ્થાન

ભંડારીબાબા દ્વારા આધ્યાને મહારાણીજી કહીને સંબોધવામાં આવતા આધ્યાને ભારે વિસ્મય થયું.. હૃદયનાં ઊંડાણમાંથી આધ્યાને એક અંતરનાદ આવ્યો કે 'મહારાણીજી' શબ્દ એને ઘણી વખત સાંભળેલો હતો.

"શું થયું મહારાણી?" આધ્યાને ચિંતિત મુખમુદ્રા સાથે જડવત બનીને ઊભેલી જોઈ ભંડારી બાબાએ પૂછ્યું.

"તમે મને મહારાણી કેમ કહો છો.?" આધ્યાએ કહ્યું.

"કેમકે, તમે મહારાણી છો."

"હું અને મહારાણી?"

"હા."

"પણ હું તો તમારી જોડે એ જાણવા આવી છું કે.." આધ્યા આગળ બોલે એ પહેલા એની વાત વચ્ચેથી કાપતા ભંડારી બાબાએ કહ્યું.

"એ કે તમારા પતિદેવ અત્યારે ક્યાં છે અને શું સાચેમાં તેઓ માધવપુરના રાજકુમાર છે? સાથે તમારે લોકોને એ પણ જાણવું છે કે માધવપુરનું પતન કઈ રીતે થયું હતું?"

પોતે અહીં શું મંછા સાથે આવ્યા હતાં એ અંગે ભંડારી બાબાએ કઈ રીતે અચૂક અનુમાન લગાવી લીધું એ વાતનું આશ્ચર્ય ત્યાં આવેલા દરેકનાં ચહેરા પર સાફ વંચાતુ હતું, સિવાય ગણપત.!

"હા બાબા, આ લોકો એ જાણવા આવ્યા છે કે આખરે માધવપુરના પતનનું કારણ શું હતું અને આ મેડમના પતિ જેમની જોડેથી માધવપુર રાજપરિવારનું લોકેટ હતું એ સાચેમાં માધવપુરના ઉત્તરાધિકારી છે કે નહીં?" ગણપત ભંડારીબાબાની નજીક પહોંચી એમના ચરણસ્પર્શ કરતા બોલ્યો.

"હું બધું જણાવીશ.." આટલું બોલી ભંડારીબાબાએ ઈશારાથી બાકીનાં લોકોને પોતાની સમીપ આવીને નીચે પાથરેલા આસન પર બેસી જવા આગ્રહ કર્યો; આધ્યાને ભંડારીબાબાએ પોતે બેઠા હતા એ પથ્થર પર બેસવા જણાવ્યું પણ આધ્યાએ એમના આગ્રહનો પ્રેમથી અસ્વીકાર કરી બાકીનાં લોકો સાથે સ્થાન લીધું.

"આજથી લગભગ બસો વર્ષ પહેલાં, માધવપુર એક સુખી અને સમૃદ્ધ નગર હતું. અંગ્રેજોની સમગ્ર ભારતમાં સત્તા હોવા છતાં રાજસ્થાનનાં ઘણા અન્ય રાજપૂત રાજ્યોની માફક માધવપુર હજુ પણ સ્વતંત્ર હતું."

"માધવપુરના લોકોનાં ઉજ્જવળ ભવિષ્ય અને ત્યાંના લોકોનાં ઉચ્ચ જીવનધોરણ માટે માધવપુરના એ સમયનાં રાજા વિક્રમસિંહ ખૂબ જ પ્રયત્નશીલ હતાં. પરોપકારી, પ્રજાપ્રેમી, ઉદાર અને સાહસી વિક્રમસિંહ માધવપુરના લોકો માટે ભગવાન સમાન હતાં."

"વિક્રમસિંહ પોતાની યુવાનીમાં પ્રવેશ કરી ચૂક્યાં હતાં, નાની ઉંમરે પિતા ઉદયસિંહના દેહાંત બાદ વિક્રમસિંહે માત્ર સોળ વર્ષની ઉંમરે રાજગાદી સંભાળી હતી. પોતાની બુદ્ધિશક્તિના જોરે ફક્ત દસ વર્ષના ટૂંકાગાળામાં વિક્રમસિંહે પોતાના પુરોગામી રાજાઓ કરતા વધુ ખ્યાતિ અને નામના પ્રાપ્ત કરી લીધી હતી."

"વિક્રમસિંહના માતા અને માધવપુરના રાજમાતા હતાં ગૌરીદેવી. ખૂબ જ માયાળુ અને પ્રજાવત્સલ ગૌરીદેવી સતત પ્રજાની સલામતી અને શાંતિ માટે પ્રયત્નશીલ રહેતા. વિક્રમસિંહની ઉંમર હવે પરણવાલાયક થઈ ગઈ હતી અને એમનાં માટે સુંદર રાજકુમારીઓના માંગા આવવા શરૂ પણ થઈ ચૂક્યા હતાં. દરેક માંની જેમ ગૌરીદેવી પણ પોતાના પુત્ર પર વિવાહનું દબાણ કરી રહ્યા હતાં, જેને વિક્રમસિંહ કોઈ ને કોઈ કારણ આપી ટાળી દેતાં."

એક દિવસ પોતાના પુત્ર વિક્રમના વિવાહની ચિંતા કરતા રાજમાતા બગીચામાં બેઠા હતાં ત્યારે એમને ચિંતિત જોઈ રાજગુરુ ભાનુનાથ એમને મળવા આવ્યાં.

ભાનુનાથ જેવા નામ એવા ગુણ. ભાનુનાથ સાચેમાં સૂર્યની માફક તેજસ્વી પ્રતિભાનાં ધણી હતાં. ચારેય વેદો, ઉપનિષદો, અનેક ગ્રંથોનું જ્ઞાન ધરાવતા ભાનુનાથ પાસે પોતાની ઇન્દ્રિયોને વશમાં કરવાની અદ્ભૂત આવડત હતી. તેઓ અમુક એવી ચમત્કારિક શક્તિઓ ધરાવતા હતાં જેની ઉપર વિશ્વાસ કરવો સામાન્ય મનુષ્ય માટે અશક્ય હતો. વિક્રમસિંહના પિતાજી મહારાજ ઉદયસિંહના અવસાન બાદ શાસન વ્યવસ્થિત ચાલે એ માટે તેઓ જરૂર પડે વિક્રમસિંહને સલાહસૂચન આપતા, જેનું વિક્રમસિંહ પણ અવશ્ય પાલન કરતાં.

રાજગુરુને ત્યાં આવેલા જોઈ ગૌરી દેવી પોતાના ચહેરા પરની ચિંતાની રેખાઓને દૂર કરવાની કોશિશ કરતા બોલ્યાં.

"ગુરુવર, આપ અહીં?"

"હા, મહારાણી." ભાનુનાથે મૃદુ સ્વરે જવાબ આપતા કહ્યું. "સાંજની પૂજા માટે પુષ્પ લેવા જતો હતો, ત્યાં તમને અહીં ચિંતિત વદને બેસેલા જોયા એટલે તમારી જોડે આવ્યો, તમારી ચિંતાનું કારણ જાણવા.!"

"ચિંતા આમ તો મોટી નથી..પણ એક માં હોવાનાં લીધે આ ચિંતા વારંવાર મનને ઘેરી વળે છે." પોતાના હૃદયનો ભાર રાજગુરુ આગળ ઠાલવતા ગૌરીદેવીએ કહ્યું.

"ચિંતાનું કારણ વિક્રમ છે?" આશ્ચર્ય સાથે રાજગુરુએ પૂછ્યું.

"હા."

"શું કર્યું વિક્રમે?"

"કંઈ કરતો નથી એની જ ચિંતા છે." ગૌરીદેવીએ જણાવ્યું. "એની ઉંમર હવે વિવાહને લાયક થઈ ચૂકી છે. પણ, હું જ્યારે એની સાથે વિવાહ સંબંધી કોઈ વાત કરું તો એ મારી કોઈ વાત કાને ધરતો જ નથી."

"એમાં ચિંતા જેવી શું વાત છે.!" ગૌરીદેવીની વાત પર હસીને ભાનુનાથે કહ્યું. "આ ઉંમરે તો દરેક યુવક આવું જ કરે. મારો પુત્ર સોમનાથ પણ આવું જ કરતો હતો પણ આખરે મેં એને મનાવી લીધો."

"પણ મને લાગે છે વિક્રમ ક્યારેય નહીં માને." ગૌરીદેવીના સ્વરમાં વ્યગ્રતા ભળી ચૂકી હતી. "પ્રજાની ચિંતામાં અને ચિંતામાં એની ઉંમર વીતી જશે."

"એવું કંઈ નહીં થાય.." ભાનુનાથે કહ્યું. "જન્મ અને મરણની માફક વિવાહ પર ઉપરવાળો જ નક્કી કરે છે, એ એનાં સમયે થઈને જ રહે છે. બાકી તમે જ બોલો ક્યાં તમે છેક મદ્રાસના રાજકુમારી અને ક્યાં વિક્રમના પિતાશ્રી ઉદયસિંહ..સ્વપ્નેય પણ તમે વિચાર્યું હતું કે આટલે દૂર તમારાં વિવાહ થશે."

"એ સમય અલગ હતો રાજગુરુ, જ્યારે અત્યારે હવા આપણી વિરુદ્ધ છે. અંગ્રેજોના આક્રમણનો ભય સતત ડરાવતો રહે છે ત્યારે વિક્રમ વહેલી તકે વિવાહ કરી છે એવી મને ઈચ્છા છે." ગૌરીદેવી અકળામણભર્યા સૂરમાં બોલ્યા.

"સારું, તો તમે એક કામ કરો." આટલું કહી ભાનુનાથે ગૌરીદેવીને એક કામ સોંપ્યું. જે સાંભળી ગૌરીદેવીનો ચહેરો હરખાઈ ગયો.

બીજે દિવસે સવારે ગૌરીદેવીએ પોતાના પુત્ર વિક્રમસિંહને પોતાના કક્ષમાં આવવા જણાવ્યું. માંનો આદેશ સ્વીકારી વિક્રમસિંહ બાકીનું કામ પડતું મૂકી રાજમાતાના અંગત કક્ષમાં આવી પહોંચ્યા. વિક્રમ સાથે પોતે ખાનગીમાં ચર્ચા કરવા ઈચ્છે છે એમ કહી ગૌરીદેવીએ પોતાના કક્ષમાં હાજર બધી જ સેવિકાઓને બહાર જવા જણાવી દીધું.

"માં, હું હવે જાણી શકું કે મને આમ અચાનક અહીં બોલાવવાની જરૂર કેમ પડી?" કક્ષમાં પોતે અને ગૌરીદેવી એમ બે વ્યક્તિ જ વધતા વિક્રમસિંહે પૂછ્યું.

"પહેલા મને એક વચન આપ કે તું મારી વાતનો વિરોધ નહીં કરે!" ગૌરીદેવીએ કહ્યું.

"પણ તમે પહેલા તમારી તારી વાત તો જણાવો."

"તું મને વચન આપ, પછી જ હું તારી સમક્ષ મારી વાત રાખીશ."

"સારું, હું વચન આપું છું કે તમે જે કંઈપણ કહેશો એનો હું આદેશ માની સ્વીકાર કરીશ."

"આજથી દસ દિવસ પછી પુષ્કરમાં પાંચ દિવસ ચાલનારો એક ભવ્ય મેળો યોજવાનો છે." ગૌરીદેવીએ ભાનુનાથે જણાવેલી યુક્તિને અજમાવતા કહ્યું. "એ મેળામાં એક તલવાર સ્પર્ધા યોજાય છે જેમાં અવિવાહિત પુરુષો અને અવિવાહિત સ્ત્રીઓ એમ બંને માટે અલગ-અલગ સ્પર્ધા હોય છે."

"હા મને જાણ છે આ વિષયમાં.." વિક્રમસિંહ વચ્ચે બોલી પડ્યો. "વિજેતા સ્ત્રી-પુરુષના ત્યાં આવેલા બ્રહ્મા મંદિરમાં ત્યારબાદ વિવાહ કરાવવામાં આવે છે."

"હા સ્પર્ધાનો એ જ નિયમ છે." ગૌરીદેવીએ ખૂબ જ સાવચેતી સાથે પોતાના શબ્દોનું પ્રયોજન કરતા કહ્યું. "આમ કરવાથી બે સશક્ત સ્ત્રી અને પુરુષને એકબીજાના સાથે જન્મ-જન્માંતર માટે જોડી દેવામાં આવે છે. આ રાજપૂતોને છાજે એવી ઉચ્ચ વિવાહ પ્રથા છે."

"મારે શું કરવાનું છે.?" જે રીતે ગૌરીદેવી પોતાની વાત રાખી રહ્યા હતાં એ સાંભળી વિક્રમસિંહ સમજી ગયા કે નક્કી પોતાની માં એ ખૂબ આગળનું વિચારી રાખ્યું છે.

"તારે પુષ્કર જવાનું છે અને એ સ્પર્ધામાં ભાગ લેવાનો છે." ગૌરુદેવી મૂળ વાત પર આવતા બોલ્યા. "અને લગભગ તું આ સ્પર્ધા જીતી પણ જઈશ."

"લગભગ નહીં." વિશ્વાસથી વિક્રમસિંહે કહ્યું. "સો ટકા હું જ આ સ્પર્ધા જીતીશ. પણ, આવું થશે તો મારા વિવાહ.."

"વિક્રમ, તે મને વચન આપેલું છે. અને રાજપૂત માટે એનું વચન એના પ્રાણથી અધિક મહત્વનું છે." ગૌરીદેવીએ કડક શબ્દોમાં સંભળાવી દીધું.

"સારું, હું તમારી આજ્ઞાનું માન રાખી પુષ્કર જઈશ." મને-કમને વિક્રમસિંહએ પોતાની માંની ઇચ્છાનો સ્વીકાર કરી લીધો.

"વિજયી ભવઃ!" સ્મિતપૂર્વક ગૌરીદેવી બોલ્યા.

ગૌરીદેવી સાથે થયેલી આ વાર્તાલાપનાં દસ દિવસ પછી વિક્રમસિંહ ગુપ્તવેશ ધારણ કરી પુષ્કર જવા નીકળી પડ્યા. જાણીજોઈને તેઓ રાજવી ઠાઠમાઠ સાથે ત્યાં ના ગયાં, કેમકે આમ કરી વિક્રમસિંહ લોકોનાં ધ્યાનમાં આવવા નહોતા માંગતા.

પોતાની અનિચ્છા છતાં પુષ્કર જવા નીકળેલા વિક્રમસિંહ મનોમન એકલિંગ ભગવાનનું સ્મરણ કરી એક જ પ્રાર્થના કરી રહ્યાં હતાં કે સ્ત્રીઓની તલવાર સ્પર્ધામાં વિજયી બનનાર યુવતી એમના મનને પસંદ આવે અને વધુમાં એ માધવપુરની મહારાણી બનવાના દરેક ગુણ ધરાવતી હોય.!

*********

ક્રમશઃ

આગળ શું થવાનું છે એ જાણવા વાંચતા રહો આ સુપર સસ્પેન્સ હોરર નવલકથા "પ્રતિશોધ". આ નવલકથા દર મંગળવારે અને શુક્રવારે રાતે આઠ વાગે આવશે એની નોંધ લેવી.

આ નવલકથા અંગે તમે તમારાં કિંમતી મંતવ્યો મારાં whatsup નંબર 8733097096 પર કે પછી ફેસબુક આઈડી author jatin patel પર આપી શકો છો.

માતૃભારતી પર મારી નાની બેન દિશા પટેલની નોવેલો દિલ કબુતર, ડણક, રૂહ સાથે ઈશ્ક, અનામિકા, haunted picture, રૂહ સાથે ઈશ્ક રિટર્ન અને સેલ્ફી નામક નવલકથાઓ વાંચી શકો છો.

મારી અન્ય નોવેલો માતૃભારતી પર મોજુદ છે જેનાં નામ છે.

ડેવિલ:એક શૈતાન, ડેવિલ રિટર્ન, બેકફૂટ પંચ, ચેક એન્ડ મેટ

સર્પ પ્રેમ, અધૂરી મુલાકાત, આક્રંદ:એક અભિશાપ.

હવસ, હતી એક પાગલ, પ્રેમ-અગન, રુદ્રની પ્રેમકહાની

અને મર્ડર@રિવરફ્રન્ટ

~જતીન.આર.પટેલ (શિવાય)