નકશાનો ભેદ
યશવન્ત મહેતા
પ્રકરણ – ૬ : પપ્પા હો તો આવા !
બાપા હો તો આવા હોવા જોઈએ !
આવા એટલે કેવા ?
વિજયના બાપા જેવા.
વાત મૂનલિટ બોન્ડની હતી. એ કાગળ વિષે, એના વેચાણ વિષે, એના ઘરાકો વિષે પૂછપરછ કરવાની હતી. વિજય કદાચ બરાબર પૂછપરછ નહિ કરે એવો મનોજને ડર હતો. એટલે જ્ઞાનને પણ એણે વિજયની સાથે રાખ્યો હતો.
મનોજના બાપા બહુ કડક હતા. બીજા કેટલાક વડીલોને પણ એ ઓળખતો હતો. એક વડીલ હતા ઇન્સ્પેક્ટર કાચવાલા, અને એમનો કડવો અનુભવ તો એને હમણાં જ થયો હતો. આ બાપાઓ પોતાને મહાચતુર સમજે છે અને છોકરાંઓને મૂરખ સમજે છે. છોકરાંઓની વાતમાં કશો માલ જ ન હોય એવું માને છે. એમની દરેક વાતને એ ટાળી દે છે.
પણ વિજયના બાપા એવા ન નીકળ્યા.
એમણે છોકરાઓને ધમકાવી કાઢ્યા નહિ.
એમણે છોકરાઓની હાંસી કરી નહિ.
એમણે છોકરાઓને વેજા ગણી તરછોડી કાઢ્યા નહિ.
જેવા એ સ્કૂટર લઈને ઘરના ઝાંપામાં પેઠા અને જેવા વિજય અને જ્ઞાન એમના સામા ચાલ્યા, એવો જ એમણે હસીને આવકાર આપ્યો. એમણે કહ્યું, “કેમ, ટાબરિયાઓ, શું ચાલે છે ?”
વિજયે કહ્યું, “પપ્પાજી, અમને તમારી મદદની જરૂર છે. બોલો, મદદ કરશો ને ?”
પપ્પા કહે, “હા, હા, જરૂર ! એમાં કઈ મોટી વાત છે ? બોલો, શી વાત છે ?”
આમ કહીને એમણે તો સ્કૂટરને સ્ટેન્ડ ઉપર ચડાવ્યું, પોતાનું દફતર લીધું, ઘરનાં પગથિયાં ઉપર જ બેસી ગયા અને છોકરાઓની વાત સાંભળવા તૈયાર થઈ ગયા. જ્ઞાનને થયું કે પપ્પા હો તો આવા ! અરે, એમ પણ ના કહ્યું કે મને જરા હાથ-પગ-મોં ધોઈ લેવા દો, જરા થાક ખાવા દો. આ તો પગથિયે જ બેસી પડ્યા. જ્ઞાનને ઘડીભર વિજયની અદેખાઈ આવી ગઈ. એને કેટલા સરસ પપ્પા મળ્યા છે !
વળી હસમુખાય કેટલા બધા ! એ શરીરે જરાક ભારે ખરા. પણ હોઠ તો સદાય હસતા.
વિજયે વાત શરૂ કરી, “અમારે પેલા નવી જાતના કાગળ વિષે થોડીક વાત કરવી છે, પપ્પા. પેલો નવી જાતનો મૂનલિટ કાગળ છે ને.....”
વિજયની વાત સાંભળીને પપ્પાનું કપાળ જરાક ખેંચાયું ખરું; પણ એ તો જરાક જ; અને એનું કારણ પણ તરત જાણવા મળી ગયું.
એ બોલ્યા, “જો, બેટા ! તમારે છોકરાઓને પોતાની ડિટેક્ટિવ કંપની માટે થોડાક મફતિયા કાગળ જોઈતા હશે તો હું જરૂર આપીશ. પણ આ મૂનલિટનું નામ ન દઈશ. એ ખરેખર ખૂબ મોંઘો કાગળ છે.”
જ્ઞાન તરત જ્બોલી ઊઠ્યો, “નહિ, અંકલ, અમારે મફતિયા કાગળ નથી જોઈતા. અમારે તો અમારી ડિટેક્ટિવ એજન્સીના એક કેસ માટે થોડુક જાણવું છે.”
“એમ કે ? શું જાણવું છે ?”
વિજય કહે, “એવું છે ને, પપ્પા...કે અમે આ નવા કાગળનો વોટરમાર્ક જોયો. એવો વોટરમાર્ક બીજા કોઈ કાગળનો ન હોઈ શકે ને એટલે....”
પણ પછી શું કહેવું એ વિજયને સૂઝ્યું નહિ. મૂળે એને કશું કહેવાનું ફાવતું નથી. વાતને કેમ મુદ્દાસર રજૂ કરવી તે એને આવડતું નથી. એમાય અહીં તો ડિટેક્ટિવ એજન્સીનું કામ હતું. હાથ ઉપરના કેસની ગુપ્તતા જાળવી રાખવાની હતી અને છતાં એ માટે જરૂરી માહિતી મેળવવાની હતી. એ કામ ચતુરાઈપૂર્વક કરવું પડે. અને વિજયમાં એવી બધી ચતુરાઈ નહોતી. એટલેસ્તો મનોજે એના સાથમાં જ્ઞાનને મોકલ્યો હતો.
એટલે વાતનો દોર જ્ઞાને પોતાના હાથમાં લઈ લીધો. એણે કહ્યું, “વાત એવી છે, અંકલ, કે અમને એક સવાલ સતાવી રહ્યો છે. ધારો કે એક ડિટેક્ટિવને એક કાગળની ચબરખી જડી છે અને એ જાણવા માગે છે કે એ લખનાર કોણ છે ! શું કાગળના વોટરમાર્ક ઉપરથી એ લખનારનો પત્તો લગાડી શકાય ખરો ?”
જ્ઞાનની આવી વાત સાંભળીને તો વિજયના પપ્પાને ખૂબ રસ પડી ગયો. એ બોલ્યા, “ ફક્ત કાગળની ચબરખી અને એના વોટરમાર્ક પરથી એ લખનારનો પત્તો હમેશાં ન મળી શકે. જો કાગળ બહોળો વપરાશ ધરાવતો હોય તો તો હજારો લોકો એનો ઉપયોગ કરતા હોય.....”
એટલામાં વિજય બોલી ઊઠ્યો, “પણ પપ્પા ! જો એ નાવી જાતનો કાગળ હોય તો ? ધારો કે મૂનલિટ જેવો !”
મૂનલિટનું નામ સાંભળીને વિજયના પપ્પાએ એક નિસાસો નાખ્યો. પહેરણનું એકાદ બટન ખોલ્યું, જાણે મૂનલિટનું નામ સાંભળતાં જ બફારો થઈ ગયો હોય ! એમને મૂનલિટ કાગળનો ધંધો ભારે પડી ગયો હતો એનું આ પરિણામ હતું.
આમ છતાં, છોકરાઓની સામે તો એમણે હસતું મોં જ રાખ્યું. એ બોલ્યા, “જો ચિઠ્ઠીમાં વપરાયેલો કાગળ મૂનલિટ બોન્ડ હોય તો તો સવાલ જ જુદો છે. કારણ કે મૂનલિટ બોન્ડ નવો કાગળ છે. એટલે બહુ લોકો સુધી પહોંચ્યો ન હોય. અને એ ઠીકઠીક મોંઘો છે. આ રીતે શંકાસ્પદ લોકોનું વર્તુળ ઠીકઠીક નાનું બની જાય.”
“યા...હૂ...”
વિજયના પપ્પાની આવી વાત સાંભળીને જ્ઞાનને એટલો બધો આનંદ આવ્યો કે એ હર્ષનો પોકારકરી ઊઠ્યો. જો કે પછી તરત જ એને સમજાયું કે એક વડીલની સામે આવી રીતે ચીસ પાડવી ન જોઈએ. આથી વળી ઠાવકો થઈને એ બોલ્યો, “સોરી, અંકલ ! પણ શું તમે કહી શકો કે હમણાં એ કાગળનો જથ્થો કોની પાસે હશે ?”
“હું તો કહી જ શકું ને ? કારણ કે એની એજન્સી જ મેં રાખેલી છે. અને શહેરમાં હજુ તો એક જ કંપનીને મેં એનો જથ્થો આપ્યો છે. એનું નામ ભગત સ્ટેશનરી કંપની છે.”
જ્ઞાને આગળ પૂછ્યું, “ભગતવાળા તો એ મોટા જથ્થામાં ખરીદી ગયા હશે ને ? એમની પાસેથી નાના જથ્થામાં એ કાગળ એમણે કોને વેચ્યો એ તમે જાણી શકો ખરા ?”
વિજયના પપ્પા કહે, “એ પણ સહેલું છે. ભગતવાળા આજે જ મારી પાસે એનાં રોદણાં રોતા હતા. એ કહેતા હતા કે ગયા આખા મહિના દરમિયાન આ કાગળના ફક્ત ત્રણ જ છૂટક ઘરાક એમને મળ્યા છે. અને એમણે પણ ફક્ત અર્ધો-અર્ધો રીમ કાગળ લીધો છે.”
વિજયના પપ્પાની આ વાત એટલી આનંદજનક હતી કે જ્ઞાનનો તો શ્વાસ જ ઘડીભર થંભી ગયો. વિજય પણ આંખો મીંચી ગયો.
જ્ઞાન આનંદથી ધ્રૂજતા અવાજે બોલ્યો,”એ ત્રણ ઘરાક કોણ કોણ હતા એ તમને ભગતવાળાએ કહ્યું ખરું ?”
વિજયના પપ્પા કહે, ”ના. એ તો એમણે નથી કહ્યું. ખરું પૂછો તો મને જ એવું કશું પૂછવાનું સૂઝ્યું નહોતું. પણ તમારી સાથે વાત કર્યાં પછી હવે મને લાગે છે કે મારે એ પૂછવું જોઈતું હતું. હું જે માલની એજન્સી રાખું છું એના કેવા અને કેટલા ગ્રાહક છે એ જાણવાની પણ મારી ફરજ છે. ખરેખર, છોકરાઓ, તમે મને એક સોનેરી ઇચાર સુઝાડ્યો છે. હું જે પેપર મિલની એજન્સી લઈને બેઠો છું એમને પણ કશોક આઈડિઆ આપી શકીશ કે બજારમાં કેવા કાગળની કેટલી માગ છે.’
જ્ઞાનના આનંદનો પાર ન રહ્યો. “અમારી કદર કરવા બદલ થેન્ક્સ. પણ અંકલ, તમને આ માહિતી મળે એની જરા અમને જાણ કરશો ? છૂટક ઘરાક કેટલા છે અને કોણકોણ છે એની એક યાદી વિજયને આપશો ?”
વિજયના પપ્પા કહે, “હા, હા, જરૂર ! ભગત સ્ટેશનરી કંપની પોતાની બિલ બૂક જોઈને અને મૂનલિટના ગ્રાહકોનાં નામ-સરનામાં આપશે. એની એક નકલ હું તમનેય આપીશ. પછી તમે તમારે ડિટેક્ટિવ-ડિટેક્ટિવ રમજો અને મજા કરજો. જાણે કોઈ ગુનાનું પગેરું મળ્યું છે અને એમાં એક નવી જાતનો કાગળ સંડોવાયેલો છે...પછી પેલા મનોજના ભોંયરામાં બેઠાંબેઠાં તમે માથાફોડ કર્યા કરજો. હા, હા, હા !”
વિજયના પપ્પા હસ્યા. પણ એમના હસવામાં કડવાશ કે કટાક્ષ નહોતાં. જાણે છોકરાંઓની ડિટેક્ટિવ-ડિટેક્ટિવની રમતમાં એમને ખરેખરો આનંદ આવતો હોય એમ એ હસતાં હતા. બાળકોના આનંદે આનંદ પામનારા બાપાઓ દુનિયામાં કેટલા ?
વિજયના પપ્પા સાથની આ બધી વાતચીતનો અહેવાલ જ્ઞાને તરત જ મનોજને આપ્યો. મનોજ પણ ખુશ થઈ ગયો. એ બોલ્યો, “ખરેખર, જ્ઞાન, જો આપણે કદીક મોટેરાંઓને પણ આપણી એજન્સીમાં ભાગીદાર બનાવીશું તો વિજયના પપ્પાનો નંબર પહેલો રાખીશું. આવા મઝાના બાપાઓ નસીબદારને જ મળે છે.”
જો કે આટલું કહ્યા પછી મનોજ પાછો ગંભીર બની ગયો. વિજયના પપ્પા સહકાર આપવા તો રાજી હતા, મૂનલિટ બોન્ડના ગ્રાહકોની યાદી મેળવી આપવા તૈયાર હતા, પરંતુ એ પૂરી યાદી મેળવી શકશે ખરા ? અને એમની યાદી જરાય ઉપયોગી નીવડશે ખરી ?
*#*#*