Degado in Gujarati Short Stories by Arjunsinh Raoulji. books and stories PDF | દેગડો

Featured Books
Categories
Share

દેગડો

-----------------------------------------------। દેગડો ।-------------------------------------------------------

--- અર્જુનસિંહ.કે.રાઉલજી.

મન ખાટું થઈ ગયું હતું રજનીનું ..! આવું તો વળી હોતું હશે ?! એક એલ્યુમિનિયમના જુના પુરાણા , ગોબાયેલા દેગડાની શી કિંમત ? ભંગારમાં પણ માંડ દસ રૂપિયા આવ્યા હતા...! તેમાં તો સમીરે તો જાણે આખું ઘર માથે લીધું હતું . જેનો દેગડો હતો એવા બાપુજી તો કશુ બોલ્યાં નહોતા પણ સમીરે તો જાણે કે તેણે સવિતાબાનું હડહડતું અપમાન કરી નાખ્યું હોય , તેમના ઉપર જનોઇ વઢ ઘા કર્યો હોય તેમ તેને ફરી જ વળ્યો હતો ...અને ન બોલવાનાં વેણ બોલ્યો હતો .

--સા.. ફુવડ છે –અક્કલમઠી ..સંસ્કારો જેવું કશું જ નથી આપ્યું તને તારાં માબાપે ..! એ દેગડો તો બાની ખરેખર યાદગીરી સમાન હતો –તું આજકાલની આવેલી શું જાણે એનું મૂલ્ય ? એની કિંમત પૈસામાં અંકાય એમ નથી ...! તને શું ખબર પડે કે એની સાથે બાની કેટલી બધી લાગણીઓ જોડાયેલી છે ..! કહી એણે તેને ખરેખર ખૂબ ખખડાવી નાખી ..માત્ર ગાલ ઉપર તમાચો મારવાનું જ બાકી રાખ્યું હતું ..! એને હાડોહાડ લાગી આવ્યું હતું અને પરિણામે તેણે મનોમન નક્કી જ કરી નાખ્યું કે ચૂપચાપ આવું અપમાન સહન કરવું એના બદલે ...હા..તેણે સીધી પિયરની જ વાટ પકડી લીધી ..! કમસે કમ પિયરમાં કોઇક તો તેને સાંત્વના આપનારૂં હતુંને ? તેની મમ્મી તેને બાલનાં બછોયાં કરે એવી હતી ...! તેના પપ્પા તો તેના માટે પોતાનો જાન પણ કુરબાન કરવા તૈયાર થઈ જાય એવા હતા ..અને ભાઇ ભાભી તો લાખોમાં એક હતાં.આ રીતે સાસરીમાં સમીરના હાથે જ હડધૂત થવા કરતાં પોતાનાં માબાપ પાસે રહેવું શું ખોટું હતું ? એટલે જ તેણે પિયરની વાટ પકડી હતી .તેણે કીબોર્ડ ઉપરથી પોતાની ગાડીની ચાવી હાથમાં લીધી –તે બાપુજીએ જોયું એટલે તેઓ તરત જ બોલ્યા ,” બેટા રજની , ગાડી લઈ ક્યાં જાવ છો ? “ તેણે સસરા સામે જાણે કે આંખો કાઢતાં જ કહ્યું ,” ક્યાં તે મારાં માબાપ પાસે ..અહીં આવી રીતે હડધૂત થવું તેના કરતાં ત્યાં મારૂં સ્વમાન તો જણવાશેને ? “ “ બેટા , આવી નાની વાતમાં આવા બધા ખેલ કરવા સારા ના લાગે ..તમારાં માબાપની આબરૂને પણ બટ્ટો લાગે ..” કહી તેના સસરા તો શાંત થઈ ગયા પણ ..તેણે તો ચોખ્ખું જ પરખાવી દીધું કે ,”તમારે મન આ ભલે નાની વાત લાગતી હોય ,પણ મારા માટે તો આ મારૂં મોટામાં મોટું અપમાન છે ..” કહી તેણે સમીર તરફ જોયું તો સમીર તેની સામે ઘુરકિયાં જ કરતો હતો ...તેણે ગણકાર્યું નહીં અને બેગ લઈ બહાર નીકળતી હતી ત્યારે જ સમીરના શબ્દો સંભળાયા ,” મને પૂછ્યા વિના જાય છે તો એટલું યાદ રાખજે કે આ ઘરનું પગથિયું તું ઉતરી એટલે પછી આ ઘરનાં બારણાં તારા માટે કાયમ જ બંધ થઈ જશે ..” પણ એમ સમીરની વાત સાંભળે તો તો તે રજની જ નહીં ..! ,” આ ઘરને હવે પૂછે છે મારી જૂતી ..” મનોમન બબડતી તેણે ગાડી ચાલુ કરી ...પણ ન તો સમીર તેને મનાવવા આવ્યો ના તેના સસરા ..! એટલે તેણે ગાડી હંકારી મૂકી પિયરની વાટે ..!

ખરેખર તો વાત જેવી વાત નહોતી .દિવાળી આવતી હતી અને તેણે કામવાળી સાથે ઘરની સાફ સફાઇ ચાલુ કરી હતી ..તેમાં ભગવાનના પૂજાઘરમાં પડેલો એલ્યુમિનિયમનો આ દેગડો ..! કેટલો ખરાબ લાગતો હતો ?એ લોકો કંઇ રેંજીપેંજી હતાં ? પાંચમાં પૂછાતું ઘર હતું એમનું ?! કોઇક આવે અને પૂજાઘરમાં પડેલો આ ગંદો-ગોબરો ,ગોબાયેલો વરસો જૂનો દેગડો જૂએ તો કેટલું ખરાબ લાગે ?! વિચારી તેણે એ દેગડો ભંગારમાં આપી દીધો.બસ.. આટલી અમથી વાત ..પણ સમીરે તો ઘર માથે લીધું –જાણેકે ગામ ગાંડું કર્યું ..! તેનો વાંક એટલો જ હતો કે તેણે બાનો એ દેગડો ભંગારમાં આપતાં પહેલાં ના તો સમીરને પૂછ્યું કે ના બાપુજીને ..! તેને એવું પૂછવાની જરૂર જ નહોતી લાગી ..! તેને આ વાત જ સાવ સામાન્ય લાગતી હતી .નજીવી કિંમતનો ગોબાઇ ગયેલો ,ગંદો એલ્યુમિનિયમનો દેગડો ..કદાચ કામવાળીને આપીએ તો તે પણ તેને મફતમાં પણ ના લઈ જાય –ઘરમાં ભંગાર ભેગો કરવાનો જેને શોખ હોય તેજ એ દેગડાને લઈ જાય .. એવું વિચારી તેણે દેગડો ભંગારમાં આપી દીધો . આમ તો સમીર પૂજાઘરમાં ભાગ્યેજ જાય છે –માત્ર ઓફિસે જતી વખતે માતાજીનાં દર્શન કરવા જાય –તે પણ આંખો બંધ કરી ,બે હાથ જોડી માર્તુવંદના કરી તરત જ ઉતાવળમાં બહાર નીકળી જાય –અને ગાડીની ચાવી લઈ ચાલવા માંડે .વરસોથી –તે પરણીને આવી ત્યારથી જ આ દેગડો પૂજાઘરમાં પડી રહેતો હતો ...ન તો તેનો કોઇ ઉપયોગ હતો કે ના તેને કોઇ અડકતું હતું .પૂજાઘરનો સૌથી વધારે ઉપયોગ તો બાપુજી કરતા હતા –સવારે ક્યારનાય ચાર વાગ્યાના ઉઠી જતા અને નાહી ધોઇ પૂજાઘરમાં બેસી જતા તે ઠેક તે ઉઠીને ચા બનાવતી ત્યાં સુધી ..! બીજો ઉપયોગ તે કરતી..કાયમ નાહીધોઇને પૂજાઘરમાં જઈ દીવા આરતી કરતી –ભગવાનનાં વાસી ફૂલો ઉતારી લેતી , તાજાં ફૂલો ચઢાવી દેતી ...પણ આ દેગડાનો ઉપયોગ કરવાની ન તો તેને ક્યારેય જરૂર પડતી કે ના તેના સસરાને ..! આથી તેણે માની લીધું હતું કે આ દેગડો બિનૌપયોગી જ છે .હા.. તેણે ક્યારેક ક્યારેક બાપુજીને કહેતા અવશ્ય સાંભળ્યા હતા કે – આ દેગડો તમારી સાસુ માલતીબાની નિશાની છે –તેમની યાદગીરી છે –એથી વિશેષ કંઇ જ નહીં ..! હવે તેણે બિનૌપયોગી સમજીને એ દેગડો ભંગારમાં આપી દીધો તો તેમાં તેનો શો વાંક..!? તેમાં સમીરે આટલું બધું બોલવાની શી જરૂર હતી ?

આમેય તેનો સ્વભાવ જ પહેલેથી એવો હતો કે તેને ઘરમાં નકામી પડી રહેલી વસ્તુ ગમે જ નહીં – તે તેનો નિકાલ કરી નાખે ત્યારે જ જંપે ..! આજ દિન સુધી પરણીને આવ્યા પછી તેણે ઘરમાંથી એવી તો કેટલીયે વસ્તુઓ કાઢી નાખી હતી ?! પણ ક્યારેય કોઇ કંઇ બોલ્યું નથી ..! તો પછી આજે કેમ ? તે પરણીને સાસરે આવી ત્યારે માત્ર બે પુરૂષોનું જ ઘર હતું ..! વિચારો કે એ ઘર કેવુંક હશે ? તેને સરખું કરતાં,બધું ગોઠવતાં તેને નાકે દમ આવી ગયો હતો ..! પણ આજે તમે જૂઓ તો ઘર ચકાચક લાગે છે ને ?!

તેને સાસુ માલતીબા પ્રત્યે નફરત હતી કે કોઇ ભાવ નહોતો એવું પણ નથી .તે દર વરસે માલતીબાનું શ્રાધ્ધ પૂરેપૂરી વિધિપૂર્વક કરે છે –નાનકડાં બાળકો જમાડે છે , પાંચ બ્રાહ્મણો જમાડે છે .દાન દક્ષિણા આપે છે .તેમની મરણ તિથિ ઉપર પણ તે પાઠશાળાનાં બાળકોને જમાડે છે ,ઘરમાં કથા કરાવે છે ..સસરાને પણ કેટલા ભાવથી તે સાચવે છે ? તેનાં માબાપે તેને એવા સંસ્કાર આપ્યા છે ..પછી આવી નહીં જેવી વાતમાં સમીર આટ્લો બધો ગુસ્સે થઈ જાય અને ના બોલવાનાં બોલ બોલી નાખે એવું તે કેવી રીતે સહન કરી શકે ?! વિચારોમાંને વિચારોમાં ક્યારે ઘર આવી ગયું તેની પણ તેને ખબર ના પડી .આ તો આંગણાંમાં ભાઇનો પુત્ર સંદીપ રમતો દેખાયો ત્યારે જ ખબર પડી ..લે ..આજે તો તેના માટે ચોકલેટ લાવવાની પણ રહી ગઈ . સંદીપ “ વહાલાં ફોઇ “ બૂમ પાડી તેને બાઝી પડ્યો ત્યારે તેને યાદ આવ્યું કે તેના માટે ચોકલેટ લાવવાની તો રહી ગઈ . સંદીપની બૂમ સાંભળી તેની મમ્મી અને પપ્પા બંને બહાર આવી ગયાં ,” બેટા રજની..આમ અચાનક ..?! “ તેના પપ્પા બોલ્યા . “એકલી જ આવી બેટા ? સમીરકુમારને ટાઇમ ના મળ્યો ?” મમ્મીએ પૂછ્યું ..એ સાથે જ તેના હ્ર્દયનાં બંધનો તૂટી ગયાં અને તે “ મમ્મી..” કરતીને માને બાઝીને રડી પડી .મમ્મીએ તેને થોડીવાર રડવા દીધી , પપ્પા તેના બરડે હાથ ફેરવતા રહ્યા .

થોડીવાર પછી તે શાંત પડી એટલે તેના પપ્પાએ કહ્યું ,” પહેલાં હાથ મોં ધોઇ ફ્રેશ થા ..ચા-નાસ્તો કર ..પછી શું થયું છે તેની ચર્ચા કરીશું ..”તે ઘડીભર તો તેના પપ્પા સામે તાકી રહી –શું બોલવું –તેની પણ તેને ખબર ના પડી ... પણ મન ભારે થઈ ગયું હતું એટલે તે બાથરૂમમાં ઘુસી ગઈ –માથા ઉપર શાવરનો ફુવારો મારીને મન શાંત કરવાનો પ્રયત્ન કર્યો –આમ તો તે નાહીને જ આવી હતી , છતાં પણ ફરીથી નાહી લીધું .મનનો ભાર હળવો થયો હોય એમ લાગ્યું .

બપોરે જમીપરવારીને તેના પપ્પા તો પોતાના રૂમમાં જઈ આડા પડ્યા , આ તેમની જૂની ટેવ હતી – જ્યારના રીટાયર્ડ થયા ત્યારની. બપોરે જમ્યા પછી તેમને અડધો કલાક પણ ઉંઘવું પડતું . નહીંતર તેમનું માથું ચઢી જતું .

તે અને તેની મમ્મી બેઠકરૂમમાં બેઠાં હતાં . તેની મમ્મીને બપોરે ઉંઘવાની ટેવ નહોતી .ભૂલેચૂકે પણ જો તે ઉંઘી ગઈ હોય તો કામવાળી નિરાંતે ઉંઘવા દેતી નહીં –કાં તો પાણી માંગતી કાં બીજી કોઇ ડીમાંડ કરી તેને ઉંઘમાંથી ઉઠાડી દેતી . તેની મમ્મીએ ટીવીનું રીમોટ હાથમાં લઈ તેના તરફ ઇશારો કર્યો કે હવે માંડીને વાત કર ..તેમનું માનવું હતું કે રજની ઉતાવળમાં ગમે તે પગલાં ભરી દેતી હોય છે , એટલે તેનું પોતાનું મન શાંત થાય – તે પોતે એના પગલાં ઉપર થોડોક સમય શાંતિથી જાતે વિચાર કરે પછી જ તેના વિચારો જાણવા ..! એટલે જ એ લોકોએ ઢીલું નાખ્યું હતું .

સાચી વાત હતી .હવે તેનું પોતાનું મન પણ શાંત થઈ ગયું હતું . તેણે માંડીને પોતાની બધી જ વાત તેની મમ્મીને કરી .ખાસ તો તેના સસરા કંઇ બોલ્યા નહીં પણ સમીરે તેનું જે અપમાન કર્યું –નહીં જેવી વાતમાં તેણે તેને ઉતારી પાડી – એનું એને ઘણું ખોટું લાગ્યું હતું –તે વાત તેણે મમ્મીને કરી .

તેની મમ્મી થોડોક સમય તો વિચારતી જ રહી.તેને એ ખબર નહોતી પડતી કે તેની મમ્મી શું વિચારતી હશે ? હા.. એને એટલી તો ખબર હતી કે તેની મમ્મી અને તેની સાસુ માલતીબા બહેનપણીઓ હતી ..તેની મમ્મી અને તેનાં સાસુ સાથે જ ભણ્યાં હતાં –બાળગોઠિયા હતાં ..! તેની મમ્મી તેના તરફ તાકી રહેતાં બોલી ,” તારી બધી વાત સાચી છે બેટા ...પણ હું તને એક નાનકડી વાર્તા કહું તે સાંભળ ..”

એક કોડભરી કન્યા હતી .મનના ખૂબ અરમાન હતા .એ વખતનો જમાનો જુદો હતો –તે જમાનામાં આજની માફક માત્ર સ્વાર્થના જ સબંધો નહોતા . એ કોડભરી કન્યાનાં લગ્ન થયાં .પરણીને સાસરે આવી .તેના ઘરવાળા તેમનાં માબાપનો એકનો એક પુત્ર હતા .વંશવેલો આગળ વધારવાની આખા કુટુંબને હોંશ હોય એ સ્વાભાવિક છે પણ ... એ ક્ન્યા લગ્નના ત્રીજા જ વરસે એક પુત્રને જન્મ આપે છે , પણ એ બાળક જન્મતાં વેંત જ મરી જાય છે –ઘરનાં બધાંજ એનો વાંક કાઢે છે .. ફરીથી બે વરસ બાદ એની એજ વાતનું પુનરાવર્તન થાય છે .બીજું બાળક પણ મરેલું જ જન્મે છે .તે વખતે આજના જેવી કોઇ આધુનિક સુવિધાઓ નહોતી . એ કન્યા અપશુકનિયાળ ગણાવા માંડે છે .આખું ઘર અને બધાં સગાંવહાલાં તેને હડધૂત કરે છે ..વાત આટલેથી અટકતી નથી . તે ક્ન્યાનાં આ રીતે બીજાં પણ ત્રણ ત્રણ સંતાનો મરેલાં અવતરે છે .ઘરનાં બધાંજ હવે તો તેના ઘરવાળાને ફરીથી પરણવવાના પ્રયાસો કરે છે .

હવે એ ગામમાં એક મહાદેવજીનું મંદિર હતું .એક ઉંચા ટેકરા ઉપર ..! મંદિર પણ શાનું ? માત્ર ચોરા ઉપર શિવજીના લિંગની સ્થાપનાકરેલી હતી .પણ ગામના લોકોને એ મહાદેવજી ઉપર અટલ શ્રધ્ધા હતી . ખૂબ ઉંચો ચોતરો હતો અને નીચે ખળખળ વહેતી નર્મદા નદી હતી .મંદિરની ખાસ કોઇ આવક નહોતી .લોકો જે કાંઇ ધર્માદામાં આપે તેનાથી મંદિરનો કારભાર ચાલતો હતો . મંદિરના ગોસાઇ પૂજારી રોજ સવારે ઉઠી નીચે નદીમાંથી દેગડે દેગડે પાણી ભરી લાવતા ....તેનો પોતે પીવામાં ઉપયોગ કરતા અને આખો દિવસ મહાદેવજીની જળાધારીમાં પણ એ પાણી નાખતા . પુજારીને પેલી કોડભરી કન્યા કે જેના પાંચ પાંચ સંતાનો મરણ પામ્યાં હતાં તેની ખબર હતી .એ કન્યા એક સોમવારે દર્શને આવી અને મહાદેવજી સમક્ષ રડી પડી .. પુજારીએ તેને છાની રાખી પછી કહ્યું , “ જો બેટા તને ભગવાન ઉપર શ્રધ્ધા હોય તો હું તને તારા દુ:ખનો ઉપાય બતાવું ..” તેણે હા પાડી ...એટલે પુજારીએ કહ્યું કે –તું એક ટેક રાખ કે જ્યાં સુધી તારાથી બને ત્યાં સુધી તું દેગડે દેગડે જાતે નદીમાંથી પાણી લાવી મહાદેવજીની જળાધારી ભર્યા કરીશ – તેને ખાલી નહીં થવા દે ..તને સારા દિવસો હોય તો પણ જ્યાં સુધી તારાથી ટેકરો ચઢી ઉતરી શકાશે ત્યાં સુધી તું જળાધારી ભરતી રહીશ .

રજની આ અંધશ્રધ્ધાની વાત એકીટશે સાંભળતી હતી –તેને એ ખબર પડતી નહોતી કે આ વાત સાથે તેના દુ:ખને શું સબંધ છે ?

છેવટે પુજારીની વાત સાચી પડી .એ ક્ન્યાને દિવસો રહ્યા .મહાદેવજીની ક્રુપાથી તેને આઠમો મહિનો બેઠો ત્યાં સુધી તે દેગડો લઈ ,નદીમાંથી પાણી ભરી ,ટેકરો ચઢી જળાધારી ભરતી રહી .મહાદેવજીની ક્રુપાથી તેની પ્રસુતિ સારી રીતે પાર પડી ગઈ , દિકરાનો જન્મ થયો અને એ તંદુરસ્ત હતો –જીવ્યો ... એ દિકરો બીજો કોઇ નહીં પણ સમીરકુમાર બેટા –તારા ઘરવાળા .. અને એ દેગડો એજ જેને તેં ભંગારમાં આપી દીધો ..! સમીરકુમાર આ બધું જાણે છે અને એટલે જ તેમને એ દેગડાનો મોહ છે ..!

રજની તેની મમ્મી સામે તાકી રહી ..હવે એને લાગ્યું કે દેગડો ભંગારમાં આપી તેણે કેટલી મોટી ભૂલ કરી છે –તે પોતાની મમ્મીને બાઝી પડી અને તરત જ સમીરને ફોન લગાડ્યો ..!

--- અર્જુનસિંહ.કે.રાઉલજી .

42 , ક્રુષ્ણશાંતિ સોસાયટી-2 , મુજમહુડા , અકોટા રોડ , વડોદરા-390020.

(મો) 9974064991. E.Mail: a.k.raulji@gmail.com