Suryoday - ek navi sharuaat - 20 in Gujarati Fiction Stories by ધબકાર... books and stories PDF | સૂર્યોદય - એક નવી શરૂઆત... - ભાગ :- ૨૦ 

Featured Books
Categories
Share

સૂર્યોદય - એક નવી શરૂઆત... - ભાગ :- ૨૦ 

ભાગ :- ૨૦

આપણે ઓગણીસમાં ભાગમાં જોયું કે સૃષ્ટિને સાર્થક અને સુનિધિ વચ્ચે શું ચાલી રહ્યું છે એ સાથે સાર્થક આગળ વધે એ પણ ચિંતા થઈ રહી છે. નિરવ આટલા વર્ષોમાં પહેલીવાર સૃષ્ટિ અને મનસ્વીને પોતાના જીવનમાં મિસ કરી રહ્યો છે. હવે જોઈએ આગળ સૃષ્ટિના જીવનમાં કેવા વળાંકો આવે છે.

*****

નિરવને અત્યારે તો કાંઈજ સમજાઈ રહ્યું નહોતું કે શું કરવું શું ના કરવું. અનુરાધાની વાત ઉપરથી ઘણા સવાલો પોતાના ભવિષ્ય ઉપર આવીને ઉભા રહેવાના હતા એ સમજાઈ રહ્યું હતું. આથી એ વિચારમાં પડ્યો કે હવે મારે શું કરવું જોઈએ જેથી ફરીથી હું સૃષ્ટિ અને મનસ્વીનો વિશ્વાસ કેળવી આગળ વધી શકું. મનસ્વીના મનમાં પોતાના પિતા નિરવ માટે એવું કાંઈ નહોતું પણ નિરવ એની સૃષ્ટિ સાથેની લાગણીઓ અને નિકટતા જોઈ રિતસરનો હેબતાઈ ગયો હતો. એટલેજ એની ઉપર વિચારોની માયાજાળ ઘેરી પકડ જમાવી રહી હતી. આખરે એણે અત્યારે સૃષ્ટિ અને મનસ્વી સાથે એક્દમ નોર્મલ રહેવાનું નક્કી કર્યું.

મનસ્વીની ફાઇનલ પરીક્ષા આવીને ઊભી રહી હતી. પહેલી વખત નિરવે આ બધાજ દિવસો રજા લઈ લીધી હતી અને એ મનસ્વીનું સંપૂર્ણ ધ્યાન રાખી રહ્યો હતો. સાથે સાથે સૃષ્ટિ સાથે પણ થોડો સમય પસાર કરી લેતો હતો. નિરવ દરેક પરીક્ષાના દિવસે મનસ્વીને પોતાની ગાડીમાં પરીક્ષા કેન્દ્ર લઈ જતો હતો. આ તકનો લાભ લઈ સૃષ્ટિ સાર્થક સાથે વાત કરી લેતી હતી અને કોઈવાર મળી પણ લેતી હતી. સૃષ્ટિ સતત સાર્થકમાં પહેલા જેવી લાગણીઓ હૂંફ શોધવા વલખાં મારી રહી હતી. સૃષ્ટિના મનમાં સાર્થકની કારકિર્દીને લઈને પણ પ્લાન બની ગયો હતો અને એ નવી ઓફિસ માટે નવા લોકેશનની શોધમાં લાગી હતી. એણે સાર્થકને પણ આ વાત કરી રાખી હતી. માત્ર એને મનમાં ક્યાંકને ક્યાંક એવું હતું કે મિત્ર રાકેશને હજુ પેલા પૈસા અને કેટલાએ મહિનાઓથી વ્યાજ પણ આપ્યું નથી તો એની પાસે ફરી પૈસા લેવા કે કેમ.!?

આજે મનસ્વીની છેલ્લી પરીક્ષા હતી. આથી નિરવ અને મનસ્વી સમયસર નીકળી ગયા હતા, સાથે કહેતા ગયા હતા કે થોડું આવતા મોડું થશે કારણ કે મનસ્વીના ફ્રેંડસને પિઝા ખવડાવવાનું કહ્યું છે એટલે અમે પરીક્ષા પૂરી થતાંજ પિઝા ખાઈશું અને પછી આવીશું એટલે ચિંતા ના કરે. નિરવ આટલા દિવસ મનસ્વી સાથે રહી ખુશ હતો. એને એવું લાગી રહ્યું હતું કે આ બહાને એ મનસ્વીની ઘણી નજીક આવ્યો હતો અને એ એને પણ સમજી રહી હતી. હવે વારો સૃષ્ટિને નજીક લાવવાનો હતો એટલે એ કઈ રીતે કરવું એના પણ વિચારમાં હતો.

નિરવને આવતા મોડું થશે આ સાંભળી સૃષ્ટિના મગજમાં તરતજ ઝબકારો થયો. બહુ દિવસથી સાર્થકને મળવાનો લાંબો સમય મળ્યો નહોતો આથી આજે મળશે એમ વિચારી લીધું હતું. એણે નિરવની હાજરીમાંજ સાર્થકને મેસેજ કરી નાખ્યો હતો કે અત્યારે મળવું છે, પણ સાર્થક ઘરે અને ઓનલાઇન હોવા છતાં એના મેસેજનો જવાબ આપી રહ્યો નહોતો. નિરવ અને મનસ્વીના જતાજ એણે સાર્થકને ફોન કર્યો પણ ફોન વ્યસ્ત આવતો હતો. આથી એ સાર્થકના ફોનની રાહ જોવામાં લાગી રહી. વિસ મિનિટ જેવું થયા છતાં હજુપણ ફોન ના આવતા એ ગુસ્સે થઈ અને એણે સાર્થકને ફરી ફોન કર્યો, પણ ફોન હજુ વ્યસ્ત આવતો હતો. આખરે ગુસ્સામાંને ગુસ્સામાં એ ફોન ઉપર ફોન કરવા લાગી. સૃષ્ટિ માટે આ પળ એક્દમ અસહ્ય લાગી કે ફોન કે મેસેજનો એકપણ રિપ્લાય સાર્થકે આપ્યો નહોતો.

"કેમ મારા જેવી તાલાવેલી એને થતી નથી.!?
કેમ મારી વિહવળતા એને હવે સ્પર્શતી નથી.!?
શું આ એક ઉભરો હશે જે શમી ગયો હશે.!?
કે એના જીવનમાં ખાલી જગ્યા રહી નથી.!?"

સૃષ્ટિ સાર્થક સાથે આજે લડી લેવાના મૂડમાં હતી. આ તરફ સાર્થક ખરેખર તો સુનિધિ સાથે વાત કરી રહ્યો હતો એટલે આ વાત સૃષ્ટિ સાથે શેર કરવા માગતો નહોતો અને એટલેજ વાત પત્યા પછી એણે એ કોલ હિસ્ટ્રી ડિલીટ કરી નાખી હતી. એણે તૈયારી રાખી જ હતી કે હવે સૃષ્ટિ બોલશે અને એણે શાંતિથી એ ઉભરો ઠલવાય ત્યાં સુધી રાહ જોવાની છે. હમણાંથી આ જ નિત્યક્રમ બની ગયો હતો. જાણે સાર્થક હમણાંથી આ સંબંધ જીવવાનું ભૂલી નિભાવી રહ્યો હતો. આવું બધુંજ વિચારી સાર્થકે સૃષ્ટિને ફોન કર્યો. સૃષ્ટિ ફોન ઉપાડતા જ રીતસરની સાર્થક ઉપર તૂટી પડી અને કહ્યું કે... "સાર્થક પહેલા માત્ર તું મારા વિચાર માત્રથી મારી સાથે વાત કરવા તત્પર થતો હતો અને આજે તું મને અવોઈડ કરી રહ્યો છે. પણ છોડ એ વાત, મારે અત્યારે તને મળવું છે. હું મળવા આવું છું, તું પણ ત્યાં આવ ને ત્યાં જ આપણે આ બધી વાતો કરીશું. આજે નિરવ મોડો આવવાનો છે એટલે સમય પણ મળશે." સાર્થકના હા કે ના કોઇપણ પ્રકારના પ્રત્યુત્તરની રાહ જોયા વગર સૃષ્ટિએ ફોન મૂકી દીધો અને સાર્થકને મળવા અધિરી થઈ ચાલી નીકળી. આ તરફ સાર્થક પાસે બીજો કોઈજ વિકલ્પ બચ્યો નહોતો આથી એ પણ ફટાફટ એને મળવા માટે નીકળી ગયો.

મનસ્વીની પરીક્ષા ચાલુ થઈ ગઈ હતી અને નિરવ ગાડીમાં બેઠો બેઠો અતિત સાથે પોતાનો ભેટો કરાવી રહ્યો હતો. સૃષ્ટિ સાથે વિતાવેલા એકેએક પળના લેખા જોખા કરવામાં એનુ મન લાગી ગયું હતું. પહેલી રાતથી લઈ આજ સુધીનું એનુ વર્તન અને સૃષ્ટિ સાથેનો એનો વ્યવહાર બધુંજ એના માનસપટ ઉપર એક પિક્ચર ફિલ્મની જેમ ચાલી રહ્યું હતું. ક્યાંકને ક્યાંક નિરવ સમજી રહ્યો હતો કે સૃષ્ટિ અત્યારે કેમ આવું વર્તી રહી છે. અને એને પહેલી વાર ધ્યાનમાં આવ્યું કે સૃષ્ટિ તો પહેલા દિવસથી આજ સુધી સાવ જ બદલાઈ ગઈ છે અને એનાથી એક્દમ વિરુદ્ધ ધ્રુવ ઉપર અળગી થઈ બેસી ગઈ છે.

"વિતી ગયો જે સમય એ પાછો આવવો ક્યાં શક્ય છે.!?
વિરુદ્ધ ધ્રુવ પર જઈને બેઠી છે જિંદગી, મિલન ક્યાં શક્ય છે.!?"

નિરવના મનને કાળા ડિબાંગ વાદળો ઘેરી વળે છે, એનું મન નકારાત્મકતાથી ભરાઈ જાય છે. આજે પહેલીવાર નિરવની આંખોમાંથી અનરાધાર વરસાદ વરસી પડે છે જે ક્યારેય સૃષ્ટિ માટે નહોતો વરસ્યો. ખરેખર આ સૃષ્ટિ દૂર ગઈ એનુ દુખ છે કે પછી નિરવની હાર સ્વીકારી ના શકવાની ભાવના.! પોતે જ પોતાના ઉપર અનેક સવાલો અને વિચારોનો મારો ચલાવી દે છે. સૃષ્ટિની જીંદગીમાંથી પોતાના અસ્તિત્વની ભૂંસાઈ રહેલી છાપ એ પચાવી નહોતો શકતો. નિરવ બધુંજ સમેટી લેવા ઈચ્છે છે. "પણ શું હું આ કરી શકીશ.??" એ સવાલ પણ એટલોજ એને ઘેરી વળે છે. આખરે મનમાં એક સંકલ્પ કરીને રહે છે કે એ સૃષ્ટિને અવકાશમાં વેરાયેલા અસ્તિત્વમાંથી ફરી પકડી પોતાના જીવનમાં લઈ આવશે અને એ માટે એ બધુંજ કરી છૂટશે. અને મનમાં જ એ માટે પ્લાન કરવામાં લાગી ઉઠયો. એટલામાંજ મનસ્વી અને એના મિત્રો આવી પહોંચે છે અને નિરવની તન્દ્રા તૂટે છે.

"પપ્પા શું થયું.!? શું વિચારતા હતા.!?" મનસ્વી સહજ પ્રશ્નો કરી લે છે.

"કાંઈજ નઈ આ તો થોડા દિવસથી ઘરે હોઉં છું એટલે કામના વિચારોમાં ખોવાયેલો હતો. ચાલો બેસો બધા આપણે પીઝા ખાવા જઈએ." સહજ મુદ્રામાં જ આ નિરવ વાત ટાળી નાખે છે.

સખત ગુસ્સામાં સૃષ્ટિ દર વખતની એમની જગ્યાએ બેસી સાર્થકની રાહ જોતી હોંય છે. આજે ખબર હતી કે છેલ્લો દિવસ છે પરીક્ષાનો તો ગમે તે રીતે મળીશું એવું નક્કી હતું તોય હમણાંથી સાર્થક પોતાના પ્રત્યે બેજવાબદાર બન્યો એની નોંધ લઇ એ ગુસ્સામાં હોંય છે. સાર્થક પણ આવતા રસ્તામાં કઈ રીતે સૃષ્ટિ સાથે વાત કરવી અને કઈ રીતે આ પરિસ્થિતિનો સામનો કરવો એ વિચારો સાથે ગાડી દોડાવી રહ્યો હતો. જાણે કોઈ અણધાર્યા એંધાણ આજે વર્તાઈ રહ્યા હતા. સાર્થકને સૃષ્ટિનો અનરાધાર પ્રેમ મળ્યો હતો પણ કોણ જાણે કેમ આજે સાર્થક સૃષ્ટિને મળવા માત્રથી ડરી રહ્યો હતો. આ પળો અહીંજ સમાપ્ત થઈ જાય એ એવું ઇચ્છી રહ્યો હતો.

"અટકી જાય સમય થોડી પળો તો કેવું સારું.!?
આપવા ના પડે જો કોઈ જવાબ તો કેવું સારું.!?
કેમ હવે અલગ ભાવ કોરી ખાય છે મારા મનને,
ઉકેલ મળે હવે મને કોઈ જલ્દી તો કેવું સારું.!?"

નોંધ :- આગળનો ભાગ વાંચવા ફોલો કરો જેથી દર સોમવારે આવતા નવા ભાગની નોટિફિકેશન તમને મળતી રહે.

*****

નિરવ ખરેખર સૃષ્ટિને સમજી શક્યો હતો કે એના અહમને સંતોષવા એ આવું કરી રહ્યો હતો?
સુનિધિ અને સાર્થક વચ્ચે શું ચાલી રહ્યું છે?
નિરવ સૃષ્ટિ અને મનસ્વીને પોતાના જીવનમાં પાછા લાવી શકશે?
સૃષ્ટિના જીવનમાં બીજા શું ઉતાર ચડાવ આવશે?

આ બધા સવાલોનો જવાબ અને એક દીકરી, પત્ની, સ્ત્રીના સપનાઓ અને હકીકતને જાણવા આ વાર્તા વાંચતા રહો. મિત્રો અને સ્નેહીઓ તમારો પ્રતિભાવ ખુબજ મહત્વનો છે. પ્રતિભાવ ચોક્કસ આપતા રહેજો.

Whatsapp :- 8320610092
Insta :- rohit_jsrk

મિત્રો અને સ્નેહીઓ મારી પ્રથમ નવલકથા "અનંત દિશા" ના ૧ થી ૨૧ ભાગ આપને એકસાથે વાંચી અનુભવવા ગમશે. બીજી ટૂંકી વાર્તા આકાશ અને અન્ય વાર્તા, કવિતાઓ પણ વાંચવી ગમશે.

સદા ખુશ રહો...
સદા જીવંત રહો...
સદા સંબંધો મહેકાવતા રહો...
જય શ્રી કૃષ્ણ...

©રોહિત પ્રજાપતિ