શેડ્સ ઓફ પિડિયા- લાગણીઓનો દરિયો
પ્રકરણ ૧૪- "અગ્નિ દાહ...! "
આજે તો હેરતભાઈ ખરું થયુ વૉર્ડમાં,
સાંજના ૫ વાગ્યે સિસ્ટરે મને કહ્યું,
કેમ શું થયું, મેં પૂછ્યું,
"હમણા ૧૦ લોકોનું ટોળું આવ્યું, આવતા વેંત જ વૉર્ડમાં જાસૂસી કરતાં હોય એમ ફરવા લાગ્યા.
પહેલાં મને એમ કે કોઈક પેશન્ટનાં સગા હશે એટલે મેં બહુ ધ્યાન આપ્યું નહીં. પણ થોડી વાર પછી એ લોકો અંદર અંદર કંઈક ઘૂસપૂસ કરવા લાગ્યા. મને ના રહેવાતા મેં તેમને બોલાવ્યા. બધા એ આવતાની સાથે જ "નંદન" નામના બચ્ચાં વિષે પૂછપરછ ચાલુ કરી. હું એમને સમજાવી ને થાકી કે અહીંયા આવુ કોઈ પેશન્ટ નથી, પણ કોઈ માનવા જ તૈયાર ના થાય, એટલામાં એના બીજા સગા આપણા વૉર્ડના પાછળના ભાગમાં આવેલા ખૂણા વાળા કોટ પાસે ગયા,
પહેલા તેમણે એક લીંબુ કાઢ્યું પછી જમીન પર કંઈક ચિતરવાનુ શરૂ કર્યું, મને કંઈક લોચા લાગતા મે બધાને અહીં બોલાવ્યા અને પૂછ્યું આ બધું શું કરો છો?
એમણે કહ્યું,
" યહા પે ૧૦ સાલ પહેલે એક બચ્ચા મર ગયા થા, લેકીન અબ તક ઉસકો મુક્તિ નહિ મીલી, અભી ભી ઉસકી આત્મા ભટક રહી હે, ઉસકી મુક્તિ કે લિયે હમ યહા પે વિધિ કરને આયે હે,..! "
હું તો આ સાંભળીને હેબતાઇ ગઈ, સિસ્ટરે કહ્યું.
પછી તો મેં હિંમત કરીને કહ્યું, "ચલે જાઓ યહા સે વરના મે પોલીસ કો બુલાઉંગી. "
બસ પોલીસનું નામ સાંભળતાં આખી ટોળકી ઉભા પગે ભાગી.
હું અને સિસ્ટર આ વાત પર ખૂબ હસ્યા....!!
આ ઘટનાના ૩ કલાક બાદ,
રાતનો ૮:૦૦ નો સમય,
વૉર્ડના નર્સિંગ ટેબલ પર હું બેઠો હતો, સામે રહેલા બેસિનના નળમાંથી ટપકતા પાણી ને હું જોઈ રહ્યો હતો, સિસ્ટરે કરેલી વાત મારા મગજમાં ફરી રહી હતી, અને અચાનક મને એક ઘટના યાદ આવી,
થોડાક દિવસો પહેલા એક ગામમાં યોજાયેલા કેમ્પ અંતર્ગત અમારે જવાનું થયું,
શાંતિથી એક પછી એક પેશન્ટ અમે જોતા હતા, એટલામાં એક ૮ મહિનાની છોકરી આવી,
"સર આને તાવ ઘણો આવે છે અને શ્વાસ બહુ ફૂલે છે,
પણ શ્વાસમાં ઘણી રાહત છે કાલથી. "
તેની મમ્મી એ કહ્યું.
મેં એક્ઝામિન કર્યું તો મને તે બાળકીના કપાળ પર દાઝેલા ના નિશાન મળ્યા, તેની છાતી પર પણ અદ્લ એવા જ નિશાન.
આ શું થયું છે, મેં પૂછ્યું,
"સર, એતો બચ્ચીને વરાદ હતી તો તેની છાતીની ગરમી કાઢવા નો એક રસ્તો કર્યો છે. "
"એટલે કર્યું છે શું,? "
મેં કડકાઈથી પૂછ્યું.
"સર થોડાક ડામ આપ્યા છે,
ગરમ ચીપિયાથી.
પવિત્ર અગ્નિથી બધી છાતીની ગરમી નીકળી જાય............!!! "
કાબૂ ના કરી શકાય તેટલો ગુસ્સો હતો,
અંધશ્રદ્ધા નો ભોગ ફરી એક બચ્ચુ બન્યું હતું.
"બેન, બુદ્ધિ જેવું આપ્યું છે કે નહિ?,
તને આવા ડામ આપુ પછી ખબર પડશે કે તકલીફ કોને કહેવાય. "
તેણે નફ્ફટાઈથી કહ્યું,
"મારી સાસુ એ કિધુ હતું, છાતીની વરાદ કાઢવા માટે,
એટલે કર્યું છે. "
જ્યારે તાવ વધારે આવે ત્યારે શ્વાસ ફૂલવો ઘણી કોમન વાત છે,
તાવ ઉતરે એટલે "ટેકે્પ્નિયા" ઓછું થઈ જાય.
પણ આ વાત મગજ વગરના અંધ શ્રદ્ધાળુઓ ને સમજવી વ્યર્થ છે.
"આજ પછી આવુ જો તે ફરીથી કર્યું તો તારી અને તારી સાસુ પર પોલીસ કેસ કરતા હું નઈ અટકું. "
ગુસ્સામાં સીધી ધમકી જ મેં તેને આપી.
તેણે બે હાથ જોડીને કહ્યું,
"આજ પછી આવું નઈ થાય. "
અને તે નીકળી ગઈ.
નળમાંથી પાણી હજુ ટપકી રહ્યુંં હતું.
આ પાણીની જેમ કેટલીય ઝિંદગી અંધશ્રધ્ધામા વહી ગઈ હશે તેનો ક્યાસ કાઢવો અશક્ય છે.
"રાઉન્ડ રેડી??? "
પાછળથી દીદીનો અવાજ આવ્યો.
રાઉન્ડતો રેડી હતો, પણ આ અંધારી રાતમાં કેટલાય માસૂમ ને "અગ્નિ દાહ" અપાતા હશે, એ વિચાર જ વૉર્ડમાં આવેલા તાંત્રિકો કરતા ખતરનાક હતો.....!!!
ડૉ. હેરત ઉદાવત.