Pattano Mahel - 8 in Gujarati Moral Stories by Vijay Shah books and stories PDF | પત્તાનો મહેલ - 8

Featured Books
Categories
Share

પત્તાનો મહેલ - 8

પ્રકરણ (8)

 

‘‘હા, સવારે મોર્નીંગ સિકનેસ લાગતી હતી. તેથી મોડી ઊઠી હતી – અને પરવારીને આવતા વાર લાગી. હવે ત્યાં કેટલા દિવસ રહેવાનો છું?જલ્દી જલ્દી આવને ભાઈ..’

 

‘એય મને ગાળ દે છે?’

 

‘કેમ?’

 

‘ભાઈ કહે છે ને ’

 

‘ઓહ સોરી ! હવે ત્યાં શું થયું તે તો કહે.’

 

‘અહીં રાજીવની ફર્મમાં પાર્ટનર બની ગયો છું. મુંબઈ બ્રાંચ ખોલવાની છે. ઘણું બધું કામ છે. મારી સાથે શ્યામલી ઝવેરી નામની મારી ક્લાસમૅટ પણ છે. અમે ચાર પાર્ટનર અને બ્રાંચ માટેની ફોર્માલીટી પતાવીને થોડુંક કામ શીખીને પંદર દિવસે આવવાનો હતો પણ હવે લાગે છે કે હું સાંજે જ આવું છું.’

 

‘કેવી રીતે – સાંજની ટ્રેનમાં બેસીશ તો બીજે દિવસે સાંજે આવી રહીશ.’

 

‘પ્લેનમાં આવું છું.’

 

‘શું વાત કરે છે ? પાછો હવામાં ઊડવા લાગ્યો કે…’

 

‘ના, ખરેખર. અને હા junior ને સંભાળજે – એને માટે શું લાવું?’  

 

‘એના પપ્પા.’

 

શર્વરીએ ફોન ડીસકનેક્ટ કર્યો. એનાં મોં ઉપર ચમકતી હાસ્યની આભા જોઈને બનારસીદાસ કળી ગયા કે તે દાદા બની ગયા છે.

 

Congrats – બનારસીદાસે નજીક આવીને શર્વરીને કહ્યું.

 

‘શાના ?’

 

‘જે સમાચાર ફોન ઉપર મળ્યા – આપ્યા બંનેના’

 

‘નિલયના એક ફ્રેન્ડની ફર્મમાં એ પાર્ટનર તરીકે જોડાય છે. મુંબઈમાં જ બ્રાંચ ખોલે છે.’

 

‘અને બીજા સમાચાર?’

 

‘Morning sickness ચાલુ થઈ છે.’

 

‘શું?’

 

‘તમે દાદા બનો છો.’ આ સમાચાર સાંભળવા જાણે એ તરસી રહ્યા હોય તેમ લાગ્યું… તેમના મોંમાંથી નીકળ્યું.  ‘God bless you my child’

 

ઑફિસના રુટીન કાર્યમાં તેણે મન પરોવ્યું. દુ:ખના દિવસો પૂરા થતા જાણે મોં ઉપર જે હાશ જણાય તે હાશ શર્વરીના મનમાં હતી. દુ:ખના પંદર વર્ષમાં તેણે ભૌતિક આબાદી લાવવા તન તોડી નાંખ્યું હતું.

 

હવે નાનો નિલય… નાની શર્વરી… તેના નાના નાના પગ… ખીલ ખીલ થતું હાસ્ય… એના સ્વપ્નમાં તે ખોવાવા માંડી. એના શરીરમાં નાના નાના અંકુરો ફૂટતા હતા – થોડુંક દર્દ પણ થતું હતું – પણ આવનારા દિવસોમાં ત સંતાન એમને બંનેને સાંકળનારું પરિબળ હતું. તેના મનમાં તે બાળૅકને ઝંખતી હતી. તે દિવસે… તે ધન્ય ઘડી તેને લાભી ગઈ હતી.

 

આખી ઑફિસમાં વાત પવનની જેમ વહી ગઈ. બપોરની ટી – હાઈ ટી બની ગઈ. શર્વરી – થોડીક શરમાઈ પણ અંતે માતૃત્વનું ગૌરવ પણ તેને હરખાવી ગયું.

 

દિવસ ઢળી ગયો.

 

સાંજની ફ્લાઈટમાં નિલય આવે છે એ વાત તેને ખૂબ જ આનંદપ્રદ હતી. તેથી ઑફિસથી વહેલી નીકળી. ટ્રેનમાં અથડાવાને બદલે ટૅક્સી કરી લીધી.

 

ઘરે જઈ, નહાઈને સુંદર રીતે નિલયને ગમતી આછી બદામી કલરની સાડી કાઢીને પહેરી, ડ્રેસિંગ ટેબલ ઉપર વાળ ઓળવા બેઠી. અરીસામાં તેને પોતાના હસુ હસુ થતા ચહેરાને જોયા કર્યો અને આછો મેકઅપ કર્યો. નાનો ચાંદલો કર્યો અને સજ્જ થઈને નિલયની રાહ જોતી બેસી રહી.

 

ઘડિયાળ જાણે આગળ ખસવાનું નામ જ નહોતી દેતી – સાત વાગ્યાની ફ્લાઈટમાં નિલય આવવો જોઇએ… નીચે ટ્રાફિક ઘટતો જતો હતો. બાજુના ઘરમાં ટીવી ઉપર કોઈક વેસ્ટર્ન મુઝીક વાગતું હતું. આકાશમાં ઝાંખા વાદળા દેખાતા હતા. મુંબઈની સાંજ આટલી સુંદર હોય છે તેવું તેણે પહેલી વખત અનુભવ્યું. મનમાં શાંતિ હોય તો… એ વિચારથી જ એ મનોમન હસી પડી.

 

પહેલા નિલય બાળકને ઝંખતો હતો પણ શર્વરી તે બાબતે વિરુદ્ધ હતી. તેથી તો નિલયનો ભયંકર ગુસ્સો અને આક્રોશ સહન કરીને પણ બે વખત ઍબોર્શન કરાવ્યું હતું. હવે એ ઇચ્છતી હતી એ રીતે બધું ગોઠવાઈ ગયું હતું. નિલયને યોગ્ય જગ્યા, તેનો પોતાનો ફ્લૅટ અને માનસિક રીતે માતૃત્વની તૈયારી અને તેથી જ તો તેને આ પરિસ્થિતિનો અગાઉની પરિસ્થિતિ કરતાં તફાવત લાગતો હતો.

 

બરોબર સાત ને વીસે નિલય આવ્યો. જોરથી દોડીને શર્વરી તેને ભેટી પડી. એને કોણ જાણે નિલયની ખૂબ રાહ જોઈ હતી. તેને ખૂબ જ વહાલ આવતું હતું. નિલય જાણ કે નાનો બાળક હોય તેમ તેના ચહેરાને વહાલથી તે ચુમતી હતી. નિલુ – નિલુ – I was missing you – I was missing you – જેવો ગણગણાટ તેના કાનમાં કરી છૂટી પડી.

 

નિલય પ્રૌઢ બનીને તેની હરકતને અનુભવી રહ્યો હતો.

 

રાત શર્વરીની સાથે રહીને બીજે દિવસે સવારની ફ્લાઈટમાં નિલય બેંગ્લોર રવાના થઈ ગયો. આવનાર બાળકના ભાવિનું આ શુકન હતું. તેના પગલા સારા હતા.  

 

પેરેમાઉન્ટ કંસ્ટ્રક્શનની કંપનીની ઑફિસ બેંગ્લોરના પોશ વિસ્તારમાં હતી. સાત માળનું સેન્ટ્રલી એરકન્ડીશન્ડ મકાન હતું. Administration, EDP section, Deposite acceptance, recovery and Loan department  એમ પાંચ માળમાં આખી ઑફિસ આવી જતી હતી. સ્ટોર અને પરચેઝ રાજીવના હાથમાં  હતા એકાઉન્ટ શ્યામલી જોતી હતી.

 

શ્યામલી અને રાજીવની ચેમ્બર સાતમા માળે હતી. બહાર વિશાળ વેઇટિંગ રૂમ ફોન રીસેપ્શનીસ્ટ, સેક્રેટરી, ઈન્ટરકોમ  વગેરે સુવિધાથી સજ્જ ઑફિસ જોઇને નિલય આનંદિત હતો.

 

રાજીવની કૅબિનમાં બેસીને તેણે વેસ્ટર્ન રીજીયન માટેનો પ્રોગ્રામ ઘડવા માંડ્યો. કંપનીની પોલીસ મૅટરમાં કંપની બેરોજગાર યુવકોને employment આપી નાની બચતો વ્યાજબી વ્યાજ દરે લેતી અને એ રકમ અમુક મર્યાદામાં આવે એટલે લોન માટેની એની યોગ્યતા તપાસી મકાન માટે લોન અપાતી. આ દરેક તબક્કામાં “વિશ્વાસ” બહુ જ અગત્યનું પરિબળ હતું. કંપનીની પ્રેસ્ટીજ ઉપર જ્યાં જ્યાં કંસ્ટક્શન થતાં ત્યાં ત્યાં ઘણું ઘણું લાંબા ગાળાના ધિરાણ ઉપર મળતું.

 

રાજીવે કૉલ્ડ કોફીનો કપ પૂરો કરતાં નિલયને કહ્યું.  ‘નિલય – અહીંયાં આપણે માણસોને સ્વપ્નો વેચીએ છીએ. આજે બચત કરો યોગ્યતા મેળવો કાલે મકાનમાં બાંધકામ માટે જરૂરી લોન અમે તમને આપીશું. અહીંયા એક સૂત્ર ‘રૂપિયા બચાવો આજે ઘર મેળવો કાલે’ બહુ સફળતા પૂર્વક ચાલ્યું હતું હવે જોઇએ વેસ્ટર્ન પાર્ટમાં આની શું અસર થાય છે?’   

 

નિલયે શાંતિથી વિચારીને કહ્યું – ‘રાજીવ ! આ પશ્ચિમ ભારત એટલે મહારાષ્ટ્ર, ગુજરાત અને રાજસ્થાન એકદમ સમૃધ્ધ પ્રજા છે. બચત તો તેમની ગળથૂથીમાં છે. તેથી બચત વાળી વાત પછી, પણ ઘરની વાત પહેલા. તેથી મને લાગે છે આપણે કાંઈક આવું સૂત્ર આપીએ કે જે તેમની જ મૂળભૂત જરૂરિયાતને સંતોષે.’

 

’તું સજેસ્ટ કર’

 

‘ઘરનું ઘર – પેરમાઉન્ટ સંગ ’

 

‘હં.. બીજું કંઈક?’

 

‘સુગરીનો સંદેશ – જાગો સમયસર

 

બનાવો નાનું (પોતાનું) ઘર પેરેમાઉન્ટ પર’

 

‘ઠીક છે. હજી કંઈક વધુ  કસ’

 

‘આપ બેરોજગાર છો?  બેઘર છો?

 

તમને  પેરેમાઉન્ટ રોજી સાથે ઘર આપશે.’

 

‘બહુ જામતું નથી.’

 

‘દરેકની છે એક જ વાત

 

રોટી કપડા અને મકાન ’    

 

‘હં.. કાંઈક ઠીક છે.’

 

‘મકાન મકાન કહેવું સરળ

 

મકાન મકાન બનાવું સરળ ’

 

‘પેરેમાઉન્ટનાં ટેકે ચાલો કહીએ

 

આજે બચત મકાન થાશે કાલે તરત’

 

‘ખેર ! હજી મગજ કસ બરાબર લાગશે એટલે એડવર્ટાઈઝ  કેમ્પેઈન ચાલુ કરી દઈશ.’

 

‘ના, રાજીવ ઉતાવળ નથી કરવી મકાન માટેની ઓફરો પર સહેજ ધ્યાન લઈ લઈએ પછી આગળ વાત.’

 

‘જો નિલય, મુંબઈ બ્રાંચ તારે સંભાળવાની છે એટલે માણસોને તું આજે ફાઈનલ કરજે અને તારે કોઈક લેટર ડ્રાફ્ટ કરવા – કરાવવાના હોય તો સ્ટેનોને કહી દેજે, He is fast and efficient.’

 

‘ભલે, તો બધી ઑફર્સ જોઈને હું નક્કી કરી લઈશ. આપણે ૪૦૦૦ સ્ક્વેર ફૂટ જગ્યા લઈશું અને બજેટ ક્યાં સુધીનું છે?’

 

‘તું શું કામ ચિંતા કરે છે? સારી જગ્યા એટલે ઉંચા ભાવ. પાંચસોથી હજાર રૂપિયા સુધી ચિંતા ન કરતો કંપનીની ફીક્ષ્ડ ઍસેટમાં ઉમેરો જેટલો વધુ થશે એટલું સારું જ છે.’

 

‘હં હવે દરેક ડિપાર્ટમેન્ટની કાર્ય પધ્ધતિ સમજવી પડશે . હું સેલ્સમાં હીરો થઈ શકીશ પણ બીજે બધે ઝીરો હોઇશ તો કેવી રીતે ચાલશે?’

 

‘ચાલ એક પછી એક ડિપાર્ટમેન્ટનું રાઉન્ડ લગાવીએ.’

 

Administration Departmentમાં sales promotion, Development તથા Advertisement નું કામ થતું હતું. પર્સનલ ડિપાર્ટમેન્ટ નાનું હતું. નાની બચતોને મોટીવેટ કરવા રખાતા માણસોના ફોટા – તેઓના દ્વારા થયેલ દરેક વર્ષના કાર્યોનો હિસાબ તથા કાનુની બાબતોનો તેમાં સમાવેશ થતો હતો. ઈડીપી સેક્શનમાં આ માણસો દ્વારા લવાયેલ દરેક ડીપોઝીટરોનો કોમ્પ્યુટર્સ દ્વારા ખાતા પાડીને હિસાબ રખાતો. જેમના હપ્તા નિયત સમય પહેલા ભરાતા તેમને વ્યાજમાં અમુક રકમ માફ તથા આ હપ્તાઓ ઉઘરાવી લાવનારને અમુક પ્રોત્સાહન ઈનામો વગેરેની સમયોચિત ચુકવણી થતી રહેતી.

 

ડીપોઝીટ એસેપ્ટન્સ બેંકની જેમ હપ્તા જમા લેતું તથા તેની પાકી પહોંચ ઈશ્યુ કરતું. દરેકે દરેક ડીપોઝીટોની નોંધણી પછી તે રકમો પુન: રોકાણ માટે બેંકોમાં જમા થતી.

 

લોન અને રીકવરી ડિપાર્ટમેન્ટની વાત જ ન્યારી હતી. લોન ડિપાર્ટમેન્ટમાં કાગળો પ્રોસેસ લઈ ફાઈનલ મંજૂરી માટે રાજીવ પાસે આવતા હતાં. તેમના જેટલો સ્ટાફ હતો તેનાથી દસમા ભાગનો સ્ટાફ રીકવરી સેક્શનમાં નહોતો રીકવરી કરવાની જરૂર બહુ જ ઓછા કેસમાં પડતી. રાજીવની આ માસ્ટરી હતી એણે કોઈ પણ લોન કાચી કે ખોટી વ્યક્તિને આપી નહોતી. સ્ટોર અને પરચેઝમાં મોટા પ્રોજેક્ટ જ રાજીવ હાથમાં લેતો બાકી નીચેના અમલદારો દ્વારા ઘણું થતું હતું.

 

બધા ડિપાર્ટમેન્ટમાં ફરતા નિલય રાજીવને આખો દિવસ લાગ્યો નિલય જોઈ શકતો હતો. રાજીવ સપૂર્ણ રીતે છવાયેલો હતો. તેણે દક્ષિણ ભારતના ચાર રાજ્યોમાં સફળતાપૂર્વક હરીફાઈનું વાતાવરણ પેદા કરીને છેલ્લા ચાર વર્ષમાં ધાક જમાવી હતી. પાછા ફરતા શ્યામલીની ચેમ્બર તરફ તેઓ વધ્યા.

 

નિલયે રાજીવને પૂછ્યું – ‘રાજીવ લોન આપતી વખતે માણસની પરખ કેવી રીતે તું કરે છે?’

 

રાજીવે એના પ્રશ્નને બિરદાવતા કહ્યું ‘નિલય – ખોટાના મનમાં બીક હોય છે પકડાયાની અને સાચાને સહેજ પણ થડકાર હોતો નથી.’

 

‘જ્યારે રૂબરૂ પ્રશ્નોત્તરી કરીએ ત્યારે જુઠ્ઠો પકડાયા વિના રહેતો નથી અને સાચો દરેક પ્રશ્નોના જવાબો સ્વસ્થતાપૂર્વક આપે છે. વળી ડોક્યુમેન્ટ્સ અને અંદરનો અવાજ એમ બે ત્રણ પરિબળો છે