Seema in Gujarati Short Stories by Anil Patel_Bunny books and stories PDF | સીમા

Featured Books
Categories
Share

સીમા

ધોધમાર વરસાદ માં ચાર રસ્તા ની વચ્ચે ઉભી રહીને સીમા પોતાના અશ્રુઓ ને છુપાવવા નિષ્ફળ પ્રયાસ કરી રહી હતી. ત્યાં થી પસાર થઈ રહેલા બધા લોકો તેને જ નિહાળી રહ્યા હતા, પરંતુ કોઈ તેની મદદ કરવા નહોતા આવી રહ્યા. સીમા ને કંઈ જ સૂઝતું ના હતું, તે એક જગ્યાએ બેસીને પોક મુકીને રડવા લાગી. ત્યાંથી પસાર થઈ રહેલા એક વ્યક્તિએ તેને પૂછ્યું પણ કોઈ જવાબ ના મળ્યો. થોડી જ વાર માં ત્યાં ટોળું એકત્ર થઈ ગયું. બધા સીમા ને પૂછી રહ્યા હતા કે તે શું કામ રડે છે? પણ સીમા કોઈને જવાબ આપી રહી ના હતી.
એકત્રિત ટોળા ને જોઈને સંજયે પોતાની બાઇક સાઈડ માં મૂકીને આતુરતાપૂર્વક શું થઈ રહ્યું છે તે જોવા પ્રયાસ કર્યો. જેમ જ તે ભીડ ની અંદર દાખલ થયો એના આશ્ચર્ય નો પાર ના રહ્યો.
“સીમા? આ શું થયું છે તને?” સંજયે કહ્યું.
જાણીતો અવાજ સાંભળીને અને એ અવાજ માં પોતાનું નામ સાંભળીને સીમા એ ઉપર તરફ નજર કરી અને સંજય ને જોઈને વધુ રડમસ અવાજે સીમા એ કહ્યું,
“સંજય! મારે નથી જીવવું, મરી જવું છે…”
સંજયે ભીડ માં લોકો ને કહ્યું કે સીમા એની મિત્ર છે તેમ છતાં લોકો કુતૂહલતા ને વશ થઈને શું થયું છે એ જાણવા મથતા રહ્યા, છેવટે સંજય સીમા ને બાઇક પર લઈને પોતાના ઘરે લઈ ગયો. ઘરે જઈને સંજય ની પત્ની પૂર્વી એ સીમા ને કપડાં બદલવા આપ્યા.
થોડીક વાર પછી પૂર્વી ચા નાસ્તો લઈને આવી પણ સીમા કંઈ પણ ખાવા કે પીવામાં ધ્યાન આપતી ના હતી. પૂર્વી અને સંજયે એને ઘણું પૂછ્યું પણ તે કંઈ બોલતી પણ ના હતી.
“સીમા તને મારા સમ છે, શું થયું છે અમને જણાવીશ? આમ રસ્તા વચ્ચે ઉભી રહીને કેમ રડતી હતી? અને શું કામ તું મરવા ઈચ્છે છે? રોહિતે કંઈ કીધું તને? તારા બંને બાળકો નું તો થોડુંક ધ્યાન કર. એ બંને ને મૂકીને તું આમ મરવા શું કામ માંગે છે?” સંજયે પૂછ્યું.
“મેં જે પાપ કર્યું છે એના માટે મોત જ સજા છે.” સીમા એ કહ્યું.
“એવું તે ક્યું પાપ કર્યું છે?” સંજયે પૂછ્યું.
“પ્રેમ કર્યો છે એ જ સૌથી મોટું પાપ છે.” સીમા એ કહ્યું.
“આખી વાત કહીશ? શું થયું છે?” સંજયે વિનંતી કરતા પૂછ્યું.
સીમા થોડીવાર શાંત રહી અને પછી રડવા લાગી, પછી સ્વસ્થ થતા તેણે આખી વાત કહી,

કોલેજ સમય માં મને રાજ થી પ્રેમ હતો, એ વાત સંજય ને ખબર જ છે. આખી કોલેજ ને આ વાત ખબર હતી, પણ એ સમય માં સંજોગોવશાત અમારા લગ્ન ના થયા. એ મારો પ્રથમ પ્રેમ હતો. એને હું કદી ભૂલી શકું એમ ના હતી. અમે બંને એ સાથે મળીને નક્કી કર્યું હતું કે લગ્ન ના થયા તો શું મૈત્રી તો રાખી જ શકાય. પ્રેમ ને એક ખૂણામાં દફન કરીને અમે અમારી મિત્રતા ને જીવતી રાખીશું.
મારા લગ્ન રોહિત સાથે થયા. મન ને મનાવીને અને પરિવાર નું માનીને અમે બંને એ લગ્ન કર્યા. રોહિત ને અમારા બંને ના પ્રેમ વિશે જાણ ના હતી. લગ્ન કર્યા બાદ પણ મેં રાજ સાથે વાતચીત ચાલુ જ રાખી હતી. હું એને મિત્ર ની જેમ જ રાખતી હતી. થોડાક સમય માં રાજ ના લગ્ન પણ થઈ ગયા. મેં રોહિત ને મારી અને રાજ ની મિત્રતા વિશે જણાવ્યું હતું. મેં બધા મિત્રો વિશે જણાવ્યું હતું એમ એનું નામ પણ જણાવ્યું હતું. અમારી બંને ની લાઈફ વ્યવસ્થિત ચાલી રહી હતી. મારે એક પુત્રી નો જન્મ થયો એના થોડા સમય બાદ રાજ ને ત્યાં પણ એક દીકરી અવતરી. જેમ જેમ સમય જતો ગયો એમ એમ મારો રોહિત પ્રત્યે નો પ્રેમ ઘટતો ગયો અને રાજ પ્રત્યે નો દફન થયેલો પ્રેમ જીવિત થતો ગયો.
સાસરિયાં માં રોજ રોજ ની કચકચ થી હું કંટાળી ગઈ હતી. મારે જેમ જીવવું હતું એમ હું જીવી શકતી ના હતી. મારે જે કરવું હતું એ હું કરી શકતી ના હતી. આ જીવન થી હું હતાશ થઈ ગઈ હતી. એવામાં મેં બીજી વાર ગર્ભ ધારણ કર્યો અને એ સમય માં એક સ્ત્રી એના પતિ પાસેથી જે અપેક્ષા કરતી હોઈ છે એ જ અપેક્ષા મેં રોહિત થી કરી. અપેક્ષાઓ હંમેશા નિરાશા જ આપે છે, મારી સાથે પણ એવું જ થયું.ધીમે ધીમે મને રોહિત પ્રત્યે અણગમો થવા લાગ્યો અને રાજ પ્રત્યે મને ફરી થી ફીલિંગ થવા લાગી.
જ્યારે હું બીજી વાર મા બની ત્યારે મને ખુશી તો થઈ પણ કંઈક અધૂરપ જેવું અનુભવ્યું. રોહિત પહેલા જેવું વર્તી રહ્યો ના હતો. હું મારા મન નું બધું જ રાજ સાથે શેર કરવા લાગી. એ મને બધી વાત માં સમજાવવા લાગ્યો. જે પ્રકારે એ મને સમજાવતો જે સમજણ એ દાખવતો એ મને ક્યારેય રોહિત માં ના દેખાતી. મેં રાજ અને રોહિત ની સરખામણી કરી ત્યારે જાણ્યું કે રાજ રોહિત કરતા લાખ દરજ્જે સારો છે, સાથે એ મને ના મળ્યો એનો અફસોસ પણ થવા લાગ્યો હતો.
એક દિવસ મને જાણવા મળ્યું કે રાજ ને પણ મારા પ્રતિ આવી જ ફીલિંગ થાય છે, બસ પછી શું હતું. બંને એ પોતાના અધૂરપ ને પુરી કરવા પ્રયાસ ચાલુ કર્યા. અમે બંને એકબીજા ને મળવા લાગ્યા, એકબીજા ને ફરીથી સમજવા લાગ્યા. મન માં પહેલા બીક રહેતી કે આ અમે ખોટું કરી રહ્યા છીએ, પરંતુ જ્યારે અમે બંને સાથે હોતા હતા ત્યારે અમને એકબીજા સિવાય કોઈ સૂઝતું ના હતું. મારી વાણી માં અને મારા વર્તન માં ઘણો ફેરફાર થવા લાગ્યો હતો. હું રોહિત ની અને મારા પરિવાર ની દેખરેખ નહોતી રાખી શકતી.
એક દિવસ તો આ ભાંડો ફૂટવાનો જ હતો અને એ દિવસ આવી જ ગયો. રોહિતે મને રાજ સાથે વાતચીત કરતા જોઈ લીધો અને મારો મોબાઈલ ચેક કરતા અમારી ચેટિંગ પણ વાંચી લીધી. એ દિવસે અમારા બંને વચ્ચે ખૂબ જ મોટી તકરાર થઈ. એ તકરાર માં મને ફક્ત મારો જ સ્વાર્થ દેખાયો, હું બધું મૂકીને, મારુ ઘર, મારો પરિવાર, મારો પતિ, મારી બંને સંતાન અને મારી આબરૂ આ બધું મૂકીને હું રાજ પાસે ગઈ.
મને ઓચિંતા નો એની ઘરે જોઈને રાજ પણ આશ્ચર્યચકિત થઈ ગયો, એના ઘર માં પણ રાજ અને એની પત્ની વચ્ચે તકરાર થઈ ગઈ. મને આશા હતી કે રાજ આ વાત નો કોઈ ઉકેલ લઈ આવશે. એ ઉકેલ તો લઈ આવ્યો પણ એ ઉકેલ મારા પક્ષ માં નહોતો. એણે મને પોતાના ઘર માંથી ધક્કો મારીને બહાર કાઢી મૂકી, સાથે ઘણી ખરી ખોટી પણ સંભળાવી. એ સાંભળીને હું તૂટી ગઈ. હવે હું ક્યાં જાવ? મેં રાજ ને સાચો પ્રેમ કર્યો એમાં મારી શું ભૂલ? હવે હું ક્યાય ની ના રહી. મારા પાપ માટે મારુ મરી જવું જ ઉચિત રહેશે.

“તે રાજ થી પ્રેમ કર્યો એ પાપ નથી પણ જે સમય માં પ્રેમ કર્યો એ પાપ છે, કોલેજ સમય માં તમને એકબીજા પ્રત્યે પ્રેમ હતો એ વાત સમજ માં આવે છે, પરંતુ લગ્ન કરીને પણ તમને બંને ને એકબીજા પ્રત્યે લાગણી થઈ એ વાત આપણા સમાજ માં કોઈ રીતે માન્ય ના ગણી શકાય. એક પુરુષ અને સ્ત્રી ની નાનપણ ની મિત્રતા, સ્કૂલ ની મિત્રતા, કોલેજકાળ ની મિત્રતા, ઓફિસ ની મિત્રતા લગ્ન પછી પણ જો રહે તો પણ આપણા સમાજ માં એને માન્યતા નથી મળતી, પણ મારી દ્રષ્ટિએ એ ખોટું નથી. મિત્રતા પવિત્ર બંધન છે. મિત્રતા માં ઉંમર, સ્ત્રી-પુરુષ, અમીર-ગરીબ ગૌણ છે. એ આપણે આજીવન રાખી શકીએ છીએ. પરંતુ જો આપણો લગ્ન પહેલા નો પ્રેમ જો અધુરો રહી જાય તો એને દિલ ના ખૂણા માં દફન કરી એની સાથે મિત્રતા રાખવી મુર્ખામી ભરેલું પગલું છે. પહેલો પ્રેમ ભૂલવો અઘરો છે અને તે પાત્ર તમારા રોજિંદા જીવન માં હોઈ તો એને તમે ભૂલી જ ના શકો અને એ અધુરો પ્રેમ તમારા જીવન માં પાછો ઉછાળો મારશે જ, એટલે સીમા તું રાજ ને દિલ દિમાગ બધા ખૂણા માંથી કાઢી નાંખ એ જ સારું રહેશે. જો એને મિત્ર તરીકે પણ પાછો મોકો આપીશ તો તું ફરીથી ભૂલ કરીશ.” સંજયે સમજાવતા કહ્યું.
“એ તો એમજ કરીશ, એ મારા દિલ દિમાગ માંથી ઉતરી જ ગયો છે, મેં એની સાથે લગ્ન પછી પણ મિત્રતા રાખી ને મોટી ભૂલ કરી. પહેલો પ્રેમ ભુલાય નહીં, પણ પ્રેમી ને ભૂલી જવામાં જ મારી ભલાઈ છે. એના લીધે મેં મારા પરિવાર ને તરછોડી દીધી. શું હવે રોહિત મને અપનાવશે?” સીમા એ પૂછ્યું.
“હું રોહિત થી વાત કરીશ, પણ એક પ્રોમિસ આપ મને. હવે આવી ભૂલ કદી નહીં કરે!” સંજયે કહ્યું.
“પ્રોમિસ.” સીમા એ કહ્યું.

સંજયે ત્યારબાદ એક સાચા મિત્ર ની જેમ રોહિત ને બધી વાત કરી અને તેના પરિવાર ને સમજાવીને સીમા ને તેમના દિલ અને પરિવાર માં જગ્યા આપવા આજીજી કરી. કોઈ પણ પતિ તેના પત્ની વિશે આવું સહન ના કરી શકે, પરંતુ પોતાની બંને સંતાન ને ધ્યાન માં રાખીને રોહિતે સીમા ને માફ કરી દીધી અને પોતાના દિલ અને પરિવાર માં પ્રતિષ્ઠા પૂર્વક જગ્યા આપી.

સત્ય ઘટના પર થી. પાત્રો ના નામ અને પ્રસંગ બદલાવેલ છે પણ બોધપાઠ યથાવત છે.

✍️ Anil Patel (Bunny)