breakup - beginning of self love - 12 in Gujarati Love Stories by Sachin Sagathiya books and stories PDF | બ્રેકઅપ - બિગિનિંગ ઓફ સેલ્ફ લવ - 12

Featured Books
Categories
Share

બ્રેકઅપ - બિગિનિંગ ઓફ સેલ્ફ લવ - 12

છ મહિના પછી...

“મોન્ટુ આ લગ્નમાં આવવાનું તો બસ બહાનું છે. ખરેખર તો હું મારા ઘરે રહેવા જ નથી માંગતો. હું ઘરેથી ભાગીને અહી આવી ગયો છું એમ કહેવામાં પણ વાંધો નથી.”

“વિજય પણ તુ ક્યાં સુધી આમ ભાગ્યા કરીશ ભાઈ? હું એમ નથી કહેતો કે તુ બોટાદ આવી ગયો એ મને ન ગમ્યું. તારા આવવાથી હું એટલો ખુશ છું કે એ કહેવા માટે મારી પાસે શબ્દો નથી. ભાઈ હું તારી સાથે બે વર્ષ રહ્યો છું. સાચું કહું તો તારી આદત પડી ગઈ છે પણ હવે આપણે નાના નથી રહ્યા કે હું જીદ કરીને તને ફરી પાછો મારા ઘરે બોલાવી લવ. મને આજે પણ એ દિવસો યાદ છે જ્યારે તુ નવમાં ધોરણમાં બોટાદ સ્ટડી કરવા આવ્યો હતો. એ સમયે આપણી વચ્ચે ઘણી વખત ઝઘડા થતા. અમુક વખતે તો એવા ઝઘડા થતા કે અઠવાડિયા સુધી એકબીજા સાથે વાત ન હતા કરતા પણ છતાય આપણે ભેગા થઇ જતા. આપણને અલગ કરવા મુશ્કેલ નથી પણ ઈમ્પોસીબલ છે. તને અગિયારમાં ધોરણમાં પણ મારા પપ્પાએ કીધું હતું કે તુ આગળની સ્ટડી પણ બોટાદ જ કર પણ તુ ન માન્યો.”

“હું તો બોટાદ છોડીને જવા માંગતો જ ન હતો પણ તારા મામી માને તો ને? યાર નસીબ ખરાબ હતા કે મારે બોટાદ છોડવું પડ્યું. જ્યારે અમદાવાદ લગ્નમાં જવા માટે મમ્મીએ કહ્યું ત્યારે પણ મેં શરત મૂકી હતી કે હું અમદાવાદ લગ્નમાંથી આવીને ઘરે આવવાને બદલે સીધો બોટાદ જઈશ અને થોડો ટાઈમ ત્યાં જ રહીશ. જ્યાં સુધી મારે કોલેજનું કામ નહી આવે ત્યાં સુધી હું બોટાદ જ રહીશ. બસ એ શરતના લીધે જ અહીં તારી સાથે વાત કરી રહ્યો છુ.”

“હા એ વાત સાચી નહિતર મારો બર્થડે હોય તોપણ ભાઈ પાસે ક્યાં ટાઈમ હોય છે! બરાબરને?”

“ના ભાઈ ના. એવું ન સમજતો કે તુ મારા માટે ઈમ્પોર્ટન્ટ નથી. બસ કોલેજના થોડા કામ આવી ગયા હતા એટલે બર્થડેમાં હાજર ન રહી શક્યો. સોરી બ્રો.”

વિજય અને મોન્ટુ વાતો કરી રહ્યા હતા એવામાં વિજયના ફોનની રીંગ વાગી. વિજયે જોયું તો સંજયનો કોલ હતો. વિજયે સંજયનું નામ જોઈ કોલ કટ કરી નાખ્યો. સંજયના ત્રણ કોલ આવ્યા પણ વિજયે કટ કરી નાખ્યા. સંજયનો ચોથો કોલ આવ્યો કે વિજય કોલ રીસીવ કરી સંજય સાથે વાત કરતા ગુસ્સામાં બોલી ઉઠ્યો,

“શું છે તારે? કેમ ડીસ્ટર્બ કરે છે?”

“હા ડીસ્ટર્બ કરીશ. એ ન ભૂલતો કે તારો મિત્ર છું. તને ડીસ્ટર્બ કરવો મારો હક્ક છે.”

“એ બધું છોડ કામ હોય એ બોલ.”

“પહેલા એ કહે ક્યાં છે તુ?”

“હું બોટાદ છું. અમદાવાદ એક લગ્નમાં જવાનો છું.”

“પાછો ક્યારે આવીશ?”

“નથી આવવાનો. અહીં બોટાદમાં મારા ફૂઈના ઘરે જ રહીશ.”

“પણ કેમ?”

“શું કામ છે ત્યાં મારું? આમ પણ હવે મારી પાસે કોઈ કારણ નથી કે હું ત્યાં પાછો આવું. કારણ હોત જો તે મારા માટે કંઇક વિચાર્યું હોત.”

“એય શું મેં ન વિચાર્યું તારા માટે?” સંજય ગુસ્સે થઇ ગયો.

“એ જ જેની મારે જરૂર છે.”

“ભાઈ તને કેટલી વખત કીધું કે તુ શાંતિ રાખ બધું જ થઇ જશે. હું અને તારી સીસ તારા મેટર પર જ કામ કરી રહ્યા છીએ.”

“તમે છેલ્લા ચાર મહિનાથી કામ જ કરો છો.”

“તો ટાઈમ તો લાગે જ ને? છોકરી છે. કંઈ હલવો નથી કે તરત ખાઈ લઈએ.”

“હા તો જ્યારે કોઈ મળે ત્યારે જ મને પાછો બોલાવવા કોલ કરજે. ત્યાં સુધી મને કોન્ટેક્ટ ન કરતો.”

“ઓકે તારે એમ જ કરવું હોય તો કર પણ મને પ્રોમિસ કર કે તુ કંઈપણ આડું અવળું પગલું નહિ ભરે.”

“એ ચિંતા તારે નથી કરવાની. આમ પણ હવે હું આઝાદ છું. તુ હવે મારી નજીક નથી કે દર વખતની જેમ મારો નિર્ણય બદલી નાખીશ. ખાસ વાત એ છે કે હું ઘરથી દૂર છું. અહીં ક્યાંક મરી પણ ગયો તો કોઈ સમજી નહી શકે કે મારી સાથે જે થયું એ એક્સિડન્ટ હતુ કે આત્મહત્યા. તને જો મારી ખરેખર ચિંતા હોત તો અત્યાર સુધી હું સિંગલ ન હોત. એક છોકરી મારી સાથે સેટ કરવામાં તે ચાર મહિના ન કાઢ્યા હોત જેનું કોઈ રીઝલ્ટ પણ આવ્યું નથી. નીક અઠવાડિયાની અંદર મારી લાઇફમાં નિશાને લઇ આવ્યો હતો.”

“હા તો શું? નિશા રહી તારી પાસે? એવી તો મારા ધ્યાનમાં ઘણી છે. તારે ટાઈમપાસ કરે એવી જોઈતી હોય તો હમણાં તારી સાથે સેટ કરી દવ પણ તારે તો એવી જોઈએ છે જે તને સમજે. તારી પસંદની છોકરી મળે એ માટે ટાઈમ લાગે કે નહિ?”

“મેં કીધું હતુ તને કે મારે કોઈ બીજી સાથે સેટ થઇ જવું છે? તે જ કીધું હતુ કે હું મારું મન બીજી વ્યક્તિમાં લગાવું. એ દિવસે તો તુ કહેતો હતો કે તારી તો ઘણી ફ્રેન્ડ છે તો હવે શું થયું?”

“હા ભાઈ મેં જ કીધું હતુ. તારી સીસ તેની એક ફ્રેન્ડમાં ટ્રાય કરે છે. બે દિવસ રાહ જોઈ લે. બે દિવસ પછી એ છોકરીનો જવાબ જો હા આવે એટલે તુ મને ઘરે જોઈએ ઓકે?”

“હા પહેલા જવાબ તો લઇ આવ પછી તુ કહે ત્યાં હાજર થઇ જઈશ.”

મોન્ટુ સંજયનો કોલ આવ્યો ત્યારથી વિજયની વાતો સાંભળી રહ્યો હતો. વિજયે કોલ કટ કરી ફોન સાઈડમાં મૂક્યો કે તરત જ મોન્ટુએ પૂછી નાખ્યું,

“સંજય સાથે આવી રીતે કેમ વાત કરે છે?”

“એ ઘરે બોલાવે છે અને મારે જવું નથી. મને ઘરે નથી ગમતું.”

“પણ હવે તને ઘરે કેમ નથી ગમતું?”

“બસ હવે હું એકલો પડી ગયો છું. હવે તો કલ્પેશ પણ તેના ઘરે ચાલ્યો ગયો છે. એ એક હતો જેની પાસે હું મારા દિલની વાત કરી શકતો. મારી લાગણીઓ બતાવી શકતો પણ હવે હું એકલો થઇ ગયો છું. હવે તો બેબી પણ નથી રહી.”

“યાર ફરી તેને યાદ કરવા લાગ્યો? તેને કાઢી નાખ મનમાંથી. તારી સાથે તેણે જે કર્યું છે એ હું જરાય સહન નથી કરી શકતો. તેને ઘણી ગાળો દેવા માંગું છું. તેના વિશે ખરાબ બોલવા માંગું છું પણ કંટ્રોલ કરું છું એનું બસ એક જ રીઝન છે કે એ તારો પ્રેમ હતો. તારી માટે તારી દુનિયા હતી.”

“મોન્ટુ એવો એક પણ દિવસ નથી ગયો જ્યારે મેં તેને યાદ ન કરી હોય. તેના માટે રડ્યો ન હોવ. શું કરું? નથી રહી શકતો તેના વગર.”

“યાર એવી તો ઘણી આવે અને જાય એમાં તારે દેવદાસ બની જવાની કોઈ જરૂર નથી. કેમ ફાલતુમાં તારી લાગણીઓ બગાડે છે? શા માટે તેને યાદ કરે છે?”

“યાર ચાહતો હતો કે મારી લાઈફમાં પણ કોઈ હોય જે મને પ્રેમ કરે. મારી કેર કરે. મને ઈમોશનલી સપોર્ટ કરે પણ અહી તો બધું જ ઉલટું થયું છે. ક્યારેય સપનામાં પણ ન હતું વિચાર્યું કે મારી પણ આવી હાલત થઇ જશે.”

“એ ગઈ એટલે એનો અર્થ એવો થોડી છે કે તુ સિંગલ જ રહીશ? યાર દુનિયામાં ઘણી છોકરીઓ છે. ભગવાને કોઈક તો બનાવીં હશે તારા માટે.”

“પણ એ છોકરીઓમાં કોઈ નિશા તો નથી ને? બસ એ જ વાત છે.”

“તો નિશામાં એવું શું હતુ જે તને કોઈ બીજી છોકરીમાં નહિ મળે?”

“હા તેનામાં છે એક એવી વસ્તુ જે મને તેની સિવાય કોઈ છોકરીમાં નહી મળે.”

“શું બ્યુટી? બોડી? ઈમોશન્સ? ઈમોશન્સનું તો તુ રહેવા જ દેજે ભાઈ. જો તેનામાં ઈમોશન્સ જેવું કંઈ હોત તો તેણે તારા ઈમોશનની રીસ્પેક્ટ કરી હોત. આમ તને છોડી ન દીધો હોત.”

“તેના હાથનો ટચ. યાર તેના હાથમાં ખરેખર જાદુ હતો! આજે પણ તેના હાથનો ટચ હું ભૂલી નથી શકતો. તેના હાથમાં જે મને ફિલ થાય છે એવું કોઈના હાથમાં ફિલ નથી થતું. મેં આટલા મહિનામાં બે થી ત્રણ છોકરીના હાથ પકડી ચેક કરી લીધું.” વિજયના ચહેરા પર કંઇક અલગ જ ખુશી હતી.

“યાર શા માટે તારી જાતને સમજાવ્યા કરે છે કે એ જ તારી માટે બરાબર હતી? એ અચાનક આવી હતી ભાઈ. નિશાની જગ્યાએ કોઈ બીજી આવી હોત તો તે તેને પણ એટલો જ પ્રેમ કર્યો હોત જેટલો નિશાને કરે છે. તુ જી.એફ. માટે એટલો બેકરાર હતો કે ગમે તેની સાથે સેટ થઇ જવા માંગતો હતો અને એવામાં નીકના કારણે તને નિશા મળી ગઈ. અત્યારે તુ ગમમાં છે એ મારા માટે નવું નથી. જ્યારે પણ તને કોઈ છોકરીએ રીજેક્ટ કર્યો છે ત્યારે તુ ગમમાં જ રહ્યો છે. બસ ફર્ક એટલો જ છે કે નિશા પહેલા જે છોકરીઓ હતી તે બસ તારો વન સાઈડેડ લવ હતી.”

“હા એ વાત સાચી છે કે હું ગમે તેની સાથે સેટ થઇ જવા માંગતો હતો પણ સાથે સાચી વાત એ પણ છે કે હું તેની સિવાય કોઈ બીજી સાથે સેટ થવા ન હતો માંગતો પણ... પણ હવે...”

“પણ શું?”

“હું હવે એકલો રહેવા નથી માંગતો. હું હવે થાકી ગયો છુ નિશાની રાહ જોઇને. અત્યાર સુધી હું માત્ર એમ જ માનતો હતો કે મરી ગયેલા કદી પાછા નથી આવતા પણ હવે એ પણ માનું છું કે છોડીને જનારા પણ મરી ગયેલાની જેમ કદી પાછા નથી આવતા.”

“ભાઈ આ બધું વિજય જ બોલી રહ્યો છે કે પછી...”

“હા આ બધું વિજય જ બોલી રહ્યો છે.”

“પણ તે તો નિશાને પ્રોમિસ કર્યો હતો કે તુ તેના ગયા પછી કોઈ બીજીને તારા દિલમાં જગ્યા નહી આપે. એ પ્રોમિસનું શું?”

“પ્રોમિસ? હવે જે વ્યક્તિ જ નથી રહી જેને પ્રોમિસ કર્યો હતો તો પછી એ પ્રોમિસ તૂટે કે અતૂટ રહે શું ફર્ક પડે છે?”

“વિજય આઈ થીંક તુ આ બસ ગુસ્સામાં બોલી રહ્યો છે. તારા દિલમાં હવે નિશા માટે કોઈ ફીલિંગ્સ નથી? ખરેખર તુ તારી લાઇફમાં કોઈ બીજી વ્યક્તિને એન્ટ્રી આપવા તૈયાર છે?”

“હા હજી નિશા માટે મારો પ્રેમ એટલો જ છે જેટલો પહેલા હતો પણ એ પ્રેમથી શું નિશા પાછી આવી જશે? જો તેને મારો પ્રેમ ગમતો જ હોત તો તેણે મને છોડી ન દીધો હોત. હું ક્યાં સુધી એકલો રહીશ? હું સતત નિશાના ખ્યાલોમાં ખોવાયેલો રહું છું. મારા કોઈ કામ પર ફોકસ નથી કરી શકતો. કોલેજમાં ધ્યાન નથી આપી શકતો. મોન્ટુ લાઈફમાં પહેલી વખત હું એક્ઝામમાં પેપર કોરું છોડીને આવ્યો છુ. એ પણ એક નહી બે. પહેલા સેમેસ્ટરમાં બે કેટી આવી છે. પહેલું સેમેસ્ટર તો નિશાની યાદોમાં બગાડ્યું પણ હવે બીજું સેમેસ્ટર નથી બગાડવા માંગતો. નિશાની યાદોમાં જીવવા કરતા બેટર છે કે હું કોઈ બીજી વ્યક્તિ સાથે નવી યાદો બનાવું.”

To be continued…..