Pratiksha - 49 in Gujarati Fiction Stories by Darshita Jani books and stories PDF | પ્રતિક્ષા - ૪૯

Featured Books
Categories
Share

પ્રતિક્ષા - ૪૯

મનસ્વી ઉઠી તો તેના પલંગ પર અલગ અલગ જગ્યાએ લોહીના ડાઘ હતા. ફટાફટ કપડાં બદલી તેણે ચાદર બદલી નાંખી. ફરીથી મોઢું ધોઈ ઘર છોડવાના મક્કમ વિચાર સાથે પોતાનો સામાન પેક કરવા લાગી.

તે બેગમાં બધું ભરી જ રહી હતી કે નીચે ડોરબેલ રણકી. પોતાના ઉતરેલા ચેહરાને સરખું કરતા તે તરત જ નીચે દોડી ગઈ. તેને લાગ્યું જ કે નીચે ઉર્વા હશે. તેને હજુ સમજાઈ નહોતું રહ્યું કે પોતે ઉર્વાને શું કહેશે અને કઈ રીતે કહેશે!
હજુ ગઈકાલે તો ઉર્વાએ એને આ ઘરે રહેવા માટે હા કહી હતી અને આજે તે પોતે જ ઘર છોડીને જતી રહેશે તો કેવું લાગશે...!
“ઉર્વા... બહુ વાર લાગી ગઈ બેટા...” ઉર્વાને જોતા વેંત મનસ્વી બોલી રહી. તેના અવાજમાં તેની મનોસ્થિતિની અસર ના આવે તેની પૂરી કોશિશ કરી રહી.
“અરે રચિતને થોડી વાત કરવી હતી તો મોડું થઇ ગયું ને પછી... ઘરે આવી ત્યારે ઉર્વિલ બગીચામાં બેઠા હતા તો અમે મોર્નિંગ વોક પર ચાલ્યા ગયા હતા...” ઉર્વા પણ પોતાની મનોસ્થિતિ મનસ્વીથી છુપાવી રહી હતી.
“તો ઉર્વિલ... તારી પાછળ આવે છે?” ઉર્વિલને દરવાજે ના જોતા મનસ્વી પૂછી રહી
“મને થોડું સારું નહોતું લાગતું તો હું રીક્ષા કરીને આવતી રહી. ઉર્વિલ કોઈક સાથે ફોન પર બીઝી હતા. તો એમણે કીધું કે હું એકલી જ જતી રહું...” ઉર્વાએ જુઠું ચલાવી દીધું. મનસ્વીને વાત ગળે તો ના ઉતરી પણ અત્યારે કંઈ બીજું તેને સુઝ્યું પણ નહિ કે આગળ શું પૂછે.

“ઉર્વા... બેસ ને! મારે થોડી વાત કરવી છે!” મનસ્વી ઉર્વાને સોફા પર બેસાડતા બોલી.
“હા, બોલો ને!” ઉર્વા પણ થોડી ગંભીર થતા બોલી.
“તું તો મારી દીકરી જેવી છે. તારાથી ખોટું બોલવાનો કે છુપાવવાનો કોઈ જ અર્થ નથી એટલે અત્યારે હું બધી ચોખ્ખી વાત જ કરું છું તને... ઉર્વા, હું ને ઉર્વિલ અત્યાર સુધી આ સંબંધ બસ ખેંચ્યા કરતા હતા. ના હું એમનો પ્રેમ પામી શકી, ના એ મને પ્રેમ કરી શક્યા. કોઈ સુક્કી ભઠ્ઠ ધરતીની જેમ હું વર્ષો તરસી છું ઉર્વિલના એક અમથાં માવઠાં માટે... ને ગઈકાલે આખરે મને એવું લાગ્યું કે ઉર્વિલ ક્યાંક નમ્યાં છે મારી તરફ... મારી ૨૪ વર્ષની સાધનાનો અંત આવ્યો છે પણ હું ખોટી હતી. એ મારો પળવારનો ભ્રમ હતો...
ઉર્વા માણસ સાવ પહેલેથી જ ઝીંદગીભર પાણી ના પીવે તો કદાચ જીવી જાય, પણ એકવાર પાણી મળી ગયા પછી તરસ્યા ના રહી શકે...” આટલું કહી મનસ્વી ગળે બાઝેલો ડૂમો ખંખેરવા ઉભી રહી અને ફરીથી વાત આગળ ચલાવી રહી,
“હું સ્વીકારી ચુકી હતી કે ઉર્વિલનો પ્રેમ મને ક્યારેય નસીબ નહિ થાય. આ ઘરના દરેક ફર્નીચરની જેમ જ મારે આ ઘરમાં રહેવાનું છે. પણ, કાલે... કાલે વસ્તુ કંઇક અલગ હતી. મેં જે અનુભવ્યું એ પ્રેમ હતો...” મનસ્વી આગળ ના બોલી શકી તે પોતાના ખભાથી ગાલ પર ઘસી આવેલા આંસુને બસ રોકી રહી.
“તો પ્રોબ્લેમ શું આવ્યો મનસ્વી?” ઉર્વા તેની નજીક જઈ પૂછી રહી. અત્યારે ઉર્વા ઉર્વિલ માટેનો બધો જ પૂર્વગ્રહ અને પોતાનો બદલો બાજુએ મૂકી ફક્ત મનસ્વીને સાંભળી રહી હતી. તે સાચા અર્થમાં મનસ્વિની તકલીફ દુર કરવા માંગતી હતી. તેના આંસુ લુંછવા માંગતી હતી.

“પ્રોબ્લેમ એ ક્ષણના જુઠી હોવાના પુરાવા મળવાનો છે. ઉર્વિલે ગઈકાલે જે પ્રેમ બતાવ્યો એને મિનીટના છઠ્ઠા ભાગમાં ખોટો પણ સાબિત કરી બતાવ્યો... આ ઘરમાં મારી કોઈ જ જરૂર નથી એ બહુ પહેલા સમજી ગઈ તી પણ ગઈકાલે મને અનુભવ થયો છે કે આ ઘરમાં અને ઉર્વિલની ઝીંદગીમાં હું કંઈજ નથી.
હવે આ ઘરમાં શ્વાસ લેતા પણ મારો દમ ઘૂંટાઈ રહ્યો છે.
હું અહીંથી જવા માંગુ છું...
તે હજુ ગઈકાલે જ મને કીધું કે તું આ ઘરમાં રહેવા તૈયાર છે અને હવે... આ બધું... આઈ એમ રીયલી સોરી ઉર્વા... મને માફ કરજે...” મનસ્વી કહી રહી.
ઉર્વા થોડીવાર તેનો હાથ પકડી ત્યાંજ સોફા પર બેસી રહી.

“પહેલા તો તમારે કોઈપણની માફી માંગવાની કોઈ જ જરૂર નથી. તમે જે પણ નિર્ણય કરશો હું એમાં તમને ક્યારેય બ્લેમ નહિ કરું. રહી વાત મારી, તો એની ચિંતા તમારે જરાય કરવાની જરૂર નથી. મારી ૨૦ વરસની ઝીંદગીમાં જોયેલી અદ્ભુત સ્ત્રીઓમાંથી તમે એક છો મનસ્વી. પ્લીઝ તમે કંઈજ મારા લીધે મન પર ના લો.” ઉર્વા મનસ્વીને સમજાવી રહી ને પછી તરત જ ઉભી થઇ પાણીનો ગ્લાસ કિચનમાંથી લઇ આવી.
મનસ્વી પાણી પી રહી હતી ત્યારે જ તેના હાથ પર ને ગરદન ઉપર છોલાયેલા નિશાન જોઈ ઉર્વા સમજી ગઈ કે મનસ્વીની દશા કઈ હદે ખરાબ હશે!
આ પરિસ્થિતિમાં તો મનસ્વીને કોઇપણ રીતે એકલી મુકવી યોગ્ય નહોતી.

“મનસ્વી, હું એક વાત કહું?” ઉર્વા ધીમેથી પૂછી રહી.
મનસ્વી ધીમે ધીમે શાંત થતા ફક્ત મસ્તક હલાવી રહી
“મેં અહિયાં રહેવાનો વિચાર ફક્ત ને ફક્ત તમારા માટે કર્યો હતો. તમારામાં મને કંઇક પોતાનું લાગ્યું હતું. રેવા પછી ને સ્વાતિ મોમ પછી તમે પહેલા એવા વ્યક્તિ છો જેને હું મારી નજીક સમજુ છું... જો તમને વાંધો ના હોય તો પ્લીઝ મને તમારી સાથે આવવા દો. પ્લીઝ...” ઉર્વા મનસ્વીને વિનંતી કરી રહી.
“હું તો હવે પિયર જઈશ. ત્યાં તું... તને કેમ ફાવશે...? ચુડા ગામ છે એ...!” મનસ્વી ઉર્વા વિષે ચિંતિત થતા બોલી. મનસ્વીને ઉર્વાના આવવાથી કોઈ વાંધો નહોતો પણ એને ત્યાં કેમ ફાવશે અને પોતાના ઘરે ઉર્વા વિષે શું કહેશે તેનાથી તકલીફ હતી.

“જોવો, મારી પાસે એકાદ મહિના સુધીનો ટાઈમ છે, કરિયર ડીસાઈડ કરવા માટે. ત્યાં સુધી તમે નક્કી કરજો કે તમારે શું કરવું છે અને હું પણ નક્કી કરી લઈશ કે કઈ રીતે ક્યાંથી અને કેમ નવી લાઈફ શરુ કરવી છે! તમે હશો સાથે તો મને થોડું સારું રહેશે...! જો તમે ઈચ્છો તો... અને રહી વાત ઘરે કહેવાની તો કહી દેજો, તમારી દોસ્તની દીકરી છું, તમારી સાથે વેકેશન કરવા આવી છું... હં!” ઉર્વા મનસ્વીને બધા સવાલોના સમાધાન આપી રહી.
“ચાલ તારો સામાન પણ પેક કરી લે...” આંખમાં જ આંસુ સમાવીને આછી સ્મિત સાથે મનસ્વી કહી રહી અને ફટાફટ ઉર્વા સાથે પગથિયાં ચડી રહી.

***

હોટલના રૂમમાં આવ્યા પછી બંદિશ એકવખત પણ રઘુને ઉઠવા નહોતી દઈ રહી. રઘુ કંઈ બોલે તે પહેલા જ બંદિશ બધું જ પલંગ પર હાજર કરી દેતી હતી.
“અરે બે મિનીટ ઉભો તો થવા દે...!” રઘુ મજાકમાં અકળાતા બોલ્યો.
“ક્યાંય ઉભું નથી થવાનું. જે જોઈએ એ બધું જ અહિયાં મળશે. ને ઉભા થયા તો સાચું કહું છું તને જરાય મજા નહિ આવે...!” બંદિશ કરડાકીથી બોલી.
“હે ભગવાન! તું તો મને નાના કીકલાની જેમ ધાક બતાવે છે!” રઘુ હજુ મજાકના જ મૂડમાં હતો.
“તો શું કરવાનું થાય છે!” બંદિશ કહી રહી.
“તો કંઈ નહિ એમ...!” આટલું કહી રઘુ હસી પડ્યો.
“શું હસે છે!!” બંદિશ પલંગ પર બેસતા પૂછી રહી.
“કંઈ નહિ કોઈક યાદ આવી ગયું.” રઘુ વાત સંકેલતા બોલી રહ્યો.
“કોણ? રેવા?” બંદિશથી તોછડાઈથી બોલાઈ ગયું. તેને લાગ્યું કે વાત વાળવી જોઈએ પણ હવે કંઈ મતલબ નહોતો.
“ના, બીજું કોઈક... મેં તને આ વાત નથી કરી ક્યારેય... આજે કહું છું... મારી એક તાઈ હતી. કુમુદ તાઈ. એ ય નાના બચ્ચાની જેમ જ મારું ધ્યાન રાખતી. ખરેખર તો આ જે ધંધામાં હું રાજ કરું છું એ રાજપાટ એનું છે. હું નાનો હતો ત્યારે એકવાર મલેરિયા થયો તો અસ્સલ તારી જેમ ધ્યાન રાખતી તી. આખો દિવસ રઘલા રઘલા કરતા એનું ગળું ના થાકતું...” રઘુ કુમુદની સાથેના બાળપણને જીવી રહ્યો.
કુમુદનું નામ આવતા જ બંદિશ ધબકારો ચુકી ગઈ. પણ રઘુને ખબર ના પડી જાય માટે તેણે પોતાના ચેહરા પર જરાય અણસાર ના આવવા દીધો.

“હવે સુવાનું છે કે નહિ તારે? ક્યારનો બોલે રાખે છે, ગળું સુકાઈ જશે...! ઓલું શું કહેવાય? હા ડીહાઈડ્રેશન થઇ જશે.” બંદિશ વાત ફેરવવા માંગતી હતી.
“બોલવાથી કંઈ ડીહાઈડ્રેશન ના થાય.” રઘુ સામે કહી રહ્યો.
“પોતાની જાનની ફિકર તો વર્ષો પહેલા છોડી આવ્યા છો, બંદિશની જાનની જ થોડીક કદર કરી લો...” આંખમાં કામણ સાથે બંદિશ પોતાના લહેકામાં કહી રહી.
“મારે વાત કરવી છે તારી સાથે, કરું કે નહિ?” બંદિશનો લહેકો અત્યારે રઘુ પર અવળી અસર કરી રહ્યો. સહેજ અકળામણ સાથે રઘુએ કહ્યું ને બંદિશ ચુપ થઇ ગઈ.

“તું પૂછતી હોય છે ને કે મને ઉર્વિલથી આટલી નફરત કેમ છે? ઉર્વિલના લીધે હું પહેલીવાર તાઈથી વિરુદ્ધ ગયો તો. અને એ એક વાતથી બીજી ઘટના થઇ, બીજીથી ત્રીજી અને ત્રીજીથી કંઇક એવું થયું જેણે મને ને તાઈને હંમેશા માટે દુર કરી દીધા.
એક પુલ હતો વિશ્વાસનો જે મેં મારા આ હાથે સળગાવી દીધો...” રઘુ ગ્લાનીભાવ સાથે પોતાની વાત કહી રહ્યો. બંદિશને હજુ પણ નહોતું સમજાઈ રહ્યું કે તે રઘુને શું કહે.

“હવે તને સમજાય છે કે ઉર્વિલથી આટલી નફરત શું કામ છે મને? રેવાએ તો કોઈ દિવસ મને નથી સ્વીકાર્યો, ઉર્વાની આજુબાજુ પણ મને નથી ફરકવા દીધો. તાઈથી હંમેશા માટે હું અલગ થઇ ગયો... બધું ઓછા વધતા અંશે ઉર્વિલના લીધે...” રઘુ બંદિશનો હાથ પકડતા બોલ્યો
“તારી તકલીફો તારાથી પણ ખુબ સારી રીતે સમજી રહી છું હું. પણ, શું કરું તારી નજીક જ નથી કે તારી તકલીફોની દવા બનીને પણ હું આવી શકું...!” બંદિશ તેના પર ઝુકતા બોલી.

“બંદિશ... કંઇક કહેવું છે તને... એમ તો પૂછવું છે તને...” રઘુ પણ તેનાથી નજીક સરકતા બોલ્યો.
“બોલ ને...!” રઘુના શ્વાસ બંદિશના ચેહરાને અડકે એટલી નજીક આવતા તે બોલી રહી.
“લગ્ન કરીશ મારી સાથે?” રઘુ કહી રહ્યો ને બંદિશ સામે કોઈ જ પ્રત્યુત્તર આપ્યા વિના રઘુને બાહુપાશમાં જકડી રહી.

***

ઉર્વિલ જોઈ શકતો હતો કે ઉર્વા પોતાની આગમાં કઈ હદે હોમાઈ રહી છે. તે નહોતો ઈચ્છતો કે તેની દીકરી આ આગમાં જ સળગી સળગીને હેરાન થતી રહે. એટલે જ તેણે ઉર્વાને ઘર છોડીને જવાનું કહી દીધું પણ દીકરી સાથે વધુ રહેવાની લાલચને તે રોકી ના શક્યો. તેણે ફરી એકવાર ઉર્વાને સમજાવવાનો પ્રયાસ કરી જોવાનું વિચાર્યું. તે સાથે જ તેને યાદ આવ્યું કે સવારે મનસ્વી સાથે પણ થોડું તોછડાઈથી બોલાઈ ગયું હતું એટલે તેને પણ મનાવવાનો તે પ્લાન બનાવવા લાગ્યો.

મનસ્વીની ફેવરીટ ચોકલેટ લઈને તે ઘરે પહોંચ્યો ત્યારે રચિતની કાર જોઈ તે મિનીટ સુન્ન થઇ ગયો. તે જેવો ઘરમાં દાખલ થયો, તેણે જોયું કે મનસ્વી થોડા બેગ્સ સાથે નીચે ઉભી હતી અને ઉર્વા બે બેગ હાથમાં લઇ નીચે ઉતરી રહી હતી.

“આ શું નાટક ચાલી રહ્યા છે?” કોઈજ વાત કર્યા કે સમજ્યા વિના ઉર્વિલ બરાડ્યો. મનસ્વી એક ક્ષણ પુરતી સમસમી ગઈ. તે કંઈ જવાબ ના આપી શકી.
“હું અને મનસ્વી જઈ રહ્યા છીએ આ ઘરે થી...” ઉર્વા ઉર્વિલ સામે જોઈ કહી રહી.
“મનસ્વી આ બધું શું છે? ઉર્વા શું નાટક માંડ્યા છે તે આ? તારે સીરીયસલી મારું ઘર તોડવું છે આ રીતે!! આઈ નેવર થોટ ધીઝ લો ઓફ યુ.” ઉર્વિલને હજુ એમજ લાગી રહ્યું હતું કે ઉર્વાના કહેવાથી મનસ્વી જઈ રહી છે.
“એને શું કામ કંઈપણ કહો છો? ઘર છોડવાનો નિર્ણય મારો છે. એ તો ખાલી મારી સાથે આવી રહી છે.” અત્યાર સુધી ચુપ ઉભેલી મનસ્વી ઉર્વા પર થતા આક્ષેપો જોઈ બોલી પડી.
“તારો નિર્ણય? શેના માનમાં ભાઈ? મેં શું કર્યું છે? ચુપચાપ સામાન અંદર મુકો, મારે આ કંઈ નાટક નથી જોઈતા...” ઉર્વિલનો ક્રોધ સતત વધી રહ્યો હતો.
“તમને યાદ પણ નથી કે તમે શું કર્યું છે! રમકડાંની જેમ રમો છો મારા શરીરને! મન પડ્યો તો પ્રેમ બાકી વાસના... નથી રહેવું આ ઘરમાં ખાલી ફર્નીચર બનીને મારે! જે દિવસે મારા માટે કોઈ લાગણી થાય, આવજો લેવા. આટલા વર્ષ તમારા પ્રેમ માટે રાહ જોતી રહી. હવે બહુ થયું! તમારા માટે હું કંઈ જ નથી એ મને સમજાઈ ગયું છે. જાઉં છું... હંમેશા હંમેશા માટે તમારી ઝીંદગીથી દુર. જેમ તમે આજે સવારે કીધું તું એમ...” મનસ્વી એકીશ્વાસે બોલી રહી.
“રચિત સામાન ગાડીમાં મુક!” મનસ્વી રચિત સામે જોઈ કહી રહી ને રચિત એક પછી એક બેગ ગાડીમાં મુકવા લાગ્યો.
“સારું જાવ હો જાવ! નીકળો” ઉર્વિલ પર હજુ પણ ગુસ્સો સવાર હતો. તેણે સામેથી જ મનસ્વીને જવાનું કહી દીધું ને મનસ્વી ઘરની બહાર નીકળી ગઈ.
ઉર્વા પણ તેની પાછળ પાછળ દોરવાઈ
“વેલડન ઉર્વા, નાઈસ મુવ! ફાઈનલી તું જે કરવા આવી તી તે એ જ કર્યું. ગ્રેટ મુવ...” ઉર્વા સાંભળી શકે એટલા ધીમેથી તે ઉર્વાને કહી રહ્યો.

ઉર્વા કોઈ જ જવાબ આપ્યા વિના ગાડીમાં બેસી ગઈ.
ઉર્વિલ દુર જતી ગાડીને ફક્ત જોઈ રહ્યો. પોતાના જ ક્રોધમાં ધૂંધવાઈ રહ્યો.

***

(ક્રમશઃ)