રાજકારણની રાણી
- મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કર
પ્રકરણ-૧૨
જતિનને સમજાતું ન હતું કે પોતાની વિરુધ્ધ આટલું મોટું ષડયંત્ર રચાયું અને પોતાને જ ખબર ના રહી? મારી વિરુધ્ધ કોણ છે એ મારા રડારમાં કેમ આવી રહ્યું નથી? સુજાતા પર કોણે એવો જાદૂ કર્યો કે તે મારા જેવા રાજકીય રીતે શક્તિશાળી પુરુષ વિરુધ્ધ વિરોધનો ઝંડો લઇને નીકળી પડી છે. સુજાતા અત્યાર સુધી બકરી જેવી હતી. અચાનક વાઘણના રૂપમાં કેવી રીતે આવી ગઇ? તેને કોણે ચઢાવી હશે? રતિલાલ ન હોય શકે તો તેની પુત્રી અંજના હોય શકે? ના-ના એ બંને વચ્ચે તો કોઇ ઓળખાણ નથી. અને સુજાતા તો રતિલાલને જ જાણે છે. અંજના વિશે ક્યારેય વાત કે મુલાકાત થઇ નથી. સુજાતા મારી સાથે કોઇ રાજકીય કાર્યક્રમ કે ટૂરમાં આવી નથી. તેને પક્ષનો કોઇ માણસ ભોળવીને મારી વિરુધ્ધ ઊભી કરી શકે એ વિચારવા જેવું નથી.
જતિનને થયું કે રાત પડી ગઇ છે, ઘરે જઇને સુજાતાને મળીને સમજાવશે તો માની જશે. ફોન પર વાત કરવામાં મજા નથી. તેને કોનો સહારો મળ્યો છે એનો પણ ખુલાસો થઇ જશે. સુજાતા પાસે એવી કોઇ માલમિલકત કે રોકડ નથી જેનાથી તેનું મહિલા મંડળ ચલાવી શકે. બે દિવસમાં બધી હોંશિયારી નીકળી જશે.
જતિન કાર લઇને ઘર પાસે પહોંચ્યો. ઘર પાસે કોઇ હોય તો એને ખ્યાલ ના આવે એ રીતે અંદર જવા કારને દૂર પાર્ક કરી. ચોરની જેમ લપાતો-છુપાતો પોતાના બંગલા પાસે પહોંચ્યો. બંગલાના દરવાજા પર તાળું લટકતું જોઇ ચોંકી ગયો. સુજાતા ઘરે નથી? કદાચ લોકોને ગેરમાર્ગે દોરવા અંદર રહીને તાળું મારી દીધું હશે. જતિન વિચાર કરતો પોતાના પાસેની બીજી ચાવીથી તાળું ખોલી અંદર ગયો. અને પાછું તાળું મારી બંગલાના મુખ્ય દરવાજાથી અંદર પ્રવેશવાના બદલે પાછળના દરવાજે ગયો. ત્યાં પણ ઇન્ટર લોક બંધ જોઇ વધારે નવાઇ લાગી. પાછળની તરફ નજર કરી તો ડ્રાઇવર સોમેશની ઓરડી બંધ હતી. સોમેશ-ટીના ક્યાં જતાં રહ્યાં? સુજાતા ક્યાં ગઇ હોય શકે? હવે તો રાત પડી છે. તેનામાં મારો સામનો કરવાની શક્તિ નહીં હોય એટલે ક્યાંક છુપાઇ ગઇ હશે. જતિન અંદર ગયો અને જોયું તો કેટલોક સામાન આમતેમ હતો. બેડરૂમમાં ગયો અને જોયું તો ઘણો સામાન ન હતો. એ જ રીતે રસોડામાં પણ અડધી વસ્તુઓ ન હતી. સ્થિતિ સૂચવતી હતી કે સુજાતા પોતાનો સામાન લઇ મારું ઘર છોડી ગઇ છે. આટલું મોટું પગલું ભર્યું અને મને એક ફોન સુધ્ધાં ના કર્યો? આ બાઇમાં કેટલી હિંમત આવી ગઇ છે? જો મારી સામે આવી તો છોડીશ નહીં. જતિનનો ચહેરો ગુસ્સામાં લાલચોળ થઇ રહ્યો હતો. તેણે સુજાતાને ફોન લગાવ્યો.
ઘણી રીંગ વાગ્યા પછી સુજાતાએ ફોન ઉપાડ્યો અને કંઇ બોલી નહીં. જતિનને વધારે ગુસ્સો આવી રહ્યો હતો. તેણે પહેલાં વાત કઢાવવા સંયમ રાખી પૂછ્યું:"સુજાતા? ક્યાં છે તું?"
"કોણ સુજાતા? કોની સુજાતા? મને પૂછનાર તમે કોણ છો?" સુજાતાના અવાજમાં દમામ હતો.
જતિન નવાઇથી એને સાંભળી રહ્યો. સુજાતામાં આવી તાકાત ક્યાંથી આવી?
"સુજાતા, હું તારો પતિ બોલી રહ્યો છું. અને તું ક્યાં છે એ પૂછવાનો મને હક્ક છે..."
"હું પણ તમારી પત્ની હતી ત્યારે તમે ક્યાં ફરો છો એ પૂછવાનો હક્ક ધરાવતી હતી એ હક્ક તમે મને આપ્યો હતો ખરો?"
"સુજાતા, આ શું બકવાસ કરી રહી છે? તારું મગજ તો ઠેકાણે છે ને? અને આ બધું શું માંડ્યું છે?"
"તમારી સાથે ઘર માંડ્યું એ જ મારી ભૂલ હતી. અને હું નહીં તમે બકવાસ કરી રહ્યા છો. હું હવે તમારી પત્ની નથી. મારી સલાહ છે કે તમે તમારું મગજ ઠેકાણે રાખજો. નહીંતર..."
"નહીંતર શું? તું મને ધમકી આપે છે? તારી આ હિંમત? મારા પર આસમાન તૂટી પડ્યું છે અને તું મારા પર ઉપર પ્રહાર કરી રહી છે?"
"જુઓ, દરેકને તેના કર્મનું ફળ અહીં જ મળે છે. તમે જેવા કામ કર્યા હશે એવો બદલો મળશે. મેં તમારે વૃત્તિ-પ્રવૃત્તિઓને લાંબા સમય સુધી ચલાવી લીધી છે. હવે મારી સહનશક્તિની હદ આવી ગઇ છે. મેં તમારો વાઇરલ વિડીયો જોયો ત્યારે પહેલાં તો મને કોઇ નવાઇ ના લાગી. તમારી આવી લંપટ જેવી વૃત્તિઓને સામાન્ય માની છે. મને ખબર હતી કે તમે રવિના જેવી ઘણી સત્તા-સંપત્તિની લાલચુ સ્ત્રીઓને તમારો શિકાર બનાવી છે. પણ આ કિસ્સાએ મારી આંખો ખોલી નાખી. એ વિડીયોએ તમારું નીચ સ્વરૂપ મારી સામે લાવીને મૂકી દીધું છે. તમે પતિ કહેવાને જ નહીં માણસ કહેવાનેય લાયક રહ્યા નથી. તમે પોતાના ઘરમાં હાથ માર્યો છે. ઘરમાં કામ કરતી એક સ્ત્રી જે પોતાને સુરક્ષિત માનતી હતી તેને શિકાર બનાવવાનો પ્રયત્ન કર્યો છે. આ માફ ના કરી શકાય એવું કૃત્ય છે. દરેક સ્ત્રીને તેનું સ્વમાન અને ઇજ્જત વહાલા હોય છે. તમે ટીનાને તમારી હવસનો શિકાર બનાવવાની ચેષ્ટા કરી એ બહુ ખોટું કામ કર્યું છે. એ તો સારું થયું કે એ વિડીયોમાં આપણું ઘર જેવું લાગ્યું અને મને શંકા પડી એટલે ટીનાને પૂછ્યું. એ ડરી ગયેલી હતી એટલે પહેલાં તો સ્વીકાર્યું નહીં. મેં એને હિંમત અને વિશ્વાસ અપાવ્યો કે તેને કંઇ નહીં થાય ત્યારે તેણે વાત કરી. એ અત્યારે મારા છત્ર હેઠળ છે. એનું નસીબ સારું કે હું એ દિવસે પાછી આવી ગઇ. નહીંતર તો બિચારી પિંખાઇ જ ગઇ હોત. જે ટીનાને મેં મારી બહેન જેવી સમજી હતી એના પર તમે નજર બગાડીને તમારો પરિચય આપી દીધો છે...." સુજાતાના એક-એક શબ્દ જતિનના કાનમાં થઇ અંદર સુધી અગનજ્વાળાની જેમ દઝાડતા હતા.
"સુજાતા, મને માફ કરી દે. મારાથી ભૂલ થઇ ગઇ હતી. હું શરાબના નશામાં ભાન ભૂલ્યો હતો..."
"મને મારી ભૂલનું ભાન થયું છે એ જ ઘણું છે. તમારા પર આંધળો વિશ્વાસ મૂક્યો અને ઘણી વખત આંખ આડા કાન કરતી રહી એનું પરિણામ મારા ઘરમાં જ જોઇ લીધું. હવે હું એ ઘરને "મારું ઘર" માનતી નથી એટલે છોડી દીધું છે. મહેરબાની કરીને મારો સંપર્ક કરવાનો પ્રયત્ન કરશો નહીં...."
"સુજાતા, મેં ભૂલ કરી છે પણ એની આટલી મોટી સજા ના આપ. ટીનાની ઇજ્જત બચી ગઇ હતી. હવે એને ન્યાય શું અપાવવાનો? હું એને જોઇએ એટલા રૂપિયા આપી દઇશ. કોઇએ મારા વિરુધ્ધ કાવતરું રચ્યું છે. મારી રાજકીય કારકિર્દી ખલાસ કરવાની આ ચાલ છે. તને કોઇ હાથો બનાવી રહ્યું છે. તું જ વિચાર કરને કે આપણા બેડરૂમમાં કોઇ સીસીટીવી કેમેરા ફીટ કરીને કે મોબાઇલથી શુટિંગ કરીને મને બદનામ કરવાનો પ્રયાસ કરે છે અને આપણાને ખબર પડતી નથી...."
"આપણાને નહીં તમને પોતાને...તમને મળવા કેટલાય લોકો આવતા હોય છે. એમની સાથે તમે બેડરૂમમાં બેસીને ખાનગી વાતો કરતા હોવ છો. અને મારી ગેરહાજરીમાં તમે મહિલા કાર્યકરોને બેડરૂમમાં લઇને નહીં જતા હોય એની શું ખાતરી? હું તો આખો દિવસ રસોડા અને ગાર્ડનમાં ફરતી હતી. કે ટીનાની ઓરડીમાં ટાઇમપાસ કરતી હતી. તમને બધી જ ખબર હોવી જોઇએ. ખરેખર તો તમને જ ખબર નથી પડતી કે તમારી સાથે કોણ રાજકારણ રમી રહ્યું છે. તો પછી એવા રાજકારણમાં રહેવાનો અર્થ શું રહ્યો?"
સુજાતાનો માર્મિક ઠપકો સાંભળી જતિન સમસમી ગયો. અને કરગરતો હોય એમ બોલ્યો:"સુજાતા, મારા રાજકીય જીવનની તું વધારે વાટ ના લગાવ. પ્લીઝ મને બચાવી લે..."
"જતિન, કદાચ તમારી નિયતિ આ જ છે..." કહી સુજાતાએ ફોન મૂકી દીધો. ઘણી વાર સુધી વાત કરવાને કારણે મોબાઇલ ગરમ થઇ જવાથી કાન પણ ગરમ થઇ ગયો હતો. જતિનને થયું કે સુજાતાએ તેના કાન પર એવી થાપટ મારી કે તેના કાન બંધ થઇ ગયા છે. જતિનને થયું કે આ પરિસ્થિતિમાં તો મગજ પણ બહેર મારી જાય એમ છે. અચાનક તેને કંઇક યાદ આવ્યું અને તે બેડરૂમ તરફ દોડ્યો.
વધુ તેરમા પ્રકરણમાં...
***
* મિતલ ઠક્કરની સૌથી લોકપ્રિય નવલકથા 'મોનિકા' ઉપરાંત 'પ્રેમપથ' પણ જરૂર વાંચો.
* રાકેશ ઠક્કરની 'રેડલાઇટ બંગલો', 'લાઇમલાઇટ' અને ૨૧ કિસ્સા સાથેની આત્મહત્યામાં હત્યાનું રહસ્ય શોધતી 'ઇન્સ્પેક્ટર ઠાકોરની ડાયરી' વાંચવાનું ચૂકશો નહીં.