Granny, I will become rail minister - 12 in Gujarati Fiction Stories by Pratik Barot books and stories PDF | બા, હું રેલમંત્રી બનીશ - અધ્યાય ૧૨

Featured Books
Categories
Share

બા, હું રેલમંત્રી બનીશ - અધ્યાય ૧૨

અધ્યાય ૧૨

હું વડોદરા પાછો ફરવા માટે ટ્રેનની રાહ જોતા-જોતા લગભગ બે કે અઢી કલાક સુરત સ્ટેશન પર બેસી રહયો. એ ટ્રેન હજુ ત્રણેક કલાક મોડી ચાલી રહી હતી. હજુ વધુ સમય કાઢવો એ મિનલ માટે મુસીબત વધારી શકે એમ હતુ, માટે મોડુ પડવુ ખૂબ જ મોંઘુ સાબિત થાય એમ હતુ.

મિનલના દૂશ્મનો મિનલને ક્યારે મારવાના છે માત્ર એ જ જાણી શકાયુ હતુ , પણ એમની યોજના ખરેખરમાં શુ છે એ જાણવા હું ટ્રેનમાં રોકાઈ હરપાલસિંહ અને એના સાથીદારોના જાગવાની રાહ પણ જોઈ શકતો હતો, પણ એમ કરવામાં ઘણુ મોડુ થઈ જાય એમ હતુ. અને પત્રવ્યવહારના એ જમાનામાં સંદેશો પંહોચાડવા માટે મારે જાતે વડોદરા પંહોચ્યા સિવાય બીજો કોઈ વિકલ્પ મારી પાસે બચ્યો નહોતો.

બે કલાકમાં જ મારી અધીરાઈની સીમા આવી ગઈ અને ગમે તેટલા પૈસા વાપરીને પણ મેં ટેક્સી કરવાનો નિર્ણય કર્યો. પંદરેક મિનિટ રકઝક કર્યા પછી એક ટેક્સીવાળો વડોદરા સુધી આવવા માંડ તૈયાર થયો. હું ટેક્સીમાં ગોઠવાયો અને ડ્રાઇવરે ટેક્સી વડોદરા તરફ મારી મૂકી.

બીજી તરફ ચૂંટણીમાં મળેલી ભવ્ય જીતના પગલે મિનલના ઘરે ઉત્સવ જેવો માહોલ હતો. જે પાર્ટીના ઉમેદવાર તરીકે મિનલ રાજસભાની ચૂંટણી લડી હતી એ પાર્ટીના અધ્યક્ષ પણ મિનલને રેલમંત્રી બનાવવાની જાહેરાત પહેલા જ કરી ચૂક્યા હતા. હજારોની સંખ્યામાં અભિવાદન કરવા માટે લોકોની ભીડ એકત્ર થઈ ગઈ હતી. વડીલો ચોતરફથી આવીને આશીર્વાદ વરસાવતા હતા. જેમના માટે મિનલે બનતુ કર્યુ હતુ, એમના માટે મિનલ આજે જાણે ભગવાન હોય એમ એના દર્શન માટેની જનમેદની ભેગી થઈ હતી.

મિનલ આજે એના આંનદની ચરમસીમા પર હતી. એના જીવનનુ એકમાત્ર લક્ષ્ય પૂરૂ થવામાં હવે માત્ર એક જ દિવસની વાર હતી. રાજધાની દિલ્હીમાં વિશાળ જનમેદની વચ્ચે એ નવા ચૂંટાયેલા મંત્રીગણમાં રેલમંત્રી તરીકેની શપથ લઈ રહી છે એવા દીવાસ્વપ્ન એને પળે-પળે શૂન્યમનસ્ક કરી રહયા છે, પણ નાનકડી હિરલના ભોળા પ્રશ્ર્નોનો ખડકલો એને હકીકતમાં પાછા લાવે છે.

અર્જુન ખૂબ જ ઉત્સાહથી ત્યાં આવેલા લોકોની સેવામાં લાગ્યો છે. શપથ સમારોહમાંથી જ્યારે મિનલ રેલમંત્રી તરીકે પાછી ફરે ત્યારે એના થવા યોગ્ય સ્વાગતની બધી તૈયારીઓ એણે કરી લીધી છે.

લગભગ એક વાગ્યાની આસપાસ ટેક્સી મને વડોદરા શહેરના રેલવે સ્ટેશન પર છોડી ગઈ. મિનલને જાણ કરતા પહેલા મને પોલીસ સ્ટેશન જવાનુ વધારે યોગ્ય લાગ્યું. પોલીસ સ્ટેશન જતા જાણવા મળ્યું કે ઈન્સપેક્ટર દેસાઈ પેટ્રોલિંગમાં ગયા છે. અડધા કલાક પછી જ્યારે દેસાઈ સાહેબ આવ્યા, ત્યારે મારી ઓળખ આપીને ટ્રેનમાં સાંભળેલી ઈતિ થી અતિ બધી જ વાત એમને કહી સંભળાવી.

એમણે જરાક વિચારી જોયું અને કહ્યું, "હું જાણતો જ હતો, કાકા. આ હરપાલસિંહ એક નંબરનો નાલાયક છે. અને હા, પોતાનું નામ ન આવે એટલે જ આ લોકો મુંબઇ ગયા છે. એનો મતલબ એ લોકોએ આખી યોજના ઘડી એ મુજબ બીજા અસમાજીક તત્વોને કામ સોંપ્યુ હોવુ જોઈએ."

"તમે એક કામ કરો, તમે મિનલબેનના ઘરે પંહોચી પહેલા એમને વાકેફ કરો.આ બે હવાલદાર ને સુરક્ષા માટે સાથે લઈ જાઓ. અને હું મારા ઉપરી અને દિલ્હી સીબીઆઇ ના ઓફિસર જેમને શપથવિધિ ની સુરક્ષાનુ કામ સોંપાયું છે એમની સાથે આ અંગે ચર્ચા કરી તમને વહેલી સવારે મળુ છુ."

"અને મિનલબેન વડોદરાથી દિલ્હી ક્યારે જવાના છે?"

"એ કાલે નીકળશે, સવારે. કદાચ જમ્મુ-તાવી એક્સસપ્રેસમાં."
હું વિચારોમાં થી માાંંડ બહાર નીકળી બોલ્યો.

ઈન્સ્પેક્ટર દેસાઈ કમિશનર સાહેબની ઓફિસ તરફ વળ્યાં અને હું ચિંતિત વદને પોલીસ જીપમાં બેસી મિનલના ઘર તરફ ઉપડ્યો.