પગરવ
પ્રકરણ – ૨૬
એક માનવીય આકૃતિ પસાર થઈ હોય એવું લાગતાં સુહાની અને ધારા બેય ઉભાં થઈ ગયાં. ધારાએ બૂમ પાડી , "કોણ છે પાછળ ??"
પણ કંઈ અવાજ તો ન આવ્યો પણ કે કંઈ દેખાયું પણ નહીં.
સુહાની : " આ બેડરૂમની પાછળ જઈ શકાય છે ?? "
ધારા : " હા પણ ઘરે તો કોઈ નથી અને એ તો બંગલામાંથી જ અંદરથી જ જઈ શકાય છે બહારથી કોઈ આવે એવું શક્ય નથી..."
સુહાની : " મને લાગે છે પહેલાં બહાર જોવું જોઈએ... મારાં લીધે તારાં પર કદાચ કોઈ મુશ્કેલી ન આવવી જોઈએ..."
ધારા : " પણ કોઈ મને શું કામ કરે ?? મને ક્યાં કંઈ ખબર છે કે આશિષભાઈની જેમ તે મને કંઈ કરે ?? "
સુહાની : " પણ તું મને મદદ તો કરી રહી છે ને મારી હિંમત બની રહી છે ને એટલે કદાચ..."
ધારા : " કંઈ નહીં થાય તું ચિંતા ન કર... હું હમણાં જ અર્પિતને ફોન કરીને ઘરે બોલાવું છું આમ પણ એનો સમય થઈ જ ગયો છે આવવાનો..."
બંને જણાં ફટાફટ બહાર જોવાં ગયાં પણ કોઈ દેખાયું નહીં... આજુબાજુ બધું જ જોઈ લીધું... અર્પિતે ટ્રાફિકમાં ફોન ન ઉપાડ્યો પણ પછી તરત જ એ ઘરે આવી ગયો.
સુહાની અને ધારાને આમ બહાર ઉભેલા જોઈને એ બોલ્યો, શું થયું ધારા ?? તમે બંને કેમ આમ બહાર ઊભા છો ?? "
ધારા : " અમને એવું લાગ્યું કે કોઈ આપણાં બેડરૂમની પાછળ કોઈ હતું...પણ અમે જોયું તો કોઈ દેખાયુ નહીં પછી. આને પાછળનાં ભાગમાં બંગલાની અંદર સિવાય જઈ શકાય એવો કોઈ રસ્તો નથી ને ??"
અર્પિત : " ના.. તમે બંને અહીં ઉભાં રહો... હું જોઈ લઉં છું એકવાર..." કહીને અર્પિત પાછળ જોવાં ગયો. સુહાની અને ધારા મેઈન ગેટ પાસે પહોંચ્યાં કોઈ વ્યક્તિ તો ન દેખાયું પણ સુહાનીને ફરી એકવાર એ મર્સિડીઝ ત્યાંથી દૂર ઉભેલી દેખાઈ... સુહાની બધું સમજી ગઈ.
સુહાની : " ધારા એક કામ કરીશ ?? અહીંનું એડ્રેસ કહે એટલે હું ઘરે જવાં ગાડી બુક કરાવી દઉં... પ્લીઝ અને હવે પછી મને કંઈ પુછીશ નહીં...જો મેં તને કહ્યું હતું એ જ ગાડી છે સામે... મતલબ સમજાયું... પ્લીઝ બકા તું હવે મારાથી દૂર રહેજે... હું તને કે તારાં પરિવારને કોઈ પણ મુશ્કેલી થાય એવું નથી ઈચ્છતી... હું મારી જંગ જાતે લડીશ હવે..."
ધારાએ ફટાફટ અર્પિતને બોલાવ્યો. અને એને એમની ગાડી કાઢીને સુહાનીને ઘરે મુકવા જવાં કહ્યું.
અર્પિત : " પણ આપણે ડીનર માટે જવાનું હતું ને શું થયું?? "
ધારા : " હાલ કંઈ કહેવાનો સમય નથી...આપણે પહેલાં સુહાનીને ઘરે મુકી આવીએ..."
સુહાનીનાં ના કહેવા છતાં પરાણે બેય જણાં ગાડીમાં એને મુકવા માટે ગયાં. સુહાની ચૂપચાપ બેસી રહી છે. અર્પિત તો આજે સુહાનીને પહેલીવાર રૂબરૂ મળ્યો છે વળી એને કોઈ હકીકત ખબર નથી આથી એ ચૂપ જ છે...ધારાએ કહ્યું, " સુહાની હું તો કહું છું તું ઘરે જ જતી રહે તારાં મમ્મી પપ્પા જોડે..."
સુહાની : " પણ તને તો બધી ખબર છે તો કેવી રીતે જાઉં ?? "
ધારા : " પણ મને લાગે છે તારાં જીવને જોખમમાં મૂકી રહી છે તું..."
સુહાની : " મને એ ખબર પડી ગઈ છે એ જે પણ છે મને તફલીકમાં નથી મૂકવાં ઈચ્છતું...પણ એ સમર્થ સુધી પહોંચવાની કડીઓ કે મને એ માટે મદદ કરનાર સુધી પહોંચીને સત્ય સુધી પહોંચાડવા નથી ઇચ્છતું...આથી હવે મારે શું કરવાનું છે એ મને ખબર પડી ગઈ છે... તું ચિંતા ન કર...કાનાજી મારી મદદ કરશે...."
સુહાનીનું ઘર આવી જતાં સુહાની બોલી, " તમને લોકોને તો મારું ઘર પણ ખબર છે ને ?? "
ધારા : " તું કાલે જતી રહી હતી તો હું અને અર્પિત તારાં ઘરે આવ્યાં હતાં...અમને ચિંતા થતી હતી એટલે પણ પણ તારાં ઘરની અંદર પણ સીસીટીવી કેમેરા છે ને કંઈ ?? "
સુહાની : " શું ?? સીસીટીવી ઘરની બહાર તો છે જ ને...અંદર કોણ લગાવે ?? "
ધારા : " તું ઘરે વ્યવસ્થિત રીતે જોઈ લેજે... અમારાં ઘરે બહારનાં ભાગમાં એવી સિક્રેટ જગ્યાએ લગાડેલા હોવાથી મારી નજર અધખુલ્લી બારીમાંથી પડી હતી...!! "
સુહાનીને ફરી કોઈ આસપાસ ધ્યાન રાખી રહ્યું હોય એવું લાગતાં સુહાની બોલી, " ઓકે...ચાલો બાય... તમારું ધ્યાન રાખજો...સોરી તમને હેરાન કરવા માટે...ફરીથી કદાચ આ રીતે કદાચ ન પણ મલીએ...બાય..." કહેતાં સુહાની અને ધારાને આવી સારી એકબીજાંની ફ્રેન્ડશીપ હોવાં છતાં દુર થવું પડશે એ વિચારીને બંનેની આંખો ભરાઈ આવી.
સુહાની પરિસ્થિતિ સંભાળીને ફટાફટ ઘરે જવાં નીકળી ગઈ...!!
એનાં મનમાં ચિંતા થઈ કે આવું કેવી રીતે કોણે કર્યું હશે ?? ચાવી તો મારી પાસે છે ઘરની... કદાચ બીજી ચાવી મકાનમાલિક પાસે હોઈ શકે... કારણ કે આ લોક તો એમનું જ છે...એ મને યાદ જ ન રહ્યું. પણ ઘરમાં આવીને સીસીટીવી મતલબ ?? મેં જોયેલી બધી સમર્થ માટેની ડિટેઈલ... લેપટોપ... બધું જ !! એ ફટાફટ હાંફળીફાંફળી થતી ઘરે ભાગી.
એણે મેઈન ગેટ પાસે આવીને બહારનો કેમેરો તો જોયો એ તો એને ખબર જ છે...એણે ફટાફટ ઘર ખોલ્યું... પહેલાં બારીમાંથી ધારાએ કહ્યું એ મુજબ જોયું તો સામે દિવાલ પર લગાડેલા મોટાં કોલાઝની પાછળ એક બહું નાનો વાયર જેવું દેખાયું. કદાચ ધ્યાનથી ન જોઈએ તો ખબર પણ ન પડે.
એણે ઘરમાં પહોંચતાં જ દરવાજો અંદરથી બંધ કર્યો. પહેલાં આખાં ઘરમાં તપાસ કરી આવી કે કોઈ છે તો નહીં ને...પણ કોઈ ન દેખાયું. પછી એણે એ કોલાઝને ધીમેથી નીચે ઉતાર્યું તો એની પાછળ બોર્ડર પાસે બહું જ નાનો માઈક્રો કેમેરા દેખાયો... એનું કોઈ બીજી જગ્યાએ વાયર દ્વારા કનેક્શન ન દેખાયું. પછી એક પછી એક આવી રીતે લગાડેલા જે પણ ઘરમાં ફોટોઝ હતાં એ બધાં લઈ લીધાં. હોલ અને બીજાં એક રૂમમાં જ્યાં એ લેપટોપમાં કામ કરે છે એ રૂમમાં કેમેરા દેખાયાં. બેડરૂમમાં બધે જ જોયું તો એવું કંઈ ન દેખાયું. પછી એણે કિચન વોશરૂમ બધે જોયું પણ કોઈ જગ્યાએ કેમેરા ન દેખાયાં.
સુહાનીને એ ચિંતા થઈ કે કદાચ બાથરૂમ કે બેડરૂમ જેવી જગ્યાએ હોય તો એની ઈજ્જત દાવ પર લાગી જાય...કોઈ કંઈ પણ વિડીયો બનાવી દે તો એ મુશ્કેલીમાં મુકાઈ જાય...!!
એને એવું લાગ્યું કે એ જે પણ છે એ મારી દરેક હરકત અને મારાં સમર્થ સુધી પહોચવાના પ્લાન પર બાજ નજર રાખી રહ્યું છે....એ કદાચ બાકી કોઈ રીતે મને નુકસાન નથી પહોંચાડવા ઈચ્છતું...!!
સુહાનીએ પહેલાં એ કેમેરા ધીમેથી કાઢી નાખ્યાં. પછી એણે ધારાને મેસેજ કરીને એ બંને પહોંચી ગયાં કે નહીં એ પુછી લીધું. ધારાનો તરત જ રિપ્લાય આવ્યો કે પહોંચી ગયાં છે કોઈ પ્રોબ્લેમ નથી એટલે એમને શાંતિ થઈ.
સુહાનીએ પછી મેગી બનાવી અને ખાઈને જમવાનું પતાવી દીધું...એ ફટાફટ બહાર નીકળીને થોડે નજીક અમૂક દુકાનો છે ત્યાંથી અમૂક વસ્તુઓ લેવાનાં બહાને જઈને એક સારું લોક લઈ આવી...પછી રૂટિન મુજબ ઘરે વાત કરી. પછી એની બહેન અને એનાં ભાઈ સાથે પણ વાત કરી...પણ કોઈને કંઈ પણ કહ્યું નહીં...એ એવું ઈચ્છી રહી છે કે કોઈ પણ રીતે એનું મન ડાયવર્ટ થાય અને એ પોતાનો નવો પ્લાન ફ્રેશ માઈન્ડ સાથે કરી શકે...!!
ફરી એકવાર એણે ઓફિસમાંથી અપાયેલાં ઓફર લેટરને ખોલીને જોયો. એણે ઘણું બધું વિચાર્યું કે એ કંઈ રીતે સચ્ચાઈ સુધી પહોંચી શકશે...પછી અંતે બધું જ વિચારીને અંતે એક નિર્ણય કરીને એ સૂઈ ગઈ !!
**************
સવારે ઉઠીને સુહાની સમયસર ઓફિસ પહોંચી ગઈ. આજે એણે ધારા સાથે કંઈ પણ વાત ન કરી. કે ન ધારાએ સામેથી કંઈ કહ્યું. કદાચ બંને શું કરવાનું છે એ સારી રીતે સમજી રહ્યાં છે.
સુહાનીએ ધારાને પ્રમોશન માટેની ઑફરની પણ એનાં ઘરે વાત કરી દીધી હતી પણ સુહાની શું નિર્ણય કરશે એ વિશે કંઈ ખબર નહોતી. સુહાનીએ થોડું કામ પતાવીને મેઈનઓફિસની બહારનાં નંબર પર ફોન કરીને પૂછ્યું કે , " એ પરમસરને કાલનાં કામ માટે મળવાં માગે છે...તો મળી શકાશે ?? જે હોય એ પૂછીને જણાવે..."
પ્યુને પૂછીને કહેશે એવું કહ્યું એટલે સુહાની ફરી કામ કરવાં લાગી. ત્યાં જ સામેથી ફોન આવ્યો કે, " મેડમ તમે આવી જાવ...સરે હા પાડી છે. "
સુહાની ઝડપથી પહોંચી ગઈ. ને કેબિનમાં પહોંચી કે તરત જ પરમે તેને બહુ સારી રીતે આવકારી. સુહાનીએ બહું વાતચીત કરવાને બદલે થોડી નોર્મલ વાતચીત કરીને કહ્યું, " હું આ પ્રમોશન માટે રેડી છું... હું કોર્સ માટે આજથી જ તૈયારી શરું કરી દઈશ..."
પરમ : " મને વિશ્વાસ હતો કે તું ના નહીં કહે..તારી કામ કરવાની છે ધગશ છે એનાં કારણે જ તો અમે આ પોસ્ટ પહેલાં તને જ ઓફર કરી...!!"
સુહાની : " થેન્કયુ..." કહીને નીકળી.
ત્યાં જ પરમે કહ્યું, " આ કોર્સ તું ધારે તો ફક્ત પંદર દિવસમાં કમ્પલિટ કરીને એક્ઝામ આપી શકે છે... એમાં ફક્ત તૈયારી હોવી જોઈએ...એ પહેલાં જ તને તારાં પ્રમોશનનું નવું પેકેજ, બેનિફિટ, વર્ક પ્રોફાઈલને, નવા ફ્લેટની ચાવી બધું જ મળી જશે.."
સુહાની : " થેન્કયુ " કહીને બહાર નીકળી કે તરત જ પરમે તરત જ એક ફોન લગાડીને કહ્યું, " કામ થઈ ગયું છે..!! ફ્લેટનું કામ ફટાફટ પૂરું થવું જોઈએ....આખરે કંપનીની પોલીસીનો સવાલ છે..." ને ફોન મૂકાઈ ગયો.
શું પરમ હશે આવું કંઈ કરનાર કે બીજું કોઈ હશે ?? સુહાની પાસેથી શું ઈચ્છી રહ્યું છે એ વ્યક્તિ ?? સુહાની સમર્થને પાછો મેળવી શકશે ?? જાણવાં માટે વાંચતા રહો, પગરવ - ૨૭
બહું જલ્દીથી મળીએ એક નવા ભાગ સાથે......