Prem no Uttam Tabakko kayo in Gujarati Motivational Stories by Ravi bhatt books and stories PDF | પ્રેમનો ખરેખર ઉત્તમ તબક્કો કયો?

Featured Books
  • सर्द हवाएं

    लेख-सर्द हवाएं*******""       यूं तो सर्दियों के मौसम में जब...

  • इश्क दा मारा - 45

    यूवी गीतिका का हाथ पकड़ कर ले जा रहा होता है तभी गीतिका बोलत...

  • लल्लन जी की अद्भुत नौकरी

    गाँव के एक छोटे से कस्बे में रहते थे लल्लन जी। उनका नाम ही उ...

  • चुप्पी - भाग - 2

    क्रांति की हॉकी खेलने की चाह को महसूस करके और उसकी ज़िद को हद...

  • छिनार

    बसंत बाबू, ये ही बोलते थे लोग, 23 साल का खूबसूरत युवक, 6 फिट...

Categories
Share

પ્રેમનો ખરેખર ઉત્તમ તબક્કો કયો?

પ્રેમની વાત આવે એટલે લોકોના મનમાં સામાન્ય રીતે ફિલ્મોમાં કે પછી સિરિયલોમાં થતાં અણધાર્યા, ઉછાંછળા અને કાલ્પનિક પ્રેમની ક્ષણો જ નજરે ચડતી હોય છે. ખાસ કરીને આજના ટીનેજર્સ, યુવાનો, કોલેજિયનો અને ખાસ કરીને નવપરણિત યુગલોમાં આવા પ્રેમનો ખૂબ જ મોટો ક્રેઝ હોય છે. કોઈને પામી લેવું અને ભોગવી લેવું તે પ્રેમની સામાન્ય વ્યાખ્યા થઈ ગઈ છે. ગમતી વ્યક્તિ મેળવવી તે જ પ્રેમ ગણવામાં આવે છે. ખાસ કરીને આપણને જે ગમે છે તે આપણને પણ ગમાડે તેવું પણ બની રહ્યું છે. આજે ઘણા યુગલો ખૂબ જ ઝડપથી છૂટા થઈ જાય છે, લવ બ્રેકઅપનો ટ્રેન્ડ છે, લવમેરેજમાં છૂટાછેડાનું પ્રમાણ વધ્યું છે. આ બધા પાછળ આપણી સંકુચિત લાગણી અને સંકુચિત માગણીઓ જ કારણભૂત છે. આપણે આપીએ છીએ તેની સાથે જ પાછું મેળવવાની પણ ઈચ્છા પ્રગટ કરી દેતા હોઈએ છીએ.

પ્રેમમાં આપતાની સાથે જ પાછું મેળવવાની વૃત્તિ આપણને વધારે પીડા આપે છે. આપણે કોઈને પ્રેમ કરીએ છીએ, વ્યક્ત કરીએ છીએ, કદાચ સામેની વ્યક્તિ પણ પોતાની કુણી લાગણી રજૂ કરે છે તો પછી આ લાગણીઓને થોડો સમય આપતા શીખવું પડે. છોડ વાવીએ તો તેના પર ફુલો આવવાનો પણ ચોક્કસ સમય હોય છે તો પછી આ તો પ્રેમ છે. એકબીજાના હૃદયમાં પ્રેમના અંકુર ફૂટતાની સાથે જ પાક લણવાની ખેવના રાખવી કેટલી ગ્રાહ્ય છે. આપણે પ્રેમના તબક્કાને જાણતાય નથી અને માણતાય નથી.

પ્રેમ એટલે, આ શબ્દનો ઉલ્લેખ થતાં જ વ્યક્તિ રોમાંચિત થઈ જાય છે. પ્રેમ એક એવી લાગણી છે જે જાણે અજાણે આપણને ક્યારેક ને ક્યારેક કોઈના માટે થઈ જ હોય છે. આ લાગણી ક્યારેક કિશોરાવસ્થાના આકર્ષણમાં રહેલી હોય છે તો ક્યારેક કોલેજમાં તો ઘણી વખત લગ્ન બાદ પણ અન્ય વ્યક્તિ ગમતી થઈ જાય છે. આ સ્વાભાવિક લાગણી છે. પ્રેમનો ઉત્તમ સમય ગમતી વ્યક્તિ પોતાની પાસે હોય તેના કરતા પ્રેમની લાગણી થાય ત્યારનો હોય છે. કોઈ વ્યક્તિ ગમતી થાય, લાગણી વ્યક્ત કરીએ અને સામેથી પ્રતિભાવ આવે ત્યાં સુધીનો સમય પ્રેમનો સૌથી ઉત્તમ સમય હોય છે.

પ્રેમના એકરાર બાદ સામે છેડેથી હકારમાં જવાબ આવે તો આ ઉત્તમ ક્ષણો ઉત્સવમાં બદલાઈ જાય છે પણ નકારમાં જવાબ આવે તો આ ઉત્તમ સમય ઉદાસીની ચાદર ઓઢી લે છે. ઘણી વખત એવું પણ બને છે કે બંને વ્યક્તિને પ્રેમ હોય છે પણ કોણ પહેલ કરે તેમાં સમય પસાર થતો હોય છે. પ્રેમ અંગે એક વાત ખરેખર સ્પષ્ટ કરી લેવા જેવી છે કે આપણને પ્રેમ છે કે નહીં. ઘણી વખત પ્રેમ ન હોય પણ વ્યક્તિના સંગાથની આદત હોય અથવા તો આકર્ષણ હોય. પ્રેમ અનુભૂતી છે, લાગણી છે, ભાવ છે તેને ક્યારેય ભ્રમમાં ન ખપાવી શકાય. ભ્રમ હોય તો માત્ર આકર્ષણ ગણી શકાય, પ્રેમ ક્યારેય ભ્રમ ઊભો નથી કરતો. ઘણા લોકો એમ માને છે કે આ તો ટાઈમપાસ કરવાનું સાધન છે. તેમાં સમય, શક્તિ અને નાણાનો વ્યય થશે એટલે તેઓ પ્રેમમાં પડવાનું ટાળે છે. પુરુષો માટે પણ પ્રેમ કે તેની સાથે રહેલી લાગણીઓ વેવલા વેડા જ હોય છે. તેઓ પ્રેમને સીધી કે આડકતરી રીતે સેક્સ સાથે જ જોડતા હોય છે. સ્ત્રી માટે પ્રેમ અલગ જ વિશ્વ છે. તેના માટે પ્રેમમાં હોવાનો વિચાર પણ તેને રોમાંચિત કરી જાય છે. કોઈ મને પ્રેમ કરે છે તે વિચારથી જ તે રોમેન્ટિક ફેન્ટસીમાં જીવતી થઈ જાય છે.

આ બધી વાત જવા દો પણ જ્યારે ખરેખર આપણને સવાલ થાય કે હું તને પ્રેમ કરું છું, પણ તું મને કરે છે? ત્યારે આ સવાલનો જવાબ ખરેખર અઘરો હોય છે. મોટાભાગે સવાલ કરનાર તેને પોતાના અસ્તિત્વ સાથે જોડીને જ પૂછે છે. તેનો જવાબ તરત જ કે હકારમાં જ આવે તેવી અપેક્ષા હોય છે. જવાબ ના આવે તો તેના માટે પ્રેમ પૂરો થઈ જાય છે. બીજું એવું પણ હોય છે કે સ્ત્રી તરફથી સવાલ થયો હોય અને જવાબ હા આપો તો બીજા સવાલ આવે કે કેટલો પ્રેમ કરે છે. અહીં સ્ત્રી હોય કે પુરુષ તેની એવી અપેક્ષા હોય છે હું જેટલો પ્રેમ કરું છું તેટલો જ પ્રેમ સામેની વ્યક્તિ પણ કરતી હોવી જોઈએ. આવી અપેક્ષાઓ આ લાગણીને ખરાબ કરી નાખે છે.

અહીં સવાલ એટલો જ છે કે, આપણે કોઈને પ્રેમ કરીએ છીએ અને તે વ્યક્તિ આપણને પ્રેમ નથી કરતી તો શું તેનાથી આપણો પ્રેમ પૂરો થઈ જાય છે? આપણને પ્રેમ છે તો આપણે એ લાગણી રાખવી જોઈએ પણ સામેની વ્યક્તિને નથી તો તેની ફરજ ન પાડવી જોઈએ. ખરેખર પ્રેમ કરવો જ હોય તો બે વ્યક્તિની જરૂર રહેતી જ નથી. તમે જેને ચાહો છે તેને અમાપ રીતે ચાહતા રહો. તમારા એકરારનો જે જવાબ આવે એ, પણ તમારી લાગણીમાં કોઈ ઉણપ ન આવવી જોઈએ. હા અથવા તો ના જ જવાબ આવે તે તમારે તમારા પ્રેમને શા માટે ઓછો કરવો. આપણે પ્રેમ અને તેના એકરાર સાથે જ પઝેશન, માલિકીભાવને જોડી દઈએ છીએ. આ માલિકીભાવ સંબંધોને નુકસાન પહોંચાડે છે. આપણે માત્ર પ્રેમ કરી જાણવાનો છે. સામેની વ્યક્તિના મનમાં પ્રેમ ઉદભવશે કે નહીં તેને કુદરત પર છોડી દેવું જોઈએ.

હું તને પ્રેમ કરું છું અને તું પણ મને પ્રેમ કરે છે તેવી ભાવના અથવા તો સવાલજવાબોની અપેક્ષા કરતા આ લગાણીને માણવાની ક્ષણો જ પ્રેમનો ઉત્તમ સમય છે. એક વ્યક્તિ આપણને ગમે અને તેનું નામ, તેનો ઉલ્લેખ, તેની તસવીર, તેની યાદ દરેક વસ્તુ આપણા મન-મસ્તિકને રોમાંચિત કરી જાય તેનાથી વધારે ઉમદા લાગણી બીજી કઈ હોઈ શકે. પ્રેમ થયા છે અને પાત્ર ગમે છે તે તબક્કો જ પ્રેમનો ઉત્તમ તબક્કો છે. તેમાં જે દિવસે કમિટમેન્ટ અને પઝેશન પ્રવેશે છે તે દિવસથી પ્રેમ લાગણી કરતા જવાબદારી વધારે થઈ જાય છે. આવા સંજોગો સુધી પહોંચ્યા પહેલાંના આ તબક્કાને જ કદાચ પ્રેમનો ઉત્તમ તબક્કો ગણી શકાય.