માનસ નોકરી પર હતો ને જ ધનીમાસીનો ફોન આવ્યો કે "જલ્દી ઘરે આવ બેટા , તારી મમ્મી ને એટેક આવ્યો છે, હોસ્પિટલ લઈ જવી પડશે".
માનસ તો ઘડીભર સુનમુન થઈ ગયો ને તરત જ જાત સંભાળીને ઘરે જવા નીકળ્યો ને મમ્મી ને ઝડપથી હોસ્પિટલમાં દાખલ કરી.
નાનપણથી જ પપ્પા નહોતા ને મમ્મી એ નાની એવી નોકરી કરીને એને ભણાવ્યો ને મોટો કર્યો. નાનકડું એવું ઘર બચત અને લોન લઈને બનાવ્યું હતું.મા-દિકરો મોજમાં દિવસો પસાર કરતાં.
માનસને સુરભી બહુ ગમતી ને સુરભી ને એ ગમતો.મહિના પછી તો એની સાથે લવ મેરેજ કરવા નો હતો.એના માટે તો એણે છેલ્લા વરસ દિ'થી તો રૂપિયા ૧૫,૦૦૦/- જેવા બચાવ્યા પણ હતાં.
પણ , અચાનક મમ્મી ને એટેક આવ્યો..ને ડોક્ટરે ઓપરેશન કરવા માટે રૂ. ૪ લાખ જમા કરાવવાનું કીધું.
અધધધધધ......!!!
આટલી મોટી રકમ ક્યાંથી લાવશે હવે એ ? મુંઝારો થઈ ગયો એને. એણે બધા પાસે મદદ માંગી જોઈ પણ અફસોસ બધા જ ખરાં ટાણે જ દ્રરિદ્ર નીકળ્યા.
પછી એણે શરાફનાં ત્યાં ઘર ગિરવે મૂકીને રૂપિયા લાવવાનું નક્કી કર્યું.
એ ત્યાં થી રૂપિયા લઈને એકટીવા પર હોસ્પિટલ આવતો હતો ત્યાં ચાર રસ્તા પર જ પોકેટમાર કલ્લુ કાતરિયાએ એનું ચાર લાખ રૂપિયા ભરેલું પર્સ ખેંચી ને તફડાવી ને બાઈક પર આંખનાં પલકારામાં રફુચક્કર થઈ ગયો. માનસને કંઈ સમજાય એ પહેલાં તો એની આખી દુનિયા લૂંટાઈ ગઈ હતી. થોડીવાર પછી એને ખ્યાલ આવ્યો કે રૂપિયા જતાં રહ્યાં છે.
હે ભગવાન, આ કેવો તારો કાળો કેર છે.!! હવે હું આટલાં બધાં રૂપિયા કયાંથી લાવીશ? મમ્મી નાં ઓપરેશનનું શું થશે? મગજમાં જાણે વિચારો નો દાવાનળ ફાટી નીકળ્યો.
એ રડતો રહ્યો સતત બે કલાક સુધી હોસ્પિટલમાં ને મનમાં એક જ વાત આવતી હતી કે ગયેલા રૂપિયા પાછા આવી જાય તો સારું.પણ એ હવે અશકય લાગતું હતું એને .
બીજી તરફ કલ્લુ કાતરિયાએ એની ચાલીનાં ઘરમાં જઈને રૂપિયા ગણવા માટે પર્સ ખોલ્યું. તો એમાં શરાફી પેઢી ની પાવતી , રૂપિયા ચાર લાખ નું બંડલ , ને એક પત્ર મળ્યા.
એને રૂપિયા ગણવાની જરૂર ના પડી.એ પાવતી પરથી ખબર પડી ગઈ કે આ રૂપિયા ઘર ગિરવે મૂકીને લાવ્યા છે. પછી એણે પેલો પત્ર ખોલી ને વાંચ્યો એમાં લખેલું હતું કે,
"પ્રિય સુરભી ,
આજે મારી મમ્મીને એટેક આવ્યો છે.એને જીવન પ્રભાત હોસ્પિટલમાં દાખલ કરી છે ને એનું ઓપરેશન પણ કરવું પડે એમ છે. એટલે ઘર ગિરવે મૂકીને રૂપિયા લાવ્યો છું આજે હું. હવે મારી પાસે કશું જ બચ્યું નથી કે તને પરણીને હું સુખી કરી શકું કે સાચવી શકું. આપણા લગ્ન માટે ભેગા કરેલા રૂપિયા પંદર હજાર પણ હવે દવા માટે જોઈશે.ને કદાચ મમ્મી ની સારવાર કરવા માટે મારે જોબ પણ છોડવી પડે. તું સારી જગ્યાએ પરણી જજે. હું તને હંમેશા ચાહતો રહીશ."
એજ
તારોમાનસ.
કલ્લુ તો પત્ર વાંચીને રડવા જેવો થઈ ગયો.યાર , આટલો બધો પ્રેમ કોણ કરે છે આ જમાનામાં? ને મેં આજે આ કોનું પર્સ ચોર્યુ? બહુ ખોટું થઈ ગયું મારા થી આજે. આ રૂપિયા મારાથી ના જ રખાય હવે. આવું બધું વિચારતો હતો ત્યાં જ એનો સાથી જગ્ગુ આવ્યો ને આખીય વાત એણે જગ્ગુ ને કરી.
"જો , કલ્લુ, એવાં ગાંડા ના થવાય . રૂપિયા હવે તારા જ છે. એવા ઈમોશનલ થઈને આપણું ગુજરાન ના ચાલે હોં.એનું એ ફોડી લેશે. આમ કરીએ ને તો કમાઈ રહ્યા ને જીવી રહ્યા આપણે. લાવ , આ રૂપિયા શકીલને ત્યાં દાવ પર લગાવી ને ડબલ કરી દઈએ."
પણ કલ્લુ નો આત્મા જાગી ચૂક્યો હતો.
"ખબરદાર જો પર્સ ને હાથ પણ લગાડ્યો છે તો.આપણું ગુજરાન તો આજ સુધી ચાલતું જ હતું ને ચાલશે પણ ખરૂં .આ રૂપિયા સિવાય પણ.બહુ પાપો કર્યા. હવે ,ચાલ મારી સાથે જીવનમાં પહેલું પુણ્ય નું કામ કરવા માટે." જગ્ગુ તો એનું એ સ્વરૂપ જોઈને ડઘાઈ ગયો ને ચૂપચાપ એની પાછળ બાઈક પર સવાર થઈ ગયો.
એણે આખી હોસ્પિટલ ફરી ને માનસને શોધી કાઢ્યો ને હાથમાં રૂપિયા ભરેલું પર્સ આપતાં બોલ્યો, "બીડુ , હજીયે મમ્મી માટે વધારે રૂપિયા ની જરૂર પડે તો એક જ ફોન કરજે દે જે. ઢગલો કરી દઈશ. પણ મા ને બચાવી લઈશું. માનસ તો ઘડીક આભો જ બની ગયો.એને તો સાક્ષાત ભગવાન આવ્યા જાણે..એ કલ્લુનાં પગમાં પડી ગયો.
કલ્લુ એ એને ઉભો કર્યો ને પછી લાગણી થી ભેટી પડ્યો.
પછી માનસે ઓપરેશન માટે રૂપિયા જમા કરાવ્યા ને ઓપરેશન સફળ પણ થઈ ગયું. ને મમ્મી સાજી થઈ ગયા પછી એણે સુરભી સાથે લગ્ન પણ કરી લીધા.
આજે પણ કલ્લુ અને માનસ ભાઈથીય સવાયા ભાઈબંધ બની રહ્યાં છે.
🔥 તણખો 🔥
જગ્ગુ ને હજુયે મનમાં સવાલો છે કે એ ચાર લાખ રૂપિયા થી કલ્લુનું ગુજરાન કેટલાં બધાં વર્ષ ચાલત? ને શકીલને ત્યાં ડબલ થઈ ને પાછા આવતા કે નહીં? કે કલ્લુ એ એનાં વિરુદ્ધ જે નિર્ણય લીધો હતો એ યોગ્ય હતો?
-ફાલ્ગુની શાહ ©