અક્ષરોમાં
=================================
લીધો છે આકાર અશ્રુઓએ અક્ષરોમાં,
ભેજ એથી જ રહ્યો છે અક્ષરોમાં.
પ્રત્યક્ષ છતાં, બયાન જે ન કરી શક્યાં,
એ વેદનાએ શૃંગાર સજ્યો છે અક્ષરોમાં.
ફૂલોનું ખીલવું સાવ સહજ નથી હોતું,
નથી ઓશને વાચા; કે કહે તે અક્ષરોમાં.
ને, સમર્પણ - એ જ મૂલ ખરા પ્રેમનું ,
સાર બધોજ છૂપાયો છે અઢી અક્ષરોમાં.
મળ્યો છે ઝાંઝવાથી ભરપૂર પંથ પ્રેમનો,
છીપાવી છે તરસ બસ થોડાંક અક્ષરોમાં.
બહું સાદગીથી ચાહ્યા છે સનમ તમને,
સમજ નથી એટલી કે બધું કહું અક્ષરોમાં.
###
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
કોરો કાગળ
=================================
હે ઈશ્વર!
મુજ ગુનાઓની નૉંધ માટે
પાનાં જો ખૂંટી જાય
તો,
અચકાઇશ નહીં.
નિઃસંકોચ
તું કરી લેજે ઉપયોગ
મુજ કિસ્મતનાં કોરા કાગળનો...!
###
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
અંતરનાં ઉદગાર
=================================
તારા ખંજનમાં હલેસે મુજ નાવ,
રે તેના કીધાં ખલાસી મલકાટ.
તારા હેતે હિલોળે મુજ અંતરનો દાવ,
રે એમાં જીત્યાં સાત ભવનાં અવતાર.
#
આખોય ભૂતકાળ જીવવો છે તમારી સંગ,
ને વહેવું છે આ વર્તમાનમાં તમારી સંગ.
પેલી વાસંતી કૂંપળ તણી કુંવારી ક્ષણોનો,
મારે અંગિકાર કરવો છે તમારી સંગ.
###
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
ક્યાં સુધી
=================================
મૌનમાં આળોટીશ ક્યાં સુધી?
શબ્દોને વાગોળીશ ક્યાં સુધી?
ધખતા સૂરજમાં તું ભીંજાઈને,
જાતને નીચોવીશ ક્યાં સુધી?
નામ ભલે લખ્યું કિનારે તેમનું,
દરિયાને ઉલેચીશ ક્યાં સુધી?
મહેકતા શ્વાસ પરખાય તો બસ,
ફૂલોને કચડીશ હવે ક્યાં સુધી?
ને,રાખનો ય ઢગલો થવા માંડ્યો,
'રાજ'ખુદને જલવીશ ક્યાં સુધી?
###
રાજેન્દ્રકુમાર એન.વાઘેલા
ભરૂચ
અમારા શબ્દોનું માન,
એ જ અમારું બહુમાન.
🙏જય માતાજી🙏