બાપ તેવા બેટા કંઈ એમજ નથી કહેવાયું
ડૉ. અતુલ ઉનાગર
શહેરની ખ્યાતનામ શાળાની આ વાત છે. કોઈ એક દિવસ સામાન્ય જણાતો પણ અતિ ગંભીર પ્રસંગ બન્યો. એક ચિત્ર શિક્ષક ધોરણ સાતના વર્ગમાં પ્રાયોગિક કાર્ય કરાવી રહ્યા હતા. આ સમયે શાળાનો સેવક શિક્ષકને ઈમરજન્સી ફોનની સૂચના આપી ગયો.
શિક્ષકે વર્ગમાં સૌને સૂચના આપતાં કહ્યું કે હું પાંચેક મિનિટમાં આવું છું. વર્ગના મોનિટર દેવાંગને બાજુના વર્ગોમાં ખલેલ ના પહોંચે તે માટે ઉભો કરીને નિરીક્ષણનું કામ સોંપ્યું. વર્ગના દરેક વિદ્યાર્થીને પોતપોતાના ચિત્રકામમાં શાંતિપૂર્વક ચૂપચાપ કલર પુરવાનું કહ્યું. મોનિટરીંગ કરનાર દેવાંગની સામે જોઈને શિક્ષકે કડક શબ્દોમાં કહ્યું કે વર્ગમાં જે પણ કોઈ વિદ્યાર્થી વાત કરે તેનું નામ લખી લેજે પછી તેને યોગ્ય શિક્ષા કરવામાં આવશે. આટલું કહીને શિક્ષક જતા રહ્યા.
સમય ઘણો વધારે વીતવા લાગ્યો. વર્ગમાં ધીરે ધીરે ગણગણાટ શરૂ થયો. આ સમયે દેવાંગની સક્રિય થયેલી અવલોકન દ્રષ્ટિએ મનોજ નામના વિદ્યાર્થીને પકડી પાડ્યો અને મનોજનું નામ દેવાંગે નોંધ્યું. મનોજ સ્વબચાવ માટે દેવાંગની નજીક જઈને પોતાનું નામ ભૂંસી નાખવાના બદલામાં દસ રૂપિયા આપવાનો પ્રસ્તાવ મૂક્યો. તે બન્નેનો થોડોક સમય વાર્તાલાપ ચાલ્યો અને અંતે ચાલીસ રૂપિયામાં આ સોદો નક્કી થયો. આ સમગ્ર ઘટનાને છૂપી રીતે વર્ગશિક્ષકે બારીમાંથી જોઈને તે ખૂબજ દુઃખી થયા. વર્ગ શિક્ષકે મનોજના પિતાને ફોન કરીને મળવા બોલાવ્યા.
વર્ગ શિક્ષકે ઘટેલી સમગ્ર ઘટનું વર્ણન કર્યું. આ સાંભળીને મનોજના પિતાજી દુઃખી થવાને બદલે ખુશ થઈને વર્ગ શિક્ષકને કહેવા લાગ્યા. આમાં મારા મનોજે ખોટું શું કર્યું છે? તેણે તો આવી પડેલી મુશ્કેલીમાંથી બહાર નીકળવાનો રસ્તો શોધ્યો છે. કોઈ પણ રીતે ગોઠવણ કે વહીવટ કરતાં આવડવું તે એક પ્રકારનું કૌશલ્ય છે. આ કૌશલ્યથી કોઈ પણ મંઝિલ સુધી પહોંચી શકાય છે.
વધુમાં ઉમેરતાં મનોજના પિતાજીએ કહ્યું કે હું રાત-દિવસ આજ રીતે મારો વ્યવસાય ચલાવું છું. આજે આના કારણે જ તો શહેરની ગણમાન્ય કંપનીઓમાં અમારી કંપનો પણ સમાવેશ થાય છે. મનોજના પિતાજીનું કથન સાંભળીને વર્ગશિક્ષક સ્તબ્ધ થઈ ગયા. હાલ મનોજના પિતાજીને શિક્ષકે કોઈપણ પ્રકારનું બૌદ્ધિક આપવાનું ટાળ્યું. દુઃખી શિક્ષકે ઊંડો શ્વાસ લઈને મનોજના પિતાજીને છુટા પડવા માટેના નમસ્કાર કર્યા.
મનોજ તેના પિતાજીનું જ પ્રતિબિંબ છે. આટલી નાની ઉંમરે લાંચ રૂશ્વત તેના માટે સહજ છે. મનોજ જીવનભર અનૈતિક જીવન જીવશે. તે પોતાની આખી જિંદગી પિતાએ આપેલી આ ભેટનો ટોપલો ઉંચકીને ફરશે.
આ પ્રેરણાત્મક પ્રસંગ આપણને ઘણું બધું શીખવી જાય છે. એ યાદ રાખવું જોઈએ કે બાળક આપણુું જાસુસ છે. આપણી પ્રત્યેક ક્રિયા પર તેની દ્રષ્ટિ હોય છે. તે આપણા વ્યવહારો અને વર્તનોને ખૂબજ ઝીણવટ પૂર્વક જૂવે છે. જાણતાં કે અજાણતાં શું કરવું જોઈએ અને શું ના કરવું જોઈએ તે માતાપિતા પોતાના જીવાતા જીવન દ્વારા શીખવી દે છે.
બાળક શાળામાં પાંચ કલાક રહે છે. બાકીના ઓગણીસ કલાક તે પરિવાર સાથે વિતાવે છે. બાળકનું પહેલું વિદ્યાલય તે ઘર છે. ઘરના રીતિરિવાજો અને સંસ્કારોનું સિંચન તેના માનસ પર થાય છે.
આખરે આપણે તેવું જ નિર્માણ કરી શકીશું જે આપણે છીએ. આપણું જીવન સંતાનો માટે દર્પણ છે. "જેવું બીબું તેવો આકાર" બીબું ચોરસ તો આકાર પણ ચોરસ. આથી આપણે જો આપણા સંતાનોને સાચું જીવન ભેટ આપવા ઈચ્છતા હોઈએ તો આપણે માતાપિતાએ આદર્શ ઉદાહરણરૂપ બનવું અનિવાર્ય બને છે.
અહીં એ સાબિત થાય છે કે સંતાનોને જન્મ આપવાથી માતાપિતા બની જવાતું નથી. માતાપિતા બનવું એ એક પુરુષાર્થ માંગી લેતું કર્મ છે. તો ચાલો સાચાં અર્થમાં માતાપિતા બનવાનું શરૂ કરીએ. જાગ્યા ત્યાંથી સવાર.
ડૉ. અતુલ ઉનાગર
ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદ