દિશા ધીરે ધીરે મોટી થવા લાગી છે,એમ તો સુમેયભાઈ ઓફિસ ની દોડધામ, ઘર નું કામ આ બધામાંથી પણ સમય કાઢી ને દિશાનું પૂરેપૂરું ધ્યાન રાખી રહ્યાછે.
સવારે ઊઠે ત્યાંથી એને બ્રશ, નવરાવાનું,એને તૈયાર કરવી,જમવા કરવું દિશાને દૂધ અને નાસ્તો કરાવવો અને પછી ઓફિસે જવું એ સુમેયભાઈનો નિત્યક્રમ છે અને એકલા હાથે જ બધી જવાબદારીઓ બખુબી નિભાવી રહ્યા છે એક રૂમ રસોડાનો ફ્લેટમાં રહેતા સુમેયભાઈ અને દિશા ખૂબ જ આનંદ અને સુખેથી રહે છે.
દસ ના ટકોરે તો નેહા આવી જતી. "મમ્મી મમ્મી ચાલ ને આપણે રમીએ" કહેતી નાનકડી દિશા એવી તો વહાલી લાગતી કે કોઈનું પણ મન હરી લેતી ને સામે વાળું પણ એની સાથે બાળક બનવા મજબૂર થઈ જતું. સુમેયભાઈએ એમ તો ઘર માં ટીવી થી માંડી ને વોશિંગ મશીન, એસી તમામ સુવિધાઓ કરી આપી હતી એટલે નેહાને માત્ર દિશાને રમડવાની,ભૂખ લાગે તો ખવરાવાની બસ આ જ એનું કામ.સુમેયભાઈ દસ ત્રીસે તો ઓફિસે નીકળી જતાં.
ઓફિસ નાં કામકાજ અને ભાગદોડ માં દિશા વારે વારે યાદ આવતી.. એણે ખાધું હશે? રડતી તો નહિ હોય ને?ઊંઘી હશે કે નહિ??કામ પૂરું કરતાં સાડા છ વાગી જતાં ને સુમેયભાઈ રોજ દિશા માટે ચોકલેટ લેવાનું ના ભૂલતા.આમ ને આમ દિશા ત્રણ વર્ષની થઈ ગઈ.
"મમ્મી તું હવે જવું હોય તો જા" કહેતી દિશા એના પપ્પાને વળગી પડતી.ફરી સુમેયભાઈ નાહીધોઈ ને અર્ધો કલાક તેની સાથે રમી ને જમવાનું બનાવતાં અને જમી ને કામ પતાવી રોજ રાતે દિશાને નવી નવી વાર્તા સંભળાવતા.
રવિવારે બંને કોઈ વાર બગીચામાં ફરવા જતા ,રમતા અને બાકી નો સમય ઘરે જ વિતાવતાં.એક વાર સુમેયભાઈ તિજોરીમાંથી જરૂરી ફાઈલો અને કાગળિયાં કાઢી ને બેઠા હતા ત્યારે અંદરથી અમૃતાનો ફોટો નીકળીને નીચે પડ્યો," પપ્પા આ કોણ છે?" બેટા , એ આપણાં સગાં થાય છે. નાસમજ દિશા એના થી આગળ કઈ પૂછતી નહિ..
ઘણીવાર સુમેયભાઈ એકલા બેઠાબેઠા દીર્ઘ વિચારોમાં ખોવાયેલા જોવા મળતાં.દિશા સાત વર્ષની થઈ ગઈ પણ એના દિમાગ માં ઊંડે ઊંડે એ તસવીર કોતરાયેલી હતી કે આ ફોટો માં છે કોણ??હવે દિશા સમજણી પણ થઈ ગઈ હતી, કેટલીકવાર તે નેહા ને સવાલ કરતી કે મમ્મી આ કોણ છે????નેહા કહેતી કે એ મારી બહેનપણી છે? એવું મમ્મી... એ અહીં કેમ નથી આવતાં તો? બેટા આવશે... આ સવાંદ અનેક વાર નેહા અને દિશા વચ્ચે થતો.દિશાએ નાનપણથી જ નેહાને જ જોયેલી કે જે એનો ખયાલ રાખે એટલે દિશા નેહાને મમ્મી જ કહેતી.
સુમેયભાઈ અમૃતાને ક્યારેય ભૂલી શક્યા જ નહોતા,કે ના તો એમના મન માં એના માટે કોઈ ખારાશ હતી.એકદમ સૌમ્ય સ્વભાવના સુમયેભાઈ અને દિશા ખૂબ ખુશ હતા એમનાં જીવનમાં......અને દિશાને ક્યારેય અમૃતાની ખોટ પણ સાલવા દીધી નહોતી એમણે..
રોજની જેમ સુમેયભાઈ ઓફિસે જવા નીકળી ગયા.ઘરે દિશા ને નેહા.. લગભગ સવા બે થયા હશે ને ડોર બેલ રણક્યો.. ટ્રીન.. ટ્રીન...નેહા વિચારમાં પડી ગઈ કે સુમેયભાઈ હમણાં પાછાં તો ના આવે! દરવાજો ખોલ્યો તો નેહા પણ આવાક્ થઈ ગઈ, તમે?? દિશા તો તરત જ ઓળખી ગઈ એ તસવીર ને... આન્ટી! નેહા એમને અંદર લઇ ગઈ.. દિશાનાં બાળપણ થી માંડી ને અત્યાર સુધીના ફોટોઝ જોઈને મનમાં જ વિચારવા લાગી,ખરેખર સુમેયે કોઈ કમી નથી રાખી દિશાના ઉછેરમાં.. દિશા પણ આન્ટી આન્ટી કરીને વાતો કરવા લાગી.. આન્ટી તમે અત્યાર સુધી કેમ ન'તા આવતા? બેટા હું બહાર ગઈ હતી,થોડા દિવસ પહેલા જ આવી છું. .અમૃતા પાસે કોઈ જવાબ નહોતો દિશા ને આપવા..કશો વાંધો નહિ આન્ટી હવે તમે અહીં જ રહેજો હો ને? દિશા જાણતી જ નથી કે આજ એની મમ્મી છે.અને અમૃતાને દિલ માં પણ ઝાટકો વાગ્યો કે પોતાની દીકરી જ આન્ટી કહી ને બોલાવે છે,અને આ નેહાને મમ્મી!!!ખૂબ વાતો કરી ત્રણે એ અને સુમેયભાઈને આવવાનો સમય થઇ ગયો.
આજે ડોર બેલ વગાડવાની જરૂર જ ના પડી કેમ કે દરવાજો ખુલ્લો જ હતો, સુમેયભાઈ કળી ગયાં કે ઘરે કોઈ આવ્યું જ હોવું જોઈએ.
કોઈપણ જાતના અહોભાવ વગર અંદર આવતાં જ અમૃતાને જોતાં પૂછ્યું, કેમ છે અમૃતા?? અમૃતા પણ સ્તબ્ધ થઈ ગઈ,આજ થી સાત વરસ પહેલાં નાનકડી ફૂલ કેવી માસૂમ દિશાને મૂકીને અમૃતા ચાલી ગઈ હતી,પણ આ કેવી સમતા? કેવી મમતા? નદીનાં શાંત નીર જેવો સુમેય....કેટલી સહજતા અને સંયતતા!! અમૃતા મનોમન અપરાધભાવ અનુભવી રહી હતી એ ભૂલ માટે..નેહા ચા બનાવી કે નહિ મહેમાન માટે? કહેતા સુમેયભાઈ ફ્રેશ થવા ચાલ્યા ગયા.અમૃતા વિચારતી હતી કે તે સુમેયની માફી માંગી લેશે અને મનાવી લેશે સુમેયને...સાત વર્ષ પહેલાં જેવું ઘર છોડ્યું હતું એમાં ઘણો ફેરફાર આવી ગયો હતો.આજે સુમેયભાઈએ નેહા ને કહ્યું કે આજે જમી ને જજો.આજ સુધી એમણે ક્યારેય જમવા માટે આગ્રહ નહોતો કર્યો એટલે નેહા પણ રોકાઇ ગઈ.અમૃતાએ જમવા બનાવવાનું કહ્યું પણ સુમેયભાઈએ જાતે જ તૈયાર કર્યું જમવા અને નેહાએ થોડી થોડી મદદ કરી આપી.સુમેયભાઈએ એક પ્રશ્ન નથી કર્યો અમૃતા ને.બધા ચૂપચાપ જમ્યા.અમૃતા પણ વાત કેવી રીતે શરૂ કરવી એ જ દ્વિધામાં કશું કહી જ ના શકી.
જમીને બેઠા હતા ત્યાં નેહાએ કહ્યું કે ભાઈ હું નીકળું તો હવે? સુમેયભાઈએ હા કહ્યું.દિશા પણ બાય મમ્મી બાય મમ્મી કરતી દરવાજા સુધી ગઈ.અમૃતા ની આંખો ભીની થઈ ગઈ. આન્ટી તમે રડો છો કેમ? દિશાએ પૂછ્યું. કોઈપણ જાતના ખચકાટ વિના સુમેયભાઈ એ કહ્યું કે બેટા અમૃતા તારી મમ્મી છે.અમૃતા દિશાને ભેટી પડી અને ખૂબ રડી. દિશા કહેવા લાગી મમ્મી તમે હવે મારી જોડે જ રહેશો ને? મને મૂકી ને જતા નહિ રો ને?? ના બેટા! કહેતી અમૃતા દિશાને વહાલ કરવા લાગી અને સુમેયને કહેવા લાગી," મને માફ કરી દો સુમેય."આપણે ત્યાં એક કહેવત છે કે ગઈ ગુજરી ભૂલી જ જવાનું હોય.એમ સુમેયે પણ કહ્યું કે માફી શેની? હું તને માફ કરવા વાળો કોણ?તને યોગ્ય લાગ્યું હશે એવું તે કર્યું હશે.મે ક્યારેય તને છોડી જ નથી હા એક ખાલીપો હતો તારી જગ્યા નો પણ તે દિશાને મને સોંપી ને એ ખાલીપો પણ પૂરો કરી દીધો.અમૃતા સુમેયની આંખોમાં એ જોતી જ રહી એની મહાનતા, એક અકળ , નિષ્પાપ સરળતાને.. જાણે એ પણ આંખો થી જ પોતાની ભૂલોને ધોઈ રહી હતી..
લેખિકા - પ્રીતિ શાહ