અમાપ અંતર
મારી આંખો ઉપર હું કોઈ ભાર અનુભવી શકતો હતો. મારા હોઠમાંથી અવાજ કાઢવા હું મથી રહ્યો હતો. આંખો ખોલતા જ એક તેજ પ્રકાશ મારી આંખોમાં અંજાયો. મેં સામે નજર કરી તો કેલેન્ડરની તારીખ અને સાલ જોઈને ચમકી ગયો. 2030 1 લી જાન્યુઆરી જોઈને મારામાં જાણે શક્તિનો સંચાર થયો હોય એમ હું સફાળો બેઠો થયો.
મને બેઠો થતો જોઈ એક ઘરડાં માજી અંદર પ્રવેશ્યા.
"સર તમે ઉઠી ગયા??" તે માજીનું આમ કહેવું મને અજુગતું લાગ્યું.
"સર?? " મેં ચમકીને સવાલ કર્યો.
"સર યાદ કરો આપણે જ તો વર્ષો સુધી જુવાન રહે એવી દવાના પરીક્ષણ માટે આ બધું કર્યું હતું. " માજીની વાત સાંભળી મેં મારા દિમાગને રિવર્સ ગિયરમાં નાખી તે ઘટનાને યાદ કરવા લાગ્યો. મેં મારી આંખો બંધ કરી દીધી અને સમગ્ર ભૂતકાળની ઝાંખી કરવા લાગ્યો.
"અદિતિ... હું અને અદિતિ એકબીજાના ગળાડૂબ પ્રેમમાં હતાં. અદિતિનાં ઘરેથી લગ્ન માટે દબાણ હતું અને હું રહ્યો સાયન્ટિસ્ટ. મારા માટે ત્યારે મારું રિસર્ચ વધું મહત્વનું હતું. અદિતિએ મને ચોખ્ખી વાત જણાવી દીધી હતી કે તે કોઈ બીજા સાથે કયારેય લગ્ન નહીં કરે!
તેની વાત જાણીને મેં તેની પાસે છેલ્લી વસ્તુ માંગી હતી કે તે મારી રાહ જોશે. મારા ઉંમર ના વધવાની દવાનું સફળ પરીક્ષણ માટે મેં અદિતિને પાસે થોડા વર્ષો માંગ્યા હતાં. આજે દસ વર્ષ બાદ હું બેઠો થયો છું અને ટાઈમ ટ્રાવેલમાં 2020માં જઈને મારી અદિતિને પાછી લાવીને તેની સાથે આરામથી જીવન પસાર કરીશ.
આટલું યાદ કરતાં તો મારી આંખોમાં પાણી આવી ગયા. અદિતિ અને મારી વચ્ચેનું અમાપ અંતર દૂર થવા જઈ રહ્યું હતું.
હું તરત ઉભો થયો અને બાજુમાં રહેલ ટાઈમ ટ્રાવેલ પાસે જઈને તારીખ સેટ કરવા લાગ્યો.
"સર તમે આ ખોટું કરી રહ્યા છો. " માજીએ તેમનાં તૂટક અવાજમાં મને કીધું.
"મને બધું યાદ આવી ગયું છે. હવે મારે બસ મારી અદિતિને પાછી લાવવાની છે. " મેં માજીને હોઠ પર આંગળી મૂકી ચૂપ રહેવાનું કહ્યું.
હમમમમમ... "21 જૂન તારીખ રાખું. ત્યારે અદિતિની બર્થડે હતી. ત્યારે જ એને સરપ્રાઈઝ આપીશ. " આટલું બબડતો હું ખુશ થઈને મશીનમાં સ્ટાર્ટનું બટન દબાવી અંદર બેસી ગયો.
સમય વહેતો ગયો ને હું 21 જૂન 2020 એ મારી લેબમાં આવી ગયો. મેં જોયું તો બાજુનાં ખાટલે હું સૂતો હતો. બહાર પેલા માજી બીજું કોઈ નહીં પણ મારી આસિસ્ટન્ટ મેઘના હતી પણ એનું આમ દસ જ વર્ષમાં ઘડપણ આવવું મને અજુગતુભર્યું લાગ્યું પણ મારા માટે હમણાં આ બધું વિચારવાનો સમય નહોતો. મારે ગમે તેમ કરીને અડધો કલાકમાં અદિતિને મળીને તેને લઈને ટાઈમ ટ્રાવેલમાં પાછા ફરવાનું હતું, નહીં તો મારું અસ્તિત્વ જોખમમાં મુકાય એમ હતું.
હું દોડીને બહાર આવ્યો ને ઓટો કરી સીધી અદિતિનાં ઘરે જવાં નીકળ્યો. ત્યાં જઈને મેં દરવાજો ખટખટાવ્યો.
દરવાજો ખુલ્યો તો સામે અદિતિનાં મમ્મી અશ્રુભીની આંખે મારી સામું જોઈ રહ્યા હતાં.
"આંટી હું શુભમ. અદિતિ ક્યાં છે? " મેં થોડા ગંભીર થઈને પૂછ્યું.
તેમણે રડતી આંખોએ મને આવકાર્યો. તેમનાં સફેદ કપડાં જોઈને હું સમજી ના શક્યો પણ મારી અદિતિનાં પ્લાસ્ટિક બેગમાં લપેટાયેલ શવને જોઈને હું આંટીના આંસુ અને તેમનાં સફેદ કપડાંને સમજી તો ચૂક્યો હતો પણ હું શૂન્યમયન્સક બનીને અદિતિને જોઈ રહ્યો હતો.
અદિતિનાં પપ્પા મને ઓળખતા હતાં. તેઓએ મારી પાસે આવીને કહ્યું કે અદિતિને કોરોના વાયરસની કોઈ બીમારી લાગી હતી જેમાં તેનું મૃત્યુ થયું. અદિતિનાં હાથ પર મેં મારો હાથ મૂક્યો પણ અમારાં વચ્ચે પ્લાસ્ટિકની માફક અમાપ અંતર આવી ચૂક્યું હતું.
હું ત્યાંથી નીકળીને પાછો લેબમાં આવી ટાઈમ ટ્રાવેલથી વર્તમાનમાં આવી ગયો. મને આવતો જોઈને માજીએ મને પાણીનો ઠંડો ગ્લાસ આપ્યો.
"મેઘના હું ફરી ટાઈમ ટ્રાવેલમાં જઉં છું. અદિતિને બચાવીને હું તેને જીવતી રાખીશ. " મેં દિમાગ પર જોર લગાવી ખુશ થતાં કહ્યું.
"સર પહેલાં મારી પૂરી વાત સાંભળી લો. તમે હાલમાં 2070માં છો. તમે આજે જે ભૂલ કરી એવી દસ વાર કરી ચૂક્યા છો પણ મેં જ એને દર વખતે સુધારી છે. જે અદિતિને તમે દિલોજાનથી ચાહો છો એ તમને પ્રેમ નહીં પણ દગો આપતી હતી. તમારા પરીક્ષણ બાદ મેં જયારે જોયું તો અદિતિ બીજા છોકરા સાથે રંગરેલિયા મનાવતી હતી. તમે આજ સુધી મારી પૂરી વાત નથી સાંભળી પણ આજે સાંભળી લો એટલે હકીકતનો સામનો તમે કરી શકો. તમે જયારે પ્રથમ વખત પાછા આવ્યા હતાં ત્યારે ટાઈમ ટ્રાવેલમાં જઈને તમે અદિતીનું કારસ્તાન જોઈ ચૂક્યા હતાં પણ સમયનાં અભાવે તમે પાછા આવી ગયા. બીજી વખતે પણ તમે પૂરું જાણ્યા વગર તેનું કારસ્તાન તો જોઈ ગયા પણ કાંઈ કરી નાં શક્યા. ત્રીજી વખતે તમે ગયા અને અદિતિને દગાનું કારણ પૂછ્યું! બદલામાં તે તમને મારવાં સામી થઇ પણ તમારો સમય સમાપ્ત થતાં તમે બચી ગયા. ચોથી વખતે તમે ગયા તો તમને યાદ આવ્યું કે અદિતિને કોરોના વાયરસનો ચેપ લાગ્યો છે અને તમે હોસ્પિટલમાં જઈને તેને મારી નાખી. હવે પાંચમી વખતે તમે ગયા તો અદિતિ મરી ચૂકી હતી અને તમે હેમખેમ પાછા આવી ગયા. સારું થયું કે તમને હવે મારા કહ્યા બાદ બધું સમજમાં આવી ગયું હશે. "
હું મેઘનાની વાત સાંભળીને અચંબિત થઇ ગયો. તેની સારસંભાળ જોઈને મને તેની તરફ આકર્ષણ પેદા થઇ ગયું.
"મેઘના તો શું દવાની અસર થતાં પચાસ વર્ષ લાગે છે? "
"હા સર. તમારું પરીક્ષણ સફળ ના થઇ શક્યું. " મેઘનાએ આટલું કહીને પોતાનો કરચલીભર્યો હાથ મારા હાથમાં તો મૂક્યો પણ અમારાં વચ્ચે અમાપ અંતર રહી ગયું.