પ્રકરણ - 1
વહેલી પરોઢિયે એલાર્મ વાગ્યું અને રેશ્મા સફાળી જાગીને પથારીમાં બેઠી થઈ. બાજુમાં સુતેલી તેની નાની દીકરી રીંકુના માથા પર હળવેકથી હાથ ફેરવ્યો અને ગાલ પર ચુંબન કર્યું. પછી બેડરૂમમાંથી તે રસોડામાં ગઈ અને ન્હાવા માટે ગેસ પર તપેલામાં પાણી ગરમ કરવા માટે મૂક્યું. આજે તે ખૂબ જ ખુશ હતી કરણ કે રજાનો દિવસ હતો અને રીંકુના પપ્પા વીરેન રીંકુ અને રેશ્માને બહાર ફરવા લઈ જવાના હતા. વીરેન એક મોટી સોફ્ટવેર કંપનીમાં નોકરી કરે છે. પગાર પણ સારો છે. છેલ્લા ત્રણ વર્ષથી તેઓ ગાંધીનગરમાં વસવાટ કરે છે. રેશ્મા તેના પતિ વીરેનને હંમેશા રીંકુના પપ્પા કહીને બોલાવતી અને વીરેન પણ રેશ્માને નામથી નહીં પણ રીંકુની મમ્મી કહીને જ બોલાવે. ત્રણ જણાનું નાનું કુટુંબ. પોતાની દીકરી રીંકુ પર બંને જણા ખૂબ જ હેત વરસાવે. રીંકુ હજુ ત્રણ વર્ષની થઈ છે, પોતાની કાલીઘેલી ભાષામાં બોલતા તે ખૂબ જ રૂડી લાગે. રેશ્મા બેડરૂમમાં આવે છે અને ટેબલ પર રાખેલો પોતાનો મોબાઈલ હાથમાં લઈ ડેટા ચાલું કરે છે અને વોટ્સએપ પર મેસેજ ચેક કરે છે. બે-ત્રણ ગુડ મોર્નિંગના મેસેજ હતા તે જોઈને ફરી ડેટા બંધ કરે છે. પછી વીરેન અને પોતાના મોબાઈલને ચાર્જ પર રાખી દે છે. વીરેન હજુ ઘસઘસાટ ઊંઘમાં સૂતો છે વિચાર્યું કે પછી જગાડું. રેશ્મા ઝડપથી રસોડામાં જાય છે ત્યાં ગેસ પર મૂકેલું પાણી ઊકળી રહ્યું હતું. ગેસ બંધ કરે કરે છે ડોલમાં પાણી લઇ જાય છે અને નાહીધોઇને ફ્રેશ થઈ જાય છે.
તૈયાર થઈને રેશ્મા વીરેન સૂતો છે તેના ખભે હાથ રાખીને ખભાને હલાવે છે. જાગોને હવે સવાર થઈ ગઈ છે, આપણે જવાનું નથી? પછી મોડું થઈ જશે. જાગોને હવે સાત વાગવા આવ્યા છે. વીરેન પડખું ફરે છે અને ઊંઘમાં જ કહે છે થોડી વાર સુવા દેને હવે ખૂબ જ ઊંઘ આવે છે. રેશ્મા બોલી આખી રાત તો સુતા છો હવે જાગો તમે. હું ઝડપથી ચા-નાસ્તો બનાવું છું. આમ કહી રેશમા રસોડામાં જાય છે. ફ્રીઝ ખોલે છે, વચ્ચેના ખાનામાં અડધી કાપેલી દૂધી પડી છે. વિચાર્યું કે દૂધીના થેપલા બનાવી દઉં. પણ વીરેનને દૂધીની બનાવટ ઓછી ભાવે. ફ્રીઝમાં નીચેના ખાનામાં મેથીની ભાજી હતી તે થાળીમાં લીધી અને ધોઈને ચપ્પુથી સમારવા લાગી. બીજી બાજુ ગેસ પર વીરેન માટે પાણી ગરમ કરવા માટે મૂક્યું. ભાજી સમારતા-સમારતા તેણે વીરેન ને બૂમ પાડી એ ઉઠો હવે હું તમારા માટે મેથીના થેપલા બનાવું છું. વીરેન બગાસાં ખાતો રસોડામાં આવે છે. રીંકુની મમ્મી ગુડ મોર્નિંગ. રેશ્મા પણ બોલી વેરી ગુડ મોર્નિંગ મારી રીંકુના પપ્પા. જલદીથી તૈયાર થઈ જાવ હું ઝટ ચા-નાસ્તો બનાવી દઉં. એમ કહી ડોલમાં ગરમ પાણી રેડે છે. વીરેન ડોલ લઈને ન્હાવા માટે જાય છે.
રેશ્મા ગેસ પર થેપલા બનાવતી જાય છે અને ધીમા અવાજે ગીત ગણગણતી જાય છે. એટલામાં મોબાઈલની રીંગ વાગે છે. રેશ્મા દોડીને બેડરૂમમાં જાય છે. મોબાઈલને ચાર્જમાંથી કાઢે છે જોયું તો પોતાના પિયર અમદાવાદથી તેના મમ્મીનો ફોન હતો. પોતાના બંને હાથ થેપલા બનાવવાના લોટથી ખરડાયેલા હતા. સહજતાથી પોતાની ટચલી આંગળી વડે સ્વાઇપ કરીને કોલ રીસીવ કર્યો. મોબાઈલ કાન અને ખભા વચ્ચે દબાવીને - હેલ્લો મમ્મી આજે સવાર-સવારમાં કઈ રીતે મને યાદ કરી. સામેથી - હા બેટા, આજે રજા છે તો થયું તારી સાથે થોડી વાત કરી લઉં. ફોન ખભા અને કાન વચ્ચે દબાવીને જ રેશ્મા રસોડામાં જાય છે. પપ્પાને કેમ છે મમ્મી? ભાઈ અને ભાભી સારા છેને? મમ્મી - હા બેટા બધા જ સારા છે. મારું રીંકુડુ શું કરે છે? રેશ્મા - હજુ એ જાગ્યું નથી મમ્મી. રીંકુના પપ્પા થોડી વાર પહેલા જ ન્હાવા ગયા. આજે અમે ફરવા જવાના છે. તો ઘરનું કામકાજ પતાવવા હું વહેલી જાગી ગઈ. અત્યારે મેથીના થેપલા બનાવું છું. મમ્મી - તમે ક્યાં ફરવા જવાના છો બેટા? ફરવા જાવ ત્યાં ફોટા પાડો એ વોટ્સએપ પર મને મોકલજે. રેશ્મા - રીંકુના પપ્પાએ હજુ મને કીધું નથી. દર વખતે અલગ-અલગ જગ્યાએ ફરવા લઇ જાય છે. હું પણ એમને નથી પૂછતી એમની પસંદગીની જગ્યા સારી જ હોય. મમ્મી - સારું બેટા હવે કામ કર નહીં તો તમારે મોડું થઈ જશે. રેશ્મા - હા મમ્મી ઘરે બધાને યાદ આપજે. બાય મમ્મી, સામેથી - ઓકે બેટા બાય, રીંકુનું ધ્યાન રાખજે. કહી ફોન મુકે છે.
વીરેન નાહીધોઇને ફ્રેશ થઈને આવે છે. રીંકુના મમ્મી મારુ યોગા કરવાનું આસન ક્યાં મૂક્યું છે. રેશ્મા રસોડામાંથી જ બોલે છે. કબાટમાં વચ્ચેના ખાનામાં જુઓ રીંકુના કપડાં છે ત્યાં ઉપર જ ઘડી વાળીને મૂક્યું છે. એ હા મળી ગયું, કહી પોતાનો મોબાઈલ ચાર્જમાંથી કાઢી વીરેન આગળના હોલમાં જાય છે. હોલમાં સામેની દિવાલને અડીને કોમ્પ્યુટરનું ટેબલ છે, એ ટેબલનું ખાનું ખોલે છે અને ઈયર ફોન લઈ લે છે. પછી ત્યાંજ ટેબલની બાજુમાં આસન પાથરે છે અને અર્ધપદ્માસનની અવસ્થામાં બેસે છે. આંખો બંધ કરે છે અને ત્રણ વાર ૐ કાર નો ઉચ્ચાર કરે છે. થોડી વાર ધ્યાનમાં બેસે છે. પછી હળવેકથી આંખો ખોલે છે અને ઈયર ફોન કાનમાં નાખી મોબાઈલમાં મેડિટેશનની ધૂન ચાલુ કરે છે. ધૂન સાંભળતા-સાંભળતા વીરેન પ્રાણાયામનો અભ્યાસ કરે છે. કપાલભાતી, ભસ્ત્રિકા અને અનુલોમવિલોમ આ ત્રણ પ્રાણાયામનો અભ્યાસ વીરેન દરરોજ કરે છે. અડધો કલાક જેટલો સમય પ્રાણાયામ કર્યા બાદ આસનને સંકેલીને કબાટમાં હતું ત્યાં પાછું મૂકી દે છે. ઈયર ફોન પણ હતી ત્યાં મૂકી દે છે. પછી હોલમાં સોફા પર પલાંઠી વાળીને બેસી જાય છે. સોફાની આગળ નાનું ટેબલ છે તેની ઉપર ચાર-પાંચ ચોપડીઓ મુકેલી છે. તેમાંથી એક ચોપડી લે છે, જે જ્યોતીન્દ્ર દવે લિખિત હાસ્ય પ્રસંગોને લગતી ચોપડી છે તે વાંચે છે. મનમાં ને મનમાં વીરેન ચોપડી વાંચતા હસી રહ્યો છે.
રસોડામાંથી રેશ્માનો અવાજ આવે છે. એ સાંભળો છો? સાંજે રીંકુ જાગી ગઈ હતી તો ફ્રીઝમાં દૂધ હતું તે પીવડાવ્યું હતું. બહાર પેલા છગનકાકાની દુકાનેથી દૂધની એક કોથળી લઇ આવોને. વીરેન મોટેથી બોલે છે, હા જાવ છું. બીજું કંઈ લાવાનું છે? રેશ્મા બોલી ના કંઈ નહીં. વીરેન બેડરૂમમાં જઈને બેડની બાજુમાં ટેબલ પર રાખેલું પોતાનું પાકીટ ખોલી વીસ રૂપિયા કાઢે છે અને દૂધ લેવા માટે જાય છે. દુકાન ઘરની નજીક જ હતી. દુકાને જઈને, છગનકાકા દૂધની એક વીસ વાળી કોથળી આપોને. છગનકાકા ફ્રીઝમાંથી કાઢીને આપે છે. તે લઈને વીરેન ઝડપથી ઘરે જાય છે અને રેશ્માને આપે છે. એટલામાં રીંકુ જાગી જાય છે અને મમ્મા.... મમ્મા.... બોલતી દોડીને આવે છે અને રેશ્માને વળગી પડે છે. રેશ્મા તેને ઊંચકી લે છે અને વ્હાલ કરે છે. રીંકુ હજુ થોડું-થોડું બોલતા જ શીખી છે. રેશ્મા રીંકુને રમાડતા રમાડતા કહે છે, મારું દિકુડું જાગી ગયું, નાજી-નાજી કલાનું છે, દિકુડું આજે ફરવા જાનું છે. એમ રમાડીને રીંકુને ન્હાવા માટે લઈ જાય છે.
વીરેન હોલમાં આવીને સોફા પર બેસે છે. હાથમાં પુસ્તક લીધું પણ પાછું ટેબલ પર મૂકી દીધું. તે ઉભો થયો અને કમ્પ્યુટર ટેબલ પાસે ખુરશી લઈને બેઠો. સી.પી.યુ. નું બટન દબાવ્યું, કમ્પ્યુટર શરૂ થયું. ત્યારબાદ તે કમ્પ્યુટર માં ઇ-મેઈલ ચેક કરે છે. વીરેન જે સૉફ્ટવેર કંપનીમાં જોબ કરે છે ત્યાંથી ઘણા-બધા મેઈલ વીરેનને આવતા. એક પછી એક મેઈલ તે ચેક કરતો જાય છે. મેઈલ ચેક કર્યા બાદ યુ ટ્યુબ ઓપન કરે છે. તેમાં લાઈવ સંદેશ ન્યુઝની ગુજરાતી ચેનલ શરૂ કરે છે. ન્યુઝમાં એન્કર દેવાંશી ચાર નેતાઓ સાથે રાજ્યની ગંભીર સમસ્યા અંગે પ્રશ્નો પૂછી રહી છે અને તેના સમાધાનની ચર્ચા ચાલી રહી છે. વીરેન ધ્યાનથી તે જોઈ રહ્યો છે. થોડી વાર સમાચાર જોયા બાદ કમ્પ્યુટર ટર્ન ઑફ કરી દે છે. એટલામાં રેશ્મા પણ રીંકુને નવડાવીને બેડરૂમમાં લઈ જઈ તૈયાર કરી દે છે. પછી વીરેન હોલમાં બેઠો છે તેની બાજુમાં બેસાડી દે છે અને કહે છે હવે પપ્પા સાથે રમો. હું ચા બનાવી દઉં, કહી રસોડામાં જઈ ચા બનાવે છે.
વીરેન રીંકુને રમાડે છે. રીંકુ માટે નાની સાઇકલ લાવ્યા હતા તેના પર રીંકુને વીરેન ઊંચકીને બેસાડી દે છે. પછી પાછળથી સાઈકલને ધક્કો મારી પીપ...પીપ...પીપ... પીપીપ પીપ..... બોલતો જાય છે. રીંકુને ખૂબ જ મજા પડે છે અને ખૂબ જ હશે છે. વીરેન ને પણ વહાલસોયી રીંકુને રમાડવાની ખૂબ જ મજા આવે છે. રેશ્મા રસોડામાંથી બુમ પાડે છે. રીંકુ ને રીંકુના પપ્પા ચાલો ચા-નાસ્તો રેડી છે. વીરેન સાઈકલને ધક્કો મારીને રીંકુને રસોડામાં લઇ જાય છે. રેશ્મા નીચે ત્રણ આસન પાથરે છે. ત્રણેય જણા આસન પર બેસે છે. રીંકુ ને ચા ભાવે નહી એટલે એના માટે દૂધ ગરમ કર્યું હતું. તે વાડકીમાં કાઢી આપે છે. વીરેન અને રેશ્મા ચા પીએ છે અને સાથે નાસ્તો પણ કરે છે. રેશ્મા વીરેનને કહે છે કબાટમાંથી તમારા ક્યાં કપડાં કાઢવાના છે. વીરેન બોલ્યો તને જે ગમે તે કાઢજે. તારી પસંદ એજ મારી પસંદ છે. એમ કહી વીરેન રેશ્માની આંખો માં જોઈ રહે છે. રેશ્મા પણ વીરેનની આંખોમાં આંખો પરોવી એક જ નજરે પાપણ પલકાવ્યા વગર જોઈ રહે છે. જાણે ઘણા સમય પછી એક-બીજાને મળ્યા હોય એ રીતે આંખોથી તાકી રહ્યા. પછી ભૂતકાળની યાદોમાં બંને જણા સરી પડ્યા.
ક્રમશઃ........
- ઢોડિયા ધવલ